વેરની વસૂલાત

રાજગૃહમાં આજે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને રંગમહોત્સવમાં એક ગોપાલની પત્ની કુશળ નર્તકીને નૃત્ય માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ નર્તકીએ સગર્ભાવસ્થાને કારણે નૃત્યના આમંત્રણનો વિનયપૂર્વક અસ્વીકાર કર્યો. પરંતુ રાજા, વાજાં અને વાંદરાં! ત્રણેય કોઈનું કાને ધરે? સામંતોએ તેની કાકલૂદીને કાન દીધો નહીં અને એ સ્ત્રીએ નૃત્ય કરવું જ પડ્યું. એનું સપનું રોળાઈ ગયું. એના હૃદયમાં વેરનો અગ્નિ ભભૂકી ઊઠ્યો. આ વેરની અગ્નિઝાળમાં જ તે મૃત્યુ પામી.

વૈરાગ્નિને જીવતો રાખીને આ જ નારી નારાયણીને બદલે રાક્ષસી બની બેઠી. એનું નામ પડ્યું ‘હારીતિ.’ કાર્ય હતું – પોતાના પૂર્વજન્મના વેરનો બદલો પૂરેપૂરો વાળવો. નાનાં બાળકોનું અપહરણ કરીને કાયમને માટે આ દુનિયામાંથી રવાના કરવાં. પણ એના વેર અગ્નિ છીપતો જ નહોતો. અંતે રાજાના ગુપ્તચરો દ્વારા આ પાપકૃત્ય કરતાં એ પકડાઈ અને એને બંદીવાસમાં પૂરી દેવામાં આવી. કાળી કોટડીના અંધકારમાં પોતાના વેરના હુતાશનને મમરાવતી હતી અને હજુયે કોઈ મોકો મળી જાય તો, એકાદ-બે બાળકોને વધેરી નાખે તેવી વિચિત્ર વિચારની દુનિયામાં ડૂબી જતી.

એક માનવ પ્રેમને બદલે પ્રેમ આપે. બીજો ઘૃણાનો બદલો વેર-દ્વેષથી વાળે. સાચો માનવ ઘૃણા-વેરના અગ્નિને શાંત કરીને પ્રેમ-કરુણાના અવિરત પ્રવાહથી માનવીના જીવનને સુખ, આનંદ, શાંતિ, શીતળતાથી ભરી દે છે. એટલું જ નહીં પરંતુ, એને પરમ સમીપે લઈ જવામાં સહાયક પણ બની જાય છે.

પોતાના કરૂણાપ્રવાહમાં પથ્થરથીય કઠોર હૈયાનાં અતિ કઠોર પડને ઓગાળી દેવાની દિવ્ય શક્તિવાળા ભગવાન બુધ્ધના કાને આ હારીતિની વાત પડી. તેમણે વિચાર્યું, ‘એક નારી નારાયણી મટીને રાક્ષસી વૃત્તિવાળી કેમ બની ગઈ હશે?’ અંતર્દૃષ્ટિથી એ નારીના પૂર્વજન્મની વાત જાણીને એના દર્દની દવા આપવાનો નિર્ણય કરીને રાજગૃહ નરેશને વિનંતી કરીને કહ્યું : “મહારાજ! આપ આ સ્ત્રીને મુક્ત કરી દો. એનાં દુ:ખદર્દની દવા મારી પાસે છે.”

બુધ્ધની આજ્ઞાને શિરોમાન્ય ગણીને હારીતિને કારાગૃહમાંથી મુક્ત કરી. પરંતુ તે પહેલાં ભગવાન તથાગતની સૂચના પ્રમાણે હારીતિના એકના એક પુત્રનું સેવકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું. હારીતિને આ વાતનો ખ્યાલ આવતાં જ તેના પર જાણે વજ્ર તૂટી પડ્યું હોય તેવા દુ:ખનો તેને અનુભવ થયો. આકુળ-વ્યાકુળ બનીને ખોવાયેલા પુત્રની શોધમાં નીકળી પડી. “કાંટો બરાબર બોરડી કેરો ને હાથમાં વાગ્યો હોય- વાગ્યાની આ વેદના બીજો જાણી શકે શું કોઈ? એ તો ભાઈ! જેને વીતી હોય તે જાણે, અજાણ્યો કંઈ ન જાણે.” હવે એનું માતૃહૃદય જાગી ઊઠ્યું. એનું નારીહૃદય કરુણ આક્રંદ કરી ઉઠ્યું. આજે એને સમજાયું – “વાવીએ એવું લણીએ.” કેટકેટલી માતાનાં હૃદયને મેં હીજરાવી દીધાં! કેટકેટલાં નિર્દોષ બાળકોને મેં મોતને ઘાટ ઉતારી દીધાં! મેં કેટલાને દુ:ખનાં અગ્નિમાં હોમી દીધાં અને તેય મારા એક વેરની અગનને શાંત કરવા અને છતાંય એ અગન તો વણછીપી જ રહી. મારા જેવું નરાધમ, પાપી-ઘાતકી બીજુ કોણ હશે? હે ભગવાન, તેં મારા પાપનો બદલો આ રીતે જ આપ્યો.’

આમ, અંતરનો પસ્તાવો કરતી, કરુણ આક્રંદ કરતી મન હૃદયની સાચી શાંતિ માટે એ ગૌતમ બુદ્ધના શરણે ગઈ. ભગવાન તથાગતને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને અશ્રુભીની આંખે કાકલૂદી કરવા લાગી, “હે પ્રભુ, મને મારાં કર્યાંની સજા મળી ગઈ. કેટલીયે માતાનાં સંતાનોનું હરણ કરનારી આ હારીતિ આજે તમારા શરણે પોતાનાં પાપમાંથી મુક્તિ માટે આવી છે. હે કરુણાનિધાન! મારા પર કૃપા કરો. મને મારાં પાપમાંથી મુક્ત થવાનો ઉપાય બતાવો.’

કરુણાભરી દૃષ્ટિ સાથે ભગવાન તથાગતે કહ્યું : “અરે બહેન, આજ સુધી તો તેં બાળકોનું અપહરણ કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધાં પણ હવે તને એના પાપમાંથી મુક્ત થવા માટે, તારાં મન-હૃદયની શાંતિ માટે એક વિશિષ્ટ સેવાકાર્ય તને સોંપું છું. આજથી જ તું આ બાળકોના વિકાસ-રક્ષણના કામમાં લાગી જા અને તેમના યોગક્ષેમ સિવાય બીજો વિચાર કરતી નહીં અને તું અનંત શાંતિ, સુખ, આનંદનો અનુભવ કરીશ. આ બાળસેવાના તપથી જ તારાં બધાં પાપો દૂર થઈ જશે.” ભગવાન બુદ્ધના આ પરમ ઉપદેશથી હારીતિની આંખો ખૂલી ગઈ. તેનો પુત્ર તો તેને પાછો મળ્યો પણ આ નારીએ નારાયણી- કલ્યાણિની બનીને અનેક અનાથ બાળકોને પોતાના માતૃ-વાત્સલ્યના નીરમાં નવડાવીને સુખ-શાંતિ આનંદ આપ્યાં.

યજુર્વેદમાં એક પ્રાર્થના છે :

હે પરમાત્મા,
મને મંગલ કાર્યમાં મગ્ન બનાવો.
સર્વ પ્રાણીઓ અને મિત્ર – ભાવે જુએ
હું ય સર્વને સુહૃદભાવે ભજું
અમે સૌ પરસ્પર મૈત્રીભાવે નીરખીએ.
આ જ જીવનદૃષ્ટિ માનવને માનવ બનાવે. અરે, દાનવમાંથી ય દેવ સરજે.

સંકલક : શ્રી મનસુખલાલ મહેતા

Total Views: 158

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.