સાધકને પોતાના કરતાં ઉત્તમ કે પોતાની સમાન સહચરસાથી ન મળે, તો તેણે દૃઢપણે એકલા જ જીવન વીતાવવું; પરંતુ મૂઢ મનુષ્યોને સાથી ન કરવા.

‘પુત્રો મારા છે,’ ‘ધન મારું છે’ એમ કહી કહીને મૂઢ મનુષ્ય હેરાન થાય છે; પરંતુ પોતે જ પોતાનો નથી, ત્યાં પુત્રો કે ધન પોતાનું શાનું થઈ શકે?

જે મૂઢ મનુષ્ય પોતાની મૂઢતાને જાણે છે, તેને પંડિત કહી શકાય; અને જે મૂઢ પોતાને પંડિત માને છે, તેને મૂઢ કહી શકાય.

મૂઢ માનવી જીવતાં સુધી પણ પંડિતનો સમાગમ સેવે છતાં જેમ કડછી દાળના ૨સને જાણી શકતી નથી, તેમ તે ધર્મને જાણી શકતો નથી.

ડાહ્યો મનુષ્ય બે ઘડી પણ પંડિતનો સમાગમ સેવે એટલામાં જ જેમ જીભ દાળના રસને જાણે છે, તેમ તે ધર્મને સત્વર જાણી જાય છે.

દુષ્ટ બુદ્ધિવાળા મનુષ્યો શત્રુની સાથે વર્તતા હોય તેમ પોતાના આત્મા સાથે વર્તે છે. તેઓ જેનાં ફળ કડવાં હોય છે, એવાં પાપકર્મો કરતા રહે છે.

જે કર્મ કર્યા પછી પસ્તાવું પડે અને જેનું પરિણામ આંસુવાળે મોઢે રોતાં-રોતાં ભોગવવું પડે, તે કર્મ કરવું સારું નથી.

જે કર્મ કર્યા પછી પસ્તાવું ન પડે અને જેનું પરિણામ પ્રસન્ન ચિત્તે આનંદ સાથે ભોગવવાનું આવે, તે કર્મ કરવું સારું છે.

પાપનું ફળ જ્યાં સુધી પાકતું નથી, ત્યાં સુધી મૂઢ માણસ પાપને મધ જેવું મીઠું માને છે; પરંતુ જ્યારે પાપનું ફળ પાકી જાય છે, ત્યારે એ મૂઢ દુ:ખ પામે છે.

કોઈ મૂઢ માનવ દર્ભની અણી ઉપર આવે તેટલું ભોજન પ્રતિ માસે લે છતાં તે ધર્મને સમજનારા લોકોની સોળમી કળાને પણ લાયક થઈ શકતો નથી – અર્થાત્ ગમે તેવું ઘોર તપ તપના૨ પણ ધર્મને સમજનારાની તોલે આવી શકતો નથી.

તાજું દૂધ જેમ ઝટ દઈને દહીં રૂપને પામી શકતું નથી, તેમ તાજું કરેલું પાપકર્મ ઝટ દઈને પોતાનું ફળ આપી શકતું નથી; પરંતુ તે પાપકર્મ રાખથી ઢંકાયેલા અગ્નિની પેઠે મૂઢ માણસને નિરંતર દઝાડતું રહે છે.

મૂઢ માણસની પંડિતાઈ જ્યાં સુધી અનર્થકારી નીવડે છે, ત્યાં સુધી એ માથું ફોડતી પંડિતાઈ તેની પવિત્રતાનો નાશ કરે છે.

(“ધર્મના પદો – ધમ્મપદ”માંથી સાભાર)

Total Views: 185
By Published On: May 1, 1994Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram