‘રશિયા તો છે શ્રીરામકૃષ્ણનું.’ ઉપરની ઉક્તિ રશિયાના જાણીતા કવિ સીડોરોવની એક કવિતાની છે. રશિયામાં તા. ૧૦મીથી ૧૭મી ઓક્ટો. ૮૯ દરમિયાન ‘સંસ્કૃતિ દ્વારા શાન્તિ’ એ વિષય પર આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ ગઈ. પુરાતત્ત્વવિદ્, સંશોધક, ચિંતક અને રહસ્યવાદી એવા નિકોલસ રોરિકનાં ચાહકોએ તેમની ૧૧૫મી જન્મજયંતીની ઉજવણીની સાથે આ પરિષદ સાંકળી લીધી. રોરિક શાંતિ અને સંવાદિતાના મોટા હિમાયતી હતા અને તેમણે આ શુભ હેતુઓ માટે ૧૯૨૦ અને ૧૯૩૦ના દશકાઓમાં કેટલીક આંતરરાષ્ટ્રીય શાંતિ પરિષદોનું આયોજન કર્યું હતું. આ પરિષદની આગલી સાંજે સીડોરોવે પોતાની એક નવી કવિતાને વાંચી સંભળાવી જેની છેલ્લી પંક્તિ હતી – ‘રશિયા તો છે શ્રીરામકૃષ્ણનું.’

ઓગણીસ દેશોના વિદ્વાન પ્રતિનિધિઓએ આ પરિષદમાં ભાગ લીધો હતો, જેમાં રામકૃષ્ણ મિશનના બે સ્વામીજીઓ – કલકત્તા ખાતેનાં ઈન્સ્ટીટ્યૂટ ઑફ કલ્ચરના વડા સ્વામી લોકેશ્વરાનંદજી અને દક્ષિણ કેલીફોર્નિયાની વેદાંત સોસાયટીના અધ્યક્ષ સ્વામી સ્વાહાનંદજીનો સમાવેશ થયો હતો.

પરિષદમાંથી ભારતમાં પાછા ફર્યા બાદ ઈન્સ્ટીટ્યૂટ ઑફ કલ્ચરમાં સ્વામી લોકેશ્વરાનંદજીએ રશિયામાં યોજાયેલી શાંતિ પરિષદ વિષે પોતાના પ્રતિભાવો એક અનૌપચારિક મિલનમાં કર્યા હતા. રોરિકના જીવન વિશે સંક્ષિપ્તમાં બોલતાં તેમણે કહ્યું કે ‘ભારત અને તેના સમૃદ્ધ આધ્યાત્મિક વારસાથી રોરિક આકર્ષાયા હતા અને તેમણે ભારત અને રશિયા વચ્ચે લાંબો અને કઠિન પ્રવાસ અનેક વાર ખેડ્યો હતો. પોતાના શૈશવની સ્વપ્નભૂમિ સમા ભારતમાં શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના બોધ અને ઉપદેશોથી શ્રી રોરિક ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેમની ડાયરીમાં સ્વામીજીનાં લખાણોનો વારંવાર ઉલ્લેખ આવે છે, જે બતાવે છે કે શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદનાં જીવન અને કવનની રોરિકના મન ઉપર ઊંડી છાપ પડી હતી.’

રોરિક માટેની પરિષદ શ્રીરામકૃષ્ણની બની ગઈ!

એક અચ્છા ચિત્રકાર તરીકે શ્રી રોરિકે શ્રીરામકૃષ્ણનું ચિત્ર પણ દોર્યું હતું અને ૧૯૩૬માં પ્રગટ થયેલ ‘શ્રીરામકૃષ્ણ જન્મ શતાબ્દી’ અંકમાં રોરિકના શ્રીરામકૃષ્ણ વિશેના લેખો પણ પ્રગટ થયા હતા. રોરિક બહુ મક્કમપણે માનતા હતા કે વિશ્વબંધુત્વ અને વિશ્વશાંતિ માટે શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદે સૂચવેલો માર્ગ જ ઉત્તમ ઉપાય છે. રોરિક જેવા મહાન માનવતાવાદીને અંજલિ આપવાના મુખ્ય ધ્યેય સાથે યોજાયેલી આ પરિષદ અંતે તો શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ વિશેની પરિષદ હોય તેવું બની ગયું. સ્વામી લોકેશ્વરાનંદજી કહે છે કે રોરિકે સ્વામી વિવેકાનંદ અને શ્રીરામકૃષ્ણ જેવા મહાન યુગનિર્માતાઓ વિશે જે કાંઈ લખ્યું હતું તેનાં અવતરણો પરિષદમાં વક્તાઓ ટાંકતા ગયા અને સહેજેય રોરિક વિષેની પરિષદ શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદની પરિષદ બની ગઈ.

સ્વામી સ્વાહાનંદજી રશિયા ખાતેની પરિષદમાંથી અમેરિકા પાછા ફર્યા ત્યારે ત્યાં પણ રશિયા વિશેની તેમની છાપ અને ખાસ તો પરિષદ બાબતની છાપ અને અનુભવો જાણવા માટે ઘણા લોકો આતુર હતા. સ્વામીજીએ કેટલીક વ્યક્તિઓને આ પરિષદ વિશે જે કેટલાક અનૌપચારિક પત્રો લખ્યા, તેમાંના અમુકના ઉત્તર ટૂંકમાં અત્રે રજૂ કર્યા છે :

‘૧૯૮૯ના ઓક્ટોબરમાં હું મોસ્કો અને લેનિનગ્રેડના પ્રવાસે ગયો. છઠ્ઠી ઓક્ટોબરે સાંજે ન્યૂયોર્કથી ઊપડીને બીજે દિવસે સવારમાં મોસ્કો પહોંચ્યો. ત્યાં પૂ. સ્વામી લોકેશ્વરાનંદજી, ભારતીય એલચી કચેરીના એક ભક્ત સાથે રાયટર્સ યુનિયનના પ્રતિનિધિ સાથે અમને આવકારવા હાજર રહ્યા હતા. વિમાનમથકેથી અમારે જ્યાં રહેવાનું હતું તે હોટલ યુક્રીન જતી વખતે અમને યજમાનોએ બતાવ્યું કે, મોસ્કોના પાદરમાં ક્યાં સુધી નેપોલિયનની અને હિટલરની સેનાઓ પહોંચી ગઈ હતી. બોલશોઈ થિયેટર સ્કવેર (Red Square) વગેરે પણ અમે બહારથી જોયાં. હોટલમાં વ્યવસ્થિત થયા પછી અમે હોટલમાં બપોરનું ખાણું લીધું. અવારનવાર અમને અમારા એલચી કચેરીના મિત્રો પોતાને ઘેર જ જમાડતા અને ભોજન હોટલમાંય પહોંચાડતા.’

‘પ્રારંભમાં પત્રકાર પરિષદનું આયોજન થયું હતું. બીજા દિવસે ઘણા રશિયન મહાનુભાવો આ પરિષદમાં હાજર હતા. સ્વામી લોકેશ્વરાનંદજીને મંગલ પ્રવચન સાથે પરિષદને આશીર્વાદ આપવાનું કહેવામાં આવ્યું હતું. બીજા દિવસની બેઠકમાં સ્વામી લોકેશ્વરાનંદજી અધ્યક્ષસ્થાને બિરાજ્યા હતા. રશિયામાં તેઓ ખૂબ માનીતા અને પ્રેમભાજન હતા. રાયટર્સ યુનિયનના વિદ્વાન પ્રતિનિધિઓ અને એકેડેમી ઑફ સાયન્સનાં ઘણા સભ્યો તેમના ચાહકો બની ચૂક્યા હતા. તેઓ સ્વામીજીને વારંવાર રશિયામાં આવીને એક યા બીજી પરિષદમાં ઉપસ્થિત રહેવાનું કહેવા લાગ્યા. ૧૨મી ઓક્ટોબરે ‘શાંતિ માટેનું કાર્ય’ વિશેનો મારો નિબંધ મેં વાંચ્યો હતો. ત્રણ દિવસ સુધી રોજ ચાર બેઠકો યોજાતી રહી. તેમાં ઘણા રશિયન અને વિદેશી વક્તાઓએ ભાગ લીધો હતો. આ ભાષણોનાં ભાષાંતર એકીસાથે રશિયન અને અંગ્રેજી ભાષામાં થતાં હતાં.’

લેનિનગ્રેડની મુલાકાત

‘પરિષદના ત્રીજા દિવસની રાત્રે અમે ખાસ ટ્રેનમાં લેનિનગ્રેડ જવા ઊપડ્યા અમને એમાં આઠ કલાક લાગ્યા. લેનિનગ્રેડમાં પણ સાંજે પરિષદને લગતી કેટલીક બેઠકો યોજાઈ હતી, અને પ્રવચનો પણ થયાં હતાં. ત્યાં અમે હર્મિટેજ મ્યુઝિયમ અને બીજાં સ્થળોની મુલાકત લીધી. બીજે દિવસે બસ દ્વારા અમે લેનિનગ્રેડથી ૫૫ કિ.મી. દૂર આવેલી રોરિકની પારિવારિક જાગીર ‘ઈશ્વર’ની મુલાકાતે ગયા હતા. આ સ્થાન રશિયન ભાષામાં ‘એઝવર’ તરીકે ઓળખાય છે. આ સ્થળે આયોજિત કાર્યક્રમમાં ચાલુ વરસાદે પણ સેંકડો સ્થાનિક લોકો કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. એ દિવસે વિદેશીઓ અને અધિકારીઓનાં ભાષણો, મ્યુઝિયમની મુલાકાત અને બીજા વિવિધ કાર્યક્રમો હતા. એક જગ્યાએ રોરિકનાં ‘અગ્નિ-યોગ’ને દર્શાવતો ‘ઓપન ફાયર’નો કાર્યક્રમ યોજાયો હતો અને એક તળાવમાં મોટા ‘ૐ’ના આકારનો પ્રકાશ મુકાયો હતો. બપોરનું સુંદર ભોજન કર્યા બાદ અમને પાસેની શાળામાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં પરિષદનાં મુખ્ય ધ્યેય વિશ્વ-શાંતિ માટેની આખરી ઘોષણા કરવામાં આવી હતી. લેનિનગ્રેડમાં છેલ્લે દિવસે અમે રોરિકનાં ચિત્રોના ઉદ્‌ઘાટન સમારંભમાં હાજરી આપવા રશિયન મ્યુઝિયમમાં ગયા. તે સાંજે રાતની ગાડી પકડીને પાછા પહોંચ્યા.’

‘પરિષદનાં સમાપનને દિવસે મોસ્કોમાં રાયટર્સ યુનિયન તરફથી સંસ્થાના પ્રમુખની અધ્યક્ષતામાં, ત્યાંના ડાઈનિંગ રૂમમાં મહેમાનો માટેનો સન્માન સમારંભ યોજાયો હતો. મોસ્કોમાં બન્ને સ્વામીજીઓની ટેલિવિઝન પર મુલાકાત યોજાઈ હતી અને એ કાર્યક્રમ વીસ કરોડ દર્શકોએ નિહાળ્યો હતો. પરિષદના ઉદ્‌ઘાટન સમારંભને લગતો દોઢ કલાકનો કાર્યક્રમ મોસ્કો ટેલિવિઝન પર રજૂ થયો હતો.’

વિવેકાનંદ સોસાયટી, મોસ્કો

‘તા. ૧૭મી ઓક્ટોબરના રોજ વિવેકાનંદ સોસાયટીએ એક સભા યોજી હતી જેમાં ૧૫૦ લોકો હાજર રહ્યા હતા. આ સોસાયટીના પ્રમુખ વિદ્વાન (એકેડેમિશ્યન) ચેલીશેવે એનું પ્રમુખપદ સંભાળ્યું હતું. પૌર્વાત્ય અભ્યાસની સંસ્થાના સંચાલક ડૉ. રિબાકોવ વિવેકાનંદ સોસાયટીના સદસ્ય છે. રશિયાની સંસદમાં હવે એક એવો ખરડો રજૂ થશે કે જેમાં સ્વૈચ્છિક સેવાકીય અને ધાર્મિક સંસ્થાઓને પોતાની મિલ્કત મેળવવાની અને તેને નોંધાવવાની છૂટ અપાશે.’

વિવેકાનંદ સોસાયટીનાં બંધારણ વિષે પણ અહીં થોડી ચર્ચાઓ થઈ હતી. મારું સૂચન એવું હતું કે સોસાયટીની બે સંસ્થાઓમાં રચના કરવી. પ્રથમ સંસ્થા ‘ઈન્સ્ટીટ્યૂટ ઑફ કલ્ચર’ના ધોરણે રચાય, કે જેમાં અગ્રગણ્ય બુદ્ધિજીવી વ્યક્તિઓનાં પ્રવચનો યોજાય અને બુદ્ધિજીવી લોકો વધુ રસ લઈ શકે, બીજી જગ્યા આશ્રમ જેવી હોય કે જેમાં ભક્તોની આવશ્યકતાઓ સંતોષી શકાય.’

રશિયામાં લોકોની આધ્યાત્મિક ભૂખ

‘હવે રશિયામાં પોતાનાં સાહિત્ય વગેરે સાથે અનેક ધર્મો અને સંપ્રદાયોના લોકો પોતપોતાના વિચારોના પ્રચાર માટે ઝડપભેર જવા લાગ્યા છે અને જૂની સરકારે જે પહેલાંના જૂનાં મંદિરો બંધ કરાવીને તેમનો અન્ય હેતુઓ માટે ઉપયોગ શરૂ કર્યો હતો એવાં મંદિરોને અત્યારની સરકારે પ્રાર્થના તથા અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ માટે ખુલ્લાં કરી દીધાં છે. રશિયામાં આધ્યાત્મિક જ્ઞાન અને પ્રવૃત્તિની જબરી ભૂખ જાગી છે. ત્યાં અનેક લોકો એવા છે કે જેમને વેદાંતના સિદ્ધાંતોમાં અને શ્રીરામકૃષ્ણ આશ્રમની સેવાકીય પ્રવૃત્તિઓમાં ઊંડો રસ છે. સ્વામી વિવેકાનંદનાં ચારેય યોગો પરનાં પુસ્તકો રશિયન ભાષામાં ભાષાંતરિત થઈ રહ્યાં છે અને તેની પ્રથમ આવૃત્તિમાં ૯૦,૦૦૦ નકલો છપાવાની છે. આ બધી જ નકલો તરતમાં ખપી જશે તેવી અપેક્ષા છે.’

‘બીજે દિવસે અમે પૌર્વાત્ય વિદ્યાભવન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઓરિએન્ટલ સ્ટડીઝમાં પ્રવચન કર્યાં. ૧૫ જેટલા વિદ્વાનોએ ચર્ચામાં ભાગ લીધો. આમાંનાં ઘણાં ભાઈ-બહેનો ભારતની યાત્રા કરી ચૂક્યાં હતાં અને ‘ઈન્સ્ટીટ્યૂટ ઑફ કલ્ચર’ના અતિથિ પણ બન્યાં હતાં. પાશ્ચાત્ય દેશોમાં વેદાન્તની ઉપયોગિતા અને અમેરિકન વાતાવરણમાં વેદાન્તના વિચારો કઈ રીતે બંધ બેસતા થાય, એ વિષે ખાસ પ્રવચન કરવાનું મને કહેવામાં આવ્યું હતું.’

‘રશિયન પ્રજા ધાર્મિક ભાવનાવાળી છે. ૭૦ વર્ષ સુધી નાસ્તિકતા કે નિરીશ્વરવાદના વાતાવરણમાં ઉછરેલી અને જીવેલી પ્રજા હવે બુદ્ધિગમ્ય-તર્કપૂતધર્મ-રેશનલ રીલીજીયન ઝંખી રહી છે. વેદાંત અતિશય બુદ્ધિગમ્ય હોઈ આ પ્રજાને તે ખૂબ જ અપીલ કરી જાય છે. શ્રીરામકૃષ્ણદેવના આધ્યાત્મિક અનુભવોએ પણ ઘણા લોકોને આકર્ષ્યા છે. સમાજસેવા માટેના સ્વામી વિવેકાનંદના ઉપદેશોને અનુસરનારો મોટો વર્ગ રશિયામાં છે. શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો મોકલવાની માગણી ઘણા લોકોએ મારી પાસે મૂકી હતી – જ્યારે ઘણા લોકોને ધ્યાન – ધરવાનું શીખવાની ઇચ્છા થઈ છે. આથી આવા અનુકૂળતાના મોકાના સમયે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદનો સંદેશ ફેલાવવાના ઘણા સંજોગો છે.’

અમેરિકામાંથી જે અતિથિઓને નોતરવામાં આવ્યા હતા, તેમાં દક્ષિણ કેલિફોર્નિયાની વેદાંત સોસાયટીના સભ્ય ડૉ. મોનિકા સામ(અમૃતા)નો પણ સમાવેશ થયો. તેઓ શિક્ષણશાસ્ત્રમાં ડૉક્ટરેટ ધરાવે છે. ‘રોરિક અને નવું શિક્ષણ’ એ વિષય પર પરિષદના પ્રથમ દિવસે પોતાના મહાનિબંધનું વાચન કર્યું હતું. આ પરિષદમાં હાજરી આપ્યા પછી ડૉ. મોનિકાએ પોતાના મિત્રોને લખેલા કેટલાક પત્રોના ઉતારા અહીં નીચે આપ્યા છે :

‘રશિયામાં અધ્યાત્મ માટે જબરી ભૂખ ઊઘડી છે. અમે કેટલાક ઓર્થોડોક્સ ચર્ચોની મુલાકાત લીધી હતી. આ બધાં દેવળોમાં ભારે ભીડ હતી. અહીં લોકો મીણબત્તીઓ પેટાવીને પૂજા કરતાં હતાં, પ્રાર્થના કરતાં હતાં અને પ્રાર્થનામાં હાજરી આપતાં હતાં. આ સદીની શરૂઆતથી કેટલાક રશિયનોને શ્રીરામકૃષ્ણ તથા સ્વામી વિવેકાનંદ વિષે માહિતી હતી. રશિયાના ભારતીય વિદ્યાઓ માટેના અભ્યાસી – ઈન્ડોલોજીસ્ટ – ચેલીશેવ ૧૯૬૩માં દિલ્હીની યાત્રાએ આવેલા ત્યારે સ્વામી રંગનાથનંદજીએ સૂચન કર્યું હતું તે મુજબ મોસ્કો યુનિવર્સિટીમાં સ્વામી વિવેકાનંદ જન્મ શતાબ્દિની ઉજવણી થઈ હતી અને વ્યાખ્યાનમાળાનું આયોજન થયું હતું. ત્યારથી રશિયામાં શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિષેના જ્ઞાનમાં વધારો થયો છે. તદુપરાંત ૧૯૬૩થી આ વિષેના ઊંડા અભ્યાસ તથા સંશોધનનું કાર્ય પણ ‘મોસ્કો યુનિવર્સિટી’ તથા ‘ઈન્સ્ટીટ્યૂશન ઑફ ઓરિએન્ટલ સ્ટડીઝ’માં થવા લાગ્યું. તેમાંનાં કેટલાંક સંશોધન કાર્યો ‘પાશ્ચાત્ય દેશોમાં અને અમેરિકામાં નૂતન હિંદુ જાગૃતિ’ તથા ‘ભારતમાં રામકૃષ્ણ-પ્રવૃત્તિ’ વગેરે વિષયોને લગતાં છે. સ્વામી લોકેશ્વરાનંદજીને રશિયન પ્રજા ચાહે છે, માન આપે છે અને તેમનો ઊંડો આદર કરે છે તેવી મારી છાપ છે. છેલ્લાં ૫-૬ વર્ષથી તેઓ વિવિધ સભાઓ અને સંમેલનોમાં હાજરી આપવા રશિયા જતા-આવતા રહે છે. આ પરિષદમાં પણ પરિચયવિધિ પછી મંગળવિધિના આશીર્વાદ પણ તેમણે જ આપેલા. જાતજાતનાં લોકો તેમની પાસે આવતા અને એક યા બીજા કામ માટે તેમના આર્શીર્વાદ માગતા તેમ જ કેટલીક અજાણી વ્યક્તિઓ પણ સ્વામીજી પાસે આશીર્વાદની યાચના કરતી.’

રશિયા તો છે શ્રીરામકૃષ્ણનું!

પરિષદની આગલી સાંજે બન્ને સ્વામીજીઓ અને હું અમારા દુભાષિયા સાથે પરિષદના પ્રબંધક શ્રી વેલેન્ટીન સીડોરોવના ઘરે ગયા હતા. તેઓ અચ્છા કવિ છે અને લેખકમંડળમાં પણ મોભાનું સ્થાન ધરાવે છે. હમણાં જ સ્થપાયેલા ‘સંસ્કાર દ્વારા શાંતિ’ સંઘના તેઓ પ્રમુખ છે. શ્રી સેડોરોવે એ સાંજે એક એવી કવિતા વાંચી સંભળાવી – જેની છેલ્લી પંક્તિ હતી – ‘રશિયા તો છે શ્રીરામકૃષ્ણનું.’ સાચું પૂછો તો મારા મગજમાં આ વાત ભાગ્યે જ ઊતરી! મને થયું મેં જે કાંઈ સાંભળ્યું તે શું ખરેખર સાચું હતું?’

‘પરિષદના પ્રથમ દિવસે મેં ‘રોરિક અને નવું શિક્ષણ’ એ વિષય પર પ્રવચન આપ્યું. તેને સારો આવકાર મળ્યો. ઘણા શ્રોતાઓએ રૂબરૂમાં મને કહ્યું કે પ્રવચન સારું હતું. કેટલાકે મારી મુલાકાત માગી. અને અમુક લોકોએ પ્રવચનની નકલોની માગણી કરી. બધાં જ પ્રવચનોના અંગ્રેજી તથા રશિયન ભાષામાં એકી સાથે તરજૂમા થયા હતા. અમારા દરેક પાસે પોતાનું એક નાનકડું ઈયર ફોન હતું. પરિષદનું અધિવેશન બહુ સુંદર રીતે સફળ રહ્યું. તેના પ્રથમ દિને તો રાજકીય રીતે ઉચ્ચ સ્થાન ધરાવતા ઘણા મહાનુભાવો પણ પરિષદમાં હાજર રહ્યા હતા. અખબારોએ પણ પરિષદને સારી પ્રસિદ્ધિ આપી. બન્ને સ્વામીજીઓ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં રસ્તા ઉપર, સ્ટેશને કે ગાડીઓ પર રશિયનો તરફથી પૂરો આદરસત્કાર મળતો હતો.

પરિષદના ત્રીજા દિવસે લેખકમંડળના ભવનના એક નાના ખંડમાં બન્ને સ્વામીજીઓના કાર્યક્રમનું ટેલિવિઝન રેકોર્ડિંગ થયું. તે પ્રોગ્રામ ૨૦ કરોડ રશિયનોએ નિહાળ્યો હતો. અમેરિકાનાં જીવન સાથે સરખાવીએ તો ત્યાં ખેલાતા ફૂટબોલ મેચને જોવા માટે ૨૦ કરોડ અમેરિકનો તલપાપડ હોય છે. પણ અમેરિકામાં ટી.વી. ઉપર ધાર્મિક કાર્યક્રમો તો રવિવારે સવારે ૫ થી ૬ વાગ્યા વચ્ચે રજૂ થાય છે, કે જ્યારે મોટાભાગની અમેરિકી પ્રજા પથારીમાં નિદ્રાસુખ માણતી પડી હોય!

‘પરિષદમાં પ્રવચનો આપવા ઉપરાંત બન્ને સ્વામીજીઓએ ‘ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઓરિએન્ટલ સ્ટડીઝ’ તથા ‘વિવેકાનંદ સોસાયટી’માં ઉદ્‌બોધન કર્યું હતું. આ સંસ્થાની સ્થાપના સ્વામી લોકેશ્વરાનંદજીની પ્રેરણાથી થઈ છે. અહીં દુભાષિયાની મદદથી કેટલીક રસપ્રદ પ્રશ્નોત્તરી પણ થઈ હતી. આ સંસ્થા માટે રશિયન પ્રજામાં ભારે આદરભાવ છે. વિદ્વાન ચેલીશેવ એના પ્રમુખ છે અને ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઓરિએન્ટલ સ્ટડીઝના નિર્દેશક એના ઉપપ્રમુખ છે. ઘણા બુદ્ધિજીવીઓ ભારત જઈ પણ આવ્યા છે. સંસ્કારધામમાં રહ્યા છે. અને તેમને લોકેશ્વરાનંદજીનો સીધો પરિચય પણ છે.’

રશિયન પ્રજા

‘રશિયાના સામાન્ય માનવી અદના આદમી સાથે બોલવા-ચાલવાની અમને બહુ તક મળી ન હતી. અમારા ટૅક્સી ડ્રાઇવર જેવા અમુક લોકો સાથે મારે થોડી વાતચીત થઈ હતી. તેઓને લોકશાહી! વિશેષ ખપે છે અથવા તેમને અંગત માલિકીના વધુ અધિકારો જોઈએ છે. તેમની પાસે પુષ્કળ પૈસા તો છે, પણ ખરીદવાની વસ્તુઓની ખેંચ છે. ત્યાં લગભગ દરેક ચીજની તંગી પ્રવર્તે છે. આમ છતાં જે કાંઈ મળે છે તે બધું ખરેખર સસ્તું હોય છે. રશિયન પ્રજા અધ્યાત્મની ભૂખી છે. તેમને વધુ ખોરાક અને ચીજવસ્તુઓ જોઈએ છે. તેઓ પરદેશીઓને માન આપે છે અને ખરેખર તેમને અમેરિકનો ગમે છે.’

‘રશિયનો અતિ નમ્ર અને ધીરજવાળા હોય છે. છાપાથી માંડીને દૂધ, ચીઝ, માંસ, ટ્રામ દરેક માટે તેઓ લાઈનમાં નિરાંતે ઊભા રહે છે. ભારતમાં હોય છે તેવી ત્યાં માણસોની ગિરદી હોતી નથી એટલે કે દરેકને રહેવા માટે ઘર મળી રહે છે, ત્યાં બેઘર-નિરાધાર માણસો છે જ નહીં. આ સદીના અંત સુધીમાં દરેક કુટુંબને પોતાનું આગવું રહેઠાણ-મકાન મળી રહેશે. ત્યાં કોઈ બેકાર નથી. પણ કેટલાક લોકોને લાયકાતના પ્રમાણમાં ઓછું કામ મળે છે. વળી, સરકાર દ્વારા દરેક સેવા કે ચીજમાં રાહત – સબસીડી – અપાય છે. દાખલા તરીકે દૂધ, ઘરભાડું, જાહેર બસ કે ટ્રેન સેવા વગેરે. મને કહેવામાં આવ્યું કે રશિયામાં બનતું કાપડ, જોડા વગેરેની ગુણવત્તા ઊતરતી હોય છે. મોટા ભાગના લોકોને વિદેશી માલ લેવો ગમે છે. ત્યાં દરેક વસ્તુની ભારે અછત હોય છે. લોકો ‘દુ:ખી’ છે એમ નહીં પણ તેમને ‘હમણાં જ’ અને ઘણું વધારે બધું જ મળે એવી પરિસ્થિતિ ખપે છે. પરંતુ આ રશિયન પ્રજા ખૂબ જ સંસ્કારી અને ધીરજવાન છે. અમે સાંભળ્યું છે કે તેઓ કલાકોના કલાકો સુધી લાઈનમાં વારો આવે ત્યાં સુધી ઊભા રહે છે. ક્રેમલીનમાં લેનિનના મૃતદેહને નિહાળવા મોટા ભાગના રશિયનો સરેરાશ ૮ કલાક હારમાં ઊભીને રાહ જોતા ઊભા રહે છે. આ તેમનું સહજ સાંસ્કૃતિક વલણ છે. સમાજ કોઈ પણ પ્રકારની પૂજા કે પ્રાર્થનામાં ન માનતો હોય, તેણે પણ પોતાની પૂજા પ્રાર્થનાનો નવો પ્રકાર ખીલવ્યો હોય છે. કલાકો સુધી વરસતા વરસાદમાં કે બરફ પડતો હોય તોપણ ધારેલી વસ્તુ મેળવવા આ લોકો નિરાંત જીવે રાહ જોતા ઊભાં રહે છે એ પણ એક પ્રકારની સાધના જ ગણાય. તેઓને વાચનનો જબરો શોખ હોય છે. અને છાપાં ખરીદનારાની લાઈનો પણ ત્યાં જોવા મળે છે.’

‘રશિયામાં ઉચ્ચવર્ગનાં ગણાતા કેટલાક લોકોના અને ભારતીય દૂતાવાસના કર્મચારીઓને ઘેર અમે ગયા. આ મકાન અમેરિકાનાં રહેઠાણોની તુલનામાં નાનાં અને સાંકડાં કે જેમાં બે શયનકક્ષ, એક નાનકડું રસોડું, એક સ્નાનગૃહ, એક રહેણાકનો ઓરડો અને એક ભોજનખંડ – આટલી સગવડવાળાં હતાં. ઘણાં મકાનોની અભેરાઈઓ પુસ્તકોની હારથી સજાવેલી હતી. ત્યાંનું રાચરચીલું ઘણું સામાન્ય હતું. દાખલા તરીકે રસોડામાં વીજળીક સાધનો ઘણાં ઓછાં દેખાતાં હતાં. અહીં તમારે યાદ રાખવાનું છે કે અમે તો ઉચ્ચવર્ગનાં ગણાતા લોકોને ઘેર જ ગયા હતા એટલે સામાન્ય જન કેવી રીતે જીવે છે એનો ખ્યાલ અમને આવ્યો નથી. જો કે એવું દેખાય છે કે બધાં જ ઘરો લગભગ એક સરખાં છે. સવાલ એ છે કે સરખે સરખાં ઘરોમાં કેટલાં કુટુંબ રહેતાં હશે? અને અત્યારના જમાના મુજબનાં ઘરવપરાશનાં વીજળીક ઉપકરણો ત્યાં ઓછાં જોવાં મળ્યાં.

રશિયામાં શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય

‘રશિયાની એકેડેમી ઑફ સાયન્સ દ્વારા “સ્વામી વિવેકાનંદના ચાર યોગ પરના પુસ્તકનું ભાષાંતર થઈ રહ્યું છે. અને પ્રથમ આવૃત્તિમાં તેની નેવું હજાર નકલો છપાશે જે હિન્દુસ્તાનની દૃષ્ટિએ મોટી સંખ્યા ન ગણાય પણ અમેરિકન ધોરણથી ખૂબ મોટી સંખ્યા છે. દેખીતી રીતે જ શ્રીરામકૃષ્ણ કથામૃતના અમુક અંશોનું ભાષાંતર પણ તેમણે કરી રાખ્યું છે. શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદનાં કાર્ય અને ઉપદેશમાં આ રીતે ઊંડો રસ જાગ્રત થાય અને તેને જાહેરમાં પ્રગટ કરવામાં આવે તથા તેને લગતી પ્રવૃત્તિઓ પણ હાથ ધરાય એ દૃશ્ય ખૂબ જ ઉત્સાહપ્રેરક છે. રશિયન સમાજમાં ઉચ્ચ સ્થાન ધરાવનાર ઘણા બધા લોકો ભારત આવવા ઉત્સુક છે. તેમને શ્રીરામકૃષ્ણના જીવન વિશે ખૂબ ખૂબ જાણવું છે અને ગંભીર આધ્યાત્મિક સાધના વગેરે કરવા છે. લેનિનગ્રેડના મ્યુઝિયમમાં સ્વામી સ્વાહાનંદજી પાસે એક યુવાન આવ્યો અને તેણે શ્રીરામકૃષ્ણ વિષેનાં પુસ્તકોની માગણી કરી. તેને કેમ ખબર પડી હશે કે આ સ્વામી કોણ અને ક્યા ધર્મસંઘના હતા? મેં તે યુવાનને એનું સરનામું મેળવવા માટે આ બાબતે પૂછ્યું કે તમે રામકૃષ્ણને કેવી રીતે જાણો? તો તેણે તરત અંગ્રેજીમાં જવાબ દીધો કે મેં તેમના વિષે મારા મિત્રો પાસેથી માહિતી મેળવી છે. અમે બધા જ એ જાણીએ છીએ પણ મારે એમના વિષેનું લખાણ મેળવીને જાતે જ માહિતી મેળવવી છે.’

‘રશિયામાં અમને હરવાફરવાનો બહુ સમય ન મળ્યો. પરિષદ એક અઠવાડિયું ચાલી. તે દરમિયાન અમે મોસ્કો અને લેનિનગ્રેડમાં મુખ્યત્વે રોરિક સંબંધી પ્રદર્શનવાળા સંગ્રહસ્થાનની મુલાકાત લીધી. લેનિનગ્રેડ બહુ સુંદર, પુરાણું અને આકર્ષક શહેર છે. મોસ્કોની જૂની ઈમારતો પણ ખરેખર સુંદર છે અને નવી ઈમારતો આધુનિક જેવી છે. ત્યાં મોસ્કોમાં ઊંચાં ઊંચાં અને આધુનિક કહી શકાય તેવાં સેંકડો મકાનો અને મહાલયો આવેલાં છે. એનાં પરામાં પણ આવું જ છે. અમારા જવાના આગલા દિવસે, ત્યાંથી દોઢેક કલાકના અંતરે આવેલ પ્રખ્યાત ઝેરોસ નામના કસ્બાની મુલાકાતે મોટર રસ્તે અમે ગયા હતા. ત્યાં ઘણા સાધુ આશ્રમો આવેલા છે. ત્યાંનું વાતાવરણ અદ્ભુત છે.’

પરંતુ એક વાત નક્કી કે ત્યાં સત્ય માટેની અદ્ભુત ઝંખના જાગી છે. જોકે કેટલાક રશિયનોને રહસ્યવાદમાં તો વળી અન્ય કોઈને પૂર્વજન્મ વગેરેમાં રસ છે. એક વર્ગ એવો પણ છે કે જે અમેરિકા જેવું મોજશોખભર્યું જીવન માણવા ઇચ્છે છે. મારા મનમાં તો એક પ્રશ્ન હજી ગુંજ્યા કરે છે – ‘શું રશિયા શ્રીરામકૃષ્ણનું છે?’

[વેદાંત કેસરી (માર્ચ, ૧૯૯૦)ના સૌજન્યથી]

ભાષાંતરકાર : શ્રી ઈન્દુભાઈ જે. જોષી, રાજકોટ,

Total Views: 164

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.