(ગતાંકથી ચાલુ)

(શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી.)

હું એક બીજી વાત કરીશ. શ્રી શ્રીમા શારદાદેવીએ કહ્યું છે, “બધાય એવું કહે છે કે ઈશ્વરની કૃપા સિવાય તેઓ કાંઈ પણ કરી શકે એમ નથી એમ તેઓ માને છે.” આ તો એક પોપટ બોલી જાય એવી વાત થઈ. હું ચેરાપૂંજી ગયો ત્યારે મેં એક પક્ષી (Mayna) જોયું. એ “રામકૃષ્ણ” “રામકૃષ્ણ” એમ ઈશ્વરનું નામ બોલ્યા કરતું હતું. પરંતુ એને પણ ભય તો લાગે જ છે. જો એની પાસે એક બિલાડી આવે તો પછી “રામકૃષ્ણ”નું નામ જતું રહે. પછી તો એ પોતાનો સ્વાભાવિક અવાજ જ કાઢશે. આ જ પ્રમાણે આપણે પણ કહ્યા કરીએ છીએ કે આપણે તો બધું શ્રીરામકૃષ્ણ ઉપર, ઈશ્વર ઉપર બધું છોડી દીધું છે. અમારામાં કાંઈ પણ કરવાની શક્તિ નથી. આ તો પોતાની જાતને છેતરવાની વાત થઈ. શ્રી શ્રીમા શારદાદેવી કહેતાં, બધા લોકો “કૃપા” “કૃપા” એમ કહ્યા કરે છે. પરંતુ કૃપા શું કરી શકશે? કૃપા તો કશું જ કર્યા વગર પાછી ફરે છે. શા માટે હું અને કહ્યું જ કર્યો કૃપા કરીએ છીએ તે વ્યક્તિ એ કૃપાને ઝીલવા માટે શક્તિમાન હોતી નથી; એ ઝીલી શકતી નથી. અને તેથી કૃપા પાછી આવતી રહે છે. અને આથી આપણે સાધનાનું આચરણ કરવાની જરૂર છે; તેમ નહિ કરીએ તો કૃપા આપણને મળશે નહિ. આપણા આધ્યાત્મિક માર્ગમાં, ઈશ્વર-પ્રતિ સંપૂર્ણ શરણાગતિ એ આધ્યાત્મિક સાધનાનો એક ભાગ છે; ઈશ્વરના ચરણામાં આપણે શરણું લેવું જોઈએ. જો આપણે એ કરી શકીએ તો પછી એ બરાબર જણાશે. ત્યાર બાદ જ આપણને એની કૃપા દ્વારા પરમાત્માની ઝાંખી થશે. એક ઉપનિષદમાં એક શ્લોક છે, જેનું અર્થઘટન બે રીતે થાય છે. એક અર્થ છે, “જેમના ઉ૫૨ આત્મા કૃપા વર્ષાવે છે તેઓને પરમાત્માનો સાક્ષાત્કાર થશે.” બીજો અર્થ છે “જે વ્યક્તિ આત્માને પ્રેમ કરે છે (ચાહે છે) તે આત્મતત્ત્વને પ્રાપ્ત કરે છે.” શ્રી શંકરાચાર્ય એનો એક અર્થ કરે છે અને શ્રી રામાનુજાચાર્ય એનો બીજો અર્થ કરે છે. જ્યારે હકીકત એ છે કે જેના ઉપર ઈશ્વરના આશીર્વાદ ઉતરે, તેને સાક્ષાત્કાર થશે. શ્રીરામકૃષ્ણ પણ કહેતા, “આપણે ઈશ્વરની કૃપા વગર કાંઈ પણ કરી શકતા નથી.” એક ભજનમાં પણ એ જ પ્રમાણે ઉલ્લેખ છે, “ઓ મા! તું જ્યાં સુધી અમને જણાવીશ નહિ ત્યાં સુધી અમે તને કેવી રીતે ઓળખી શકીશું?” આ તદૃન બરાબર છે. પરંતુ પરમાત્મા કોણ છે? કેવી રીતે આપણે એને ઓળખી શકીએ? આ બધું જાણવા માટે આધ્યાત્મિક સાધનાનું આચરણ કરવાનો પ્રયત્ન જ કર્યો નથી અને છતાં પણ આપણે એમ કહીએ છીએ કે ઈશ્વર એ જ અમારા જીવનનો ઉદ્દેશ છે – આ નહિ ચાલે. આપણે આપણી ક્ષમતા પ્રમાણે આધ્યાત્મિક સાધના કરવી જોઈશે અને ત્યાર પછી જ એના (પરમાત્માના) દ્વાર પાસે જવાનું છે અને ખરેખર ત્યારે જ આપણને એનાં દર્શન થશે, એની કૃપાની ઝાંખી થશે.

બાઈબલમાં એક દૃષ્ટાંતકથા છે. કેટલીક નવવધૂઓ દીવો લઈને પોતાના જ વરની રાહ જોતી હતી. પરંતુ આમાંની કેટલીક ઊંઘી ગઈ હતી. જ્યારે વર આવ્યા ત્યારે તે નવવધૂઓને પોતાના વરના આગમનની ખબર પડી નહિ. એવી જ રીતે આપણે આધ્યાત્મિક સાધના નહિ કરીએ તો આપણને એની (પરમાત્માની) કૃપા પ્રાપ્ત થશે નહિ. આ વાત આપણે ધ્યાનમાં રાખવી પડશે. જ્યારે આપણે અભ્યાસ કરીએ ત્યારે ઈશ્વરે આપણને જેટલી શક્તિ આપી છે એ તમામ શક્તિનો આપણે ઉપયોગ કરવો જોઈએ. જ્યારે આપણે એ પ્રમાણે કરીશું ત્યારે આપણને એની (પરમાત્માની) કૃપા પ્રાપ્ત થશે, અને એના તરફથી વધુ બળ પણ મળશે. વધુમાં, આપણને લાગે વળગે છે ત્યાં સુધી આપણે આધ્યાત્મિક સાધનામાં બેદરકાર રહેવું જોઈએ નહિ. આટલા માટે હવે ઈશ્વરની કૃપાની બાબતને ભૂલી જાઓ. પ્રારંભમાં જે કરવાની આવશ્યકતા છે એ તો આપણી પોતાની કૃપા. જો આપણે આધ્યાત્મિક સાધના નિખાલસતાથી કરીશું અને આપણી માગણીઓ માટે એના (પરમાત્મા) ઉપર દબાણ કરીશું, તો એની કૃપા જરૂર વરસશે, તે સિવાય એ શક્ય જ નથી. આ હકીકતને બધા સાધકોએ યાદ રાખવાની છે.

સાધકે કોઈ પણ દિવસ નિરાશ થવાની જરૂર નથી. નિરાશા આપણને આગળ પ્રગતિ કરવા દેશે નહિ. શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભગવદ્ગીતામાં યાગ અભ્યાસ વિષે અર્જુનને કહ્યું છે. આ અભ્યાસ કેવી રીતે કરવો? ગીતા કહે છે, “યોક્તવ્યો યોગો અનિર્વિણ્ણ ચેતસા.” હૃદયમાં ઉદાસીનતાના કોઈપણ ભાવથી અશાંત થયા સિવાય આ અભ્યાસ કરવાનો છે. આ ખૂબજ સાચી વાત છે. જો તમે એ પ્રમાણે કરો તો તમે યોગાભ્યાસ કરો છો એમ કહી શકાય. આ માર્ગે જ તમે આગળનો વિકાસ સાધી શકો. જો તમે નિરાશ બનો અને વિચારો કે, “મને કાંઈ મળતું તો નથી. મને શું થયું છે? મારું ભવિષ્ય શું હશે? – વગેરે વગેરે.” તો એવા નકારાત્મક વિચારો તમને સહાયરૂપ થવાના નથી. જેમ શ્રીરામકૃષ્ણે કહ્યું છે, “મેં ઈશ્વરના નામનો જાપ કર્યો છે. મેં એના ચરણમાં શરણ લીધું છે. તો પછી મને એનો સાક્ષાત્કાર શા માટે ના થાય? મને ચોક્કસ એનાં દર્શન થશે જ.” તમે પણ આવી હકારાત્મક વિચારસરણી રાખો અને તો જ તમે પછી સફળ થશો.

દરેક માણસ પોતાને સૂઝે એ રસ્તે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કર્યા કરે છે. આપણી આધ્યાત્મિક સાધના આપણા ઉપર જ અવલંબે છે. આ બાબત બરાબર ધ્યાનમાં રાખવાની છે. આપણે જીવનને આરે ઊભા હોઈએ ત્યારે જો આપણે આધ્યાત્મિક સાધના કરીશું તો તે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા માટે બહુ સહાયરૂપ નહિ નીવડે. ઈશ્વરે આપણને બધાંને એવી ખાતરી નથી આપી કે જો આપણે એના નામનો જપ એક લાખ વાર કરીશું અથવા એટલા કલાકો એનું ધ્યાન ધરીશું તો એ આપણી સામે પ્રત્યક્ષ આવીને ઊભા રહેશે. એવું કશું છે જ નહિ. એ તો એની ઇચ્છા થશે ત્યારે જ આવશે. આપણે આ બધામાંથી કાંઈ પણ નહિ કરીએ તો એ પણ આપણા ઉપર રાજી રહેશે નહિ એ વાત પણ સાચી નથી. બંને વાતમાં સત્ય તો છે જ એ આપણે યાદ રાખવું જોઈએ. આપણે બધું એના ઉપર જ છોડી દીધું છે એમ વિચારીને આપણે આપણી જાતને છેતરવી જોઈએ નહિ. આપણે કદી એમ ન કહેવું જોઈએ કે, “એની કૃપા સિવાય અમે કશું જ કરી શકીએ એમ નથી.” આવા વિચારોને આપણા જીવનમાં, આપણા ધાર્મિક જીવનમાં કોઈપણ સ્થાન હોવું જોઈએ નહિ.

ભાષાંતર: શ્રી વાલ્મીકભાઈ એમ. દેસાઈ

Total Views: 233

One Comment

  1. Nagar Hiteshkumar Babulal May 20, 2022 at 2:09 pm - Reply

    કર્મ સાધના એ જ કૃપા

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.