પૂજનીય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કે જેઓ રાજા મહારાજ તરીકે ઓળખાતા અને જેમની જન્મતિથિ ૫મી ફ્રેબુઆરીએ આવે છે, શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર હતા. સ્વામી વિવેકાનંદજી પણ તેમની આધ્યાત્મિક સત્તાને પિછાની તેમને આદરપૂર્વક પ્રણામ કરતા અને તેમણે તેમને ‘રામકૃષ્ણ સંઘ’ના પ્રથમ પ્રમુખ બનાવેલા. શ્રી રાજા મહારાજ સરળતામાં બિલકુલ બાળક જેવા હતા; પણ તે સરળતા અને સાદાઈની અંદર માનવીય પ્રવૃત્તિનાં સર્વ ક્ષેત્રોની સૌથી નાનામાં નાની વસ્તુને પણ પકડી પાડે તેવી અતિ તીવ્ર બુદ્ધિ ગર્ભિત રીતે રહેલી હતી. તેઓ પોતાની નોંધપાત્ર રમૂજી આદતથી ભક્તોને ખડખડાટ હસાવી દેતા. પરમ પૂજ્યપાદ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ ‘રામકૃષ્ણ મઠ અને મિશન’ના ૧૦મા પ્રમુખ હતા. તેમને શ્રી રાજા મહારાજ પાસેથી સંન્યાસ દીક્ષા મળેલી તેમ જ તેઓ તેમની સાથે ખૂબ જ ઘનિષ્ઠતાથી ફરેલા, તેમણે શ્રી રાજા મહારાજની જન્મતિથિના દિવસે ૧૦ ફેબ્રુઆરી ૧૯૭૮ ના રોજ ‘રામકૃષ્ણ મિશન’ મુંબઈ ખાતે આપેલ ભાષણનો સારાંશ અહીં આપવામાં આવે છે.

હું કંઈ એક વ્યવસ્થિત વ્યાખ્યાન આપવાનો નથી. પરંતુ, તેમના જીવનમાંથી મને જે થોડું ઘણું યાદ રહ્યું છે, તે વિષે તમને કહીશ. બધા જ બનાવો ૬૦ કે તેથી પણ વધારે વર્ષો પહેલાં બનેલા, જેમાંથી હું તમને ફક્ત થોડા પ્રસંગો જ કહીશ.

રાજા મહારાજ શ્રીરામકૃષ્ણરૂપી પુસ્તકાલયની આવૃત્તિની એક નાની એવી આવૃત્તિ (Pocket edition) સમાન હતા. તેઓ ઘણી બધી રીતે, ભલે થોડા પ્રમાણમાં, પણ શ્રીરામકૃષ્ણદેવ જેવા જ હતા. બાહ્ય રીતે તો તેઓ શ્રીઠાકુર જેવા જ દેખાતા. જો કોઈ તેમને પાછળથી જુએ તો તેમને શ્રીરામકૃષ્ણદેવ તરીકે માની લેવાની ભૂલ કરી બેસતા.

રાજા મહારાજમાં ધ્યાન ખેંચે તેવી મુખ્ય વસ્તુ એ હતી કે મોટા ભાગના સમયે તેમનું મન આ જગતથી પર જ રહેતું; તે કોઈ બીજી જ દુનિયામાં ખોવાયેલું રહેતું. તેઓ ભાગ્યે જ બાહ્ય જગત વિષે સભાન રહેતા. તેઓ મોટે ભાગે ઉચ્ચતમ ભૂમિકાએ જ રહેતા. ક્યારેક તેઓ પોતાના સેવકને હૂક્કો લાવવા કહે તો સેવકે તો તરત જ તે આપ્યો જ હોય પરંતુ થોડા જ સમય બાદ ફરીથી બોલાવી પૂછતા, “તેં હજી સુધી મને હૂક્કો આપ્યો નહિ કે?” બાહ્ય જગત વિષે તેઓ સહેજ પણ સભાન ન હતા. ખરેખર, હૂક્કો લાવી આપવામાં આવેલ; પરંતુ લાંબા સમય સુધી પોતાનામાં જ ખોવાયેલા હોવાથી હૂક્કો ઠરી ગયેલો. આ રીતે આપણે જોઈએ છીએ કે તેમના મનને આજુબાજુના વાતાવરણની ભાગ્યે જ અસર થતી.

ઘણા બધા વિષયોમાં તેમનું જ્ઞાન સારું એવું હતું. તેઓ યુનિવર્સિટીના વિદ્યાર્થી ન હતા. તેમ જ ન તો તેઓ કોલેજમાંય ભણેલા; તેમ છતાં જુદા-જુદા વિષયોનું તેમનું જ્ઞાન ખરેખર અગાધ હતું. મને યાદ છે કે, જ્યારે તેઓ મદ્રાસમાં હતા ત્યારે આરતી પછી તેઓ તે વખતના મઠના મકાન “વાણી વિલાસ”ની અગાસીમાં બેસી ભક્તો સાથે વાતચીત કરતા. ઘણા ભક્તો તેમની પાસે આવીને બેસતા અને જુદા જુદા વિષયો પર વાતચીત થતી, જેમાં આધ્યાત્મિક વાતો ભાગ્યે જ થતી. તેમ છતાં તેમની પાસે બેસવું રસસભર હતું અને કોઈ પણ વ્યક્તિ તે જગ્યા છોડીને જવા ઇચ્છતી નહિ.

એ વખતે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. શિવરામ અય્યર (કે જેઓ પછીથી સ્વામી અવિશાનાનંદ થયા) કરીને એક ભાઈ હતા, તેઓ દક્ષિણ ભારતના પ્રખ્યાત દૈનિકોમાંના એક “ધ હિંદુ”ના મદદનીશ સંપાદકો માંહેના એક હતા. તેઓ પોતાનું કામ પતાવીને દરરોજ રાત્રે સાત કે આઠ વાગે આવતા અને જેવા તેઓ આવે કે તરત જ મહારાજ પૂછતા, “યુદ્ધના શા સમાચાર છે? જર્મન લોકો આજે ક્યાં છે? ગઈ કાલે તો તેઓ “બ્રિટિશ લાઈન”થી ઘણા દૂર હતા; પણ આજે ક્યાં પહોંચ્યા?” મહારાજને જર્મન તેમ જ બ્રિટિશ બન્નેના સૈન્યની બધી જ હિલચાલની ખબર હતી અને તેઓ તે સંપાદકને ઝીણવટભરી પૂછપરછ કરીને માહિતી મેળવતા.

એક બીજા સદ્‌ગૃહસ્થ હતા. તેઓ એક સહકારી બેન્કના મેનેજર હતા. મહારાજ તેમની સાથે ઘણી વાર વાતચીત કરતા અને તેમને ઘણા બધા પ્રશ્નો પૂછી બેન્ક તેમ જ સહકારી પદ્ધતિઓની ઘણી માહિતી મેળવતા. બીજા પણ એક સદ્‌ગૃહસ્થ દરરોજ આવતા. તે સરકારના ખેતીવાડી ખાતા સાથે સંકળાયેલા હતા. તેઓ મહારાજ સાથે ફળ-ફૂલની જુદી જુદી જાતો, જુદા જુદા છોડને અપાતાં ખાતર, વગેરે વિષે વાતચીત કરતા. મહારાજ પોતે પણ તે માણસને છોડ, ખાતર, વગેરે વિષે પોતાના કેટલાક વિચારો કહેતા. મહારાજ પોતે સંગીતકાર ન હોવા છતાં સંગીતના સારા એવા જાણકાર હતા. તેઓશ્રી સંગીતના સૂર-લયને સમજતા તેમ જ પ્રશંસા પણ કરતા. આ રીતે, મહારાજ પાસે ઘણા બધા વિષયોનું અગાધ જ્ઞાન હતું, જે તેમણે ચોપડીઓ વાંચીને નહિ, પરંતુ લોકો સાથે વાતચીત કરીને મેળવેલું.

શ્રીરામકૃષ્ણદેવની સેવામાં તેઓશ્રી ખૂબ જ ચોક્કસ હતા. એક દિવસ તેમણે એક બ્રહ્મચારીને પૂજા માટે બગીચામાંથી બધાં જ સુંદર ફૂલોને ચૂંટી લેતાં જોયો. મહારાજે તેને પૂછ્યું, “તું શું કરે છે? શું તું છોડવાઓને એક પણ ફૂલ વિનાના વેરાન કરી નાખવા માગે છે કે શું? તું શું એમ માને છે કે ઠાકુર ફક્ત એક ઓરડામાં જ (પૂજાઘરમાં જ) બેસે છે? આ બગીચામાં આંટા મારવા નહિ આવતા હોય? હવેથી ક્યારેય એવું કરતો નહિ. પૂજા પૂરતાં થોડાં ફૂલો લે અને બાકીનાં આ બગીચામાં જ રહેવા દે.”

મઠના જુદા જુદા વિભાગોમાં ખાસ કરીને ફૂલોનો બગીચો, ફળનાં ઝાડ, શાકભાજીનો બગીચો, ગાયોની સંભાળ, વગેરેમાં મહારાજ સવિશેષ રસ બતાવતા. ગાયને જે ખોરાક આપવો જોઈએ તે તેઓશ્રી બતાવતા. એટલું જ નહિ પરંતુ, દરેકે આવો જ રસ લેવો જોઈએ તેમ પણ તેઓશ્રી ઇચ્છતા. જ્યારે કોઈ મદ્રાસથી બેલૂડ મઠ જાય ત્યારે તેઓશ્રી તરત જ તેને ફૂલના છોડવા, ફળનાં ઝાડ, ગાય, વગેરે મદ્રાસ મઠ વિષે બધી જ વિગત પૂછતા, દા. ત., તેઓ પૂછતા, “ગુરુ મહારાજ માટે મેં ખરીદેલી ગાયને કેટલા વાછરડા છે? તે કેટલા પ્રમાણમાં દૂધ આપે છે? મેં વાવેલો ફૂલનો છોડ સારાં ફૂલો આપે છે કે કેમ?” બીલીનું એક ઝાડ તેમણે બનારસથી લાવીને ત્યાં રોપેલું; તેથી પૂછતા, “અત્યારે તે બીલીનું ઝાડ કેટલું મોટું થયું છે?”

તેમણે આમળાના ઝાડના પણ ચાર છોડવા રોપેલા અને દરેકને તેઓશ્રી આ છોડવા બરાબર વૃદ્ધિ પામે છે કે કેમ, તેમ જ સારાં ફળ આપે છે કે કેમ વગેરે વિષે પૂછતા. બગીચાના મેદાનની દીવાલ પાસે જ્યારે પહેલવહેલા તે છોડવાઓને રોપવામાં આવેલા ત્યારે તેની બાજુમાં ઊભા રહી તેઓ બોલેલા, “ફક્ત આ ઝાડનાં આમળાં વેચતાં જ તમે સો રૂપિયા મેળવી શકશો.” અને આ વાક્ય સાંભળી ત્યાં ઊભેલા બધા જ લોકો હસવા માંડ્યા! જો કોઈ પણ વ્યક્તિ યોગ્ય માહિતી આપવામાં નિષ્ફળ જાય તો તેને “નકામા માણસ” તરીકેનું બિરુદ આપવામાં આવતું.

દેશના એક ભાગમાંથી બીજા ભાગમાં ચીજવસ્તુની અદલાબદલી તેઓ સરળતાથી કરતા. તેઓ બેંગલોર તેમ જ બીજી જગ્યાએથી છોડવા લાવી ગુરુ મહારાજની સેવા માટે બેલુડ મઠમાં રોપતા. આ રીતે એમણે દક્ષિણ ભારતમાંથી નાગલિંગમ્ છોડ લાવીને વાવેલો, જે આજે પુષ્કળ પ્રમાણમાં સુંદર સુગંધી ફૂલો આપતું મોટું વૃક્ષ બની ગયું છે. આ રીતે, તેઓ પોતે બીજા પ્રદેશની સારી વસ્તુઓ મેળવતા અને બંગાળની સારી ચીજો તે તે પ્રદેશોમાં લઈ જતા. તેમને કેટલીક દક્ષિણ ભારતીય વાનગીઓ બહુ જ ભાવતી. તેઓશ્રી તે વાનગીઓને બેલુડ મઠમાં બનાવરાવતા અને ગુરુ મહારાજને ધરાવતા. લીમડાનાં ફૂલો નાંખીને તૈયાર કરેલ રસમ્‌નો તો તેમને ખૂબ જ શોખ હતો.

દક્ષિણ ભારતમાં ખૂબ જ પ્રચલિત રામનામ સંકીર્તન તેમણે “બેલુડ મઠ”માં શરૂ કરાવ્યું. તેમાં તેમણે તુલસીદાસજીની થોડી ચોપાઈઓ ઉમેરી અને સંન્યાસીઓને તે સંકીર્તન દર એકાદશી તેમ જ રામનવમીના દિવસે ગાવાનું કહ્યું. આ કીર્તન દર એકાદશીએ ફક્ત બેલુડ મઠમાં જ નહિ, પરંતુ “રામકૃષ્ણ-સંઘ”ના દરેક આશ્રમમાં ગવાય છે. આ રીતે તેઓ પ્રવાસમાં જ્યાં પણ જતા-પછી તે દક્ષિણ ભારત હોય કે ઉત્તર ભારત તેઓશ્રી હંમેશાં વિચારોની આપ-લે દ્વારા ઉત્તર તેમ જ દક્ષિણને એકબીજાના સંપર્કમાં લાવવાનો પ્રયત્ન કરતા. એક વખત તેમણે હરદ્વાર તેમ જ મદ્રાસમાં દુર્ગાપૂજા કરેલી. આ રીતે દેશના જુદા જુદા ભાગોની ઉત્તમોત્તમ વસ્તુઓ કે રિવાજોનું મિશ્રણ કરી તેમને આખા દેશમાં પ્રસારિત કરવાનો પ્રયત્ન તેઓ કરતા.

હવે હું તમને શ્રી રાજા મહારાજના વ્યક્તિત્વ વિષે થોડી વાતો કરીશ. એક વખત તેઓ મદ્રાસમાં હતા. સ્વામી વિશુદ્ધાનંદજી પણ શશી મહારાજ સ્વામી રામકૃષ્ણાનંદજીની મદદમાં મદ્રાસમાં જ હતા. એક દિવસ રાજા મહારાજે સ્વામી રામકૃષ્ણાનંદજીને સ્વામી વિશુદ્ધાનંદજી કે જેઓ નાણાંની વ્યવસ્થા સંભાળતા હતા, તેમની પાસેથી કોઈ ખર્ચ પેટે પૈસા લેતા જોયા. રાજા મહારાજે વિશુદ્ધાનંદજીને કહ્યું : “શશી પાસેથી રસીદ લેજે. રસીદ લીધા વિના તેને પૈસા આપતો નહીં.”

તેથી જ્યારે બીજી વખત શશી મહારાજે પૈસા માંગ્યા ત્યારે વિશુદ્ધાનંદજીએ રસીદની માગણી કરતાં કહ્યું : “રાજા મહારાજે મને તમારી પાસેથી રસીદ લેવાનું કહ્યું છે.”

“અરે! એમ છે? સારું, હું તમને રસીદ આપીશ.” શશી મહારાજે કહ્યું.

રાજા મહારાજ ત્યાં હોવાથી શશી મહારાજ પૈસા વાપર્યે જતા હતા, કેટલા પૈસા વપરાયા, તે પણ તેમને ખબર ન હતી. રાજા મહારાજના ગયા બાદ તેમણે વિશુદ્ધાનંદજીને પૂછ્યું : “તમે મને કેટલી રકમ આપી છે?”

વિશુદ્ધાનંદજીએ જવાબ આપ્યો, “લગભગ ૨૦૦૦ રૂપિયા.”

“શું? તમે મને ૨૦૦૦ રૂપિયા આપ્યાં છે? તેટલા હોઈ શકે જ નહિ!” શશી મહારાજ બોલ્યા.

વિશુદ્ધાનંદજી બધી જ રસીદો લઈ આવ્યા. તે જોઈ શશી મહારાજે હસતાં હસતાં જવાબ આપ્યો : “હં….. રાજા મહારાજે તમને બચાવ્યા! તેમણે તમને મારી પાસેથી રસીદ લેવાનું કહેલું. નહિતર આજે તમે બરાબર મુશ્કેલીમાં મુકાઈ ગયા હોત. જોયું? રાજા મહારાજે કેવી રીતે તમને બચાવ્યા?”

એ જ સમયમાં “Inspired Talks” (દિવ્ય વાણી) પુસ્તક પ્રકાશિત થયું. તેને સમાલોચના માટે મોકલવાનું હતું. રાજા મહારાજે શશી મહારાજને પુસ્તકની એક નકલ “બોમ્બે-ક્રોનીકલ”ને પણ મોકલવાનું કહેલું. શશી મહારાજને થયું, “બોમ્બે-ક્રોનીકલ”ને મોકલવાની શી જરૂર? “ધ હિન્દુ”ને મોકલવાથી પૂરું થયું. અને ખરેખર, તેમણે “બોમ્બે-ક્રોનીકલ”ને તે પુસ્તક મોકલ્યું નહિ.

રાજા મહારાજને તે ગમ્યું નહિ, પણ તેઓ કંઈ બોલ્યા નહિ. શશી મહારાજે નોંધ્યું કે, જ્યારે તેઓ રાજા મહારાજને મળવા ગયા ત્યારે તેમણે કંઈ ઉમળકો બતાવ્યો નહિ. તેઓ તેમને (શશી મહારાજને) બોલાવવાના ન હતા. જ્યારે તેમણે પ્રણામ કર્યાં ત્યારે પણ મહારાજ કંઈ બોલ્યા નહિ. એટલું જ નહિ પરંતુ, મહારાજે આશ્રમમાં શશી મહારાજની હાજરીને ગણકારી પણ નહિ! ધીમે ધીમે શશી મહારાજ સમજી ગયા કે પોતે “બોમ્બે-ક્રોનીકલ”ને સમાલોચના માટે પુસ્તક ન મોકલ્યું એ કારણે મહારાજ નારાજ થઈ બોલતા નથી.

એક દિવસ શશી મહારાજે કહ્યું, “ઠીક છે, રાજા! મને એમ હતું કે તમે તો ખૂબ મહાન અને ઉદાત્ત છો; પરંતુ, હવે મને લાગે છે કે તમે તો ખૂબ જ સંકુચિત મનના છો! હું કંઈ તમારો સમોવડિયો છું કે તમારે મારી સાથે ઝઘડવું જોઈએ અને મારા પર ગુસ્સે થવું જોઈએ? તમારે તો તમારી સમક્ષ હોય તેની સાથે ઝઘડવું જોઈએ, નહિ કે મારી સાથે. તમે તો તમારી ઇચ્છા માત્રથી જ જોઈએ તેટલા શશીઓ ઉત્પન્ન કરી શકો છો!” તેથી રાજા મહારાજ બોલ્યા, “ના, ના શશી! ચિંતા કર નહિ. એવું કંઈ નથી.” આવો હતો બન્ને વચ્ચેનો પ્રગાઢ પ્રેમ!

એક વખત, જ્યારે શશી મહારાજ બેલુડ મઠ આવ્યા ત્યારે તેમણે રાજા મહારાજને ધ્યાન કરતા જોયા. એ વખતે મદ્રાસ મેઈલ સવારે ૧૦ વાગે હાવરા પહોંચતો. જ્યારે શશી મહારાજ બેલુડ મઠ પહોંચ્યા ત્યારે ૧૧ વાગી ગયા હતા. તે વખતે તેમણે મહારાજને ધ્યાન કરતા જોયા. શશી મહારાજ ઓરડામાં ગયા અને મહારાજને ઉઠાડતાં બોલ્યા, “તમારે ધ્યાનની કંઈ જરૂર નથી.” અને પરાણે તેમને તેમના આસનેથી ઊભા કર્યા! આવું કોઈ કરી શક્યું ન હોત. ફક્ત શશી મહારાજ જ કરી શકે.

દરરોજ સવારે ચાર વાગે મંગલ આરતી પછી રાજા મહારાજ ધ્યાનમાં બેસતા. તેઓ ગંગાની સામેના ઉપલા વરંડામાં આવીને બેસતા. બીજા બધા તેમની સામે બેસીને ધ્યાન કરતા. ધ્યાન બાદ સાત વાગ્યા સુધી વાતચીત વગેરે ચાલતું અને બાબુરામ મહારાજને શાક સુધારવામાં મદદ કરવા કોઈ જતું નહિ! બધા જ ઉપર રહેતા. પછી બાબુરામ મહારાજ નીચેથી જ રાજા મહારાજને બૂમ પાડતા, “રાજા! શું ઠાકુરને ભોગ-બોગ ધરાવવાનો છે કે નહિ?” ત્યારે રાજા મહારાજ કહેતા, “જાઓ, જાઓ, બાબુરામ ગુસ્સે થઈ રહ્યો છે.”

અમુક ખાસ પ્રકારના લોકો તરફ રાજા મહારાજને અણગમો થતો. જ્યારે તેઓ મદ્રાસમાં હતા, ત્યારે એક માણસ તેમને મળવા માગતો હતો પરંતુ મહારાજ હંમેશાં તેને ટાળતા. આ વ્યક્તિના મિત્ર રામકૃષ્ણ મિશનના એક ભક્ત હતા તેમ જ મંત્રી રામસ્વામી આયંગરના પણ સારા એવા મિત્ર હતા. જ્યારે પણ આ ભક્ત રામસ્વામી આયંગર સાથે મઠમાં આવતા, ત્યારે મહારાજ તેમને ખૂબ જ હાર્દિક આવકાર આપતા. પરંતુ એક દિવસ એવું બન્યું કે, સવારે જ્યારે તેઓ મહારાજને મળવા આવ્યા, ત્યારે મહારાજે તેમને મળવાનો ઈન્કાર કરીને બીજા કોઈ દિવસે આવવાનું કહ્યું. રામસ્વામી આયંગરે મહારાજ પાસે જઈને પોતાના મિત્રના આવવા વિષે કહ્યું. મહારાજે જવાબ આપ્યો, “આજે મને ઠીક નથી લાગતું. મહેરબાની કરીને તેને કોઈ બીજા દિવસે આવવાનું કહોને!” તેથી રામસ્વામી આયંગરે જઈને પોતાના મિત્રને કહ્યું કે, આજે મહારાજની તબિયત સારી ન હોવાથી તેમણે બીજા કોઈ દિવસે આવવાનું કહ્યું છે.

જેવા તે ગયા કે તરત જ બીજી એક મોટર અંદર આવી અને તેમાં રાજા મહારાજ જે માણસને હંમેશાં ટાળતા તે હતો. તે માણસે પૂછ્યું, “શ્રીમાન અમુક્તમુક અહીં છે કે?” રામસ્વામી આયંગરે જવાબ આપ્યો, “એ વ્યક્તિ અહીં આવેલ પણ હમણાં જ ગયા. તેથી તે માણસ પણ નિરાશ થઈ ચાલ્યો ગયો.

કદાચ તે બન્નેએ એક જ સમયે મઠમાં આવવાનું નક્કી કર્યું હશે કે જેથી રાજા મહારાજને છૂટથી મળી શકત. પેલા ભક્ત તે માણસને પોતાની સાથે જ અંદર લઈ જઈ શકે અને રાજા મહારાજ તેને મળવાનું ટાળી ન શકે! રાજા મહારાજને જાણે કે તેની આવી વ્યવસ્થાની અગમચેતી મળી ગઈ અને તેથી જ તેમણે તે ભક્ત કે જે હંમેશાં હાર્દિક આવકાર પામતો તેને મળવાનો ઇન્કાર કરી આવી વ્યવસ્થાને તોડી પાડી.

એક વખત મહારાજ ઉત્તરના એક આશ્રમમાં રહેતા હતા. એક દિવસ તેમણે દૂરથી કોઈ એક વ્યક્તિને આશ્રમ તરફ આવતી જોઈ. મહારાજને કોણ જાણે કેમ પણ તે વ્યક્તિ ગમી નહિ. તેથી તેઓ પોતાના ઓરડામાં જતા રહ્યા અને પથારીમાં સૂઈ ગયા અને પોતાના સેવકને કહેવા લાગ્યા, “મને તાવને લઈને ધ્રુજારી છૂટે છે; મને ધાબળા ઓઢાડ.” તેમના સેવકે તેમને ધાબળા ઓઢાડ્યા પણ તેમ છતાં તેઓ ધ્રૂજતા હતા! તે મલેરિયા તાવ લાગતો હતો. તેમ જ તેમનું આખું શરીર ધ્રૂજી રહ્યું હતું. સેવકે આવીને પેલા મળવા આવનાર માણસને કહ્યું, “આજે મહારાજ માંદા હોવાથી તમે તેમને મળી શકશો નહિ.” તેથી તે વ્યક્તિને પાછું જવું જ પડ્યું.

તેના ગયા બાદ મહારાજે પૂછ્યું, “પેલો ભક્ત ગયો?” જ્યારે તેમણે સાંભળ્યું કે તે ગયો તરત જ તાવ અદૃશ્ય! મહારાજે હૂક્કો લાવવા કહ્યું, ખરેખર તે આશ્ચર્ય હતું કે, તેમને સાચે જ તાવ આવ્યો હતો અને તેમનું આખું શરીર બે-બે ધાબળા ઓઢાડ્યા છતાં ધ્રૂજી રહ્યું હતું. કઈ રીતે તેઓ એકદમ જ માંદા પડ્યા અને પાછા સાજા પણ થઈ ગયા એ એક રહસ્ય જ હતું. પરંતુ ખરેખર જ તે વ્યક્તિના આગમનથી તેમને તાવ ચડેલો અને એના જતા રહેવાથી તે પાછા સાજા થઈ ગયેલા.

જ્યારે તેઓ બનારસમાં હતા ત્યારે ત્યાંના બીજા કોઈ એક આશ્રમમાં ભંડારો થવાનો હતો. એક સંન્યાસી શહેરના જુદા જુદા આશ્રમમાં તે “સમષ્ટિ ભંડારા”માં દરેક આશ્રમના બધા સાધુઓને આમંત્રિત કરવા નીકળેલા. જ્યારે તે સંન્યાસી આપણા “રામકૃષ્ણ-અદ્વૈત આશ્રમ”માં આવ્યા ત્યારે તેમણે ત્યાંના સ્થાનિક વડાને પૂછ્યું, “સ્વામીજી, આપના આશ્રમ માટે કેટલી ટિકિટ આપું?” સામાન્ય રીતે તો તે લોકો સાતથી આઠ સંન્યાસીઓ ત્યાં રહેતા હતા પરંતુ રાજા મહારાજ ત્યાં હોવાથી અત્યારે ઘણા સંન્યાસીઓ હતા. તેથી તે મોટા સ્વામીજીએ પચાસ ટિકિટ માટે કહેતાં પેલા સંન્યાસીને નવાઈ લાગી. એટલું જ નહિ પરંતુ, તેણે પૂછ્યું પણ ખરું કે, “શું અહીં આટલા બધા સંન્યાસીઓ છે?” આપણા સ્વામીજી બોલ્યા, “અલબત્ત.”, તેથી તેઓ પચાસ ટિકિટ આપી ગયા.

ભંડારાના દિવસે, તે મોટા સ્વામીજીએ બધા જ સાધુઓને તેમાં જવા કહ્યું પરંતુ તેમાંના મોટા ભાગનાએ અનિચ્છા બતાવી. કેમ કે રાજા મહારાજ ત્યાં હોવાથી બધા જ તેમની પાસે રહેવા માગતા હતા અને કોઈ ભંડારામાં જઈ તેમનાથી દૂર રહેવા માગતા ન હતા. આને લઈને મોટા સ્વામીજી મૂંઝવણમાં મુકાઈ ગયા. તેથી તેમણે મહારાજને જઈને વાત કરતાં કહ્યું, “અહીં ઘણા બધા સંન્યાસીઓ હોવાથી ભંડારા માટે મેં પચાસ પાસ લીધા પણ, હવે દરેક જવાની ના પાડે છે. હવે હું એકને પણ મોકલી શકું તેમ નથી. તો મારું કેવું ખરાબ દેખાશે? મહારાજે કહ્યું, “સારું, ઘંટડી બજાવો.” જ્યારે પણ મહારાજ બન્ને આશ્રમોના (રામકૃષ્ણ – અદ્વૈત આશ્રમ અને તેની જ બાજુનો રામકૃષ્ણ-મિશન સેવાશ્રમ) બધા જ સાધુ ઓને બોલાવવા ઇચ્છતા ત્યારે ઘંટડી બજાવવામાં આવતી.

તેથી ઘંટડી બજાવવામાં આવતાં મહારાજના ઓરડાની નીચેના ફળિયામાં બધા જ એકઠા થયા. મહારાજે કહ્યું, “લાઈનમાં ઊભા રહો, લાઈન કરો!” જ્યારે બધા જ એક કતારમાં ઊભા રહી ગયા ત્યારે તેમણે કહ્યું “ગણો. એક, બે, ત્રણ…. તેથી એક પછી એક એમ બધા જ સાધુઓ ગણવા માંડ્યા. “એક, બે, ત્રણ…” જ્યારે આંકડો પચાસે પહોંચ્યો ત્યારે મહારાજ બોલ્યા “બસ! બંધ કરો! જમણી તરફ ફરીને કૂચ કરો! ભંડારામાં જાઓ! તેથી બધા જ, પચાસેય સાધુઓ ભંડારામાં ગયા. આવી હતી તેમની રમૂજ વૃત્તિ!

એક વખત તેમના જન્મ દિવસે તેમને ફૂલનો હાર, ગજરા, વગેરેથી ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યા. બીજે દિવસે, તેમણે અમને એ બધો શણગાર લઈ જઈ સ્વામી શુદ્ધાનંદજીને પહેરાવી દઈ, તેમના ફરતે કીર્તન ગાવાનું કહ્યું. સ્વામી શુદ્ધાનંદજી વરંડામાં જ બેઠેલા તેથી અમે આ બધી જ વસ્તુઓ તેમને પહેરાવી તેમ જ ફૂલોના હાર વગેરેથી તેમને શણગારી દીધા. ત્યારબાદ ખોલ અને કરતાલ લઈ અમે કીર્તન ગાવાનું શરૂ કર્યું તેમ જ તેમની ફરતે નૃત્ય કરવા લાગ્યા. ત્યાં મહારાજ ધીમેથી નીચે આવી, શું બની રહ્યું છે, તે જોતા હસતા હસતા પસાર થઈ ગયા. આવી હતી તેમની મશ્કરી કરવાની રીત!

મદ્રાસમાં એક વખત એવું બન્યું કે, એક માણસ શ્રીરામકૃષ્ણદેવને ધરાવવા માટે જુદી જુદી જાતની મીઠાઈ ભરેલો થાળ લાવ્યો અને શશી મહારાજને તે આપ્યો. શશી મહારાજ તે થાળ રાજા મહારાજ પાસે લઈ ગયા અને બોલ્યા, “રાજા, ખાઓ!” રાજા મહારાજે કહ્યું, “મારી તબિયત સારી નથી. મને પેટમાં ગરબડ થઈ ગઈ છે. ગઈ કાલથી હું માત્ર સાબુદાણાની કાંજી જ લઉં છું. તમે આ બધું જાણો છો છતાં આવી ભારે વસ્તુઓ ખવરાવવા માંગો છો?” શશી મહારાજ બોલ્યા, “રાજા, તે તમે નથી ખાતા પરંતુ, તમારા દ્વારા ઠાકુર જ ખાય છે. તેથી ખાઓ!” પછી શાંતિથી રાજા મહારાજે ખાવાનું શરૂ કર્યું અને તેમાંથી લગભગ ૭૫ ટકા ખાઈ ગયા અને તેમને કંઈ પણ થયું નહિ!

જ્યારે મહારાજ દક્ષિણ ભારતમાં જ હતા ત્યારે શશી મહારાજ તેમને જુદાં જુદાં મંદિરો – ખાસ કરીને મદુરાઈ મંદિર જોવા લઈ ગયેલા. દક્ષિણ ભારતમાં લોકો ગર્ભમંદિરમાં કે જ્યાં દેવતાની પ્રતિષ્ઠા કરેલી હોય ત્યાં કોઈને જવા દેતા નથી. ફક્ત પૂજારીને બાદ કરતાં કોઈ અંદર જઈ શકે નહિ. હવે, શશી મહારાજ રાજા મહારાજને અંદર લઈ જવા માંગતા હતા. પરંતુ, તેઓ જાણતા હતા કે તે લોકો કોઈ સંન્યાસીઓને જોઈને તેની જ્ઞાતિ વિષે પૂછવાના તો ખરા જ અને મુશ્કેલી એ હતી કે રાજા મહારાજ કાયસ્થ હતા.

તેથી શશી મહારાજ પોતાની સાથે રાજા મહારાજને લઈ જતાં બોલવા લાગ્યા, “અલવાર! અલવાર!” વૈષ્ણવો અને શૈવોમાં “અલવાર” અને “નયનમાર” કરીને મહાન સંતો થઈ ગયા. વૈષ્ણવ સંપ્રદાયના લોકો “અલવારો” તેમ જ શૈવ સંપ્રદાયના લોકો “નયનમાર” તરીકે ઓળખાતા. તેથી શશી મહારાજ જ્યારે રાજા મહારાજને અંદર લઈ જતા હતા. (બંને સ્થૂળકાય હતા) ત્યારે “અલવાર અલવાર” બોલતા બોલતા જતા હતા. કોઈએ વિરોધ કર્યો નહિ. શશી મહારાજે રાજા મહારાજને બિલકુલ માની પ્રતિમા સામે લઈ જઈ ત્યાં બેસવા કહ્યું. ક્ષણવારમાં તો શ્રીમાની સામે જ રાજા મહારાજ સમાધિમાં ગરકાવ થઈ ગયા અને આ બધું જ જોતો પૂજારી કે જે અંદર ઊભેલો તે તો મહારાજની સામે જોઈને જાણે કે પોતે પથ્થરની મૂર્તિ હોય તેમ મૂગો જ ઊભો રહ્યો.

મને લાગે છે કે, બનારસમાં જ રાજા મહારાજે જોયું કે એક ઘરડો માણસ “રામનામ સંકીર્તન”માં બીજા લોકો આવે તે પહેલાં પોતાની જગ્યા લઈ લેતો અને જ્યારે એ પૂરું થાય ત્યારે જવામાં સૌથી છેલ્લો હોય. મહારાજ સમજી ગયા કે તે બીજું કોઈ નહિ પણ મહાવીર હનુમાન જ હતા. તે દિવસ પછીથી તેમણે “રામનામ” વખતે રામચંદ્રજીના આસન સિવાય બીજું આસન અતિથિ મહાવીર માટે તૈયાર કરાવ્યું.

તિરુપતિ મંદિરમાં રાજા મહારાજે અંદર જઈ દર્શન કરેલાં. રામુ તેમની સાથે હતો. તેથી મહારાજે તેને પૂછ્યું, “આ ક્યું મંદિર છે?” રામુએ જવાબ આપ્યો, “તે શ્રીરામાનુજ દ્વારા શરૂ થયેલું વિષ્ણુ-મંદિર છે.” રાજા મહારાજ બોલ્યા, “કોણ જાણે પણ મને તેમાં “મા”નું દર્શન થયું, વિષ્ણુનું નહિ. તો શી બાબત હશે? આવું કેમ બન્યું? પછી રામુએ પૂછપરછ કરતાં જાણવામાં આવ્યું કે તિરુપતિ મંદિર મૂળભૂત રીતે માનું જ મંદિર હતું! ત્યાં થતી પૂજા પણ તેમ જ દર્શાવે છે કે ત્યાં ખરેખર મૂળ દેવતા તરીકે “મા” જ હતાં. ખુદ પૂજારીએ પણ આ વાત સ્વીકારતાં તે સદ્‌ગૃહસ્થને (રામુને) કહેલું, “હા. આ માનું જ મંદિર હતું અને રામાનુજ દ્વારા તે વિષ્ણુ-મંદિરમાં ફેરવાઈ ગયેલું.

ઇતિહાસ આવો છે : ભારતમાં મંદિરો જાણે કે કિલ્લાઓ છે; અને જ્યારે કોઈ મંદિરનો હવાલો એ સંપ્રદાયના હાથમાંથી બીજા સંપ્રદાયના હાથમાં જાય ત્યારે તે પ્રમાણે તેના દેવતાઓમાં પણ ફેર થયા કરે. આવો છે આપણા સાંસ્કૃતિક વિકાસનો ઇતિહાસ. ફક્ત રાજા મહારાજ પોતાને થયેલ દર્શન દ્વારા સમજી શક્યા કે, તે માનું મંદિર હતું!

સ્વામી વિવેકાનંદજીની મહા સમાધિ પછી શ્રી મા ઘણાં વર્ષો સુધી બેલુડ મઠ આવેલાં નહિ. તેથી એક દિવસ રાજા મહારાજે શ્રીમાને મઠમાં પધારવા વિનંતી કરી. મને ચોક્કસ ખ્યાલ નથી પણ કેટલાક લોકોના કહેવા પ્રમાણે દુર્ગાપૂજા દરમિયાન મહારાજે શ્રીમાને દક્ષિણ દરવાજાથી આવકારીને પૂજાઘર સુધી લઈ જવા માટે મોટે પાયે આયોજન કરેલું. એ સમયે તે જ મુખ્ય પ્રવેશ દ્વાર હતું. તેમણે શ્રીમાને લાલ જાજમ પાથરી આવકારેલાં. ત્યાંથી શ્રીમા ઉપર રહેલા પૂજાઘરમાં ગયાં અને ત્યાર બાદ મહાપુરુષ મહારાજના ઓરડામાં ગયાં. તે ઓરડાની મોટી બારી પાસે એક નાનો વરંડો છે; પહેલાં તે હતો નહિ પણ, મહાપુરુષ મહારાજની સગવડ માટે તે પાછળથી બનાવવામાં આવેલો.

શ્રીમા તે બારણા જેવી મોટી બારી પાસે બેસી ત્યાંથી ફળિયામાં ચાલી રહેલાં કીર્તન જોઈ રહ્યાં હતાં. થોડા સમય બાદ ત્યાં નૃત્ય થવા લાગ્યું. મહારાજ પણ નૃત્ય કરી રહ્યા હતા. તેમણે સમાધિમાં આવી જઈને સમતુલા ગુમાવી. તેઓ નીચે પડી જ જવામાં હતા, પણ ત્યાં તો બાબુરામ મહારાજે તેમને તરત જ પકડી લીધા અને નીચલા માળે, સ્વામીજીના ઓરડાની પશ્ચિમ બાજુના ઓરડાની નીચે આવેલા ઓરડામાં લઈ ગયા. તેમને ત્યાં સુવરાવવામાં આવ્યા. લાંબા સમય સુધી તેમને ભાન ન આવતાં શ્રીમાને તે વિષે કહેવામાં આવ્યું.

પછી શ્રીમાએ આવીને તેમની છાતીને સ્પર્શ કર્યો. શ્રીમાનો સ્પર્શ થતાં વેંત જ તેઓ ભાનમાં આવ્યા. કેટલાક કહે છે કે શ્રીમાએ તેમને પ્રસાદ આપેલો તેથી તેઓ ધીરે ધીરે ભાનમાં આવેલા. ગમે તેમ પણ શ્રીમાએ કહેલું, “રાખાલ નૃત્ય કરતાં કરતાં સમાધિમાં આવી ગયેલો તેમાં કોઈ આશ્ચર્ય નથી. કેમ કે મેં શ્રી ઠાકુરને તેની પાછળ નૃત્ય કરતા જોયેલા.”

એક સંન્યાસી કે જે લાંબા સમય સુધી આર્જેન્ટીનામાં હતા, (જો કે અત્યારે તો તેઓ તિરોધાન પામ્યા છે) જ્યારે મહારાજ બનારસ ગયેલા ત્યારે ત્યાં હતા, એમનું નામ પશુપતિ હતું. એક દિવસ મહારાજે પૂછ્યું. “પશુપતિ, તેં તિલભંડેશ્વર મહાદેવનાં દર્શન કર્યાં છે?” તે સ્વામીજી પહેલાં તો તે મશ્કરી સમજી શક્યા નહિ. તિલભંડેશ્વર એ ખૂબ જ મોટું શિવલિંગ છે અને તે સ્વામીજી પણ બહુ જ સ્થૂળકાય હતા. તેથી મહારાજે તેમને “તિલભંડેશ્વર જોયું છે?” તેમ પૂછ્યું. બધા જ ખડખડાટ હસી પડ્યા. છેવટે પશુપતિ પણ સમજી ગયા અને હસવા માંડ્યા. મહારાજ બોલ્યા, “મોડી સમજ પડી!”

અનુવાદક : કુ. સીમા માંડવિયા

(વેદાંત કેસરી, ફેબ્રુઆરી ૧૯૮૪ થી સાભાર)

Total Views: 403

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.