‘બા! બા! ઝાડીમાંથી એકલા નિશાળે જતાં મને બહુ જ બીક લાગે છે! બીજા છોકરાઓને તો નિશાળે મૂકવા અને ઘેર પાછા લઈ જવા સારુ કોઈ ને કોઈ આવે છે. મારે માટે કોઈ કેમ નથી આવતું?’

ગોપાળ નામના એક બાળકે પોતાની માને એક દિવસ આ પ્રમાણે કહ્યું.

ગોપાળની મા વિધવા હતી. તેનો પિતા એક નિષ્ઠાવાન બ્રાહ્મણ હતો. ગોપાળને છેક બાળક અવસ્થામાં મૂકીને તે પરલોકવાસી થયો હતો.

તેની ગરીબ વિધવા પત્નીએ સંસારવહેવારમાંથી મનને સંપૂર્ણ રીતે વાળી લીધું. જે કાંઈક થોડુંક પણ પોતાનું હતું, તેમાંથી પણ તે વિમુખ થઈ ગઈ અને મનને સંપૂર્ણપણે ઈશ્વરમાં લીન કરી દીધું.

પરંતુ આજે એ માતાના મન પર શોકની છાયા ફેલાઈ ગઈ હતી. ગોપાળને ઝાડીમાંથી એકલા જતાં બીક લાગે છે. આ અગાઉ તેને પોતાની વિધવા અવસ્થા, એકલાપણું, ગરીબાઈ, વગેરે આટલાં સાલ્યાં નહોતાં. આજે ઘડીભર તો તેને દુનિયામાં અંધકાર દેખાવા લાગ્યો. પરંતુ એકાએક તેને ગીતામાં ભગવાને કહેલું એક વચન યાદ આવી ગયું : “જેઓ બધા વિચારો મૂકી દઈને કેવળ મારા પર જ ભરોસો રાખે છે, તેમના ક્ષેમકુશળની બધી સંભાળ હું લઉં છું.”

તરત જ માના હૈયામાં હિંમત આવી. તેણે આંસુ લૂછી નાખ્યાં અને પુત્રને કહ્યું : “દીકરા! તારે બીવું શું કરવા જોઈએ? ત્યાં ઝાડીમાં તારો બીજો ભાઈ રહે છે, તે ગાયો ચરાવે છે, તેનું નામ પણ ગોપાળ જ છે. તને બીક લાગે ત્યારે તું તારા ભાઈ ગોપાળને બોલાવજે!”

એ બાળક પણ આખરે તો એક શ્રદ્ધાળુ માતાનો જ પુત્ર હતો. તેને માના બોલમાં શ્રદ્ધા બેઠી અને હિંમત આવી.

તે દિવસે સાંજે ઝાડીમાં થઈને નિશાળેથી ઘેર આવતાં ગોપાળને બીક લાગવા માંડી, એટલે તેણે બૂમ પાડી : “ભાઈ ગોપાલ! તું ક્યાં છો? મને બહુ બીક લાગે છે! બાએ કહ્યું છે કે, તું ઝાડીમાં રહે છે, એટલે હું તને બોલાવું છું, તું અહીં આવને! મને બહુ જ બીક લાગે છે!”

વૃક્ષોની પાછળથી તરત જ એક અવાજ આવ્યો : ‘ભાઈલા! બીશ નહિ. હું અહીં જ છું. તું તારે ડર્યા વિના ઘેર જા.’

અને ગોપાળ ઘેર પહોંઓ. ગોપાળે બાને આ કહ્યું એ સાંભળીને માતા નવાઈ પામી; તેના હૃદયમાં સ્નેહ એકદમ ઊભરાઈ આવ્યો. તેણે પોતાના દીકરાને છાતી સરસો ચાંપ્યો.

પછી તો દરરોજ આમ ગોપાલ બૂમ પાડતો અને સામેથી અવાજ આવતો.

એક દિવસ માતાએ કહ્યું: “દીકરા! હવેથી તારો ભાઈ જ્યારે જવાબ આપે, ત્યારે તેને કહેજે કે, તું મને દર્શન દે.” બીજે દિવસે તો ગોપાળે ઝાડીમાંથી નિશાળે જતાં ભાઈને હાંક મારી. હંમેશ મુજબ સામેથી જવાબ આવ્યો. પણ ગોપાળે કહ્યું : “તું મારી પાસે આવીને દર્શન દે.”

અવાજ આવ્યો : “આજે મારે ઘણું કામ છે, એટલે નહિ અવાય.”

પરંતુ બાળક ગોપાળે તો હઠ પકડીને રોવા માંડ્યું. બસ, એ સાથે જ વૃક્ષોની પાછળથી એક સુંદર મનમોહક ગોવાળિયાનો વેશ ધારણ કરેલો, માથે મયૂરપિચ્છનો મુકુટ પહેરેલો, હાથમાં બંસી લીધેલો કિશોર વયનો એક છોકરો આવી પહોંચ્યો.

ગોપાળના આનંદનો પાર ન રહ્યો. બંને જણા ઝાડીમાં સારી રીતે સંતાકૂકડી રમ્યા, વૃક્ષો પર ચડીને આંબલી પીપળી રમ્યા, ફળફૂલ તોડીને ભેગાં કર્યાં. એકબીજાને ફળ ખવડાવ્યાં અને ફૂલોથી શણગાર્યા. દરમિયાન નિશાળે જવાનો સમય ક્યારનો થઈ ગયો હતો, એટલે અણગમતે મને ગોપાળ નિશાળે ગયો.

આ પ્રમાણે મહિનો બે મહિના વીતી ગયા. ગોપાળની મા હંમેશાં એ બેઉ ભાઈઓની રમતની વાતો હોંશથી સાંભળતી; ગોપાલકૃષ્ણની કૃપા જોઈને પોતાનું બધું દુઃખ ને ભૂલી જતી.

એટલામાં એક દિવસે ગોપાળના ગુરુજીના પિતાનો શ્રાદ્ધ દિન આવ્યો. જૂના સમયના ગામડાના ગુરુજીને એકલે હાથે ઘણા છોકરાઓને સંભાળવાના રહેતા. એકલા હાથે કેટલાય વર્ગોમાં કામ કરવાનું રહેતું. તેથી તેમને વિદ્યાર્થીઓ પાસે ખાસ બાંધેલી માસિક ફી મળતી ન હતી. આથી જ્યારે ગુરુજીને ત્યાં કોઈ સારા-માઠો પ્રસંગ આવે ત્યારે તેમના વિદ્યાર્થી પોતાને ઘેરથી જે કંઈ લઈ આવે તેના પર ઘણો આધાર રાખવો પડતો. હવે ગુરુજીને ત્યાં આવેલા આ શ્રાદ્ધના પ્રસંગે દરેક વિદ્યાર્થી પોતાને ઘેરથી કંઈક ને કંઈક લઈ આવવા તૈયાર થયા. પણ આ ગરીબ વિધવાનો છોકરો ગોપાળ શું લાવે? બીજા બધા છોકરાઓ તો ગુરુજી માટે પોતે લાવવાની ચીજોની વાતો કરીને બડાઈ મારવા લાગ્યા, અને સાથે સાથે ગોપાળને મહેણાં પણ મારવા લાગ્યા.

તે દિવસ ભારે હૈયે ગોપાળ ઘેર આવ્યો અને બાને કહેવા લાગ્યો : “બા! બા! ગુરુજીને માટે મારે કંઈક લઈ જવું છે. બધા છોકરાઓ કંઈક કંઈક લઈ આવવાના છે અને મારી મશ્કરી કરે છે!”

માએ નિસાસો મૂક્યો. ગુરુજીને આપવા જેવું ઘરમાં હતું પણ શું? પરંતુ પૂજાની ઓરડીમાં જતાં તેને બાલગોપાલ સાંભર્યો. તેણે હર્ષમાં આવી જઈને પુત્રને કહ્યું : “બેટા! તું ઝાડીમાં રહેતા તારા મોટા ભાઈ ગોપાલ પાસેથી ગુરુજી માટે કંઈક ભેટ આપવાનું માગજે.”

બીજે દિવસે ગોપાળ તો ઝાડીમાં પોતાના ગોપાલભાઈને મળ્યો અને રોજના રિવાજ મુજબ બેઉ ભાઈઓ ખેલ્યા, કૂદ્યા અને આનંદ માણવા લાગ્યા. પછી નિશાળે જવાનો સમય થતાં ગોપાળે કહ્યું: “મોટાભાઈ! આજે મારા ગુરુજીને ભેટ આપવા માટે તું મને કંઈક આપ. આપણી બાએ કહ્યું છે કે, એની પાસે ભેટ આપવા જેવું કશું જ નથી!”

ગોવાળિયો ગોપાળ બોલ્યો : “જો ભાઈ! હું તો ગોવાળિયો છું : મારી પાસે પૈસા ક્યાંથી હોય? પણ તારા ગરીબ ગોવાળિયા ભાઈની ભેટ તરીકે આ માખણ ભરેલી લોટી લઈ જા અને તારા ગુરુજીને આપજે.”

ગુરુજીને આપવા માટે કંઈક તો મળ્યું, એ જાણીને ગોપાલ રાજીરાજી થઈ ગયો અને પોતાના મોટાભાઈને ગળે વળગી પડ્યો. પછી બગલમાં દફતર નાખી, હાથમાં લોટી લઈને જે દોટ મૂકી તે સીધો ગુરુજીને ઘેર!

ત્યાં પહોંચીને જોયું તો બધા છોકરાઓ ભીડ કરીને ઊભા છે. તેઓ એક પછી એક પોતાના ઘેરથી લાવેલી સારી સારી વસ્તુઓ ગુરુજીને પગે મૂકતા જાય છે. ગોપાળ તરફ તો કોઈનું ધ્યાન જ નથી; એ બાપડો એક બાજુએ ખૂણામાં પેલી નાનકડી લોટી લઈને ઊભો છે.

બધા છોકરાઓ તો કોઈ પૈસા, કોઈ ધાન્ય, કોઈ ધોતિયું, કોઈ બીજું વાસણ એમ પોતપોતાની ભેટ આપીને ગુરુજીને પગે લાગીને એક બાજુએ ઊભા રહ્યા. પછી છેલ્લે ગોપાળના હાથમાં માત્ર માખણ ભરેલી માટીની લોટી જોઈને બધા ખડખડાટ હસી પડ્યા.

ગોપાળ તો બાપડો ઝંખવાણો પડી ગયો. તેની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યાં. પણ નસીબજોગે ગુરુજીની નજર તેના પર પડી. એટલે ગોપાળે બીતાં બીતાં ધ્રૂજતે હાથે પેલી લોટી આગળ કરીને ગુરુજીને ચરણે મૂકીને સાષ્ટાંગ પ્રણામ કર્યાં.

ગુરુજીએ એ લોટી લઈને એમાંનું માખણ બીજા વાસણમાં લઈ લીધું અને જ્યાં લોટી પાછી આપવા જાય છે ત્યાં જોયું તો લોટી માખણથી છલોછલ ભરાઈ ગયેલી! ગુરુજી નવાઈ પામ્યા. તેમણે લોટી ફરી વાર ઠલવી દીધી, પણ જ્યાં સીધી કરી ત્યાં તો પાછી છલોછલ ભરપૂર! ગુરુજીના આશ્ચર્યની અવધિ ન રહી! તેમણે લોટી ઉપર લોટી માખણ મોટા વાસણમાં ઠાલવવા માંડ્યું અને લોટી તો પાછી છલોછલ ભરાયેલી જ રહેતી!

આ અદ્ભુત ઘટના જોઈને ત્યાં ઊભેલા સૌની આંખો ફાટી રહી. નવાઈથી સૌનાં મોં પહોળાં થઈ ગયાં.

ગુરુજીએ બાળક ગોપાળને પોતાની પાસે બોલાવ્યો અને વહાલથી તેને પોતાના ખોળામાં બેસાડીને પૂછ્યું : “બેટા ગોપાળ! આ લોટી તું ક્યાંથી લાવ્યો?”

સરળ મનના બાળક ગોપાળે ઝાડીમાંના પોતાના ભાઈ ગોપાલ વિષે, પોતાની બુમ સાંભળતાં તે કેવો દોડી આવે છે તે વિશે, પછી પોતે બન્ને ભાઈઓ કેવી રીતે રમતો રમે છે એ વિશે અને મોટાભાઈએ જ ગુરુજીને ભેટ તરીકે આપેલી એ લોટી વિષે આનંદથી કહી સંભળાવ્યું.

એ સાંભળીને ગુરુજી બોલ્યા : “ગોપાળ! ચાલ, મને તારા એ ભાઈને જોવા માટે એ ઝાડીમાં લઈ જા.”

ગોપાળે હર્ષભેર કહ્યું : “ભલે, ચાલો ગુરુજી!”

અને તેઓ બન્ને ત્યાં ઝાડીમાં ગયા.

ત્યાં જઈને ગોપાળે પોતાના મોટાભાઈને બોલાવવા બૂમો પાડી અને બહાર આવવાનું કહ્યું.

પરંતુ તે દિવસે ગોવાળિયો ગોપાળ દેખાયો જ નહિ. આવું છું એવો અવાજ પણ ન આવ્યો! ગોપાળે વારંવાર બૂમો પાડી; પણ કશો જ ઉત્તર ન મળ્યો!

બિચારા નાનકડા ગોપાળે કાલાવાલા કરીને કહ્યું: “અરે! ભાઈ ગોપાળ! તું જવાબ દે, નહિતર મારા ગુરુજી ધારશે કે હું જુઠ્ઠો છું.”

એટલે કે જાણે ખૂબ દૂરથી આવતો હોય એવો એક અવાજ સંભળાયો :

‘ગોપાળ! તારી માતાના અને તારા હૃદયના સરળ પ્રેમ અને શ્રદ્ધાએ મને તમારી પાસે પ્રગટ કર્યો, પરંતુ તારા ગુરુજીને હજી લાંબો સમય રાહ જોવી પડશે.’

સંકલનકર્તા : શ્રી મનસુખલાલ મહેતા

Total Views: 138

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.