સુકાયેલી ધરતીને મહોરાવવા જેમ વર્ષા આવે છે, શિયાળાની ઠૂંઠવાઈ ગયેલી કુદરતને કિલ્લોલ કરાવવા જેમ વસંત આવે છે, એમ સુકાયેલી માનવતાની હૃદયકુંજોને પ્રફુલ્લાવવા અને હિણાયેલી માનવતાને ફરી સ્થાપવા પયગંબરો આવે છે.

જમાનાની આહથી એ જન્મે છે. જમાનાની આગથી એ શેકાય છે. જમાનાની કીર્તિ લઈને એ જાય છે.

સંસારી માનવીઓનાં મન એને પોતાનાં નાનાશાં મંદિરોમાં કેદ કરવા મથે છે, પણ એ તો વિશ્વવિભૂતિ હોય છે. ભૌગૌલિક સીમાડાઓ, ઐતિહાસિક સીમાઓ કે વર્ણ, જ્ઞાતિ, પ્રાંત કે દેશના વાડાઓ એમને બાંધી શકતા નથી.

ગગનવિહારી સૂર્યની પેઠે એ પોતાનાં અમૂલખ અજવાળાં ઉચ્ચ કે નીચ, રંક કે રાય, માનવ કે પશુ સહુના પર પ્રસારે છે.

યુગની એ નીપજ છે. યુગને સંસ્કારવા એમનું સરજન હોય છે. યુગની સૂતેલી માનવતાને જગાડવી એ એમનું કાર્ય હોય છે.

આવી યુગવાણી લઈને આખા જગતને સમત્વ, અહિંસા, પ્રેમ, સંસ્કાર ને જીવનસૌરભથી છલકાવી દેવા એક મહાપુરુષનો જન્મ થયો.

તેજોદ્વેષથી ખદબદતા સંસારમાં પવિત્ર ભાગીરથી ઊતરી આવી.

તેજોદ્વેષ એ તો સંસારની બૂરી બલા છે.

માનવને શું, એ દેવનેય વળગેલી હોય છે!

સ્વર્ગના અધિરાજ ઈંદ્રે એકવાર કહ્યું: “આમ તો દેવ મોટા લાગે છે, પણ ભાઈ! માનવતા ઘણી મોટી ચીજ છે!”

સંગમરાજ નામના એક દેવ એકદમ ઊભા થઈ ગયા. એમણે કહ્યું: ‘અરે, માનવ બિચારો કોણ? વખાણ તો દેવનાં થવાં ઘટે!’

સ્વર્ગના અધિરાજની નજર તો ધરતી પર હતી. એમણે કહ્યું:

‘ક્ષમામાં ધરતી જેવો.

સહનશીલતામાં પહાડ સમો.

ધૈર્યમાં સાગર જેવો, શોકમાં કે હર્ષમાં ખડક જેવો માનવી!

સુખ હોય તો જીવન માગવું, દુ:ખ હોય તો મૃત્યુ ચાહવું, એવી કમજોરી એનામાં નથી.

આત્મિક રાજ્યોનો છે રાજવી! દેહ, મન અને ઈંદ્રિય તો એના દરબારનાં આજ્ઞાધારી નમ્ર દાસ-દાસી! દેવોને પણ નમવા જેવો તપસ્વી ને જ્ઞાની નર!’

ઈંદ્રરાજ પૂરું બોલી રહે, એ પહેલાં સંગમદેવ જોશથી ખડો થઈ ગયો. એને દેવપણાનો ભારે ગર્વ હતો. એ બોલ્યો,

‘દેવભૂમિ અને એના બાસિન્દા સમર્થ દેવોને લાંછન લાગે તેવા શબ્દો હું સાંભળવા માગતો નથી. આપણે તો માણસને તણખલાની જેમ નચાવીએ. ક્યાં દેવ અને ક્યાં નર! માનવીના માર્ગમાં સોનાનું એક ગચ્ચું ફેંકો કે ભાઈ ભાઈમાં વહેંચણી માટે ખૂન-ખરાબા! ત્યાં હું કોણ અને કોણ તું! ઈંદ્રરાજ, તમે સ્વર્ગના અધિપતિ થઈને પોતાની જ કાં મશ્કરી કરો? માણસ તો તુચ્છ લાભાલાભ માટે ગમે તેવા દેવના પગ ચૂમે છે. ભિખારીથી બેજ રીતે પાઘડી ઉતારીને કરગરે છે.’

સંગમદેવના શબ્દોમાં જોશ હતું, સચ્ચાઈ પણ હતી. છતાં સ્વર્ગના અધિરાજથી બોલ્યા વગર રહેવાયું નહિ,

‘શું હજાર તારાઓ ઝાંખા હોય, એથી એક સૂર્યને પણ ઝાંખો કહેવાય? મદારી રીંછને નચાવી શકે છે, પણ કેસરીને નચાવવો સહેલ નથી. આ એવો માણસ છે, જેનાં ચરણ દેવોએ પણ સેવવાં જોઈએ. દેવની પાસે જે નથી, તે એની પાસે છે. આત્મવિજય અને ક્ષમા!’

‘ધત્ત! ઈંદ્રરાજ, આવા અવજ્ઞાના શબ્દો ન બોલો, બતાવો એ માણસ, ઘડીભરમાં માપી દઉં!’

ઉતાવળા થતા સંગમદેવને ઈંદ્રરાજે સ્થાનનિર્દેશ કર્યો: “જુઓ! ધરતી પરના દૃઢભૂમિ નામના પ્રદેશમાં પેઢાલ ગામની બહાર સ્વયં મંદરાચલ પર્વત જેવો એક પુરુષ ઊભો છે. પૌલાશ ચૈત્યમાં વ્રત લઈને ધ્યાનમગ્ન છે. ધ્યાન પણ વિચિત્ર છે! સૂકા પદાર્થ પર પાંપણ માર્યા વગર આંખ સ્થિર કરીને તપ કરવાનું! દેવની આંખો પલકારા ન મારે, દેવને જે સહજ તે માનવીને દુર્લભ! પલકારો માર્યા વિના માનવોની આંખ ન રહે! એવું દુર્લભ તપ તપે છે એ મહારથી!”

‘નામ?’ માનવીનું માપ કાઢવા માગતા સંગમદેવની પાંખો ઝડપથી વીંઝાઈ રહી હતી ને હવામાં વંટોળ જગાવી રહી હતી.

ઈંદ્રરાજે ટૂંકમાં જવાબ આપ્યો:

‘મહાવીર.’

સંગમદેવે ડગ ભર્યા. પૃથ્વી અને આકાશ ગાજી ઊઠ્યાં. મનમાં ગર્વ ધારતો હતો કે ઈંદ્રરાજે રાઈનો પહાડ કર્યો હતો. હું પહાડની રાઈ કરીશ.

સંગમદેવે પોતાની બાજી અજમાવવા માંડી. એક પછી એક દાવ ખેલવા લાગ્યો. દેવની લીલા આગળ માનવીને પંગુ સાબિત કરવા માગતો હતો.

એકાએક રાત ઘનઘોર થઈ. ચિત્કારોથી ભરાઈ ગઈ. ભૂત ભેંકાર રડતાં હોય, ને પિશાચો ખાવા માટે ધસમસતા હોય એવું વાતાવરણ ખડું થયું.

પણ મહાવીર સામે આ બધા બૂમબરાડા જાણે બહેરા કાન પર અથડાયા. આંખો ઉઘાડી રાખીને ધ્યાન કરતા હતા. એ આંખમાં એક વંટોળિયો આવીને સૂંડલો ધૂળ નાખી ગયો. પણ ઓહ! આંખને અને મહાવીરને શી નિસ્બત હતી! દેહ અને આત્મા જુદા હતા!

આત્મવાનને પાછો પાડવો હતો. થોડી વારે સોયના જેવી તીવ્ર વેદના કરતી કીડીઓ ને ઝેરી સૂંઢોવાળા ડાંસ આવ્યાં. છેલ્લે માનવીને કોરીને ચારણી જેવો કરી નાખે તેવી ઝીમેલો!

હાથી પછાડ ખાઈને મૃત્યુ પામે એવી વેદના! પણ વાહ તપસ્વી! હાથ-પગ તો હલાવવા કેવા? મોંમાંથી એક ઊંહકારોય કેવો?

દુષ્ટ દુષ્ટતામાં પાછો ન પડે! સાધુ સાધુતામાં સહેજે ન ચળે!

આ વેદના ક્યાંય સુધી ચાલી, પણ એ વેદનાથી એ વીર ન ચળ્યો! માણસ ભૌતિક સંપત્તિ માટે કેટલાં દુ:ખ વેઠે છે. ત્યારે આ તો આત્મિક સંપદા માટે હતું!

કરનાર કસોટી કરવા બેસે ત્યારે પાછું વાળીને જોતો નથી, કશું બાકી શું કામ રાખે? માણસની પાસે દિલ છે! દિલ નજાકતભરી ચીજ છે.

મહાવીર ઊભા હતા. રડતાં રડતાં કોણ જાણે ક્યાંથી આવ્યાં પ્રિય પત્ની યશોદા! હૈયું વલોવી નાખે એવું કલ્પાંત કરતાં બોલી: “હે નાથ! હાથ ગ્રહીને શું આમ અંધારે કૂવે નાખવાની હતી? તમારા ભાઈએ મને દીનહીન બનાવીને કાઢી! આના કરતાં મને મારીને મુનિ થયા હોત તો સારું.” યશોદાએ ઘણાં મેણાંટોણાં માર્યાં, પણ કંઈ ન વળ્યું.

યશોદાએ તો મોટેથી ઠૂઠવો મૂક્યો. કઠોર દિલનું હૃદય પણ પાણી પાણી થઈ જાય તેવો! એ પૂરું ન થાય, ત્યાં પુત્રી પ્રિયદર્શના આવી. અને મહાવીરના ગૃહસંસારનું એકમાત્ર અમરફળ! એણે પ્રાણપોક જેવા અવાજે કહ્યું:

“તમારે ઘેર જન્મીને અપરંપાર દુ:ખ વેઠ્યું છે. પતિએ કાઢી મૂકી. મોટાકાકાએ જાકારો દીધો! બાળબચ્ચાંવાળી હું કરું શું? ઘરઘરની ભિખારણ થવાનો વારો આવ્યો! થાય છે કે કૂવે પડું, દરિયો પૂરું કે આગમાં ઝંપલાવું?”

ભર્તૃહરિ જેવા વૈરાગી રાજાનું હૈયું કોઈથી પીગળ્યું ન હતું ત્યારે પુત્રીવિલાપથી પીગળી ગયું. હૈયું ચિરાઈ જાય એવું દૃશ્ય હતું.

પણ મહાવીરને તો કશું સ્પર્શતું જ ન હતું. એમની મન:શાંતિ એની એ રહી હતી. મારે સંસારમાં કોઈ દીકરા-દીકરી નથી ને છે તે વિશ્વ આખું કુટુંબ છે.

પણ આ શું? હવા સુગંધભર થઈને વહેવા લાગી. પથ્થર પર પુષ્પો ઊઘડવાં લાગ્યાં. ઋતુ વસંતની થઈ. પવન થયો ને મલયાચલની અર્ધનગ્ન સુંદરીઓ રમતી રમતી આવી પહોંચી. મૃગ અને મૃગી, સારસ ને સારસી સહુ જાણે પ્રેમમયી સૃષ્ટિમાં ગુલતાન થઈ ગયાં. નાચતી-ગાતી અર્ધનગ્ન સુંદરીઓએ એમનાં સ્વર અને રૂપથી આખીયે વનવલ્લીને ઝળાંહળાં કરી દીધી!

‘અરે! આ રહ્યા મારા હૈયાના હાર!’ આમ કહીને નવયૌવના મહાવીરને ભેટવા દોડી ને બોલી,

‘રે નિષ્ઠુર દેવતા! સુંદરીઓને આમ રઝળાવવાની હોય!’ બીજી બે સુંદરીઓ એમની ગોદમાં ભરાવા લાગી.

એક સુંદરીએ કાતિલ કટાક્ષ કરતાં કહ્યું: “જગતમાં સહુને સ્નેહ આપો છો, ને અમને વંચિત રાખો? સહુના સુખનો વિચાર કરનારા તમે અમને કેમ પીડો?”

સંસારમાં જેને કોઈ ન હરાવી શકે એને કામ હરાવે! ઉંમર ત્યાં ન જોવાય! શક્તિ ત્યાં ન પ્રિછાય! સમય ત્યાં ન પરખાય!

પણ અહીં એક રૂંવાડામાંયે કંપ કેવો!

આખરે નિરાશ સુંદરીઓ ચોધાર આંસુએ રડતી રડતી અદૃશ્ય થઈ ગઈ.

સંગમ આટલી બાજી હાર્યો. બધાં સોગઠાં પાછાં પડ્યાં. હવે એને એટલી ઈચ્છા રહી કે મહાવીર મનની વેદના કે તનના દુ:ખથી વ્યાકુળ થઈને એક વાર દેવની મદદ યાચે! દેવની મહત્તા સ્વીકારે એટલે બસ વાહ વાહ! ઊજળે મોઢે દેવભૂમિમાં પ્રવેશ તો થાય!

મહાવીરના બે પગ વચ્ચે ચૂલો બનાવી રસોઈયાએ અન્ન રાંધવા અગ્નિ ઝગવ્યો! થડના જેવા અડોલ દેહ પર પારધિએ પાંજરાં લટકાવ્યાં. ભૂખ્યાં પંખી ચાંચ મારી મારીને દેહમાંથી માંસ ઠોલવા લાગ્યાં.

તાકડે એક ચોર પકડાયો. એણે કહ્યું: ‘હું નિર્દોષ છું. હું તો માત્ર મારા ગુરુની આજ્ઞાને અનુસર્યો છું. ચાલો, મારા મહાગુરુ બતાવું.’

ચોર સિપાઈઓને લઈને મહાવીર તપ કરતા હતા ત્યાં લાવ્યો. પેલો ‘ચેલો’ તો છૂટી ગયો. સિપાઈઓએ તો પશુની જેમ મારવા લીધા મહાવીરને! પણ બોલવું કેવું? મદદ યાચવી કેવી?

આ તો દેણું દેવાય છે!

શું માનવ કે શું દેવ-સહુ કર્મરજજુથી બંધાયેલાં છે. એ રજજુ આજ તુટે છે આ રીતે!

મહાવીર રાજની શૂળીએથી છૂટ્યા પણ એ તો ખરી રીતે બંધન કાપી રહ્યા હતા.

છ-છ મહિના વીતી ગયા. ઉચિત ભિક્ષાન્ન મળ્યું ન હતું. પણ નમે તો એ મહાવીર નહીં! આત્માની અગ્નિપરીક્ષામાં આખરે કાંચન શુદ્ધ નીવડ્યું!

એક દિવસ સંગમદેવ મહાવીરના પગમાં આવીને પડ્યો. એ થાકેલો દેવ હતો, હારેલો દેવ હતો. એણે ગળગળા અવાજે કહ્યું:

‘હું સંગમ! મેં આપને ઓળખ્યા નહીં. માણસ તો શું, દેવને પણ આપ પૂજ્ય છો! અદ્ભુત છે આપનો આત્મવિજય! અનેરી છે આપની ક્ષમા ને સહનશીલતા!’

છ-છ માસથી હેરાન-પરેશાન થતા મહાયોગી મહાવીરના મુખ પરની એક રેખા પણ ન બદલાઈ! એમનો વરદ હસ્ત ઊંચો થયો. કમળ જેવાં લોચન વિકસ્યાં. એ લોચનના છેડે બે આંસુ હતાં.

એ આંસુ જોઈને સંગમ નાચ્યો. એ બોલ્યો,

‘ઓહ! ક્ષમાશીલ પ્રભુનાં કરુણાભીનાં લોચન જરૂર મુજ અપરાધીનું કલ્યાણ કરશે.’

(‘મોતીની ખેતી’માંથી સાભાર )

Total Views: 382

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.