(ગતાંકથી આગળ)

(શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.)

૬ સામાજિક રાજ્યનીતિને અસર કરનાર આધ્યાત્મિક દર્શન

આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનનું કોઈ દર્શન થોડા સાધુસંતો પેદા કરતું દર્શન જ રહી શકે; પરંતુ ભારતે તેમ નથી કર્યું. ભારતના આ ઉપખંડમાં રહેતી છઠ્ઠા ભાગની માનવજાતિને આવરી લેતા પ્રયોગમાં, આ સમન્વય દર્શનને સમાવિષ્ટ કરવાનો પ્રયત્ન તેણે કર્યો. આસ્તે આસ્તે એ દર્શન લોકોમાં પ્રસર્યું અને એણે આંતર-માનવ સંબંધો પર અસર કરી. સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રોમાં ભારતને અદ્ભુત ફતેહ મળી પરંતુ સામાજિક ક્ષેત્રે એમ ન બની શક્યું. આજના ભારત સમક્ષ આ નિષ્ફળતા એક મોટો પડકાર છે.

આપણા બધા અર્વાચીન આચાર્યોએ અને નેતાઓએ આ સામાજિક પડકાર ઝીલ્યો છે. અને સ્વતંત્ર ભારતના બંધારણમાં સમાનતાલક્ષી સમાજવ્યવસ્થાના દર્શનને અને પ્રયત્નને આપણા રાષ્ટ્રે સમાવિષ્ટ કરી લીધાં છે. અર્વાચીન ભારતના આર્થિક, સામાજિક કાર્યક્રમો અને નીતિઓ પાછળનું બળ સમન્વયનું આ વૈશ્વિક આધ્યાત્મિક દર્શન છે. સમત્વની સમાજવ્યવસ્થા સ્થાપવાનું આ છેલ્લું પગથિયું ચડ્યા એટલે, આપણા દેશમાં સમન્વયનું આ પુરાણું પણ સતત દર્શન સંપૂર્ણપણે સાકાર થશે. આપણા સુદીર્ઘ ઈતિહાસના ઊગતા અર્વાચીન સમયનું મહત્ત્વનું લક્ષણ સ્વામી વિવેકાનંદ આને ગણતા હતા. આપણા અમર ભારતના આત્માને નિત્યપોષક થતી, બધાં સ્ત્રીપુરુષોનાં સ્વાતંત્ર્ય, ગૌરવ અને સમત્વ પરિપૂર્ણ રીતે સિદ્ધ થાય તેવી સ્વસ્થ રાજનીતિ આપણે ઘડવી જોઈએ. દેશના બધા શિક્ષિત નાગરિકો સમક્ષ આ પડકાર છે, અને આ પડકાર ઝીલવાનાં બળ અને પ્રેરણા વિવેકાનંદ સાહિત્યના બલપ્રદ, શુચિતાદાયી અને એકતાપ્રેરક સંદેશના અધ્યયનથી પ્રાપ્ત કરી શકાશે. સ્વામીજીનો એ સંદેશ અંગ્રેજીમાં પ્રકાશિત ‘ધ કમ્પ્લીટ વર્કસ ઑફ સ્વામી વિવેકાનંદ’ના આઠ ભાગમાં અને આપણા રાષ્ટ્રની ઘણીખરી ભાષાઓમાં થયેલા એમના અનુવાદમાં મળી શકશે.

પ્રાચીન ભારતમાં આ પરિવર્તન કેવી રીતે થયું, ધર્મ અને રાજકારણની કાર્યપ્રવૃત્તિમાં સમન્વયનું આ વૈશ્વિક દર્શન શી રીતે રોપાવા માંડ્યું, તેનું અધ્યયન ખૂબ રસિક છે. ઉપનિષદો પછી પ્રાગ ઐતિહાસિક કાળમાં શ્રીકૃષ્ણ પાસેથી અને ઐતિહાસિક કાળમાં બુદ્ધ પાસેથી બળના નવા પ્રવાહો સાંપડ્યા. એમાંના પ્રથમ ગુરુ શ્રીકૃષ્ણ, દશાંગૂલ ઊંચેરા વ્યક્તિત્વવાળા અને આપણા ઈતિહાસ તથા સંસ્કૃતિના મહાન ઘડવૈયા હતા. વાસ્તવમાં સમગ્ર ભારતીય સંસ્કૃતિ, એના સઘળા ધર્મો, તત્ત્વદર્શનો, સાહિત્ય, કલા અને જીવનનાં બધાં પાસાં સઘળું જ એ એક વ્યક્તિનું ખૂબ ૠણી છે. ‘શ્રીકૃષ્ણ’ના તત્ત્વને ભારતની પરંપરામાંથી બાદ કરો તો શેષ અતિ અલ્પ રહેશે. શ્રીકૃષ્ણે આપણા દાર્શનિકોને, આપણા કવિઓને, આપણા કલાકારોને, આપણા રાજકીય વિચારકોને, આપણી સ્ત્રીઓને, આપણાં બાળકોને પ્રેરણા આપી છે. આ શ્રીકૃષ્ણ સાચી વૈશ્વિક પ્રતિભા છે. આરંભથી જ જ્યાં અનેકતા સ્વીકારવામાં અને આવકારવામાં આવતી હતી તે ધર્મની દુનિયામાં તેમણે સમન્વયનું વૈશ્વિક દર્શન પ્રબોધ્યું; અનેકતાના વિકેન્દ્રગામી અને એકતાનાં કેન્દ્રગામી પરિબળોનો ધર્મ અંગે જ્યાં સુભગ સમન્વય થયો છે તે ‘ગીતા’માં આ બોધ તેમણે આપ્યો છે:

ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम्।
मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः॥

‘જે કોઈ પણ પંથથી મનુષ્યો મારી પાસે આવે, તેમને તે પંથેથી હું સ્વીકારું છું. હે અર્જુન! મનુષ્યો ગમે તે પંથે જાય, તેઓ અંતે તો મારી પાસે જ આવે છે.’ (‘ગીતા’ ૪.૧૧) માર્ગો અનેક છે પરંતુ, ધ્યેય એક જ છે. આપણા સમયમાં શ્રીરામકૃષ્ણે આ સત્ય પર આ રીતે ફરી ભાર મૂક્યો: ‘યતો મત તતો પથ’ (જેટલા ધર્મો તેટલા પંથો). સહાનુભૂતિ અને સમજની કેવી ગહન રાષ્ટ્ર અનુભૂતિ આ સંદેશમાંથી પ્રગટ થઈ! જગતમાં બીજે ક્યાંય આવું બન્યું નથી. કૃપા કરી યાદ રાખજો કે, આ ભારતની અદ્વિતીય ઐતિહાસિક અનુભૂતિ છે. માનવ સંસ્કૃતિને ભારતની એ અદ્વિતીય દેણગી છે. આધ્યાત્મિક સાક્ષાત્કાર માટે લોકો જે બધા પંથો લે છે તેમની પ્રત્યે આપણે સહિષ્ણુ છીએ, એટલું જ નહીં પરંતુ, આપણે તેમનો સ્વીકાર પણ કરીએ છીએ. સત્ય એક છે; સંતો એને જુદા જુદા નામે ઓળખે છે. ‘ઋગ્વેદ’ના એ મહાન મંત્રનો મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમાં સમન્વયની આ ભાવના પ્રથમ વાર વ્યક્ત થાય છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે, આ મંત્ર ધર્મનો ‘મહાન ખરીતો’ (મેગ્ના-કાર્ટા) છે. ધ્યેયને પ્રાપ્ત કરવા માટે દરેક વ્યક્તિ પોતાનો માર્ગ પસંદ કરી શકે છે, બીજાને સજા આપનાર, સહન કરનાર તમે તે કોણ છો? અનેકતા સપાટી પરની છે. પરંતુ ભીતરમાં એકતા છે.

૭. રાજકીય હુમલાઓ વિરુદ્ધના અને ધાર્મિક સંવાદિતાને લગતા અશોકના શિલાલેખો

સૈકાઓ સુધી ભારતના ધર્મોનું નોંધપાત્ર લક્ષણ બની રહેનાર અને જે લક્ષણ આ અદ્ભુત આધ્યાત્મિક દર્શનમાંથી આવતું હતું, તે સંવાદિતા સમન્વયની સમજ કેટલીક સદીઓ પછી બુદ્ધ દ્વારા આધ્યાત્મિક અને તાત્ત્વિક દૃષ્ટિએ વધારે સુદૃઢ બની. બુદ્ધ ઈસુ પૂર્વેની સદીમાં આવ્યા હતા. એમની પછી ત્રણ સદી બાદ આવેલા મૌર્ય સમ્રાટ અશોક દ્વારા તેનો અમલ સામાજિક અનુભૂતિમાં અને રાજનીતિમાં કરવામાં આવ્યો હતો. જગતના ઈતિહાસના સૌથી પ્રથમ પુસ્તક ‘આઉટ-લાઈન ઑફ વર્લ્ડ હિસ્ટરી’માં એના કર્તા, વિખ્યાત બ્રિટિશ લેખક એચ. જી. વેલ્સ અશોકનો ઉલ્લેખ માનવ ઈતિહાસમાં સૌથી મહાન મુકુટધારી રાજા તરીકે કરે છે. સોવિયેત મધ્ય એશિયામાં આવેલા તાસ્કંદથી દક્ષિણ ભારતમાંના મહિસૂર સુધી એનું વિશાળ સામ્રાજ્ય ફેલાયેલું હતું. આવા વિસ્તૃત સામ્રાજ્યમાં રાજકારણ, સમાજ અને ધર્મનાં ક્ષેત્રોમાં ભારતીય સંસ્કૃતિના સમન્વયનાં આ અદ્ભુત દર્શનનો પ્રયોગ અશોકે કર્યો હતો. એણે વેદોના સમન્વયના અને ભગવાન બુદ્ધે પોકારેલા કરુણાના સંદેશનું મિશ્રણ કર્યું અને સંવાદનો એકીકૃત સંદેશ પથ્થરો પરના અને સ્તંભો પરના પોતાના શિલાલેખોમાં ઘોષિત કર્યો; આજે ૨૩૦૦ વર્ષ પછી પણ એના સામ્રાજ્યના વિવિધ ભાગમાં આ સંદેશાઓ આપણને જોવા મળે છે. બીજી બાબતો સાથે એક તરફથી રાજકીય અનાક્રમકતા અને બીજી બાજુથી ધાર્મિક સંવાદિતાનો ઉદ્ઘોષ એ સંદેશ કરે છે. પ્રથમત: એ જણાવે છે કે બધા યુદ્ધો અને રાજનીતિના સાધન તરીકે હિંસાનો ત્યાગ કરવામાં આવ્યો છે; અને બીજું, બધા ધર્મો અને સંપ્રદાયો વચ્ચે સંવાદિતા અને પરસ્પર માન પર એ ભાર મૂકે છે.

કલિંગ – ઓરિસ્સામાં ભુવનેશ્વર પાસે લોહિયાળ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યા પછી અને એ યુદ્ધે વેરેલા ભયંકર વિનાશને તથા યાતનાને નિહાળ્યા પછી, યુદ્ધભૂમિ ઉપર નજર નાખી શકાય એવા નજીકના એક ટેકરા પર એ બેઠો અને ત્યાં તેને આ અદ્ભુત દર્શન થયું: “મારી અંગત કીર્તિ માટે મેં આટલા બધા માણસોને મારી નાખ્યા! આટલા બધાને વિધવા અને અનાથ બનાવ્યાં અને ચોમેર આટલી યાતના ફેલાવી! આ ઘડીથી રાજ્યનીતિ તરીકે હું યુદ્ધનો ત્યાગ કરું છું. બુદ્ધે દર્શાવેલો શાંતિ અને કરુણાનો પંથ હું ગ્રહીશ અને મારા સમગ્ર સામ્રાજ્યમાં તેનો પ્રચાર કરીશ.”

માનવ ઈતિહાસમાં આ અનન્ય ઘટના છે. આજે, જેઓ આંતરરાષ્ટ્રીય શાંતિને ચાહે છે તેઓ, સમન્વયના મહાસંદેશવાહક અશોક પ્રતિ જુએ છે. કારણ કે એણે આ આધ્યાત્મિક દર્શનનો સમાજ અને રાજનીતિમાં અમલ કર્યો હતો. આ વિષયને લગતા પોતાના તેરમા શિલાલેખમાં એણે વાપરેલી ભાષા અતિ સુંદર છે, એનું તાત્પર્ય કંઈક આવું છે; યુદ્ધનાં નગારાં બંધ કરી હું શાંતિની દાંડી પીટીશ અને, દૂરનાં અને નજીકનાં અનેક રાજ્યોને મેં આ સંદેશો કહેવરાવ્યો છે. એટલે તો ભુવનેશ્વરથી પાંચ માઈલ દૂર આવેલી જે ટેકરી પર એ બેઠો હતો તે એક યાત્રાધામ બની ગઈ છે. ખાસ કરીને, પ્રવર્તમાન આંતરરાષ્ટ્રીય તનાવોના અને આંતરરાષ્ટ્રીય શાંતિ માટેની માનવજાતની ઝંખનાના સંદર્ભમાં આમ બન્યું છે. અને એ ટેકરી ઉપર બીજા વિશ્વયુદ્ધોત્તર જાપાની બૌદ્બૌએ એક શાંતિદેવળ બાંધ્યું છે.

બીજો શિલાલેખ ધર્મને લગતો છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ પાસે પોતાના બારમા શિલાલેખમાં એણે જે લખ્યું છે તે તમે આજે પણ રસ્તે ચાલતાં વાંચી શકશો. એનો સાર કંઈક આવો છે, “જો કોઈ માણસ પોતાના ધર્મને ચાહે અને બીજાના ધર્મને ઉતારી પાડે તો એ પોતાના ધર્મને નુકસાન કરે છે. કાયમ ધર્મમાં સુમેળ જ સાચો રાહ છે.” ટૂંકું પણ અર્થગર્ભ, મૂળ સંસ્કૃત લખાણ આશ્ચર્યજનક છે. ‘સમવાય એવ સાધુ:’ અર્થાત, ધર્મની બાબતમાં સુમેળ જ સાચો અને યોગ્ય છે. ‘સમવાય’ શબ્દ વપરાયો છે તે, ‘સમન્વય’નો પર્યાય છે. બંને સંસ્કૃતના સુંદર શબ્દો છે. અશોકનો અદ્ભુત સંદેશ ‘સમવાય’નો સુમેળનો છે. આ સંદેશને અપનાવીને નાનાં કે મોટાં ભારતનાં રાજ્યો, હજારો વર્ષોથી આ ‘સમવાય’ને અને ‘સમન્વય’ને વળગી રહેનારાં રહ્યાં છે. ભારતમાં કેટલા બધા ધર્મો થયા છે. અને, કેવું શાંતિપૂર્ણ તેમનું સહઅસ્તિત્વ રહ્યું છે. એક રાજ્ય એક ધર્મને અનુસરતું હશે. અને, બીજા કેટલાય ધર્મોને ટેકો ને આદર આપશે. એમની વચ્ચે સંઘર્ષ થશે નહીં. અહીં કદી ધર્મયુદ્ધો કે ધાર્મિક જુલમો થયા ન હતા. બીજા વર્ગો સામે તો ઠીક, નાસ્તિક અને અ-જ્ઞવાદી અગ્નોસ્ટિક્સ ઉપર પણ જુલમ આચરાયો ન હતો. ભારતમાં સમન્વયના આદર્શો એ ભાગ ભજવ્યો છે ને તે એટલો વ્યાપ્ત હતો. આપણી સંસ્કૃતિના આ સમૃદ્ધ વારસાથી, આ જ્ઞાનથી આપણી પ્રજાએ પરિચિત થવું જોઈએ. થોડી અગવડ ભોગવી, ગમે તેમ કરી, તમે બીજાના ધર્મને સહી શકો, પરંતુ અધર્મીઓને, નિરીશ્વરવાદીઓને, નાસ્તિકોને, અ-જ્ઞવાદીઓને નિભાવી લેવા ઘણું અઘરું છે. પરંતુ ભારતના તત્ત્વદર્શને, એ સિદ્ધ કર્યું છે. આપણા ઈતિહાસનો એ યુગ આશ્ચર્યપ્રેરક હોવો જોઈએ.

એક હિંદુ મંદિરને દ્વારે બેસીને કોઈ ભૌતિકવાદી કે નાસ્તિક મંદિરમાં ચાલતા પૂજાવિધિને ભાંડે છતાં એનો કોઈ વાળ પણ વાંકો ન કરે એ યુગને, ભારતીય ઈતિહાસના મહત્તમ ગૌરવવંતા યુગ તરીકે ઓળખાવતી વખતે સ્વામી વિવેકાનંદ સંતોષ અનુભવે છે! મંદિરને દરવાજે બેસનારને પોતાનો મત વ્યક્ત કરવાની છૂટ હતી અને અંદર જઈ પૂજા કરનારને પૂજા કરવાની છૂટ હતી. ભારતના ઈતિહાસનો એ ઉત્તમ કાળ હતો. એનો અર્થ શો? એનો અર્થ એ કે સત્યને સમજવા મથનાર એ લોકો હતા; પરંતુ એ લોકો ચોક્કસ નિર્ણય પર આવી શક્યા ન હતા; અને પોતાના વિચારોનો પ્રચાર કરવાની તેમને છૂટ હતી.

મનની વિશાળતાના આ વલણને વૈદિક ૠષિઓએ અને શ્રીકૃષ્ણે તથા બુદ્ધે અપનાવ્યું હતું. બુદ્ધ તર્કસંગત વલણના મહાન ગુરુ હતા; એમના સૌના દૃષ્ટિબિંદુએથી અજ્ઞાનવાદ અને અનીશ્વરવાદ ક્ષુલ્લક શબ્દો છે. કોઈ પણ વ્યક્તિ કદી સાચા અર્થમાં અનીશ્વરવાદી કે અ-જ્ઞવાદી બની શકે નહીં. અ-જ્ઞવાદી કહેશે, “તમારી માન્યતાને હું સ્વીકારતો નથી; હું કશાનો પણ સ્વીકાર કરવાના નિર્ણય પર આવી શક્યો નથી.” એમાંના ઘણા વેદાંતની પ્રામાણિક ખોજ કરનારા જણાય છે.

(ક્રમશ:)

– ભાષાંતર: શ્રી દુષ્યંત પંડ્યા

Total Views: 257

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.