(શ્રીરામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ પૂજ્યપાદ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે શ્રીરામકૃષ્ણદેવ અને શ્રી શ્રીમા શારદાદેવી તથા તેમના મહત્તમ જીવનમાં પ્રસ્ફૂટિત ‘શરણાગતિ’ભાવ વિશે જુદા-જુદા પ્રસંગોએ જે વ્યાખ્યાનો આપ્યાં છે તેનું સંકલન ‘શરણાગતિ’ નામક પુસ્તિકા રૂપે ઉદ્બોધન કાર્યાલય, કલકત્તાએ બંગાળી ભાષામાં પ્રકાશિત કરેલ છે.

ભક્તિની ચરમ પરિણતિ એ જ શરણાગતિ. શરણાગતિ સાધના પણ છે અને સાધ્ય પણ. આ વિષયનું મર્માર્થ અને યથાર્થ તાત્પર્ય શરણાગતિ નામક વ્યાખ્યાનમાં થયેલ છે. ડૉ. કેદારનાથ લાભ દ્વારા થયેલ આ વ્યાખ્યાનના હિન્દી અનુવાદમાંથી ગુજરાતી રૂપાંતર કરવામાં આવ્યું છે.)

શ્રીરામકૃષ્ણ આવ્યા હતા આપણા સૌ માટે. આપણા સૌના કલ્યાણ અર્થે તેઓ જીવનભર દુ:ખ ભોગવતા રહ્યા. એક પાશ્ચાત્ય મનીષીના કથનાનુસાર ઈસુ ખ્રિસ્તને વધસ્તંભનું જે કષ્ટ ભોગવવું પડ્યું હતું તેના કરતાં શ્રીરામકૃષ્ણદેવનું રોગ-યંત્રણાનું દુઃખ જરાય ઓછું નહોતું. તેમને શા માટે આ પીડા ભોગવવી પડી? તેનાં કારણોની વ્યાખ્યા આપતાં શ્રીરામકૃષ્ણે પોતે જ એક જગ્યાએ કહ્યું છે કે અનુચિત કાર્યો કરવાથી તેના ફળ સ્વરૂપે દુઃખ ભોગવવાં પડે છે. પરંતુ આ જીવનમાં તેમણે તો કોઈ અનુચિત કાર્ય કર્યું જ નહોતું તો પછી આ દુ:ખ ભોગવવાનું શા માટે? જેમની સમક્ષ આ વાત તેમણે કરી તે સમજી શક્તા નહોતા એટલે પોતે જ સમજાવીને કહેવું પડ્યું કે કેટલાય લોકો અનેક પ્રકારનાં અનુચિત અધમપૂર્ણ કાર્યો કરીને જ્યારે અહીં આવે છે ત્યારે તેમનાં કષ્ટ આ દેહે (મારે) લેવાં પડે છે. આમ બધાનાં ભોગવવાનાં કષ્ટો તેમણે પોતાના શરીરમાં લઈને સંપૂર્ણ અસહ્ય કષ્ટો ભોગવવાં પડ્યાં. તેમને પોતાનું કંઈ પ્રયોજન નહોતું. જીવને દુઃખ – કષ્ટથી મુક્ત કરીને તેનો ઉદ્ધાર કરવો એક જ પ્રયોજન હતું. જીવોના દુઃખે તેમને એટલા વ્યાકુળ કરી મૂક્યા હતા કે તેમણે સમાધિ સુખને પણ તુચ્છ માની લીધું હતું. તેમણે ફક્ત એટલું જ ઈચ્છ્યું હતું કે જીવનની અંતિમ ક્ષણ સુધી તેમના મારફત સંસારનું કંઈક કલ્યાણ થતું રહે. તેઓ જાણતા હતા કે તેમનું શરીર એક યંત્ર છે અને જગન્માતા આ યંત્રનો ઉપયોગ જગતના કલ્યાણ અર્થે કરે છે. તેમને પોતાનો કોઈ અહંકાર નહોતો, ‘હું’પણાનો બોધ જ નહોતો. તેઓ કોઈ દિવસ પોતાના શરી૨ને પણ ‘મારું’ નહોતા કરી શક્તા. ‘અહીંનું’ એમ જ કહેતા હતા. આ બધું લોકોને બતાવવા માટે નહીં પરંતુ તેમના મનમાં કદી એવો ભાવ જ ઉત્પન્ન નહોતો થતો કે આ હું કહું છું. તેઓ જ્યારે એમ કહેતા કે “હું યંત્ર છું અને તમે યંત્રી” ત્યારે આ શબ્દો ફક્ત તેમના મુખમાંથી નહીં પરંતુ અંત૨માંથી ઉદ્ભવેલા હતા.

શ્રીરામકૃષ્ણે આપણને એ બતાવી આપ્યું કે ભગવાનને કેમ બોલાવી શકાય. એક જગ્યાએ તેમણે કહ્યું છે“તમે શું પ્રાર્થના કરો છો? ભગવાન માટેની વ્યાકુળતા ન હોય તો શું કંઈ થાય? આમ કહીને તેના માટે તો રુદન કરવું પડે, આમ કહીને જમીન પર સૂઈ જઈને તેઓ આકુળ-વ્યાકુળ થવા લાગ્યા. ભગવાન માટેની વ્યાકુળતા કેવી હોય તે પોતાના જીવન દ્વારા બતાવી ગયા. આ વ્યાકુળતાએ જ તેમને ભગવાનનો પ્રથમ અનુભવ કરાવ્યો. એ નક્કી જ છે કે બાળપણથી જ તેમના જીવનમાં અનેક પ્રકારની અલૌકિક ઘટનાઓ બની છે. અને તેમણે તેનો અનુભવ પણ કર્યો છે. આ બધું બાજુ પર મૂકીને તેમના માનવરૂપ પર વિચાર કરીશું તો જણાશે કે દક્ષિણેશ્વરમાં “મા” માટેનું તેમનું આકુળતા-વ્યાકુળતા સાથેનું રુદન જોઈને લોકો સ્તબ્ધ થઈ જતા. તેમને એમ લાગતું કે આ વ્યક્તિના સમગ્ર શરીરમાં કાંટા ભોંકાતા હોય તેવી વેદના તેને થઈ રહી છે. આ યંત્રણા તેમને શા માટે ભોગવવી પડી? ભગવાનને પ્રાપ્ત કરવા માટે, હૃદયમાં કેવી દારુણ વેદના ભોગવવી પડે છે એ બતાવવા માટે, તેમ જ ભગવાન પ્રાપ્તિ માટે આ જાતની વ્યાકુળતા એ એક માત્ર ઉપાય છે એ પણ બતાવવાની જરૂર હતી. આ પહેલાં તેમણે વિધિપૂર્વક અનુષ્ઠાન કરીને સાધના નથી કરી. ફક્ત અંતઃપ્રેરણાથી જે સમયે જે મનમાં ઉદ્ભવ્યું તે જ કર્યું છે. તેમના કોઈ નિર્દેશક નહોતા. કોઈ શાસ્ત્રનું અનુસરણ પણ તેમણે કર્યું નથી. ફક્ત આંતરિક વ્યાકુળતાને કારણે તેમને દક્ષિણેશ્વરમાં જે ઈશ્વર-દર્શન થયું તેનું વર્ણન આપણને “શ્રીરામકૃષ્ણ લીલા પ્રસંગ”માંથી મળે છે.

શ્રીરામકૃષ્ણ આપણને બતાવી ગયા કે ઈશ્વર-પ્રાપ્તિ માટે વિશેષ શાસ્ત્રજ્ઞાન, વિધિબદ્ધ સાધના કે એકાંતની જરૂર નથી પરંતુ જરૂરી છે ફક્ત ઈશ્વર માટેની વ્યાકુળતા. બાળક જેમ માના ખોળાથી દૂર થતાં અસહાય થઈને રડે છે તેવી જ રીતે આ સાધક-શિશુ પણ મા માટે રડે છે, અને આ રુદન એવું હોય છે કે જગન્માતા પછી દૂર રહી શકતી નથી.

તે જગન્માતા છે અથવા કોણ છે કે તે આપણે જાણી શક્તા નથી. જે એક રૂપમાં ભક્ત છે તે જ બીજા રૂપમાં ભગવાન છે એમ શ્રીરામકૃષ્ણે પોતે જ કહ્યું છે. ભગવાન મનુષ્યોમાં જ હશે. તેથી તે મનુષ્યની જેમ જ આચરણ ક૨શે. ભગવાનની પ્રાપ્તિ માટે સાધકના જીવનમાં હોય તેવી વ્યાકુળતા બતાવશે પછી તે પોતે જ ભગવાન હશે. આ વિશ્વાસ કરવો મુશ્કેલ છે એટલે જ શ્રીરામકૃષ્ણ કહેતા હતા કે નરલીલામાં વિશ્વાસ આવવો એ ઘણું કપરું છે. સાડા ત્રણ હાથના માનવમાં ભગવાન બિરાજીને હસે છે, રડે છે, રમે છે, ખાય છે, રોગની યાતના ભોગવે છે, જન્મ-મૃત્યુ – જરા વ્યાધિ વગેરે બધું તેના શરીરમાં હોય છે તો પણ તેને ભગવાન કેમ કહેવાય? માણસ આ વિચારી શકતો નથી. ભાગવતમાં છે કે કંસના કારાગારમાં દેવકી-વાસુદેવને સંતાનના રૂપમાં દેખા દેતી વખતે તેમને પૂર્ણ ભગવાનના રૂપમાં દર્શન દીધાં.

ગદાપદ્મધારી, પીતવસ્ત્રવાળા, ગળામાં કૌસ્તુભ-મણીવાળા નીરદવર્ણના શ્રી વત્સને વિસ્મિત અને પ્રફુલ્લિત આંખોથી જોઈને તેઓ બંને આનંદથી અધીર થઈ ગયા. પુત્ર ૫૨મપુરુષ છે એ જાણીને તેઓએ નમીને હાથ જોડીને વંદના કરી. ભગવાને જવાબમાં કહ્યું, “પૂર્વજીવનમાં તમે બંનેએ કઠોર તપસ્યા કરી છેઃ તમારી તપસ્યાથી સંતુષ્ટ થઈને આ જ મૂર્તિમાં આવિર્ભૂત થઈને મેં વરદાન માગવાનું કહ્યું હતું. તમે મારા જેવા પુત્ર પ્રાપ્તિની પ્રાર્થના કરી હતી. મેં તમને બંનેને તે વરદાન આપ્યું હતું પરંતુ,

“હે સતી, આ સંસારમાં શીલ, ઉદારતા અને ગુણમાં આપના જેવી બીજી કોઈ વ્યક્તિ જોઈ નહીં એટલે હું પોતે જ તમારો પુત્ર થયો છું. મારું વચન કદી મિથ્યા થતું નથી એટલે જ મારે ત્રણ વખત તમારા પુત્રના રૂપમાં આવવાનું થયું છે.”

શ્રીરામકૃષ્ણે એક ઉપમા આપી છે. નારદજી ભગવાનને ત્યાંથી આવ્યા એટલે એક ભક્તને જિજ્ઞાસા થતાં તેણે પૂછ્યું, “વૈકુંઠમાં ભગવાન શું કરતા હતા? નારદે કહ્યું “સોયના નાકામાંથી હાથી પસાર કરતા હતા.” આ સાંભળીને એક વ્યક્તિએ કહ્યું, “ચાલો! આપ ત્યાં ગયા જ નથી. આ શું સંભવ છે? બીજી વ્યક્તિએ કહ્યું “ભગવાન માટે બધું જ સંભવિત છે.” તેમને માટે કંઈ અસંભવિત નથી એટલે જ તેમણે અસહાય શિશુ બનીને જન્મ ધારણ કર્યો. કંસથી બચાવવા માટે વસુદેવ યમુના પાર કરીને તેમને ગોકુળમાં મૂકી આવ્યા. દેવકી કહે છે કે, “તારું આ રૂપ સંવરણ કરી લે. કંસ તારી રાહ જોઈ બેઠો છે એ તને જોતાં જ મારી નાખશે.” ભગવાનની માયાથી મા તેનું મૂળ સ્વરૂપ ભૂલી ગઈ છે. એટલે તેને ‘ભગવાન’ કહે છે અને વળી એમ પણ કહે છે કે ‘કંસ તારી હમણાં જ હત્યા ક૨શે.’

માયાની અંદરથી જ્યારે ભગવાન બધા ભક્તો પર કૃપા કરે છે ત્યારે બધું જ અસંભવ તેમને માટે સંભવિત બનવા લાગે છે. જે આપણા માટે અકલ્પનીય છે તે ભગવાન માટે સ્વાભાવિક છે. આમ જે ભગવાન છે તેને આપણે સાધના દ્વારા પ્રાપ્ત કરી લઈશું એમ આપણે વિચારીએ છીએ. આ કેટલી અવાસ્તવિક કલ્પના છે તેનું ભાગવતમાં સુંદર નિરુપણ કરવામાં આવ્યું છે.

શ્રીકૃષ્ણના નટખટપણાથી પાડોશી ગોપીઓ ક્ષુબ્ધ થઈ ગઈ હતી. તેમણે યશોદા પાસે જઈને ફરિયાદ કરી. તેમની અનેક રાવ ફરિયાદને કારણે યશોદાએ નક્કી કર્યું કે શિક્ષા રૂપે કૃષ્ણને બાંધી રાખીશ. જ્યારે તેઓ દોરીથી બાંધવા ગયા તો જોયું કે દોરી બે આંગળ ઓછી થઈ ગઈ છે. ગોવાળોના ઘરમાં દોરીની તાણ ન હોય. બીજી દોરીનો સાંધો કર્યો. તોય દોરી બે આંગળ ઓછી પડી. આ જે અસંભવ છે તે મા સમજી શકતી નથી. દીકરાને બાંધવા માટે તે આકુળવ્યાકુળ થઈ જાય છે. આ જોઈને દીકરાને થયું કે હવે વધારે રહેવા દઉં. અને પછી પોતાની જાતને તેણે બંધાવા દીધી. તાત્પર્ય એ છે કે આપણે ગમે તેટલી સાધના કરીએ તો પણ ભગવાનને મેળવવા કે વશ કરવા માટે એ સંપૂર્ણ નગણ્ય છે. અનંતકાળ સુધી સાધના કર્યા છતાં પણ તે અનંતનું સાંનિધ્ય કદી મેળવી શકીશું નહીં. તો પછી આપણે સાધના કરવી શા માટે?

આના જવાબમાં સ્વામી તુરીયાનંદ કહે છે જેનાથી સાધનાનો અહંકાર ઓગળી જાય તેને માટેની સાધના કરવી જોઈએ. આપણે એમ માનીએ છીએ કે ખૂબ જપ-ધ્યાન કરીશું, એટલાથી પૂરું નહીં થાય તો એક લાખ જપ વધારે કરીશું; કેટલાય કલાકો ધ્યાન કરીશું. પરંતુ આ બધું કરતાં કરતાં જ્યારે આપણને એમ જણાશે કે આ બધી ચેષ્ટાઓ નકામી ગઈ છે ત્યારે સાધનાનો અહંકાર દૂર થશે. આમ અહંકાર જ્યારે દૂર થાય છે ત્યારે જ આપણને પેલી અસાધ્ય વસ્તુ પ્રાપ્ત થવાનો યોગ્ય સમય ઉપસ્થિત થાય છે. ભગવાન પોતે ન પકડાય તો આપણે તેને પકડી શક્તા નથી એમ શાસ્ત્ર પણ કહે છે. એવું જ હોય તો શું આ બધું કરવાની કંઈ જરૂરત ખરી? શ્રી હરિ મહારાજે (શ્રીરામકૃષ્ણના શિષ્ય સ્વામી તુરીયાનંદે) આ જ વાત કરી છે કે ઊડતાં ઊડતાં પક્ષીની પાંખો જ્યારે દુઃખવા લાગે છે અને ઊડવું અસંભવ થઈ જાય છે ત્યારે એક જગ્યાએ જઈને તે બેસી જાય છે. એવી જ રીતે સાધના કરતાં કરતાં જ્યારે આપણે પરેશાન થઈ જઈએ છીએ અને વધુ સાધના કરી શક્તા નથી ત્યારે ઈશ્વર સમક્ષ આપણે આત્મસમર્પણ કરીએ છીએ. આ શુભ ક્ષણ જેમના જીવનમાં જ્યારે આવશે ત્યારે તેમનું જીવન સાર્થક્તાથી પરિપૂર્ણ બનશે.

એક વખત કેટલાક દિવસો સુધી હરિ મહારાજ શ્રીરામકૃષ્ણ પાસે આવ્યા નહીં. શ્રીરામકૃષ્ણ તો હતા અહેતુક, કૃપાસિંધુ. એક વ્યક્તિને તેમણે પૂછ્યું કે ‘હરિ આવતો નથી, શું થયું છે? તેણે કહ્યું કે, ‘વેદાંતના વિચારો, તપશ્ચર્યા વગેરેમાં તે આખો દિવસ પસાર કરે છે. તેમની પાસે આવવાનો સમય ક્યાં છે? તે વખતે શ્રીરામકૃષ્ણે કંઈ ન કહ્યું. ત્યાર બાદ બાગબજારમાં બલરામ બસુને ઘે૨ આવીને હરિને સમાચાર કહેવડાવ્યા. તેઓ બાજુમાં જ રહેતા હતા. હરિ મહારાજે આવીને સીડી ચઢતાં-ચઢતાં સાંભળ્યું કે શ્રીરામકૃષ્ણ તો ગીત ગાઈ રહ્યા છે – યાત્રાનું ગીત. લવકુશે રામના અશ્વમેધના ઘોડાને પકડી લીધો છે અને રામના સૈન્ય સામંતો સાથે તેમનું યુદ્ધ શરૂ થઈ ગયું છે. લવકુશ વીરતાપૂર્વક લડ્યા અને હનુમાનને બાંધીને મા પાસે લઈ ગયા. માને તેમણે કહ્યું કે જુઓ, કેવડા મોટા હનુમાનને પકડી લાવ્યા છીએ. ત્યારે હનુમાને ગીત ગાતાં ગાતાં ઉત્તર આપ્યો:

ઓ રે કુશીલવ કરિસ કી ગૌરવ

ધરા ના દિલે કિ પારિસ ધરતે-

(અરે કુશલવ, તમે ક્યા અહંકારમાં રાચો છો? જો હું પોતે ન પકડાત તો શું તમે મને પકડી શકવાના હતા?)

શ્રીરામકૃષ્ણ ફરી ફરીને આ ગીત ગાતા રહ્યા અને તેમની આંખોમાંથી અવિરત જળધારા વહેતી રહી. છાતી પરથી વહેતી આ જળધારાથી નીચેનું પાથરણું પણ થોડું ભીંજાઈ ગયું. હિર મહારાજે જાણી લીધું કે તેમને શિક્ષણ આપવા માટે જ શ્રીરામકૃષ્ણ આ ગીત ગાઈ રહ્યા છે.

સ્વયમ્ ભગવાન શ્રીરામકૃષ્ણના રૂપમાં વિરાજમાન હોવા છતાં તેમનુ સાંનિધ્ય છોડીને હરિ મહારાજ કઈ સાધના કરીને ભગવાનને પ્રાપ્ત કરશે? વેદાંતનાં સત્યોનો જીવનમાં સાક્ષાત્કા૨ ક૨શે? પરંતુ શ્રીરામકૃષ્ણે એક વાત દ્વારા જ સમજાવી દીધું કે કઠોર તપશ્ચર્યાથી ઈશ્વરપ્રાપ્તિ થતી નથી. જો ભગવાન પોતાની ઈચ્છાથી જ કોઈની પાસે જાય તો જ તે તેને પ્રાપ્ત કરે છે.

‘યમેવૈષ વૃણુતે તેન લભ્ય:’

કઠોપનિષદ ૧-૨-૨૩

‘તેઓ જેની વરણી કરે છે તે જ તેને પ્રાપ્ત કરી શકે છે.’ ભગવાન કોની વરણી કરશે તે ફક્ત તેઓ જ જાણે છે. કોનું એવું સાધ્ય હશે કે જે તેને યોગ્ય બનીને તેની નિકટ જાય. આથી જ તેઓ દયા કરીને જેની વરણી કરશે તે જ એને પામી શકશે.

આ વસ્તુલાભની અસમર્થતા સમજવા માટે જ સાધના ભજન છે એટલે જ હરિ મહારાજે કહ્યું છે કે સાધનાના અહંકારને દૂર કરવા માટે જ સાધના કરવાની હોય છે. શ્રીરામકૃષ્ણના માનસ સંતાનોમાંથી દરેકે કઠોર તપસ્યા કરી હતી. તેઓમાંથી હરિ મહારાજની જેમ આટલા લાંબા સમય સુધી સાધના કોઈએ કરી ન હતી. એટલે જ હરિ મહારાજ કહે છે કે શ્રીરામકૃષ્ણે મને શીખવ્યું કે, “જો હું તને ન પકડવા દેત તો તું મને કેવી રીતે પકડી શકત? આ વાત શ્રીરામકૃષ્ણે અનેક રૂપે રજૂ કરેલ છે, જે કથામૃતના પાને પાને જોઈ શકાય છે. બધા અભિમાનનો ત્યાગ કરીને ભગવાનનો દાસાનુદાસ થઈને જો કોઈ તેના ચરણોમાં શરણ લેવા જાય તો જ તેઓ તેના ઉપર કૃપા કરે. કથામૃતમાં અનેક ચર્ચામાં શ્રીરામકૃષ્ણે કહ્યું છે: નાહં નાહં, તૂહં તૂહં! હું નહીં હું નહીં તું જ તું જ. આપણા ‘હું’ એ જ આપણને દરેક વખતે આ ક્ષુદ્ર સીમામાં બાંધી રાખ્યા છે. અમૃતનો સાગર સામે હોવા છતાં પણ આપણે તરસે તરફડીએ છીએ. અહંકાર જો દૂર થઈ જાય- એ પણ જો કે એની કૃપાથી જ થશે- ત્યારે તેની કૃપાની અનુભૂતિ થશે, એટલે જ શ્રીરામકૃષ્ણ ફરી ફરી કહે છે, “શરણાગત, શરણાગત”. જો શરણાગત ન થઈએ તો આ દુર્જેય અભિમાન, આ દૂર ન કરી શકાય તેવો ‘હું’ જશે નહીં.

શ્રીરામકૃષ્ણે માસ્ટર મહાશયને પૂછ્યું, “શું મારી અંદર અહમ્ છે? માસ્ટર મહાશય સમજી ન શક્યા કે શું જવાબ દેવો એટલે પછી કહ્યું, ‘હા, આપે લોકકલ્યાણ માટે થોડો અહમ્ રાખ્યો છે.’ તરત જ શ્રીરામકૃષ્ણે સુધારો કર્યો, “ના મેં નથી રાખ્યો, તેમણે રાખ્યો છે. આ જે થોડો અહમ્ છે તે પણ મેં નથી રાખ્યો તેમણે રાખ્યો છે.” એક જગ્યાએ કહે છે કે આ ખોળિયામાં પેલી ‘મા’ સિવાય બીજું કશું નથી. મા એટલે જગન્માતા કે જે વિશ્વબ્રહ્માંડને ચલાવી રહી છે.

શ્રીરામકૃષ્ણના કથનાનુસાર આ ખોળિયું નહીં પરંતુ તેની અંદરનું સ્વરૂપ જ સત્ય છે. આ ખોળિયું તો ફક્ત આવરણ છે. જે અસીમ છે તેણે આ આવરણ દ્વારા પોતાને આવૃત્ત કરી લીધેલ છે, જેથી સાધારણ લોકો તેની નિકટતા પામી શકે. તેમના પોતાના અસીમત્વને લઈને જો દૃશ્યમાન થાય તો આપણે વિભ્રાંત થઈ જઈએ. અર્જુનને ભગવાને પોતાનું વિશ્વરૂપ બતાવ્યું. અર્જુન જેવી વીરહૃદયી વ્યક્તિ પણ આ રૂપ જોઈને ભયગ્રસ્ત થઈ ગઈ. તેણે કહ્યું, “હું આપના આ રૂપને સહન કરી શકતો નથી તેથી આપ આપનું આ રૂપ સંવરણ કરી લો.” આ રૂપના વર્ણનમાં કહેવાયું છે-

“દિવિ સૂર્યસહસ્રસ્ય ભવેદ્યુગપદુત્થિતા

યદિ ભાઃ સદૃશી સા સ્યાદ્ ભાસસ્તસ્ય મહાત્મનઃ।।

(ગીતા ૧૧-૧૨)

જો આકાશમાં એક સાથે હજારો હજારો સૂર્ય પ્રકાશી ઊઠે તો પણ તેનો પ્રકાશપુંજ પેલા વિશ્વરૂપના પ્રકાશ જેવો હોય કે ન પણ હોય તેથી તેની તુલના થઈ શકે નહી, એટલે જગતમાં કોઈ વસ્તુને તેની ઉપમા આપી શકાતી નથી. મનુષ્યને સમજાવવા માટે કહ્યું છે કે અસંખ્ય સૂર્યો એક સાથે ઉદિત થાય ત્યારે તેની દીપ્તિ જેટલી પ્રખર હોય તેવી જ પ્રભા ભગવાનની પણ છે. તેને જોવાનું સામર્થ્ય શું આપણી પાસે છે?

આપણો આ ક્ષુદ્ર ‘હું’ પેલા અનંતની સરખામણીમાં કેવડો મોટો છે? ઉપનિષદમાં કહ્યું છે ‘બાલાગ્રશત ભાગસ્ય શતધા કલ્પિતસ્ય ચ ભાગા જીવ:’ (શ્વેતાશ્વતરોપનિષદ ૫/૬) એક વાળના અગ્રભાગનો સોમો હિસ્સો લઈએ અને પછી તેના સો ભાગ કરીને તેનો પણ એક ભાગ લઈએ તેટલું આ જીવનું કદ છે. આ જીવ જ્યારે ભગવાન સાથે મળી જાય છે ત્યારે તે અનંત થઈ જાય છે. તેનું સ્વરૂપ અનંત થઈ જાય છે. આ જે અનંત સ્વરૂપ છે તેને ‘હું પણું’, આપીને આટલું ક્ષુદ્ર બનાવી દેવામાં આવ્યું છે. જે ‘હું’ પોતાને દેહધારી માને છે, ભક્ત, જ્ઞાની, યોગી, સાધુ, અસાધુ માને છે; એ ‘હું’ શું આવડો મોટો છે? જે અનંત છે તે આવડો ટચૂકડો ‘હું’ થઈને બધાની વચ્ચે લીલા કરે છે. આવરણ રચીને તેણે પોતાને સીમિત કરી લીધેલ છે. જીવ રૂપમાં કરેલ છે, અને ઈશ્વર રૂપમાં પણ કરેલ છે. ઈશ્વરનો અર્થ છે જગતનિયંતા. આ જગતનો અનુભવ કરવાથી જ આપણે સમજી શકીશું કે ભગવાન તો તેનાથી પણ પર છે. તેનાથી પર એટલા માટે છે કે આપણું મન તેની ધારણા કરી શકતું નથી. એટલે તેને (ઈશ્વરને) સમજવા માટે તેનું સ્વરૂપ થયા વગર સમજી શકાતું નથી.

શ્રીરામકૃષ્ણ કહે છે કે શું છટાંક (એક માપનું નામ) સમાઈ શકે તેવડું પાત્ર સમુદ્રને પોતાનામાં ભરી શકે? આપણે લઘુ જીવવાળા આધારમાં ભગવાનની ધારણ ક૨વાની ચેષ્ટા કરીએ છીએ એનાથી મોટું ગાંડપણ કયું હોઈ શકે? બધી ચેષ્ટાઓ નિષ્ફળ થયા બાદ અનંત તો જેમ છે તેમ જ રહે છે, પરંતુ ફક્ત આપણે પોતાની ક્ષુદ્રતા સમજી શકીએ છીએ ત્યારે આપણે પોતાની ક્ષુદ્રતા અસહાય શિશુની માફક ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દઈએ છીએ. તે જે ઈચ્છે તે કરે. આનું નામ છે શરણાગતિ.

જ્યારે હું મારા પોતાના પર ભરોસો ન રાખીને સંપૂર્ણ રૂપે ભગવાનના ચરણોમાં પોતાની જાતને સોંપી દઉં છું તેનું નામ છે શરણાગતિ. ત્યાં લેશમાત્ર અભિમાન હશે તો નહીં થાય. સંપૂર્ણપણે અભિમાન રહિત થઈને તેમના ચરણોમાં પોતાને સમર્પિત કરી શકું તો એમ થતાં બિન્દુ જ સિન્ધુ થઈ જશે. ઉપનિષદમાં આ કથાનું વર્ણન છે –

યથોદકં શુદ્ધે શુદ્ધમાસિક્તં તાદૃગેવ ભવતિ

એવં મુનેર્વિજાનત આત્મા ભવતિ ગૌતમ

(કઠોપનિષદ ૨-૧-૧૫)

હે ગૌતમ, નિર્મલ જલ જ્યારે નિર્મલ જલરાશિમાં ભળી જઈને એક૨સતા પ્રાપ્ત કરે છે ત્યારબાદ તેનું શું થાય છે? તે બિન્દુનો શું નાશ થાય છે? ના, તે બિન્દુ સિન્ધુમાં પરિણમે છે. એનું તાત્પર્ય એ છે કે તેની જેમ જ મનનશીલ અને એકાત્મદર્શી થઈ જાય છે. બેઉનું તત્ત્વ એક જ છે. બંનેની અંદર જ તે છે. પરંતુ વચમાં આ જુદાપણું રાખ્યું છે. આ ખોળિયાથી પોતાને ઢાંકી રાખેલ છે. શ્રીરામકૃષ્ણ કહે છે કે કોઈ તકિયો લાંબો, કોઈ નાનો વગેરે જુદા જુદા આકારના હોય છે. પરંતુ તે બધાની અંદર તો રૂ જ હોય છે. જેને આપણે જીવ કહીએ છીએ, ક્ષુદ્ર કહીએ છીએ, રોગ – શોક – મૃત્યુ – જરાને અધિન કહીએ છીએ તે વ્યક્તિત્વ શું છે? તેઓ પણ શ્રીભગવાન સિવાય કંઈ નથી. ગીતામાં ભગવાને કહ્યું છે –

ન તદસ્તિ યત્સ્યાન્મયા ભૂતં ચરાચરમ્

(ગીતા, ૧૦-૩૯)

મારા સિવાય આ સંસારમાં સ્થાવર જંગમ જેવી કોઈ ચીજ જ નથી. અંદર બહાર સર્વત્ર તેઓ જ ઓતપ્રોત થઈને રહેલા છે. ભગવાનની અસીમતાનું વર્ણન કરતાં ભાગવતમાં કહ્યું છે

અનાવૃતત્વાદ્વહિરન્તરં ન તે (૧૦-૩-૧૭)

તમે આવરણ રહિત છો એટલે કે તમારે અંદર કે બહાર જેવું કંઈ નથી. જે સર્વવ્યાપ્ત છે તેને પછી અંદર કે બહાર જેવું શું હોય! ભક્તગણ આનંદની સ્થિતિમાં કહે છે કે ભગવાન સર્વશક્તિમાન હોવા છતાંય ભક્તને પોતાના રાજ્યની બહાર કાઢી શક્તા નથી. ક્યાં કાઢી મૂકે? જ્યાં કાઢી મૂકે ત્યાં તેઓ તો હોય જ. આ સમજણ આવી જાય પછી આપણું ક્ષુદ્રત્વ કે આવરણ વધારે વખત રહી શકતું નથી. ત્યારે ટચુકડો જીવ અનંત થઈ જાય છે. ‘તદાનન્તાય કલ્પતે’ વસ્તુતઃ તે અનંત જ હતા પરંતુ પોતાની લીલાને કારણે તેમણે તેના ઉપર એક આવરણ મૂકી દીધું હતું. એક મહોરું પહેરાવી દીધું હતું. જેમ ભાગવતમાં વર્ણન છે –

બ્રહ્માએ શ્રીકૃષ્ણની પરીક્ષા લેવા માટે ગાયો ચરાવતી વખતે તેમના વાછડાઓનું હરણ કરી લીધું હતું. ગોવાળબાળોએ જોયું કે વાછડા નથી. શ્રીકૃષ્ણ કહ્યું ‘હું શોધવા જાઉં છું.’ ગોવાળબાળોએ કહ્યું, ‘ના, તમે બેસો, અમે શોધવા જઈશું, શ્રીકૃષ્ણને અવગણીને તેઓ શોધવા ચાલ્યા ગયા. પરંતુ ગયા પછી તેઓ કોઈ પાછા ન ફર્યા. ભગવાનને ચિંતા થઈ કે વાછડા ગયા અને તેને શોધવા જના૨ ગોવાળબાળો પણ ગયા. શ્રીકૃષ્ણને ઉદ્વેગ થવા લાગ્યો. ક્યાં ગયા? પોતાની માયાનો અંગીકાર કરી પોતે જ મોહાચ્છન્ન થઈ ગયા છે. પછી દિવ્યદૃષ્ટિથી જોયા બાદ બાબત શું છે તે સમજી ગયા. એટલે પોતે જ વાછડા અને ગોવાળબાળ બની ગયા. ખેલ જે રીતે ચાલતો હતો તેમ ચાલ્યો. ત્યારબાદ બ્રહ્માનો એક દિવસ એટલે કે નરલોકનું એક વર્ષ પસાર થઈ ગયું. એક દિવસ બ્રહ્માએ આવીને જોયું કે ખેલ તો જે પ્રકારે ચાલતો હતો તે પ્રકારે ચાલી રહ્યો છે. આશ્ચર્ય સાથે તેઓ વિચારવા લાગ્યા કે પેલા લોકોને મેં તો નિદ્રાધીન કરી દીધા છે તો પછી આ લોકો કોણ છે? આ સત્ય છે કે જેને મેં નિદ્રાધીન કર્યા છે? ત્યારે બ્રહ્માની આંખ ઊઘડી ગઈ. તેમણે જોયું કે જેઓ અહીં બેઠા છે તેમના સહચર ગોવાળબાળ છે. તેઓ ત્યાં પણ છે અને વાછડા પણ ત્યાં છે, આ જોઈને બ્રહ્મા ભયથી વ્યાકુળ થઈ ગયા. વર્ણન એવું છે કે તેઓ હંસ પર સવારી કરીને આવ્યા હતા પરંતુ તેના ઉપરથી પડી ગયા. પડ્યા બાદ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ્ કરીને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા.

ભગવાનનો એવો મહિમા છે કે જેનું વર્ણન કરતાં ભાગવતમાં બ્રહ્માની આ દુદર્શા વર્ણવી છે તો પછી જ્યારે આપણે ભગવાનનું પરિમાપ કાઢવા જઈએ ત્યારે આપણી તો કેટલી વધારે દુર્દશા થાય છે? એટલે એક જ માત્ર રસ્તો છે ભગવાન સમક્ષનું આત્મસમર્પણ. જેને કહે છે શરણાગતિ.

ભાષાંતર: શ્રીમતી પુષ્પાબહેન પંડ્યા

Total Views: 299

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.