(શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા અને સ્વામી વિવેકાનંદજી પાસે સંન્યાસદીક્ષા લીધી હતી.)

ગુરુની આવશ્યકતા

વૈદકનાં પુસ્તકો વાંચીને પોતાના રોગનું નિદાન કરવું અને દવા લેવી એ બુદ્ધિમાનીનું કામ નહિ. રોગ થાય ત્યારે ધર્મનો ઘોડો પુસ્તકી અને શાનઘયો વાંચીને તે અનુસાર બીજા વૈદ્ય-ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તે જ પ્રમાણે સાધના કરવા જતાં બુદ્ધિમાં ભ્રમ થાય, ગુંચવાઈ જવાય, કરાવી એકસરખું આગળ વધી શકાય નહિ; તે એટલે સુધી કે, કેટલીકવાર તો મહેનત એળે જાય ને પોતાને નુકસાન પણ થાય. કારણ કે જુદાં જુદાં શાસ્ત્રોમાં અધિકારી ભેદ પ્રમાણે અથવા અવસ્થા અનુસારે એક જ બાબતમાં જુદો જુદો કે પરસ્પર વિરોધી ઉપદેશ કિંવા પદ્ધતિ હોય છે. ખાસ તમારા પોતાના માટે કઠ ઉપયોગી, એનો આપમેળે નિર્ણય કરવો એ ઘણીવાર વિપદકારક નીવડે. એ બાબતમાં ગુરુ જ ખરો માર્ગ બતાવી દઈ શકે. એટલા સારુ ગુરુ પાસેથી જ્ઞાનપ્રાપ્તિ કરવી જોઈએ. એ જે દીક્ષા અને ઉપદેશ આપે તે જ તમારો જ એકમાત્ર રસ્તો. તેમાં અને ગુરુ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખી નિષ્ઠાપૂર્વક સાધના કર્યે, સમય આવ્યે સિગ્નિ જરૂર મળવાની. કોઈના કહેવાથી એ માર્ગ મૂકીને બીજો માર્ગ કદી પણ લેતા નહિ, એમ કરવાથી રસ્તો ભૂલીને ભટકવાનું જ રહેશે, કોઈ કાળે કશુંય વળશે નહિ.

પરંતુ ગુરુપરંપરા વિના વસ્તુપ્રાપ્તિ થવાની નથી. ગુરુપરંપરાથી એ શક્તિ ધારાબંધ રીતે ગુરુમાંથી શિષ્યમાં આવે. એ વળી તેના શિષ્યમાં જાય. એવી રીતે અનાદિકાળથી ઊતરી આવતી નામની આધ્યાત્મિક શક્તિ વિશેષ-વિશેષ બીજ મંત્રરૂપે, તેમની તીવ્ર સાધનાથી, એકત્રિત થાય. આ મંત્રો જ સાધકની આશા, આકાંક્ષા અને આદર્શનું જીવંત પ્રતીક. ચિત્તને એકાગ્ર કરીને એ મંત્રોનો નક્કી કરેલો જપ કરવાથી તેમનો મહિમા પ્રત્યક્ષ અનુભવમાં આવે. પરંતુ જેણે ગુરુપરંપરાથી મેળવી હોય એવા શુદ્ધ ચિત્તવાળા સાધકની પાસેથી યથાવિધિ દીક્ષા લેવી જોઈએ. અને તેના પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને તેના ઉપદેશ પ્રમાણે સાધન-ભજન કરવાથી જલદી સિદ્ધિ પ્રાપ્ત થાય.

મંત્રમાં શ્રદ્ધા રાખા

ભગવાને જ્યારે તેમની અપારકૃપાથી સિદ્ધ ગુરુ મારફત તેમનો સિદ્ધ મંત્ર આપ્યો છે, તેમને પામવાની ચાવી આપી છે, ત્યારે જાણજો કે તેમણે પોતાની જાતને તમને સોંપી દીધી છે. પછી તો તમને એ વસ્તુનો નિશ્ચય થવો જોઈએ. જો એ અમૂલ્ય રત્નને ગેરકાળજી અને બેદરકારીથી ખોઈ બેસો તો જાણજો કે તમે ઈશ્વરની કૃપા માટે અયોગ્ય. ઈશ્વરની કદર કરવી એટલે ગુરુદત્ત મંત્રની સાધના અને ઉપદેશનું સાચા અંતઃકરણથી પાલન ઈશ્વરપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કરવું. ત્યારે ગુરુના ઋણનો કંઈક અંશે બદલો ચૂકવ્યો કહેવાય. ભગવાનને જેટલા તમે આત્મજનથીયે વધુ આત્મીય તરીકે ગણશો, તેટલા તમે તેમની કૃપાના અધિકારી થશો, તેમની કૃપાથી આ જન્મમાં જ જીવનમુક્ત, નિત્યાનંદમય થશો.

સદ્ગુરુ સિદ્ધમંત્ર જ આપે, કે જે મંત્રો જપીને યોગી ઋષિઓ સિદ્ધ થયા હતા અને જે મંત્રો ગુરુપરંપરાથી ચાલ્યા આવે છે. ગુરુ એક પોતાની કલ્પનાનું કંઈક જે તે તો આપે નહિ. માટે મંત્રમાં અવિશ્વાસ યા અશ્રદ્ધા રાખવી નહિ. લાંબા વખત સુધી જપ કરવા છતાંય જો મનની એકાગ્રતા યા પવિત્રતા ન આવે તો, જાણજો કે એ મંત્રનો દોષ નથી, પણ એનું કારણ છે તમારી પોતાની જ ત્રુટિ યા દોષ. અને એને સુધારવાનો પ્રયાસ કર્યા વગર કેવળ મોઢેથી જ જપ કર્યે જવાથી યા બીજો ગુરુ કરવાથી શું વળવાનું હતું? મન અને મુખ બેયને એકસાથે લગાડીને જપ કરવો જોઈએ, મન ને વાણી એક થવાં જોઈએ.

ગુરુ-ઉપદેશમાં શ્રદ્વા રાખી સાધન ભજન કરીએ ત્યારે એ હૃદયંગમ કરી શકાય, પડદા પછી પડદા જાણે કે હટી જાય.

ગુરુદત્ત મંત્રની પ્રાણાંત સુઘી સાધના અને ગુરુનો ઉપદેશ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન જ યથાર્થ ગુરુદક્ષિણા, એ જ ગુરુની પ્રીતિ મેળવવાનો અને પોતાને માટે સિદ્ધિપ્રાપ્તિનો શ્રેષ્ઠ ઉપાય.

સદ્ગુરુ મંત્રદીક્ષા દ્વારા શિષ્યને પોતાની સાધના દ્વારા મળેલું ગુહ્યતત્ત્વ આપે, તેને વ્યાવહારિક બુદ્ધિના ગજથી માપવા બેસતા નહિ. એ કરવા જતાં, રીંગણાં વેચનારો કાછિયો જેમ હીરાની કિંમત રૂપે નવ શેર રીંગણાંથી વધુ એક રીંગણુંય દેવા તૈયાર નહિ, તેના જેવું થાય. એ બધી વાદવિવાદની વસ્તુ નથી, ગુહ્ય (mystic) ઘટના સહેલાઈથી સમજાય નહિ.

ગુરુ સાથેનો સંબંધ પારમાર્થિક

ઘણાયનો એવો ખ્યાલ છે કે સદ્ગુરુની પાસેથી મંત્રદીક્ષા લીધી એટલે તેમની કૃપાથી બધાં દુઃખો દૂર થઈ જવાનાં, અસાધ્ય રોગ મટી જવાનો, મનમાની નોકરી મળવાની, સંસારમાં સુખસંપત્તિ સાંપડવાનાં, દીકરીઓને દેવાના દાયજામાંથી છૂટશું, સ્કૂલ-કૉલેજની પરીક્ષામાં પાસ થઈ જશું, કોર્ટના કેસમાં ફાવવાના, ધંધા રોજગારમાં બરકત આવવાની, વહેવારની બળતરા, અશાંતિ દૂર થવાની, શનિની દશામાંથી છૂટશું ને એવું એવું બીજું કેટલુંય અલૌકિક અને અણધાર્યું થઈ જવાનું! એમણે જાણી લેવું ઘટે, કે દીક્ષા અથવા ધર્મપ્રાપ્તિની સાથે આ બધા ઐહિક લાભોના વેપારનો કશોય સંબંધ નથી, અને આ બધાં માટે ગુરુની પાસે મૂર્ખતાભરી માગણી કરવી એ એક હીનતા જ છે. એ ધાર્મિકતાનું લક્ષણ નથી. ગુરુ કાંઈ કર્તા, હર્તા, વિધાતા નથી. તેને આ બધાં સારુ પજવવા ને હેરાન કરવા એ અત્યંત ખરાબ. એથી તો તેના આશીર્વાદ કરતાં ઇતરાજીના જ પાત્ર થવાય છે. તેની સાથે માત્ર પારમાર્થિક બાબતનો સંબંધ.

સાધના એ જ ગુરુસેવા

ગુરુ પ્રત્યે નિષ્કપટ શ્રદ્ધાભક્તિ રાખ્યા સિવાય આઘ્યાત્મિક જગતમાં ઉન્નતિ પ્રાપ્ત કરી શકાય નહિ. ગુરુવાક્યને વેદવાક્ય સમજજો, ગુરુનો ઉપદેશ વગરવિચાર્યે પૂરા અંતઃકરણથી પાલન કરવાનો પ્રયાસ કરજો, જો સત્ય વસ્તુની પ્રાપ્તિ કરવા ઇચ્છો તો. એટલું જાણજો કે ગુરુના સમું તમારું ઇહલોકપરલોકનું હિતાકાંક્ષી બીજું કોઈ નથી. ગુરુએ ઉપદેશેલા માર્ગે નિષ્ઠાની સાથે સાધના કરવી એ જ તેની સાચી સેવા. એથી જ એ સહુથી વધુ રાજી થાય.

૨સ્તે તમારે જ ચાલવું પડશે

પોતે પ્રયાસ કર્યા વિના, માત્ર ગુરુ તમને સત્ય વસ્તુની પ્રાપ્તિ કરાવી શકે નહિ. ગુરુ તમને રસ્તો દેખાડી દઈ શકે, ભૂલ ને શંકા દૂર કરી શકે, ઊલટે માર્ગે જાઓ તો સાવચેત કરી શકે, એટલે સુધી કે થોડેક દૂર હાથ ઝાલી લઈ જઈ શકે. પરંતુ રસ્તે ચાલવું તો તમારે પોતાને જ પડે. ગુરુ કાંઈ તમને ખાંધે ચડાવીને ગંતવ્ય સ્થાને પહોંચાડી દે નહિ. રસ્તો લાંબો અને કઠિન છે એમાં શંકા નહિ, પણ તેથી કાંઈ આપણાથી બનશે નહિ એમ કહીને રસ્તામાં બેસી રહ્યે યા ડરી ગયે, યા આશા છોડી દીધે ચાલે નહિ. કાં તો તમારે આગળ ચાલવું જોઈએ ને નહિ તો પાછળ હઠવું જોઈએ. પાછળ હઠ્યે જે કાંઈ મેળવ્યું છે એય ખોવું પડે. જેમ જેમ આગળ વધશો તેમ તેમ રસ્તોય સુગમ થતો આવશે. હિંમત ને શક્તિયે આવશે તથા આનંદ પણ મળશે.

ગુરુ અને શિષ્યનાં લક્ષણ

જે ગુરુના ઉપદેશમાં નિષ્કપટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને એ ઉપદેશનું યથાર્થ રીતે અંતઃકરણપૂર્વક પાલન કરવાનો પ્રયાસ કરે અને ગુરુની પ્રીતિને માટે તેમની સેવાપરાયણ થાય, એ જ શિષ્ય. ગુરુને સાધારણ માણસ માનવા નહિ. તેને સાક્ષાત્ ઈશ્વર સમજીને સંપૂર્ણ હૃદયપૂર્વક ચાહવાથી અને તેની ભક્તિ કરવાથી આત્મમાર્ગમાં જલદી ઉન્નતિ થાય અને સિદ્ધિ મળે. સદ્ગુરુ જ હૃદયમાં રહેલા પરમગુરુ (ઇષ્ટ)ની સાથે મિલન કરાવી આપે. તેની દ્વારા જ આધ્યાત્મિક ધારા શિષ્યમાં પ્રવાહિત થાય: એટલે સુધી કે, ગુરુકૃપાથી સમસ્ત ઇચ્છિત પદાર્થો મળે. પરંતુ શિષ્યનેય એ પ્રમાણેના યોગ્ય અધિકારી થવું જોઈએ. કાયા મન વાણીની પવિત્રતા, જ્ઞાન, ભક્તિ, મુક્તિ માટેની તીવ્ર વ્યાકુળતા, વિષયોમાં વિતૃષ્ણા, અદમ્ય ઉત્સાહ જોઈએ. ગુરુ પણ શાસ્ત્રમર્મજ્ઞ, પાપરહિત અને બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ. ગુરુ ભોગેચ્છારહિત, નિઃસ્વાર્થ, પરહિતમાં તત્પર હોય, સર્વ જીવો પર તેમની દયા પ્રેમ સમભાવે હોય.

પિતા અને ગુરુ, પુત્ર અને શિષ્યની પાસે પરાજયની આશા રાખે (પુત્રાદિચ્છેત્પરાજયમ્) એટલે કે મારો શિષ્ય મારા કરતાંય ખૂબ મોટો થાય, ઉન્નત થાય, માનપાન મેળવે, એવી ઇચ્છા અંતરથી રાખે. બાપ તો પુત્રની પાસેથી ભવિષ્યમાં કેટલીય બાબતોમાં આશા રાખે. પરંતુ ગુરુ શિષ્યની પાસેથી પોતાને માટે કશાનીયે આશા રાખે નહિ. તેનું કામ, તેનો સ્વભાવ જ છે કે માત્ર આપ્યે જવું. સ્વામીજી (વિવેકાનંદ) અમને કહેતા કે “તમે એકે એક જણ વિવેકાનંદથીએ મોટા થાઓ જોઈએ તો હું ખૂબ રાજી થાઉં અને મારું પૃથ્વી પર આવવું સાર્થક માનું.”

બાપ દીકરાને હાથે, ગુરુ શિષ્યને હાથે પરાજયની ઇચ્છા રાખે. સંતાન અને શિષ્ય પોતાના કરતાં વધુ મહાન થાય, એ તેઓ ચાહે.

ભગવાન જ ગુરુના ગુરુ, પરમ ગુરુ, એ જ મંત્ર ચલાવનાર. માનવ ગુરુ તો તેના યંત્રસ્વરૂપ, કે જેના દ્વારા તેની શક્તિ શિષ્યમાં સંચારિત થાય.

જેવો ભાવ તેવો લાભ

કેટલાય ભક્તો દીક્ષા લીધા પછી ગુરુને કહે કે, “મહારાજ, અમે કાંઈ કરી શકવાના નથી. હવેથી આપના ઉપર બધો ભાર મૂકીને અમે તો છુટ્ટા.” એ કેવળ હરામ હાડની વાતો, પોતે કશુંય ન કરવાની દાનત. આધ્યાત્મિક અનુભવ તે શું એટલો બધો સહેલો ને એટલી સસ્તી વસ્તુ છે?

‘જેવો ભાવ, તેવો લાભ,’ મોઢે બોલ્યા એટલે જ શું ભાર સોંપી દઈ શકીએ? એ તો કેટલીયે સાધના ઉપર આધાર રાખે. પોતાના અહમ્નું બલિદાન દઈને સંપૂર્ણભાવે આત્મસમર્પણ કરવું જોઈએ. બે પૈસાના ધંધા સારુ દિનરાત ટાંટિયા ઘસતા ફરો, ખાવું પીવું મૂકીને કાળી મજૂરી કરી શકો અને જ્ઞાનભક્તિપ્રાપ્તિને વખતે ‘અમે કશું કરી શકવાના નથી!’ ભારે મજાની વાત એ તો! દિવસોના દિવસો સુધી, મહિનાના મહિના સુધી, વરસનાં વરસો સુધી, મન વચન કાયાથી શક્તિ પ્રમાણે ઉપાસના કરીએ ત્યારે વસ્તુ પ્રાપ્ત થાય, “નાન્ય: પંથા વિદ્યતેઽયનાય” – મુક્તિને માટે બીજો માર્ગ નથી.

ઘણાય કહે કે, ‘ગુરુએ દીક્ષા આપી, એટલે એણે આપણાં બધાંય પાપનો ભાર લઈ લીધો છે, આપણે બીજું કરવાનું કે ચિંતા કરવાનું કાંઈ જ નથી, તેમની કૃપાથી જ બધું થઈ જશે. પણ પાપનો ભાર દેવો કે લેવો એ તેઓ ધારે છે તેટલું સહેલું નથી. તો તો પછી ચિંતા જ શી હતી! સહુ કોઈ અનાયાસે પાપમુક્ત થઈ જાત. પાપનો ભાર જો ગુરુને યા ભગવાનને દેવો હોય તો સાથે સાથે પુણ્યનો ભાર પણ દેવો પડે. માત્ર દુઃખભોગનો ભાગ ગુરુને દઈ દેવો અને સુખભોગનો ભાગ પોતાને માટે રાખવો! એ તમારું દેવાનુંય કાંઈ બરાબર કહેવાય નહિ અને ગુરુનુંય એ લેવાનું બને નહિ. અને વળી પાપનો ભાર મૂકી દઈને કોઈ જ્યારે નિષ્પાપ થાય ત્યારે પછી તેનાથી બીજું કશું પાપકર્મ કરવાનું જ બને નહિ. જો પછીયે પહેલાંની પેઠે પાપ યા કુપ્રવૃત્તિ રહે, જો દીક્ષા લઈનેય નવજીવનની પ્રાપ્તિ ન થાય તો સમજવું કે, દીક્ષાને સમયે પાપો બધા ઠાકુર શ્રીરામકૃષ્ણની ગમ્મત-કથાની પેઠે-ગંગાસ્નાન કરતી વખતે શરીરમાંથી નીકળી જઈને ઊંચે ઝાડ પર ચડીને બેસી રહે, ગંગામાંથી નાહીને બહાર નીકળતાંવેંત વળી પાછાં ખાંધે ચડી બેસે, એમ થાય. બીજું શું?

અને બીજી એક વાત. ગુરુની ઉપર અગર છાંટાભારે પ્રેમ, શ્રદ્ધા કે ભક્તિ હોય તો શું પોતાનો બધો ગંદવાડ ને મેલ લઈને એમના માથે નાખીને એમને દુઃખ ને ત્રાસ ભોગવવાનું ક્યે હૈયે બને? ગુરુ તે શું તમારો અંતરનો મેલ ને કચરો નાખવા માટેની કચરાગાડી છે? જેમનામાં એ પ્રેમભક્તિ ન હોય, જેઓ ઘોર વિષયી, સ્વાર્થી, તેમને જ એવી હીણી બુદ્ધિ થાય. એવા તો શિષ્ય કહેવડાવવાનેય યોગ્ય નથી. અને જેમનામાં ગુરુ પ્રત્યે ગાઢ શ્રદ્ધા અને પ્રેમ છે, તેઓ એવા ભયથી પાપકર્મ કરી શકે નહિ કે પાછું ગુરુને ભોગવવું પડશે. હા, એવા શિષ્યના પાપનો ભાર ગુરુ લે. ખરું કહેતાં તો ભગવાન જ ગુરુરૂપે શિષ્યનો ભાર લે ને તેનો ઉદ્ઘાર કરે.

તેમ છતાંય શિષ્યનાં કંઈક પાપ ગુરુમાં આવે એ વાત તો ખરી. કારણ કે ઘણે ભાગે જોવામાં આવે છે કે, વગર વિચાર્યે અનેક માણસોને મંત્રદીક્ષા દેવાથી સદ્ગુરુના નિષ્પાપ શરી૨માંય કઠિન રોગ પેસીને તેમના આયુષ્યનો ક્ષય કરે. સ્વાર્થહીન, પ૨મ કરુણાળુ સદ્ગુરુ જાણી જોઈને બીજાના હિતની ખાતર તેમને, ભગવાનની તરફ લઈ જવાની પ્રેરણાથી પોતાના શરીરની પણ પરવા ન કરે, શિષ્યોના કલ્યાણ સારુ પોતાનું જીવન તલ તલ કરીને હોમ્યે જાય. અવતારો બીજાનાં પાપનો ભાર લે. એમનેય એટલા સારુ રોગ ભોગવવા જ પડે. પરમહંસદેવ કહેતા કે, ‘ગિરીશનાં પાપ લઈને મારા શરીરમાં આ રોગ (cancer – કૅન્સર) આવ્યો છે.’

શરીર તો તુચ્છ વાત. સદ્ગુરુ તો પોતાની જીવન આખાની કઠોર તપસ્યા દ્વારા મળેલી અમૂલ્ય પારમાર્થિક સંપત્તિયે શિષ્યને સંકોચ વિના, બદલાની કશીયે આશા વિના, સંપૂર્ણપણે આપી દે. શિષ્ય જો શુદ્ઘચિત્ત અને યથાર્થ ભગવત્પ્રેમી હોય તો ગુરુની આધ્યાત્મિક શક્તિનો સંચાર હૃદયમાં અનુભવી શકે. શ્રદ્ધા અને વિશ્વાસની સાથે ગુરુએ બતાવેલ સાધનામાર્ગે શિષ્ય જેમ જેમ આગળ વધે અને તેનું ચિત્ત જેમ જેમ નિર્મળ થાય, તેમ તેમ એ ગુરુશક્તિનો ખેલ અને તેની કૃપાનો હૃદયમાં અનુભવ કરી શકે. ગુરુકૃપા અને શિષ્યના તનતોડ પરિશ્રમના ફળરૂપે સિદ્ધિ મળે.

(પરમપદને પંથેમાંથી સંકલિત)

Total Views: 291

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.