મનની આરપાર: લે. પુષ્કર ગોકાણી, પ્રકાશક: પ્રવીણ પ્રકાશન, રાજકોટ, સપ્ટેમ્બર, ૧૯૯૨, મૂલ્ય: રૂ. ૪૫

ગીતાના ૬ઠ્ઠા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ આત્મસંયમની વાત કરે છે ત્યારે, અર્જુન મૂંઝવણ અનુભવે છે કારણ કે, મન ચંચળ છે અને વાયુના જેવું હોઈ એનું નિયમન કરવું દુષ્કર છે. ઉત્તરમાં શ્રીકૃષ્ણ એ માટે બે ચાવી બતાવે છે: અભ્યાસ અને વૈરાગ્ય. જાપાનના ઝેન ચિંતકોથી માંડીને અમેરિકાના માનસશાસ્ત્રીઓ સુધી, સૌ ચિંતકો આ બે કરતાં કોઈ ત્રીજો માર્ગ નથી બતાવી શક્યા. પોતાના ૧૯ નિબંધોમાં, શ્રીકૃષ્ણની નગરી દ્વારકાના વાસી, શ્રી પુષ્કરભાઈ ગોકાણી મનના વિવિધ વ્યાપારોને ઊંડાણથી અવલોકે છે અને સામાન્ય જન સમજી શકે તેવી ભાષામાં ને તેવાં દૃષ્ટાંતોની મદદથી ‘મનની આરપાર’ લઈ જવાનું સાહસ ખેડે છે.

મનનું, મનના વિકાસનું પણ વિજ્ઞાન છે, શાસ્ત્ર છે. પતંજલિથી માંડી શ્રી અરવિંદ સુધીના ‘શાસ્ત્રીઓ’એ મનને સંયમમાં રાખવાના, મનને અતિક્રમવાના રાહ બતાવ્યા છે. શ્રી પુષ્કરભાઈ આપણને કશી તકલીફ વિના મોટી યાત્રા કરાવે છે. જાપાનના ઝેન ગુરુ પાસે, ગુર્જિએપ પાસે, નરસિંહ મહેતા પાસે, યોગિની વિમલાતાઈ પાસે, કઠોપનિષદના રચિયતા પાસે, સંત રામદુલારેજી પાસે, સંત રાબિયા પાસે, ઓશો રજનીશ પાસે, કૃષ્ણમૂર્તિ પાસે, મુકુંદ પારાશર્ય પાસે…એમ વિવિધ યાત્રાએ લઈ જાય છે. પ્રાણની શક્તિ, સંતને પણ સતાવતો મૃત્યુનો ભય, વર્તમાનમાં જ જીવવાની અગત્ય, તનરૂપી મંદિરની કાળજી, ભયની સમજ, સાચી જાગ્રતિની સમજ, ઇત્યાદિ વિષયો પર ખૂબ સરળ ભાષામાં અને યોગ્ય દાખલાઓ સાથે, શ્રી પુષ્કરભાઈએ આ નિબંધો એવી રીતે લખ્યા છે કે વાચક તેમને સરળતાથી સમજી શકે અને લેખકે ચીંધેલ માર્ગે જઈ શકે.

પ્રસ્તાવનામાં મનની પાર જવા માટેની પોતાની મથામણોનો આલેખ પુષ્કરભાઈએ નિખાલસતાથી આપ્યો છે. મન ક્યારે ને કોની સહાયથી સંતર્પક થશે એ કોણ કહી શકે? પ્રસિદ્ધ લગીરેય ન હોય પરંતુ સાધનાપથની મોટી મઝલ જેમણે કાપી હોય તેવા માર્ગદર્શક લેખકને શ્રી સુમનભાઈ પંડ્યામાં સાંપડ્યા. એક વાર હૃદયગ્રંથીઓ ભેદાઈ અને સંશયો છેદાયા પછી લેખકને મન હસ્તામલકવત્ બની ગયું. પોતાની અનુભૂતિને આધારે મંડાયેલા આ લેખોએ, લેખક જણાવે છે તે પ્રમાણે, ‘જનકલ્યાણ’ના વિશાળ વાચકવર્ગને આકર્ષ્યો હતો. અહીં ગ્રંથસ્થ સ્વરૂપે એ લેખો બીજાઓને પણ માર્ગદર્શન પૂરું પાડશે.

– દુષ્યન્ત પંડ્યા

ભજગોવિન્દમ્: (શંકરાચાર્યકૃત) અનુવાદક- સંપાદક: શ્રી મનસુખલાલ સાવલિયા, પ્રકાશક: પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ, પૃષ્ઠ ૮૫, મૂલ્ય ૨૫ રૂપિયા

શ્રીમત્ શંકરાચાર્ય વિરચિત સુપ્રસિદ્ધ ભજગોવિન્દમ્ સ્તોત્રનો આ સરળ સમશ્લોકી ગુજરાતી અનુવાદ છે. આદિ શંકરાચાર્યનાં સમાન ગેય ઢાળવાળા ‘મોહમુદગર’ અને ‘ચર્પટમંજરિકા’ – એ બન્ને સ્તોત્રોને ભેગાં કરીને કુલ ૩૧ શ્લોકોને ‘ભજગોવિન્દમ્’ એવું ધ્રુવપદાનુસારી નામ આપીને આ અનુવાદ કરવામાં આવ્યો છે.

આદિ શંકરાચાર્યનું આ કર્ણમધુર ગેયકાવ્ય અનુવાદકે ગુજરાતી ભાષામાં સુપેરે ઉતાર્યું છે અને પઠન-૨ટણની પ્રેરણા આપે એવું છે. આમાં અનુવાદકની પ્રૌઢ હથોટી વરતાય છે.

પ્રસ્તુત પુસ્તકમાં અનુવાદકે અભિનંદ્ય અનુવાદ ઉપરાંત દરેક શ્લોકનું પોતાના તરફથી વિવરણ પણ આપ્યું છે અને દરેક શ્લોકના વિવરણને પોતાનું સમુચિત શીર્ષક પણ આપ્યું છે. એ શીર્ષકો સમાનધર્મી ગુજરાતી કાવ્યપંક્તિઓ કે એવી ગુજરાતી કહેવતોથી મંડિત છે. વિવરણમાં પણ મૂળના અર્થની અપેક્ષિત વિસ્તૃતિ અને સ્પષ્ટતા કરવામાં આવી છે.

વળી, પુસ્તકના આરંભમાં ‘આદિ શંકરાચાર્ય – દક્ષિણમાં ઊગેલો સૂરજ’ અને ‘શંકરાચાર્યનું સાહિત્ય’ એ બે લેખો પણ ચૌદેક પૃષ્ઠોમાં આપ્યા છે કે જેથી પાઠકોને આદિ શંકરાચાર્યનો મહિમા સુલભ થઈ શકે.

ગુજરાતી અનુવાદમાં સંસ્કૃતનું લયસૌન્દર્ય લાવવામાં અનુવાદક શ્રી મનસુખભાઈ સાવલિયા ઘણે અંશે સફળ થયા છે, એમ વાજબી રીતે કહી શકાય તેમ છે. સંસ્કૃત ભાષાના અનભિજ્ઞ સ્વભાષારસિકો ભક્તજનો, અધ્યાત્મપ્રેમીઓ અને જિજ્ઞાસુઓ માટે આ પુસ્તક ઉપાદેય બન્યું છે.

– કેશવલાલ વિ. શાસ્ત્રી

સાભાર – સ્વીકાર

શ્રીમદ્ ભગવદ્ગીતા ભાવાર્થ, અધ્યાય (૧થી ૬) કર્મયોગ, મૂ. રૂ. ૭૦ અધ્યાય (૭થી ૧૨) ભક્તિયોગ મૂ. રૂ. ૬૦ અધ્યાય (૧૩થી ૧૮) જ્ઞાનયોગ મૂ. રૂ. ૫૫ લેખકઃ હીરાભાઈ ઠક્કર, પ્રકાશક: કુસુમ પ્રકાશન, ૬૧-એ, નારાયણનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ – ૩૮૦૦૦૭

Total Views: 102
By Published On: July 1, 1994Categories: Uncategorized0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram