શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. સાધકો માટે અત્યંત ઉપયોગી એવો આ લેખ શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત ગ્રંથ ‘The Spiritual Ideal for The Present Ago’ નામના ગ્રંથમાંથી અનૂદિત થયો છે,

આધ્યાત્મિક સાધના સંઘર્ષ સિવાય બીજું કશું જ નથી. જિંદગીની ચડતીપડતીની અસરોથી ચલાયમાન થયા વિના આપણે જીવી શકીએ અને કાર્ય કરી શકીએ તેવી સ્થિતિ પામવા માટેનો એ સંઘર્ષ છે – જે સ્થિતિને પામ્યા પછી વિશેષ કશું જ પામવાનું રહેતું નથી અને આપણી એ શાંતિ ને સ્થિતપ્રજ્ઞ દશામાંથી કોઈ જ પીડાકારક અનુભવ આપણને ચલાયમાન કરી ન શકે તેવી એ સ્થિતિ છે. પછી આપણે આનંદમય સ્થિતમાં રહીશું અને જગતનાં દુ:ખો આપણને વિચલિત કરી નહીં શકે. આમ, આપણા જીવનમાં ક્રાંતિ થઈ જશે.

‘ગીતા’માં ભગવાને કહ્યું છે : ‘એ દશા પામ્યા પછી મોટામાં મોટી ઉપાધિથી પણ મનુષ્ય ચલાયમાન થતા નથી.’ આ દશા પામવી એ મોટો સંઘર્ષ છે ને આપણે ખૂબ દૃઢતાપૂર્વક અને અદમ્ય ઉત્સાહપૂર્વક એ યુદ્ધ લડવું જ રહ્યું.

મન જ બંધનનું કારણ

બાહ્ય જગત સાથે આપણે એકરૂપતા સાધી છે માટે તો, બધી પીડા ઊભી થાય છે. આપણી માલમતા, આપણાં સંબંધીઓ, આપણી સમૃદ્ધિ અને સઘળા બાહ્ય પદાર્થો સાથે આપણી જાતને આપણે એરૂપ બનાવી દીધી છે. બાહ્ય જગત સાથેનો આ સંબંધ ‘હું’ અને ‘મારાપણા’ના ખ્યાલથી ઉદ્ભવે છે ને, એ જ આપણાં સૌ બંધન અને પીડાનું મૂળ છે. તો આપણે આ બંધનને બાહ્ય જગત સાથેના સંબંધના સાધનને દૂર કરવું રહ્યું. બહિર્ જગત સાથે આપણે યુક્ત થઈએ છીએ માટે આપણે બંધનમાં પડીએ છીએ અને એ બંધનથી છૂટાં પડીએ છીએ ત્યારે આપણે મુક્ત થઈએ છીએ. આમ, આપણું બંધન અને આપણી મુક્તિ આપણા મન પર આધાર રાખે છે. મન સહકાર ન આપે તો, આપણને ઉત્સાહવર્ધક પરિણામ પ્રાપ્ત ન થાય. ગુરુની, પ્રભુની અને પ્રભુભક્તોની કૃપા આપણે ભલે પ્રાપ્ત કરી હોય પણ, મનની કૃપા વિના, એના સહકાર અને સહાય વિના આપણા બધા પ્રયત્નો વૃથા જાય છે. આમ, પાયામાં મનને જ લક્ષમાં લેવાનું છે. ઇન્દ્રિયો વિષયો પાછળ દોડે તેવી રચના વિભુએ ઇન્દ્રિયોની કરી છે; પણ સત્યની ખોજ કરનાર મનુષ્યોએ ઇન્દ્રિયોને બહારના જગતમાંથી વાળી લઈ, અંત:કરણ ભણી વાળવી જોઈએ, જેથી સત્યની પ્રાપ્તિ થાય. અર્થાત, આપણે મનને અને ઇન્દ્રિયોને નિગ્રહમાં રાખવાનાં છે.

બાહ્ય જગત ક્ષણિક છે

બાહ્ય જગત ક્ષણિક છે અને સનાતન નથી એમ આપણને શ્રદ્ધા ન બેસે ત્યાં સુધી એનાથી વિમુક્ત થવાની આ સ્થિતિ જન્મી શકે નહિ. એ ખાતરી થતાં જ બાહ્ય જગત સાથેનું આપણું વળગણ છૂટી જશે. આ માટે આપણે વિવેક કરવો જોઈએ અને શું સત્ય અને શું અસત્ય છે તે જાણી લેવું જોઈએ. ઉપાધિનું કારણ શું છે, અને આ જગતના મૂળમાં શું છે, તે આપણે જાણી લેવું જોઈએ. આ જ રીતે, વિવેક વિચારપૂર્વક સત્યને અસત્યથી તારવી લેવાનો પ્રયત્ન કરીને, અસત્યને તજી દઈ સત્યને વળગી રહેવા પ્રયત્ન કરીએ તો, બાહ્ય જગતથી મુક્ત થવાની આપણને આશા છે. આ ભવમાં તો ઠીક, પરભવમાં પણ મોજશોખની બધી ઇચ્છાઓ આપણે તજી દેવી જોઈએ. સામાન્ય રીતે ત્યાગ દ્વારા, દાન કરીએ કે બીજાને મદદ કરીએ ત્યારે જે કંઈ સત્કૃત્ય કરીએ છીએ તે, પુણ્યના હેતુથી કરવામાં આવે છે. આ સૂકૃત્યો માટે પુણ્ય મળે ને તેનાં સુફલ ભોગવવા આપણે સ્વર્ગે જઈએ; પણ શાસ્ત્રો કહે છે કે, આ સુખ પણ શાશ્વત નથી. એની પણ મર્યાદા છે ને એ આવી જતાં, આપણાં પુણ્યો ક્ષીણ થતાં, આપણે પાછાં આ પૃથ્વી પર આવી નવેસરથી એકડે એક કરવાનું. આથી, ઊંડા વિવેકવિચારવાળા લોકો સ્વર્ગમાં જવાની વાતને પણ બંધનરૂપ, આધ્યાત્મિક માર્ગમાં નડતરરૂપ સમજે છે. આમ, સ્વર્ગસુખની ઇચ્છાને પણ તજી દેવી જરૂરની છે. પછી આ જીવનમાં જ ઈશ્વરને પામવાની ઇચ્છા આપણામાં ઊભી કરવી ઘટે છે. તો જ આપણે વેગથી આગળ વધી શકીશું.

માનવજીવનનો હેતુ : પ્રભુપ્રાપ્તિ

આ પૃથ્વી પર આવવાનો હેતુ પ્રભુપ્રાપ્તિનો છે, તે આપણે સમજવું જોઈએ. ત્રણ વસ્તુઓ પામવી મુશ્કેલ છે : મનુષ્યન્ત, મુમુક્ષુત્વ અને મહાત્માઓની સંગત. માનવજીવનનો પ્રધાન હેતુ ઈશ્વરપ્રાપ્તિનો છે પરંતુ, આપણે અચૂકપણે એ ભૂલી જઈએ છીએ અને આપણા જીવનને વેડફીએ છીએ. એક જાપાની છોકરા વિશેની સુંદર વાર્તા છે : આઘેના એક ગામડામાં એક છોકરો કોઈને ત્યાં ચાકર તરીકે હતો. એક દિવસ તેના શેઠે તેને નજીકના શહેર જઈને કેટલીક વસ્તુઓ ખરીદવા મોકલ્યો. છોકરો શહેરમાં તો ગયો પણ, પોતે ગામડાનો વતની હોઈ, શહેરમાં દાખલ થતાં જ ત્યાંના ભભકાથી, ત્યાંની દુકાનોથી અને ત્યાંનાં અનેક આકર્ષણોથી અંજાઈ ગયો. આ બધી લોભામણી વસ્તુઓ પાછળ તે એક હાટેથી બીજી હાટે ને એક સ્થાનેથી બીજે સ્થાને ભટકતો રહ્યો અને દરેક જગ્યાએ નવાં નવાં દૃશ્યો જોતો તે આવા અનુભવો માણતો રહ્યો. બધી આ ભુલભુલામણીમાં એ શહેરમાં આવવાનો હેતુ જ વીસરી ગયો અને સાંજે શેઠ માટે કશું જ લીધા વિના પાછો ગયો. ‘મે મગાવેલી ચીજવસ્તુઓ ક્યાં?’ એમ એના શેઠે પૂછ્યું તો છોકરાએ ઉત્તર આપ્યો : ‘શેઠ, એ બધું લેવાનું તો હું ભૂલી ગયો.’ આપણી સ્થિતિ લગભગ એના જેવી છે. આપણે આ પૃથ્વી પર આવ્યાં છીએ અને મનુષ્યત્વ પ્રાપ્ત કર્યા પછી, ઈશ્વરને પામવાનો પ્રયાસ કરવાને બદલે આપણે ઇન્દ્રિયસુખની પાછળ પડીએ છીએ ને જીવનનો મુખ્ય હેતુ ભુલી જઈએ છીએ. આધ્યાત્મિક ઉન્નતિ માટે અતિ આવશ્યક એ સંતસમાગમ આપણે શોધતા નથી.

સત્સંગનું મહત્ત્વ

આપણે સંતોના સાન્નિધ્યમાં રહીશું, એમની જીવનરીતિનું અવલોકન કરીશું અને એમને સાંભળતાં રહીશું અને એમનું વર્તન જોતા રહીશું અને જીવન પ્રત્યેના એમના વલણનો અભ્યાસ કરતાં રહીશું તો, આપણને એમનો સંગ લાગશે અને એમની જીવનરીતિને અનુસરવા તરફ આપણે વળીશું. આપણે કોઈ સાધુ પુરુષ પાસે જશું કે તરત જ આપણું ચિત્ત ઊંચી સપાટી સર કરશે અને ઓછામાં ઓછું, તત્કાલ પૂરતું, આપણે જગતને અને તેની જંજાળને ભૂલી જશું. આપણે સાધુસંગ નિત્ય રાખશું તો, આ જગતની માયા ઓછી થતી જશે. પરંતુ સાધુસંગત મેળવવી જ દુર્લભ છે. પરંતુ આપણે પવિત્ર ધર્મગ્રંથોનું પઠન કરી શકીએ છીએ. શ્રીરામકૃષ્ણનું જીવનચરિત્ર, ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’, ‘ભાગવત’, ‘ગીતા’ કે સંતોનાં જીવનચરિત્રોનું વાચન હિતકર છે. આવા ગ્રંથો વાંચતી વખતે આપણને લાગે છે કે, આપણે મહાત્માઓના સંસર્ગમાં છીએ. આ રીતે આપણે સત્સંગ પ્રાપ્ત કરી શકીશું અને ઈશ્વરપ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહી શકીશું.

મોક્ષના ત્રણ માર્ગો

ભગવાન ઉદ્ધવને કહે છે કે, ઈશ્વર સાક્ષાત્કાર માટે પોતે મુમુક્ષુઓની શક્તિ અનુસાર ત્રણ માર્ગો પ્રબોધ્યા છે. દુન્યવી સુખોપભોગની ઉપેક્ષા કરનારાઓ માટે જ્ઞાનમાર્ગ ચીંધવામાં આવ્યો છે અને જે લોકો જગતની માયાને અને ઇન્દ્રિયસુખને વળગેલા છે તેમને કર્મમાર્ગ ચીંધ્યો છે. આમ, ફલની આશાથી આચરેલું કર્મ પરોક્ષ રીતે સહાયરૂપ થાય છે. કેમ કે સમય જતાં એ આપણને ફલાકાંક્ષા વિના કર્મ કરવા ભણી લઈ જાય છે. આકાંક્ષા વિના આપણે કર્મ કરતાં થઈએ ત્યારે, આપણને વિવેકની શક્તિ, વિચારનું તત્ત્વ સાંપડે છે. આપણે નિત્યથી અનિત્યનો ભેદ કરવા અને આ જગત અને એનાં મૂલ્યો કેટલાં સત્ય છે તેની પરીક્ષા કરવા શક્તિમાન બનીશું. આ જગત મિથ્થા છે એવું ભાન આપણને થશે ત્યારે જ સત્યને પામવા માટે આપણે આતુર થશું. જ્ઞાનજ્યોતિ પામવા માટે યોગ્ય વ્યક્તિની શોધ આદરશું અને સત્ય પ્રતિ ધીમી ગતિએ પ્રયાણ કરશું.

ભક્તિનો માર્ગ

ઘણાખરા માણસો વચ્ચેની અવસ્થામાં છે. તેઓ સાંસારિક આનંદપ્રમોદ પ્રત્યે સાવ બેદરકાર પણ નથી હોતા કે ન તો તેઓ એમાં સાવ ડૂબેલા પણ હોતા. ઈશ્વર પ્રત્યે તેમનામાં કંઈક ભક્તિ હોય છે, ઈશ્વર પ્રત્યે તેમનામાં થોડીક શ્રદ્ધા પણ હોય છે. પણ સાથોસાથ તેમનામાંથી કામનાઓ તરફ ઝળુંબવાનું વલણ તદૃન નિર્મૂળ થયેલું હોતું નથી. આવા લોકો માટે ભક્તિનો માર્ગ ચીંધવામાં આવ્યો છે. ભક્તિના આ માર્ગે આપણે દ્વૈત ભાવથી આરંભ કરશું. આપણે કહેતા હોઈએ છીએ કે પરમેશ્વર મહાન છે, આપણે એને ભજીએ છીએ, એને નૈવેદ્ય ધરીએ છીએ અને આમ એનો વિચાર, એ આપણાથી ભિન્ન અને સ્વતંત્ર હોય તે રીતે આપણે કહીએ છીએ, આ રીતે દ્વૈતભાવથી આરંભી આપણે પરમાત્માના સાકાર સ્વરૂપના સર્વોચ્ચ આદર્શ તરફ જઈએ છીએ અને પછીથી એના અનુગ્રહથી, આપણે એથીયે ઊંચે તબક્કે જઈએ છીએ, જ્યાં ઈશ્વર નિરાકાર છે. સાકાર ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો એ જ એક મોટી બાબત છે ને એક વેળા એના સાકાર સ્વરૂપનાં દર્શન આપણે કર્યાં ને એની કૃપા પ્રાપ્ત કરી તે પછી નિરાકાર સ્વરૂપે એને પામવું અઘરું નથી.

સાકાર ઉપાસનાનાં ત્રણ સોપાનો

પરમેશ્વરના સાકાર સ્વરૂપની ભક્તિનાં ત્રણ સોપાન છે : આપણે મૂર્તિની પૂજા કરીએ એ પ્રથમ પગથિયું છે. આપણે પૂજાની બાહ્ય વિધિઓમાં ઊંડો રસ લેતાં થઈએ, એમાં તન્મય થવા લાગીએ એટલે, આપણું મન જપ માટે તૈયાર થાય છે. જપ એટલે પ્રભુનામનું પુનઃ પુનઃ ઉચ્ચારણ. જ૫ કરતાં મન એકાગ્ર થાય છે ને આ અંતે પ્રભુપ્રાપ્તિ તરફ લઈ જાય છે. ઈશ્વરપ્રાપ્તિ માટે પ્રભુનું નિત્ય નામસ્મરણ ઉત્તમ માર્ગ છે.

નામનો મહિમા

ઈશ્વરના નામનો મહિમા ગાતી એક સુંદર પૌરાણિક વાર્તા છે : એક વેળા સત્યભામાએ પ્રતિજ્ઞા લીધી કે, ‘હું શ્રીકૃષ્ણને સોનેથી તોલીશ અને એ સોનું દાનમાં આપીશ.’ એક પલ્લામાં શ્રીકૃષ્ણને બેસાડ્યા ને ત્રાજવાના બીજા પલ્લામાં સત્યભામા સોનું મૂકવા લાગ્યાં; પણ શ્રીકૃષ્ણનું વજન ઘણું હતું. મળ્યું તેટલું સોનું સત્યભામાએ પલ્લામાં મૂક્યું. પરંતુ શ્રીકૃષ્ણવાળું પલ્લું ઊંચું થાય જ નહીં. આથી મૂંઝાઈને સત્યભામા રુકમણિ પાસે ગયાં ને બધી વાત કરી તેમણે તેમની સહાય માગી. રુકમણિ બોલ્યાં : ‘વારુ, ચિંતા ન કરો. હું ત્યાં આવું છું.’ પછી ત્યાં જઈ એક તુલસીપત્ર લઈ તે પર તેમણે શ્રીકૃષ્ણનું નામ લખ્યું અને તે સોનાવાળા પલ્લે મૂક્યું. તરત જ બંને પલ્લાં સમતોલ થઈ ગયાં. આથી નામનું માહાત્મ્ય સમજાય છે. ‘પ્રભુ અને પ્રભુનામ એક જ છે.’ – આ શ્રદ્ધાથી આપણે ઈશ્વરના નામનો જપ કરીશું તો, આપણને ઈશ્વરપ્રાપ્તિ થશે જ. કારણ, નામમાં આપણને ઈશ્વરદર્શન કરાવવાની શક્તિ છે.

નાહિંમત થશો નહિ

સાધના શરૂ કરતાં ઘણા લોકો નાહિંમત થઈ જાય છે. કારણ કે થોડા સમયમાં કશું નક્કર પરિણામ આવતું નથી. પરંતુ આધ્યાત્મિક સાધના દીર્ઘ અને આકરી પ્રક્રિયા છે. મન સ્થિર થાય તે પૂર્વે ઘણી બાબતો શીખવાની અને કરવાની છે. આપણે ઘણો લાંબો સમય સંઘર્ષ કરવો પડે છે. લાંબા વખતથી વાળેલા પડેલા પતરાના ફીંડલાને ઊખેડીને સીધું કરવું હોય તો એને એક વાર ઊખેડી એમ જ રહેવા દીધે ચાલશે નહીં. આપણે એને ઊંધી દિશામાં વાળવું પડે છે ને લાંબા સમય સુધી તેને દબાણ હેઠળ રાખવું પડે છે. પછી જ એ સીધું થાય છે ને રહે છે અને ફરી વીંટાઈ જતું નથી. માત્ર આ ભવમાંથી જ નહીં પણ અગાઉના ભવની શ્રેણીથી આપણું ચિત્ત આ દુનિયા વિશે જ ચિંતન કરવાને ટેવાઈ ગયું છે; તેથી એ ચિત્ત તરત અંકુશમાં આવી જાય અને ભગવાનનું ધ્યાન ધરતું થાય એ અશક્યને શક્ય બનાવવા જેવું છે. મન હંમેશાં છટકવા અને નાસવા માગે છે, એ જેટલી વાર દૂર ભાગે એટલી વાર એને વશ કરી પાછું લાવવું પડે છે ને ઇષ્ટદેવતાના ધ્યાનમાં એને લગાવવું પડે છે. એક તરફ વિચારથી મન ભરેલું રહે અને બીજી સઘળી બાબતોને દૂર હડસેલે એ માટે સતત અભ્યાસ કરવો પડે છે. આપણે ઇષ્ટ દેવતાનો વિચાર કરવો જોઈએ અને બીજા વિચારોને પડતા મૂકવા જોઈએ અને, આ કાર્ય દીર્ઘ કાળ પર્યંત કરતા રહેવું જોઈએ. તો જ આપણને ધ્યાનનો આસ્વાદ મળશે. કમળાના દર્દીને ખાંડની ટીકડી દવા તરીકે અપાય છે એમ કહેવાય છે. દર્દીને તે ખૂબ કડવી લાગે છે પણ, એ ટીકડી જ તેની દવા હોઈ તેને લાંબા વખત સુધી એ જ આપવામાં આવે છે. આખરે એની સ્વાદની શક્તિ પાછી આવે છે; કમળો મટી જાય છે. અને, એ જ ટીકડી તેને મીઠી લાગવા માંડે છે. એ જ રીતે, સાંસારિક ભોગના કમળાથી આપણે પીડાઈએ છીએ ને તેથી, પ્રભુનામનો જપ કરવાનું આરંભમાં કડવું લાગે છે. પરંતુ આ કમળા માટે પ્રભુનામનો જપ અને એનું ધ્યાન એ જ કેવળ ઉપાય છે. બીજો ઈલાજ જ નથી. આપણે જપ કરતા રહેવું જોઈએ જેથી, સમય જતાં સંસારની માયા ઓછી થઈ જશે. પછી આપણો કમળો જતો રહેશે અને પ્રભુનામ આપણને અમૃતતુલ્ય લાગશે.

પોલીસની જેમ ચિત્તની ચોકી કરો

શરૂઆતમાં આપણા માટે ધ્યાન ખૂબ શુષ્ક ક્રિયા હશે, પણ અવિરત પ્રયાસથી આપણે આ શુષ્કતાનો ગાળો ઓળંગી જશું. આ ભવમાં જ આપણે ઈશ્વરને પામીશું એ શ્રદ્ધા આપણામાં હોવી જ જોઈએ. એ શ્રદ્ધા વિના આધ્યાત્મિક માર્ગે આપણી પ્રગતિ સરળ નહીં બને. આ દિશાના આપણા પ્રયત્નો કદી ઢીલા ન થવા ઘટે. સાચો વૈરાગ્ય શું છે, તે આપણે નિત્ય ધ્યાનમાં રાખવું જોઈએ. વૈરાગ્ય કોને કહેવાય? મનમાં ઊઠતી દરેક ઇચ્છાનો ત્યાગ તે વૈરાગ્ય. વિવેકવિચાર કરીને મનમાં ઊઠતી બધી કામનાઓ આપણે તજી શકીએ – આ રીતે મન વિશુદ્ધ થાય તો આપણું ધ્યાન સરળ બને. મન શુદ્ધ હોય અને કશી કામના જાગે નહીં તો મન અશાંત નહીં બને. કામના મનને ચંચળ બનાવે છે અને, મનમાં કામના હોય જ નહીં તો, મન શાંત અને નિશ્ચલ બને. આવા ચિત્ત વડે આપણે આત્માને કે પ્રભુને જોવા શક્તિમાન બનીશું. તો મનને નિર્મળ કરવા માટે નિત્ય યત્ન આવશ્યક છે. આપણે ચિત્તની નિત્ય ચોકી કરવી જોઈએ. પોલીસ જમાદારની માફક પોતાને ઉચિત સ્થાનેથી ખસી એ ન ચિંતવવા જેવું ચિંતન કરવા ભણી વળે કે તરત જ એને ઠેકાણે લાવવું જોઈએ અને આ સતત પ્રયત્ન દીર્ઘ કાળ પર્યંત ચાલવો જોઈએ. કારણ કે સુદીર્ઘ અભ્યાસ પછી જ આપણો સંઘર્ષ ઓછો થશે અને, જે રીતે મન વિચારવાને ટેવાયેલું હતું તેના કરતાં જુદી રીતે વિચારવા ટેવાશે. મન પરનો અંકુશ સ્વાભાવિક બની જશે. શ્રીરામકૃષ્ણ કહેતા કે જેને ઈશ્વરપ્રાપ્તિ થઈ છે તે કદાપિ ખોટું કરશે નહીં. એવી વ્યક્તિ માટે ખોટું પગલું ભરવું અશક્ય બનશે તે એ કારણે કે ઈશ્વરપ્રાપ્તિ થતાં સુધી એ વ્યક્તિએ દૃઢતાપૂર્વક મનને અંકુશમાં રાખ્યું હતું અને હવે પછી આવા મનને માટે ભૂલ કરવી કે પાછા પડવું અશક્ય છે. આરંભમાં સામાન્ય માણસને માટે ઇન્દ્રિયનિગ્રહ લગભગ અશક્ય છે અને એ જ રીતે, ભગવાનને પામ્યા પછી મનુષ્યને માટે ખોટું કરવું ખૂબ મુશ્કેલ છે. કેમ કે લાંબા સમયના અભ્યાસથી એ માત્ર સાચું કરવા ટેવાયેલું છે. આમ, મન જ બધું છે. આપણે મનને નિયમન હેઠળ અને અંકુશમાં રાખીશું તો આપણે તેના સ્વામી બની શકીશું. જે આ સાધના વડે આપણે આપણો હેતુ – પછી ભલે તે દુન્યવી હોય કે ઈશ્વરપ્રાપ્તિનો હોય સિદ્ધ કરવાનો છે તે સાધન સુતીક્ષ્ણ અને નરવું રાખવું ઘટે. મનને જો છૂટું મૂકવામાં આવશે અને લગામ વગર ભટકવા દેવામાં આવશે તો, આપણે નહિવત્ સિદ્ધિ હાંસલ કરી શકીશું ને આધ્યાત્મિક જગતમાં તો એથીયે ઓછી. તો આપણે દૃઢતાપૂર્વક અને અવિરત પ્રયાસ કરી, આધ્યાત્મિક સાધના દ્વારા મનને વિશુદ્ધ કરી નિત્ય યત્ન દ્વારા, નિત્ય મંત્રજપ દ્વારા, સત્સંગ દ્વારા અને સદ્‌ગ્રંથોના વાચન દ્વારા એને પ્રભુશરણે રાખવું જોઈએ. મનને નિત્ય પ્રભુની ખોજમાં જ લગાડવું જોઈએ.

ભાષાંતરકાર : શ્રી દુષ્યંત પંડ્યા

Total Views: 184

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.