રામકૃષ્ણ મિશનની સર્વ સેવા કલ્યાણ પ્રવૃત્તિઓ (૧૯૯૨-૯૩)

‘આત્મનો મોક્ષાર્થં, જગત્ હિતાય ચ’ના આદર્શને વરેલ રામકૃષ્ણ મિશનની ૧૯૯૨-૯૩ના વર્ષની ૮૪મી સામાન્ય સભા ૧૯મી ડિસેમ્બર રવિવારના સાંજે ૩.૩૦ કલાકે બેલૂરમઠમાં રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજના અધ્યક્ષસ્થાને મળી હતી.

આ વર્ષ દરમિયાન આંદામાનના પાર્ટ બ્લેયર અને પશ્ચિમ બંગાળના સિકરાકુલીન ગામમાં નવાં કેન્દ્રો શરૂ થયાં. રાજમંદ્રી કેન્દ્રમાં ઍલોપથી દવાખાનું અને વિશાખાપટનમમાં નિષ્ણાત ડૉક્ટરોની ચિકિત્સા સેવા શરૂ કરવામાં આવી.

માનવકલ્યાણના આદર્શ સાથેની ઉત્કૃષ્ટ સેવા કલ્યાણ પ્રવૃત્તિઓ માટે રામકૃષ્ણ મિશનને શ્રી જી. ડી. બિરલા રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયો છે. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ૧૯૯૨ની સાલનો રાષ્ટ્રીય શિશુ કલ્યાણ પુરસ્કાર પુરુલિયા વિદ્યાપીઠ, પશ્ચિમ બંગાળને આપવામાં આવ્યો છે.

રામકૃષ્ણ મિશને દેશનાં ભિન્ન-ભિન્ન ક્ષેત્રોમાં માનવ સેવા કલ્યાણ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. આ સેવા પાછળ ૪૫ લાખ રૂપિયા વાપરવામાં આવ્યા. ગરીબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિરૂપે આર્થિક સહાય, વૃદ્ધ-અસહાયની સહાય માટે રૂ. ૧.૩૧ કરોડ વાપરવામાં આવ્યા છે. ૯ ચિકિત્સાલય, ૭૯ ઔષધાલયો દ્વારા ૪૪ લાખ દર્દીઓની સેવા પાછળ ૮.૬૧ કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા હતા.

રામકૃષ્ણ મિશનની શૈક્ષણિક સંસ્થાઓનું પરિણામ દર વર્ષની જેમ ઉત્કૃષ્ટ રહ્યું. દેશભરની મિશનની શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ૧.૬૯ લાખ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ૨૮ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. રામકૃષ્ણ મિશનની વિભિન્ન ગ્રામીણ અને આદિવાસી વિકાસ પરિયોજના પાછળ ૩.૩૬ કરોડ રૂપિયા વા૫૨વામાં આવ્યા. રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના વિદેશના કેન્દ્રોમાં ધર્મસંસ્કૃતિના કાર્યક્રમો યોજાતા રહ્યા હતા. રામકૃષ્ણ મઠનાં ૮૧ અને રામકૃષ્ણ મિશનનાં ૭૬ કેન્દ્રો દેશ-વિદેશમાં કાર્યરત છે.

શિકાગોમાં ધર્માચાર્યોની વિશ્વધર્મપરિષદ – ૧૯૯૩

(ન્યૂયૉર્ક ટાઈમ્સના ૩૦ ઑગસ્ટ ૧૯૯૩ના અંકના પ્રથમ પાને
પ્રસિદ્ધ થયેલ પીટર સ્ટૅનફિલ્મનો વિશેષ અહેવાલ)

ઑગસ્ટના અંતિમ સપ્તાહમાં શિકાગોમાં યોજાએલી ૧૯૯૩ની વિશ્વધર્મ પરિષદનું વાતાવરણ વિવિધ ધર્મોના પ્રાર્થનામંત્રોના દિવ્યસૂરોથી ગૂંજી ઊઠયું. શનિવારે શિકાગોના રોમન કૅથૉલિક ચર્ચના આર્કબિશપ અને બીજા ધૂરંધરોની આઠેય દિવસની પ્રાર્થના અને ધર્મસભાઓનો ૬૦૦૦ જેટલા ભાવિકજનોએ અનન્ય લ્હાવો લીધો. આજના સમાજમાં હિંસા, આતંક અને એઈડઝ જેવા ભયંકર રોગોનો સામનો કરવા આ બધા ધર્મો એક થઈને કેવું કાર્ય કરી શકે તેની ચર્ચા થઈ હતી.

આર્ટ ઈન્સ્ટિટયૂટ ઑફ શિકાગોમાં યોજાએલી ૧૮૯૩ની વિશ્વધર્મપરિષદમાં ૩૦ વર્ષના ભારતના યુવાન સંન્યાસી સ્વામી વિવેકાનંદના આ શબ્દો હજુયે જાણે કે ગૂંજે છે: “ધર્માંધતા, સાંપ્રદાયિકતા, મંદિર-મસ્જિદની ચર્ચા-ની ચિન્તા ન કરશો. માનવની ભીતર રહેલી દિવ્ય આધ્યાત્મિકતાની તુલનામાં એ બધાં નગણ્ય છે” અને એટલે જ ડૉ. બાર્નેએ ધર્માચાર્યોને હાર્દિક વિનંતી કરતાં કહ્યું: “આપણે સૌ દૂરંદેશી વિહોણી – આંતરદૃષ્ટિ વિનાની માનવ-જાતિ છીએ”. હવે આજની વૈજ્ઞાનિક આર્થિક વાસ્તવિકતાઓને સામે રાખીને આ સમગ્ર વિશ્વ માટે એક નવા સ્વપ્નને જગાડવાની જરૂર છે. સપ્તાહના અંતે ૫૦૦૦ શબ્દોમાં લખાયેલ “Declaration of Global Ethic” નામનો મુસદ્દો બહાર પાડવામાં આવ્યો.

આ વિશ્વધર્મપરિષદનાં મુખ્ય આકર્ષણ હતાં, બૌદ્ધ, હિન્દુ સ્વામીઓના પ્રાર્થનામંત્રો, ઈસ્લામની અને શીખોની બંદગી જરથ્રોસ્ટી, બહાઈ, થિયૉસૉફિસ્ટની પ્રાર્થના વગેરે. આ બધાએ જાણે કે એક દિવ્ય વાતાવરણ ઊભું કરી દીધું હતું.

આ ધર્મપરિષદમાં શિકાગોના આર્કબિશપ ઉપરાન્ત સુખ્યાત ભૌતિકશાસ્ત્રી ડૉ. જિરાલ્ડ બાર્ને, દલાઈ લામા, રેવ. હેન્સકુંગ, વેટેકિનના પ્રતિનિધિ ફાન્સૅસ્કૉ ગોઈયા, રસેલ નેલ્સન, ઈમામ મુસ્તફા શેરિક, વિયેટનામના બૌદ્ધ સાધુ થી ચ ન્હાટ હાં, ઈમામ વૅરિથ ડીન મોહમ્મદ, યહૂદી ધર્મના પ્રતિનિધિ સર સિગ્મંડ સ્ટર્નબર્ગ અને ઈઝરાયેલના રબ્બી ઍમિલ ફ્રેકન હેઈમ તથા મધર ટૅરૅસા વગેરેએ ભાગ લીધો હતો.

રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા સ્વામી વિવેકાનંદ વિશ્વ ધર્મપરિષદ શતાબ્દી ઉજવણી

બૉસ્ટન અને પ્રૉવિડન્સ (અમેરિકા): અમેરિકાના મૅસૅચ્યુસેટસ રાજ્યનું મુખ્ય શહેર બૉસ્ટન અને રહૉડ આઈલેંટ રાજ્યનું મુખ્ય શહેર પ્રૉવિડન્સ બંને સોએક કિલોમિટરને અંતરે આવેલાં છે. બૉસ્ટનની રામકૃષ્ણ-વેદાંત સોસાયટીનું અને પ્રૉવિડન્સની વેદાંત સોસાયટીનું સંચાલન સ્વામી સર્વગતાનંદજી છેલ્લાં પચ્ચીસેક વર્ષોથી કરે છે. શિકાગોમાં થયેલા સ્વામી વિવેકાનંદના પ્રાગટ્યની શતાબ્દી બંને કેન્દ્રોમાં એક સાથે ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી.

એ શતાબ્દી નિમિત્તે શિકાગોમાં સપ્ટેમ્બરમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેવા માટે ખાસ ગયેલા શ્રીરામકૃષ્ણ મઠના ઉપાધ્યક્ષ સ્વામી ગહનાનંદજી મહારાજે તારીખ પાંચમી ઑક્ટૉબર, ૧૯૯૩ને મંગળવારે સાંજે ‘શ્રીરામકૃષ્ણનો સંદેશ’ એ વિષય પર પ્રવચન આપ્યું હતું. તારીખ ૧૦મી ઑક્ટૉબરને રવિવારે સાંજે વેદાંત સોસાયટીના ખીચોખીચ ભરેલા સભાગૃહમાં ગહનાનંદજી મહારાજે બીજું પ્રવચન આપ્યું હતું. તેનો વિષય હતો: ‘વિશ્વને વિવેકાનંદનો સંદેશ’. તે સાંજે બીજા વક્તા હતા ન્યુયૉર્કના રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્રના અધ્યક્ષ સ્વામી આદીશ્વરાનંદજી. ‘છેલ્લાં સો વર્ષમાં વેદાંત કાર્ય’ વિશે તેમણે માર્મિક પ્રવચન આપ્યું હતું. ઘણાં વરસોથી અમેરિકા વસતા હોઈ આદીશ્વરાનંદજીએ અમેરિકનો સમજે તેવી ભાષામાં જણાવ્યું હતું કે વેદાંતને ઘેર-ઘેર, ગામડે-ગામડે લઈ જવું જોઈએ. ઉત્તર કૅલિફોર્નિયાના સાન્ફ્રાન્સિસ્કો કેન્દ્રના અધ્યક્ષ સ્વામી પ્રબુદ્ધાનંદજીએ ‘વેદાંત પ્રવૃત્તિનું ભાવિ’ એ વિશે સુંદર પ્રવચન કર્યું હતું. બંને દહાડા એક શ્યામ અમેરિકન વિકલાંગ બહેન ઑલિમ્પિયાએ પોતાના મધુર કંઠેથી પ્રાર્થના અને ભજન ગાઈને કાર્યક્રમને ભાવતરબોળ કરી દીધો હતો. આ કાર્યક્રમને અંતે સૌ ભાવિકોને પ્રસાદ પણ ત્યાં લેવાનો હતો. બંને દિવસોએ કાર્યક્રમનું સંચાલન એ કેન્દ્રોના વડા સ્વામી સર્વગતાનંદજીએ કર્યું હતું. પ્રૉવિડન્સ કેન્દ્રમાં સ્વામી પ્રબુદ્ધાનંદજીએ ‘શ્રી માનો સંદેશ’ એ વિષય ઉપર પણ મનનીય પ્રવચન આપ્યું હતું.

બૉસ્ટનની રામકૃષ્ણ – વેદાંત સોસાયટીના કેન્દ્રના ખીચોખીચ ભરેલા વિશાળ સભાખંડમાં શ્રોતાજનો સમક્ષ સ્વામી ગહનાનંદજી મહારાજે પોતાના અમેરિકા પ્રવાસનો હેતુ સમજાવી ‘વિશ્વને વિવેકાનંદનો સંદેશ’ એ વિષય પર ધીરગંભીર શૈલીમાં મનનીય પ્રવચન આપ્યું હતું. બીજે દિવસે સવારે સ્વામી પ્રબુદ્ધાનંદજી ‘વેદાંત પ્રવૃત્તિમાં ભાવિ’ એ વિશે બોલ્યા હતા અને સવારના અગિયાર વાગ્યાના પ્રવચન પછી સૌ શ્રોતાજનોને પ્રસાદરૂપે ભોજન પ્રેમથી પીરસાયું હતું.

આ બંને કેન્દ્રોના કાર્યક્રમોમાં ભારતીયજનો ઉપરાંત મોટી સંખ્યામાં અમેરિકાવાસીઓએ ભાગ લીધો હતો. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સાથે સંકળાયેલ દંપતી શ્રી દુષ્યન્ત પંડ્યા અને શ્રીમતી પુષ્પાબેન પંડ્યાને આ બંને કેન્દ્રોના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાનો તથા કાર્યક્રમને અંતે પ્રસાદ લેવાનો લાભ મળ્યો હતો. આ શતાબ્દી ઉત્સવ પ્રસંગે ખાસ પ્રકાશિત કરેલી એક પુસ્તિકા તથા સ્વામી વિવેકાનંદના ‘શિકાગો વ્યાખ્યાનો’ની નકલો કેન્દ્ર તરફથી સૌ શ્રોતાજનોને ભેટ આપવામાં આવી હતી.

મુંબઈ: ૩૧મી મે ૧૮૯૩ને દિવસે સ્વામી વિવેકાનંદે અહીંથી અમેરિકા યાત્રા આરંભી હતી તેની યાદ રૂપે ગેઇટ વે ઑફ ઈન્ડિયા પાસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ સ્વામી રંગનાથાનંદજી મહારાજ, મહારાષ્ટ્રના ગવર્નર ડૉ. પી. સી. ઍલૅક્ઝેંડર અને માનવશક્તિ વિકાસના કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુનસિંહે પ્રવચનો કર્યા હતાં.

મદ્રાસ: ‘વેદાંત કેસરી’નો વિશિષ્ટ અંક બહાર પાડવા ઉપરાંત, ૧૧મી સપ્ટેમ્બરે ધર્મપરિષદ યોજાઈ હતી, જેમાં વિવિધ ધર્મોના ખ્યાતનામ વક્તાઓએ ભાગ લીધો હતો. કૉલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોના એક જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. બધા ધર્મોનું મિલન સ્થાન, કોમી એકતા સ્થાપવાના માર્ગો જેવા વિષયો પર ચિંતન થયું હતું. ધર્મપરિષદને આરંભે જ્ઞાનસત્રનો અહેવાલ પેશ થયો હતો. તા. ૨૨થી ૨૬ ડિસેમ્બર તામિલનાડ યુવા કૅમ્પ યોજાયો હતો.

રાષ્ટ્રીય યુવ-દિન પ્રસંગે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યુવ-શિબિર

૧૨મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવ-દિન પ્રસંગે શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં સવારના ૮થી સાંજના ૫ સુધી એક યુવ-શિબિરનું આયોજન થયું હતું, જેનું ઉદ્‌ઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી જયેશભાઈ દેસાઈ દ્વારા થયું હતું. લગભગ ૭૦૦ યુવા ભાઈ-બહેનો આ શિબિરથી લાભાન્વિત થયા હતા.

ભૂલસુધાર

“શ્રીરામકૃષ્ણ જ્યોત”ના ડિસેમ્બર ૧૯૯૩ના અંકમાં પૃ. ૩૬૫ પર સ્વામી વિવેકાનંદજીની મહાસમાધિની તારીખ ૪ જુલાઈ ૧૯૦૨ને બદલે ભૂલથી ૪ જુલાઈ ૧૯૯૨ છપાઈ ગઈ છે તે બદલ ક્ષમા પ્રાર્થી છીએ.

Total Views: 223

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.