શ્રીરામકૃષ્ણ સંગ્રહાલયનું ઉદ્‌ઘાટન

રામકૃષ્ણ મઠ અને મિશનના વડા મથક બેલુર મઠમાં શ્રીરામકૃષ્ણદેવના મંદિરની સામે આવેલ વડા મથકના જૂના કાર્યાલયના મકાનમાં શ્રીરામકૃષ્ણ સંગ્રહાલયનું ઉદ્‌ઘાટન રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના વરદ હસ્તે ૧૩મી મે (અક્ષયતૃતીયા)ના રોજ થયું હતું. નેશનલ કાઉન્સિલ ઑફ સાયન્સ મ્યુઝિયમના ડાયરેક્ટર જનરલ ડૉ. સરોજ ઘોષ આ પ્રસંગે પ્રમુખઅતિથિ હતા. આ સંગ્રહાલયમાં શ્રીરામકૃષ્ણદેવ, શ્રી મા શારદાદેવી, સ્વામી વિવેકાનંદ અને શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યો સાથે સંકળાયેલ વસ્તુઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે યોજાયેલ જાહેરસભામાં રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે સ્વાગત-પ્રવચન આપ્યું હતું અને રામકૃષ્ણ મઠ અને મિશનના આસિસ્ટન્ટ સેક્રેટરી સ્વામી પ્રભાનંદજી મહારાજે સંગ્રહાલયનું મહત્ત્વ સમજાવ્યું હતું.

શ્રીલંકામાં સ્વામી વિવેકાનંદ-શિકાગો વિશ્વધર્મપરિષદ શતાબ્દી ઉજવણી

રામકૃષ્ણ મઠ અને મિશનના શ્રીલંકાસ્થિત કોલંબો કેન્દ્ર દ્વારા ઉપરોક્ત ઉજવણીના ભાગરૂપે ૨૯મી મેના રોજ એક ધર્મપરિષદ યોજાઈ હતી જેની અધ્યક્ષતા શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે કરી હતી. એ જ દિવસે સવારે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ થયું હતું. સ્વામી વિવેકાનંદજીના ‘કેળવણી’ પુસ્તકનો (સિંહાલી અનુવાદનો) વિમોચનવિધિ તા.૩૦મી મેના રોજ યોજાયો હતો. આ અનુવાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજ્યુકેશન, હાહારગામા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા રાહતકાર્ય

રામકૃષ્ણ મિશનના લીંબડી કેન્દ્ર દ્વારા લીંબડી તાલુકાનાં ૧૦ ગામોમાં દુષ્કાળપીડિત લોકોમાં ૧૫૦૦ કિલો ઘઉં, ૧૫૦ સાડીઓ અને ૧૫૦ ચાદરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જૂનાગઢમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા – પ્રતિષ્ઠાનની યોજના

સ્વામી વિવેકાનંદ કેન્દ્ર, જૂનાગઢ દ્વારા જૂનાગઢના હૃદય સમા વિસ્તારમાં તળાવ દરવાજા પાસે, ‘વિવેકાનંદ ગાર્ડન’ બનાવીને તેમાં સ્વામી વિવેકાનંદની કાંસ્ય પ્રતિમાની પ્રતિષ્ઠાનની યોજના ઘડાઈ છે. આ નિમિત્તે એક સ્મરણિકા પણ પ્રકાશિત થશે. ભાવિક જનોને આ ઉમદા કાર્યમાં તન, મન, ધનથી મદદરૂપ થવાની અપીલ કરાઈ છે.

સરનામું: સ્વામી વિવેકાનંદ કેન્દ્ર, શ્યામ ચેમ્બર, દાતાર રોડ, જૂનાગઢ.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ગુરુપૂર્ણિમા પ્રસંગે મહોત્સવ

શ્રી શ્રી ગુરુપૂર્ણિમાના પાવનકારી પ્રસંગના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૨૨મી જુલાઈના રોજ સવારે પથી ૧૧-૩૦ સુધી આરતી, વેદપાઠ, વિશેષ પૂજા, ભજન, હવન વગેરેનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે અને સાંજના ૫-૩૦ થી ૯ વિશેષ ભજન, કીર્તન, પ્રવચન વગેરેનો કાર્યક્રમ રહેશે.

રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજનું ગુજરાતમાં આગમન

રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજ ૧૭મી જુલાઈએ રાજકોટ પહોંચશે અને ૨૦મી જુલાઈએ મુંબઈ માટે રવાના થશે. ૧૭મીએ સાંજે તેઓ રાજકોટમાં ધાર્મિક પ્રવચન આપશે. ૧૮મીએ સાંજે લીંબડીના રાજમહેલના દરબાર હૉલમાં ‘સ્વામી વિવેકાનંદ સ્મારક પ્રદર્શન’નું ઉદ્‌ઘાટન કરશે. તેઓ ઇચ્છુક ભક્તોને તેમના રોકાણ દરમિયાન આધ્યાત્મિક માર્ગદર્શન આપશે.

Total Views: 228

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.