જ્યાં લગી

જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્ત્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી,
મનુષ દેહ તાહરો એમ એળે ગયો, માવઠાંની જેમ વૃષ્ટિ વૂઠી.

શું થયું સ્નાન, સેવા ને પૂજા થકી, શું થયું ઘેર રહી દાન દીધે,
શું થયું ધરી જટા, ભસ્મ લેપન કરે, શું થયું વાળ લોચન કીધે.

શું થયું તપ ને તીરથ કીધા થકી, શું થયું માળ ગ્રહી નામ લીધે,
શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી, શું થયું ગંગજલ પાન કીધે.

શું થયું વેદ વ્યાકરણ વાણી વદે, શું થયું રાગ ને રંગ જાણે,
શું થયું ખટદર્શન સેવા થકી, શું થયું વરણના ભેદ આણે.

એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા આત્મારામ પરબ્રહ્મ ન જોયો,
ભણે નરસૈંયો કે તત્ત્વદર્શન વિના, રત્નચિંતામણિ જન્મ ખોયો.

– નરસિંહ મહેતા

રત્નચિંતામણિ જન્મનો મહિમા

મોટા ભાગના કવિઓ હદના હોય છે: કોઈ વિરલ કવિ અનહદનો બની શકે છે. નરસિંહ અનહદનો કવિ છે. એની વાણીમાં અનુભૂતિનો રણકો છે: પાંચસો વરસ પહેલાં એક માનવીએ પોતાના મન સાથે વાત કરતાં કાઢેલો ઉદ્ગાર, જાણે આજેયે એ માનવી આપણી સાથે વાત કરતો હોય એટલો જીવંત છે. આ જીવંત ઉદ્ગારને જ અમર કવિતા કહેવાય. બાકી બધું તો શબ્દ, શબ્દ અને શબ્દ જ છે.

ધર્મ સામે નરસિંહની મોટી ફરિયાદ એ છે કે એ ક્રિયાકાંડમાં અટવાઈ ગયો છે. ધર્મનો આચાર અને વ્યવહાર જગતનું કર્તવ્ય એ બંને જુદી જુદી ભૂમિકાના હોય એ રીતે માણસ વર્તે છે. મુખમાં વેદાન્તની વાત હોય અને આચરણમાં અપ્રમાણિકતા તો એમાં વિસંગતિ ન દેખાય. માણસ સાધના તો કરે છે, પણ કોની સાધના કરે છે તે વિશેની સભાનતા નથી. આખોયે ક્રિયાકાંડ ચાલ્યા કરે છે. પણ તેના કેન્દ્રમાં ભગવાન હોવા જોઈએ; એ ન હોય તો બધું જ નિરર્થક બની જાય છે. હિંડોળાનાં દર્શન ગોઠવો, અને ફૂલ હિંડોળામાં જેને ઝુલાવવાના છે એ મૂર્તિ જ અદૃશ્ય થઈ જાય તો કેવું લાગે?

આત્મા સાચા તત્ત્વને જાણતો નથી, ત્યાં સુધી તેની સાધના આટલી જ ખોટી છે. માવઠું થાય અને જેમ વરસાદ પાક સુધારવાને બદલે પાક વણસાડી બેસે, એમ સાચી સાધના ન કરી શકનાર માનવીનો જન્મ પણ એળે જતો હોય છે.

નરસિંહને પોથી-પંડિત સામે ચીડ છે. અન્યત્ર પણ તેણે કહ્યું છે: ‘પંડિતા પાર પામે ન પોથે’ અને આગળ “ત્યાં ભૂખ ભાંગે નહીં ઠાલી ઓથે.” મૂળ તત્ત્વ સાથેનું અનુસંધાન ન હોય અને માત્ર ક્રિયાકાંડ કરીએ તો એ ઠાલી થોથાં વડે ભૂખ ભાંગવા જેવું કહેવાય.

આ ક્રિયાકાંડની યાદી જ નરસિંહ આપે છે.

કોઈ ઉત્સાહી નવ-વિવેચક એમ પણ કહી બેસે કે આવી મોટી યાદી આપવા જતાં કવિતા અટવાઈ ગઈ છે. પણ નરસિંહ આપણે કહ્યું તેમ અનહદનો કવિ છે. એ આ યાદી દ્વારા જ કવિતા સિદ્ધ કરે છે : સ્નાન, સેવા, પૂજા, દાન વગેરે ગૃહસ્યના ધર્મો છે. જટા, ભસ્મ કે લુંચન કરાવેલા કેશ જોગી કે જતિનાં લક્ષણ છે; તપ, તીરથ, માળા, તિલક, તુલસી, ગંગાજળ, વેદ-વ્યાકરણ, ષડદર્શન, વર્ણાશ્રમધર્મ, આ બધા ઈશ્વરને પામવાના માર્ગની જ સામગ્રી છે: છતાં જેમ કૃષ્ણ વિનાનો ફૂલહિંડોળો સૂનો લાગે, કોઈ એનાં દર્શને પણ ન આવે, એમ સાચી પ્રતીતિ વિનાની આ બધી સામગ્રી તો કુલપુરોહિતોએ પોતાનો દાપો ચાલુ રહે તે માટે ચલાવેલા પ્રપંચ જ છે: આ બધું નકામું છે, જો તત્ત્વદર્શન ન હોય તો અને જો તત્ત્વદર્શન મળે તો આ સ્નાન, સેવા, પૂજા, જટા, ભસ્મ, લુંચિત કેશ-આ બધાનો મહિમા છે.

આ મહિમા વધારતાં આવડે-પરિબ્રહ્મની ઓળખ પ્રાપ્ત થાય એમાં જ સાર્થકતા છે. જો એ ઓળખ ન મળે તો આપણી બધી જ સાંસારિક વગ, સાંસારિક પ્રતિષ્ઠા કે શ્રી – આ બધું જ વ્યર્થ છે: આ રત્નચિંતામણી જન્મ પણ જ્યારે વરસવું જોઈએ ત્યારે ન વરસતા અને ખપ ન હોય ત્યારે ઠલવાઈ જતા માવઠા જેવો છે.

Total Views: 239

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.