સમગ્ર વિશ્વની શિક્ષણપદ્ધતિ પર ઊડતી નજર નાખીએ તો જોવા મળે છે કે તે સાવ મસ્તિષ્ક વિષયક, ડાબા મગજ પર આધારિત, મુખ્યત્વે બાહ્ય જીવનમાં વ્યક્તિગત સફળતા અને સ્વાર્થી રીતે નાણાં મેળવવા માટે યોજવામાં આવેલી છે. અને હવે લોકોને તેની સૌથી કાળી બાજુનું ભાન થવા લાગ્યું છે. ડિસેમ્બર ૨૦, ૧૯૯૩ના ‘ટાઈમ’માં બંદૂક આધારિત અમેરિકન સંસ્કૃતિનું ભયાનક ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે, અમેરિકાના ૪૮ ટકા નાગરિકો પિસ્તોલ ધરાવે છે. પરિણામે ૬,૪૦,૦૦૦ જેટલા બંદૂક આધારિત અકસ્માતો થાય છે. આમાં બાળકો પોતાની શાળાના વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ૫૨ જે અંધાધૂંધ ગોળીબારો કરે છે તેનો સમાવેશ થઈ જાય છે. આ મૂર્ખતાને આપણે શૉપન હૉવરની અર્ધમૂર્ખામી કહી શકીએ. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ બંદૂક આધારિત સંસ્કૃતિ ક્યાં સુધી ચલાવી લેવી? જે કિસ્સાઓમાં ધાર્મિક અને નૈતિક મૂલ્યોનો ઈન્કા૨ ક૨વામાં આવ્યો હોય કે તેમનો નાશ કરવામાં આવ્યો હોય તેવા સમાજમાં ગુનેગારોને મૃત્યુદંડ દેવાની બાબતમાં દાયકાઓ સુધી ચીનની સરકારે સખત પગલાં લીધાં હતાં. સ્વીડનને પોતાની જાતને “નિરોધપ્રિય સમાજ” તરીકે જાહેર કરવી પડી હતી. જાપાનની સ૨કારે ૧૯૯૨ના મે મહિનામાં જાહેરાત કરી હતી કે જાપાનના બધા ઉદ્યોગોના અને પ્રશાસનના ૪૪ વર્ષથી ઉ૫૨ના ૪૨ ટકા ઉચ્ચ અધિકારીઓને મનોવૈજ્ઞાનિક સારવાર આપવા માટે ૧૦૦ દવાખાનાંની જરૂર પડશે; કેમકે તે લોકોને એક યા બીજા પ્રકારની માનસિક વિકૃતિ લાગુ પડી ગઈ છે. ભારતે પોતાની રાષ્ટ્રીય સરકારે માન્ય રાખેલી બિન-નૈતિક અને કહેવાતી ધર્મનિરપેક્ષ – બિનસાંપ્રદાયિક – શિક્ષણ – પ્રથાનાં કડવાં ફળ મેળવવાનું શરૂ કરી દીધું છે.

૧૯૮૯માં દિલ્હીમાં નશીલા પદાર્થોથી ટેવાયેલા એક લાખ માણસો હતા. તે બધા યુવાનો હતા અને એક એવી ગણતરી કરવામાં આવી હતી કે દુનિયાના સૌથી વધારે વ્યસની શહેરોમાંનું તે એક છે. આઈ.આઈ.ટી.ના ભારતના સ્નાતકો વિજ્ઞાન અને હુન્નરવિદ્યાના ક્ષેત્રમાં બહુ તેજસ્વી કાર્ય કરતા હોવા છતાં તેમાંના ૬૦ ટકા લોકો ભારતનાં પાયાનાં સત્યો અને સદીઓથી રાષ્ટ્રને ટકાવી રાખનારાં મૂલ્યોથી અજ્ઞાત હોય છે. કેટલા વિદ્યાર્થીઓને ખબર હશે કે ઉપનિષદના ૠષિઓએ શોધી કાઢેલાં બે આધ્યાત્મિક સત્યોને આધુનિક પદાર્થ વિજ્ઞાનની તાજેતરની શોધખોળોનું સમર્થન મળ્યું છે? આ સંશોધકો છે પદાર્થ વિજ્ઞાની ઈરવીન સ્ક્રૉન્ડીન્જર, વર્નર હાઈન્સબર્ગ તથા જ્યૉર્જ વાલ્ડેન.

૧ આત્મબ્રહ્મ – પ્રત્યેક મનુષ્યમાં આંતરિક રીતે અનંત જ્ઞાન, અનંત સામર્થ્ય, અનંત આનંદ અને શાશ્વત જીવનની ક્ષમતા રહેલી હોય છે.

૨. અંશ અંશીની સાથે જોડાયેલો હોય છે. સમાન-જાતીય પરમાણુઓ અફાટ અંતરથી જુદા પડેલા હોય તો પણ તત્કાળ જોડાઈ જાય છે, અને આ એક સમગ્ર વિશ્વ છે.

આ બન્ને વૈશ્વિક સત્યો છે અને નૈતિક કે ધર્મશાસ્ત્રીય જડ સિદ્ધાન્ત નથી. તેઓ બધા જીવોને અને બધી સંસ્કૃતિઓને લાગુ પાડી શકાય તેવાં છે. ધર્મશાસ્ત્રીય જડ સિદ્ધાન્તો વિભાજન કરે છે, પણ સત્યો માનવજાતિનું એકીકરણ સાધી આપે છે.

સ્વામી વિવેકાનંદે શિક્ષણનો આ પ્રકારનો વિકાસ થશે, એવું એક સૈકા પહેલાં જોઈ લીધું હતું. તર્ક, સંગ્રહખોરી, વ્યક્તિગત સફળતા માટેની લોભવૃત્તિ અને સંઘર્ષ – આ બધાં યાન – ડાબા મગજનાં કાર્યો છે. શિક્ષણ એને તોલે નાચે છે. આપણા પાઠ્યક્રમમાં યિન્ એટલે કે જમણા મગજની બાજુની જોગવાઈ બહુ જ અલ્પ છે અથવા નથી. બહોળા “સમાજના સુખ માટે, બહોળા સમાજના હિત માટે” (બહુજન સુખાય, બહુજન હિતાય) એ વૈશ્વિક ભાવના જમણા મગજનું પાસું છે. સાથે સાથે દિવ્ય આનંદની આધ્યાત્મિક અનુભૂતિ અને અંતરાત્માના સામર્થ્યનું પણ તેમાં સ્થાન છે. આ બધી શક્તિઓ પ્રાર્થના, ધ્યાન, યોગ અને નિઃસ્વાર્થ સેવા દ્વારા પ્રકટ થઈ ઊઠતી હોય છે. આપણી શિક્ષણપદ્ધતિમાં આ પરિબળો વાસ્તવિક રીતે જોવામાં આવતાં નથી. પરિણામે રાજકીય પ્રાણીઓ (ઍરિસ્ટોટલ), જૈવિક પ્રાણીઓ (ફ્રૉઈડ) ઓજાર બનાવનારાં પ્રાણીઓ (બૅન્જામિન ફ્રેન્કિલન) અથવા અર્થશાસ્ત્રીય પ્રાણીઓ (ઑલ્વિન ટૉફલ૨) હોય એવાં નરનારી ઉત્પન્ન થાય છે.

આમાં રહેલી ક્ષતિઓને સ્વામી વિવેકાનંદ સ્પષ્ટ રીતે જોઈ શક્યા હતા અને આપણા કહેવાતા ધર્મ-નિરપેક્ષ અને યંત્રવિષયક (Technetronic) શિક્ષણની સમસ્યાઓનો ઉકેલ પણ તેમણે પૂરો પાડ્યો હતો.

આજના ધર્મનિરપેક્ષ અને યંત્ર વિષયક શિક્ષણની ખૂબ આકરી ટીકા કરવામાં આવી છે. આ સૈકાના જાણીતા અંગ્રેજ મનોવિજ્ઞાની આર. ડી. લેઈન્ગનું નિરીક્ષણ છે: “આજે ઈંગ્લેન્ડમાં જન્મતા બાળકને માટે વિશ્વવિદ્યાલયમાં દાખલ થવાની તક કરતાં દશ ગણી વધારે તક માનસિક રોગોની હોસ્પિટલમાં દાખલ થવાની છે.” આપણે આપણાં બાળકોને વિશુદ્ધ રીતે શિક્ષણ આપવાને બદલે વધારે અસરકારક રીતે ગાંડપણ તરફ દોરી રહ્યા છીએ; એનું આ લક્ષણ છે. કદાચ તેમને ગાંડપણ તરફ ધકેલતી એ આપણી શિક્ષણ પદ્ધતિ છે.

જાપાનની અગ્રગણ્ય શૈક્ષણિક સંસ્થા માત્સુશિતા સ્કૂલ ઑફ ગવર્નમેન્ટ ઍન્ડ મૅનૅજમેન્ટ કબૂલ કરે છે કે અમારી સ્થૂળ સંપત્તિની પાછળ નીતિમત્તા અને સામાજિક મૂલ્યોનાં ક્ષેત્રોની મૂંઝવણ રહેલી હોય છે. ધર્મનિરપેક્ષ શિક્ષણની આ નિષ્ફળતા છે. તેમાં વિદ્યાર્થીઓ પાસે કોઈ જીવનધ્યેય હોતું નથી. અને ટૉફલર જેને ત્રીજું મોજું કહે છે, તે નવી સંસ્કૃતિ પણ સુવ્યવસ્થા અને જીવનધ્યેય પૂરું પાડતા માળખા સાથે શરૂ થવી જોઈએ. અમેરિકાના મનોવિજ્ઞાની રૉલૉ મે લખે છે: “લાંબા સમય સુધીની ધ્યેયહીનતાનો બોજો વેંઢારીને પછી જુવાન માણસ હેરોઈનના વ્યસનને શરણે જાય છે. તે પેલા જુવાનને જીવનનો કામચલાઉ રાહ પૂરો પાડે છે.”

આર. ડી. લેઈન્ગ લખે છે: “એમોસ (AMOS…)માં એવી ભવિષ્યવાણી છે કે દેશમાં દુષ્કાળ પડશે, રોટીનો નહીં, પાણીનો નહીં, પણ પ્રભુના શબ્દો સાંભળવાનો. એ સમય આવી ગયો છે. એ આ અત્યારનો યુગ છે.”

તાજેત૨માં પ્રકાશિત થયેલા યુનેસ્કોના અહેવાલમાં શિક્ષણના આ નવા આદર્શની ખોજનું પ્રતિબિંબ પડે છે. તેનું શીર્ષક છે “જીવતાં શીખવું” (Learning To Be)- ‘કાંઈક કરતાં શીખવું’ (Learning To Do) એ ધ્યેયથી કેટલાક દાયકા પહેલાં શરૂ થયેલા શિક્ષણનું પરિણામ વિદ્યાર્થીઓની ‘ઓજાર બનાવતા પ્રાણીઓમાં’ ઉત્ક્રાન્તિકરણ કરવામાં આવ્યું છે. આવું વર્ણન બૅન્જામિન ફૅન્કલિને કર્યું છે. અથવા તો ‘રાજકારણી પશુ’ (Homo-politician) બનાવવાની ઍરિસ્ટોટલે કામના સેવી હતી, તેવો તે બની ગયો છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સામ્પ્રત વિજ્ઞાને દર્શાવ્યું છે કે જીવશાસ્ત્રીય રીતે માણસ હજી અધૂરો છે અને તેનું અસ્તિત્વ એ પૂર્ણતા હાંસલ કરવા માટેની અને શીખવા માટેની અનંત પ્રક્રિયા છે. આજના શિક્ષણનો હેતુ સંપૂર્ણ માનવ બનાવવાનો છે. એ અહેવાલમાં જુલિયન હકસ્લેનું એક ઉદાહરણ ટાંકીને કહેવામાં આવ્યું છે કે માણસની ભૂમિકા પૃથ્વી પર ચાલી રહેલી ઉત્ક્રાન્તિની પ્રક્રિયામાં નેતા બનવાની છે. એકંદરે કહીએ તો તે અહેવાલ આજના શિક્ષણને ‘સંપૂર્ણ માનવ’ બનાવવાના પ્રયાસ તરીકે વર્ણવે છે. વ્યક્તિના શારીરિક, બૌદ્ઘિક, ભાવનાત્મક અને નૈતિક એકીકરણ દ્વારા સંપૂર્ણ માનવનું નિર્માણ એ પાયાનું લક્ષ્ય છે.” લગભગ એક સૈકા પહેલાં સ્વામી વિવેકાનંદે આ જ વિચાર રજૂ કર્યો હતો. “ભગવાન એવું કરે કે માનવોનું બંધારણ જ પહેલેથી એવું હોય કે તેમના મનમાં તત્ત્વજ્ઞાન, અધ્યાત્મ, ભાવના અને કર્મ સરખા પ્રમાણમાં સંપૂર્ણ રીતે મોજુદ હોય! સંપૂર્ણ માનવનો મારો આ આદર્શ છે.” યુનેસ્કોનો અહેવાલ સ્પષ્ટ વિધાન કરે છે કે “યુવકોમાં દેખાતો અજંપો એમણે પોતે પોતાના હૃદયમાં સેવેલાં નૈતિક મૂલ્યોના વડીલો દ્વારા કરવામાં આવતા અનાદરને મુખ્યત્વે આભારી છે.” અહેવાલ કબૂલ કરે છે કે યુવાનોમાં પ્રવર્તતી કુદરતી લાગણીઓને દબાવી દેવાની વૃત્તિ અને હતાશા માનવ અને વિશ્વ વિષે સેવવામાં આવેલા વિકૃત કલ્પનાને આભારી છે.

સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે “દરેક આત્મા દિવ્ય બનવાની ક્ષમતા ધરાવે છે, અને “માનવની અંદર મૂળથી જ રહેલી સંપૂર્ણતાને પ્રકટ કરવી એ જ શિક્ષણ.” માનવની અંદર સંપૂર્ણતા અને દિવ્યતા સહજ હોય છે, એવી પાયાની માન્યતા જ વેદાન્તના અધ્યાત્મનો પાયો છે. સ્વામી વિવેકાનંદની દલીલ છે કે “કોઈ માળી વૃક્ષને બળજબરીથી ખેંચીને તેનો વિકાસ ન સાધી શકે, તે રીતે કોઈ શિક્ષક બાળકને શિક્ષણ ન આપી શકે. વિદ્યાર્થીની અનંત ક્ષમતાને પ્રકટ કરવાના કાર્યમાં તેના અજ્ઞાનના અવરોધોને અને સંજોગોની વિષમતાઓને દૂર કરીને શિક્ષક માત્ર સહાયરૂપ બની શકે. જે નવી પ્રતિ સંસ્કૃતિ આકાર લઈ રહી છે, તેણે માનવ માટે “આધુનિક અધ્યાત્મનિષ્ઠ” (Homo Mysticus) એવા આદર્શના સ્વપ્નની ઘોષણા કરી છે. તે સંસ્કૃતિના આગ્રહી લોકો આગ્રહપૂર્વક કહે છે કે જે સંસ્કૃતિ કાલ્પનિક અનુભૂતિઓને નકારે છે, ગૌણ બનાવી દે છે કે નિમ્ન કક્ષાની બનાવી દે છે, તે આપણા અસ્તિત્વનો હ્રાસ કરવાનું પાપ કરે છે. આજના વ્યાપક શિક્ષણે “ખોટી રીતે તેજસ્વી (a Hallow_man) દેખાતા માનવનું નિર્માણ કર્યું છે. બાહ્ય પૂર્ણતા ૫૨ વધારે પડતો ભાર મૂકવાનું આ પરિણામ છે. નૈતિક મૂલ્યો દુ:ખજનક રીતે ધોવાઈ ગયાં છે. આખું જીવન અર્થસભર હોવું જોઈએ, એવી વેદાન્તની પરિકલ્પના એ નૈતિકતાનો પાયો છે. જ્યારે ભગવાને કૅઈનને પૂછ્યું કે “તેં તારા ભાઈની હત્યા શા માટે કરી?” ત્યારે કૅઈને જવાબ આપ્યો, “શું હું મારા ભાઈનો રક્ષક છું?” કૅઈનના પ્રશ્નમાં જ એનો જવાબ આવી જાય છે. “તારી (પોતાની) જાતને તું જેટલો પ્રેમ કરે છે, તેટલો જ પ્રેમ તારા પડોશી પર કર.” સ્વામી વિવેકાનંદ કહે છે કે “એકત્વ એ નૈતિકતા છે. તેના પાયામાં પ્રેમ રહેલો હોય છે.”

કૉમ્પ્યૂટરો કે યંત્રો આધ્યાત્મિક સમગ્રતાના આદર્શનું શિક્ષણ ન આપી શકે. સ્વામી વિવેકાનંદ કહે છે તે રીતે જ્વલંત ચારિત્ર્યવાળા શિક્ષકોની તેમાં જરૂર પડે છે. તેમની સાથેનો સંપર્ક વિદ્યાર્થીના મનમાં રહેલી આંતરિક સંપૂર્ણતાની આકાંક્ષાને પ્રજ્વલિત ક૨શે. જેમણે આંતરિક સંપૂર્ણતા સાધી લીધી હોય તેવા અને તે પ્રકારની સાધનાની રીત જાણતા હોય તેવા શિક્ષકોની જરૂરિયાત વિષે આજના મનોવિજ્ઞાનીઓ વધારે ને વધારે સભાન થતા જાય છે. આર. ડી. લેઈન્ગના વિચારો વિષે ફ્રિટજૉફ કાપ્રા લખે છે કે લેઈન્ગના મતે આજે આપણને દીક્ષાવિધિની જરૂર છે. એ વિધિ દ્વારા સંપૂર્ણ સામાજિક પ્રોત્સાહન મેળવીને માણસ આંતરિક પ્રગતિ વિષે માર્ગદર્શન મેળવી શકે. આવા સામાજિકોએ એનો અનુભવ કરી લીધો હોય છે. અને તેઓ જગતમાં પાછા ફર્યા હોય છે. (ધ ટર્નિંગ પૉઈન્ટ – ડૉ. કાપ્રા)

શિક્ષણનો વ્યાપ વધતો ગયો છે. વિલ ડ્યૂરાં પોતાના તાજેતરના છેલ્લા પુસ્તક ‘ધ લેસન્સ ઑફ હિસ્ટરી’માં લખે છે કે “એક વખતે કૉલેજો સુખી વર્ગના પુરુષો માટે ઊભાં કરવામાં આવેલાં મોજશોખનાં સાધનરૂપ હતી. આજે વિશ્વવિદ્યાલયોની સંખ્યા એટલી મોટી છે કે માણસ દોડતાં દોડતાં પીએચ.ડી. થઈ શકે. આનાથી આપણે કદાચ પ્રાચીન સમયની ગણીગાંઠી પ્રતિભાઓથી ગુણવત્તામાં વધારે સારા સાબિત નહીં થયા હોઈએ, પણ આપણે ઈતિહાસના કોઈ પણ પ્રાચીન યુગ કરતાં આગળ વધીને જ્ઞાનની સપાટીને અને સરાસરીને ઊંચી ચડાવી છે.”

સ્વામી વિવેકાનંદના કહેવાનો ભાવાર્થ એ હતો કે શિક્ષણ ‘ઓજારો બનાવવાં’ કે ‘પુસ્તકો વાંચવાં’ એના કરતાં કાંઈક ચડિયાતું છે. જીવનનું ઘડતર કરતા, માનવ બનાવતા અને ચારિત્ર્યનું ઘડતર કરતા વિચોરોનો સમન્વય જેમાં થતો હોય એવા આદર્શ શિક્ષણની ખોજ તેઓ કરતા હતા. તેમને મન શિક્ષણ એ ‘ન પચેલી અને વિનાશક પ્રવૃત્તિ કરવા પ્રેરતી માહિતીનો ઢગલો’ જ ન હતું. શિક્ષણની પેલી રચનાત્મક પ્રક્રિયા આખા જીવન દરમ્યાન ચાલુ રહે તેવી તેમની અપેક્ષા હતી. માત્ર માહિતી વિનાશક પ્રવૃત્તિ માટે કેવી પ્રેરક બની રહે છે, તેનાં સાક્ષીરૂપ આજની કૉલેજો અને વિશ્વવિદ્યાલયો છે. ત્યાં તે એક સામાન્ય ઘટના છે છેલ્લા ત્રણ દાયકામાં ઉચ્ચ શિક્ષણ માટે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૨૦૦ ટકાનો વધારો થયો છે. આખા જગતને માટે આ એક અસામાન્ય ઘટના છે એમ તાજેતરમાં પ્રકાશિત થયેલો યુનેસ્કોનો અહેવાલ જણાવે છે આ બધું છતાં યુવાનો “બગડી જાય છે” આનું કારણ બતાવતાં રૉસઝાક લખે છે કે “તેમને એમ માનવા પ્રેરવામાં આવે છે કે માનવ બનવાનો અર્થ આનંદ અને સ્વતંત્રતા સાથે સંકળાયેલ છે.

ઉપસંહાર: ડૉ. હર્બર્ટ બૅન્સનના પુસ્તક “ધ રીલૅક્સૅશન રીસ્પૉન્સ” ૫૨થી માલૂમ પડે છે કે હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના અનુભવાતીત ધ્યાન (Transcendental Meditation) વિભાગે આશ્ચર્યજનક પરિણામો મેળવ્યાં છે. નશીલા પદાર્થોનો ત્યાગ કરવામાં ધ્યાનની પ્રક્રિયાએ ૬૦ ટકા ઉપરાંત વિદ્યાર્થીઓને મદદ કરી છે.

એક સૈકા અગાઉ સ્વામી વિવેકાનંદે અમેરિકામાં કહ્યું હતું કે ગ્રીક સંસ્કૃતિએ કળાઓ અને વિજ્ઞાનમાં સમગ્રતા પ્રાપ્ત કરેલી હતી, છતાં તેણે જીવનના આધ્યાત્મિક પરિમાણની ઉપેક્ષા કરી હતી, તેથી અનૈતિકતામાં સરી પડી અને વિનાશ પામી. રોમન સંસ્કૃતિએ પણ કાનૂન અને પ્રશાસનની બાબતમાં પૂર્ણતા હાંસલ કરી હોવા છતાં જીવનની સમગ્રતાની ઉપેક્ષા કરવાને લીધે જંગાલિયતમાં સરકી પડી અને નાશ પામી. આપણા સમયમાં પણ આપણે જોઈએ છીએ કે યુરોપના નાસ્તિક સામ્યવાદનો કીર્તિસ્તંભ ધરાવતું સામ્રાજ્ય પત્તાના મહેલની પેઠે તૂટી પડ્યું. આનું કારણ એ છે કે ભોગવાદી તત્ત્વજ્ઞાનના પાયા પર પોતાની જાતને ટકાવી રાખવામાં તે સફળ થયું ન હતું.

ભારતની સંસ્કૃતિના ઈતિહાસમાં ચડતી પડતીના ઘણા ગાળા આવ્યા છે. છતાં તેણે આધ્યાત્મિકતાને પ્રાધાન્ય આપ્યું હોવાને લીધે ટકી રહી છે. પરંતુ તેણે ૧૨૦૦ વરસ સુધી ગુલામીની યાતના ભોગવી એનું કારણ સ્વામીજીના મતે એ છે કે તે ઉચ્ચ આધ્યાત્મિક આદર્શોનો અમલ કરવામાં નિષ્ફળ નીવડી અને વિવેકાનંદજીના શબ્દોમાં કહીએ તો હિન્દુ વ્યવહારકુશળતાના અભાવ (Hindu impracticality)માં પતન પામી. સ્વામી વિવેકાનંદે વેદાન્તના આદર્શોને અમલમાં મૂકવા માટે પોતાનું જીવન સમર્પી દીધું હતું અને એક નવા યુગના શ્રીગણેશ કર્યા હતા. આ યુગમાં ધર્મ સામાજિક રીતે ગતિશીલ બન્યો છે.

સ્વામી વિવેકાનંદ એવી સંસ્કૃતિની અપેક્ષા રાખતા હતા જેમાં ગ્રીક પ્રકારની કળા તથા વિજ્ઞાનવિષયક પૂર્ણતા હોય અને અનૈતિકતા ન હોય; જેમાં કાનૂન અને પ્રશાસનવિષયક રોમન પ્રકારની પૂર્ણતા હોય પણ જંગાલિયત ન હોય અને જેમાં હિન્દુ પ્રકારની આધ્યાત્મિક આદર્શોની પૂર્ણતા હોય પણ વ્યવહારકુશળતાનો અભાવ ન હોય. તેમણે એવી ભવિષ્યવાણી કરી હતી કે માનવજાતિ, ખાસ કરીને સ્ત્રીઓ, આ આદર્શને સિદ્ધ કરશે. તેમણે જૂનાગઢના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈને લખ્યું હતું કે માનવજાતિ પાશ્ચાત્ય વિજ્ઞાન અને ગતિશીલતા અને હિન્દુ આધ્યાત્મિકતાનું સંમિશ્રણ કરતાં શીખશે અને પૃથ્વી પર પહેલાં કદી પણ જોવામાં ન આવી હોય તેવી નવી જાગૃત પેઢી તરીકે બહાર આવશે.

આખી શિક્ષણપ્રથાને આજે જરૂર છે આ પરસ્પર પૂરક થવાની ક્ષમતાની, આ યાન્ અને યિન્ના સમતોલ વિકાસની, આંતરિક અને બાહ્ય પરિપૂર્ણતાની, વ્યક્તિગત સાહસિકતા અને જીવન પ્રત્યેના વૈશ્વિક દૃષ્ટિકોણની, વિજ્ઞાન, હુન્નરવિદ્યા અને ક્રાઈસ્ટ તથા બુદ્ધની અનંત દિવ્યતાની આપણા સૌમાં અનુભૂતિની.

ભાષાંતર: શ્રી ચંદુભાઈ ઠકરાલ

Total Views: 184

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.