પ્રખ્યાત વિદુષી શ્રી વિમલાતાઈ દેશની આજની વિષમ પરિસ્થિતિમાં બિનસાંપ્રદાયિકતાના પાયા દૃઢ કરવા માટે આવશ્યક ઉપાયો વિષે પોતાના અભિનવ વિચારો રજૂ કરે છે.

આપણે ધર્મની વાત કરીએ છીએ ત્યારે ધર્મ તો સર્વત્ર એકતા વધારનારું બળ જ સમજાય. પરંતુ આજે તો ધર્મે કરુણ પરિસ્થિતિ સર્જી છે. રાજકારણે લઘુમતી બહુમતીનું ભાન તીવ્રપણે જગાડ્યું છે અને ૧૯૪૭થી આખા દેશમાં એનું વલોણું વ્યવસ્થિત રીતે થઈ રહ્યું છે……

વિચારવાનું આ છે કે ભારતને બિનસાંપ્રદાયિક કેવી રીતે બનાવવો?

૧.         બિનસાંપ્રદાયિક ભારત રચવા માટેની પ્રથમ જરૂરિયાત એ કે ભારતના પ્રત્યેક નાગરિકને અક્ષરજ્ઞાન હોવું જ જોઈએ. એને દેશના રાજ્ય બંધારણનું, બંધારણનાં મૂળ તત્ત્વોનું, પ્રત્યેક નાગરિકના બંધારણીય મૂળભૂત અધિકારો અને જવાબદારીઓનું જ્ઞાન હોવું જ જોઈએ. એ માટે રાષ્ટ્રીય પ્રૌઢ શિક્ષણની દેશવ્યાપી ઝુંબેશ ઉપાડી નવા ભારતનો પાયો દૃઢ કરવો જોઈએ. આ ઝુંબેશ જ નવા ભારતનો પાયો બને.

૨.         જે સરકાર હોય તેનો, દેશભરના તમામ નાગરિકો માટે, નાગરિકતાનો કાયદો એકસરખો હોવો જોઈએ. એ કાયદો દરેક નાગરિકને, પછી ગમે તે ધર્મ કે કોમમાં જન્મ્યો હોય, સૌને સમાન રીતે લાગુ પડવો જોઈએ.

૩.         સમગ્ર ભારતમાં ન્યાય વ્યવસ્થા આખરી સત્તા ગણાવી જોઈએ. જુદા જુદા ધર્મો, કોમો, જ્ઞાતિઓની ન્યાય વ્યવસ્થા બંધારણ અનુસાર ભારતીય ન્યાય વ્યવસ્થાથી જુદાં જતાં હોય તો તે તદ્દન અસંગત ગણાવાં જોઈએ.

૪.         પોત પોતાનો ધર્મ પાળવાનો દરેકને અધિકાર છે. પણ પોતાનો ધર્મ ફેલાવવાની, પોતાના ધર્મથી બીજાને વટલાવવાની છૂટ જો બંધારણ આપતું હોય તો લોકોના ચિત્તમાં બિનસાંપ્રદાયિકતા રહી નહિ શકે. પોતાનો ધર્મ પાળવાનો અધિકાર બિનસાંપ્રદાયિકતાનો વિરોધી નથી. પણ બીજાને પોતાના ધર્મમાં વટલાવવાનો અધિકાર અભિવ્યક્તિની મૂળભૂત સ્વતંત્રતા રૂપે લેખાતો હોય તો બિનસાંપ્રદાયિક માનસને ભયંકર રીતે બાધારૂપ બને છે.

જ્યાં સુધી વિભાજક બળોને રાજ્ય બંધારણનું સમર્થન મળે છે. દેશની સાંસ્કૃતિક પરંપરાઓ અને રૂઢિઓનું બળ મળે છે અને જનસમાજમાં ઘર કરી બેઠેલી માન્યતાઓનો એને ટેકો મળે છે. ત્યાં સુધી દેશમાં લોકશાહીનું અસ્તિત્વ ટકી શકે નહીં અને બિનસાંપ્રદાયિકતા વિકસી શકે નહીં.

આનો એવો અર્થ હરગિજ નથી કે, પ્રસ્થાપિત ધર્મોનો નાશ થવો જોઈએ. એ બધા પૂર્ણ રૂપમાં હોવા જરૂરી છે જ. દિવ્યતાના એ વિવિધ માર્ગો છે. એ તો માનવ સંસ્કૃતિની સંપદા છે. પરંતુ આવી શ્રદ્ધા અને આવા માર્ગોનો દેશની શૈક્ષણિક, આર્થિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં ઉપયોગ ન થવો જોઈએ. વ્યક્તિઓ તેમ જ સમાજોનાં ધાર્મિક મિલનો અને ઉત્સવોની ઉજવણીઓ તો આવકાર્ય ગણવી જોઈએ. પરંતુ એ એમની સાંસ્કૃતિક ઉદાત્તતા પ્રગટ કરવા માટે હોય. ઉત્સવો પ્રચારલક્ષી, વટાળલક્ષી ન હોય. એ તો સાથે મળીને ઉદાત્તતા અને આનંદ વ્યક્ત કરવાના અવસર હોય.

લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મુખ્ય પ્રધાન, વડા પ્રધાન કે રાષ્ટ્રપતિ જેવા હોદ્દેદારોએ પોતાના હોદ્દાની રુએ ધાર્મિક સંમેલનોમાં કે ઉત્સવોમાં ભાગ ન લેવો જોઈએ.

આપણે અણુયુગના ઝડપી કાળમાં જીવી રહ્યાં છીએ. વિજ્ઞાન અને ટેકનોલોજીએ જગતના લક્ષ પર એક વાત મૂકી છે કે જીવન અખંડ અને એકરસ છે. એમાં અખિલાઈ છે. એણે એ પણ બતાવ્યું કે ધરતી પણ જીવંત છે. સમગ્ર વિશ્વમાં જે કાંઈ છે તે બધા પરસ્પર સંબદ્ધ છે. બિનસાંપ્રદાયિકતાનું ચણતર જીવનની એકતા, અખંડતા, એકરસતા અને અખિલાઈના પાયા ઉપર જ થઈ શકશે. બિનસાંપ્રદાયિકતા માટે જીવનની એકતા અને પરસ્પર સંબદ્ધતાની દિવ્યતાનું ભાન આવશ્યક છે. સત્ય, પ્રેમ અને કરુણાનાં નિરપેક્ષ મૂલ્યો શિક્ષણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને આર્થિક, સામાજિક અને રાજકીય સંરચનાઓ દ્વારા લોકોના ચિત્તમાં અધિષ્ઠિત કરવામાં ન હોય તો બિનસાંપ્રદાયિકતા ટકી ન શકે અને લોકશાહી સક્રિય ન બની શકે. આજે વિશ્વમાં સમસ્ત માનવજાતિમાં હિંસાવાદનું જે તાંડવ પ્રવર્તી રહ્યું છે તેને દૂર કરવાનો એક જ ઉપાય છે – બિનસાંપ્રદાયિકતા, વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય. હિંસાના વિકલ્પરૂપે અહિંસક રીતે જીવનનો માર્ગ તૈયાર કરવાનો છે. એ માટે ધર્મ અને રાજકારણના નામે જે પુરાણી વ્યવસ્થાનો અને સંસ્થાઓ ઊભી છે તેના પ્રત્યેની આસક્તિમાંથી મુક્ત થવું પડશે. લોકો જો આવી સંકુચિત અને જડ પરંપરાઓને અંધશ્રદ્ધા અને ઝનૂનથી વળગી રહેશે તો વિશ્વ એક માનવકુટુંબરૂપે વિકસી શકશે નહીં.

(કલ્યાણયાત્રા જાન્યુ. ૧૯૯૧માંથી સાભાર)

Total Views: 160

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.