અમદાવાદની એક કૉલેજમાં આ ગાંધી-સવાસો વાળા વર્ષમાં “શા માટે ગાંધીજીને સંભારવા?” એ વિશે વિદ્યાર્થીઓ-અધ્યાપકોને સંબોધ્યા પછી એ કૉલેજના અધ્યાપકખંડમાં અધ્યાપકો સાથે બેસીને થોડીક વાતો કરવા મને લઈ જવામાં આવ્યો. ત્યાં વાતવાતમાં એક અધ્યાપકે મને પ્રશ્ન કર્યો કે, “ગાંધીજી માતૃભાષા દ્વારા શિક્ષણ આપવામાં માનતા હતા; પણ તમને લાગે છે કે આજના સંદર્ભમાં એમ કરવાથી અર્થ સરશે? આજે અંગ્રેજીની સર્વત્ર બોલબાલા છે. તો અંગ્રેજીને વજન કેમ ન આપવું?” મેં એમને પૂછ્યું “તમે ફ્રાન્સ, સ્પેન, જર્મની, ઈટલી, રશિયામાં જઈને અંગ્રેજીનો મહિમા વર્ણવશો? ખાસ કરીને અંગ્રેજી મારફત વિષયો શીખવાનો?”

એ અધ્યાપક મિત્રે કહ્યું: “આ બધી ભાષાઓ સારી પેઠે વિકસેલી છે. એમણે વિજ્ઞાનો પણ ખિલવ્યાં છે અને એમની પાસે એક તૈયાર ભાષા છે.”

મેં કહ્યું “હું અંગ્રેજીનો દ્વેષ કરતો નથી તેમ ગુજરાતીનો મહિમા પણ કરવા માગતો નથી, પણ જે ભાષા પાસે ત્રણ લાખ શબ્દો છે તે કોઈ દરિદ્ર ભાષા ન કહેવાય. ગુજરાતનાં બાળકો ગુજરાતી ભાષા મારફત શીખે એ સ્વાભાવિક પ્રક્રિયા છે. ગાંધીજી આ સ્વાભાવિકતાના પુરસ્કર્તા હતા.”

પેલા મિત્રે કહ્યું: “ગુજરાતીમાં વિજ્ઞાન માટે શબ્દો ક્યાં છે?”

મેં કહ્યું: “શબ્દો તો છે. ન હોય તો અર્થદ્યોતક શબ્દો બનાવવા પણ પડે. જરૂર હોય ત્યાં મૂળ અંગ્રેજી, જર્મન કે ફ્રેંચ શબ્દને વાપરીએ પણ. જપાનમાં બધું શિક્ષણ જપાની મારફત અપાય છે, છતાં ત્યાં વિજ્ઞાનની ફૉર્મ્યુલાઓ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વપરાય છે તે જ વપરાય છે. આપણા દેશમાં અંગ્રેજી ઈતિહાસની દેણ છે. ખોટી કે ખરી રીતે આપણે વર્ષો સુધી માધ્યમિક શિક્ષણમાં અને ઉચ્ચ શિક્ષણમાં અંગ્રેજી મારફત વિષયો શીખવાનું રાખ્યું. એવી એક ટેવ પડી ગઈ કે અંગ્રેજી વિના ન ચાલે. પણ જ્યારે ભારતીય ભાષાઓમાં શીખવવાનું સ્વીકારાયું ત્યારે શબ્દોની ખોટ પડી નહોતી. આજે ગુજરાતમાં યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ જ્ઞાનના વિવિધ વિષયોનાં પુસ્તકો તૈયાર કરાવે છે. તો કેટલાં બધાં પુસ્તકો ગુજરાતીમાં સુલભ બન્યાં? માના ધાવણ સાથે જે ભાષા પામ્યા હોઈએ તેમાં ઊંચી વાતો પણ ચપટી વગાડતામાં સમજાઈ જાય છે. હા, અંગ્રેજીનો મોહ આપણને ઘેરી વળ્યો છે, બિઝનેસમાં કે પરદેશ જવામાં કે બીજા ત્રીજા વ્યવહારોમાં અંગ્રેજી ટકી રહ્યું છે કારણ કે એ હાથવગું હતું, વપરાતું હતું, એને માટે મોહ હતો, એની પ્રતિષ્ઠા હતી અને કેવળ પ્રમાદથી આપણે એનો આશ્રય લેતા રહ્યા હતા. પણ ગાંધીજીને મન તો એમાં ગુલામીનો સંકેત પડ્યો હતો.

“એટલે આપણી પોતાની ભાષામાં શીખીએ, જ્ઞાનવિષયો ખિલવીએ, ગ્રંથો રચીએ એ માટે એમણે આગ્રહ રાખ્યો. એમને પોતાને અંગ્રેજી નહોતું આવડતું માટે એમણે એમ કરેલું? ગાંધીજીનું અંગ્રેજી અંગ્રેજો વખાણે એવું સુંદર અંગ્રેજી હતું. પણ એમણે બાળકની સ્વાભાવિક ભાષાની હિમાયત કરી તે એટલા માટે કે ભારત એ ગામડાંનો બનેલો દેશ છે. આ દેશમાં પરસ્પર વ્યવહાર કરવા માટે માતૃભાષા પછી તરત રાષ્ટ્રભાષા આવે. અને આંતરરાષ્ટ્રીય સંપર્કની ભાષા તરીકે અંગ્રેજીને સ્વાભાવિક રીતે સ્થાન મળ્યું છે તો એનો પણ ગરજે ખપ કરીએ. પણ એક ભાષા તરીકે, બોધભાષા તરીકે નહીં, શિક્ષણના માધ્યમ તરીકે નહીં. શા માટે ઊંચામાં ઊંચા અને ગહનમાં ગહન વિષયોની ચર્ચા ગુજરાતીમાં ન થાય? એમ કરતાં જ એ ખીલતી રહે.

“યાદ રાખીએ કે બધી ભાષાઓ સરસ્વતીનાં સ્વરૂપો છે. કોઈનો દ્વેષ ન કરીએ તેમ આપણી ભાષાને અવગણીએ પણ નહીં.”

“આવા ખ્યાલથી ગુજરાત યુનિવર્સિટીએ ગુજરાતીને બોધભાષા બનાવવાનો સંકલ્પ કર્યો. એનાં રૂડાં પરિણામો આવ્યાં છે. એટલે કવિશ્રી નિરંજન ભગતે આ પ્રશ્ન જોરશોરથી ચર્ચાતો હતો ત્યારે એક સૂત્ર ઉચ્ચારેલું તે યાદ કરીએ: “માધ્યમ ગુજરાતી, ઉત્તમ અંગ્રેજી.”

“દુનિયા આપણે આંગણે આવી રહી છે, આપણે દુનિયા તરફ ખસતા ખસતા જઈએ છીએ. અંગ્રેજી વિના તો કેમ ચાલશે? પણ શિક્ષણનો જે સિદ્ધાન્ત દુનિયાભરમાં પ્રવર્તનમાં છે – માતૃભાષા દ્વારા જ્ઞાન પ્રાપ્તિનો – તેને ઉલાળીએ નહીં.

“અંગ્રેજોના ગયા પછી આપણો અંગ્રેજીનો મોહ કાયમ રહ્યો છે એથી મૅકૉલેની વાણી ફળી હોય એમ લાગે છે. અંગ્રેજી દ્વારા યુરોપીય વિદ્યાઓનું શિક્ષણ ભારતમાં પ્રસા૨વાની હિમાયત કરતાં એણે કહેલું કે, આપણે એવા ભારતીયો તૈયાર કરવા છે જેમનો ચામડીનો અને લોહીનો રંગ ભલે ભારતીય હોય, પણ એમની રીતભાત અને રુચિ અંગ્રેજોના જેવી હોય. એવું કંઈક થઈને રહ્યું પણ એ ક્યાં સુધી ચલાવવું?

“તો આપણે સ્વતંત્ર ભારતના વતનીઓ સાચા ભારતીય બની રહીએ. એ જ જગત સંસ્કૃતિને વિકસાવવા માટેનું આપણું યોગદાન હશે.”

Total Views: 187

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.