‘ક્રિસમસ ઈવ’ પ્રસંગે

થોમસ એ. કેમ્પીસ (૧૩૮૦-૧૪૮૧) દ્વારા રચાયેલ ગ્રંથ “Immitation of Christ” આધ્યાત્મિક જ્ઞાનથી સભર છે. સ્વામી વિવેકાનંદજી પોતાના પરિવ્રાજક જીવનમાં બે જ ગ્રંથો સાથે રાખતા : ભગવદ્ ગીતા અને બીજો આ Immitation of Christ. તેના થોડા અંશોનો અનુવાદ વાચકોને આ ગ્રંથ વાચવા પ્રેરશે.

ભગવાન ઈશુને પગલે ચાલો : મિથ્યાચારો છોડો

૧. આપણા ભગવાન ઈશુ કહે છે (જ્હોન, ૮:૧૨) કે, “જે મારે પગલે પગલે ચાલે છે તે અજ્ઞાનમાં, અંધકારમાં કદી ચાલતો (અટવાતો) નથી.” આ શબ્દો ભગવાન ઈશુના છે. હૃદયના બધાય અંધાપામાંથી આપણે મુક્ત થવું હોય અને સાચોસાચ તેજોમય (જ્ઞાનના તેજથી પ્રકાશિત) બનવું હોય તો આપણે તેના જીવનને અનુસરવું જ જોઈએ. તેવી શિખામણ ભગવાન ઈશુએ આપણને આ શબ્દોમાં આપી છે. એટલે ભગવાન ઈશુનું ધ્યાન ધરી તેના જીવનનો અભ્યાસ કરવાની આપણી મુખ્ય નેમ છે.

૨. ભગવાન ઈશુના ધર્મો-આદર્શો સંતોના આદેશો કરતાંય આગળ જાય છે; અને જે સાધકના મનમાં વ્યાકુળતા હશે તેને તેનું રહસ્ય સમજાશે.

ઘણા માણસો અવાર-નવાર વારંવાર ધર્મ-ગ્રંથો સાંભળે છે, પરંતુ તેમને તેની અસર થતી નથી. કેમ કે તેમનામાં ભગવાન ઈશુને પ્રાપ્ત કરવાની ઝંખના હોતી નથી. પરંતુ જે કોઈ ઈશુના શબ્દોને પૂરેપૂરી લાગણીપૂર્વક સમજે તેણે તો ભગવાન ઈશુના જીવન સાથે સુસંગત હોય તેવી રીતે આખું જીવન ગાળવા માટે પ્રયાસ કરવો જ જોઈએ.

૩. જો તારામાં નમ્રતા ન હોય તો તે પવિત્ર ત્રિપુટીને નાખુશ કરે છે. તો પછી, પવિત્ર ત્રિપુટી વિષે પંડિતાઈથી ભરેલી ચર્ચા કરવાનો શો અર્થ છે?

હકીકતમાં સારા શબ્દો માણસને પવિત્ર અને ન્યાયી બનાવતા નથી, પરંતુ સદાચરણ ભરેલું જીવન જ તેને ઈશ્વરનો પ્રિય બનાવે છે. પસ્તાવાની વ્યાખ્યા સમજવા કરતાં હું તેનો અનુભવ કરું તો તે વધુ સારું છે.

આખેઆખા ધર્મગ્રંથો અને બધાય સંતોનાં વચનામૃતો તને કડકડાટ મોઢે આવડે તો પણ ઈશ્વરના પ્રેમ અને કૃપા સિવાય તેનાથી તેને શો લાભ થવાનો છે?

ઈશ્વરને ચાહવા અને કેવળ તેની જ સેવા કરવા સિવાય બધું મિથ્યા છે. મિથ્યાનુંય મિથ્યા છે. આ સર્વોચ્ચ ડહાપણ છે. તે થતાં જ સંસાર (સંસારના વિષયાનંદો) પ્રતિ વૈરાગ્ય થાય છે અને આધ્યાત્મિક સામ્રાજ્ય તરફ વળાય છે.

૪. એટલા માટે, નાશ પામનારી ધન-દોલતની પાછળ દોડવું અને તેનામાં શ્રદ્ધા રાખવી એ મિથ્યા છે. માન-પ્રશંસા અને ઉચ્ચ પદે પોતાની જાતને સ્થાપવાની મહત્ત્વાકાંક્ષા પણ મિથ્યા જ છે.

પાછળથી જેને માટે આકરી સજા ભોગવવી પડે છે તે સ્થૂળ વિષયો ભોગોની લાલસા-તૃપ્તિ પાછળ દોડવું તે પણ મિથ્યા છે.

લાંબા આયુષ્યની ઈચ્છા રાખવી અને સદાચરણ ભરેલા જીવન માટે દરકાર ન રાખવી તે પણ મિથ્યા છે.

માત્ર આ વર્તમાન જીવન પૂરતું જ ધ્યાન રાખવું અને જે કાંઈ આવી રહ્યું છે તે તરફ દૃષ્ટિ ન દોડાવવી તે પણ મિથ્યા છે.

જે ક્ષણોમાં ચાલ્યું જાય છે તેને ચાહવું અને જ્યાં અખંડ આનંદ શેષ રહે છે ત્યાં જવા તત્પર ન થવું તેય મિથ્યા છે.

૫. વારંવાર આ કહેવત યાદ કરો : માત્ર જોવાથી આંખ સંતોષાતી નથી, અથવા તો સાંભળવાથી કાન ભરાઈ જતા નથી.

એટલે, દૃશ્ય પદાર્થોની આસક્તિમાંથી મનને પાછું ખેંચી લઈ એને અવ્યક્ત તત્ત્વો તરફ વાળવા પ્રયત્ન કરો. કેમ કે જેઓ ઈંદ્રિયભોગો પાછળ પડે છે તેઓ પોતાના અંત:કરણને અશુદ્ધ બનાવે છે અને ઈશ્વરની કૃપા ખોઈ બેસે છે.

-: ચિતન :-

ભગવાન ઈશુની શાળામાં, આપણે કરુણા દ્વારા સત્યના મંદિરમાં પ્રવેશ કરતાં શીખીએ છીએ. તેના ઉપદેશોનું અમૃત ચાખવા માટે અને તે ઉપદેશો પૂરા સમજવા માટે આપણે તેના જીવનકાર્યોનું અનુસરણ કરવું જોઈએ. તેનું દૃષ્ટાંત અનુસરીને જ તેના આદેશોનો અમલ આપણે કરી શકીએ, નમ્ર શ્રદ્ધાથી જ તેના ઊંડામાં ઊંડાં અર્થ-રહસ્યોને આપણે સમજી શકીએ, આપણે શાસ્ત્રજ્ઞાન દ્વારા નહિ પરંતુ કેવળ સદાચરણથી જ પવિત્ર અને ઈશ્વરના ભક્ત બની શકીએ. જ્યાં સુધી ધન-વૈભવ, માન-યશ અને આ ક્ષણિક સંસારનો, બધાં જ વિષય સુખોનો ત્યાગ ન કરીએ, ત્યાં સુધી આધ્યાત્મિક સામ્રાજ્યમાં પ્રવેશવાનો દંભ પણ કરી શકીએ નહિ.

-: પ્રાર્થના :-

હે ભગવાન! તારા સિવાય આવો પવિત્ર સ્વભાવ અમને કોણ બક્ષી શકે? મૂર્ખતા અને મિથ્યાચાર સિવાય બીજું જે કંઈ નથી તેનાથી સાચા સુખને નોખું પાડનાર પ્રકાશ, તને અમારું મન શરણાગત બનાવવા નમ્ર શ્રદ્ધા, જે સાંસારિક વિષયાસુખો ક્ષણિક છે તેનો ત્યાગ કરવા અનંત સુખની અચળ આશા, અમારા પ્રિયપાત્ર એ વાતને અનુસરવા અમને પ્રેરે તેવી ઉષ્માભરી કરુણા, અમારા જીવનને પૂર્ણપણે આધ્યાત્મિક બનાવે અને તારા જીવનને અનુરૂપ બનાવે તેવી અપાર સહૃદયતા તારા સિવાય બીજું કોણ અમને આપી શકે? તારી અનંત કૃપા થકી મળતી તારી ઉદારતા સમી જે આ બક્ષિસો છે અને તે અમને આપવા અમે તને વિનવીએ છીએ. જય સદ્‌ગુરુ મહારાજ! ॐ શાંતિ: શાંતિ: શાંતિ.

ભાષાંતર : શ્રી યશસ્વી મહેતા

Total Views: 141

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.