જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ,
જય જય ભગવાન જગતના ગુરુ.
જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ;
પાસું રજ ચોટેલી એ સહુને ચરણ.
બાલલીલા શ્રીપ્રભુની અતિમનોહર;
સુણો મન કેવા કરે ખેલ ગદાધર.
વિશ્વપતિ શિશુમતિ શિશુનો આકાર,
લીલા એની કળી શકે, છે એ કોનો ભાર!
અમાનુષી કાર્ય સામે બુદ્ધિ નવ ટકે;
જુએ તોય લોકો કાંઈ સમજી ન શકે.
ભલેને ઐશ્વર્ય જુએ ગ્રામવાસીગણ;
ઈશ્વરત્વ કળી નવ શકે કોઈપણ.
નજીક સરાઈઘાટ નામે એક ગામ;
મોસાળ શ્રી પ્રભુ નવું હતું તેહ ઠામ.
એકવાર આઈ સહ થાય ત્યાં ગમન;
વાટ મધ્યે જનનીને બોલીયા વચન.
‘પાલવ ઢાંકીને મને તેડી નિજ કડે;
ચાલો જેથી કાયા મારી નજર ન ચડે.’
એ મુજબ માએ કર્યું વસ્ત્ર આવરણ;
લઈ કેડે ગદાધર કરીયું ગમન.
વાટ વચ્ચે આવે એક પીરનું અસ્થાન,
સુશીતળ વૃક્ષતળ મનોરમ સ્થાન.
આવતાં નજીક કહે માને ધીરેધીરે,
ઉતારો ઉતારો મને તરત અહીં રે.
વૃક્ષતળે હતા અધિષ્ઠિત સત્યપીર;
પડ્યા બહુ હાથીઘોડા, માટીનાં શરીર.
દોડી ઝટઝટ પ્હોંચી ગયો ગદાધર,
કોણ જાણે ક્યો ભાવ આવીયો અંતર.
ગદાઈ ત્યાં બેસી રહ્યો ભાવે ભરપૂર;
સુણે નહિ કશું મા બોલાવે ઊંચે સૂર.
કેમે કર્યો સ્થાનેથી ઉઠાવી ન શકાય;
નીરખી માતાનો જીવ વ્યાકુળિત થાય.
પટાવી અનેક રીતે ખોળે લેવા જાય;
ત્યારે પછી બહુ વારે ભાવ ચાલ્યો જાય.
બહુ મનોહર શિશુ ગદાઈની ગાથા,
ફરી પડ્યાં બીજી એક ઉપાધિમાં માતા.
વાટે જતાં પાછો ગદાધર કેડ પરે;
પ્હોંચી વડવૃક્ષ નીચે વિસામો મા કરે.
ઝાડ પરે કાળા મોંના અનેક વાનર;
દેખીને બહુ જ રાજી થયો ગદાધર.
હાથે છડી, દોડી દોડી ગદાધર જાય;
એકદમ પાસે જ્યાંહાં વાંદરાઓ ખાય.
નાની વય છતાં ચિત્તે નહિ જરી ડર;
હાંકી કાઢ્યા ત્યાંથી વાંદરાઓ જોરાવર.
જંગલી વાનર બધા રાની પશુગણ;
નવાઈ ગદાઈ ૫૨ નહિ આક્રમણ.
ઊતરી આવીયા જેઓ હતા ઝાડ પરે;
નવે રંગે ગદાઈની સંગે ખેલ કરે.
કરે દોડાદોડ ચારે કોર હનુમાન;
આકુળવ્યાકુળ દેખી આઈ તણા પ્રાણ.
કરે ઇજા કદાચિત વનનાં વાનર;
તેથી આઈ બૂમો પાડે, ‘આવ ગદાધર.’
વાતો સાવ દેશી, લાગે જાણે ચાપલુશી,
તથાપિ સકળ કાર્ય દેખો, અમાનુષી.
બોલ્યા જેવી વાત નથી, બોલ્યું જાય એળે,
વનના વાનરો કદી શિશુ સંગે ખેલે?
વૃક્ષે વસે ગયે પાસે કરે આક્રમણ;
કાળમુખા સામે જોતાં દાંતિયાંકરણ.
પણ વિપરિત રીત બાળપ્રભુ સંગે,
પશુ વાનરોએ જાણ્યા પ્રભુ કયે રંગે.
પ્રભુ અવતારે સર્વ પશુ પંખી ગણ;
સ્થાવર જંગમ તથા તરુલત્તા પણ.
ચેતન કે જડ દેહ ગમે તે આકાર;
કોણ જાણે ક્યો ભક્ત કેવો છે આધાર.
તેથી મન સુણો જ્યારે પ્રભુ અવતાર;
હીન કે અધમ ગણો નહિ કો આકાર.
જય સદ્‌બુદ્ધિ દાતા દયાના સાગર;
ધરાધામ પર શિશુ પ્રભુ ગદાધર.
હોય સદ્‌બુદ્ધિ તેને આપે પરિચય,
એવી સદ્‌બુદ્ધિ મને દીઓ દયામય.
નહિ તો શેં થાય જ્ઞાન કોણ કેવા તણું;
નેત્રો પરે રહ્યું ગાઢ માયાનું ઢાંકણું.

Total Views: 156

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.