રામાયણમાં ત્રણ શબ્દો આવે છે. – ચરિત્ર, લીલા અને કથા. ચરિત્ર તો આપ જાણો છો. કોઈ વ્યક્તિના જીવનમાં જે વિશિષ્ટતા અથવા મૂળ ગુણ છે, તેને આપ ચરિત્ર રૂપે કહી શકો છો. લીલાનું તાત્પર્ય અભિનય છે – જે નાટકના રૂપમાં કરવામાં આવે છે. એ જરૂરી નથી કે લીલા અને ચરિત્ર તદ્દન એકસરખાં હોય.

માની લો આપનો એક મિત્ર ઘણો સત્યવાદી છે. જો તેને નાટકમાં જૂઠું બોલવાનું કામ આપવામાં આવે તો તે ત્યાં ખોટું બોલશે. એનાથી ઊલટું, જીવનમાં લગભગ ખોટું બોલનારાને નાટકમાં જો હરિશ્ચંદ્રની ભૂમિકા આપવામાં આવે તો તે સત્યવાદી બનીને બોલવા લાગશે. તેથી નાટક ભજવનાર કોઈ વ્યક્તિની લીલા જોઈને આપ તેના ચરિત્ર વિષે નિર્ણય કરવા લાગી જશો તો આપ છેતરાઈ જશો – ભ્રમમાં પડશો.

કાકભુશુંડિને કંઈક એવો જ ભ્રમ થઈ ગયો. તેઓ ભગવાનની સાથે રમી રહ્યા હતા. તે વખતે કૌશલ્યાજીએ એક માલપૂવો લઈ જઈને રામના હાથમાં આપી દીધો. શ્રીરામ તે માલપૂવો ખાવા લાગ્યા. કાકભુશુંડિએ એમ વિચાર્યું કે, મને પણ પ્રસાદ મળે. આમ વિચારી તેઓ શ્રીરામની નજીક ગયા. તેમને આશા હતી કે શ્રીરામ માલપૂવામાંથી થોડોક ભાગ તેમને આપશે, પરંતુ શ્રીરામે હાથ ખેંચી લીધો. જ્યારે કાકભુશુંડિ ગુસ્સો કરી દૂર ચાલ્યા ગયા ત્યારે ફરીથી શ્રીરામે તેમને માલપૂવો દેખાડ્યો. ફરીથી જ્યારે કાકભુશુંડિ માલપૂવો લેવા ગયા ત્યારે શ્રીરામે હાથ ખેંચી લીધો. ત્યારે કાકભુશુંડિ કહે છે કે –

પ્રાકૃત સિસુ ઈવ લીલા દેખી ભયઉ મોહિ મોહ ।
કવન ચરિત્ર કરતા પ્રભુ ચિદાનંદ સંદોહ ॥
૭/૭૭ (ખ)

શ્રીરામ લીલા કરી રહ્યા હતા અને હું તેનું ચરિત્ર જોવા લાગ્યો. શ્રીરામ બાળકની લીલા કરી રહ્યા હતા. એક બાળક આટલી સરળતાથી શું કાગડાને માલપૂવો આપી દે ખરું? શ્રીરામે ઠીક ઠીક અભિનય કરવો ચાલુ રાખ્યો, પરંતુ કાકભુશુંડિને લાગ્યું કે –

ઈશ્વરને તો ઘણા ઉદાર કહેવામાં આવે છે. પરંતુ જે માલપૂવાનો ટુકડો આપવામાં કંજુસાઈ કરે તે ઈશ્વર કઈ રીતે હોઈ શકે? કાકભુશુંડિજી ગરુડને કહે છે કે, આથી મારું મન ભ્રમમાં પડી ગયું અને હું રામથી દૂર ઊડી ગયો. ઊડતો આગળ ભાગ્યો –

તબ મૈં ભાગિ ચલેઉં ઉરગારી ।
રામ લહન કહં ભુજ પસારી ॥
જિમ જિમિ દૂરિ ઉડાઉં અકાસા ।
તહં ભુજ હરિ દેખઉં નિજ પાસા ॥
૫/૭૮/૭-૮

હું ભાગવા લાગ્યો અને શ્રીરામે મને પકડવા માટે પોતાની ભુજા લંબાવી. આકાશમાં હું જ્યાં જ્યાં ગયો ત્યાં મેં ભગવાન રામની ભુજા જોઈ.

બ્રહ્મલોક લગિ ગયઉં મેં ચિતયઉં પાછ ઉડાત ।
જુગ અંગૂલ કર બીચ સબ રામ ભજહિ મોહિ તાત ॥

હું જ્યાં જ્યાં ગયો ત્યાં મેં મારી પાછળ રામની ભુજા જોઈ. એમની ભુજા અને મારી વચ્ચે ફક્ત બે આંગળનું અંતર રહેલું હતું. ત્યારે વ્યાકુળ થઈને મેં આંખો બંધ કરી દીધી. જ્યારે મેં નેત્રો ખોલ્યાં, ત્યારે આવીને ભગવાનનાં ચરણોમાં પડી ગયો. જ્યારે હું ચરણોમાં પડ્યો ત્યારે ભગવાન રામ હસ્યા અને અચાનક તેમણે મને પોતાના મુખમાં મૂકી દીધો.

જ્યારે હું ભગવાનના ઉદરમાં ગયો ત્યારે તેમના ઉદરમાં બનેલાં કોટિ-કોટિ બ્રહ્માંડોનાં દર્શન મેં કર્યાં. આ રામાયણનાં દર્શન છે. જ્યાં દેશ-કાળની બધી મર્યાદાઓ અલોપ થઈ ગઈ છે. આખા બ્રહ્માંડમાં ભારત, ભારતમાં અયોધ્યા, અયોધ્યામાં દશરથ, દશરથનો મહેલ, દશરથના મહેલમાં તેમનું આંગણું, તે આંગણામાં શ્રીરામ અને તેમની પાસે કાકભુશુંડિ.

કાકભુશુંડિ કહે છે કે, જ્યારે તેમણે ભગવાન રામના મુખમાં પ્રવેશ કર્યો ત્યારે તેમને કોટિ-કોટિ બ્રહ્માંડોનાં દર્શન કરતાં, આ વિચિત્રતા લાગી કે જ્યાં જ્યાં તેઓ ગયા, ત્યાં પ્રત્યેક બ્રહ્માંડમાં તેમણે રામના અવતાર જોયા. તેમને એ જોઈને વધારે આશ્ચર્ય થયું કે, દરેક જગ્યાએ કોઈ ને કોઈ કાકભુશુંડિ બેઠેલા છે. દરેક બ્રહ્માંડમાં રામનો અવતાર અને દરેક બ્રહ્માંડમાં કાકભુશુંડિ. તેમણે એ પણ જોયું કે પ્રત્યેક બ્રહ્માંડમાં દશરથ છે, કૌશલ્યા છે. વળી, દરેક બ્રહ્માંડમાં પ્રત્યેક વ્યક્તિ અલગ અલગ છે. દશરથ અલગ અલગ છે, કૌશલ્યા અલગ અલગ છે, કાકભુશુંડિ અલગ અલગ છે. પરંતુ શ્રીરામ તો દરેક જગ્યાએ એના એ જ છે.

કાકભુશુંડિ ભગવાન રામની લીલાઓનાં દર્શન, અગણિત બ્રહ્માંડમાં કરતાં ૧૦૧ કલ્પ સુધી રામના ઉદરમાં રહ્યા. જ્યારે બ્રહ્માંડનાં દર્શન કરતાં કરતાં તેઓ ગભરાઈ ગયા, ત્યારે અચાનક ભગવાન હસી પડ્યા અને કાકભુશુંડિ તેમના મુખમાંથી બહાર નીકળી આવ્યા. ત્યારે તેમને લાગ્યું કે –

ઊભય ઘરી મંહ, મૈં સબ દેખા ।

મેં ફક્ત બે ઘડી જેટલા સમયમાં બધું જોઈ લીધું. રામના ઉદરમાં એમને એમ લાગતું હતું કે, પોતે ૧૦૧ કલ્પ સુધી ફરતા રહ્યા.

આનો ભાવાર્થ શો છે? માની લો કે ભગવાન બતાવવા માગે છે કે દેશ અને કાળ સંવેદનાત્મક છે. જે દેશ અને કાળને વ્યક્તિ નક્કર માની રહેલ છે, તે તાત્ત્વિક નથી.

કાકભુશંડિને એક નવા સત્યનું જ્ઞાન થયું, અને તે સત્ય આપણા બધાને માટે ઘણું મહત્વનું છે.

થોડા દિવસો પહેલાં હું દિલ્હીમાં હતો. ત્યાં રામલીલા ચાલતી હતી ત્યારે એક દિવસ શ્રીરામના રાજ્યભિષેકની લીલા થઈ. રામરાજ્યમાં, ‘પ્રથમ તિલક વસિષ્ઠ મુનિ કીન્હા’

મને કહેવામાં આવ્યું કે, ‘આપ તિલક કરો.’ એટલે મેં રામને તિલક કર્યું. તે વખતે મેં કહ્યું કે, ભગવાન રામની લીલાનો આ જ આનંદ છે. જો ભગવાન રામ ઇતિહાસમાં હોત તો હું વસિષ્ઠ મુનિ બની શકત નહિ. હું વસિષ્ઠ એટલા માટે બની શક્યો કે રામ શાશ્વત છે. આ પ્રકારે આપ પણ દશરથ બની શકો છો, કૌશલ્યાજી આપના જીવનમાં આવી શકે છે. આપ ગમે તે દેશ અથવા કાળમાં રહેલા હો; ભગવાન શ્રીરામને આપ મેળવી શકો છો, તેમની સાથે સંબંધ જોડી શકો છો.

તુલસીદાસજીનું કથન છે કે – પ્રત્યેક બ્રહ્માંડમાં પ્રત્યેક કલ્પમાં ભગવાનનો અવતાર થાય છે. તેઓ બ્રહ્માંડની બે પરિભાષાઓ કરે છે –

એક બ્રહ્માંડ ભૌગોલિક છે અને બીજું બ્રહ્માંડ પ્રત્યેક વ્યક્તિનું શરીર છે. પ્રત્યેક વ્યક્તિ પોતપોતાનામાં એક અનોખું બ્રહ્માંડ છે. જે વિરાટ બ્રહ્માંડ છે, તેનું નાનું પ્રતીક વ્યક્તિનું બ્રહ્માંડ છે.

એ પ્રમાણે એક કલ્પ એ છે જે ઘડિયાળ દ્વારા અથવા સમયના માપદંડથી જાણી શકાય છે. બીજું કલ્પ એ છે, જે આપણી અનુભૂતિ સાથે સંબંધ ધરાવે છે. અનુભૂતિ સાથે સંબંધ હોવાનું તાત્પર્ય શું?

કહ્યું છે કે, ભગવાન એક કલ્પમાં અવતાર લે છે. હવે કોઈ એમ માની લે છે ભગવાન ત્રેતાયુગમાં અવતાર લે છે. તો તેને કેટલી મોટી નિરાશા થશે? હમણાં તો કળિયુગ ચાલી રહ્યો છે, એના પછી સત્યયુગ આવશે, ત્યાર પછી ત્રેતાયુગનો વારો આવશે. આમ વિચારીએ તો શ્રીરામ અને આપણી વચ્ચે એટલું લાંબું અંતર થઈ જાય છે કે આપણે શ્રીરામને કદી પણ મેળવી શકીએ નહિ.

પરંતુ ગોસ્વામીજી કહે છે કે – નહીં, નહીં, કલ્પને તો આપના મનની વ્યાકુળતાની અનુભૂતિ સાથે સંબંધ છે. તેને સમય સાથે કોઈ સંબંધ નથી. જો સમય સાથે સંબંધ હોત તો આપ તેમને પ્રાપ્ત કરી શકત નહિ, પરંતુ ત્રેતાયુગ અને કલ્પ ગમે ત્યારે આપના જીવનમાં આવી શકે છે.

એક વ્યંગ્ય આવે છે, શ્રીરામચંદ્રજીએ હનુમાનજીને પૂછ્યું, કે હે હનુમાન! એ તો કહો કે, સીતાજી લંકામાં કેમ છે? હનુમાનજીએ થોડુંક વર્ણન કર્યું અને પછી કહ્યું કે – હે પ્રભો, વાત પૂછો મા. ત્યારે ભગવાને કહ્યું કે, એવી શી વાત છે? સીતાજી ફક્ત દસ મહિનાથી લંકામાં છે. ત્યારે હનુમાનજીએ કહ્યું કે, હે પ્રભો, આપ જે વાત કરી રહ્યા છો, તે તેમ નથી. જ્યારે આપ કહો છો કે સીતાજી દસ મહિનાથી લંકામાં છે, તો આપે સાચી ગણતરી કરી નથી. કારણ કે –

નિમિષ નિમિષ કરૂના નિધિ ।
જાહિં કલપ સમ ભીતિ ॥ ૫/૩૧

સીતાજીના જીવનમાં એટલી વ્યાકુળતા છે કે, તેમનો એક એક નિમિષ કલ્પ સમાન વીતી રહેલ છે. આપને માટે એ યોગ્ય હતું કે, થોડો વહેલો અવતાર લઈને આપ એમનું દુ:ખ દૂર કરી શક્યા હોત. પરંતુ એમ લાગે છે કે, આપ આપની પ્રતિજ્ઞા ભૂલી રહ્યા છો કે આપ પ્રત્યેક કલ્પમાં અવતાર લો છો.

હનુમાનજીનો આ સંકેત રહસ્ય પ્રકટ કરે છે કે વ્યાકુળતાનો જે કલ્પ છે તે દરેક વ્યક્તિ માટે સંભવિત છે. સમયના માપથી મપાતો કલ્પ એક અલગ વાત છે. આપણા અંત:કરણની અનુભૂતિનો જે કલ્પ છે તે વધારે સાર્થક છે. જો આપણને સારી રીતે એવો અનુભવ થવા લાગે છે કે, આપણને ઈશ્વરની આવશ્યકતા છે; તો અનુભૂતિવાળો આવો કલ્પ આપણા જીવનમાં ગમે તે ક્ષણે આવી શકે છે.

એમ માની લઈએ કે, તુલસીદાસજીએ આ પ્રકારે શ્રી શ્રીરામને આપણી પાસે પહોંચાડી દીધા. સમયની મર્યાદાને તેમણે દૂર કરી દીધી. તેમણે કહ્યું છે કે, પ્રત્યેક વ્યક્તિનું શરીર, તેનું જીવન, એક બ્રહ્માંડની માફક છે. એટલા માટે રામાયણની શરૂઆતમાં તેઓ ભગવાન રામની કેટલીક ગાથાઓનું વર્ણન કરે છે.

Total Views: 198

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.