(આધ્યાત્મિક વિકાસની સાધના માટે મૂળત: જીવનની સાચી સમજણ હોવી જરૂરી છે. એ જાણ્યા પછી જ આપણું જીવન અખંડ અને સંપૂર્ણ બને છે. અસાવધાન રહીને જીવનની અણમોલ ઊર્જાને નકામી ગણીને વેડફી દઈએ તો પરિણામ શૂન્યતા અને અંતે વ્યથા જ પ્રાપ્ત થાય. રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ પૂજ્ય મહારાજશ્રીએ ગ્વાલિયરમાં ૬ઠ્ઠી એપ્રિલ ૧૯૮૭ના રોજ આપેલા તાત્કાલિક પ્રવચનમાં આ મુજબ સલાહ સૂચનો આપેલાં છે.)

એક વિશાળ ગોચર જમીન છે. ત્યાં એક ગાય ખૂબ સુંદર ઘાસ ચરે છે. તે ક્ષણે તો તે ગાય ખૂબ સુખી અને સંતોષી (તૃપ્ત) દેખાય છે. પરંતુ બીજી જ ક્ષણે પાસે ચરતી ગાયનું ઘાસ તેને ગમવા માંડે છે. પહેલાં જે ઘાસ તે ચરતી હતી તેના જેવું સારું તે ઘાસ નથી. તેમ છતાં બીજી ગાય જે ઘાસ ચરે છે તે ઘાસ ખાવા માટે આ ગાય દોડે છે અને વિના કારણે પહેલાં જે સારું ઘાસ ખાતી હતી તે ગુમાવે છે. એના પ્રયત્નો આ રીતે નિષ્ફળ થતા જાય છે.

આપણી તમામ શક્તિઓ આમતેમ બધી દિશાઓમાં વેરવિખેર થએલી છે. કોઈપણ ચોક્કસ ધ્યેય સિવાયનું જીવન આપણે જીવી રહ્યા છીએ. અને એ પ્રકારે જીવન જીવવું એ પશુનું જીવન જીવવા સમાન છે. પશુઓ માત્ર ઇંદ્રિયોને જ અધીન રહીને જીવે છે અને પ્રત્યેક ક્ષણે એનો હેતુ બદલાતો રહે છે. આપણાં જીવનનો બધો પરિશ્રમ હંમેશાં નિષ્ફળતાને વરે છે. એનું કારણ એ જ છે કે જીવનના નિત્ય ટકી રહે એવા કોઈ ધ્યેયને આપણે અનુસરી શકીએ એવું અખંડ વ્યક્તિત્વ અને ચારિત્ર્ય ઘડવામાં આપણે બેદરકાર રહીએ છીએ. એવા અખંડ વ્યક્તિત્વને પ્રાપ્ત કરવા માટે આપણે આપણા જીવનની તમામ શક્તિઓને કામે લગાડી દેવી પડશે. આપણી જે વ્યક્તિગત લાક્ષણિકતાઓ છે અને જીવન પ્રત્યેનો આપણો જે અભિગમ છે એને જ અમે વ્યક્તિત્વ કહીએ છીએ. આપણા જીવનના પૂર્વકાળમાં આપણે જે જ્ઞાન અને અનુભવ મેળવીએ છીએ એનું જ એ પરિણામ છે. આ વિશ્વનું એક અવિભાજય અંગ બનવા માટે આપણે કેવો અને કેટલો પ્રયત્ન કરીએ છીએ અને આ વિશ્વમાં આપણું વર્તન ક્યા પ્રકારનું છે એના ઉપરથી આપણા વ્યક્તિત્વનું મૂલ્યાંકન થાય છે. જીવનના પ્રત્યેક તબક્કે કોઈક મહાન વિચારને અથવા તો કોઈક સર્વોચ્ચ આદર્શને વફાદાર રહે અને અન્ય નાના નાના ક્ષુદ્ર વિચારો એ પેલા એક જ સર્વોચ્ચ આદર્શને અથવા સર્વોચ્ચ વિચારને સહાયરૂપ અથવા તો એ સર્વોચ્ચ આદર્શ અથવા વિચારની સરખામણીમાં એનાથી ઓછા મહત્ત્વના એટલે કે તેનાથી ગૌણ બની જાય એવું વ્યક્તિત્વ તે સર્વાંગીણ વ્યક્તિત્વ.

વ્યક્તિત્વને સર્વાંગીણ બનાવવાની આવશ્યકતા:

બધાં જ વ્યક્તિત્વો કાંઈ સર્વાંગીણ હોતાં નથી. આનું કારણ એ જ છે કે જે રીતે વ્યક્તિત્વને આપણે કેળવીએ છીએ, ઘડીએ છીએ એ ઘડતર પદ્ધતિસરનું નથી હોતું. જેવું આપણું લક્ષ્ય એવી જ આપણા જીવનની ગતિ! જો આપણે આપણા ભૂતકાળમાં ડોકિયું કરીશું તો આપણને જણાશે કે બાલ્યાવસ્થાના જુદાજુદા તબક્કાઓમાં આપણાં કોઈ ચોક્કસ લક્ષ્ય, ઉદ્દેશ્ય કે તાલીમ હતાં નહિ. એક ક્ષણે આપણે કશુંક મેળવવા પ્રયત્ન કરતા તો વળી બીજી ક્ષણે કંઇક બીજું જ મેળવવા પ્રયત્ન કરતા હતા. બાળકનું મન હંમેશાં એ રીતે ડગુમગુ થતું હોય છે. એ ચંચળ હોય છે. એ કક્ષાએ એણે કોઈપણ પ્રકારનું સ્થિર વ્યક્તિત્વ ખિલવ્યું હોતું નથી. બાળક તરીકે આપણે શેની ઇચ્છા કરતા હોઈએ છીએ? કદાચ, કોઈ મીઠી વસ્તુ ખાવાની અથવા તો વડીલો આપણા માટે થોડાક માયાળુ શબ્દો કહે તેની. એમાંજ સર્વસ્વ આવી ગયું. બીજાં કોઈ લક્ષ્ય હતાં જ નહિ. પરંતુ જેમ-જેમ આપણો વિકાસ થતો ગયો તેમ-તેમ આપણી પસંદગીમાં વિવિધતા આવી. આપણી ઇચ્છાઓ ભિન્ન-ભિન્ન પ્રકારની થતી ગઈ અને આપણી એ ઇચ્છાઓની પૂર્તિ આપણે કરી શકીએ તે માટે આપણા પ્રયત્નોમાં પણ ભિન્નતા આવતી ગઈ. માત્ર મીઠી ચીજવસ્તુઓ ખાવાની કે રમકડાંથી રમવાની બાલસહજ ઇચ્છાઓ માત્રથી આપણને હવે સંતોષ થતો નથી. આપણી પાસે વધુમાં વધુ ટકી રહે એવી ચીજવસ્તુઓ આપણને જોઈએ છે. સમાજમાં આપણને પ્રતિષ્ઠા જોઈએ છે; આપણા બરોબરિયામાં આપણી કદર થાય એવી આપણે ઇચ્છા રાખીએ છીએ; આપણાથી ગૌણ ગણાતા લોકો પાસેથી આપણે માનની અપેક્ષા રાખીએ છીએ અને આપણા જ સમુદાયના અન્ય સભ્યોથી આપણને ઊંચા ગણવામાં આવે એવી ઇચ્છા થાય છે. આપણે શારીરિક રીતે પણ જેમ-જેમ મોટા થતા જઈએ છીએ તેમ-તેમ આ પ્રકારની અપેક્ષાઓ જ ક્રમે-ક્રમે આપણા મનમાં ઉત્પન્ન થયા કરતી હોય છે. પરંતુ આ બધા વિકાસને અંતે પણ આપણું વ્યક્તિત્વ તો સંપૂર્ણતયા અખંડ બનતું નથી. આપણી આશાઓ અને આપણા પરિશ્રમ ઘણીવાર નિષ્ફળતામાં પરિણમે છે. આમ બનવાનું કારણ એ જ છે કે આપણે આપણી શક્તિઓને એકત્રિત કરવાના પ્રયત્નો કરતા નથી. આપણે આપણું જીવન કોઈક સર્વોચ્ચ ધ્યેયને સમર્પિત કર્યું નથી. કોઈ ઉચ્ચ હેતુઓ, કોઈ ઉચ્ચ લક્ષ્યોને જો આપણા સ્મરણપટમાં રાખીને એને માટે જ જો આપણે જીવન જીવવાનું રાખીશું નહિ તો આપણું જીવન ખોખલું બની જશે. આપણો સમય વિવિધ પ્રકારની ધ્યેયશૂન્ય પ્રવૃત્તિઓમાં બરબાદ થઈ જાય છે. આપણા જીવનના સર્વોચ્ચ લક્ષ્યના સંદર્ભમાં એ ક્ષુદ્ર લક્ષ્યોનું મહત્ત્વ તો સાપેક્ષ જ છે, એની બરાબર સમજણ જ આપણને નથી. કેટલીક વાર આપણને એવું જોવા મળે છે કે જે માણસ પોતાની પહેલાંની જિંદગીમાં જ સફળ જીવન જીવ્યો હોય એને જીવનને અંતે એમ લાગતું હોય કે એનાં બધાં વર્ષો પાણીમાં ગયાં! એનું કારણ બહુ સ્પષ્ટ છે. એ વખતે એણે જેને જીવનના ઉદ્દેશો તરીકે માન્યા હતા, જેને જીવનના લક્ષ્ય તરીકે સ્વીકાર્યું હતું, એ બધું તો હવે માત્ર બાલસહજ રમત જ લાગે છે. જયારે આપણને આવું થાય ત્યારે આપણે એનો એવો અર્થ કરવો જોઈએ કે આપણને જે અમૂલ્ય સમય મળેલો એને આપણે નકામો ગણીને વેડફી નાખ્યો છે. સમય તો પરિવર્તનશીલ છે અને એકસરખી દિશામાં વહ્યા જ કરે છે. એ પસાર થઈ જાય છે અને ફરી પાછો કદી આવતો નથી. બાલ્યાવસ્થાની આપણી જિંદગીના આપણા દિવસો આપણે આંગળીનાં ટેરવે ગણી શકીએ છીએ. ત્યાર પછી આવી યુવાની. યુવાનીમાં આપણો વિકાસ સારી પેઠે થયેલો હોય છે. અને ત્યારે આપણી જવાબદારીઓનું આપણને ભાન હોય છે. જો આપણે એ જવાબદારી સ્વીકારીએ નહિ અને એ અદા કરવાનો પ્રયત્ન પણ કરીએ નહિ તો આપણને સાવ નકામા માણસ તરીકે ગણવામાં આવશે. અને સમાજ જીવનમાં જીવવા માટે ગેરલાયક માણસોમાં આપણે ખપીશું. આથી આપણાં મનમાં આપણે ખૂબ સ્પષ્ટ હોવા જોઈએ કે આપણે આપણા જીવનમાં કઈ વસ્તુ વધારેમાં વધારે મેળવવાની ઇચ્છા રાખીએ છીએ. એ બાબતની પ્રતીતિ આપણને હોવી જ જોઈએ અને એ પ્રતીતિ યોગ્ય અને સંપૂર્ણ વિચારણાને અંતે થયેલી હોવી જોઈએ. વળી, સાથે સાથે બુદ્ધિને સુસંગત હોય એ રીતે નક્કી થએલી હોવી જોઈએ.

એક જ વસ્તુ અથવા પદાર્થ માટે જ વિવશતાપૂર્વક જીવન જીવતા હોય તેવા માણસોને એકોન્માદી કહેવામાં આવે છે. એકોન્માદી માણસ એક જ વિચારથી ઘેરાયેલો હોય છે, અને જેમ સાધારણ લોકો વર્તે એ રીતે આવા એકોન્માદી માણસો બીજાઓ સાથે વર્તન કરી શકતા નથી. અન્ય લોકો સાથેના વ્યવહાર માટે તેમની પાસે એકેય દિશા ખુલ્લી હોતી નથી. અને બેશક એ જ અવ્યવસ્થિત વ્યક્તિત્વની નિશાની છે. આવા એકોન્માદી માણસ એક જ વિચારને વળગેલા રહે છે, જે એના ઉપર આધિપત્ય જમાવે છે અને એને નષ્ટપ્રાય પરિસ્થિતિએ પહોંચાડે છે; એની સરખામણીમાં સર્વાંગીણ વ્યક્તિત્વ ધરાવતો માણસ ખૂબ સ્વસ્થ હોય છે, જે કોઈ પદાર્થમાં નહિ પણ જીવનનાં જ કોઈ આદર્શમાં ક્રમે ક્રમે દૃઢ વિશ્વાસ ધરાવતો જઈ જાય છે. અને એ આદર્શ પ્રમાણે પૂરા અંત:કરણપૂર્વક અને ભાવનાપૂર્વક જીવન જીવવાનો સફળતાપૂર્વક પ્રયત્ન કરે છે. જેમ જેમ એ પરિપક્વ થતો જાય છે તેમ-તેમ સર્વાંગીણ વ્યક્તિત્વ ધરાવતા માણસના વિચારો વધુ ને વધુ સ્પષ્ટ અને સંતુલિત થતા જાય છે, અને જીવનના એક ઉત્કૃષ્ટ લક્ષ્યને એક જ ધ્યેય તરીકે વિચારતો થઈ જાય છે, અને એના જીવનમાં બીજી બધી જ વસ્તુઓનું સ્થાન ગૌણ બની જાય છે.

સર્વાંગીણ વ્યક્તિત્વના વિકાસની પ્રક્રિયા:

હવે આપણે એ જોઈએ કે આ પ્રકારનું સર્વાંગીણ વ્યક્તિત્વ કેવી રીતે વિકસિત થઈ શકે? દેખીતી રીતે એ એક મહાન શોધનો વિષય છે. પ્રથમ તો આપણે જીવનને કાળજીપૂર્વક વિચારવું પડશે. જીવનનાં વિવિધ પ્રકારનાં મૂલ્યો અને આદર્શો તથા તેમના પરસ્પરના સંબંધોનું સાપેક્ષ મહત્ત્વ શું છે તેની ધ્યાનપૂર્વક વિચારણા કરવી પડશે. તેથી કેટલીક બાબતો એવી હોવી જોઈએ જેમાં આપણને પ્રાસંગિક અભિરુચિ હોય. કેટલીક બાબતો વધારે મહત્ત્વની હોય છે અને તેની પ્રાપ્તિ માટે આપણે વધારે કાર્યશક્તિ કામે લગાડવી જોઈએ. અને આ બધું હોવા છતાં પણ આપણા જીવનમાં કોઈ મહાન અને અંતિમ ઉદ્દેશ હોવો જોઈએ. આ સર્વોચ્ચ ઉદ્દેશ કયો હોવો જોઈએ, એનો સ્પષ્ટ ખ્યાલ આપણને શરૂઆતમાં ન પણ હોય પરંતુ આપણે નિત્ય વિચારશીલ રહેવું જોઈએ અને શ્રદ્ધા રાખવી જોઈએ કે એ આપણી સામે કોઈક ક્ષણે પ્રકટ થશે જ. પરંતુ આપણે ઉંમરમાં જેમ-જેમ વધતા જઈશું તેમ-તેમ એની સ્પષ્ટ સમજણ આપણામાં પરિપક્વ થતી જશે અને એ સર્વોચ્ચ ઉદ્દેશને સૌ પ્રથમ સ્થાન કઈ રીતે આપવું અને બીજી બધી બાબતોને સહાયક અને ગૌણ સ્થાન કેવી રીતે આપવું એ આપણને આવડી જશે. ત્યાર પછી આપણે ઉત્કૃષ્ટ બાબત માટે સંઘર્ષ કરીશું. આ અતિ મહત્ત્વનો નિર્ણય છે જે દરેકે દરેક માણસે કરવો જોઈએ. આપણે શરૂઆતથી જ સાચા નિર્ણયો કરતા હોઈએ છીએ એવું હંમેશાં બનતું નથી અને આગળ કહેવાઈ ગયું તેમ આપણા વિચારો બદલાતા રહે છે અને આપણા જીવનનો અંતિમ ઉદ્દેશ અત્યારે ને અત્યારે સ્પષ્ટ ન પણ હોય. પરંતુ આપણા ધ્યેય તરફ આપણે કેવી રીતે આગળ વધવું તેની થોડીક સમજણ હોવી જોઈએ અને થોડોક વિચાર એ દિશામાં હોવો જોઈએ.

જે ઔચિત્યપૂર્ણ હોય અને ખરેખરા અર્થમાં આપણું સંરક્ષણ કરી શકે તેવું તત્ત્વ હોય, એવા આપણા જીવનના સર્વોચ્ચ તત્ત્વની ખોજ આપણે જીવનમાં ડગલે ને પગલે કરવી જોઈએ. કોઈપણ આદર્શ વગરનું જીવન તો દિશાસૂચન કરનારા સુકાન વગરની નાવ જેવું છે. સુકાન વગરની નાવ પ્રવાહની સાથે સાથે વહી જશે અને કદીપણ લક્ષ્યબિંદુએ પહોંચશે નહિ. જો આપણે કોઈ ધ્યેય સિદ્ધ કરવું હોય તો તે આપણી પાસે આવે ત્યાં સુધી આપણે બેસી રહેવું જોઈએ નહિ. આપણી જાતને આપણે એ ધ્યેય પ્રતિ લઈ જવી પડે. સારું ચારિત્ર્ય અને વ્યક્તિત્વ પણ આપણે એ જ પ્રમાણે કેળવવું પડશે જેથી આપણા અસ્તિત્વની પ્રત્યેક ક્ષણ યોગ્ય પરિણામલક્ષી અને હેતુલક્ષી સિદ્ધ થાય. આપણે એ નિર્ણય કરી લેવો પડશે કે આપણી એક પણ ક્ષણ નકામી ન જવી જોઈએ. એને બદલે આપણી તમામ શક્તિઓને આપણા જીવનનાં ધ્યેયો સિદ્ધ કરવા તરફ વાળી દેવી પડશે. જે માણસે પોતાની શક્તિઓને બાલ્યકાળથી જ એકાગ્ર કરી છે અને પોતાનું સર્વાંગીણ વ્યક્તિત્વ અને જીવન જેણે વિકસાવ્યું છે એ માણસ ખરેખર નસીબદાર વ્યક્તિ છે. પરંતુ દુર્ભાગ્યે આપણે બધા એવા નસીબદાર નથી.

(ક્રમશ:)

ભાષાંતર : શ્રી વાલ્મીકભાઈ દેસાઈ

(‘પ્રબુદ્ધ ભારત’ નવેમ્બર ૯૧માંથી સાભાર)

Total Views: 269

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.