(શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.)

કેવું આકર્ષક અને મીઠું લાગે છે આ વાર્તાલાપનું શીર્ષક – ‘માનવ સૌ સમાન.’ પણ એને ચરિતાર્થ કરવું, માનવજીવનમાં પ્રત્યક્ષ અનુભવવું એટલું જ મુશ્કેલ છે. સૃષ્ટિના સર્જનહારનું ઉત્તમ સર્જન માનવી છે એમ માનવામાં આવે છે. “God made man after his own image.” માનવી જો ધારે તો દેવ, સ્વયં ઈશ્વર બની શકે. ધર્મ-શાસ્ત્રો અને આપણા પયગમ્બરો કહે છે- પ્રત્યેક માનવમાં દૈવી અંશ રહેલો છે. તો એ દૃષ્ટિએ પણ માનવ જાતમાં એકતા અને સમાનતા હોવી જોઈએ. આપણા આદિ કવિ નરસિંહ મહેતાએ ગાયું છે,

“અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે.”

વિધવિધ સ્વરૂપે વિલસતા આ વિશ્વમાં એક જ બ્રહ્મ વ્યાપી રહ્યું છે. આ અનંત સત્ય હોવા છતાં વાસ્તવિક દુનિયામાં આથી વિપરીત વાત અનુભવીએ છીએ.

મહાન ઈતિહાસકારો કહે છે, આજે વિજ્ઞાનની શોધો એટલી ચમત્કારીક રીતે આગળ વધી રહી છે કે હજારો માઈલનું અંતર દૂર થયું છે અને વિશ્વના અનેક ખંડો નજીક આવી ગયા છે. પણ માનવમાનવ હૃદયથી નજીક નથી આવ્યા. જાણે કે એની વચ્ચેનું અંતર વધતું જ રહ્યું છે. ભૌતિક અને વૈજ્ઞાનિક પ્રગતિથી આપણે બહિર્જગત ઉપર આપણું વર્ચસ્વ, આધુનિક યુગમાં સ્થાપિત કર્યું છે. પરંતુ આપણાં આંતર જગત ઉપર આપણું જાણે કે વર્ચસ્વ જ નથી રહ્યું અને એ જગતની દૃષ્ટિએ જાણે આપણે તદ્દન વામણાં બની ગયાં છીએ. ઇંગ્લેન્ડ અમેરિકા જેવા સમૃદ્ધ ગણાતા દેશોમાં પણ માનવ માનવ વચ્ચેના રંગભેદ અને ઉચ્ચનીચ ભેદો જોઈએ ત્યારે આશ્ચર્યવિમૂઢ થઈ જઈએ છીએ. અને આજના માનવીની સામ્રાજ્ય-વૃદ્ધિની ભૂખ, વિજ્ઞાનની શોધોનો કેટલે હદ સુધી દુરુપયોગ કરી રહી છે! જો આજે માનવ ધારે તો સમસ્ત પૃથ્વી પરથી થોડા જ કલાકોમાં સમસ્ત માનવજાતને સમૂળગી નષ્ટ કરી દે. અને જો વિજ્ઞાનની શોધોનો સદુપયોગ કરવામાં આવે તો? તો સમસ્ત માનવજાતના વિકાસનાં પ્રત્યેક ક્ષેત્રમાં આવતા અવરોધો દૂર થઈ જાય. ‘માનવ સૌ એક’ એ ભાવનાને અપનાવીએ તો સૌ માનવને સમાન અને સ્વાભાવિક રીતે તેનો લાભ મળી શકે. આવી પરિસ્થિતિમાં દુનિયાએ જો માનવતાને સાચા અર્થમાં સમજવી અને વિકસાવવી હશે તો ભારતની સંસ્કૃતિ અને તેનું યુગે-યુગે જરૂરત મુજબ નવસંસ્કરણ કરનાર મહાન ઋષિઓ તરફ અને એમના જીવન દ્વારા ફેલાયેલા સંદેશાને ઝીલવા પડશે. સદ્ભાગ્યે હજુ આપણા દેશમાં સંતો અને મહંતો તેમ જ તેમના દ્વારા રચાયેલું સાહિત્ય મોજુદ છે. તે બતાવે છે કે તેમણે ઈન્દ્રિયો અને આંતરજગત ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો, ભલે બહિર્જગતના ભૌતિક સુખોની ત્યાં ઉણપ હોય. આપણા મહાન અવતારો, ઋષિઓ અને ભક્તો- રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, શંકર, ચૈતન્ય, નાનક, કબીર, તુલસીદાસ વગેરેએ પોતાની સાધના અને જીવન દ્વારા માનવમાનવ વચ્ચેની સમાનતા અને એકતા, ભ્રાતૃત્વ, અને વિશ્વબંધુત્વની ભાવનાને જ પ્રસરાવી છે. વેદ, પુરાણ અને મહાકાવ્યો, રામાયણ અને ગીતાએ જે સંદેશો આપ્યા છે, જે ગાન ગાયાં છે, તેનો એક જ સૂર છે: “સૌ ઈશ્વરના પુત્રો છો, સૌ સમાન છો.” સમાજ જ્યારે જ્યારે આ સંદેશને ઝીલીને તેને અનુસરે છે ત્યારે રાષ્ટ્ર અને ધર્મની ઉન્નતિ થાય છે અને જ્યારે એથી વિમુખ થાય છે ત્યારે ધર્મ અને સંસ્કૃતિનો હ્રાસ થાય છે.

Man Loses his identity:

દરેક રાષ્ટ્રને તેની મંઝિલમાં ઉન્નતિ અને અવનતિનાં તબક્કાઓ આવે છે, આવતા જ હોય છે. એક વખત ધર્મ અને સંસ્કૃતિની ઉચ્ચતાની ટોચે પહોંચેલા ભારતને માટે સદીઓ સામાજિક અને ધાર્મિકતાને ક્ષેત્રે સંપૂર્ણ અંધકારનો યુગ બની ગઈ હતી. રાજકીય રીતે વર્ષોથી ગુલામીમાં જકડાએલી પ્રજાનાં હીર અને નૂર શોષાઈ ગયાં હતાં, સામાજિક અને ધાર્મિક રીતે પણ પ્રજામાં અનેક પ્રકાર વહેમો, જડતા, સંકુચિતતા અને સાંપ્રદાયિક્તાનો પ્રસાર થઈ ગયો હતો અને ધર્મને નામે ઉચ્ચનીચના ભેદ, કોમવાદ અને અસ્પૃશ્યતાનાં દૂષણોએ માઝા મૂકી દીધી હતી. સ્વચ્છતા સફાઈ અને સેવાના કામ કરતી કોમનાં માણસોને ક્ષુદ્ર અને અસ્પૃશ્ય માનવામાં આવતા હતા, અરે! પશુઓ કરતાં પણ તિરસ્કારભર્યું વર્તન તેમના તરફ દાખવવામાં આવતું હતું. કૂતરાં અને બિલાડાંઓ ઘરમાં આવી શકે પણ આ અસ્પૃશ્ય ગણાતી કોમને, માનવ તરીકેના અધિકારોથી વંચિત રાખવામાં આવી હતી. એ યુગમાં ક્રાંતિના મંડાણ થયાં. રાજા રામમોહન રાય, કેશવચંદ્ર સેન, દયાનંદ સરસ્વતી જેવી મહાન વિભૂતિઓએ સમસ્ત સમાજ અને ધર્મ તેમ જ સંસ્કૃત રાષ્ટ્રની ઉન્નતિનાં કાર્યોનો આરંભ કર્યો. બધી જ રીતે સમાજ અને ધર્મ સુધારણાનાં કાર્યો થવા લાગ્યાં અને એ જ યુગમાં ધર્મ અને સમાજમાં આ ક્રાંતિકારી કાર્યના મહાન જ્યોતિર્ધર તરીકે, આ બહુરત્ના વસુંધરાને ખોળે આવ્યા યુગાવતાર શ્રીરામકૃષ્ણ અને યુગ પુરુષ સ્વામી વિવેકાનંદ. શ્રીરામકૃષ્ણે પોતાની પરમ સાધના દ્વારા વિશ્વના સર્વ ધર્મો વચ્ચેની એકતા સ્થાપિત કરી અને હિંદુધર્મના વિશાળ હૃદયી સિદ્ધાંત ‘એકં સત્ વિપ્રા બહુધા વદન્તિ’ને પુનઃસ્થાપિત કરી. વેદ, પુરાણ, કુરાન, બાઈબલ બધાં જ ધર્મોનાં મૂળમાં રહેલા અનંત સત્ય તત્ત્વને સુસ્પષ્ટ કરી, ધર્મ ધર્મ વચ્ચેના ભેદ મિટાવી, સર્વધર્મ સમન્વયની ભાવનાને પ્રગટાવી. અને તેમના પરમ શિષ્ય સ્વામી વિવેકાનંદે પરિવ્રાજક તરીકે સારાએ ભારતવર્ષમાં ઘૂમીને જ્યારે દેશની, ધર્મની, અવનત દશા અને કંગાલીઅતનાં દર્શન કર્યાં ત્યારે તેમનું અંતર કકળી-રડી ઊઠ્યું. તેમણે આ સામાજિક અને ધાર્મિક અવદશાને વખોડી કાઢતાં પોતાનાં ભાષણોમાં ઠેર ઠેર કહ્યું, “ઓ ભારતવાસી! તું ભૂલતો નહીં કે ભારતનો નીચે પડેલો વર્ગ, અજ્ઞાની ભારતવાસી, અભણ ભારતવાસી, ભારતનો ભંગી, ચમાર સુધ્ધાં, તારાં લોહીનાં સગાંઓ છે, બંધુઓ છે. હે વીર તું બહાદુર બન, હિંમતવાન થા, અને ગૌરવ લે કે તું ભારતવાસી છો અને ગર્વપૂર્વક ગર્જના કર કે, હું ભારતવાસી છું, પ્રત્યેક ભારતવાસી મારો ભાઈ છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ એ ઉપનિષદ મંત્ર સાથે દરિદ્ર દેવો ભવના મંત્રનું પણ તું રટણ કર. તું ઘોષણા કર કે અજ્ઞાની ભારતવાસી, ગરીબ ભારતવાસી, બ્રાહ્મણ ભારતવાસી, અંત્યજ ભારતવાસી- એ દરેક મારો ભાઈ છે.” સ્વામીજીની આ માત્ર ઘોષણા જ ન હતી. દરિદ્રને નારાયણ ગણીને મંદિરમાં સ્થપાએલા દેવની જેમ જ એમણે એમની સેવામાં જ પોતાનું જીવન સમર્પણ કરી દીધું. અનેકને આધુનિક યુગમાં એ કાર્યમાં દોર્યા, અને ધર્મના ક્ષેત્રે ફેલાયેલા ઘોર અંધકારને આ જ્યોતિર્ધરે પ્રત્યક્ષ સેવા કાર્યની મશાલ હાથમાં લઈ રાષ્ટ્રનાં જીવનપથને ઉજ્જવલ કર્યો – અનેક પ્રકારનાં વહેમો, સડાઓ, અને અધર્મ કૃત્યોને નાબુદ કર્યાં.

આ તેજસ્વી મેધાવી, રાષ્ટ્રપ્રેમી, વિશ્વવિજયી, વીર સંન્યાસીનાં અનુગામી તરીકે આવ્યા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી. એમણે પણ એમના જીવનકાળ દરમ્યાન દેશ-ઉત્થાનનાં અનેક કાર્યોની સાથે સાથે હિંદુધર્મના કલંકરૂપે અસ્પૃશ્યતાને દૂર કરવા, નાબૂદ કરવા ભરચક પ્રત્યનો કર્યાં. પોતાના આશ્રમમાં સવર્ણો અને અસ્પૃશ્ય ગણાતા લોકો સાથે રહે એવી યોજના કરી. એ લોકોને હરિજન-હરિનાં જનને નામે સંબોધ્યા અને અપનાવ્યા. કેટલીક વખત એમને થતા અન્યાયો સામે ગાંધીજીએ ઉપવાસ પણ કર્યા એ જાણીતી વાત છે. રાષ્ટ્રના અપૂર્વ સ્વાતંત્ર્ય આંદોલનનાં મહાન કાર્ય કરતાં કરતાં પણ એમને હૈયે હરિજનોના ઉદ્ધારનું કાર્ય હંમેશાં ખૂબ મહત્ત્વનું રહ્યું. પરિણામે આ સ્થિતિમાં ઘણો સુધારો થયો. અને સ્વાતંત્ર્ય પછી તો કાયદાની દૃષ્ટિએ પણ એ હરિજનોના અધિકારોમાં કોઈ જાતનો ભેદ ગણાતો નથી. છતાં કહેવું જોઈએ કે ગાંધીજીની હરિજનો માટેની જે ભાવના હતી તેને આપણે સંપૂર્ણ અંશે અનુસરી શક્યા નથી. હરિજનોને બધી જ રીતે આત્મવત્ ગણી સવર્ણ અને તેમની વચ્ચેનાં ભેદ દૂર થાય તેમ કરવાને બદલે, હરિજનોની જાણે એક જુદી જ કોમ બની ગઈ. એમની જુદી કૉલોની, એમના જુદા અધિકારો- એ સ્વરૂપ અપાઈ ગયું. સમાજનાં લોહીમાં હાડોહાડ વ્યાપી ગયેલું આ કલંક હજુ પણ ક્યારેક, કયારેક જોર પકડી જાય છે, આજે આવા સંઘર્ષો થાય છે, તે માત્ર નાત જાત કે અસ્પૃશ્યતાને કારણે થાય છે કે બીજા અનેક સ્વાર્થી અને સ્થાપિત હિતો દ્વારા થાય છે એનો પણ આપણે અભ્યાસ કરવો જોઈએ. અને આપણે અનેક પ્રકારે આંદોલન કરી આ નામોશી દૂર કરવાના પ્રયત્નો કરવા જોઈએ. તેમાં પણ જનતાને અંતરને સ્પર્શે, આંતરિક રીતે લોકો સૌ માનવને સમાન ગણી આત્મવત્ ગણે એ જાતના પ્રયત્નોને વહેતા મૂકવા જોઈએ. એ અગત્યની વાત છે. કોઈ પણ સંજોગોમાં સવર્ણ કે અસવર્ણો તરફથી હિંસાત્મક કે ધ્વંસાત્મક પગલાં ન ભરાવાં જોઈએ. કારણ કે એથી શાંતિને બદલે ઝેર જ પ્રસરશે. આવાં કાર્યો માટે સમાજમાં અનેક લોકોએ હજુ પોતાનાં જીવનને સંપૂર્ણ અંશે સમર્પિત કરી માનવધર્મને સમાજમાં પુનઃસ્થાપિત કરવા કટિબદ્ધ થવું પડશે. તો જ રામ અને કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર, શંકર અને ચૈતન્ય, રામકૃષ્ણ અને વિવેકાનંદના આ ભારત અને દયાનંદ સરસ્વતી તેમજ ગાંધીના આ ગુજરાત સૌરાષ્ટ્રનું મસ્તક સામાજિક અને ધાર્મિક ક્ષેત્રોમાં પણ ઉન્નત રહેશે. તેમ જ “માનવ-માનવ સૌ સમાન”નો સિદ્ધાંત સંપૂર્ણ અંશે પુનઃપ્રતિષ્ઠિત થશે.

Total Views: 182

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.