હિંદુ ધર્મ : ॐ ઓમ અથવા પ્રણવ

ઓમ અથવા પ્રણવ હિંદુ ધર્મનું સાર્વત્રિક અપનાવાયેલ પ્રતીક છે જે બ્રહ્મને પ્રત્યક્ષ કરે છે. શાબ્દિક રીતે પ્રણવ શબ્દનો અર્થ થાય છે, “જેનાથી ઈશ્વરની અસરકારક રીતે પ્રશસ્તિ થાય છે તે.” “જે નવું છે તેવું” એવો પણ તેનો અર્થ થાય છે.

ॐ એ બ્રહ્મને પ્રત્યક્ષ કરે છે જે (૧) સર્વજ્ઞ છે. (૨) સમગ્ર બ્રહ્માંડ ઉપર જેની સત્તા છે (૩) જીવનના અનિષ્ટો સામે રક્ષે છે. (૪) જે તેના ભક્તોની સર્વ ઈચ્છા પૂર્ણ કરે છે. અને જે (૫) અજ્ઞાનને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ આપે છે.

ઓમની શાબ્દિક ત્યુત્ત્પત્તિ ત્રણ અક્ષરોમાંથી થાય છે. અ, ઉ અને મ. અ શરૂઆત (આદિમત્વ), ઉ વિકાસ (ઉત્કર્ષ) અને મ પ્રલય (મિતિ) ને દર્શાવે છે. આથી ઓમ શબ્દ બ્રહ્માંડનું સર્જન, પાલન અને સંહાર કરનાર સત્તાનું પ્રતીક છે.

બૌદ્ધધર્મ:ધર્મચક્ર

ધર્મ એટલે મહત્તમ લોકોનું જે મહત્તમ ભલું કરી શકે તેવો નિયમ. ત્વરિતતા-જીવનમાં તે સારી અને ઉદાત્ત વર્તણુંકના રૂપમાં પ્રગટ થાય છે. ચક્રનો અર્થ છે પૈડું. ધર્મનું ચક્ર હંમેશાં ચાલતું રહેવું જોઈએ. આ ચિન્હના-ચક્રના આઠ આરા છે જે ભગવાન બુધ્ધે દર્શાવેલા આર્ય અષ્ટાંગિક માર્ગને દર્શાવે છે. આ આઠ અંગો છે – સમ્યક્ દૃષ્ટિ, સમ્યક્ સંકલ્પ, સમ્યક્ વાણી, સમ્યક્ ક્રિયા, સમ્યક્ આજિવ, સમ્યક્ વ્યાયામ, સમ્યક્ સ્મૃતિ અને સમ્યક્ સમાધિ. જે રીતે આરા વગર ચક્ર ફરતું ન રહે તે રીતે આ આઠ સગુણો વગર ધર્મનું ચક્ર ફરી શકે નહીં.

જૈન ધર્મ : સ્વસ્તિક અને ચક્ર

આ પ્રતીકનો ઉપરનો ભાગ ચંદ્રાકાર છે, નીચે ત્રણ ટપકાં છે, સ્વસ્તિક છે અને નીચે હથેળીમાં ચક્ર છે.

જૈન ધર્મ કહે છે કે શાશ્વત અને અમર આત્મા કર્મને કારણે બંધનમાં જાય છે અને ધર્મ આમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવે છે. પ્રતીકમાંની હથેળી હૈયાધારણ આપે છે, “ભયભીત થવાની જરૂર નથી.” હથેળીમાંના ચક્રમાં ૨૪ આરા છે જે ૨૪ તીર્થંકરોએ શીખવેલા અહિંસા અને બીજા સદ્‌ગુણોને દર્શાવે છે. સ્વસ્તિક સૂચવે છે કે ધર્મનો આશરો લેનાર દરેકનું કલ્યાણ થશે. ત્રણ ટપકાં ત્રણ લોક – નિમ્ન, મધ્ય અને ઉર્ધ્વ લોકને દર્શાવે છે ચંદ્રની અંદર રહેલું ટપકું પૂર્ણ મનુષ્યો જ્યાં નિવાસ કરે છે તે, આ ત્રણ લોકને પાર કરનાર પ્રદેશ સૂચવે છે.

સમગ્ર રીતે પ્રતીક સૂચવે છે કે ત્રણ લોકમાં રહેતા અને ક્ષણિક અસ્તિત્વ ધરાવતા તેમજ દુ:ખો સહન કરતા મનુષ્યો જે તીર્થંકરોએ બતાવેલા ધર્મના માર્ગને અનુસરે તો તેમનું મંગલ થશે અને પૂર્ણતા પ્રાપ્ત કર્યા પછી તેઓ હંમેશાં પૂર્ણ જીવો માટેના લોકમાં રહેશે.

શીખ ધર્મ : તલવાર, ઢાલ અને બેધારૂં અસ્ત્ર

આ શસ્ત્રો શીખોનો લડાયક મિજાજ સૂચવે છે. જે દર્શાવે છે કે પોતાના ધર્મ અને વિશ્વાસને રક્ષવા માટે શીખે હંમેશાં પોતાનું જીવન આપવા પણ તૈયાર રહેવું જોઈએ.

શીન્ટોઈઝમ : ટોરી અથવા ટોરી. વી

આ જાપાનની વંશપરંપરાગત શ્રદ્ધાનું પ્રતીક છે. ‘શીન્ટો’ શબ્દનો અર્થ ‘ઈશ્વરનો રસ્તો’ એમ થાય છે. આમાં બે ઊભા થાંભલાને ટેકે રહેલા બે આડા થાંભલા જોઈ શકાય છે. દરેક શિન્ટો મંદિરને આવા ત્રણ ‘ટોરી’ હોય છે. એક પવિત્ર સ્થાનના પ્રવેશ પાસે અને બીજા બે મુખ્ય દેવતા જ્યાં રહે છે જેને ‘હોન્ડેન’ કહેવાય છે તે તરફ લઈ જતા મુખ્ય રસ્તા ઉપર રાખવામાં આવે છે.

ઈસ્લામ : બીજનો ચંદ્ર અને તારો

બીજનો ચંદ્ર અરબસ્તાનની ધગધગતી રેતી ઉપર ચાલતા થાકેલ યાત્રાળુને ઠંડક અને મંદ પ્રકાશ આપે છે અને તારાઓ તેને તેના ગન્તવ્યસ્થાન-ઈસ્લામ તરફ લઈ જાય છે.

ખ્રિસ્તી ધર્મ : ક્રોસ

ઈશુને વધસ્તંભ પર ચઢાવી મારી નાખવામાં આવ્યા. પણ આમ થવાથી તેમને કાયમ માટે સર્વોત્કૃષ્ટ ગૌરવ મળ્યું. આથી વધસ્તંભનો આ ક્રોસ ખ્રિસ્તી ધર્મ અને ચર્ચ સાથે હંમેશ માટે સંકળાયેલો છે.

યહૂદીધર્મ: મેનોરાટ અથવા સાત હાથાવાળું મીણબત્તીનું સ્ટેન્ડ

યહૂદીધર્મના મૂળભૂત શાસ્ત્ર ઓલ્ડ ટેસ્ટામેન્ટ (Old Testament) પ્રમાણે ઈશ્વરે છ દિવસમાં આ વિશ્વનું નિર્માણ કર્યું અને સાતમે દિવસે આરામ કર્યો. વચ્ચેની દીવી સબ્બાથ (Sabbath) – અઠવાડિયાનો છેલ્લો પવિત્ર દિવસ- આરામનો દિવસ દર્શાવે છે. તેની સાત શાખાઓ ઈશ્વરે સર્જેલ સાત વર્ગને સૂચિત કરે છે. યહૂદીઓ માટે મીણબત્તીની ઝગમગતી સોનેરી શિખાઓ યહૂદીધર્મના શાશ્વત અને ક્યારેય ખૂટે નહીં તેવા જુસ્સાને સૂચવે છે.

પારસી ધર્મ : અગ્નિ

પારસીઓના અગ્નિ – મંદિરોમાં પવિત્ર અગ્નિને સતત જલતો રાખવો એ પારસી ધર્મની અગત્યની લાક્ષણિકતા છે. એ માટેની વેદીનો વ્યાસ ત્રણ ફૂટ અને ઊંચાઈ ચાર ફૂટ હોય છે અને નક્કી કરેલા સમયે પાંચ વખત તેમાં ઘી હોમવામાં આવે છે. આ અગ્નિથી ઉત્પન્ન થયેલ રાખને ભક્તો કાગળ ઉપર લગાવે છે.

તાઓ ધર્મ : ટાઈ-ચી

તાઓ (નિરપેક્ષ સિદ્ધાંત)એ બદલાતી રહેતી અનેકતાની પાછળ રહેલ કદી ન બદલાતી એકતા છે. પણ આ સાપેક્ષ જગત બે એકબીજાના પૂરક સિદ્ધાંતથી ઉદ્‌ભવે છે. આ વર્તુળમાં અને બંનેને અર્ધવર્તુળના સ્વરૂપમાં દર્શાવ્યા છે. એમાંનું કાળું અર્ધ-વર્તુળ યીન (yin) છે જે નારીજાતિના ગુણો બતાવે છે એ નકારાત્મક અને નિષ્ક્રિય છે. સફેદ અર્ધ-વર્તુળ નરજાતિના ગુણો બતાવે છે તેને યાંગ (yang) કહે છે જે હકારાત્મક, ક્રિયાશીલ, સર્જનાત્મક સિદ્ધાંત છે. કાળા અર્ધ-વર્તુળમાં સફેદ ટપકું છે જ્યારે સફેદ અર્ધ-વર્તુળમાં કાળું ટ૫કું છે જે દર્શાવે છે કે બેમાંથી એકેય સાવ સ્વતંત્ર નથી. એકમાં બીજો સિદ્ધાંત સમાયેલો જ છે. આમાં ચિત્રને ફરતું વર્તુળ તાઓ છે.

(સ્વામી હર્ષાનંદજી દ્વારા લિખિત ‘The Symbols of World Religions’ પુસ્તકમાંથી ડો. ચેતના બહેન માંડવિયા દ્વારા સંકલિત)

Total Views: 155

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.