સૌરાષ્ટ્રને દક્ષિણસાગર કિનારે પુરાણપ્રસિદ્ધ પ્રભાસક્ષેત્રમાં, પાટણપુરે, પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે, ભગવાન સોમનાથ શાશ્વત કાળથી બિરાજી રહ્યા છે. ગરવી ગુજરાતનાં ગીત ગાતા કવિ વીર નર્મદે એને “છે સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ”- એમ કહીને સ્મર્યા છે, પણ એ દેવાધિદેવ કેવળ ગૂજરાતના જ નહિ, પણ સમગ્ર ભારતવર્ષના આરાધ્ય દેવ તરીકે મનાતા આવ્યા છે, પંકાતા આવ્યા છે, પૂજાતા આવ્યા છે.

વેદોમાં પ્રભાસક્ષેત્ર

આ પ્રભાસક્ષેત્ર અને પાટણપુરીની પુરાતનતાના સગડ તો ઠેઠ ૠગ્વેદના ખિલ સૂક્તમાંથી સાંપડે છે :

यत्र प्राची सरस्वती यत्र सोमेश्वरो देवः ।
तत्र मा अमृतं कृधि इन्द्रयेन्द्रो परिस्रवः ॥

યજુર્વેદના પરિશિષ્ટમાં પણ-

सरस्वती तु पंच धा देशेऽस्मिन्नभवत्सरित्

આ પ્રમાણે મળે છે.

પુરાણોમાં પ્રભાસક્ષેત્ર :

અઢાર મહાપુરાણોમાંથી લગભગ અગિયારેક મહાપુરાણોમાં આ પ્રભાસક્ષેત્રને ‘તીર્થોત્તમ’ ગણવામાં આવ્યું છે. એમાંય સ્કંદપુરાણમાં તો આ માટે આખો ‘પ્રભાસખંડ’ અપાયો છે. એમાં પ્રભાસનાં ઇતિહાસ- ભૂગોળ, તીર્થસ્થાનો અને માહાત્મ્ય વાર્તારૂપે વર્ણવ્યાં છે. સંભવત: ઈસુની સાતમી કે આઠમી સદીમાં લખાયેલા આ ખંડમાં ઘણી અતિશયોક્તિ હોવા છતાં ઐતિહાસિક્તા ઉવેખાઈ હોવા છતાં – કેટલીક શુદ્ધ અને નિ:શંક માહિતી એમાંથી મળતી હોઈને એ મહત્ત્વનો છે.

દક્ષ પ્રજાપતિની સત્યાવીશ કન્યાઓને ચંદ્ર પરણ્યો હતો, પણ એણે એમાંની રોહિણીને જ માનીતી કરીને બીજી છવ્વીસની ઉપેક્ષા કરી એટલે દક્ષપ્રજાપતિએ એને શાપ આપ્યો એથી એને ક્ષયરોગ લાગુ પડ્યો. ચંદ્ર ક્ષીણ થવાથી ધરતીની વનસ્પતિઓ કરમાવા લાગી એટલે ઋષિઓએ ચંદ્રની શાપમુક્તિ માટે દક્ષને વિનંતી કરી. દક્ષે આ માટે સાગર અને સરસ્વતીના સંગમસ્થાને તપશ્ચર્યાથી ભગવાન સદાશિવને પ્રસન્ન કરવાની ચંદ્રને સલાહ આપી. ચંદ્રના તપથી પ્રસન્ન થયેલા સદાશિવે પ્રકટ થઈને ચંદ્રને એક પખવાડિયું ઘટતા જવાની અને એક પખવાડિયું વધતા રહેવાની અડધી શાપમુક્તિ આપી. ત્યાં ચંદ્રને કુકડાના ઈંડાના આકારનું સ્વયંભૂ જ્યોતિર્લિંગ મળ્યું. અને એણે એનું પ્રભાસમાં પ્રતિષ્ઠાપન કર્યું.

બીજી કથા પ્રમાણે એક વાર દેવોએ દધીચિ ઋષિને સાચવવા આપેલાં શસ્ત્રાસ્ત્રોનું તેજ ઋષિ પી ગયા હતા. કારણ કે એમણે આરંભેલી હિમાલય યાત્રામાં આ શસ્ત્રાસ્ત્રોને સાથે રાખીને સાચવવાનું તેમને માટે શક્ય ન હતું. પછી જ્યારે દેવોને પોતાનાં શસ્ત્રોની જરૂર પડી ત્યારે તેજ વગરનાં ખાલી ખોખાં જોઈને અને બનેલી વાતને જાણીને તેઓ બહુ દુ:ખી થયા. પણ દધીચિની પોતાની જ સૂચના પ્રમાણે ઋષિની હત્યા કરીને દેવોએ તેમનાં હાડકાંમાંથી હથિયારો બનાવ્યાં. દધીચિના દીકરા પિપ્પલાદે બાપની હત્યાનું વેર લેવા તપ કરીને વડવાનલ સાધ્યો અને એને દેવોનો નાશ કરવાની આજ્ઞા કરી. આથી ગભરાયેલા દેવોએ ભગવાન વિષ્ણુની પાસે રક્ષણ માગ્યું. વિષ્ણુએ પિપ્પલાદને રોજ એક એક દેવને જ મારવાની સલાહ આપી. એટલે પિપ્પલાદે પહેલાં જળદેવતાનો નાશ કરવા માટે વડવાનલને કહ્યું. સરસ્વતીનું વાહન કરીને વડવાનલ આખો સાગર પી જવા માટે પ્રભાસક્ષેત્રે પહોંચ્યો. વડવાનલનું વાહન બનેલી આ સરસ્વતી પણ દેવધેનુઓ દ્વારા ધરતી પર પડવાનો શાપ પામેલી હતી. કારણ કે જ્યારે દધીચિનાં હાડકામાં ચોંટેલું માંસ ચાટીને દેવધેનુઓ એને હથિયાર બનાવવા યોગ્ય કરી રહી હતી ત્યારે આ સરસ્વતીએ એ ગાયોની હાંસી કરી હતી. એટલે ગાયોએ એને ધરતી પર પટકાવાનો શાપ આપ્યો હતો. હવે, વડવાનલ પોતાને જલદેવ – સાગર સુધી પહોંચાડી દેવા બદલ સરસ્વતી ઉપર પ્રસન્ન થયો અને સરસ્વતીને એણે વરદાન માગવા કહ્યું. વિષ્ણુની સૂચના પ્રમાણે સરસ્વતીએ એને સોય જેવડું મુખ કરીને જ સાગર શોષવાનું વરદાન માગ્યું એટલે જ સાગર કદી સુકાતો નથી!

પ્રભાસક્ષેત્રની ઐતિહાસિકતા :

એવું આ પુરાણપ્રસિદ્ધ પ્રભાસક્ષેત્ર આજે પ્રભાસપાટણને નામે જાણીતું છે અને પ્રાગૈતિહાસિક કાળથી માંડીને આજ સુધી મહિમામંડિત રહ્યું છે. હિરણ્ય નદીને કિનારે કરાયેલું ઉત્ખનન એને હડપ્પા સંસ્કૃતિની નગરમાલાનું પશ્ચિમ દિશાનું છેલ્લું ‘મીનુર’ નામનું મુખ્યનગર ગણાવે છે. ત્યાર પછી સાગર માર્ગેથી સૂર્યવંશી આર્યોએ આવીને એના ઉપર વર્ચસ્ સ્થાપ્યું અને એનું નામ ‘ભાસ્કરતીર્થ’ કે ‘અર્કતીર્થ’ પાડ્યું. એ જ પ્રમાણે પછીથી ચંદ્રવંશી આર્યોએ આવીને એને સોમતીર્થ નામ આપ્યું. અને પાછળથી બન્ને આર્યશાખાઓના થયેલા સમાધાનને પરિણામે એ ‘પ્રભાસ’ કહેવાયું. જોકે એ વિદ્યાકેન્દ્ર હોવાથી અથવા સરસ્વતીને તીરે હોવાથી એનું ‘સારસ્વતતીર્થ’ તરીકેનું નામ તો એ સમયગાળામાંય ચાલુ જ રહ્યું હતું.

આ પ્રભાસક્ષેત્રે ઇતિહાસના કેટકેટલાં ઉત્થાન- પતન અનુભવ્યાં છે, કેટકેટલી સમૃદ્ધિય માણી છે, કેટકેટલાં અંધારાંય ગોપવ્યાં છે. કેટકેટલા રાજપલટા નીરખ્યા છે, એણે અનેક વાર પોતાનાં નામો બદલ્યાં છે, અનેક વાર પોતાના ક્ષેત્રવિસ્તારની વધઘટ કર્યા કરી છે, કાળની કેટકેટલી થપાટો એણે સહન કરી છે. કંઈ કેટકેટલી ઘટનાઓનું એ સાક્ષી બન્યું છે! એણે યાદવાસ્થળીનો હત્યાકાંડ નિહાળ્યો છે, એણે શ્રીકૃષ્ણ ભગવાનના સ્વધામગમનનો શોક અનુભવ્યો છે. ઈસુ પૂર્વેની છઠ્ઠી સદીમાં પ્રસરેલા બૌદ્ધધર્મને ખાળવા આર્ય-અનાર્યના થયેલા સમાધાનના ફળસ્વરૂપ સ્થપાયેલા સીધા-સાદા-સચોટ શૈવધર્મનું સમગ્ર ભારતનું અગ્રિમ પીઠસ્થાન પણ એ બન્યું છે. ભગવાન કૌટિલ્યે (ચાણક્યે) અહીં જ વૈદિક ધર્મનો પ્રચાર કર્યો હતો. એના વૈભવથી આકર્ષાઈને ગ્રીક સરદાર ડેમેસ્ટ્રીયસે ઈ.પૂ. ૧૮૫માં કદાચ આ જ પ્રભાસ-પાલટેન-જીતવા મનસૂબો કર્યો હોવાનું મનાય છે. ઈ.સ. ૧૨૦ની આસપાસ નહપાનના જમાઈ ઉપવદાતે અહીં જ યાત્રાર્થે આવીને આઠ બ્રાહ્મણકુમારીઓનાં કન્યાદાન દીધાં હતાં. અહીં જ ગુપ્તકાળમાં કેટલાંય નવાં મંદિરો બંધાવાયાં હતાં. અને એના નિભાવ અર્થે ગ્રામદાન થયાં હતાં, તે પછી અહીં જ સૂર્યપૂજક વલભી રાજાઓએ સોળ સૂર્યમંદિરોનું નિર્માણ કર્યું હતું. વૈદિકેતર ધર્મસંપ્રદાયો પણ આ ક્ષેત્રથી આકર્ષાઈને અહીં જ પોતપોતાનાં કેન્દ્રો સ્થાપવા અને મંદિરો બાંધવા મથતા હતા.

પાટણક્ષેત્રની ગરિમા :

આમ ઇતિહાસમાં પ્રભાસતીર્થનો કીર્તિકલશ ચમક્યો પણ છે તો એનું તેજ ઓઝપાયું પણ છે અને છતાંય ‘અંત:સલિલા સરસ્વતી’ની પેઠે એની અને એના અધિષ્ઠાતા સોમનાથનો મહિમા વૈદિક કાળથી માંડીને આજ સુધી જાણે કે અકબંધ જ રહ્યા કર્યો છે!

ઈ.સ. ૭૭૦માં આરબ સરદાર જુનાઈદના આક્રમણના ભયથી કેદારને (શિવને) જળસમાધિ અપાયાનો ઉલ્લેખ છે. વનરાજ ચાવડાએ પોતાના આ મૂળ વતનની યાદ તાજી રાખવા પોતાની રાજધાની અણહિલપુરના નામ પાછળ ‘પાટણ’ (૫-તન) શબ્દ જોડ્યો હતો. એ આ ક્ષેત્રની ગરિમાનું સાતત્ય સૂચવે છે. આ ચાવડાઓનું પ્રભાસક્ષેત્ર ઉપર જ્યાં સુધી વર્ચસ્ રહ્યું, ત્યાં સુધી, એટલે ઈસુની આઠમી સદી સુધીમાં તો પ્રભાસક્ષેત્રની અને એના અધિષ્ઠાતા દેવ ભગવાન સોમનાથની કીર્તિ સમગ્ર ભારતવર્ષમાં ફેલાઈ ગઈ હતી. મધ્યયુગના ભારતના અનેકાનેક રાજાઓ અરસપરસ ભલે લડતા-ઝઘડતા રહ્યા હોય છતાં એ સૌએ પોતાના આ ઇષ્ટ-આરાધ્ય સોમનાથજીની યાત્રાઓ કરી હતી. એમણે અનેક ભેટસોગાદો ભગવાન સોમનાથને ચરણે ધરી હતી. જોકે પ્રભાસક્ષેત્રમાં પરસ્પર વિરોધી એ રાજાઓના અવાર નવાર જામતા રહેતા સંઘર્ષોથી પ્રભાસક્ષેત્રની પ્રજાને તો તક્લીફો ખમવી પડતી.

સોમનાથ પરના આક્રમણો :

આ પછીના કાળમાં પ્રભાસક્ષેત્ર અને સોમનાથ, ધર્મઝનૂની અને ધનલોભી વિધર્મીઓનાં ધસમસતાં ધાડાંઓનો શિકાર બનતાં રહ્યાં છે. નવ નવ વાર પ્રભાસક્ષેત્ર એ ઘાવ ઝીલતું રહ્યું છે અને સાત સાત વાર ભગવાન સદાશિવનું લિંગ ખંડિત કરવામાં આવ્યું છે. ઇતિહાસની તવારીખના આ આંકડાઓ ઉપરાંત પણ વણલખ્યાં આક્રમણોનો અને વેરાયેલા વિનાશનો અહીં કોઈ પાર રહ્યો નથી અને છતાં લગભગ દરેક વખતે પ્રજાએ, રાજાએ ફરીથી બેઠા થઈને મંદિર સમરાવ્યા કર્યું છે અને પુન: પુન: શિવલિંગની પ્રતિષ્ઠા થતી રહી છે અને કેટલાક કાલખંડને બાદ કરતાં એ શિવપૂજા અખંડ ચાલુ રહી છે.

આ પ્રહારપરંપરાનો પ્રારંભ ગઝનીના અમીર મહમદના આક્રમણથી ઈ.સ. ૧૦૨૬થી – થયો. દોઢેક લાખના કુલ લશ્કર સાથે રાજસ્થાન અને ગુજરાત લૂંટતો આ ધનલોભી ધર્માંધ સુલતાન ૧૦૨૬ની ૬ જાન્યુઆરીએ ત્રણ દિવસના યુદ્ધ પછી માંડ મંદિર સુધી પહોંચ્યો. એણે મંદિરનાં બહુમૂલ્ય રત્નો લૂંટ્યાં, પ્રભાસમાં અઢાર દિવસના ધામા નાખ્યા, લિંગભંજન કર્યું. પોતાના અનેક સરદારોને ભોગે એણે સંપત્તિ મેળવી.

આ યુદ્ધ દરમિયાન ૫૦,૦૦૦ રાજપૂતોએ સંરક્ષણ કરતાં કરતાં પોતાના પ્રાણ ગુમાવ્યા. મહમદ ગઝની પાછો ગયા પછી જૂનાગઢના રા’નવઘણ, ગુજરાતના ભીમદેવ, માળવાના ભોજ પરમાર અને અજમેરના વિશળદેવે મળીને મંદિર સમરાવ્યું અને પુન: લિંગપ્રતિષ્ઠા કરી. પૂજા ચાલુ થઈ, રાજામહારાજાઓ યાત્રાએ આવતા રહ્યા, સોમનાથ ભગવાનને ભેટો મળતી રહી, સિદ્ધરાજે યાત્રાવેરો પણ બંધ કર્યો. પણ એ સમરાવેલા મંદિરને સો એક વર્ષ થઈ ગયાં હતાં એટલે જીર્ણશીર્ણ થયેલા મંદિરનું પુન-નિર્માણ કરવાની જરૂર ઊભી થઈ હતી. એટલે સિદ્ધરાજના અનુગામી કુમારપાળે ૧૧૧૪માં એ કામ શરૂ કર્યું. એ કાર્ય કરવામાં કુમારપાળને હેમચંદ્રાચાર્યની પ્રેરણા હતી કે ભાવબૃહસ્પતિની તે ભલે નિશ્ચિત રીતે ન જાણી શકાયું હોય, પણ કુમારપાળે સોમનાથનું જીર્ણશીર્ણ મંદિર પુન:પાષાણોથી બંધાવ્યું હતું એ નિ:શંક વાત છે. પ્રભાસનો દુર્ગ આ કાળે બંધાયો, અનેક બીજાં મંદિરો પણ જુદા જુદા લોકો દ્વારા બંધાતાં રહ્યાં, વૈદિકેતર સંપ્રદાયનાં કેટલાંક મંદિર પણ અહીં આ કાળે બંધાયાં હતાં. મહમદ ગજનીએ સોમનાથ મંદિરનો ધ્વંસ કર્યો એ પહેલાં આ મંદિર ત્રણ વાર પુનર્નિર્મિત થયું હતું.

ઈ. સ. ૧૨૯૮માં અલપખાનની સરદારી હેઠળ અલાઉદ્દીન ખિલજીનાં સૈન્યોએ પાટણ ઘેર્યું, કરણ-વાઘેલા હાર્યો. ઈ. સ. ૧૩૦૦માં શિવલિંગને ખંડિત કરી, લોકોને લૂંટી અનેકોને ગુલામ બનાવી સૈન્ય પાછું ગયું. આ પછી તરત જ જૂનાગઢના રા’નવઘણ ચોથાએ ત્યાંના મુસ્લિમ થાણાંને હઠાવીને ઈ.સ. ૧૩૦૮માં મંદિરનો જીર્ણોદ્ધાર અને લિંગની પુન:- પ્રતિષ્ઠા કર્યાં.

પ્રભાસક્ષેત્રે થોડો સમય નિરાંતનો શ્વાસ લીધો ન લીધો ત્યાં તો મહમદ તઘલખના સૈન્યે એને ઘેર્યું. આ વખતે પ્રભાસના સ્થાનિક રાજા વિંજલાજી વાજા સોમનાથનું રક્ષણ કરતાં કરતાં વીરગતિ પામ્યા, સોમનાથનું મંદિર અને શિવલિંગ ખંડિત થયાં. પણ થોડાં વર્ષો પછી પાટણના ઠાકોર મેઘરાજ વાજાએ, જૂનાગઢના રા’ખેંગાર ત્રીજાની મદદથી પાટણનું સુલતાનનું થાણું ઉઠાડી મૂકીને મંદિરમાં લિંગની પુન:પ્રતિષ્ઠા કરી તો ખરી પણ ગુજરાતના સૂબા ઝફરખાનને આ સમાચાર મળતાં જ એણે ઈ. સ. ૧૩૬૭માં પ્રભાસ ઉપર આક્રમણ કરીને મેઘરાજ વાજાની હત્યા કરી અને પાછું મંદિર તોડી નાખ્યું. વળી ૧૩૭૭માં શહીદ થયેલા મેઘરાજના ભાઈ ભરમ રાજાએ અનુકૂળ સમય જોઈ લિંગની પુન:પ્રતિષ્ઠા કરી અને પાટણનો કિલ્લો મજબૂત કર્યો પણ ૧૩૯૫માં ઝફરખાન વજી ઉલ મુલ્કે પાછાં મંદિર અને લિંગને ખંડિત કરી દીધાં! તોય સોમનાથ પ્રત્યે લોકોની ભાવભક્તિ તો જુઓ! ફરી લિંગ પ્રતિષ્ઠા થયે જ રહી! બબ્બે વખત ‘એનું એ’ થતાં ખૂબ ક્રોધે ભરાયેલા ઝફરખાને મોટા સૈન્ય સાથે પ્રભાસ ઘેર્યું. યુદ્ધમાં પ્રભાસના છેલ્લા રાજપૂત રાજા બ્રહ્મદાસ વિજયરાજ વીરગતિ પામ્યા અને વાજા રાજવંશ અસ્ત થયો. અને સાથોસાથ બસ ત્યારથી માંડીને અમુક સમય સુધી સોમનાથની પૂજા અટકી ગઈ. હવે તો સોમનાથમાં ખંડન કરવા જેવું કશું રહ્યું ન હતું છતાં ગુજરાતના સુલતાને, સ્થપાયેલા એનાં થાણાંએ મૂર્તિભંજન, મંદિરભંજન અને ધર્માન્તરનો દોર ચાલુ રાખ્યો હતો. અને તોય જૂનાગઢના રા’માંડલિક ત્રીજાએ આ થાણાં હટાવીને ઈ. સ. ૧૪૫૧ અને ૧૪૫૬ની વચ્ચે ઉતાવળે ખાનગીમાં મંદિર સમરાવી મૂર્તિપ્રતિષ્ઠા કરવાની હિંમત કરી!

ઈ.સ. ૧૪૫૧માં ગુજરાતની ગાદીએ મહમૂદ બેગડો આવ્યો. એણે રા’માંડલિકને હરાવી, સોરઠ જીતીને મૂર્તિપૂજા પર પ્રતિબંધ મૂકી દીધો અને પ્રભાસમાંની ભાંગેલી મૂર્તિઓનેય પાછી ભાંગી, એવું ૧૪૯૦નો એક શિલાલેખ બોલે છે.

મહમૂદના આક્રમણ પ્રસંગે હમીરજી લાઠીઆ નામના વીર યુવાને અને તેના સસરા વેગડા ભીલે સોમનાથની સખાતે પોતાના પ્રાણ આપ્યા એવી લોકકથા ખૂબ પ્રચલિત છે. એ બંનેના પાળિયા પણ બતાવવામાં આવે છે.

ઈ.સ. ૧૪૫૫ અને ૧૫૪૩ના ફારસી શિલા-લેખો અનુસાર, સુલતાનોએ મૂર્તિપૂજા પર પ્રતિબંધ મૂકતાં હિન્દુઓએ સરસ્વતી પૂજા શરૂ કરી હતી, એ સરસ્વતી નદી જ હશે. આમ પ્રભાસમાં સ્વલ્પ સમયની ભયપ્રદ શાન્તિ રહી પણ દીવના પોર્ટુગીઝ ગવર્નરે સુલતાનના નૌકાસૈન્યને સજ્જડ હાર આપી અને એ વિજયના ગર્વમાં સૌરાષ્ટ્રનાં બધાં બંદરો ધમરોળ્યાં. પ્રભાસમાંય આગ-લૂંટનું સામ્રાજ્ય છવાઈ ગયું. પ્રભાસનાં મંદિરોય તૂટ્યાં અને મસ્જિદોય તૂટી. કેટલાક કિંમતી શિલાલેખો પણ પોર્ટુગલો લઈ ગયા.

પછી તો ગુજરાતમાં મોગલ શાહ અકબરનો શાહી ધ્વજ ફરક્યો અને ઈ. સ.૧૫૮૧માં સોમનાથના લિંગની પુન:પ્રતિષ્ઠા થઈ. મોગલ સેનાપતિ કોકલતાશે ઈ.સ. ૧૫૯૪માં પ્રભાસ જઈને મુસ્લિમોને ધર્મસહિષ્ણુતા કેળવવાનો આદેશ આપ્યો, ૧૫૯૬માં અહીં મહારુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો. આમ, ત્રણસો વરસ પછી સોમનાથ દેવનું આ ક્ષેત્ર પુનર્જીવિત થઈ ગયું. અકબરે દાખલ કરેલી મહેસૂલ પદ્ધતિથી અને સોરઠને એક જિલ્લો બનાવી દેવાથી પ્રભાસના લોકો સુખી થયા.

ત્યારથી માંડીને ઈ.સ. ૧૬૪૬ સુધી સોમનાથની પૂજા થતી રહી, આરતી ઊતરતી રહી, યાત્રાળુઓ આવતા રહ્યા પણ પછી ગુજરાતના સૂબા નિમાયેલા ઔરંગઝેબે પોતાના પૂર્વજોની ઉદારનીતિને નેવે મૂકીને સોમનાથ મંદિરને તોડવા આદેશ આપ્યો; મૂર્તિપૂજા પર પ્રતિબંધ મૂક્યો પણ એ પહેલાં તો એને પાછો દિલ્હી બોલાવી લેવામાં આવ્યો પણ વિધિની વક્રતા તો જુઓ! દગાફટકાથી ઘરડા બાપને કેદ કરી અને ભાઈઓનાં ખૂન કરી એ ગાદીએ ચડી બેઠો અને પોતાનો પહેલાં અમલી ન બનેલો હુકમ એણે ઈ. સ. ૧૯૬૫માં કરી દીધો! હુકમ અમલી બનાવવા આવેલી તેની સેના સાથે હિન્દુઓની ભારે અથડામણ થઈ. બંને પક્ષે ભારે ખુવારી થઈ. ભયમાં જીવતા પ્રભાસવાસીઓ અને બાદશાહ વચ્ચે જૂનાગઢના ફોજદાર સરદાર ખાને સુલેહ તો સ્થાપી પણ સોમનાથની પૂજા તો બંધ જ કરવામાં આવી! આમ છતાં ઓરંગઝેબે ક્યારેય પૂજા ન થઈ શકે એટલી હદે મંદિરને ભાંગી નાખવાનું ફરમાન ઈ.સ. ૧૭૦૪માં કર્યું! મૂર્તિપૂજકોને હાંકી કાઢવાનોય હુકમ કર્યો, પણ એ બધાંનો અમલ થાય એ પહેલાં અધૂરી ઇચ્છાએ જ એ ગુજરી ગયો. આ ગાળામાં બ્રાહ્મણોએ પોતાના ઇષ્ટ શશિભૂષણ મહાદેવમાં સોમનાથના દેવત્વની પ્રતિષ્ઠા કરી સોમનાથ-પૂજા શરૂ કરી અને મહારાણી અહલ્યાબાઈએ ૧૭૮૩માં નૂતન સોમનાથનું મંદિર બાંધ્યું, ત્યાં સુધી એ પૂજા ચાલુ રહી. આમ સોમનાથની પૂજા તો શરૂ થઈ પણ પ્રભાસક્ષેત્રમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ, કુરબાનીઓનું જોર વધ્યું, કાયદો-વ્યવસ્થા રહ્યાં નહિ, સંઘર્ષો થયા અને છેવટે ઈ.સ. ૧૭૧૭માં એક રીતે લોકોએ થોડો શાન્તિનો દમ લીધો. જોકે રાજરજવાડાં-સૂબા-શાહના અંદરો-અંદરના સંઘર્ષો અને ખટપટો તો ચાલુ જ હતાં. અને એ ઠેઠ બ્રિટિશ સાર્વભૌમત્વ સ્થપાતાં સુધી ચાલુ રહ્યાં હતાં અને જગજીવનને એની સીધી-આડકતરી અસરો પણ થઈ હતી. પણ પ્રમાણમાં શાન્તિ હતી. આ શાંતિનું કારણ હતું – મહારાજા ગાયકવાડ દ્વારા ૧૮૧૦થી આ મંદિરના વહીવટનું સંચાલન કરવું.

ઈ.સ. ૧૮૯૩માં કોમી ઉપદ્રવ થતાં કર્નલ હંટરના પ્રમુખપણામાં નિમાયેલા કમિશનનો અમલ કરવામાં આવતાં સ્થિતિ વધારે કથળી, તેર ખૂન થયાં, આખરે ગુનેગારો પકડાયા, સજાઓ થઈ. પછી બંને કોમોનું સમાધાન થતાં સજા ભોગવનારાઓ મુક્ત થયા પણ ગમે તે કારણે લક્ષ્મીનારાયણના મંદિરને રાજ્યે સીલ માર્યા જે ૧૦મી નવેં. ૧૯૪૭ના રોજ ખૂલ્યાં.

સોમનાથ મંદિરનો ઇતિહાસ :

સને ૧૯૪૭ સુધી કશો ઉલ્લેખનીય બનાવ ન બન્યો જૂનાગઢ રાજ્યનું ભારતજોડાણ થયા પછી ૧૫મી નવેમ્બર ૧૯૪૭ના રોજ સરદાર શ્રી વલ્લભ ભાઈ પટેલે, જામસાહેબ સાથે પ્રભાસ પધારીને સોમનાથ મંદિરનું નવનિર્માણ કરવાની ઘોષણા કરી અને પ્રભાસનો સાગરકાંઠો ‘જય સોમનાથ’ના નાદે ગાજી ઊઠ્યો!

સરદારશ્રીની પ્રેરણાથી જામસાહેબના પ્રમુખ પદે ટ્રસ્ટ રચાયું અને ગુજરાતના મહારાજા કુમારપાળે બંધાવેલા અને ખંડિત હાલતમાં ઊભેલા સોમનાથ મંદિરને સ્થાને નવું મંદિર ખડું થયું. ૧૧મી મે, ૧૯૫૧ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુના હાથે એમાં જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠા થઈ. અને તે પછી જામનગરનાં રાજમાતાએ તેમના સ્વર્ગસ્થ પતિ જામસાહેબની સ્મૃતિમાં ‘દિગ્વિજય દ્વાર’નું નિર્માણ કર્યું (૨૭ મે, ૧૯૭૦).

સોમનાથનું અત્યારનું મંદિર, પૂર્વથી પશ્ચિમ ૧૨૫’-૦’ અને ઉત્તરથી દક્ષિણ ૧૧૪’-૯’ છે. તેના સભામંડપની ઉંચાઈ ૭૫’-૦’ની છે. અને શિખર ૧૫૫’-૦’ ઊંચું છે. તેની સન્મુખ ૭૫’-૦૦’ પહોળો અને ૫૫’-૦૦’ ઊંચો નૃત્યમંડપ અને પ્રાર્થનાગૃહ બંધાઈ રહ્યાં છે. હજુ ઘણું ઘણું કરવાની ટ્રસ્ટની મહત્ત્વાકાંક્ષી યોજનાઓ છે. આગળ કહેલા આકર્ષક દિગ્વિજય દ્વારની લંબાઈ ૫૧’-૦’, પહોળાઈ ૩૧’-૦’ અને ઉંચાઈ ૫૧’-૦’ છે. આ દ્વારની સામે જ આ કાર્યના શ્રેયને વરેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મૂકવામાં આવી છે, મંદિરની દક્ષિણે સાગરકાંઠે એક સ્તંભ ઊભો કરીને તે પર એક તીર મૂકીને એવું સૂચવ્યું છે કે મંદિર અને દક્ષિણધ્રુવ વચ્ચે કોઈ ભૂમિભાગ નથી.

સોમનાથનું મૂળ મંદિર ક્યારે અને કોણે બંધાવ્યું, એની પ્રમાણભૂત માહિતી મળતી નથી. સ્કંદપુરાણમાં લિંગપ્રતિષ્ઠા તો સવિસ્તર વર્ણવાઈ છે, પણ મંદિર વિષે એમાં કશું કહ્યું નથી. વળી એમાં પ્રતિષ્ઠા કરનાર ‘આકાશીચંદ્ર’ હોઈ એનું ઝાઝું ઐતિહાસિક મહત્ત્વ નથી. પણ ભદ્રકાલીમંદિરના એક શિલાલેખ (ઈ.સ.૧૧૬૯) અનુસાર કોઈ સોમરાજાએ અહીં સુવર્ણમંદિર બંધાવ્યું હતું. આ સોમ આકાશી સોમ ન હોય તોપણ તેના વંશ, સમય વગેરે સ્પષ્ટ નથી. એ મંદિર સુવર્ણનું હોવાનો સંભવ તો નથી પણ ‘હેમકુટ પ્રાસાદ’ પ્રકારનું-શિખરોમાં સુવર્ણકલશ વાળું હશે. અને રાજા ચંદ્રવંશી યાદવકુળનો કે સોમક જાતિનો હશે. આ મંદિર ઈસુ પહેલાંની કે પછીની સદીમાં બંધાયું હોવાનું વિદ્વાનો માને છે. કેટલાક તદ્વિદો એને છઠ્ઠી સદીનું લેખે છે. ત્યાર પછી એ જ શિલાલેખો અનુસાર કાળાન્તરે કોઈ કૃષ્ણરાજે એ સ્થાને બીજું રૂપાનું મંદિર બંધાવ્યું હતું. આ કૃષ્ણરાજ કૃષ્ણભગવાન તો ન જ હોય. પણ કલ્ચુરી કે કાચુરીવંશના શિવભક્ત રાજા કૃષ્ણરાજે છઠ્ઠી સદીમાં બંધાવ્યાનું તદ્વિદો અનુમાને છે. મંદિર રૂપાનું નહિ, પણ ‘હિમવાન’ પ્રકારનું હશે. આ જ સ્થળે ત્રીજું કાષ્ઠમંદિર બંધાયાનું શિલાલેખ કહે છે પણ એના બંધાનાર અને સમય વિશે એમાં કશું નથી. એ માટે વિદ્વાનોએ કરેલાં અનુમાનોને પ્રમાણભૂત પુરાવો મળતો નથી.

મહમદ ગઝની સાથે સોમનાથની ચડાઈમાં આવેલા પ્રસિદ્ધ લેખક અલ્બેસની આ મંદિરને સો જ વર્ષ જૂનું લેખે છે. સંભવ છે કે એ વખતે મંદિર બહુ જુનું નહિ લાગતું હોય! પણ એ તો કહે છે કે મંદિર પથ્થરોનું હતું! આ પછી ગુજરાતના રાજા ભીમ સોલંકીએ ભૂખરા પથ્થરથી ચોથું મંદિર બંધાવ્યાનું શિલાલેખ બતાવે છે. ગઝનીની ચડાઈ પછીનું આ મંદિરનિર્માણ પ્રસિદ્ધ છે, ભલે ગઝનીની લૂંટફાટનો એમાં હેતુપૂર્વક ઉલ્લેખ ન થયો હોય! શિલાલેખ આગળ કહે છે કે ‘કર્મચારીઓની ઉપેક્ષાને કારણે જીર્ણશીર્ણ બનેલા મંદિરનું નવનિર્માણ અનિવાર્ય હતું. એટલે સિદ્ધરાજના અનુગામી રાજા કુમારપાળે ભાવબૃહસ્પતિની આજ્ઞાથી મંદિરનું નવ નિર્માણ કર્યું. શિલાલેખની આ પ્રેરક પુરુષના નામની વાત ભલે વિવાદસ્પદ હોય, પણ કુમારપાળે ‘મેરુ-રાજપ્રાસાદ’ પ્રકારનું ભવ્ય પાંચમું મંદિર ૧૧૧૪માં બંધાવ્યું, એ નિ:શંક છે અને ઈ.સ. ૧૨૨૭માં બીજા ભીમદેવે એની આગળ ‘મેઘધ્વનિ’ મંડપ બાંધ્યો. ત્યાર પછી તો કંઈક વહાણાં વાઈ ગયાં. એ ઇતિહાસની રૂપરેખા તો આપણે આગળ ઉપર જોઈ ગયા છીએ. સને ૧૮૮૦માં એનો એક ઘુમ્મટ આપોઆપ તૂટી પડ્યો. સને ૧૯૩૨માં જૂનાગઢના દિવાન પેટ્રીક કેડલે એને ‘સંરક્ષિત ઈમારત’ તરીકે જાહેર કર્યું, અને સને ૧૯૫૦માં એ જગ્યાએ ઉત્ખનન થયું. સંશોધન કહે છે કે એ મંદિર અતિભવ્ય, ઇતિહાસના દર્પણરૂપ, પુરાવેત્તાઓનો અદ્ભુત કોશરૂપ આર્યોના કોતરેલા ગૌરવગાન સમું, નામી-અનામી બલિદાન દેનારાઓના સ્મારક તુલ્ય, આર્યોની અસ્મિતા દર્શાવનાર અને પોતાની સ્થાપત્યક્લા માટે અનેક દેશી વિદેશી વિદ્વાનોની પ્રશંસા મેળવનાર હતું.

આ જ મંદિરની બ્રહ્મશિલા પર સોમનાથ ટ્રસ્ટે કુમારપાળવાળું મંદિર પાયેથી પાડીને નવું મંદિર બંધાવ્યું છે.

દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ આવતા આ જ્યોતિર્લિંગ વર્ણવતાં પ્રભાસ ખંડ કહે છે :

सूर्य बिंबसमप्राख्यं सर्पमेखलमण्डितम् ।
कुक्कुटाण्डसमानं तद् भूमिमध्ये व्यवस्थितम् ॥

અન્ય લિંગની જગ્યાએ ચંદ્રે આ સ્પર્શલિંગ સ્થાપ્યું. તે પર બ્રહ્મશિલા મૂકી, તે પર મહાલિંગ સ્થાપ્યું. આ મહાલિંગનું માપ મળતું નથી. પણ મંદિર સમરાવાતું રહ્યું હોવા છતાં લિંગ તો તેનું તે જ હતું, એમ માનવામાં વાંધો નથી. પણ ગઝનીએ કરેલા પ્રથમ લિંગખંડન પછી જ લિંગો બદલાતાં રહ્યાં. અહલ્યાબાઈના અને અત્યારના નૂતનનિર્મિત મંદિરનાં લિંગો પણ નવાં જ છે. આમ છતાં સ્પર્શલિંગ તો તેનું તે જ છે.

પ્રભાસનું માહાત્મ્ય :

પ્રભાસ દેવમંદિરોનું નગર હતું અને આજેય છે, મહિમાવંતુ એ યાત્રાધામ છે. અનેક પ્રવાસીઓ અહીં દર્શને આવે છે. પ્રભાસના અધિષ્ઠાતા પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે સ્વયં પ્રકટેલાં દેવાધિદેવ સોમનાથજી છે, અહીં પવિત્ર ત્રિવેણીતીર્થ છે, અહીં કૃષ્ણના દેહોત્સર્ગનું પાવન સ્થાન છે, ભાવિકો અહીં વિવિધ પ્રકારનાં શ્રાદ્ધ સરાવવા આવે છે. ‘નારાયણ બલિ’ માટે આ વિશિષ્ટ તીર્થ ગણાય છે. તીર્થશ્રાદ્ધ, ત્રિવેણીસ્નાન, સોમનાથદર્શન, સોમવતી અમાવાસ્યા સ્નાન, ગ્રહણમોક્ષસ્નાન વગેરેનું માહાત્મ્ય ખૂબ છે. ધાર્મિક-સામાજિક બધા ઉત્સવો અહીં શ્રદ્ધાથી ઉજવાય છે. કાર્તિકી પૂર્ણિમાનો ભવ્યમેળો અને દરેક શ્રાવણી સોમવારે શશિભૂષણ મહાદેવને આંગણે ભરાતો મેળો માણવા જેવો હોય છે.

આ પ્રભાસતીર્થ જૈનોનું પણ યાત્રાધામ છે. પ્રથમ તીર્થંકરના પુત્ર અહીં પધાર્યા હતા, આઠમા તીર્થંકરનું સમવસરણ અહીં થવાની વાત ઉપરથી એ તીર્થંકરપુત્રે અહીં પ્રાસાદ અને નગર વસાવ્યાં હતાં, બીજા કોઈ તીર્થંકરના પ્રેર્યા સગર રાજ અહીં સંઘ લાવ્યા હતા. ચંદ્રપ્રભુએ પ્રભાસને તીર્થોત્તમ ગણ્યું હતું. આ સિવાય સોળમા, વીસમા, બાવીસમા અને ત્રેવીસમા તીર્થંકર પણ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. એમનાં મંદિર-પ્રતિમાજી વગેરે પણ દર્શનીય છે.

આ મહાન તીર્થ ગુજરાતનું ગૌરવ છે, કરોડોના પ્રાણપ્રિય દેવાધિદેવનું એ નિવાસસ્થાન છે, ભારતની પશ્ચિમ દિશાના એ જાણે રખેવાળ હોય એમ તેઓ અહીં શોભે છે. હજારો, હચમચાવી દેતાં હલનચલનો વચ્ચે એ નિશ્ચલ છે, અડગ છે, એને બહારની ઘટનાઓ સ્પર્શતી નથી. ઇતિહાસની ભૂલવા જેવી વાતોને એ ભુલાવી દે અને સારી વાતોને સદા સંઘરી રાખવાનું આપણને બળ આપ્યા કરે. સર્વધર્મ સમન્વય અને પરસ્પરની સમજણ કેળવવાનો શ્રીરામકૃષ્ણ દેવે દીધેલો સંદેશ પચાવવાની આપણને પ્રેરણા આપે એવી એ શિવને પ્રાર્થના કરીને ઉચ્ચારીએ કે, ‘જય સોમનાથ! જય સોમનાથ!’

સંદર્ભ ગ્રંથો :

1. Somnath: The Eternal shrine: by K. M. Munshi
૨. સોમનાથ અને પ્રભાસ : લે. શંભુપ્રસાદ દેસાઈ
3. Eternal India: by J. H. Dave

Total Views: 750

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.