ભૌતિકવિજ્ઞાનનો પર્યાયવાચી અંગ્રેજી શબ્દ ‘ફિઝીક્સ’ મૂળ ગ્રીક શબ્દ ‘ફિઝીસ’માંથી ઊતરી આવ્યો છે. એનો અર્થ ‘સ્વરૂપ’ એમ થાય છે. એટલે ભૌતિકવિજ્ઞાનના સાચા સ્વરૂપના જ્ઞાનને ‘ફિઝીક્સ’ કહેવાય. એનો સંસ્કૃત સમાનાર્થી શબ્દ ‘આધિભૌતિકવિદ્યા’ એટલે વિષયલક્ષી જ્ઞાન થાય. એ શબ્દ, ‘આધ્યાત્મિકવિદ્યા’ એટલે આત્મજ્ઞાનનો વિરોધી છે. ભારતીય વિચારમાં ભૌતિક વસ્તુને કેવળ જ્ઞાનના વિષય તરીકે માનેલ છે. જ્ઞાન જ મુખ્ય છે અને એનો વિષય તો ગૌણ છે. ભારતીય પરમાણુવાદના પિતા કણાદ, વિષયને ‘પદાર્થ’ એટલે કે શબ્દના અર્થ તરીકે ઓળખાવે છે (પદ+અર્થ).

ન્યુટન-પરંપરાના ભૌતિકવિજ્ઞાનનો મુખ્ય સંબંધ ભૌતિક પદાર્થો સાથે હતો. ઓગણીસમી સદીના ભૌતિકવિજ્ઞાન માટે, ‘આ ભૌતિકતત્વની પાછળ પરમસત્ શું છે?’ – આ પાયાનો પ્રશ્ન વધારે પડતો આધ્યાત્મિક અથવા અનુપયોગી ગણાતો. પણ ઓગણીસમી સદીમા અંતમાં જ ભૌતિકપ્રકૃતિ સ્વરૂપ વિશે પાયાના પ્રશ્નો ઊભા થવા લાગ્યા. ૧૮૯૭માં જે. જે. થોમસને ઈલેકટ્રોનની શોધ કરી. અને ૧૯૧૯માં રૂથરફોર્ડે પ્રોટોન શોધ્યું. ૧૯૦૦માં મેક્સ પ્લાન્કે એવું યુગપ્રવર્તક સંશોધન કર્યું કે ગરમી અમુક ચોક્કસ જથ્થામાં કાં તો શોષાય છે કે ઉત્ક્રુજિત થાય છે. ૧૯૦૫માં ફિલીપ લેનાર્ડે શોધ્યું કે જ્યારે ધાતુ સાથે પ્રકાશ અથડાય છે, ત્યારે તેમાંથી ઈલેકટ્રોન ઉર્જિત થાય છે, જેને ‘ફોટોઈલેકટ્રીક અસર’ કહેવાય છે. આઈનસ્ટાઈને પ્લેન્ક અને લેનાર્ડના વિચારોને ભેગા કરીને ‘ફોટોન’નો સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો કે જે બધાંજ વિદ્યુત-ચુંબકીય વિકિરણોને લાગુ પડે છે.

૧૯૧૧માં સૌથી પહેલાં રૂથરફોર્ડે પરમાણુની કક્ષામાં પ્રોટોન અને ન્યુટ્રોન ધરાવતા નાભિકની ચારે બાજુ ભ્રમણ કરતા ઈલેક્ટ્રોન્સ આવું અણુનું મોડેલ રજૂ કર્યું (જો કે આ ન્યુટ્રોન્સ ખરી રીતે તો ૧૯૩૮માં જેમ્સ ચેડવીકે જ શોધ્યાં હતાં.) ડેન્માર્કના ભૌતિકવિજ્ઞાની નિલ બોહરે ૧૯૧૩માં ક્વોન્ટમશક્તિના નિશ્ચિત સ્તરોનું પ્રતિનિધિત્વ કરતી ઈલેકટ્રોન્સની કક્ષાઓને અનુલક્ષીને પરમાણુ સંરચના માટે ક્વૉન્ટમ સિદ્ધાન્ત લાગુ કર્યો અને છેલ્લે વૌલ્ફૂગેંગ પાઉલીએ પોતાના ‘એકસક્લ્યુઝેન પ્રિન્સિપલ’ (વ્યાવર્તક સિદ્ધાન્ત) દ્વારા માંહેના દરેક ઈલેકટ્રોનને પોત-પોતાનું આગવું અનોખું સ્થાન આપ્યું. એને પરિણામે સ્પષ્ટ દૃશ્યમાન, ચોખ્ખા દેખાઈ આવે એવા અણુનો ધારણામય નમૂનો કલ્પાયો. ડેમોક્રીટ્સ અને ડાલ્ટનના પરમાણુ નમૂનાઓએ આપેલી વિશ્વના નિર્માણપિંડની સમજણ, અર્વાચીન ભૌતિકવિજ્ઞાન માટે જાણે એકદમ ચોખ્ખીચટક – સ્પષ્ટ સુસ્પષ્ટ જ બની ગઈ. આજે હવે ભૌતિક વિજ્ઞાનમાં કોઈપણ નવા સિદ્ધાન્તને પ્રમાણિત ઠેરવવા માટે ખાલી કંઈ પૂર્વ નિરીક્ષણનાં સ્પષ્ટ ચિત્રો કે સ્પષ્ટ સમજણ આપી દેવા જ પૂરતાં થતાં નથી. પણ સાથોસાથ પછીથી સીધા પ્રયોગો દ્વારા અભિપ્સિત વસ્તુઓ એનાથી નિષ્પન્ન પણ થવી જ જોઈએ. આ સંદર્ભમાં બોહરનો આણવિક સંરચનાનો સિદ્ધાન્ત પૂરતી રીતે સફળ થયો.

આમ છતાં બોહરની વિભાવનામાં બે મુદૃાઓ એવા હતા કે જેથી ભૌતિકવિજ્ઞાનીઓ ઉદ્વિગ્ન થઈ ઊઠ્યા.. એક મુદ્દો તો એ હતો કે ઈલેક્ટ્રોડાયનેમિક્સના અત્યાર સુધી જાણીતા નિયમ પ્રમાણે તો કેન્દ્રસ્થ નાભિક (ન્યુક્લીઅસ)ના આકર્ષણની સામે, એ કવચની કક્ષામાં રહેલા ઈલેક્ટ્રોન્સ ધીરેધીરે પોતાની શક્તિ ગુમાવી દેતા હોય છે; પરંતુ બોહરનો સિદ્ધાન્ત આ નિયમને માનતો નથી.

અને બીજો વાંધો જુદેજુદે સ્થળેથી ઊભો થયો. બોહરની ભ્રમણકક્ષાના પોતાના આગવા સ્વરૂપને ગણતરીમાં લેવા માટે ફ્રેન્ચ ભૌતિક વિજ્ઞાની લૂઈ દ બ્રોગલીએ ૫૨માણુમાં રહેલા પરસ્પર ભિન્ન શક્તિસ્તરોના જૂથની સરખામણી વાયોલીનનાં તંતુઓમાંથી ઊઠતા અને અનુભવાતા યાંત્રિક તરંગોના વિભિન્ન જૂથ સાથે કરી. ૧૯૨૪માં એણે એક સાદું સમીકરણ રજૂ કર્યું. એ સમીકરણે પ્રથમ વાર જ દર્શાવ્યું કે આઈનસ્ટાઈનની ‘ફોટોન થિયરી’ના મુજબ કેવળ તરંગો જ કણોની પેઠે પ્રવર્તતા નથી. પણ કણોય તરંગો પેઠે વર્તે છે. બ્રોગલીના સમીકરણે અણુ, પરમાણુ, ઈલેક્ટ્રોન ઉપરાંત બેઈઝ બોલ અને મોટર જેવાં બધાં જ ભૌતિકરૂપોની તરંગલંબાઈ નક્કી કરી દીધી છે. કણો (particles)નો જથ્થો જેટલો નાનો હોય, તેટલી જ તેની તરંગ લંબાઈ વધારે હોય છે અને જથ્થો જેટલો મોટો હોય તેટલી જ તેની તરંગલંબાઈ નાની હોય છે. એટલા જ માટે બેઈઝ બોલની (અમેરિકન રમતની) કે મોટરની તરંગલંબાઈ દેખાતી નથી, અને સૂક્ષ્મતમ ઈલેકટ્રોનની તરંગલંબાઈ દેખાય છે, જણાય છે. બ્રોગલીના આ વિચારને પ્રયોગો દ્વારા ૧૯૨૭માં ક્લીન્ટન ડેવીસન અને લાસ્ટર ગેરમર નામના બે અમેરિકી વિજ્ઞાનીઓએ નાણ્યો છે. ડેવીસનના પ્રયોગોએ દર્શાવ્યું કે જયારે ઈલેક્ટ્રોનનું કિરણ કોઈ નાના છિદ્ર દ્વારા મોકલવામાં આવે છે, ત્યારે તે ઈલેક્ટ્રોનનાં કિરણોનું પ્રકાશનાં કિરણોની પેઠે વિવર્તન થાય છે અને આ વિવર્તન તરંગની પેઠે વર્તતા પ્રકાશની એક વિશિષ્ટ ઘટના છે.

નાભિકની આસપાસ ઘૂમતા ઈલેક્ટ્રોનના આ ઘન અણુને બ્રોગલીના સંશોધને ઓગાળી નાખ્યો અને એને નાભિકની ચારે બાજુ અવ્યવસ્થિત રીતે ફરતા અભૌતિક મોજાના રૂપમાં દર્શાવ્યો ત્યારે વિજ્ઞાનીઓ ભારે હતાશ થયા – તો પછી ઈલેક્ટ્રોન શું છે? તો પછી બોહરે આલેખેલા પરમાણુચિત્ર સાથેનો એનો વિરોધ કેમ શમે? આ પ્રશ્નોએ જબરો ઊહાપોહ મચાવ્યો અને અણુવિજ્ઞાનના ઇતિહાસમાં એક અભિનવ સર્જનાત્મક શોધયુગ શરૂ થયો. આ અણુસમસ્યાનો ઉકેલ લાવવા માટે બે રીતના જબરા પ્રયત્નો થયા. વર્નર હેસનબર્ગે અવ્યૂહાત્મક ગણિતવિજ્ઞાનની મદદથી ઈલેક્ટ્રોનને શતરંજના પટ પર ફરતાં પ્યાદાઓ જેવો કલ્પ્યો અને તર્ક ચલાવ્યો કે શક્તિના સ્વલ્પતમ અંશ (ક્વોન્ટા)ની હસ્તી પરમાણુધટકોની નિયમિત ગતિ વર્ણવવામાં અવરોધક છે અને પરમાણુઘટકોની સ્થિતિ અને ગતિને ચોક્કસ સાધનો દ્વારા માપવાના પ્રયત્નો કરવાથી ઈલેક્ટ્રોનના હલનચલનમાં અવરોધ પહોંચે છે. ૧૯૨૭માં હેસનબર્ગે ગણિતની મદદથી પ્રતિપાદિત કરેલ આ પ્રસિદ્ધ સિદ્ધાન્ત ‘અનિશ્ચિતતાનો સિદ્ધાન્ત’ કહેવાય છે.

ઈરવીન શ્રોડીંજરે બીજી રીતે આ શોધ કરી. ૧૯૨૫ની આસપાસ એણે કહ્યું કે ઈલેક્ટ્રોનના તરંગોને પણ પરિમાણ છે. આ શોધે એને ૧૯૨૬માં નોબૅલ ઈનામ અપાવ્યું. આ શોધ પ્રકાશના કણ સ્વરૂપ અને ઈલેક્ટ્રોનના તરંગ સ્વરૂપ આ વિરોધાભાસી સ્વરૂપોને જોડતી સાંકળરૂપ હતી. એની આ શોધે એને શાંતિ સર્જક તરીકે બિરદાવવામાં આવ્યો. પરંતુ, પદાર્થનું આ બેવડું રૂપ કણ સ્વરૂપ અને તરંગ સ્વરૂપ વૈજ્ઞાનિકોને મૂંઝવતું જ રહ્યું. આ તબક્કે જર્મન ભૌતિકવિજ્ઞાની મેક્સબોર્ને આવીને ઈલેક્ટ્રોનના તરંગોનું ધૂંધળું ચિત્ર પૂરું કર્યું. એણે કહ્યું કે ઈલેક્ટ્રોન્સના તરંગો સાચા નથી. એ તો કેવળ ‘સંભવિત તરંગો’ હોવાથી એને જોવાનું શક્ય પણ નથી અને જરૂરી પણ નથી. એને મતે ઈલેક્ટ્રોનનું આખુંય ચિત્ર તદ્દન અસ્પષ્ટ, કેવળ ગાણિતિક વિભાવના જ છે.

છતાં, દ્રવ્યાત્મક ઈલેક્ટ્રોન અને અન્ય પરમાણુ ઘટકોનું રહસ્ય ઉકેલવાનો પ્રયત્ન ચાલુ રહ્યો. એનાં બે મહત્ત્વનાં પરિણામો આવ્યાં. (૧) ઈલેક્ટ્રોનના ક્ષેત્રીય ખ્યાલ(field concept)ને રજૂ કરનાર પોલ ડિરાકે સર્વપ્રથમ ક્વોન્ટમ ઘટનાને સાપેક્ષવાદ સાથે લાગુ કરવાનો પ્રયત્ન કર્યો અને (૨) ‘પાર્ટિકલ ફિઝિક્સ’ નામે જાણીતી બનેલી ભૌતિકવિજ્ઞાનની નવી શાખાનો ઉદય થયો. વિજ્ઞાનીઓએ શોધ્યું કે દરેક ઈલેક્ટ્રોનના દ્રવ્યમાં(mass) તેની ગતિમાં થતા ફેરફારની સાથે ફેરફાર થાય છે. તેમણે કલ્પનાથી ઈલેક્ટ્રોન જ્યારે ફરતો ન હોય ત્યારના તેના દ્રવ્યની ગણતરી કરી. જેમ-જેમ ઈલેક્ટ્રોન ગતિ પકડે છે તેમ-તેમ એના દ્રવ્યના પ્રમાણમાં તે ફરતો ન હોય તે પ્રમાણ કરતાં ૧૦૦થી ૧૧,૮૦૦ ગણો વધારો થાય છે.

પાર્ટીકલ ફિઝીક્સે પરમાણુઘટકોને દ્રવ્યના સૌથી હળવાથી માંડીને સૌથી ભારેના ક્રમમાં ત્રણ ભાગોમાં ગોઠવ્યા છે: ૧. લેપ્ટન્સ (હળવાઘટકો) ૨. મેસન્સ (મધ્યમ વજનનાં ઘટકો) અને ૩. બેરીઅન્સ (ભારે વજનવાળાં ઘટકો). કેટલાંક ઘટકો આ ત્રણ કરતાંય જુદાં છે. તેમાંના ફોટોન્સ વગેરે કેટલાંક તો જાણીતાં છે અને કેટલાંક ગ્રેવીટોન જેવાં સૈદ્ધાન્તિક સ્વીકાર પામ્યાં છે. પણ શોધાયાં નથી તે બધાં દ્રવ્યમાન વગરનાં ઘટકો છે. આ દ્રવ્યમાન વગરનો ઘટક શું છે? એનું દ્રવ્યમાન જયારે તે સ્થિર હોય ત્યારે શૂન્ય છે. જયારે ફોટોન જન્મે છે ત્યારે તે તરત જ પ્રકાશની ગતિ સાથે ઘૂમવા માંડે છે. આ દ્રવ્યમાનરહિત ઘટકની ધારણા કરી શકાય, પણ ખરી રીતે એ એક અશક્યતા છે. આ અવશિષ્ટ દ્રવ્યમાન હજુ કોઈએ જોયું-જાણ્યું નથી. કારણ કે અણુઘટકોની દુનિયામાં ઘટકો તીવ્રતમ ગતિએ ઘૂમ્યા કરે છે. વિજ્ઞાનીઓને મતે આ અણુઘટકોનું દ્રવ્યમાન હંમેશાં સાપેક્ષ જ હોય છે અને આ સાપેક્ષ દ્રવ્યમાન, એના વેગ પર આધાર રાખે છે. દાખલા તરીકે પ્રકાશની ૯૯%ની ગતિમાં ઘટકનું દ્રવ્યમાન એના અવશિષ્ટ દ્રવ્યમાન કરતાં સાતગણું હોય છે. આ અવશિષ્ટ દ્રવ્યમાન કેવળ ગાણિતિક ગણનાની ધારણા છે. કેવળ ગતિને લીધે જ બધું દ્રવ્યમાન ધરાવતા ફોટોનને અંગ્રેજી ભાષામાં અનિયંત્રિત રીતે ‘દ્રવ્યમાનરહિતઘટક’ કહેવામાં આવે છે.

અણુઘટકનું દ્રવ્યમાન, કણવિજ્ઞાનમાં ‘ઈલેક્ટ્રોન વૉલ્ટ’ના નામે શક્તિએકમના રૂપે જાણીતું છે. ઈલેક્ટ્રોનનું અવશિષ્ટ દ્રવ્યમાન ૦.૫૧ મિલિયન ઈલેક્ટ્રોન વૉલ્ટ છે. અથવા બીજી રીતે ઈલેક્ટ્રોનના દ્રવ્યમાનથી લગભગ ૨૦૦૦ ગણું દ્રવ્યમાન પ્રોટોનનું હોય છે. કોઈ કણવિજ્ઞાની પોતાના છાત્રોને દ્રવ્યમાનરહિત અણુ ઘટકનું ચિત્ર દોરવાનું કહે તો એ કલ્પનાની દુનિયામાં ખોવાઈ જવાના!

અને તોય વિશ્વના મૂળ નિર્માણપિંડની ખોજ આજ સુધી ચાલુ રહી. ભૌતિકવિજ્ઞાનીઓએ તો હાર કબૂલી લીધી હતી. આજના કણવિજ્ઞાનનો આ ઇતિહાસ છે. અણુ ઘટકોની બાબતમાં આજ સુધી ભૌતિકવિજ્ઞાનીઓએ ૨૦૦ પરમાણુઘટકો કલ્પ્યાં છે. આ સંખ્યા દેખીતી રીતે વધવામાં છે. આમાંનાં કેટલાંક પરમાણુધટકોનાં વય અને આકાર અકલ્પ્ય રીતે ટૂંકા છે. પોઝીટીવ ઈલેકટ્રોન ૧૦-8 સેકંડ જ ટકે છે. ન્યુટ્રલ પાઈ-મેસન (Pion) ૧૦-14 સેકંડથી વધુ ટકતું નથી. બે વિશ્વયુદ્ધોના સમયગાળામાં વૈજ્ઞાનિકોએ પરમાણુઓનાં દેશીય અને કાલીય રીતનાં બે નામો શોધ્યાં. કાલીય પરમાણુને chronon કહ્યો. જે એચ. થોમ્સનને મતે સેકન્ડના ૧૦-21 ના અનુપાતમાં છે. અવકાશના ‘હોગેન’ નામના અણુની ૧૦-23 સે.મી.ની અભિસરણ ત્રિજ્યા છે. ઉચ્ચશક્તિના પાર્ટીકલ ફિઝીક્સના છેલ્લામાં છેલ્લાં પ્રયોગોમાં વૈજ્ઞાનિકોને જણાયું છે કે એવા કેટલાક પરમાણુધટકો છે જે ૧૦-23 સેકન્ડ જ જીવે છે! અને પછી તે બીજા પરમાણુઘટકોમાં રૂપાંતરિત થઈ જાય છે. આવા અતિઅલ્પાયુષી પરમાણુઘટકોને Resonance કહેવામાં આવે છે. પણ પ્રો. કાપ્રાને મતે એને ‘ઘટના’ નામ આપવું વધુ સારું છે. જ્યારે જાણીતા પરમાણુઘટકો અકલ્પનીય ગતિથી એકબીજા સાથે અથડાય છે, ત્યારે જ નવાં પરમાણુઘટકો જન્મે છે. ફેઈન્મેનના વિખ્યાત આલેખમાં બતાવ્યા મુજબ દરેક પારમાણિક આંતરક્રિયામાં મૂળ પરમાણુઘટકોનો નાશ અને નવા પરમાણુઘટકોનો જન્મ સમાયેલ છે. બાહ્ય અવકાશમાં શક્તિનો આ સર્જનવિલયનો નાશ અવિરતપણે ચાલ્યા જ કરે છે. એક વૈજ્ઞાનિકે આ અનંત નૃત્યને નટરાજ શિવના રહસ્યમય નૃત્ય સાથે સરખાવ્યું છે.

આ બધું છતાંય પેલો વિશ્વના મૂળ નિર્માણપિંડનો પ્રશ્ન તો ઊભો જ રહ્યો. આ અથડાય છે શું? શક્તિ કે દ્રવ્યમાન? દ્રવ્યમાન શેનું બનેલું છે? સૂક્ષ્મતમ પરમાણુટક શેનો બનેલો છે? કણવિજ્ઞાન અને ક્વૉન્ટમવિજ્ઞાન પાસે આનો કોઈ ઉત્તર નથી. હેસનબર્ગ કહે છે: “ક્વોન્ટમ સિદ્ધાન્ત પ્રમાણે પ્રારંભિક પરમાણુઘટકો રોજ-બ-રોજના જીવનવનનાં વૃક્ષો કે પથ્થરોની પેઠે વાસ્તવિક વિષય બનતા નથી.”

આજે વૈજ્ઞાનિકોમાં બે સંપ્રદાયો પડી ગયા છે. વિશ્વના ભૌતિક અધિષ્ઠાનને ઝંખતો એક સંપ્રદાય ‘ક્વાર્ક’ નામના કાલ્પનિક અધિષ્ઠાન તરફ આંગળી ચીંધે છે. જેમ્સ જોઈસ પાસેથી એ શબ્દ વિજ્ઞાનીઓને મળ્યો છે. આ શાખાના વૈજ્ઞાનિકોને મતે બધા જાણીતા પરમાણુઘટકો થોડાંક અલગ-અલગ પ્રકારના ક્વાર્કસ નામના ઘટકોથી બને છે. પણ હજુ સુધી ક્વાર્કને કોઈએ જાણ્યો નથી. હજુ એ શોધ ચાલુ છે. ઘણા વિજ્ઞાનીઓ હવે માનવા લાગ્યા છે કે ‘પહેલાં ઈંડું કે પક્ષી?’ જેવો આ કોયડો હંમેશાં અણઉકેલ જ રહેવાનો છે! વળી, આ ‘ક્વાર્ક’ શાનો બનેલો છે? એ પણ પ્રશ્ન રહેવાનો જ! શ્રોડિંજરે કહ્યું કે હેસનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાન્ત મુજબ આ સૂક્ષ્માતિસૂક્ષ્મ ઘટક બે વાર તો શું, એક વાર પણ જોઈ શકાતો નથી.

વૈજ્ઞાનિકોની બીજા શાખાએ વિશ્વના મૂળ નિર્માણપિંડની ખોજનો આ અણુઘટકોના સંગ્રહસ્થાનવાળો માર્ગ છોડ્યો અને તેઓ હેસનબર્ગની ગાણિતિક પ્રસ્થાપના તરફ વળ્યા. એના જ વિકસિત સ્વરૂપને આજે ‘બૂટસ્ટ્રેપ સિદ્ધાન્ત’ કહે છે. જેફ્રી ચુ એના અગ્રણી છે. પણ છેવટે વિશ્વના મૂળ નિર્માણપિંડની ખોજમાં આ બન્ને સિદ્ધાન્તોને તિલાંજલિ અપાઈ. સંશોધનોમાં પડેલાઓએ એ બતાવવાનો બહુધા સફળ પ્રયત્ન કર્યો છે કે પરમાણુઘટકોની દુનિયામાં કોઈ પરમાણુઘટકનું સ્વતંત્ર અસ્તિત્વ છે જ નહિ, કોઈ ઘટક છે જ નહિ અને વિશ્વ પણ છે નહિ. હકીકતમાં એ બધા પદાર્થો નહિ, પણ પરસ્પર સંકળાયેલી ઘટનાઓ છે. એને હસ્તી છે પણ એ પદાર્થ કે વિષય નથી. એ કેવળ પરસ્પર સંબદ્ધ શક્તિની ગતિશીલ ભાત છે. ઘટનાઓ જ વિષયભૂત વાસ્તવિકતા સર્જે છે. બૂટસ્ટ્રેપ સિદ્ધાન્ત સૂચવે છે કે બૂટસ્ટ્રેપનો એક છેડો બીજા છેડા સાથે અનિવાર્ય રીતે જોડાયેલો જ હોય છે, પછી ભલે તે જોડાણ ગમે તેટલું સૂક્ષ્મ કે ગૂંચવણભર્યું હોય!

આજે આ સિદ્ધાન્ત ધીરેધીરે બહોળા પ્રમાણમાં સ્વીકારાઈ રહ્યો છે. એનું એક ખાસ કારણ એ છે કે હવે વૈજ્ઞાનિકોને એવું લાગવા માંડ્યું છે કે બાહ્ય વાસ્તવિકતાના નિર્ણાયક તરીકે ચૈતન્યનો સમાવેશ કરવાની અનિવાર્ય આવશ્યકતા છે. ફ્રિટજોફ કાપ્રાએ પોતાના છેલ્લામાં છેલ્લા પુસ્તકમાં બૂટસ્ટ્રેપ સિદ્ધાન્તમાં નિહિત આ ચૈતન્યનો સ્વીકાર કર્યો છે. એ પુસ્તકનું નામ ‘Turning Point’ છે.

જ્હોન વ્હીલરે આખા ભૌતિકવિશ્વને ‘Quantum Foam’ કહીને એના દરેક અંશને પરસ્પર સંકળાયેલો કહ્યો છે. વળી, એણે Super spaceનો પણ વિચાર આપીને એ પારસ્પરિક સંલગ્નતા વધુ સૂક્ષ્મરૂપે રહેલ છે, એમ પણ કહ્યું. ૧૮૭૬માં ક્લિફોર્ડે કહ્યું હતું કે ભૌતિક પદાર્થ ખાલી વક્રઅવકાશ સિવાય બીજું કશું નથી. આ વાતને વ્હીલરે આગળ વધારીને પદાર્થ, વિદ્યુતભાર, વિદ્યુતચુંબકત્વ વગેરેને કેવળ અવકાશના વળાંકરૂપે જ ઠરાવ્યા. આઈનસ્ટાઈન માટે અવકાશ વિશ્વ નાટકનું ભાગીદાર છે, વ્હીલર માટે એ અણુઘટકોનું ‘ફીણ’ છે.

આધુનિક ભૌતિકવિજ્ઞાનની આ શોધો વાંચતાં આપણને લાગે છે કે જાણે આપણે હજારો વરસ જૂના વેદાન્તના સિદ્ધાંતને જ વાંચી રહ્યા છીએ! ‘દૃગ્દૃશ્યવિવેક’ નામના પ્રાચીન વેદાન્તગ્રંથમાં લખ્યું છે: “સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મમાંથી ફીણની પેઠે બધાં નામરૂપોનું પ્રાકટ્ય જ વિશ્વ છે.” ૧૮૯૩માં શિકાગોની ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદે આ જ અદ્વૈતસિદ્ધાંત કહ્યો હતો: “વિજ્ઞાને સાબિત કરી દીધું છે કે ભૌતિક વ્યક્તિત્વ એ ભ્રમ છે. ભૌતિક પદાર્થના અખંડ મહાસાગરમાં સતત પરિવર્તન પામતો નાનકડો દેહ જ મારો દેહ છે… અને મારો બીજો ભાગ એટલે આત્માનું એકત્વ.” હજારો વર્ષો પહેલાં વિશ્વના એકત્વમાં આ પાયાની સત્યશોધની ઉપનિષદોએ અનુભૂતિ કરી હતી. પરાત્પર બ્રહ્મ સાથે સંકળાયેલ પરસ્પરાધીન જ આ વિશ્વ છે. યાજ્ઞવલ્કયે ગાર્ગીને આ સર્વાનુગત બ્રહ્મ ઉપદેશ્યું છે. આ સર્વવ્યાપક બ્રહ્મ જ વિશ્વનો મૂળ નિર્માણપિંડ, ઉપાદાન છે. એ જ પરમાર્થ, સત, શાશ્વત, જ્ઞાનસ્વરૂપ સર્વગત છે. મુંડકોપનિષદના પ્રારંભમાં ગુરુશિષ્યની પ્રશ્નોત્તરી રૂપે આ જ વાત કહી છે. ત્યાં ગુરુએ ઉત્તરમાં કહ્યું કે  “સ્થૂળ સૂક્ષ્મ અર્થમાં અનુગત એકને જાણવાથી બધું જણાય છે.” (મુંડકોપનિષદ ૨-૨-૫)

કોઈ એક સ્વતંત્ર પરમાણુઘટક કે ઈલેક્ટ્રોનને વિશ્વના ઉપાદાન તરીકે ઠસાવવાના ભૌતિકવિજ્ઞાનના પ્રયત્નો નકામા થઈ ચૂક્યા છે. આવી કોઈ વસ્તુની હસ્તી જ નથી. અને હસ્તી હોય તો પણ એ સત્ નથી. વેદાન્તીઓ એને ‘મિથ્યા’ કહે છે. દેખીતા વૈવિધ્યમાં એકત્વ જોવું એ જ સાચી દૃષ્ટિ છે. બ્રહ્મ જ સત્ય છે જ એ વેદાન્તનો મુદ્રાલેખ છે. તાર્કિકો અને પશ્ચિમના વૈજ્ઞાનિકો ભૌતિક પદાર્થને વિશ્વનું ઉપાદાન સાબિત કરવામાં નિષ્ફળ નીવડયા છે. વેદાન્તે તો હજારો વર્ષ પહેલાં સત્યની શોધ કરી છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે એનું ‘સત્’ અખંડ છે. કઠોપનિષમાં ‘અણોરણીયાન્ મહતોમહીયાન્’ને સ્વામી વિવેકાનંદે એવી વાસ્તવિક અને સમુચિત રીતે સમજાવ્યું છે કે વિશ્વની સમસ્યાઓનું અપેક્ષિત સમાધાન મળી જાય છે કે વિશ્વનો સૂક્ષ્મ અણુ આખા વિશ્વ પર અસર કરે છે. તેઓ કહે છે: “વિશ્વનો કોઈ અણુ પોતાની સાથે આખા વિશ્વને ખેંચ્યા વિના ગતિ કરતો નથી. આખું વિશ્વ એને ન અનુસરે તો કશી પ્રગતિ ન થાય. હવે તો એ વધારે સ્પષ્ટ થઈ રહ્યું છે કે કોઈ પણ સમસ્યાનો ઉકેલ કદીય વંશ, રાજ્ય કે એવા આંકડાના પાયા પર થઈ શકે નહિ. દરેક વિચારે આખા વિશ્વને આવરી લે એટલા વિશાળ થવું જોઈએ. દરેક પ્રેરણા સમગ્ર માનવજાતિને છાઈ લે ત્યાં સુધી સતત ચાલુ રહેવી જોઈએ…”

સાપેક્ષવાદે ભૌતિકજગતની સાપેક્ષતા, ક્વોન્ટમ સિદ્ધાંતે કેવળ વિષયરૂપતાનો અભાવ અને કણવિજ્ઞાને પદાર્થની નોખી નિરાળી હસ્તીનો અભાવ સાબિત કરી દીધા છે. આખું વિશ્વ સૂક્ષ્મ રીતે સંલગ્ન છે. વીસમી સદીનું વિજ્ઞાન તત્ત્વજ્ઞાન બની ગયું છે. આ વાત ખૂબ પહેલાં ૧૮૯૫માં સ્વામી વિવેકાનંદે ભાળી હતી. તેમણે કહ્યું હતું, “આધુનિક વિજ્ઞાને ધર્મનો પાયો ખરેખર મજબૂત કર્યો છે. કારણ કે સમગ્ર વિશ્વની એકતા વૈજ્ઞાનિક રીતે દર્શાવી શકાય છે. તત્ત્વજ્ઞાનીઓ જેને ‘હોવું’ કહે છે, એને વૈજ્ઞાનિકો ‘પદાર્થ’ કહે છે; પણ એ બંને વચ્ચે કંઈ ખરો ઝઘડો નથી, કારણ કે તે બન્ને એક જ છે. પરમાણુ જો કે અદૃશ્ય અને અચિંત્ય છે, છતાં એમાં વિશ્વની વાસ્તવિક શક્તિ ભરી છે. વેદાન્તીઓ પણ આત્મા વિશે આમ જ કહે છે.”

સમગ્ર પદાર્થ મન સાથે સંબદ્ધ છે. એ વિશે ભૌતિકવિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન સરખો અભિપ્રાય ધરાવે છે. વેદાન્તનું એ પાયાનું સત્ય છે. સ્વામી વિવેકાનંદ કહે છે:

“ભૌતિક વિજ્ઞાનને તત્ત્વજ્ઞાને બન્ને બાજુથી બાંધ્યું છે. એટલા માટે કે એ કારણ વગર શરૂ થાય છે અને કારણ વગર પૂરું થાય છે. જો આપણે ઈન્દ્રિયજન્ય અનુભવોની દુનિયામાં ખૂબ આગળ વધીએ, તો છેવટે એ અનુભવોની પેલી પાર કારણાતીતમાં જવું જ પડે છે. કારણ તે આપણી સ્મૃતિમાં સચવાયેલ અનુભવોનું સંક્ષિપ્ત અને વર્ગીકૃત રૂપ જ છે. આપણા એ અનુભવોની પેલી પાર આપણે કશું કલ્પી કે કારણ બતાવી શકતા નથી.”

“ધર્મ એક એવું વિજ્ઞાન છે કે જે માનવમાં રહેલ પારગામિતા દ્વારા કુદરતમાં રહેલી પારગામિતાને પિછાણે છે. આપણે હજુ માનવ વિશે જ ઘણું ઓછું જાણીએ છીએ, પરિણામે વિશ્વ વિશે પણ ઘણું ઓછું જાણીએ છીએ. જ્યારે આપણે માનવ વિશે વધુ જાણીએ ત્યારે આપણે વિશ્વ વિશે વધુ જાણીશું. માનવ જ વિશ્વમાં રહેલ બધી વસ્તુઓ અને જ્ઞાનનું મૂળ છે. વિશ્વનો જે થોડો ઘણો અંશ ઈન્દ્રિયો દ્વારા અનુભવાય છે, એનું જ આપણે કારણ શોધીએ છીએ પણ કોઈ પાયાના સિદ્ધાન્ત માટે આપણે કારણ આપી શકતા નથી.”

આજથી એક સદી પહેલાં ઉચ્ચારાયેલી સ્વામી વિવેકાનંદની આ પયગંબરી વાણીમાં દેખાતો સમગ્રતાનો આ રહસ્યમય અભિગમ આધુનિક વિજ્ઞાને સ્વીકારવો જ પડે છે.

(“Modern Physics and Vedanta’ સ્વામી જિતાત્માનંદજી દ્વારા લિખિત આ પુસ્તકના ‘The Quest for the Ultimate Building Block of the Universe’ નામના પ્રકરણને આધારે)

Total Views: 164

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.