શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) સમસ્ત રામકૃષ્ણમઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. પ્રસ્તુત લેખ શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક “The Spiritual Ideal for the Present Age”માંથી લેવામાં આવેલ છે.

સ્વામી વિવેકાનંદ ઈ.સ. ૧૮૯૭માં અમેરિકાથી પાછા ફર્યા ત્યાર બાદ ભારત અને સિલોનમાં તેમણે આપેલાં ભાષણો (‘ભારતમાં આપેલાં ભાષણો’ના શીર્ષક હેઠળ પ્રકાશિત થયેલાં) વાંચવાથી ખ્યાલ આવશે કે તેમાંનાં લગભગ બધાં જ ભાષણોમાં તેમણે રાષ્ટ્રીય આદર્શનો મુદ્દો ખૂબ જ સુસ્પષ્ટ કર્યો છે. તેમણે વારંવાર કહ્યું છે કે, આ રાષ્ટ્રનો આદર્શ છે- ધર્મ અને મુક્તિ -અને તે જ આપણા રાષ્ટ્રની તાકાત છે. દરેક રાષ્ટ્રને પોતાનો રાષ્ટ્રીય આદર્શ હોય છે, અને ભારતે ઘણા સમયથી લગભગ ૩ કે ૪ હજાર વર્ષો પહેલાંથી જ મુક્તિના આ ધાર્મિક આદર્શને પસંદ કરી લીધો છે. તેથી સ્વામીજી કહે છે કે, જો આપણે ધર્મના આ આદર્શને છોડી દેશું તો આ રાષ્ટ્ર જીવિત રહેશે નહિ. અત્યારે હવે આ આદર્શને છોડી પશ્ચિમના પ્રવર્તમાન આદર્શને બીજા નવા આદર્શ તરીકે સ્વીકાર કરવો એ શક્ય નથી. જેમ હિમાલયમાંથી વહેતી ગંગાના વહેણને નવી દિશા આપવી શક્ય નથી તેમ સાચો ખોટો ગમે તે હોય પણ આપણે ઘણા પ્રાચીન સમયથી સ્વીકારેલ આ આદર્શને છોડી, સાંસ્કૃતિક વિનાશ કર્યા વિના બીજા આદર્શને સ્વીકારવો એ શક્ય નથી. અને સ્વામીજી એમ પણ કહે છે કે, આ આદર્શ બિલકુલ ખોટો નથી. આ એક એવો મહાન આદર્શ છે કે જેણે આપણને આ ત્રીસ, ચાલીસ સૈકાઓ દરમિયાન જીવિત રહેવામાં મદદ કરી છે. જ્યારે બીજા આદર્શો સાથેનાં બીજાં રાષ્ટ્રો ટૂંકું અને જોરદાર જીવન જીવી ગયાં છે, પરંતુ વિશ્વમાંથી અદૃશ્ય થઈ ગયાં છે, ત્યારે ભારત પોતાના આ મહાન આધ્યાત્મિક આદર્શને કારણે હજુ સુધી જીવિત છે. અને તેથી જ સ્વામીજી ભાર મૂકે છે કે, જો ભારતે પુન: પ્રચલિત થઈ એક મહાન રાષ્ટ્ર તરીકે ઉપસી આવવું હોય તો, ધર્મનું મહાન જાગરણ થવું અતિ અગત્યનું છે.

જ્યારે સ્વામીજી હિંદુત્વનું પ્રતિનિધિત્વ કરવા અમેરિકાની ધર્મપરિષદમાં હાજર થયા ત્યારે તેમને ખૂબ જ ઉત્સાહભર્યો આવકાર આપવામાં આવ્યો, તેમ જ પરિષદમાં તેમને ખૂબ જ ધ્યાનથી સાંભળવામાં આવ્યા. ત્યાર બાદ પણ અમેરિકામાં દરેક જગ્યાએ તેમને આવકાર મળતો, તેમનો સંદેશો ખૂબ જ આતુરતાથી ગ્રહણ થતો, અને તેમના વિશેનાં ઘણાં લખાણો ત્યાંની પત્રિકાઓમાં પ્રકાશિત થયાં, કે જેમાંનાં કેટલાંક ભારતમાં પણ પુન: પ્રકાશિત કરવામાં આવતાં. પશ્ચિમમાં સ્વામીજીના દેખાવ વિષે મહાન તત્ત્વચિંતક શ્રીઅરવિંદ કહે છે, “સ્વામીજીના ગુરુ (શ્રીરામકૃષ્ણદેવ) સ્વામીજીને મહાન આત્મા ગણતા કે, જેનું નિર્માણ વિશ્વને પોતાના બે હાથમાં લઈ બદલી નાખવા થયેલ છે. તેવા સ્વામીજીનું પશ્ચિમમાં જવું એ વિશ્વ માટે એક પહેલું જ દેખીતું ચિહ્ન છે કે ભારત ફક્ત જીવિત રહેવા જાગૃત થયેલ નથી પરંતુ જગતને પ્રેમ, શુભેચ્છા અને શાંતિના પોતાના સંદેશાથી જીતવા માટે જાગૃત થઈ ગયેલ છે.” આમ, અણુબોંબ કે લશ્કરી તાકાતથી નહિ, પણ પ્રેમ અને બલિદાન, શાંતિ અને શુભેચ્છા જેવા ધર્મના મહાન આદર્શો બધાં જ રાષ્ટ્રો સમક્ષ મૂકીને જીત હાંસલ કરવાની છે. સ્વામીજીએ કહેલું કે, આ પહેલાં પણ જ્યારે જરૂર ઊભી થઈ છે ત્યારે ભારતે આ ભેટ જગતને કેટલીય વાર આપેલી છે અને જ્યારે પણ જગતને જરૂર પડી છે ત્યારે ધર્મનો આ રામબાણ ઈલાજ-આ આદર્શો – ભારત બીજાં રાષ્ટ્રોમાં લઈ ગયેલ છે અને આ કાર્ય પણ પોતાના વિજય માટે નહિ પરંતુ કરુણા દર્શાવવા કરવામાં આવેલ. “જેવી રીતે ઝાકળ દેખાયા વિના પડે છે; અને છતાં અત્યંત સુંદર ફૂલો બહાર લાવે છે.” બીજાં મહાન રાષ્ટ્રોએ સફળતા માટે પોતાના આદર્શોનો પ્રચાર લશ્કરી તાકાતથી, લોહીની નદી વહેવડાવીને કરેલ છે. પરંતુ ભારતે ક્યારેય કોઈ પણ દેશની સામે લશ્કરી તાકાત દેખાડીને તેને જીત્યો નથી. ભારતની જીત સાંસ્કૃતિક જીત હતી કે જે શુભેચ્છા, પ્રેમ અને શાંતિથી મેળવેલ. મહાન ધાર્મિક આદર્શ છે એ જ ભારતે પોષેલ છે, તેમ જ આ બધી સદી દરમિયાન ઉપદેશેલ છે. તેણે જગતને અધર્મ અથવા તો ભૌતિકવાદથી વારંવાર બચાવેલ છે અને આજે ફરીથી તે એ જ કામ કરી રહેલ છે. પશ્ચિમની ભૌતિકતાવાદી સંસ્કૃતિ વત્તા-ઓછા અંશે તૂટી પડવાની અણી પર છે અને ઘણાબધા ટેકા આપવા છતાં તે ઊભી રહેવા શક્તિમાન નથી. હવે જેની જરૂર છે તે છે – નવો ધાર્મિક સંદેશ, કે જે તેમાં તાજું જીવન રેડી શકે અને તે કાર્ય ફરીથી ભારત દ્વારા જ થશે.

જ્યારે ધર્મ-પરિષદમાં સ્વામીજીની સફળતાનો સંદેશો ભારત પહોંચ્યો ત્યારે આ દેશ કે જે છેલ્લાં હજારો વર્ષોથી ઊંઘી રહ્યો હતો તે પોતાની ઊંઘમાંથી જાગી ગયો અને તેને ભાન થયું કે તે ભિખારી નથી. તેણે હંમેશાં ફક્ત મેળવવાનું જ રહેતું નથી પરંતુ તેણે જગતને કંઈક આપવાનું પણ છે કે જે દુનિયાની માનવજાતને જીવિત રાખવા માટે અતિ અગત્યનું છે. પશ્ચિમના મહાન ચિંતકોએ એક વિચાર વ્યક્ત કર્યો છે કે, જો વિશ્વ ગતિમાન રહેવું હશે, જીવિત રહેવું હશે તો ભારતીય આદર્શ કે ભારતીય જીવનશૈલી જેવું કંઈક તો તેણે સ્વીકારવું જ પડશે. આપણે જોઈ શકીશું કે, લગભગ બધાં જ આધુનિક લખાણોમાં ભારતીય આદર્શ વિષે અને તેમાંય ખાસ કરીને શ્રીરામકૃષ્ણ વિશે કંઈક ને કંઈક મળી જ આવશે. આ બતાવે છે કે, ભારતની સૌ પ્રથમ જાગૃતિ ધર્મના ક્ષેત્રમાં જ થઈ. તેમાં શંકા નથી કે, આ પહેલાં બંગાળ, પંજાબ, મુંબઈ અને બીજી જગ્યાએ ધાર્મિક ચળવળો થયેલી. પરંતુ આ બધી જ ચળવળો સ્થાનિક ગણાય, રાષ્ટ્રીય સ્તરની નહિ. સ્વામીજીની પશ્ચિમની સફળતાએ આખા રાષ્ટ્રને જાગૃત કર્યું, અને ધર્મના ક્ષેત્રમાં તો એક મહાન ઊથલપાથલ મચી ગઈ. જો કે આ ધાર્મિક ક્ષેત્રમાં જ બનેલું, છતાં તે વખતના રાજ્યકર્તા બ્રિટિશ લોકો આ જાગૃતિ તરફ શંકાની નજરે જોવા લાગ્યા. કેમ કે એક વખત કોઈ પણ રાષ્ટ્ર એક ચોક્કસ ક્ષેત્રમાં જાગૃત થશે તો બીજાં ક્ષેત્રોમાં પણ તેની જાગૃત થવાની શક્યતા રહે. તે લોકોને ડર હતો કે, ધર્મના ક્ષેત્રની આ જાગૃતિ રાજકીય ક્ષેત્ર સુધી પણ પ્રસરી શકે અને લોકો રાજકીય સ્વતંત્રતા ફરીથી પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બને. એ ખરેખર બન્યું પણ ખરું. જો કે સરકાર અને બ્રિટિશ રાજ્યના પહેલાંનાં લખાણોએ તો સ્વામીજીની ટીકા કરી અને હિંદુત્વને વામણું બતાવવા પ્રયત્નો તો કર્યા જ હતા પણ, તેનાથી વધુ એ લોકો કંઈ કરી શક્યા નહિ. એટલું જ નહિ પરંતુ, ભારતના લોકોમાંના કેટલાકે પણ સ્વામીજીને વખોડવાનો પ્રયત્ન કર્યો. છતાં આ નવ જાગરણ અટક્યું નહિ. આખા ભારતવર્ષમાં ઠેર ઠેર ધર્મસભાઓ ભરાવા માંડી, ધાર્મિક સમાજ સંગઠિત થવા માંડ્યો અને આખું રાષ્ટ્ર ધાર્મિક જુસ્સાના તબક્કામાં આવી ગયું અને તે ધાર્મિક જુસ્સામાંથી જ રાજકીય ચળવળ-સ્વતંત્રતાનો રાષ્ટ્રીય સંઘર્ષ પણ શરૂ થઈ ગયો. કોંગ્રેસની સ્થાપના થઈ અને અંતે આપણે રાજકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરી.

પરંતુ, હાલ હજુ એક એવું ક્ષેત્ર છે જેમાં સ્વતંત્રતા મેળવવી બાકી છે અને તે છે આર્થિક ક્ષેત્ર. મોટા ભાગના લોકો હજુ આર્થિક રીતે અંકુશ હેઠળ છે અને તે લોકોએ આર્થિક સ્વતંત્રતા મેળવવી જ જોઈએ. તમે જુઓ જ છો કે, આ આર્થિક સ્વતંત્રતાનો સંઘર્ષ આખા ભારતવર્ષમાં થઈ રહ્યો છે. પ્રાચીન ભારતમાં લોકો બધી જ ગોઠવણી કરી લેતા. રાજકીય જીવન, સામાજિક જીવન, શિક્ષણ, વગેરે બધું જ ધર્મના પાયા પર ગોઠવાતું. આપણી પાસે આપણું પોતાનું રાજકારણ, પોતાની આર્થિક નીતિઓ અને સામાજિક કાયદાઓ હતા. પરંતુ આ બધાં જ એ મહાન આદર્શ – સંપૂર્ણ સ્વતંત્રતા અથવા તો મુક્તિના ધાર્મિક આદર્શ સાથે વણાયેલાં હતાં. આપણો સમાજ તે જ ઢાંચામાં ગોઠવાઈ ગયેલો. જો આપણે મનુ, યાજ્ઞવલ્ક્ય અને બીજાઓની ‘સ્મૃતિઓ’ વાંચીશું તો તેમાં ક્યારેય ‘હક’ નામનો શબ્દ ક્યાંય જોવામાં આવશે નહિ. આ પુસ્તકોમાં બધે જ ફક્ત “ફરજો” જ બતાવવામાં આવેલ છે, નહિ કે “હક”. અત્યારે “મૂળભૂત હક”એ આપણને એકદમ જ સ્વાર્થી બનાવી દીધેલ છે. આપણે હંમેશાં આપણા હકની માગણી કરતા રહીએ છીએ, પણ બીજાના “હક” કે જે આપણી ફરજ બની રહે છે તેના તરફ ધ્યાન જ આપતા નથી. માનવના આ મૂળભૂત હકનો વિચાર ઘણાખરા અંશે પાશ્ચાત્ય વિચાર છે. ભારતમાં હંમેશાં ફરજ, સેવાનો જ વિચાર દૃઢ હતો. આપણી પ્રાચીન જીવનશૈલી જ લો તો તેમાં જીવનના ચાર તબક્કાઓ હતા કે, જે ચાર આશ્રમો કહેવાતા – બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. આમાંના પહેલા ત્રણની એવી રીતે વ્યવસ્થા કરવામાં આવતી કે માણસ તે ત્રણ તબક્કામાંથી ધીરે ધીરે પસાર થઈ છેલ્લો તબક્કો- એટલે કે સંપૂર્ણ ત્યાગ, સંન્યાસ-તરફ ગતિ કરી અને મુક્તિનું મહાન ધ્યેય એટલે કે સંપૂર્ણ અજ્ઞાન અને યાતનામાંથી મુક્તિ મેળવી શકે. આખું જીવન જ આવા આધ્યાત્મિક આદર્શોથી ગઠિત થયેલું હતું.

(ક્રમશ:)

અનુવાદક : કુ. સીમા માંડવિયા

Total Views: 123

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.