(શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૌરીમાના જીવનપ્રસંગો)

(ગતાંકથી ચાલુ)

(૮) દીદી, એકવાર તો દર્શન જરૂર કરજો

પુરી, એ તો ગૌરાંગદેવની કૃષ્ણમિલનની ભૂમિ. અહીં જ તો નીલ સમુદ્રને જોઈને ગૌરાંગદેવ તેને કૃષ્ણ માની સાગરમાં કૂદી પડ્યા હતા. આ ભૂમિના કણ કણમાંથી ચૈતન્યદેવનો કૃષ્ણમિલન માટેનો તલસાટ ઊઠે છે. આ મંદિરના સ્તંભો તો એ વાતની સાક્ષી પૂરે છે કે ગૌરાંગદેવ કૃષ્ણવિરહમાં કેવી વ્યાકુળતા અનુભવતા હતા! ગૌરીમાઈને ચૈતન્યદેવ પ્રત્યે પણ અનેરું આકર્ષણ હતું. અને એટલે જ જ્યાં ચૈતન્યદેવ સદેહે ભગવાન જગન્નાથમાં સમાઈ ગયાં ત્યાં આવવાની તેમને પ્રબળ ઈચ્છા હતી. એ ઈચ્છા હવે સાકાર બની હતી. તેઓ સાક્ષાત્ જગન્નાથની સન્મુખ ઊભા હતાં. તેમને એવું લાગતું હતું કે પૂર્ણ પુરુષોત્તમ પોતે જ જાણે તેમને અહીં સુધી ખેંચી લાવ્યા છે. જગન્નાથની મૂર્તિ એમના માટે જીવંત બની જતી. તેઓ દર્શનમાં એટલા તન્મય બની જતાં કે દર્શનનો સમય પૂરો થઈ જતો તો પણ તેઓ ત્યાંથી દૂર જતાં નહીં. તેમની આવી ઉત્કટ ભક્તિ જોઈને પછી મંદિરના પુરોહિતોએ એમના માટે દર્શનની સમયમર્યાદાનો બાધ ઉઠાવી લીધો અને ગૌરીમાઈને દર્શન માટે જ્યારે પ્રભુ પાસે આવવું હોય ત્યારે આવી શકે તેવી વ્યવસ્થા કરી આપી. જાણે એમની ઉત્કટ ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન જગન્નાથે જ એમના માટે પોતાના દ્વારો ખોલી નાખ્યાં ન હોય!

તેઓ પોતાની જાતે બનાવેલી વાનગી ભગવાન જગન્નાથને ભોગમાં ધરાવતાં. અને પછી તેનો પ્રસાદ તેઓ લેતાં. આમ પુરીમાં ભગવદ્-દર્શન, જપ તપ, સાધન ભજન અને સત્સમાગમમાં એમના દિવસો અપૂર્વ આનંદમાં વીતતા હતા. એમાં એક દિવસ એમને બલરામ બોઝના પિતા બસુમહાશયની મુલાકાત થઈ. આ મુલાકાતે તેમના જીવનને એક જુદો જ વળાંક આપ્યો. પ્રભુ પ્રાપ્તિ માટેની એમના હૃદયમાં ભભૂકી રહેલી ઝંખનાનું શમન કરનાર અમૃતના મહાસાગર સુધી આ મુલાકાતે એમને પહોંચાડી દીધા. પણ એ મહાસાગર સુધી પહોંચતા પહેલાં ગૌરીમાઈની જીવનનૌકાને હજુ પોતાની જાતે હલેસાં મારીને થોડો પથ કાપવાનો બાકી હતો.

પુરીથી ગૌરીમાઈ પાછાં કલકત્તા આવ્યાં અને ત્યાંથી તેઓ નવદ્વીપ ગયાં. નવદ્વીપ પણ એમનું પ્રિય તીર્થ હતું. તેઓ કહેતાં કે “નદિયા મારું સાસરું છે”. ચૈતન્યદેવને તેઓ શ્રીકૃષ્ણનું જ રૂપ માનતાં હતાં એટલે તેમને ચૈતન્ય મહાપ્રભુનું પણ તીવ્ર આકર્ષણ હતું. આથી જ તેઓ ઘણીવાર નવદ્વીપ જતાં અને પાછળની જિંદગીમાં તો ત્યાં એમનું પોતાનું મકાન પણ બંધાવેલું અને ત્યાં ઘણો સમય રહેતાં પણ ખરાં.

નવદ્વીપથી તેઓ ફરી વૃંદાવન પહોંચી ગયાં. પુરીમાં બસુમહાશયે એમને કહ્યું હતું કે “વૃંદાવનમાં ‘કાલાબાબુનો કુંજ’ તરીકે ઓળખાતું એમનું મકાન છે. અને હવે પછી તમે વૃંદાવન જાઓ તો ત્યાં ઊતરવા રહેવાની બધી જ સગવડ છે.” આ વખતે તેઓ વૃંદાવનમાં કાલા-બાબુના કુંજમાં ગયાં ત્યારે ત્યાં બસુમહાશયના પુત્ર બલરામ બોઝ હતા. બલરામ બોઝને પણ આધ્યાત્મિક જીવન પ્રત્યે વિશેષ અનુરાગ હતો. તેઓ પણ ભગવદ્પ્રાપ્તિ માટે સાધન ભજન કરી રહ્યા હતા.

આધ્યાત્મિક પથના પ્રવાસી હોઈને તેઓ ગૌરીમાઈની આધ્યાત્મિક સ્થિતિને ઓળખી ગયા હતા. આથી જ તેમણે એક દિવસ ગૌરીમાઈને કહ્યું: “દીદી, દક્ષિણેશ્વરમાં મેં એક સાધુપુરુષનાં દર્શન કર્યાં છે, જેમને ભગવત્પ્રસંગ માત્રથી સમાધિ પ્રાપ્ત થાય છે, એવા મહાત્મા મેં હજી સુધી જોયા નથી. આપ એકવાર તો એમનાં દર્શન જરૂર કરજો.” ઉત્સાહપૂર્વક બલરામે કહેલી વાતને ગૌરીમાઈએ સાંભળી તો લીધી પણ તેમણે સામેથી એવો કોઈ ઉત્સાહજનક પ્રતિભાવ આપ્યો નહીં. દક્ષિણેશ્વરના આ સાધુની આવી વાત સાંભળીને પણ એમનાં અંતરમાં એ સાધુને મળવા જવાનું કોઈ આકર્ષણ જાગ્યું નહીં. આથી એમણે એ સાધુને મળવા જવાની કોઈ જ વાત ઉચ્ચારી નહીં. ઊલટું એમણે તો બલરામ આગળ પોતાની બદરીનારાયણ જવાની ઈચ્છા પ્રગટ કરી.

એ સમયે એમના અંતરમાં તપસ્યા કરવાનો ભાવ જાગૃત હતો. તેથી તેઓ તપસ્યા માટે બદરીનારાયણ જવા ઈચ્છતાં હતાં. એ માટેની એમણે તૈયારી પણ કરી લીધી સમાચાર હતી. એવામાં એક બંગાળી ભક્ત તેમના માટે સમાચાર લઈને આવ્યા કે તેમના માતા ખૂબ જ બિમાર છે, અને તેઓ તેમને મળવા ઝંખી રહ્યાં છે, એટલે તેમણે તાત્કાલિક કલકત્તા પહોંચી જવું જોઈએ. અનેક ઊપાલંભો ને વિટંબણાઓ સહીને પણ પુત્રીને આઘ્યાત્મિક માર્ગે જવામાં સહાય કરનાર માતા રોગશય્યા પર સૂતાં સૂતાં જ્યારે સંન્યાસિની પુત્રીને મળવા ઝંખી રહ્યાં છે, ત્યારે ભલે સંસા૨નાં બંધનોથી મુક્ત બની ગઈ હોય તો પણ માતાની ઈચ્છાને ખાતર તેમણે કલકત્તા જવું જોઈએ, એમ ગૌરીમાઈને અંતરમાંથી જણાયું. એ પણ એક પ્રકારનું તપ જ છે, એમ માનીને બદરીકેદારના બદલે તેમણે કલકત્તાની વાટ પકડી. પોતે મોકલેલો સંદેશો મળતાં જ પુત્રી હિમાલયમાં તપ કરવા જવાનું છોડીને પોતાની પાસે આવી પહોંચી છે, એ જાણીને રોગશય્યા પર સૂતેલાં ગિરિબાલા આનંદિત થઈ ગયાં. ગૌરીમાઈ થોડા દિવસ બિમાર માતા પાસે રહ્યાં. એમની દૈહિક સુશ્રૂષાની સાથે સાથે એમના અંતરને પણ તેઓ જ્ઞાન અને ભક્તિનું ઔષધ આપતાં રહ્યાં. ભગવદીય પુત્રીનું સાંન્નિધ્ય અને તેમના જ્ઞાનામૃતથી માતા થોડા દિવસોમાં હરતાં ફરતાં થઈ ગયાં.

માતાને હવે સ્વસ્થ થયેલાં જોઈને તેઓ ફરીથી ભગવાન જગન્નાથના આશ્રયમાં જવા ચાલી નીકળ્યાં.

અહીં હરેકૃષ્ણ મુખોપાધ્યાય નામના એક વયોવૃદ્ધ બંગાળી બાબા ગૌરીમાઈની પાસે ઘણીવાર સત્સંગ માટે આવતા. આટલી નાની વયે આ બંગાળી સંન્યાસિનીએ શ્રીપ્રભુ સાથે જે ઉત્કટ પ્રેમનાતો જોડ્યો હતો તેથી આ વૃદ્ધ બાબા તેમનાથી ખૂબ જ પ્રભાવિત હતા અને તેમનો ખૂબ જ આદર કરતા એમણે પણ એક દિવસ ગૌરીમાઈને કહ્યું; “મા, દક્ષિણેશ્વ૨માં હું એક અલૌકિક પુરુષને મળી આવ્યો છું. દેવ જેવું છે તેમનું રૂપ. જ્ઞાનમાં પૂર્ણ, પ્રેમમાં મત્ત અને વારંવાર સમાધિમાં મગ્ન.” ગૌરીમાઈ પાસે ફરી આ બીજી વખત દક્ષિણેશ્વરના આ અલૌકિક સાધુનાં દર્શનની વાત આવી. પણ આ વખતે ય ગૌરીમાઈએ આ વાત ઉપર કંઈ ધ્યાન આપ્યું નહીં. વૃદ્ધ બાબાની આવી શ્રદ્ધા ભક્તિભરી વાત સાંભળીને પણ તેમના અંતરમાં એ સાધુનાં દર્શને દોડી જવાની ઈચ્છા જાગી નહીં. આથી ત્યારે પણ આ વાત એમની અંદર ટકી નહીં. તેઓ તો પોતાની સાધનામાં મગ્ન રહ્યાં. થોડા દિવસ ભગવાન જગન્નાથના સાંનિધ્યમાં ગાળીને તેઓ ફરી પાછાં કલકત્તા આવ્યાં.

આ વખતે બલરામ બોઝના આમંત્રણથી તેઓ થોડા દિવસ બલરામ બોઝના ઘરે રહ્યાં. ગૌરીમાઈની “કૃષ્ણભક્તિ જોઈને બલરામ બોઝે ફરી એક દિવસ એમને કહ્યું, “દીદી તમારે એક વખત તો દક્ષિણેશ્વરના એ સંતના દર્શને આવવું જ જોઈએ.” બલરામે એવા ભાર અને ભાવથી કહ્યું કે જાણે ગૌરીમાઈને એવું લાગ્યું કે દક્ષિણેશ્વરના એ સંત તરફથી આ ત્રીજીવાર આમંત્રણ મોકલાયું ન હોય! પણ છતાં તેઓ તો પોતાની રીતે સાધના કરી રહ્યા હતા અને તેમાં જ મગ્ન હતા. કોઈ પણ સાધુના દર્શને જવાની હવે એમને ઈચ્છા જ જાગતી ન હતી. છતાં બલરામની એ સાધુ પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિ જોઈને એમણે તો બલરામને હસતાં હસતાં કહી દીધું; “ભાઈ, આ જીવનમાં મેં અનેક સાધુઓનાં દર્શન કર્યાં છે. હવે મને કોઈ નવા સાધુદર્શનની ઈચ્છા નથી. પણ જો તમારા સાધુની શક્તિ હોય તો મને ખેંચીને તેમની પાસે લઈ જાય. એ પહેલાં હું એમને સામેથી મળવા નહીં જાઉં.” એમના મુખે આવી વાત સાંભળીને બલરામ તો આશ્ચર્યથી ગૌરીમાઈને જોઈ જ રહ્યાં! ઠાકુર માટે આવી વાત ઉચ્ચારી રહ્યાં છે! હા, પણ તેમને શ્રીરામકૃષ્ણની શક્તિની ક્યાંથી ખબર હોય! પણ એકવાર તેઓ એમનાં દર્શન કરશે એટલે પછી એમની શક્તિની ખબર પડશે! પણ હવે મારાથી તો તેમને નહીં લઈ જઈ શકાય” એટલે તેમણે મનોમન શ્રીરામકૃષ્ણને પ્રાર્થના કરી કે “હે ઠાકુર, આ સંન્યાસિનીએ તમારી શક્તિને પડકાર ફેંક્યો છે. આવો પડકાર તો તેમને કોઈએ કર્યો નહીં હોય કે એમનામાં તાકાત હોય તો મને ખેંચે તો ઠાકુર હવે તમારે જ એમને ખેંચવાના છે. મારું કંઈ નહીં ચાલે.” આમ શ્રીરામકૃષ્ણદેવને પ્રાર્થના કરીને તેમણે ગૌરીમાઈને કહ્યું, “દીદી, શી વાત કરું એમની શક્તિની ને સિદ્ધિની! જોજોને એક દિવસ તેઓ તમને જરૂર ખેંચીને દક્ષિણેશ્વર લઈ જશે.” દક્ષિણેશ્વરના એ સાધુમાં બલરામની આવી અનન્ય શ્રદ્ધા જોઈને ગૌરીમાઈએ તેમને કહ્યું; “જો તેઓ ખેંચીને મને લઈ જાય તો મારી આવવાની ક્યાં ના જ છે.” પછી તેઓ પોતાની રીતે પાછાં સાધનામાં લાગી રહ્યાં.

(૯) એ ખેંચાણ આવી પહોંચ્યું

બલરામ બોઝે કહેલી વાત ભૂલીને ગૌરીમાઈ પોતાની નિત્ય સેવા પૂજા ને સાધન ભજન કરતાં રહ્યાં. પછી બલરામે ફરી દક્ષિણેશ્વરની વાત એમની સમક્ષ ઉચ્ચારી નહીં. બલરામના હૃદયમાં શ્રદ્ધા હતી કે ઠાકુર એમને જરૂર બોલાવશે. પછી ક્યારે ને કેવી રીતે એ તેઓ જાણતાં ન હતાં. પણ પોતાના અતં૨માં બલરામ એ શુભ ઘડીની પ્રતિક્ષા કરી રહ્યાં હતાં. અને એ ઘડી સાવ સહજપણે આવી પહોંચી.

એક દિવસ ગૌરીમાઈ પોતાનાં નિત્યક્રમ – પૂજા કરવા બેઠાં. પણ તેઓ પૂજા કરી શક્યાં નહીં. તેમણે પૂજા માટે ત્રણ ત્રણ વાર પ્રયત્ન કર્યા પણ તેમને સફળતા મળી નહીં. પૂજા કરી રહ્યાં હતાં, ત્યારે તેમણે જોયું તો તેમના દામોદરની જગ્યાએ કોઈના બે જીવંત ચરણો સિંહાસન પર બિરાજમાન છે. આ શું? કંઈ દૃષ્ટિભ્રમ તો નથીને? એમ માનીને તેમણે પોતાની આંખો પટપટાવી. ચકાસણી કરી. પછી થયું કે આ દૃષ્ટિભ્રમ તો નથી જ. તો આ છે શું? તેમને કંઈ સમજ ન પડી. છતાં તેઓ પોતાના દામોદરની પૂજા કરવા પ્રયત્ન કરી રહ્યાં. તેમણે પુષ્પો ને તુલસીદલ દામોદર પર ચઢાવ્યા તો એ ચરણો પર જઈ પડ્યાં! આ તો વિચિત્ર કહેવાય! આવું તો ક્યારેય બન્યું નહોતું. આથી તેઓ દિઙમૂઢ બનીને જમીન પર પડી ગયાં ને બેભાન બની ગયાં. બાહ્ય ભાનથી લુપ્ત અવસ્થામાં કલાકો વીતી ગયા. ઘણો લાંબો સમય પૂજા ચાલી. “હજુ ય ગૌરીમાઈ ઓરડામાંથી બહાર કેમ આવ્યાં નહીં? ક્યાંક સમાધિ તો નથી લાગી ગઈ ને!” એમ વિચારતા બલરામ બોઝનાં પત્ની ગૌરીમાઈના ઓરડામાં આવ્યાં અને જોયું તો તેઓ સમાધિમાં બેઠેલાં ન હતાં. પણ જમીન પર બેભાન થઈ પડ્યાં હતાં. ખૂબ પ્રયત્ન કરવા છતાં તેઓ ભાનમાં આવ્યાં નહીં. ત્રણ-ચાર કલાક બાદ તેમની બાહ્યચેતના ધીમે ધીમે પાછી ફરી એટલે બસુપત્નીએ તેમને પૂછ્યું, “મા, તમને શું થાય છે? પણ તેઓ કંઈ જવાબ આપી શક્યાં નહીં. તેમનામાં બોલવાની બિલકુલ શક્તિ જ નહોતી એટલે જવાબ તો ક્યાંથી આપી શકે? વળી તેઓ એક વિચિત્ર અનુભવમાંથી પસાર થઈ રહ્યાં હતાં. તેમને એવું લાગતું હતું કે જાણે તેમના હૃદયને કોઈએ દોરડાથી મજબૂત રીતે બાંધી દીધું છે અને કોઈ તેને જોરથી ખેંચી રહ્યું છે. આવું કેમ થાય છે, તે તેમને સમજાતું ન હતું. પોતાની પ્રબળ ઈચ્છાશક્તિનો ઉપયોગ કરવા છતાં તેઓ પોતાની અંદર થઈ રહેલી આ પ્રક્રિયાને રોકવા શક્તિમાન ન હતાં. કોઈ જાણે ક્ષણે ક્ષણે અદૃશ્ય દોરીથી ખેંચી રહ્યું છે, એની પીડા અનુભવતાં અનુભવતાં તેઓ ચૂપચાપ બસ પડ્યાં જ રહ્યાં. આખો દિવસ આ જ ભાવમાં પસાર થઈ ગયો. તેમના અંતરમાં જંપ નહોતો ને ચિત્તમાં શાંતિ નહોતી. આ સ્થિતિમાં લાંબી રાત પણ પસાર થઈ ગઈ. તેઓ નહોતાં પૂર્ણ જાગૃત કે નહોતાં પૂર્ણ અભાન. અર્ધસભાનાવસ્થામાં રાત પસાર થતી રહી. રાત્રિની પરમશાંતિની ક્ષણોમાં જાણે કોઈ અવર્ણનીય મધુર પ્રેમભર્યા અવાજે એમને બોલાવી રહ્યું હોય, તેવું તેમણે સાંભળ્યું. આ અવાજ મધુર તો હતો જ પણ પ્રબળ પણ હતો.

આ મધુર સાદનું ખેંચાણ એટલું તીવ્ર હતું કે વહેલી સવારે તેઓ પોતાના ઓરડામાં ચૂપચાપ પડ્યાં રહી શક્યાં નહીં. આ સાદના પોકારે તેઓ પોતાના ઓરડામાંથી બહાર નીકળી ગયાં. પણ ક્યાં જવાનું હતું તેની તેમને બિલ્કુલ ખબર ન હતી. કોઈ અદૃશ્ય શક્તિએ તેમના સમગ્ર અસ્તિત્વનો કબજો લઈ લીધો હોય તેમ તેના દોરવાયા તેઓ પગલાં પાડી રહ્યાં હતાં. ઓરડામાંથી બહાર નીકળીને તેઓ મુખ્ય દરવાજા પાસે આવી પહોંચ્યાં. અહીંથી તેઓ બહાર જવા ઈચ્છતાં હતાં. પણ તેમની સ્થિતિ જોઈને દરવાને તેમને બહાર જવા ન દીધાં અને પૂછ્યું; “મા, તમારે ક્યાં જવું છે? પણ કંઈ જવાબ ન મળતાં તે “બલરામબાબુને બોલાવી આવ્યો. બલરામબાબુ તુરત જ આવ્યા અને તેમણે પ્રેમથી પૂછ્યું “દીદી ક્યાં જવું છે? પણ કંઈ જ ઉત્તર મળ્યો નહીં. બલરામ બાબુએ દીદીની સામે જોયું તો તેમના દીદી ઉત્તર આપી શકે તેવી સ્થિતિમાં જ ક્યાં હતા. તેઓ તો ભાવસ્થિતિમાં હતાં. તેમની આંતરિક સ્થિતિ જોઈને બલરામ બાબુના મનમાં એક ઝબકારો થયો. તેમને થયું કે આ જ એ શુભઘડી છે, જેની તેઓ પ્રતીક્ષા કરી રહ્યાં હતાં. હવે દીદીને દક્ષિણેશ્વર લઈ જવાનો સમય આવી પહોંચ્યો છે, તેવું તેમને જણાયું. એટલે તેમણે કહ્યું: “દીદી દક્ષિણેશ્વરના સાધુ પાસે આવશો? આ પ્રશ્નનો પણ ગૌરીમાઈએ કોઈ જ ઉત્તર આપ્યો નહીં, પણ તેઓ એવી રીતે બલરામબાબુના મુખ સામે ચૂપચાપ જોતાં રહ્યાં કે બલરામબાબુને લાગ્યું કે દીદીની સંમતિ છે. એટલે તેમણે તુરત જ ઘોડાગાડી મગાવી તેમાં તેમના પત્ની ને બીજી પડોશની સ્ત્રીઓ સાથે ગૌરીમાઈને બેસાડ્યાં અને પ્રભાતના પહોરની એ શુભઘડીએ તેઓ બધાં દક્ષિણેશ્વર આવી પહોચ્યાં.

(ક્રમશ:)

Total Views: 108

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.