(શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે, આ લેખનો પ્રથમ અંશ દીપોત્સવી અંકમાં પ્રગટ થયો હતો.)

(ગતાંકથી આગળ)

૪ સમન્વય : વેદકાળમાં એનો પ્રારંભિક વિકાસ

આપણા દેશમાં સંસ્કૃતિ કેમ ઉદ્‌ભવી અને ધીમે ધીમે કેમ તેણે આ મહાન દર્શન પ્રાપ્ત કર્યું તથા સમન્વયના આ મહાન મૂલ્યનો વિકાસ સાધ્યો તે આપણે જોઈએ. આપણે પ્રારંભિક ઐતિહાસિક કાળમાં જુદી જુદી જાતિઓની ટોળીઓને એકબીજી સાથે લડતી ઝઘડતી જોઈએ છીએ. કેટલીક વાર એક મોટી ટોળી બીજી મોટી ટોળી સાથે બાખડતી જોવા મળે છે. આ લડાઈઓ રાજકીય અને ધાર્મિક બેઉ હતી. પણ સમય જતાં ચિંતન વિકાસ પામ્યું, જે શાંત, તર્કસંગત, પક્ષાતીત સહચિંતન હતું અને જે સમૃદ્ધ સંસ્કૃતિનો વારસો આજે તમને મળ્યો છે તથા અર્વાચીન યુગમાં એને નવો ઘાટ આપવાની જે તક તમને સાંપડી છે તેનો પાયો એ સઘળાએ રોપ્યો હતો. એ ચિંતન એકાંગી ન હતું અને એના સંકુચિત અર્થમાં માત્ર ધર્મનો વિચાર કરી થોભતું ન હતું. એ તો માનવીય વિકાસ ઉપર ભાર મૂકતું માનવીય શક્તિના વિકાસના વિજ્ઞાનનું ચિંતન હતું. વૈદિક યુગને અંતે, વેદાંતના કાળમાં વિકસાયેલ તત્ત્વજ્ઞાન માટે બ્રિટિશ જીવશાસ્ત્રી અને માનવતાવાદી સર જુલિયન હકસ્લેએ વાપરેલા શબ્દો હું ઉપયોગમાં લઈશ. એમણે કહેલું, “આપણી પાસે વિજ્ઞાનની અનેક શાખાઓ છે પરંતુ, આપણને એક નવા વિજ્ઞાનની આવશ્યકતા છે,” ને એ વિજ્ઞાનને સર જુલિયને માનવશક્યતાઓનું વિજ્ઞાન કહેલું. અને ઉપનિષદોના પુરાણકાલીન ભારતીય ઋષિઓ માનવશક્યતાઓના એ વિજ્ઞાનના સર્જનાર હતા.

એ ઘણો ભવ્ય વિષય છે. અર્વાચીન મનુષ્યને એ વિશે માહિતી થોડી છે. કારણ, અર્વાચીન વિજ્ઞાન પ્રથમત: ભૌતિક પ્રકૃતિની એક સીમા તરીકે અછડતી રીતે માનવીનો વિચાર કરે છે. જુલિયન હકસ્લેએ પોતે પણ સ્વીકાર્યું છે કે, (પાશ્ચાત્ય વિજ્ઞાનનાં) અમે માનવી અને એના મનના મહાન વિજ્ઞાનની સપાટીને જરા સરખો છરકો માર્યો છે. ને અહીં જ ચિંતન અને દર્શનના જગતમાં તેમ જ એના અમલમાં, ભારતનું યોગદાન આજની માનવજાત માટે ખૂબ અગત્યનું બની જાય છે. કેમ કે આજે માનવજાત એ વૈશ્વિક ચેતના માટે, એ માનવની જાગૃતિ માટે મથી રહી છે. આજનો માનવી રાજકીય સંદર્ભમાં એકતાનું દર્શન લાવવા માટે સંસ્થાઓનાં ખોખાં ઊભાં કરી રહ્યો છે. પરંતુ, એની પાસે એ દર્શનની આધ્યાત્મિકતાની કે એની પાછળનાં તત્ત્વજ્ઞાનની પહોંચ નથી. આવી પ્રવૃત્તિઓને પ્રેરવા આજે આપણને તે પહોંચની જરૂર છે. ભારતની સમૃદ્ધ અને પુરાતન સંસ્કૃતિના હાર્દમાં એ દર્શન દેખાશે. આમ, વૈદિક યુગમાં માનવશક્યતાના આ મહાન વિષયને એ ઋષિઓએ ગ્રહણ કરી એને એકદમ સરળ તથા ગળે ઊતરી જાય તેવી ભાષામાં રજૂ કર્યો.

સામાજિક તેમ જ ધાર્મિક બંને સંદર્ભોમાં આપણે સમાજને સંકુચિત, વાડા-બંધીવાળો અને અસહિષ્ણુ બનાવી શકીએ; પણ એ સમાજ તો સંઘર્ષોથી ભરેલો, હિંસાથી ખદબદતો, આંતરિક આંચકીઓ અનુભવતો અને યુદ્ધથી રંગાયેલો થશે. માનવશક્યતાનાં ઊંડાણોમાં ઊતર્યા હશું તો આપણે બીજા સમાજનું પણ નિર્માણ કરી શકીશું. એનાં લક્ષણો હશે સંવાદિતા, સહિષ્ણુતા, શાંતિ અને માનવજાત માટે કાળજી, માનવજાતને રહેવા માટેની આ બે કક્ષાઓ છે. જો તમને દુનિયાના વિવિધ દેશોમાં યુદ્ધો ઉત્પન્ન કરતી હિંસા, અસહિષ્ણુતા અને વિનાશ ઉપજાવતી અને તે સાથે બીજી અનેક સારી વસ્તુઓ આપતી સંસ્કૃતિઓ જોવા મળે તો, ત્યાંના ચિંતકો અને ત્યાની પ્રજાઓ માનવશક્યતાઓનાં વિજ્ઞાનમાં ઊંડે સુધી ગયા નથી, એવા તારણ પર આપણે આવી શકીએ.

માનવઆત્મામાં ઊંડે સુધી અવગાહન અને દરેક માનવપ્રાણીમાં કેન્દ્રસ્થાને પ્રભુદર્શન – આ મંગલ દર્શન ભારતમાં આપણને સૈકાઓ પૂર્વે લાધ્યું હતું. એને મથીએ એટલે મનુષ્યમાં સંવાદિતા, પ્રેમ, માનવમાત્ર માટે ચિંતા સિવાય બીજું કશું જ પ્રગટે નહીં. વેદોના પ્રારંભિક ભાગોમાં જ આ વિચારકોએ સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક આમ, અનેકવિધ રીતે એકતાની અભિવ્યક્તિ વ્યક્ત કરેલી છે.

આ વૈશ્વિક ચેતનાની અને સહિષ્ણુતાના વલણના સ્વીકારની સૌથી પ્રથમ અને અદ્વિતીય અનુભૂતિ આપણને માનવજાતના સૌથી પ્રાચીન સાહિત્યમાં અને બીજે ક્યાંય નહીં પણ ભારતમાં જ ૠગ્વેદ (૧, ૧૬૪-૪૬)માં જોવા મળે છે.

इन्द्रं मित्रं वरुणं अग्निं आहुः
अथो दिव्यः सा सुपर्णो गरुत्मान् ।
एकं सद् विप्रा बहुधा वदन्ति
अग्निं यमं मातरिश्वानं आहुः ॥

ઈન્દ્ર, મિત્ર, વરુણ, અગ્નિ તેમ જ દિવ્યપક્ષી ગરુત્માન, યમ અને માતરિશ્વા વગેરે દેવોની વાત લોકો કરે છે; સત્ય એક જ છે; જ્ઞાનીઓ તેને જુદાં જુદાં નામે ઓળખાવે છે.

થોડા કાળ પછી અથર્વવેદમાં (૧૨, ૧, ૪/૫) આ દર્શન વૈવિધ્યસભર ભારત દેશના સામાજિક પ્રયોગના રૂપમાં જોવા મળે છે. અહીં જાતિઓનું, ભાષાઓનું, ધર્મોનું વૈવિધ્ય છે; એટલા પ્રાચીન કાળથી એ વિભાવના અને એ પ્રયોગે ભારતના આ ઉપખંડમાં આપણા સાંસ્કૃતિક પ્રયોગને પ્રેરવાનું શરૂ કર્યું છે.

जनं बिभर्ति बहुधा विवाचसम्
नानाधर्मानं पृथिवि यथौकसम् ।
सहस्रं धारा द्रविणस्य मे दुहम्
ध्रुवेव धेनुः अनपस्फुरन्ती ॥

આ પૃથ્વી એક ઘર છે; પોતાની વૃત્તિઓ અને રસ અનુસારના, ભિન્નભિન્ન ભાષાઓ બોલતાં, ભિન્નભિન્ન ધર્મ આચરતાં અનેક લોકોને તે પોતાનામાં સાર્થ આશ્રય આપે છે. સમૃદ્ધિ અને કલ્યાણની સહસ્ર ધારાઓ દ્વારા, સ્થિર ઊભેલી ગાયની માફક તે આપણને પ્રસન્ન કરે છે.

૫. સમન્વય : ઉપનિષદોના અદ્વૈત દર્શનમાં એનું સંપૂર્ણ પ્રાકટ્ય

પરંતુ આગળ ચાલતાં ભારતની પ્રાચીન વૈદિક પરંપરાના સામર્થ્યવાન અંતિમ ગ્રંથો, ઉપનિષદો સમીપ આવી પહોંચીએ છીએ ત્યારે, વૈશ્વિકતાનું આ દર્શન તર્કબદ્ધ અને પ્રાયોગિક તત્ત્વજ્ઞાન અને આધ્યાત્મિકતાથી સુદૃઢ બને છે. ભારતની ભાતીગળ માનવતાનાં વિવિધ પ્રતિકોરૂપો, પુરુષો, સ્ત્રીઓ, બાળકો, રાજાઓ, સમ્રાટો આપણને ઉપનિષદોમાં જોવા મળે છે. તે સૌ સત્યના ઉગ્ર પ્રેમથી સભર છે અને મનુષ્ય શક્યતાનાં ગહનતમ અને ઉત્તમોત્તમ તત્ત્વોની ખોજમાં લાગેલાં હતાં ને માનવીમાં તથા પ્રવૃત્તિમાં રહેલા અનંત અને અમર તત્ત્વને પિછાની તેઓએ તેને આત્મા કે બ્રહ્મ નામ આપ્યું હતું; અને અમર તત્ત્વને જાણી તેમણે જે સાહિત્ય, જે તત્ત્વજ્ઞાન અને જે સંસ્કૃતિનું સર્જન કર્યું તે પણ અમર બન્યું છે. પોતાના અદ્વૈત દર્શનવાળું, અનેકમાં એક નિહાળતું અને અનેકરૂપે એકને ઓળખતું એ વેદાંતનું મહાન તત્ત્વદર્શન છે.

આ તત્ત્વજ્ઞાનની ગહનતા અને એની શોધ કરનાર ઋષિઓની વૈજ્ઞાનિક દૃષ્ટિનો ઉલ્લેખ કરતાં પ્રો. મેક્સમૂલર (‘થ્રી લેક્ચર્સ ઓન વેદાન્ત ફિલોસોફી’, પૃ. ૩૯-૪૦) કહે છે. :

પ્રાચીન સંસ્કૃત દાર્શનિકોની ઘણીખરી ઉત્કૃષ્ટતા એ કારણે છે કે કોઈ જનમતને ખુશ કરવા કે ટીકાકારોને પ્રસન્ન રાખવાના ખ્યાલની ખલેલ એમને ન હતી. પોતે જે કાર્યનો નિર્ણય કર્યો હતો તે સિવાય બીજા કશાની ખેવના તેમને ન હતી. પોતાનું એ કાર્ય બને એટલું પરિપૂર્ણ કરવું એ જ એમની નેમ હતી. તો તેમણે કરેલું કાર્ય કરી શકાય એટલું સારું તેમણે કર્યું અને તે આટલાં વર્ષ ટકી રહ્યું તે બદલ આપણે શું આશ્ચર્ય પામવું?

પુન: ‘ધ સિક્સ સિસ્ટમ્સ ઓફ ઈંડિયન ફિલોસોફી’માં મેક્સ-મૂલર કહે છે (પૃ. ૧૮૨) : હજારો વર્ષ પહેલાં ભારતના અથાક અને નિર્ભીક પ્રાચીન દાર્શનિકોએ ધીમે ધીમે આવા વેદાંત જેવા દર્શનની માંડણી કરી છે, તે ખૂબ આશ્ચર્યજનક છે. જેમ ગોથિક દેવળના મિનારામાં ઝૂલતા છેલ્લા પગથિયા પર પગ મૂકતાં ચક્કર આવે તેમ જ આ દર્શનથી થાય છે. આંધી કે વીજળીનાં તોફાનોથી ડર્યા વિના ઊભા કરેલા આ મિનારા સમો મિનારો હેરાકિલટસ, પ્લેટો, કાન્ટ કે હેગલના અપવાદ વિના, આપણા કોઈ દાર્શનિકે ઊભો કરવાની હિમ્મત કરી નથી. એક પથ્થર ગોઠવ્યા પછી બીજો એમ નિયમિત ક્રમમાં, એક પછી બીજું પગથિયું આવે છે. એક વેળાએ નક્કી થઈ ગયું કે આરંભમાં એક જ હોઈ શકે, તેમ અંતે પણ એક જ હશે. ભલે આપણે તેને આત્મા કહીએ કે બ્રહ્મ.

ભારતને અને એની સંસ્કૃતિને આગળ ધરનાર આ તત્ત્વદર્શન છે, એણે સમસ્ત માનવજાત માટે માત્ર સનાતન ધર્મ – ચિરંતન તત્ત્વજ્ઞાન અને આધ્યાત્મિકતા સર્જેલ નથી. પરંતુ અમર ભારત પણ સર્જ્યું છે : એ સનાતન ભારત માનવજાતનું મિત્ર અને સેવક છે.

ભારત અને એની સંસ્કૃતિ પાછળનું બળ એ છે – અસંખ્ય પડકારો છતાં, અસંખ્ય આક્રમણો છતાં અને સદીઓની રાજકીય ગુલામી છતાં ભારતના સતત ચૈતન્યનો સ્રોત એ બળ છે. હજારો વર્ષો પછીય ભારત આજે પણ યુવાન છે. ભૂતકાળમાં ભારતે અનેક સમકાલીન સંસ્કૃતિઓ સાથે હાથ મિલાવ્યા છે ને આજે પશ્ચિમની ઉત્સ્કૃર્ત સંસ્કૃતિ સાથે હસ્તધૂનન કરી રહ્યું છે. માનવીના અંતરતમ ઊંડાણમાંથી, આત્મામાંથી, આત્માના દિવ્ય સ્વરૂપમાંથી એ બળ પ્રગટ્યું છે. એ જ આત્મા સર્વત્ર વ્યાપી રહ્યો છે. સમગ્ર અસ્તિત્વના ઐક્યનું અને વૈશ્વિક પ્રેમનું દર્શન તેમાંથી લાધ્યું છે.

ભારતીય સંસ્કૃતિમાં સતત કાર્યરત વિભાવના અને મૂલ્ય તરીકે સમન્વયની અદ્‌ભુત ઊર્જાને ઉપનિષદોએ આમ કામે લગાડી છે. આપણે સૌ તત્ત્વત: એક છીએ એ અદ્વૈત દર્શનમાં, આધ્યાત્મિક અનુભૂતિનું એવરેસ્ટ શિખર સર થયું. તેમાં સમન્વયનું મૂલ્ય પૂર્ણ અભિવ્યક્તિ પામ્યું. આ બાહ્ય તફાવતો સપાટી ઉપરના છે. પરંતુ, અંતરના ઊંડાણમાં એકતા છે. અદ્વૈત શબ્દનો અર્થ છે : બે નહીં, બધી ભિન્નતાનો નન્નો.

આ સિદ્ધાંત નથી, મત નથી, વાદ નથી, ધર્મજડતા નથી, ઉપનિષદોના મહાન ઋષિઓએ અનુભવેલું આ સત્ય છે. અનેકની પાછળ રહેલા એક તત્ત્વને તેમણે ઓળખ્યું. એ એકના પ્રકાશમાં એમણે અનેક પ્રત્યે જોયું. જુદા જુદા ઋષિમુનિઓએ જાણેલું ને ફરી વાર જાણેલું, સ્ત્રીઓ તેમજ પુરુષોએ પ્રમાણેલું અને ઉપનિષદોના મહાન અને અમર સાહિત્યમાં મૂર્ત થયેલું આ મહાન દર્શન છે. આજના આપણા વૈજ્ઞાનિક યુગમાં, મનુષ્ય વિશેના સત્યના અન્વેષણનું અધ્યયન કોઈ કરવા ચાહે તો, તેણે ઉપનિષદોને શરણે જવું જોઈએ. એટલે અર્વાચીન સમયના કેટલાયે મહાન વૈજ્ઞાનિકો ઉપનિષદો ભણી વળે છે ને પોતાનાં લખાણોમાં ઉપનિષદોમાંથી કંડિકાઓ ટાંકે છે. કારણ કે ભૌતિક વિજ્ઞાનશાસ્ત્રી પદાર્થના અંતરમાં પ્રવેશી ત્યાં રહેલા સત્યને અનાવૃત્ત કરે છે તે રીતે, ઉપનિષદોમાં એ અર્વાચીન વૈજ્ઞાનિકોને માનવ શક્યતાઓનાં અટલ ઊંડાણમાં અવગાહન કરતું મન જોવા મળે છે.

ભારતના આ મહાન ઋષિઓના કાર્યમાં, એ જ શાસ્ત્રીય તર્કબદ્ધતા અને ચોકસાઈ જોવા મળે છે. ઇન્દ્રિયતંત્રના દૃષ્ટિબિંદુથી જોઈએ તો માનવ ક્ષણભંગુર અને શાંત છે, બહિર પ્રકૃતિનાં દબાણોને વશ અન્ય પ્રાણીઓના જેવું એ પણ એક પ્રાણી છે, એમાંનાં કેટલાંક દબાણોને બાહ્ય પ્રકૃતિની વૈજ્ઞાનિક સમજણથી અને તે વડે તેની પરના કાબૂથી મનુષ્ય વશમાં રાખી શક્યો છે. જ્ઞાન ભયનો નાશ કરે છે. આ અર્વાચીન કથન છે ને વેદાંત તેનો સંપૂર્ણ સ્વીકાર કરે છે. પરંતુ ભૌતિક શાસ્ત્રો જે જ્ઞાન આપે છે તે થોડા જ ભયનો નાશ કરે છે, બધા ભયનો નહીં. વિજ્ઞાન પૂર્વ કાળના આદિમ માનવીને ડરાવતા કેટલાક ભયથી એણે આજના માનવીને બચાવ્યો છે. પણ એને નવા ભયમાં અને નવી ખેંચતાણમાં નાખ્યો છે. આ બધા ભય દૂર કરવા માટે પણ, જ્ઞાને સાંપ્રદાયિક મટી આધ્યાત્મિક બનવું જોઈએ, ઇન્દ્રિયકક્ષાથી અતીન્દ્રિય કે પરાભૌતિક કક્ષા પર જવું જોઈએ, ક્ષરના વિજ્ઞાની અક્ષરના અને અનંતના વિજ્ઞાનની કક્ષાએ જવું જોઈએ. આ જ્ઞાનના શાણપણ (વિજ્ઞાન)ની કક્ષાએ પહોંચવા બરાબર છે; અને ભારતનું વેદાંત વિજ્ઞાનનાં આ બંને પરિમાણોને પિછાણે છે. ઇંદ્રિયોનું તે અપરા અને ઈંદ્રિયાતીત તે પરા : ‘માંડુક્ય ઉપનિષદ’ આમ જણાવે છે. તો ભારતીય સંતો માનવ વિશે, માનવજંતુ વિશે સત્ય જાણવા માગતા હતા. અંગ્રેજી શબ્દ ‘ક્રીચર’ માટે સંસ્કૃત ભાષાનો આ જંતુ શબ્દ છે. આખું જગત જંતુઓથી ભરેલું છે. બધા જીવો જંતુઓ છે, મનુષ્ય પણ જંતુ છે, પ્રાણી છે; પરંતુ એ પ્રાણીમાં એક ઊંડું પરિમાણ છે. એની ખોજ કરવાની દરકાર મનુષ્ય કરે અને સમજે તો એ જંતુ મટી મુક્ત બની શકે. પ્રકૃતિએ આ માનવપ્રાણીને એક સર્વદેશીય અંગ, મગજતંત્ર, આપ્યું છે જે વડે બાહ્ય ભૌતિક પ્રકૃતિમાં ગોપિત રહેલી શક્તિઓની મનુષ્ય ખોજ કરી શકે, સમજી શકે અને તેમનો વિનિયોગ કરી શકે. અને એ રીતે પોતાની જાતને ઉપર ઊચકી શકે. એટલું જ નહીં પરંતુ, મનુષ્યના પોતાના આંતરિક જગતમાં ગોપિત રહેલી શક્તિઓને પણ બહાર કાઢી કરી શકે અને તેમ કરીને જંતુપણામાંથી પોતાની જાતને બહાર કાઢી તેને મુક્તિની અને પૂર્ણતાની કક્ષાએ ઉઠાવી શકે.

બ્રહ્મસૂત્રો પરના પોતાના ભાષ્યમાં શ્રી શંકરાચાર્ય કહે છે નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત સ્વભાવ પરમાત્મા તરીકેના પોતાની સત્ય, ભાસ્વર પ્રકૃતિની અનુભૂતિ ભણી મનુષ્યને આ બીજો પ્રયત્ન લઈ જાય છે. આ સત્ય જે પ્રાણીમનુષ્યમાં ગોપિત છે તેનો અધ્યાત્મ વિજ્ઞાનમાં કૌશલ્યથી સાક્ષાત્કાર કરી મનુષ્ય ‘પ્રાણીત્વમાંથી પૂર્ણત્વ’ તરફ ઊંચે ઊઠી શકે છે. ઉપનિષદોમાં તમને આ દર્શન પ્રાપ્ત થાય છે. અનેકની પાછળ એક, શાંત પાછળ અનંત, મર્ત્ય પાછળ અમરની મનુષ્ય સંબંધી અદ્‌ભુત નવી સમજણ આ દર્શન સાથે આવે છે. ને એ છે કે તેનામાં જંતુપણામાંથી પરમ દિવ્યતાની, અશક્તિમાનપણાથી મુક્તિની જન્મજાત શક્તિ છે. પ્રાણીત્વમાંથી દેવત્વની મનુષ્યની આ સકલ યાત્રાને ધર્મનાં અર્થકાર્ય, આધ્યાત્મિકતાની શાસ્ત્રરીતિ અને પ્રાકૃતિક તેમ જ માનવીય બધાં વિજ્ઞાનોની ઇતિશ્રી ભારત ગણે છે.

સંપ્રદાય, ધર્મ, જાતિ, લિંગ કે રાષ્ટ્રીયતાની પરિભાષામાં માનવી વિશે ભારતીય સંતોએ કદી વિચાર્યું નથી. તેમણે તો માનવીનું માનવી તરીકે જ અન્વેષણ કર્યું છે. માનવીની શી શક્યતાઓ છે? ને એ પૂર્ણતા કઈ રીતે પ્રાપ્ત કરી શકે? અને ધાર્મિક કે દાર્શનિક વિચારણાના ઇતિહાસમાં જવલ્લે જ જોવા મળતી સત્ય પ્રત્યેની ભક્તિથી, શાસ્ત્રીય દૃષ્ટિકોણથી તેઓ પોતાના વિષયને સ્પર્શ્યા. એ લોકો આમ કેમ કરી શક્યા? અહીં અગાઉ અવતરણ કરેલો પ્રો. મેક્સમૂલરનો સુંદર અભિપ્રાય ‘કોઈ જનમતને ખુશ કરવા કે ટીકાકારોને પ્રસન્ન કરવાની ખેવના તેમને ન હતી’ તે જ કારણ છે! તેથી જ તો તેઓ સત્યને પામી શક્યા છે. જનમતને તમારે ખુશ કરવાનાં હોય અને ટીકાકારોને તમારે પ્રસન્ન રાખવાના દબાણને વશ થવાનું હોય ત્યારે તમે સત્યને પાતળું કરો છો. અને ટિકિટબારીની ખુશી તમને જકડી રાખે છે. એ ઋત્વિજોનાં મનની દિશા એક જ હતી, સત્ય તરફની; ‘મુંડક ઉપનિષદ’ના એક પ્રખ્યાત વાક્યમાં સત્યમાં એમની શ્રદ્ધા વ્યક્ત થાય છે. આપણા ભારતીય લોકતંત્રે પોતાના મુદ્રાલેખ તરીકે એ મંત્ર સત્યમેવ જયતે સ્વીકારેલો છે. કોઈનોયે ડર રાખ્યા વિના અને રાજી કરે તેવા તરંગોથી અલિપ્ત, સત્ય પ્રત્યેની એમની શ્રદ્ધાની આ ઊંડી અભિવ્યક્તિએ આ અમર તત્ત્વજ્ઞાનને જન્મ આપ્યો હતો. પ્રકૃતિમાં અને મનુષ્યમાં અપિહિત સત્યને તેમણે શોધ્યું. પ્રકૃતિના ઉત્તમ સર્જન મનુષ્યમાં સંગોપિત સત્યની શોધ દ્વારા સર્વપ્રકૃતિમાં અપિહિત સત્યને તેમણે અનાવૃત કર્યું. ‘શ્વેતાશ્વર’ ઉપનિષદ પોકારે છે :

यदात्मतत्त्वेन तु ब्रह्मतत्त्वम्
दीपोपमेनेह युक्तः प्रपश्येत् ।
अजं ध्रुवं सर्वतत्त्वैः विशुद्धम्
ज्ञात्वा देवं मुच्यते सर्वपापैः ॥ (૨-૩૬)

આત્માના સત્ય દ્વારા પ્રકાશ સમા દેદીપ્યમાન બ્રહ્માના સત્યનો સાક્ષાત્કાર આ જ દેહમાં સંયમી સાધક કરે છે ત્યારે પ્રકાશમાન બ્રહ્મને અજન્મ, અનંત અને અવિકારી જાણી, તે સર્વ પાપથી મુક્ત થાય છે.

જુદાં જુદાં ઉપનિષદોમાં આપણે આ જ વાતને આકર્ષક રૂપોમાં રજૂ થતી જોઈએ છીએ. સત્યની નિર્ભીક ખોજ છે ત્યાં, અનુભૂતિની ગહનતમ કક્ષાએ માનવજીવનને ઊંચકી શકાય અને માનવજીવનને મૂળભૂત રીતે સમૃદ્ધ કરી શકાય. આપણે સૌ તત્ત્વત: એક જ છીએ. શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યા પ્રમાણે, मयी सर्व इदं प्रोतं सूत्रे मणिगणा इव – માળાના મણિઓને બાંધી રાખતા એકસૂત્ર જેવું એક દિવ્ય તત્ત્વ સૌને ગંઠી રાખે છે. એ અદ્વૈત દર્શન છે, આ આધ્યાત્મિક અને તાત્ત્વિક દર્શનના પાયા ઉપર વૈદિક ૠષિઓએ વિશાળ ખંડને આવરી લેતી વૈશ્વિક દૃષ્ટિકોણ અને સહાનુભૂતિવાળી સંસ્કૃતિનું મંડાણ કર્યું હતું. અને પછીથી આવેલા ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન બુદ્ધ સમા મહાન ગુરુઓએ અને સંતોએ એને સમૃદ્ધ અને સંપુષ્ટ કર્યું હતું. કેટલીક સદી પછી આવેલા શંકરાચાર્યના ગુરુના ગુરુ, ગૌડપાદાચાર્યે પોતાની ‘માંડુક્ય ઉપનિષદકારિકા’માં સુંદર શ્લોકમાં આ દર્શનને. અને એના મિષ્ટ ફલને વ્યક્ત કર્યું છે, એ ઉપનિષદ અને એના ઉપર વેધક પ્રકાશ નાખતું આ સત્ય અને તેના ભાગ અકારણત્વને જે રીતે નિરૂપે છે તે શ્રોડિંજર અને અનિશ્ચિતતા (ઈંડિટર્મિનસી)ના સિદ્ધાંતના શોધક હાઈઝનબર્ગ જેવા વૈજ્ઞાનિકોને પ્રેરણા આપે છે. તમને એ જાણવું પણ રસપ્રદ થશે કે, ઈસુ પછીની સાતમી સદીમાં ગૌડપાદે નર્મદા તટે તપ કર્યું હતું. ગૌડપાદ અને શ્રીરામકૃષ્ણના ગુરુ તોતાપુરીએ આપણા કાળમાં તેમ કર્યું હતું. ગૌડપાદ એ શ્લોક (૪.૨)માં કહે છે :

अस्पर्शयोगो वै नाम सर्वसत्त्वसुखो हितः ।
अविवादो अविरुद्धश्च देशीतत्सं नमाम्यहम् ॥

‘સમસ્ત અસ્તિત્વની એકતા અને અખંડતાને પોકારનાર, બધાં પ્રાણીઓના સુખ અને હિતમાં રત રહેનાર અને વિવાદથી અને વિરોધથી પર રહેનાર આ ગહન દર્શનને હું પ્રણમું છું.’

આ શ્લોકમાં તત્ત્વચિંતનના અને આધ્યાત્મિક દર્શન માટે ‘અસ્પર્શયોગ’ પદ પ્રયોજવામાં આવ્યું છે. ‘અસ્પર્શનો યોગ’ એટલે અદ્વૈત યોગ, બધું તત્ત્વત: એક જ છે ત્યારે અને સત્યનો સાક્ષાત્કાર થયો છે ત્યારે વિવાદને કે વિરોધને માટે અવકાશ નથી. પછી સંપ્રદાય, ધર્મ, જાતિ કે લિંગ વિના બધાં માટે પ્રેમ અને લાગણી જ રહે. सर्वसत्त्वसुखो हित: અને શ્લોકને અંતે આવે છે : देशीतत्सं नमाम्यहम् અર્થાત્ આ બધું મને શીખવનાર ગહન દર્શનને હું પ્રણામ કરું છું. પુરાણા વૈદિક કાળથી માંડીને સાતી આઠમી સદીમાં ગૌડપાદ અને શંકરાચાર્યના કાળ સુધીના મહાન વેદાંતે સમન્વય અને સહિષ્ણુતાના દર્શનની પ્રતિષ્ઠા કરી હતી. આ દર્શનમાંથી ઝરતી પાયાની એકતા, શાંતિ અને સંવાદિતાની સંકલ્પના કેટલી સુંદર હતી તે અગાઉ અવતરિત ‘ગીતા’નું શ્રીકૃષ્ણનું કથન દર્શાવે છે. કૃષ્ણ જગદ્‌ગુરુ હતા, વૈશ્વિક વ્યાપના ચિત્તમાંથી જ વિશ્વસંદેશ પ્રગટી શકે. પ્રાચીન અને મધ્ય કાલીનથી આજના યુગ સુધીમાં આપણી સંસ્કૃતિએ સૌથી મોટી સંખ્યામાં વૈશ્વિક ચિત્ત ઉત્પન્ન કર્યા છે. મધ્ય યુગમાં બાબર જ્યારે ચડાઈ કરી રહ્યો હતો અને ભારતની રાજકીય સ્થિતિ ડામાડોળ હતી ત્યારે પંજાબે ગુરુ નાનક જેવા નર પેદા કર્યા હતા; ગુરુ નાનક વૈશ્વિક ચિત્ત અને હૃદયના માણસ હતા અને એમના દિલમાંથી શાંતિ, પ્રેમ, સંવાદિતા અને બંધુતા વહેતાં હતાં. અને અર્વાચીન યુગે અંગ્રેજોની રાજકીય ધૂંસરીના અને સાંસ્કૃતિક જોરતલબીના કાળમાં શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી જેવી વૈશ્વિક વિભૂતિઓ ભારતે ઉત્પન્ન કરી.

આપણી સંસ્કૃતિના આ કેન્દ્રવર્તી ખ્યાલને આજના યુવાનો ભૂલી જવા અને તેનો સંપર્ક ખોવા લાગ્યા હતા તે સમયે તેમને કાલેલકર જેવા લોકો તે સમજાવવા માગતા હતા. અને આ આશ્ચર્યકારક દર્શનનો બોધ આપણે સૌ લઈએ એ સારું છે. જેથી આ મહાન ઉપખંડ ભારત વિશાળ નૃવંશશાસ્ત્રીય પ્રયોગશાળામાં ફેરવાઈ જાય, જ્યાં મનુષ્યજાતિનો છઠ્ઠો ભાગ વિકાસ સાધી પરિપૂર્ણતાએ પહોંચી શકે. બાકીની દુનિયાને અસર કરવાની તાકાત તેમાંથી જ પ્રગટશે. બાકીનું જગત ભારતમાં એ મહાન સંદેશની રાહ જુએ છે. પાછલાં સો વર્ષોમાં માનવજાતિના સભાનતાના વિકાસ ભણી આખી દુનિયામાં મોટો સામૂહિક પ્રયાસ થયો છે. અને બીજા વિશ્વયુદ્ધોત્તર કાળ પછીથી માનવજાતના પ્રશ્નોના ઉકેલ માટે આપણને વધારે ને વધારે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય પ્રયત્નો થતા જોવા મળે છે, જેની તુલનામાં માત્ર રાષ્ટ્રીય તથા માત્ર સાંપ્રદાયિક ઓછા છે. આ આંતરરાષ્ટ્રીય દૃષ્ટિબિંદુને આ માનવજાતિ – સભાનતાને દૃઢ કરવાની જરૂર છે; અને ભારતે આ સભાનતાને યુગોથી સેવી છે. તથા મોટા ચિંતકો, લેખકો અને સંતો નિપજાવ્યા છે. તેમજ એક વિશિષ્ટ સંસ્કૃતિ તથા તે પર આધારિત રાજ્યવ્યવસ્થા ઊભાં કરવા માટેની સામાજિક પરિપાટી પર આ દર્શનનો પ્રકાશ રેલાવ્યો છે. માનવજાતના ઇતિહાસનું એ અદ્‌ભુત પ્રકરણ આ દેશમાં લખાયું છે.

(ક્રમશ:)

ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા

Total Views: 151

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.