શ્રીમત્ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ અને રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રથમ પરમાધ્યક્ષ હતા.

સ્થાન : બેલૂર મઠ ૧૯૧૪

ઠાકુર કહેતા : “ત્રણ પ્રકારનાં આકર્ષણ ભેગાં થવાથી ભગવાન મળે છે. વિષય પર વિષયીનું, પુત્ર પર માતાનું અને પતિ પર સતી સ્ત્રીઓનું. આ ત્રણ પ્રકારનાં આકર્ષણોની ભેગી થયેલી તીવ્રતા જ્યારે ભગવાન ઉપર થાય છે, ત્યારે જ ભગવાન મળે છે.” આ વાણીનો અર્થ શો છે? જ્યારે મનમાંથી તમામ વાસનાઓ દૂર થઈ જશે અને જ્યારે મનમાં ભગવત્પ્રાપ્તિ માટે પ્રબળ આકાંક્ષા જાગશે; ત્યારે એમની પ્રાપ્તિ થશે, ત્યારે એમનાં દર્શન-સ્પર્શ મેળવીને આપણે ધન્ય બની શકીશું. ગીતામાં ભગવાને કહ્યું છે : “સર્વધર્માન્ પરિત્યજય મામેકં શરણં વ્રજ.” સર્વસ્વ ત્યાગીને મારે શરણે આવ. શરણાગતિ, શરણાગતિ, શરણાગતિ. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. કળિયુગમાં જીવ અન્નગતપ્રાણ છે, અલ્પાયુ છે. ટૂંકા સમયમાં ઘણાં જ કાર્યો કરી લેવાં પડશે. એટલાં શક્તિ-સામર્થ્ય, ત્યાગ-તપસ્યા અને સાહસ નથી. મન દુર્બળ છે, એટલે ભોગ પર આસક્તિ વધારે છે. તો પણ ભગવાનને મેળવવા જ પડશે. નહીં તો આ જીવન વ્યર્થ જ થયું. ફક્ત આવાગમન હાથ આવ્યું. એમના શરણાગત થઈને પડ્યા રહેવા સિવાય આ યુગમાં બીજો કોઈ સહેલો રસ્તો નથી.

‘શરણાગતિ’થી આપણે શું સમજીએ છીએ? આપણે શું કંઈ જ કરવાનું હોતું નથી? આપણે શું હાથપગ વાળીને બેસી રહેશું? ના. એવું નથી. સરળ હૃદયથી હંમેશાં એમને પ્રાર્થના કરવી જોઈએ : હે પ્રભુ, હું કંઈ પણ જાણતો નથી. હું તમારો આશ્રિત છું; મારામાં જે ખામી રહેલી છે, તેને તમે દૂર કરી દો. જે માર્ગ ઉપર જવાથી મારું કલ્યાણ થાય એ માર્ગે મને લઈ જાઓ. તમારું સ્મરણ અને ચિંતન કરી શકું એવી શક્તિ આપો.

શરણાગત થઈને પડ્યા રહેવું એ શું સહેલું છે રે? મોઢેથી તો અનેક લોકો કહે છે, ‘હું એમનો શરણાગત છું. તેઓ જેમ કરાવી રહ્યા છે, તેમ જ કરું છું.’ પણ એવા લોકોના જીવનનું જો બારીકાઈથી અવલોકન કરીએ તો જણાશે કે તેઓ મોઢેથી જે બોલે છે, તેના કરતાં સાવ ઊલટું જ આચરે છે. કંઈ સારું કામ કર્યું હોય, તો મનુષ્ય ભગવાનને ભૂલીને મેં કર્યું છે, મેં કર્યું છે એમ કહીને કૂદવા લાગે છે અને જેવી જરાક વિપત્તિ આવી કે તુરત જ ભગવાનને માથે દોષનો ટોપલો ઢોળે છે અને કહે છે : ભગવાન મને કષ્ટ આપી રહ્યા છે, દુ:ખ આપી રહ્યા છે.’ મોટા ભાગના લોકો આ રીતે જીવન પસાર કરે છે.

(“ધ્યાન, ધર્મ અને સાધના” પૃ. ૩૮-૩૯ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ)

Total Views: 149

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.