ચારે બાજુ શાશ્વતીનું ગાન સંભળાવતો નીલરંગી સાગર લહેરાતો હતો અને ઉપર નીલરંગી આકાશ પોતાના અસીમ વિસ્તારની પ્રતીતિ કરાવતું ઝળૂંબી રહ્યું હતું. આ અનંતતાની વચ્ચે એક ખડક પર એક યુવાન સંન્યાસી ઊંડા ધ્યાનમાં મગ્ન બેઠા હતા. શું તેઓ અમર આત્માનું ચિંતન કરી રહ્યા હતા કે પછી મોક્ષપ્રાપ્તિ માટે પરમાત્માને પ્રાર્થના કરી રહ્યા હતા? મોક્ષની તો એમને જરૂર જ નહોતી કેમ કે એ તો નિત્યમુક્ત આત્મા હતા અને ભગવાનના દિવ્ય કાર્ય માટે તો એમણે પૃથ્વી ઉપર આવવાનું અને જન્મ ધારણ કરવાનું બંધન સ્વેચ્છાએ ગ્રહ્યું હતું. એ નિત્યસિદ્ધ જન્મજાત યોગીને કોઈ સિદ્ધિની પણ વાંછા નહોતી. સદાય આત્મસંગે રહેનાર એ બ્રહ્મજ્ઞ પુરુષને આત્મપ્રાપ્તિ માટે પણ ધ્યાનની જરૂર નહોતી. તો પછી આટલી ઊંડી એકાગ્રતામાં ડૂબેલા આ સંન્યાસી શેનું ચિંતન કરી રહ્યા હતા? એ ચિંતન હતું પોતાની પ્રાણપ્યારી માતૃભૂમિના ઉદ્ધારનું. એ ચિંતન હતું પોતાના દરિદ્ર દેશબાંધવોની સર્વ પ્રકારની દરિદ્રતાને દૂર કરવાના ઉપાયનું.

એ તરુણ સંન્યાસી હતા શ્રીરામકૃષ્ણના પરમશિષ્ય સ્વામી વિવેકાનંદ. પરિવ્રાજકરૂપે સમગ્ર ભારતવર્ષમાં પરિભ્રમણ કરી હવે તેઓ કન્યાકુમારીના સાગરની વચ્ચે આવેલા એક ખડક પર બેસીને ભારતમાતાની મુક્તિનું ધ્યાન ધરી રહ્યા હતા. પરિવ્રાજક દશામાં એમને ભારતનું સાચું દર્શન થયું. એમણે દેશની જનતાને ભયાનક દરિદ્રતામાં સબડતી જોઈ. તેનાં ગુલામ અને ભયથી કાંપતાં મન અને પ્રાણમાં ઠસોઠસ ભરાયેલી દુર્બળતા જોઈ. ધર્મોપદેશકો અને કહેવાતા ધર્મગુરુઓનાં પાખંડ અને કૂપમંડૂકતા જોયાં. રાષ્ટ્રચેતનાને નષ્ટભ્રષ્ટ થયેલી જોઈ. ભારતમાતાની આવી દુર્દશા જોઈને સ્વામીજીનું હૃદય દુ :ખ અને વેદનાથી ચિત્કાર કરી રહ્યું, ‘શું આ મારો મહાન ભારત દેશ? આ ઋષિમુનિઓનો દેશ! જગતના ઉદ્ધારનું જ્ઞાન જેની પાસે રહેલું છે, એ મહાન દેશ આટલો બધો દરિદ્ર?’ ધ્યાનમાં લીન થઈ ગયેલ એ ભારતમાતાના વીર સંન્યાસી પુત્રનું રોમેરોમ પોતાની માતૃભૂમિના ચિંતનમાં લીન થઈ ગયું હતું. એ ગહન ધ્યાનમાં એમની સમક્ષ ભારતમાતાની મૂર્તિ પ્રગટી ઊઠી. ભવાની ભારતમાતા એ કંઈ સ્થૂલભૂમિ નથી. એ તો સમગ્ર રાષ્ટ્રની ચેતના છે. ધર્મ એનો મુકુટમણિ છે. સંસ્કૃતિ એનું ચૈતન્ય છે. તેના કરોડો લોકો તેના જીવંત કોષો છે. આ કોષોને તેમણે વ્યાધિથી ગ્રસ્ત થયેલા જોયા. તેમને એ સ્પષ્ટ દર્શન થયું કે જો આ વ્યાધિ દૂર કરવામાં નહીં આવે તો રાષ્ટ્રદેહ નાશ પામી જશે. ધ્યાનમગ્ન સ્વામી સમક્ષ આ વ્યાધિને દૂર કરવાનું ઔષધ પણ પ્રગટ્યું કે આ ભૂખ્યા કરોડો લોકોને કેવળ ધર્મોપદેશ આપવાથી કંઈ જ નહીં વળે. પહેલાં તો એમના તનની પછી મનની અને શક્તિની દરિદ્રતા દૂર કરવી પડશે, પ્રજાના અંતરમાં પ્રાણશક્તિને જગાડવી પડશે. તો જ ભારતવર્ષનો ઉદ્ધાર કરી શકાશે. અસીમ સાગરની વચ્ચે ધ્યાનમગ્ન સ્વામીજીના અંતરમાં થયેલા આ દર્શને એમના જીવનને નવો જ વળાંક આપ્યો. અને હવે જ શ્રીરામકૃષ્ણદેવે એમને સોંપેલું, એમનું ખરું કાર્ય – સમગ્ર વિશ્વની ચેતનાને દિવ્યતા પ્રત્યે ઊંચે ઉઠાવવાનું શરૂ થયું.

ભારતની દુર્બળ અને દરિદ્ર જનતાનો ઉદ્ધાર કરવા માટે નાણાંની જરૂરિયાત અનિવાર્ય હતી. તે સમયની ભારતની સ્થિતિ જોતાં – રાજા મહારાજાઓ – ધનિકો – શ્રીમંતો કે જેઓ પોતાના અંગત સ્વાર્થમાં ને ભોગવિલાસમાં રચ્યાપચ્યા હતા, તેમની પાસેથી નાણાં મળી શકે તેમ ન હતાં. આથી સ્વામીજીની દૃષ્ટિ સાગરપાર રહેલા દેશો પ્રત્યે ગઈ. અને તેમના હૃદયમાં આશાનું કિરણ પ્રગટ્યું. તેમણે વિચાર્યું, ‘હું સાગરપાર જઈશ, ત્યાં અમેરિકામાંથી પૈસા લાવી પાછો આવીશ અને ભારતના નવોત્થાનનું કાર્ય પાર પાડીશ, એમ કરતાં મૃત્યુ આવશે તો એ પણ વધાવી લઈશ.’ આ ઉકેલ મળતાં તેમનું ચિત્ત પ્રસન્નતા અનુભવી રહ્યું. અને જ્યારે તેઓ ઊંડા ધ્યાનમાંથી જાગ્યા ત્યારે સર્વત્ર ઘૂઘવી રહેલો સાગર જાણે ઉછાળા મારીને એમને નિમંત્રી રહ્યો હતો કે ‘ભારતમાતાના હે દિવ્ય પુત્ર, આવ, મારી પીઠ ઉપર હું તને મારા બીજા છેડે લઈ જઈશ અને એમ કરતાં હું તો ધન્ય બની જઈશ પણ બીજા છેડે આવેલી ધરતી ધન્ય જ નહીં પણ આલોકિત થઈ જશે.’

હવે સ્વામીજીએ અમેરિકા જવાનો પોતાનો વિચાર ભક્તજનો અને શિષ્યો સમક્ષ વહેતો મૂક્યો. મદ્રાસના યુવાનોએ તો આ વિચારને વધાવી લીધો અને ફાળો પણ એકઠો કર્યો. રૂપિયા જોઈને સ્વામીજીને મનમાં થયું કે ‘શું મારા વિદેશ જવા પાછળ ખરેખર પ્રભુની ઇચ્છા રહેલી છે કે પછી મારી કોઈ મહત્ત્વાકાંક્ષા કે ઇચ્છા આ રીતે પ્રગટ થઈ રહી છે?’ આ વિચાર આવતાં એમણે મા જગદંબાને પ્રાર્થના કરતાં કહ્યું, ‘હે મા, તારી ઇચ્છા શું છે, તે તું મને કહે. તું મને તારા કાર્યનું કરણ બનાવ. તારી ઇચ્છા મુજબ જ થાઓ.’ અને પછી એ રકમ યુવાનોને પાછી આપતાં કહ્યું, ‘વત્સો, આ પૈસા તમે પાછા લઈ જાઓ અને ગરીબોમાં વહેંચી દો. હું વિદેશમાં જાઉં એવી જો જગદંબાની ઇચ્છા હશે તો પૈસા પાછા પણ મળી રહેશે. જગદંબાની ઇચ્છાની મને પ્રતીતિ થઈ જાય એ પછી જ હું આ દિશામાં વિચારીશ, નહીંતર તો વિદેશમાં જવું એ અવિચારીપણે અંધકારમાં ભૂસકો મારવા જેવું જ છે.’ સ્વામીજીએ એ પાંચસો રૂપિયા યુવાનોને પાછા આપી દીધા અને પોતે સાવ નિશ્ચિંત બની ગયા.

હવે એમને અંતરમાંથી એવા સંકેતો મળી રહ્યા હતા કે તેમણે વિદેશમાં જઈને કાર્ય કરવાનું છે. પણ છતાંય એમના મનમાં ઊંડે ઊંડે શંકા રહેતી હતી કે ‘મા જગદંબા અને ગુરુદેવની જ શું ખરેખર આ ઇચ્છા છે?’ પણ એક દિવ્યદર્શને તેમના અંતરમાંથી આ શંકાને પણ નિર્મૂળ કરી દીધી. એક રાત્રે તેઓ અર્ધનિદ્રિત સ્થિતિમાં આરામ કરી રહ્યા હતા ત્યારે તેમણે એક દિવ્ય દૃશ્ય જોયું. જાણે કે ગુરુદેવ શ્રીરામકૃષ્ણ સાગર પર થઈને ચાલ્યા જાય છે અને સ્વામીજીને પોતાની પાછળ આવવાનો ઇશારો કરી રહ્યા છે. જ્યારે સ્વામીજી ભાવસમાધિમાંથી જાગ્યા ત્યારે એમનું હૃદય અપૂર્વ આનંદનો અનુભવ કરી રહ્યું હતું. એમની રહીસહી શંકા પણ નિર્મૂળ થઈ ગઈ. અને પછી એમણે પોતાના અંતરમાં જગદંબાનો સ્પષ્ટ આદેશ સાંભળ્યો કે ‘ખુશીથી જા.’ પછી તેમણે અમેરિકા જવાની તૈયારી આરંભી.

સ્વામીજીએ શ્રીમા શારદાદેવીને પોતાના અમેરિકા જવાની વાત લખી ને તેમના આશીર્વાદ મગાવ્યા. ત્યારે શ્રીમા શારદાદેવી થોડાં ચિંતિત બની ગયાં. આટલે દૂર, પૃથ્વીના બીજા છેડે, નરેનને એકલા જવા દેવા તેમનું અંતર હા પાડતું ન હતું. તેઓ મૂંઝવણ અનુભવી રહ્યાં હતાં. તેમણે શ્રીરામકૃષ્ણને પ્રાર્થના કરી કે આ બાબતમાં શું કરવું, તેનું તેઓ માર્ગદર્શન આપે. અને તેમણે પણ ધ્યાનમાં એ જ દિવ્ય દૃશ્ય જોયું. તેમાં શ્રીરામકૃષ્ણ સાગર પાર થઈને દૂર દૂર જઈ રહ્યા છે, એ જોતાં શ્રીમાને સંપૂર્ણ ખાતરી થઈ ગઈ કે સ્વયં શ્રીરામકૃષ્ણ જ નરેન દ્વારા હવે સાગર પાર વિદેશોમાં જઈ રહ્યા છે. આથી પછી તેમણે સ્વામીજીને આશીર્વાદ મોકલાવ્યા. મા જગદંબાની કૃપાથી એમનો વિદેશ પ્રવાસ સંપૂર્ણ સફળ બનશે તેમ જણાવ્યું. આશીર્વાદ મળતાં જ સ્વામીજીને થયું કે હવે વિદેશ જવાનું સંપૂર્ણ રીતે નિશ્ચિત થઈ ગયું છે કેમ કે સ્વયં શ્રીમાએ સ્વીકૃતિ આપી દીધી છે. તેથી તેમણે અમેરિકા જવાની તૈયારી કરી લીધી.

દરમિયાનમાં ખેતડીના મહારાજને ત્યાં પુત્રજન્મ થતાં તેમણે પોતાના નવજાત પુત્રને આશીર્વાદ આપવા માટે સ્વામીજીને પોતાને ત્યાં ખાસ બોલાવ્યા. તેઓ માનતા હતા કે સ્વામીજીના આશીર્વાદથી જ એમને ત્યાં પુત્રજન્મ થયો હતો. મહારાજાના આગ્રહથી સ્વામીજીને ખેતડી જવાનું થયું. એટલે અમેરિકા જવાનું થોડું પાછું ઠેલાયું. મહારાજાને સ્વામીજીના વિદેશ પ્રવાસની જાણ થતાં તેમણે જ પોતાના મુનશી જગમોહનને સ્વામીજી સાથે મુંબઈ મોકલ્યા. મુનશી જગમોહને પી. અૅન્ડ ઓ. કંપનીની સ્ટીમર પેનિન્સ્યુલરમાં પ્રથમ વર્ગમાં સ્વામીજીની ટિકિટ કઢાવી આપી. એટલું જ નહીં પણ સ્વામીજીને વિદેશયાત્રા માટે રેશમી ઝબ્બો ને પાઘડી પણ લઈ આપ્યાં. આખરે એ દિવસ આવી પહોંચ્યો. ૩૧મી મે, ૧૮૯૩નો દિવસ. પોતાની પ્રિય ને પરિચિત ભૂમિને છોડીને અજાણી ભૂમિમાં અપરિચિતોની વચ્ચે જવા પેનિન્સ્યુલર સ્ટીમરના તૂતક ઉપર સ્વામીજી ઊભા હતા. તેઓ વિચારી રહ્યા હતા કે હું આ ત્યાગભૂમિ છોડીને ભોગભૂમિ તરફ જઈ રહ્યો છું. એમના રોમેરોમમાં વ્યાપેલી માતૃભૂમિ પ્રત્યેની ભક્તિ જ એમને વિદેશ જવા પ્રેરી રહી હતી. ત્યાંથી અઢળક ધન લાવીને દરિદ્ર દેશબાંધવોના ઉદ્ધારની એક માત્ર યોજના ત્યારે એમના મનમાં છવાયેલી હતી. સ્ટીમરે ધીરે ધીરે જ્યારે હિંદનો કિનારો છોડ્યો ત્યારે એ અનાસક્ત, નિર્મોહી સંન્યાસીની આંખોમાંથી આંસુ છલકાતાં હતાં. પોતાની માતૃભૂમિને તેઓ કેટલી ઉત્કટતાથી ચાહતા હતા એનો ખ્યાલ અમેરિકા પહોંચીને એમણે ગુરુભાઈઓને લખેલા પત્રમાંથી આવી શકે છે. તેમણે લખ્યું હતું, ‘ભારતના ઉદ્ધાર માટે સહાયની શોધમાં લોહી નીંગળતા હૃદયે અડધી દુનિયા ઓળંગીને હું અજાણી ભૂમિમાં આવ્યો છું.’ બીજા એક પત્રમાં તેમણે લખ્યું હતું, ‘હું અમેરિકામાં નાણાં મેળવવા જ આવ્યો છું. દેશમાં પાછો ફરીને મારા જીવનના આ એક માત્ર ધ્યેયની સિદ્ધિ અર્થે મારા શેષ દિવસો હું વ્યતીત કરીશ.’ વિદેશની ધરતી ઉપર પણ માતૃભૂમિ સદૈવ એમના અંતર સાથે જડાયેલી જ રહી.

મુંબઈથી ઊપડેલી સ્ટીમર કોલંબો, સિંગાપુર, કૅન્ટન હાૅંગકાૅંગ, જાપાન, યોકોહાૅમા થઈને વાનકુંવર પહોંચી. નવી દુનિયામાં પગ મૂકતાં જ વિટંબણાઓ ને મુશ્કેલીઓ સ્વામીજીનો સત્કાર કરવા હાજર હતી! પેસિફિકની સખત ઠંડી અને સ્વામીજી પાસે રેશમી ઝબ્બા સિવાય બીજું કંઈ જ નહીં! કોઈ જાતનાં ગરમ કપડાં નહીં, પાસે પૂરતા પૈસા નહીં, અજાણ્યા લોકો અને સ્વામીજીના વિચિત્ર પોશાકને લઈને એ લોકોની શંકિત દૃષ્ટિ – બધું જ સ્વામીજી માટે પ્રતિકૂળ હતું. વાનકુંવરથી ટ્રેનમાં ત્રણ દિવસની મુસાફરી કરીને સ્વામીજી આખરે શિકાગો આવી પહોંચ્યા.

જે નગરીએ સ્વામીજીને વિશ્વવિખ્યાત બનાવી દીધા એ જ નગરીએ પ્રારંભમાં મુશ્કેલીઓ અને વિટંબણાઓથી સ્વામીજીને ઘેરી લીધા. જાણે તે આ હિંદુ યોગીની આંતરિક શક્તિની પ્રબળતા અને દૃઢ સંકલ્પશક્તિની કસોટી કરતી ન હોય, એમ મુશ્કેલીઓની હારમાળા સ્વામીજી સમક્ષ ખડી થઈ ગઈ. આવડી વિશાળ નગરીમાં તેમને કોઈ જ ઓળખતું ન હતું. ક્યાં ઊતરવું એ પ્રશ્ન હતો. તેમના ભગવા વેશને લઈને લોકો તેમને વિચિત્ર નજરે જોતા હતા. કોઈ જ તેમને સહાય કે સાચી સલાહ આપતું ન હતું. મજૂરો, હોટલવાળાઓ તો સ્વામીજીને અજાણ્યા જાણી છેતરવા લાગ્યા. શિકાગોમાં તે સમયે સ્વામીજી બાર દિવસ રહ્યા તે દરમિયાન તેમને શિકાગોના અસલી સ્વરૂપનો પૂરેપૂરો પરિચય થઈ ગયો! તેમની પાસે રહેલી મર્યાદિત રકમ તો ખૂબ ઝડપથી ખર્ચાવા લાગી. અને એમાં એમને ખબર મળ્યા કે વિશ્વધર્મ-પરિષદ તો સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં ભરાવાની છે. હજુ તો અર્ધાે જુલાઈ વીત્યો હતો. પૂરા બે મહિના બાકી હતા. ઓળખાણ વગર, નાણાં વગર, આશ્રય વગર આ બે મહિના આવા ખર્ચાળ નગરમાં કેવી રીતે કાઢવા એ જ એક વિકટ સમસ્યા હતી. આ સમસ્યા ઓછી હોય તેમ બીજી સમસ્યાઓ પણ એવી જ પ્રબળ બનીને સ્વામીજી સમક્ષ પડકાર કરતી ઊભી હતી. ધર્મપરિષદમાં ભાગ લેવા માટે કોઈના પણ ઓળખપત્રો હોવા જરૂરી હતા. તેઓ હિંદુ પ્રતિનિધિ છે, એ માટે એમની પાસે હિંદુ સંસ્થાનું ઓળખપત્ર હોવું જરૂરી હતું. એ તો સ્વામીજી પાસે હતું જ નહીં! ઓળખપત્ર વગર પ્રવેશ શક્ય જ નહોતો. વળી પરિષદમાં ભાગ લેવા માટે નામ નોંધાવવાની જે તારીખ હતી તે પણ જતી રહી હતી. આમ ચોતરફથી સ્વામીજીને મુશ્કેલીઓએ ઘેરી લીધા. એમને ક્યારેક મનમાં એમ પણ થતું હતું કે ‘ભારત પાછો ચાલ્યો જાઉં.’ પણ એમનું અંતર કહેતું હતું કે ‘જગદંબાએ મને મોકલ્યો છે, તો તેઓ જ બધું ગોઠવશે.’ આ અંતરની શ્રદ્ધાને આધારે તેઓ આ મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢવા કટિબદ્ધ બન્યા.

કોઈએ તેમને સલાહ આપી કે ‘શિકાગો બહુ જ મોઘું શહેર છે. એના કરતાં બાૅસ્ટન ઘણું જ સસ્તું શહેર છે. ત્યાં રહેવાનો, ખાવા-પીવાનો ખર્ચ ઘણો ઓછો આવે છે એટલે તમે ત્યાં જઈને રહો.’ સ્વામીજીને આ સલાહ યોગ્ય લાગી. તેથી તેઓ બાૅસ્ટન જવા ઊપડ્યા. ટ્રેનમાં એમને એમના કમ્પાર્ટમેન્ટમાં જ મુસાફરી કરી રહેલી એક પ્રેમાળ વૃદ્ધા મિસ કેટ સેનબોર્ન સાથે પરિચય થયો. તે બાૅસ્ટન પાસેના એક ગામડામાં રહેતી હતી. તે વૃદ્ધા સ્વામીજીના વ્યક્તિત્વ અને વર્તનથી ખૂબ જ પ્રભાવિત થઈ.

સાવ અજાણી, અપરિચિત વૃદ્ધા આમ ટ્રેનમાંથી જ સ્વામીજીને પોતાને ત્યાં તેડી જાય એ તો મહાન આશ્ચર્યની વાત હતી! જાણે મા જગદંબાએ એમને ટ્રેનમાં જ પ્રતીતિ કરાવી દીધી કે ‘તારી સઘળી વ્યવસ્થાનો ભાર હું ઉઠાવી રહી છું.’ હવે સ્વામીજીને બાૅસ્ટનમાં જઈને ક્યાં રહેવું એ અંગે કોઈ અનિશ્ચિતતા અને ચિંતા રહ્યાં નહીં. તેઓ ટ્રેનમાંથી સીધા જ મિસ સેનબાૅર્નના બ્રિઝી મૅડાૅઝના સુંદર મકાનમાં આવી પહોંચ્યા. આૅગસ્ટની વીસમી તારીખથી સપ્ટેમ્બરની આઠમી તારીખ સુધી સ્વામીજી અહીં જ રહ્યા. અહીં એમને રહેવાની, ખાવા-પીવાની સઘળી વ્યવસ્થા સુંદર રીતે થઈ ગઈ એટલું જ નહીં પણ આસપાસનાં ગામોમાં પ્રવચનો આપવાની વ્યવસ્થા પણ ગોઠવાઈ ગઈ!

આ ગાળામાં સ્વામીજીએ નાનાં નાનાં મંડળો સમક્ષ આજુબાજુનાં ગામોમાં પ્રવચનો આપ્યાં. અહીં સ્વામીજીને લોકો ‘હિંદુ રાજા’ કહેતા હતા. એમના વિશે એક સ્થાનિક વર્તમાનપત્રમાં અહેવાલ છપાયો હતો કે ‘તાજેતરમાં પશ્ચિમમાંથી પાછાં ફરેલાં મિસ કેટ સેનબોર્ને ગયા સપ્તાહમાં હિંદી રાજા વિવેકાનંદનું બહુમાન કર્યું.’ આ વિસ્તારમાં જ્યારે સ્વામીજી બહાર નીકળતા ત્યારે તેમનો ભગવો ઝબ્બો ને માથે ભગવા રંગનો ફેંટો લોકોને વિચિત્ર લાગતો, તેથી તેમને જોવા લોકો ટોળે વળતાં. આથી મિસ સેનબાૅર્ને સ્વામીજીને સલાહ આપી કે તેઓ અમેરિકન ઢબનાં કપડાં ખરીદી લે તો અમેરિકન સમાજમાં સહેલાઈથી ભળી શકશે. આ વિશે સ્વામીજીએ પોતાના ગુરુભાઈઓને પત્રમાં લખ્યું હતું, ‘મારા માટે હું કાળો લાૅંગકોટ ખરીદવા ઇચ્છું છું. પાઘડી અને ભગવો ઝબ્બો હું વ્યાખ્યાન વખતે પહેરીશ.’ પછી બાૅસ્ટન જઈને તેમણે કાળો લાૅંગકોટ ખરીદ્યો.

હવે વિશ્વધર્મ-પરિષદના દિવસો નજીક આવતા જતા હતા, પરંતુ પરિષદ સુધી પહોંચવાનો સ્વામીજીનો માર્ગ હજુય ધૂંધળો હતો, કેમ કે તેમના નામની નોંધણી પણ નહોતી થઈ ને તેમની પાસે કોઈનું ઓળખપત્ર પણ ન હતું. આ અંગે શું કરવું તેની વિમાસણ તેઓ અનુભવી રહ્યા હતા. પણ પરિસ્થિતિ એવી સર્જાઈ કે ઓળખપત્ર આપનાર અમેરિકન પ્રાૅફેસર સામે ચાલીને સ્વામીજી પાસે આવી પહોંચ્યા. હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રાૅફેસર જે.એચ. રાઈટની સાથે મિસ સેનબાૅર્ને સ્વામીજીની ઓળખાણ કરાવી અને પ્રાૅફેસર રાઈટ તો સ્વામીજીની પ્રતિભા અને વિવિધ વિષયો પરત્વેના જ્ઞાનથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયા. પ્રાૅફેસર રાઈટ સાથે સ્વામીજીએ ચાર કલાક સુધી જ્ઞાનચર્ચા કરી. ચર્ચાને અંતે મુગ્ધ બનેલા પ્રાૅફેસરે સ્વામીજીને કહ્યું, ‘સ્વામીજી, આપના આ જ્ઞાનનો આ દેશને પરિચય થવો જ જોઈએ. અને એ માટેનો મને એક જ રસ્તો દેખાય છે, અને તે એ કે આપે ધર્મપરિષદમાં હાજરી આપવી જ જોઈએ.’ આમ એક અમેરિકન પ્રાૅફેસર તરફથી ધર્મપરિષદમાં હાજરી આપવાનું હવે સ્વામીજીને સામેથી કહેણ આવ્યું! પણ સ્વામીજી પોતાની મુશ્કેલી જાણતા હતા એટલે એમણે વિનમ્રભાવે પ્રાૅફેસરને કહ્યું, ‘ધર્મપરિષદમાં હાજરી આપવાની મારી ઇચ્છા તો છે જ પણ નામ નોંધાવવાની તારીખ જતી રહી છે, ને મારી પાસે કોઈ ઓળખપત્ર નથી.’ આ સાંભળીને પ્રાૅફેસર રાઈટ બોલી ઊઠ્યા, ‘અરે, સ્વામીજી! આપની પાસેથી ઓળખપત્રો માગવાં એટલે સૂર્યની પાસે એના પ્રકાશવાના હક્ક માટે પૂછવા જેવું છે! આપ બિલકુલ ચિંતા ન કરો, એ સઘળી વ્યવસ્થા હું કરી આપીશ.’ પ્રાૅફેસર રાઈટની આવી ખાતરી મળતાં સ્વામીજીના મસ્તક પરનો બોજો હટી ગયો. વિશ્વધર્મ-પરિષદમાં પ્રતિનિધિઓની પસંદગી કરનાર કમિટીના પ્રમુખ ડૉ. બેરોઝ, પ્રો. રાઈટના મિત્ર હતા. આમ વિશ્વધર્મ-પરિષદમાં સ્વામીજીનો પ્રવેશ હવે નિશ્ચિત બની ગયો. મુશ્કેલીઓનાં વાદળો હવે હટી ગયાં પણ દરમિયાનમાં એક ઘનઘોર વાદળે આવીને વિશ્વધર્મ-પરિષદમાં જવાના સ્વામીજીના માર્ગને ફરીથી ઢાંકી દીધો!

સ્વામીજી પાસે શિકાગો જવાની ટિકિટના પૈસા પણ નહોતા. પ્રાૅ. રાઈટને એ જાણ થતાં એમણે સ્વામીજીને શિકાગો જવાની ટિકિટ કઢાવી આપી. તેમણે પસંદગી સમિતિના અધ્યક્ષ ડૉ. બેરોઝ પર એક ભલામણપત્ર પણ લખી આપ્યો. એટલું જ નહીં પણ શિકાગો જનાર એક વેપારીને સ્વામીજીને ધર્મપરિષદની ઓેફિસે પહોંચાડી દેવાની ભલામણ પણ કરી. પરંતુ શિકાગોના સ્ટેશને પેલો વેપારી તો ઝડપથી નીચે ઊતરી ગયો ને તે સ્વામીજી સાથે લઈ જવાની વાત જ ભૂલી ગયો. તે સ્ટેશનની ભીડમાં એ તો ક્યાંય ખોવાઈ ગયો! વળી ઓફિસના સરનામાવાળો કાગળ પણ તેની પાસે જ હતો. સાંજનો સમય હતો. અંધારું ઘેરાતું જતું હતું. ભૂખ, થાક અને મૂંઝવણથી ઘેરાયેલા સ્વામીજી હવે અત્યારે શું કરવું એની વિમાસણ અનુભવી રહ્યા. હવે આ રાત ક્યાં ગાળવી એ પ્રશ્ન હતો. ઠંડી સખત હતી. આખરે તેમની નજરે લાકડાનાં ખોખાં (માલગાડીના ડબ્બા) પડ્યાં અને તેમાંના એક ખોખામાં તેઓ ટૂંટિયું વાળીને બેસી ગયા. આખી રાત એમ જ પસાર કરી! મા જગદંબા પણ પોતાના અંશ સમા દૈવીપુત્રોને કેવી રીતે આકરી તાવણીમાંથી પસાર કરાવતી રહે છે ! ઊંઘ, ભૂખ, થાક, શારીરિક કષ્ટ અને વિમાસણથી ઘેરાયેલા સ્વામીજીને શિકાગોમાં બારણે બારણે ભીખ પણ માગવાનું કાર્ય કરવું પડ્યું અને અપમાન, અવહેલના ને કટુતા પણ સહેવાં પડ્યાં. બે દિવસથી ભૂખ્યા હતા, પાસે પૈસા પણ ન હતા. આથી સંન્યાસધર્મને અનુસરીને તેમણે શિકાગોના એ શ્રીમંત વિસ્તારમાં ભિક્ષા માગી. પણ ભિક્ષા આપવાનું તો બાજુએ રહ્યું પણ એ શ્રીમંત લોકોએ એમનું અપમાન કર્યું, એમને હડધૂત કર્યા. આથી એમને ખૂબ આઘાત લાગ્યો. જેમના શબ્દે શબ્દે હજારો હૃદયો મુગ્ધ બની ડોલી ઊઠવાનાં હતાં, જેમને સાંભળવા માટે હજારો લોકો કલાકો સુધી તપશ્ચર્યા કરવાના હતા, જેમનાં દર્શન કરવા લોકો આતુર બની ઊઠવાના હતા, એ મહામાનવને પણ માનવજીવનની કેવી વિષમ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડ્યું! ઠંડીમાં બેસી રહેવાથી અકડાઈ ગયેલું શરીર; મુસાફરીથી થાકી ગયેલું, ભૂખ ને તરસથી અશક્ત બની ગયેલું શરીર, મેલાં થઈ ગયેલાં વસ્ત્રો અને મૂંઝવણથી ઘેરાયેલો ચહેરો જોઈને એ શ્રીમંત લોકો સ્વામીજીને શંકિત નજરે જોવા લાગ્યા. કોઈએ એમને આવકાર ન આપ્યો કે ન ભિક્ષા આપી. ચાલતાં ચાલતાં સ્વામીજી થાકીને લોથ થઈ ગયા. ‘હે પ્રભુ! તારી ઇચ્છા પ્રમાણે થાઓ.’ એમ કહીને રસ્તાની એક બાજુએ શાંતિથી બેસી ગયા. ‘હે પ્રભુ, હવે શું કરવું એની સાચી પ્રેરણા તું આપ,’ એમ કહીને તેઓ શાંત થઈ ગયા.

અને ત્યાં તો સામેના બંગલાનંુ બારણું ખૂલ્યું અને એક જાજરમાન સંસ્કારી અમેરિકન મહિલાએ એ બારણામાંથી જોયું ને તેની દૃષ્ટિ સામે બેઠેલા સ્વામીજી પર પડી. તે પોતે સ્વામીજી પાસે ગઈ ને અત્યંત મૃદુ સ્વરે વિનયપૂર્વક તેમને પૂછ્યું, ‘શું આપ ધર્મપરિષદના પ્રતિનિધિ છો?’ સ્વામીજીએ હા પાડી અને તેમને પોતાની મુશ્કેલી જણાવી. તે સન્નારી સ્વામીજીને પોતાના ઘરમાં લઈ આવ્યાં. એમને એક અલાયદો ખંડ કાઢી આપ્યો અને સ્વામીજીનું પૂરેપૂરું ધ્યાન રાખવા પોતાના નોકરોને સૂચના આપી. પછી તેઓ પોતે જ સ્વામીજીને ધર્મપરિષદની ઓફિસમાં લઈ ગયાં. આ સન્નારી મિસિસ જ્યોર્જ ડબલ્યુ હેલ હતાં. સ્વામીજી તેમના ઉપકારને કદી ભૂલ્યા ન હતા. પછી તો તેમનું આખું કુટુંબ સ્વામીજીનું ભક્ત બની ગયું હતું.

હવે ધર્મ પરિષદમાં પ્રવેશનો સ્વામીજીનો માર્ગ સરળ બની ગયો. પરંતુ અહીં સુધી પહોંચતાં એમને અપાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પણ પ્રત્યેક મુશ્કેલીને મહાત કરનારી મા જગદંબાની મહાન કૃપાનો પણ તેમને અનુભવ થતો રહ્યો. મુશ્કેલીભર્યા આ બે મહિનાઓ દરમિયાન એમને અમેરિકાની પ્રજાના સ્વભાવનું ઊંડું દર્શન થયું, જે એમના ભાવિ કાર્ય માટે જરૂરી હતું. વિશ્વધર્મ-પરિષદના પ્રતિનિધિ તરીકે સ્વામીજીને તરત જ સ્વીકારી લેવામાં આવ્યા. તેમની રહેવાની વ્યવસ્થા પૂર્વના પ્રતિનિધિઓની સાથે કરવામાં આવી. હવે સ્વામીજીનો માર્ગ નિષ્કંટક હતો.

બીજા દિવસની સવાર થઈ. ઈ.સ. ૧૮૯૩ના સપ્ટેમ્બરની ૧૧મી તારીખનો દિવસ. જેની બધા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, એ ઐતિહાસિક દિવસ આવી પહોંચ્યો. શિકાગોની આર્ટ ઇન્સ્ટિટ્યૂટના વિશાળ મકાનમાં ‘હાૅલ આૅફ કોલંબસ’થી ઓળખાતા તેના વિશાળ મધ્યખંડમાં તે દિવસે સવારે ૧૦ વાગ્યે વિશ્વભરમાંથી આવેલા વિવિધ ધર્મોના પ્રતિનિધિઓની હાજરીમાં આ ભવ્ય વિશ્વધર્મ-પરિષદનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું. ટાંચણી પડે તોય સંભળાય એવી શાંતિ જાળવીને ચાર હજાર પ્રેક્ષકો આ પ્રતિનિધિઓની પ્રતીક્ષા કરતા હાૅલમાં બેઠા હતા. પ્રતિનિધિઓ માટે સો ફૂટ લાંબી ને પંદર ફૂટ પહોળી વ્યાસપીઠ બનાવવામાં આવી હતી. બરાબર દસ વાગ્યે શ્રીયુત્ બોની અને કાર્ડિનલ ગીબન્સ એ ભવ્ય ખંડમાં પ્રવેશ્યા. તેમની પાછળ-પાછળ એ ભવ્ય ખંડમાં બબ્બેની હારમાં વિશ્વના સર્વ ધર્મોના પ્રતિનિધિઓ આવવા લાગ્યા. તેઓ બધા મંચ પર રાખેલી ખુરશીઓમાં ગોઠવાયા. ઓગણીસમી સદીના અંતિમ દાયકાની એ અભૂતપૂર્વ ઘટના હતી. વીસમી સદીના શુભાગમનની વેળાએ વિશ્વના ઇતિહાસની એ સુવર્ણ ઘડી હતી કે જ્યારે એક જ મંચ ઉપર સઘળા ધર્મોના જ્ઞાતાઓ એકત્ર થયા હતા. આ ઘટનાનો બાહ્ય હેતુ ભલે ગમે તે હોય, પણ એનો આંતરિક, સૂક્ષ્મ હેતુ તો સઘળા ધર્મોના સમન્વયરૂપ વૈદિક ધર્મનો સમગ્ર વિશ્વને જાણે કે સાચો પરિચય કરાવવાનો હતો, એ તેની ફલશ્રુતિ પરથી જાણી શકાય છે. એ માટે પરમાત્માએ સ્વામી વિવેકાનંદને પસંદ કર્યા હતા. અનેક વિટંબણાઓમાંથી પસાર કરાવતાં કરાવતાં તેઓ સ્વયં જાણે તેમને આ પરિષદના રંગમંચ સુધી લઈ આવ્યા હતા. સ્વામીજીને પોતાને પણ આ સૂક્ષ્મ કારણોનું પૂર્વ-દર્શન થઈ ચૂક્યું હતું. અમેરિકા આવવાનું થયું ત્યારે તેમણે સ્વામી તુરીયાનંદને કહ્યું હતું, ‘હરિભાઈ, વિશ્વધર્મ-પરિષદ આને (પોતાને) માટે મળી રહી છે. મારું અંત :કરણ મને એમ કહે છે, અને તમે નજીકના ભવિષ્યમાં આ કથન સાચું પડતું જોશો.’ અને આ રંગમંચ ઉપર આ તેજસ્વી મુખમુદ્રાવાળા યુવાન સંન્યાસીને ગૌરવભેર પગલાં પાડતા જોઈને સ્વામીજીએ અંત :પ્રેરણાથી ઉચ્ચારેલી આ વાણી સાર્થક બનતી જણાતી હતી. પણ હજુ તો આ રંગમંચ પર સ્વામીજીનો આ માત્ર પ્રવેશ જ હતો. સર્વના આત્માને રણઝણાવી દેનાર તેમના અંતરની દિવ્યવાણીનું પ્રાકટ્ય તો હજુ બાકી હતું. પણ સ્વામીજીનું પ્રથમ દર્શન જ સર્વ પ્રેક્ષકોના હૃદયમાં આત્મીયતાની અને આનંદની મધુર લહેર પ્રસરાવી ગયું…

Total Views: 408

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.