શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા અને સ્વામી વિવેકાનંદજી પાસેથી સંન્યાસદીક્ષા મેળવી હતી.

ભાઈઓ! આપણે માતાના ગર્ભમાંથી જન્મતી વખતે કપડાં વિનાના અને એકલા આવ્યા હતા. આ ધરાધામમાંથી જ્યારે વિદાય લઈશું ત્યારે પણ આપણે એકલા જ ચાલ્યા જવું પડશે. કોઈ પણ સાથે આવવાનું નથી એટલે સુધી કે જેઓ આપણાં પ્રિયજનો છે, જેઓ એક ઘડી પણ આપણા વિના રહી શકે નહિ, અને આપણે જેમનો જરાક વિયોગ સહન કરી શકીએ નહિ, તેઓ સુદ્ધાં નહિ. પ્રાણથીયે પ્રિય, આપણા પ્રેમની વસ્તુ, ધન સંપત્તિ કાંઈ આપણે સાથે લઈ શકવાના નથી. તરતનું જન્મેલ બાળક, જે રડી ઊઠે છે એ જ તેના જીવનનું પરિચાયક એના રુદનનો શબ્દ બીજાઓને આનંદદાયક લાગે! તમારા દેહત્યાગ કરવાને સમયે બીજા તમારા માટે રડે એ ભલે, પરંતુ તમે સંપૂર્ણ સ્થિર શાંત સ્વભાવે આ પૃથ્વી પરથી વિદાય લો. એ વખતે તમારા ચહેરા પર છવાવાં જોઈએ – એ અપાર્થિવ આનંદ અને શાંતિ કે જે તમારા ઊંડામાં ઊંડા આત્માની સત્તામાં સદા બિરાજમાન છે, – ત્યારે જ તમારું યથાર્થ ભાવે જીવન ગાળવું સાર્થક થયું ગણાય. એ વખતે પછી જીવન ઉપર કશો મોહ યા મરણ પ્રત્યેની કશી બીક તમને રહેશે નહિ. જીવન અને મૃત્યુ બંનેને તમે જીતીને એ બંનેથી પાર એવા એક દ્વંદ્વાતીત રાજ્યમાં ચાલ્યા જવાના કે જ્યાં બંધન કે મુક્તિ નહિ, સારું કે નરસું નહિ, દુ:ખ કે સુખ નહિ, પ્રકાશ કે અંધકાર નહિ, જે આ સર્વેથી દૂર, દૂર અતિ દૂર! એ અવસ્થામાં કેવળ પોતે પોતાને જાણવું – તમે પોતે સ્વરૂપરૂપે શું એ જાણવું – સ્વાત્મોપલબ્ધિ માત્ર! એ અવસ્થા અક્ષય અનંત શાંતિની અવસ્થા, ભૂમાઅસ્તિત્વ, જ્ઞાન અને આનંદની અવસ્થા. જીવનના એ પરમ લક્ષ્યે પહોંચવાની આકાંક્ષા જો રાખતા હો તો સમસ્ત માયાને છોડીને ફેંકી દો, અસત્ વસ્તુ ઉપરની સમસ્ત આસક્તિ દૂર હઠાવી દો. સિદ્ધ, સત્યદર્શી આચાર્યના ઉપદેશને અનુસર્યે જઈને ઈશ્વરીય ભાવમાં તદ્‌ગત થઈ જાઓ. તમારા ઈષ્ટના મૂર્તિમાન પ્રતિનિધિ એવા સદ્‌ગુરુની સહાય મળ્યે લક્ષ્ય પહોંચવું સહજ થશે. ભગવાન જ એકમાત્ર સત્ય, અન્ય જે કાંઈ, એ બધું મિથ્યા, ‘તત્ત્વે ત્વં અસિ’ તું જ તે છો. એ જ સાર સત્ય, સમસ્ત ધર્મશાસ્ત્રોનો ઉપદેશ. પ્રકૃતિના નિયમ પ્રમાણે આ અંતિમ સત્ય, પ્રત્યેક નરનારીએ પહોંચાડવાનું જ છે, આ જન્મમાં હો યા અસંખ્ય જન્મમૃત્યુના ચક્કરમાં ફર્યા પછી હો.

મારાં જ પ્રિયતમ આત્મસ્વરૂપો! તમે સહુ ઈશ્વરકૃપાથી સત્યપ્રાપ્તિ અત્યારે કરવાને સમર્થ થાઓ અને આ ક્ષણથી જ જાણે કે અનંત અનંત કાળને માટે મુક્ત થઈ જાઓ – એ જ મારી હૃદયની પ્રાર્થના. શ્રીભગવાન તમારું કલ્યાણ કરો.

ૐ શાંતિ:! શાંતિ:! શાંતિ:!

ૐ તમે સહુ શાંતિમાં સંમિલિત થાઓ, મારા સ્વરૂપમાં શાંતિ ઓતપ્રોત થાઓ. અંતરમાં અને બહાર સર્વત્ર, સર્વ પ્રાણીઓમાં શાંતિ ફેલાઓ. પૃથ્વી શાંતિમય થાઓ, અસીમ અંતરિક્ષમાં, સમસ્ત લોકમાં શાંતિ વ્યાપ્ત થાઓ. ૐ ૐ ૐ

(‘પરમપદને પંથે’ પૃ. ૧૩૮-૧૩૯)

Total Views: 144

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.