લીંબડી-રામકૃષ્ણ મિશનમાં સ્વામી વિવેકાનંદ સ્મૃતિ ભવન અને કાયમી ચિત્ર પ્રદર્શન હૉલનું મંગલ ઉદ્‌ઘાટન

તા. ૧૯-૭-૯૪ને બુધવારે સાંજે ૭-૦૦ કલાકે લીંબડી શહેરમાં સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજના વરદ્ હસ્તે સ્વામી વિવેકાનંદ સ્મૃતિ ભવન અને કાયમી ચિત્ર પ્રદર્શન હૉલનું મંગલ ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું.

શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજે જણાવ્યું હતું કે લીંબડીની આ તપોભૂમિનું કાંઈક એવું અનેરું આકર્ષણ છે કે રાજકોટની નજીકમાં જ એક મિશનનું કેન્દ્ર ખુલી ગયું. કદાચ સ્વામી વિવેકાનંદની આ કૃપાદૃષ્ટિ હશે તેમ હું માનું છું. લીંબડીના રાજ-પરિવાર અને શ્રી છબીલદાસભાઈના પરિવારના સભ્યો પ્રત્યે તેમણે શુભેચ્છા વ્યક્ત કરી હતી.

આ સમારંભનાં અધ્યક્ષસ્થાનેથી બોલતાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી વિપુલ મિત્રાએ કહ્યું કે લીંબડી શહેરમાં રામકૃષ્ણ મિશનનું કેન્દ્ર સ્થપાતાં વિશ્વના નકશામાં આ લીંબડી શહેરે હવે વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી જિતાત્માનંદજી મહારાજે જણાવ્યું હતું કે, લીંબડી શહેર અને તેની આજુબાજુના વિસ્તારના સર્વાંગી વિકાસમાં સહાય કરવા ભારતના શ્રેષ્ઠ ઉદ્યોગપતિઓને આહ્‌વાન છે.

ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદનાં ચરણકમલમાં પ્રાર્થના કરતાં સ્વામી જિતાત્માનંદજીએ જણાવ્યું હતું કે આ સ્મૃતિ-ભવનમાં જે લોકો સ્વામી વિવેકાનંદનું ચિંતન-મનન કરશે તેઓ સ્વામી વિવેકાનંદના દિવ્યભાવની અનુભૂતિ કરશે.

આ સમારંભમાં ચિત્ર-પ્રદર્શન હૉલમાં ચિત્ર-સેવા આપનાર સ્થાનિક કલાકારોનું બહુમાન કરવામાં આવ્યું હતું. સમારંભના શુભ આરંભમાં શ્રીમત્ સ્વામી ધ્રુવેશાનંદજીએ લીંબડી રાજ પરિવારના સભ્યો અને શ્રી છબીલદાસભાઈ શાહના પરિવારના સભ્યો પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે સમગ્ર લીંબડીના નગરજનોએ આ કાર્યમાં સાથ-સહકાર આપી પ્રસંગને સફળ બનાવ્યો છે.

આ પ્રસંગે લીંબડીના રાજમાતા સાહેબા શ્રી પ્રવિણકુંવરબા, મહારાજાશ્રી છત્રસાલસિંહજી, મહારાણી સાહેબા, શ્રી રાજુભાઈ શાહ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમારંભમાં વિશાળ સંખ્યામાં લીંબડીનાં શહેરીજનો અને રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, ભાવનગરથી ભક્તોએ હાજરી આપી હતી.

સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત વેદાંત સોસાયટી ઑફ ન્યુયૉર્કનો શતાબ્દી મહોત્સવ

૧૮૯૪માં સ્વામી વિવેકાનંદે જેનો મંગળ પ્રારંભ કર્યો તે વેદાંત સોસાયટી ઑફ ન્યુયૉર્ક અમેરિકાનું પ્રથમ કેન્દ્ર હતું. ન્યુયૉર્કમાં ૩૪ વેસ્ટ ૭૧મી શેરીમાં આ કેન્દ્ર આવેલ છે. ૧૯૭૭થી શ્રીમત્ સ્વામી તથાગતાનંદજી મહારાજ આ કેન્દ્રનું સંચાલન સંભાળે છે.

દર રવિવારે સવારે પ્રભાતકાલીન પ્રાર્થના, દર મંગળવારે સાંજના ભગવાન શ્રીરામકૃષ્ણદેવ વિશે વર્ગો અને દર શુક્વારે સાંજના શ્રીમદ્ ભગવદ્ ગીતા પર વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવે છે. દર શનિવારે અને રવિવારની સાંજના ભક્તિભાવ ભર્યાં ગીત-સંગીતનો જાહેર કાર્યક્રમ પણ યોજાય છે.

શ્રી શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા શારદાદેવી, સ્વામી વિવેકાનંદ, ભગવાન બુદ્ધ અને ભગવાન શ્રીકૃષ્ણનો જન્મજયંતી મહોત્સવ ઉજવાય છે. આ ઉપરાંત ઈસ્ટરના તહેવારો, દુર્ગાપૂજા અને ક્રિસમસના તહેવારોની ઉજવણી પણ થાય છે. સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મ પરિષદ સંભાષણ શતાબ્દી વર્ષનો મહોત્સવ વિવિધ સ્થળોએ યોજાયો હતો. ચોથી જુલાઈનો સ્વામી વિવેકાનંદ વાર્ષિક મહોત્સવ દર વખતની જેમ અમેરિકાના એક ભક્તજનને ઘરે યોજાયો હતો.

આ સંસ્થાના સ્વામીજીએ શાળા, મહાશાળાઓ, મંદિરોમાં તેમજ વેદાંત સોસાયટીઓમાં પોતાનાં પ્રવચનો આપ્યાં હતાં. આ ઉપરાંત ભક્તજનોના સમૂહને તેમ જ શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં પણ સંબોધન કર્યું હતું.

સ્વામી વિવેકાનંદ શિકાગો સંભાષણ શતાબ્દી મહોત્સવ નિમિત્તે વિલિયમ પેટરસન કૉલેજ, ન્યુજર્સીની રુટજર્સ વિશ્વવિદ્યાલય, ન્યુયૉર્ક રાજ્યની વિશ્વવિદ્યાલયની સ્ટોની બ્રુક શાખામાં પણ સ્વામીજીનાં વ્યાખ્યાનોનો કાર્યક્રમ યોજાયો હતો. પાંચ મહેમાન સ્વામીજીનાં વ્યાખ્યાનો પણ યોજાયાં હતાં. સ્વામી તથાગતાનંદજી મહારાજે નીચેના ત્રણ ગ્રંથો લખ્યા છે. તેમાંનો છેલ્લો ગ્રંથ વેદાંત સોસાયટીના કેન્દ્ર દ્વારા પ્રસિદ્ધ થયો છે:

Albert Einstein – His human side, Meditation on Shri Ramakrishna and Swami Vivekananda અને Swami Vivekananda’s Impact at the Parliament of Religions.

રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા સ્વામી વિવેકાનંદ – શિકાગો વિશ્વધર્મપરિષદ શતાબ્દીનો સમાપન સમારોહ

ઉપરોક્ત ઉજવણીના ભાગરૂપે નીચેના કાર્યક્રમો યોજાયા છે-

તા. ૧૪, ૧૫ નવેમ્બર ’૯૪ – બેલુરમઠમાં – ધર્મપરિષદ

તા. ૧૭, ૧૮ નવેમ્બર ’૯૪ – નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ -કલકત્તા ખાતે – સ્વામી વિવેકાનંદ પર સેમિનાર

તા. ૨૦ નવેમ્બર ’૯૪ મેદાન, કલકત્તા ખાતે – જાહેરસભા

ઓછામાં ઓછું રૂ।. ૧૦૦નું દાન આપનાર કોઈ પણ વ્યક્તિ સભ્ય બની આ કાર્યક્રમોમાં જોડાઈ શકશે. કલકત્તાની બહારથી જનાર પ્રતિનિધિઓ માટે રહેઠાણની સાદી વ્યવસ્થા નિ:શુલ્ક કરવામાં આવશે. પ્રવેશ-પત્ર આ સરનામે મળશે- શ્રીરામકૃષ્ણ આશ્રમ, ડૉ. યાજ્ઞિક રોડ, રાજકોટ – ૩૬૦૦૦૧

Total Views: 220

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.