આજના યુગમાં માનસિક તણાવ દિન-પ્રતિદિન વધતો જ જાય છે. વધારે પડતો કામનો બોજો, આર્થિક ભીંસ, પરિવારમાં ક્લેશ, ભવિષ્યની ચિંતા. આ બધાં કારણોથી વ્યક્તિ માનસિક તાણ અનુભવે છે. પરંતુ વર્તમાન સમયમાં આ તાણ તીવ્રતમ બની છે અને તેના બોજ હેઠળ સમગ્ર માનવજાત કચડાઈ રહી છે. કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વની ચેતનાને ખળભળાવી મૂકી છે. સમગ્ર વાતાવરણમાં ચિંતા, ભય, અસલામતી પ્રસરેલાં જણાય છે. ઘર, પરિવાર, સમાજ, શિક્ષણ સંસ્થાઓ, દેવસ્થાનો- સઘળે જાણે ભયે પોતાનું સામ્રાજ્ય જમાવી દીધું હોય એવું લાગે છે. ધન-સંપત્તિ, સત્તા, ભૌતિક સુવિધાઓ આ તણાવને દૂર કરી માણસને સાચી શાંતિ અને સ્વસ્થતા આપવામાં નિષ્ફળ ગયાં છે. તો પછી પ્રશ્ન એ થાય છે કે આ તણાવમાંથી મુક્ત થવાનો કોઈ જ ઉપાય નથી? માણસે જીવનભર આ બોજાને ઉપાડીને જ જીવવાનું? ના, એવું નથી. પ્રભુએ આ તણાવમુક્તિનો અસરકારક ઉપાય આપણી અંદર જ મૂકેલો છે. આપણને એની ખબર નથી, એવું નથી, પણ આપણે એનો ઉપયોગ કરતા નથી. એના પરિણામે આપણે તણાવના પહાડ જેવા બોજા હેઠળ દબાતા રહીએ છીએ.

આ ઉપાય છે, પ્રાર્થનાનો:

આ ઉપાય એટલો સરળ છે કે કોઈ પણ એનો ઉપયોગ કરી શકે. ગમે તેવા મુશ્કેલ સંજોગોમાંથી હેમખેમ બહાર કાઢવાની શક્તિ પ્રાર્થનામાં રહેલી છે. પ્રાર્થનાથી પરમ ચેતના સાથે અનુસંધાન થઈ જતાં પછી મુશ્કેલ પરિસ્થિતિ મુશ્કેલ જણાતી નથી. રોજિંદા જીવનમાં આપણને એવાં અનેક ઉદાહરણો જોવા મળે છે કે જેમાં પ્રાર્થનાની શક્તિએ અનેક ચમત્કારિક પરિણામો સર્જ્યાં હોય. એનાં થોડાં ઉદાહરણો જોઈએ.

ઠાકુરજીએ કરાવ્યાં દીકરીનાં લગ્ન:

‘મંજુબહેન, વધામણી’, રાધાકાન્ત મંદિરના પૂજારીએ મંજુબહેનના ઘરે આવીને કહ્યું. મંજુબહેને પૂછ્યું, ‘મહારાજ, શેની વધામણી?’ પૂજારીએ કહ્યું, ‘તમારી કલ્યાણીનું ભજન સાંભળીને દામોદર શેઠે એને બોલાવીને ઘણી વાતો કરી. પછી મને તેના વિશે પૂછીને કહ્યું કે આપણા મુકુન્દ માટે આ છોકરી મને ગમી ગઈ છે. તો તમે એનાં માતા-પિતાને વાત કરો અને આપણે મળીએ.’ મંજુબહેન બોલ્યાં, ‘મહારાજજી, આટલા મોટા ઘરમાં દીકરીને વળાવવાનું અમારું ગજું નહીં. વળી એના બાપુ માલ લેવા મુંબઈ ગયા છે, અઠવાડિયા પછી આવશે. તમે તો જાણો છો ને કે અમારેય કેવી જાહોજલાલી હતી, પણ એમના ભાઈઓ અને ભાગીદારોએ દગો દેતાં અમે રસ્તા ઉપર આવી ગયાં છીએ. આ નાની હાટડીમાં માંડ માંડ પૂરું થાય છે, એમાં અત્યારે લગ્નનો ખર્ચો તો પોસાય તેમ જ નથી.’

પૂજારીએ કહ્યું, ‘મંજુબહેન, રાધાકાન્ત ઉપર ભરોસો રાખો. જો તેમણે જ સામેથી આ ગોઠવ્યું હશે, તો તેઓ જ વ્યવસ્થા કરશે.’ મંજુબહેન બોલ્યાં, ‘ના મહારાજ, આટલા પૈસાવાળા માણસોની સામે અમે તો અત્યારે સાવ સામાન્ય બની ગયાં છીએ. ના, મારું મન માનતું નથી.’ પૂજારીએ ખૂબ સમજાવ્યાં અને મંજુબહેન પાસે હા પડાવીને પછી સાંજે દામોદર શેઠને લઈને આવ્યા પણ ખરા. તેમણે કહ્યું, ‘મારે તો સંસ્કારી અને ભગવદ્ ભાવવાળી કન્યા જોઈએ છીએ. ધન-સંપત્તિ તો ઠાકુરજીએ મને ખૂબ આપી છે. તમે કોઈ વાતની ચિંતા ન કરો. આ વિજયાદશમીના દિવસે અમે સગાઈ કરવા આવીશું.’

હવે મંજુબહેનની ચિંતાનો પાર ન રહ્યો. ગોપાળદાસ તો મુંબઈ હતા. તેમને જણાવતાં ગોપાળદાસે કહ્યું, ‘હું દુર્ગાષ્ટમી એ જ આવીશ.’ હવે સાત દિવસ હતા. શું કરવું? કેવી રીતે બધું પાર પડશે? ભારે તણાવ, ચિંતા. રાત્રે ઊંઘ પણ ન આવે. એમના મોટા સાસરે જઈને વાત કરી પણ એ લોકોએ તો સ્પષ્ટ કહી દીધું કે ‘અમારે તમારી જોડે કોઈ સંબંધ નથી. તમારે જે કરવું હોય તે કરો.’ હવે ઘરમાં તો કોઈ હતું નહીં. એક સાડી લેવા જેટલાય પૈસા ન હતા! અને સગાઈ કરવામાં તો કેટલો બધો ખર્ચ થશે? શું થશે? ભારે ચિંતા.

જ્યારે ગોપાળદાસ અને મંજુબહેનને ઘરમાંથી અને દુકાનમાંથી કંઈ પણ લીધા વગર પહેરેલ કપડે નીકળી જવું પડ્યું ત્યારે રાધાકાન્તના મંદિરમાં આશ્રય મળ્યો હતો. એ જ રાધાકાન્તની કૃપાથી ધીરે ધીરે બધું ગોઠવાતું ગયું!

આજની વિકટ પરિસ્થિતિમાં મંજુબહેનને પતિ ગોપાળદાસના શબ્દો યાદ આવ્યા, ‘ભરોસો રાખ, રાધાકાન્ત બધું જ પાર પાડશે.’ તેઓ બન્ને આખી રાત ઠાકુરજીની મૂર્તિ સામે બેસી જ રહ્યાં. એમની સાથે વાર્તાલાપ અને અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરતાં રહ્યાં સવારે એમનું મન શાંત અને સ્થિર થઈ ગયું. હવે જાણે પોતાનો બધો બોજો અને ચિંતા રાધાકાન્તે લઈ લીધાં હોય, એવું અનુભવાતું હતું.

સાંજે પૂજારીજી અને વલ્લભદાસ શેઠ આવ્યા. મંજુબહેનને વધામણી આપતાં કહ્યું, ‘બેન, બહુ સારાં સગાં મળ્યાં. ઠાકુરજીની અનહદ દયા છે.’

મંજુબહેન બોલ્યાં, ‘પણ ભાઈ, બહુ જ મૂંઝવણ છે. ઘરમાં કંઈ જ નથી અને સગાઈનો પ્રસંગ કેવી રીતે ઉકલશે?’ વલ્લભદાસે કહ્યું, ‘બહેન, એની ચિંતા અમારા ઉપર. આ તમારો ભાઈ બેઠો છે ને! બધું સરસ રીતે પાર પડી જશે.’ ધરપત આપીને વલ્લભદાસ ગયા. અને બીજે દિવસે તો રેશમની સાડી, ઘરેણાં અને બધી સામગ્રી આવી પહોંચી. ગોપાળદાસના મિત્રને જાણ થતાં તેઓ આવીને મંજુબહેનના હાથમાં રૂપિયાની થપ્પી મૂકી ગયા અને આમ બધું કલ્પનાતીત રીતે ગોઠવાઈ ગયું!

જ્યારે ગોપાલદાસ મુંબઈથી આવ્યા ત્યારે તો બધી તૈયારી થઈ ચૂકી હતી. જાણે કોઈ અદૃશ્ય શક્તિ બધું ગોઠવી રહી હોય એવી અનુભૂતિ ગોપાલદાસ કરી રહ્યા હતા. સગાઈ તો રંગેચંગે થઈ ગઈ. કલકત્તાથી આવેલાં બધાં મહેમાનો પ્રસન્ન થઈને ગયાં. પછી તો લગ્ન પણ ધામધૂમથી થઈ ગયાં! મંજુબહેનને અનુભવ થયો કે પૈસો ન હોય, સગાંનો સાથ ન હોય, ઘરમાં કોઈ સુવિધા ન હોય, પણ જો ઠાકુરજી સાથે હોય તો બધું જ પાર પડી જાય છે.

આથી બીજી નાની દીકરીની ચિંતા તો તેમણે રાધાકાન્તને જ સોંપી દીધી અને કહ્યું, ‘તમારી જ દીકરી છે. મૂરતિયો તમારે શોધી આપવાનો અને લગ્ન પણ તમારે જ કરાવી આપવાનાં છે.’ પછી નાની દીકરીની કોઈ ચિંતા જ ન કરી. બધું રાધાકાન્તને સોંપી દીધું! અને રાધાકાન્ત પૂરી જવાબદારી વહન કરી. એની સાથે જ ભણતા સંસ્કારી યુવાનને પુત્રીએ પસંદ કર્યો અને એવી પરિસ્થિતિ સર્જાણી કે રાધાકાન્તના મંદિરમાં જ રાધાકાન્તની મૂર્તિ સામે જ ખુદ ગુંસાઈજી બાવાએ તેનું કન્યાદાન આપીને દીકરીને પરણાવી. આવું તો હજી સુધી ક્યારેય બન્યું ન હતું! પણ આ તો રાધાકાન્તની ગોઠવણી હતી. તેમાં પછી ખામી શું રહે? મંજુબહેનની ઉત્કટ પ્રાર્થનાનું આ પરિણામ હતું! આજે પણ આ દીકરી તેના સંસારમાં ખૂબ સુખી છે.

જીવલેણ માંદગીમાંથી ચમત્કારિક બચાવ:

‘જયાબહેન જલદી સિવિલ હૉસ્પિટલમાં પહોંચો. વિમલ એકાએક બેભાન થઈ જતાં ત્યાં દાખલ કર્યો છે. ચિંતા જેવું નથી. પણ તમે આવી જાઓ.’ વિમલની ઑફિસમાંથી ફોન આવતાં, પોતાના બન્ને દીકરાઓનું પાડોશીને ધ્યાન રાખવાનું કહીને જયા ઝડપથી સિવિલ હૉસ્પિટલમાં પહોંચી ગઈ.

તાત્કાલિક સારવારથી વિમલ ભાનમાં તો આવી ગયા પરંતુ નિદાન થયું મગજમાં ક્યાંક ગાંઠ હોવાનું. જયા ઉપર જાણે આભ તૂટી પડ્યું. કેવો મધુર સંસાર ચાલી રહ્યો હતો! બે દીકરાઓ તો હજુ પ્રાથમિક શાળામાં ભણતા હતા. આનંદથી જીવન પસાર થઈ રહ્યું હતું અને તેમાં એકાએક ઝંઝાવાત આવ્યો! ઊંડી તપાસ માટે વેલોરની હૉસ્પિટલમાં જવાનું ડૉક્ટરોએ કહ્યું. પાસે એટલા પૈસા પણ નહીં. બે બાળકો અને હતાશ થઈ ગયેલા પતિ! બધું કેવી રીતે સંભાળી શકીશ? શું કરીશ? ભારે ચિંતા. અસહ્ય બોજો. એમાં પણ ડૉક્ટરોએ કહ્યું, ‘આમાં જેટલું મોડું કરશો, એટલું વધારે નુકસાન થશે.’

અત્યારની વિષમ પરિસ્થિતિમાં જયાને કંઈ જ સૂઝતું ન હતું. પરંતુ નાનપણથી જ એનાં માતાએ શિખવાડેલું કે જ્યારે કંઈ ન સૂઝે ત્યારે ઠાકુરજી સાથે વાતો કરીને એની સહાય માગવાની. બસ, હવે ઠાકુરજી સિવાય રસ્તો કોઈ સૂઝાડે તેમ નથી. ઠાકુરજી પાસે રડી રડીને જયા કહેવા લાગી, ‘આમાં તો તમે જ મને રસ્તો બતાવો. તમારો જ આધાર છે.’ અંતરના આર્તભાવે કરેલી વાતોનું પરિણામ આવ્યું. કંપનીના માલિકે પૈસા મોકલી આપ્યા. તેનાં માતા-પિતા આવી ગયાં. અને ત્રીજે જ દિવસે જયા વેલોર પહોંચી ગઈ.

ત્યાં હૉસ્પિટલમાં જ રહેવાનું થયું. જાતજાતના ટેસ્ટ અને તપાસ. બહારથી સખત દોડાદોડી અને અંદરથી અવિરત પ્રાર્થના, ‘હે ઠાકુરજી! મારી સાથે રહેજો, મને બળ આપજો!’ જયાનું સેવાકાર્ય જોઈને ડૉકટરો અને નર્સોને પણ એના પ્રત્યે સદ્ભાવ જાગ્યો. બધાં એની સાથે આત્મીય વ્યવહાર કરવા લાગ્યાં. બધા રિપોર્ટ નોર્મલ આવતા હતા. છતાં વિમલનું શરીર ઉત્તરોત્તર ક્ષીણ થતું જતું હતું. હાથ-પગ જાણે ખોટા પડવા લાગ્યા! ડૉક્ટરોએ એક અંતિમ ટેસ્ટ કર્યો. એ ટેસ્ટ જ જોખમી હતો. પણ એમાં મગજમાં રહેલી ગાંઠ પકડાઈ ગઈ! આ ગાંઠનું ઑપરેશન ભારે જોખમી હતું કેમ કે એ છ જ્ઞાનતંતુ પર હતી. જો એકાદ જ્ઞાનતંતુ કપાઈ જાય તો આંખ, કાન, જીભને નુકસાન થઈ જાય. છતાં ઑપરેશન વગર બીજો કોઈ ઉપાય જ ન હતો.

જ્યારે ડૉક્ટરો વિમલને ઑપરેશન થિયેટરમાં લઈ ગયા ત્યારે જયા સામે આવેલા શિવમંદિરમાં ગઈ. તે શિવમંદિરે પહોંચી ત્યારે શિવપૂજા કરીને પૂજારીજી હાથમાં થાળ લઈને ગર્ભગૃહમાંથી બહાર નીકળ્યા. જયાએ પૂજારીજીને પ્રણામ કર્યા તો તેમણે જયાના કપાળમાં કંકુનો ચાંદલો કરી કહ્યું, ‘અખંડ સૌભાગ્યવતી ભવ.’ જયાને થયું કે જાણે સાક્ષાત્ શિવજી આવીને આશીર્વાદ આપી ગયા. પછી મંદિરમાં અભિષેક કર્યો, પૂજા કરી અને પાછી ઑપરેશન થિયેટર પર બહાર મૂકેલા બાંકડા પર બેસીને પ્રાર્થના કરવા લાગી. બાર કલાક સુધી એમ જ બાંકડા પર બેસીને જપ કરતી રહી.

ડૉક્ટરે કહ્યું, ‘હજુ તમે અહીં જ બેઠાં છો? અભિનંદન. ઑપરેશન એકદમ સફળ થયું છે.’ એક પણ જ્ઞાનતંતુને નુકસાન થયા વગર આટલું જટિલ ઓપરેરાને સફળ થઈ શક્યું એને વેલોરના ડૉક્ટરો પણ એક ચમત્કાર માને છે. આ હતું જયાની અવિરત પ્રાર્થનાનું પરિણામ. અંતરની ઉત્કટ પ્રાર્થનાને પરિણામે પ્રભુ એવા સંજોગોનું નિર્માણ કરે છે કે બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. આજે વિમલ અને જયા પોતાના પુત્રો સાથે આનંદથી રહે છે. પ્રભુ પ્રત્યેની પ્રાર્થનાથી જ તેમને ફરી મધુર જીવનની પ્રાપ્તિ થઈ એથી પ્રભુ પ્રત્યે સતત કૃતજ્ઞતા વ્યક્ત કરતાં રહે છે.

હિંસક તોફાનોમાં શાંતિની સ્થાપના:

તે વખતે મુંબઈમાં હિંસક તોફાનો થયાં હતાં. મહારાષ્ટ્ર સરકારે લશ્કર બોલાવ્યું. વેસ્ટર્ન કમાંડ લશ્કરી ટુકડીના વડાએ શાંતિ સ્થાપવાની જવાબદારી સ્વીકારી. તે દિવસે રવિવાર હતો. પત્રકાર પરિષદ યોજવામાં આવી. પત્રકારોએ કમાન્ડર એલ. એસ. રાવતને પૂછ્યું, ‘મુંબઈમાં શાંતિ સ્થાપતાં કેટલો સમય લાગશે?’ કમાન્ડરે તરત જવાબ ન આપ્યો પરંતુ એકાદ બે મિનિટ આંખ બંધ કરીને શાંતિથી બેસી રહ્યા. પછી પત્રકારોને કહ્યું, ‘મંગળવાર સાંજ સુધીમાં શાંતિ સ્થપાઈ જશે.’ આ સાંભળીને એક પત્રકારે એમને પૂછ્યું, ‘આંખ બંધ કરીને તમે શું પ્લાનિંગ કરતા હતા?’ કમાન્ડરે નમ્રતાપૂર્વક હસીને કહ્યું – My dear, I was communicating with God- Almighty. I have a hot-line with him namely prayer. એમણે મને જે સૂઝાડ્યું તે મેં તમને કહ્યું. અને ખરેખર પછી ૪૮ કલાકમાં મુંબઈમાં શાંતિ સ્થપાઈ ગઈ ત્યારે અમેરિકાના ટાઇમ મેગેઝીને બોક્સ આઇટમ છાપીને શીર્ષક લખ્યું- Indian army commander with heavenly hot-line.

ભગવાને દરેક મનુષ્યને આ હૉટલાઈન આપી જ છે પરંતુ તેનો ઉપયોગ કરવાનું કોઈને સૂઝતું નથી, તેથી જ જીવન બોજારૂપ બની જાય છે. આ હૉટલાઈનનો ગમે ત્યારે ઉપયોગ કરી શકાય છે અને તેમાં કોઈ પણ જાતનો ખર્ચ થતો નથી. ભગવાનનું કમ્પ્યૂટર એટલું બધું શક્તિશાળી અને સંવેદનશીલ છે કે તેમાં પ્રત્યેકના સંદેશા ઝીલાય છે અને તેનો પ્રત્યુત્તર પણ અચૂક મળે છે.

મન થાકી ગયું હોય, હારી ગયું હોય, નિરાશ થઈ ગયું હોય તો તેને ફરીથી ચેતનવંતુ અને થનગનતું બનાવવાનો સરળ અને અસરકારક ઉપાય પ્રાર્થનાનો છે. પરમાત્માને નિવેદન કરવાનું છે કે, ‘હે પ્રભુ, મારા મનને મજબૂત બનાવો, શક્તિશાળી બનાવો.’ આનું મંત્રની માફક રટણ કરવાથી ધીમે ધીમે મનની બધી જ શિથિલતા ચાલી જાય છે. મહાત્મા ગાંધીજી તો પ્રાર્થનાને મનનો ખોરાક કહે છે. મનને આ સાત્ત્વિક ખોરાક આપવાથી કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકે તેવું શક્તિશાળી અને સુદૃઢ મન બની જાય છે અને શરીર પણ સશક્ત તેમજ તંદુરસ્ત બની જાય છે. પ્રાર્થનાની આરોગ્ય ઉપરની અસરો વિશે ડૉક્ટર વિલિયમ નોલેને અભ્યાસ કરી પુસ્તક લખ્યું, તેમાં જણાવે છે કે મારા અભ્યાસનાં તારણો છે કે હાઇબ્લડ પ્રેશર, જખમ, માથાના દુઃખાવા અને તાણની સ્થિતિમાં પ્રાર્થનાની ફાયદાકારક અસર છે. તેઓ વધુમાં જણાવે છે કે ડૉક્ટરોએ પ્રિસ્ક્રિપ્શનમાં લખવું જોઈએ કે દિવસમાં ત્રણ વખત પ્રાર્થના કરો.

પ્રાર્થના કરવાથી આપણી આંતરિક સ્થિતિ જ બદલાઈ જાય છે કેમ કે પ્રભુને પોકાર કરવાથી એમની સાથે સૂક્ષ્મ સંબંધ બંધાઈ જાય છે અને એમની સાથે અનુસંધાન થતાં આપણી ચેતનામાં પરિવર્તન આવવા લાગે છે. આ જ તો છે, પ્રભુએ આપેલો આપણી પ્રાર્થનાનો પ્રત્યુત્તર. પ્રાર્થનાથી મનમાં શાંતિ પ્રસરે છે. તેથી અત્યાર સુધી અસહ્ય લાગતો બોજો જાણે હળવો થઈ ગયો હોય એવું અનુભવાય છે. આમ જયારે સમસ્યા ઉદ્ભવે ત્યારે આર્તભાવે પ્રભુ સમક્ષ પ્રાર્થના કરવાથી વિકટ પરિસ્થિતિમાં શાંત અને સ્થિર રહી શકાય છે. એ શાંતિમાં જ દરેક સમસ્યાના ઉકેલની ચાવી મળી જાય છે. પ્રભુએ મનુષ્યને આપેલી આ પ્રાર્થનાની અદ્‌ભુત શક્તિનો અવિરત ઉપયોગ કરતા રહેવાથી જીવનમાં ક્યારેય અશાંતિ, દુઃખ, તણાવ, ચિંતા કે બોજાનો અનુભવ નહીં થાય.

આવો, આપણે પ્રભુને સતત પ્રાર્થના કરતા રહીએ અને સદાય તણાવ અને બોજાથી મુક્ત રહીએ.

Total Views: 633

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.