થોડા દિવસો પહેલાં આપણા બીજા રાષ્ટ્રપતિ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા વિદ્વાન તત્ત્વવેત્તા શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનની જીવનકથાનું પુસ્તક વાંચ્યું. એમાં તેમના જુદા જુદા સમયની જુદી જુદી છબીઓ આપેલી છે. એમાં મોટા ભાગની છબીઓ કોઇ ને કોઇ વિદ્વાન સાથેની છે. કેટલીકમાં એ રાજપુરુષો સાથે છે અને એકમાં માથે પળિયાં આવી ગયાં છે તે વયમાં રાષ્ટ્રપતિ ભવનના વિશાળ પ્રાંગણમાં કોઇ જગ્યાએ, પોતાનાં પૌત્રપૌત્રીઓ સાથે, એ ક્રિકેટ રમી રહ્યા છે! એ છબીમાં એ કોઇ યુનિવર્સિટીના વાઇસ ચેન્સેલર નથી; ઓક્સફર્ડ કે હાર્વર્ડ યુનિવર્સિટીઓના પ્રોફેસર નથી; યુનેસ્કોના અધ્યક્ષ નથી; સ્ટેલીનને સમજનાર રાષ્ટ્રપતિ ફિલસૂફ-રાજદૂત નથી; ભારતના રાષ્ટ્રપતિ પણ નથી. પરંતુ, પોતાના પૌત્રપૌત્રીઓના દાદા છે.

એક વ્યક્તિ જો આમ વિવિધ રૂપો ધારણ કરી શકે, તો જગતનો સર્જનહાર ભલા શા માટે એમ ન કરી શકે? જગતનાં- અને જગત બહારનાં પણ- જે અસંખ્ય રૂપો છે, તે દરેક રૂપ ભગવાનનું શા માટે ન હોઈ શકે?

પરંતુ, સદીઓની પરંપરાથી આપણું મન અમુક વલણના ઢાંચામાં ઢાળવામાં આવ્યું હોઇ, એને એ ઢાંચા બહાર જોવા-વિચારવામાં તકલીફ પડે છે. ગોપીઓ બાલકૃષ્ણ સિવાય અને હનુમાન રામચંદ્ર સિવાય બીજા સ્વરૂપને ઓળખી શકતા નહોતા, એમ કહો કે ઓળખવા માંગતા નહોતા.એક સ્વરૂપને પણ પૂરું ઓળખવું સહેલું નથી. એટલે ગોપીઓનો કે હનુમાનજીનો દોષ કાઢવા જેવું નથી.

પરંતુ, ‘ભગવાનના જે સ્વરૂપને હું માનું છું તે જ સાચું અને બીજાં ખોટાં,’ આ વાત બરાબર નથી. બર્દવાનની રાજસભામાં દિવસો સુધી ચર્ચા ચાલી: ‘ક્યો દેવ મોટો?’ પાંચસાત દિવસના એ વૃથા વાદવિવાદને અંતે આ બધો સમય મૌન ધારણ કરી રહેલા સભાપંડિત પધ્મલોચનને એ પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે એમણે જવાબ આપ્યો: ‘બાપુ, જો કે મારી સાત પેઢીમાં કોઈએ બ્રહ્મા, વિષ્ણુ કે મહાદેવને જોયા નથી તો કોણ મોટું, તે હું કેવી રીતે કહી શકું?’ અને એ ચર્ચા પર પડદો પડી ગયો. પરંતુ, આપણે સૌ સામાન્ય માણસો બર્દવાનની રાજસભાની ચર્ચાના અતિરથીઓ છીએ. જીભેથી નીકળતા શબ્દ સિવાય બીજું કોઈ પ્રમાણ તો આપણી પાસે છે નહીં. એટલે આપણે હઠાગ્રહનું શરણ લઈએ છીએ. આ હઠાગ્રહથી નથી તો આપણો સંશય દૂર થતો, કે નથી તો કોઈ બીજાનો. એ સંશય તો કોઈ મહાન આત્મા, કોઈ દૈવી પુરુષ જ દૂર કરી શકે.

ઈશ્વરના ચોક્કસ સ્વરૂપની વાત કરતા પહેલાં વળી એક બીજો પહાડ જેવો પ્રશ્ન સામે આવે:

‘ઈશ્વર સાકાર કે નિરાકાર?’ સાકાર હોય તો જ સ્વરૂપ હોય ને?

આ બંને પ્રશ્નોના ઉત્તર શાણા માણસો આપતા જ આવ્યા છે પણ આપણે પ્રત્યક્ષ શ્રોતા ન હોઈ, આપણા મનમાં ફરી પાછા પ્રશ્નો ઊભા થાય છે. વેદોમાં અને ઉપનિષદોમાં આ વાત કહેવાઈ છે. પુષ્પદન્તના સુપ્રસિદ્ધ શિવમહિમ્ન સ્તોત્રમાં પણ આ વાત બહુ સુંદર રીતે કહેવાઈ છે: “તમે ગમે તે રીતે ભગવાનને ભજો; એ બધા જુદા જુદા રસ્તા છે; અને જેમ બધી નદીઓ સમુદ્રને મળે છે, તેમ એ બધા પંથો ભગવાન તરફ જ લઈ જાય છે.”

શ્રીરામકૃષ્ણ આ વાત વારંવાર કહેતા. અને એ પણ પોતાની અદ્ભુત દૃષ્ટાંતશૈલીથી.

૧૮૮૨ના ઓક્ટોબરની ૨૮મી તારીખે અને શનિવારે શ્રીરામકૃષ્ણ સિંથી બ્રાહ્મસમાજના અર્ધવાર્ષિક ઉત્સવમાં ગયેલા. પોતે બ્રહ્મસમાજના સભ્ય ન હતા, એ સમાજના સિદ્ધાંતોની મર્યાદાઓથી બંધાયેલા ન હતા છતાં, તેઓ પ્રેમપૂર્વક બ્રાહ્મસમાજના ઉત્સવોમાં જતા. સિંથીના આ ઉત્સવમાં તેઓ ગયા એટલે તરત જ કેન્દ્રસ્થાને આવી ગયા. એવી તેમની પ્રતિભા હતી.

કોઈકે તેમને પ્રશ્ન પૂછ્યો : ‘ઈશ્વર સાકાર કે નિરાકાર?’

બ્રાહ્મસમાજીઓ નિરાકારવાદી ત્યારે શ્રીરામકૃષ્ણ મા કાલીના ભક્ત. બધા પંથોની ને ધર્મોની ઉપાસના-અનુભૂતિઓમાંથી એઓ પસાર થઈ ચૂક્યા હતા. પોતાની લાક્ષણિક ઢબે એમણે ઉત્તર આપ્યો :

“ઈશ્વરને કોણ જાણી શક્યું છે કે, એ આવો છે, એમ કહી શકાય? એ નિરાકાર તેમ જ સાકાર બન્ને છે. ભક્તિ કરે તેને માટે સાકાર, જ્ઞાની માટે નિરાકાર.”

સ્તબ્ધ બનીને એકચિત્તથી સૌ આ કથામૃતનું પાન કરી રહ્યા છે. ઉધાનમાંનાં ઝાડપાન અને વેદી સમક્ષ પ્રગટાવેલી દીપજ્યોત પણ જાણે કે સ્થિર બની આ દેહે ગામડિયા પણ અધ્યાત્મના હિમાલયની મધુર વાણીનું આકંઠ પાન કરી રહેલ છે. ગહનમાં ગહન બાબતને સરળમાં સરળ બાનીમાં શ્રીરામકૃષ્ણ રજૂ કરી શકે છે.

“બ્રહ્મ કેવું તે જાણો છો?” આગળ ચાલતાં તેઓ સમજાવે છે, “જાણે કે સચ્ચિદાનંદરૂપી મહાસાગર છે. ક્યાંય આરોવારો નહીં. તેમાં ભક્તિરૂપી ઠંડીથી પાણી જામી જઈને ઠેકાણે ઠેકાણે બરફ થઈ જાય, જાણે ભક્ત માટે ભગવાન સાકાર બની ગયા, અને તે પણ બરફના બધા ટુકડાઓનો આકાર એક જ નહીં.” ‘જૂજવે રૂપે અનંત ભાસે,’ જેમ નરસિંહ મહેતાએ કહ્યું છે ને? તેમ ભક્તોની ભક્તિ અનુસાર ભગવાન જુદાં જુદાં રૂપ ધારણ કરે. શ્રીરામકૃષ્ણ આગળ કહે છે: “જ્ઞાનસૂર્યનો ઉદય થતાં બરફ ઓગળી જાય. પછી સાકારભાવ ન રહે. પછી ઈશ્વરનો વ્યક્તિરૂપે અનુભવ થાય નહીં. પછી એના રૂપનું દર્શન થાય નહીં. પછી એના સ્વરૂપનું વર્ણન મોઢેથી કરી શકાય નહીં. બોલે કોણ? બોલનાર જ ન રહે.”

ત્યાં બેઠેલો સમગ્ર શ્રોતાગણ આ ભાગીરથીમાં તરબોળ છે.

પણ કેટલાક સંશયાત્માઓ ત્યાં હશે જ. એટલે પ્રશ્નોત્તરી એ જ લાઈન પર આગળ ચાલે છે.

કોઈ થોડા પલળેલા બ્રાહ્મસમાજી પ્રશ્ન કરે છે: મહાશય! ઈશ્વરના સ્વરૂપ બાબત આટલા બધા નોખનોખા મત શા માટે?

કામારપુકુર નામના એક નાના ગામડામાં જન્મેલા ગ્રામવાસીને માટે સહજસ્વાભાવિક એવા દૃષ્ટાંતથી શ્રીરામકૃષ્ણ પોતાની વાત એને સમજાવે છે:

‘એક વાત સાંભળો. એક જણ શૌચ ગયો હતો. ગામડામાં આ ક્રિયા માટે ગામ બહાર વગડામાં જવું પડે. પેલો માણસ પણ એ રીતે વગડે ગયેલો. ત્યાં જઈ એણે જોયું તો એક ઝાડ ઉપર એક જાનવર બેઠું છે. ગામમાં પાછા આવી એણે પોતાના અનુભવની વાત કોઈને કરતાં કહ્યું, ‘એ….ય જુઓ! ત્યાં પેલા ઝાડ ઉપર એક સુંદર લાલ રંગનું જનાવર જોઈને જ હું ચાલ્યો આવું છું.’

એના સાંભળનારે કહ્યું : ‘ભાઈ, હું પણ શૌચ ગયો હતો અને મેં, પણ ભાળ્યું છે. એ તે વળી લાલ રંગનું ક્યાં છે? એ તો લીલા રંગનું છે.’

આ બેની વાત સાંભળતો વળી કોઈ ત્રીજો માણસ ત્યાં ઊભો હતો. માથું ધુણાવી એણે કહ્યું : ‘ના રે ના, મેં ય એને જોયું છે. તમે બેય ખોટા છો. એનો રંગ તો પીળો છે.’

તમાશાને તેડું ન હોય એ ન્યાયે આજુબાજુના બીજા બેચાર જણ ત્યાં ખેંચાઈ આવ્યા. સૌએ એ જાનવર જોયું હતું. કોઈકે તેને વાદળી કહ્યું, કોઈકે રાખોડી કહ્યું તો કોઈકે વળી કહ્યું તપખીરિયા રંગનું.

અંતે થયો ઝઘડો.

‘ખટ દરશનના જૂજવા મના, માંહોમાંહે ખાધા ખતા;’ એમ અખાએ સાચું જ કહ્યું છે.

આ ઝઘડાનું નિરાકરણ કરતાં શ્રીરામકૃષ્ણે કહ્યું : “એ ઝાડ પાસે જઈ, એ જાનવરને સાથે મળીને જોવાનું નક્કી કર્યું. સૌ ત્યાં ગયા. એ ઝાડ નીચે એક ગામડિયો માણસ બેઠેલો હતો. આ વાદવિવાદ કરતું ટોળું જોઈ એને વિવાદનું કારણ જાણવા મળ્યું, અને એ હસી પડ્યો. પછી ખુલાસો કરતાં એ બોલ્યોઃ ‘ભૈ, હું આ ઝાડની હેઠે જ રહું છું અને તમે વાત કરો છો ઈ જાનવરને હું રોજ મારી સગી આંખે જોઉં છું. ઈ ક્યેંક રાતું તો ક્યેંક લીલું, ક્યેંક તપખીરિયા તો ક્યેંક રાખોડી રંગનું થાય છે અને કોઈ વાર વળી બીજા રંગનું ય થઈ જાય છે. વળી, કોઈક વાર એને કોઈ રંગ જ હોતો નથી. ઈ તો છે ભૈ, કાકીડો.’

આ હૃદયસોંસરા ઊતરે તેવા ગામઠી પણ સચોટ દૃષ્ટાંતને અંતે શ્રીરામકૃષ્ણે સાર કહ્યો :

‘રંગ હોય ત્યારે સગુણ, ન હોય ત્યારે નિર્ગુણ.’

ઈશ્વરના રૂપને કોણ જાણી શકે? એનું સદાસર્વદા ચિંતન કરે તે. જુદે જુદે ભાવે ભજનારને એ જુદે જુદે રૂપે દર્શન દે. ઈશ્વર અનંત, એનાં રૂપો પણ અનંત, એના જૂજવાં રૂપોનાં દર્શન કોઈ રામકૃષ્ણ પરમહંસ જ પામી શકે અને એ રૂપની પાર પણ એ જ જઈ શકે.

Total Views: 155

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.