ગોસ્વામી તુલસીદાસજીએ ‘વિનય-પત્રિકા’ નામના અદ્ભુત ભક્તિપૂર્ણ ગ્રંથની રચના કેવી રીતે કરી એ વિષે રસપ્રદ આખ્યાયિકા છે. એક વાર વારાણસીમાં એક હત્યારો તીર્થયાત્રા કરવા આવ્યો અને પોકારવા લાગ્યો, “રામના પ્રેમને ખાતર, મને – એક હત્યારાને કંઈક ભીક્ષા આપો.” પોતાના ઈષ્ટ રામનું નામ સાંભળીને તુલસીદાસજીએ માણસને પોતાને ઘેર બોલાવ્યો અને તેને પ્રસાદ આપ્યો. પછી ઘોષણા કરી કે એ પરિશુદ્ધ થઈ ગયો છે. ત્યાંના રૂઢિચુસ્ત બ્રાહ્મણોએ વાંધો ઉઠાવ્યો કે હત્યારાનું પાપથી વિમોચન કઈ રીતે થઈ શકે! તુલસીદાસજીએ જવાબ આપ્યો, “તમારા પોતાનાં શાસ્ત્રોનું અધ્યયન કરો અને દિવ્ય નામના પ્રભાવ વિશે જાણી લો.” બ્રાહ્મણોને આ ઉત્તરથી સંતોષ ન થયો. તેઓએ પ્રમાણ માગ્યું. તેઓ સંમત થયા કે જો વિશ્વનાથ મંદિરના નંદી હત્યારાના હાથેથી ખાય તો તેઓ તુલસીદાસજીની વાત સ્વીકારી લેશે. એ માણસને મંદિરમાં લઈ જવામાં આવ્યો અને નંદીએ તેના હાથેથી ખાધું પણ ખરું! આમ, તુલસીદાસજીએ પ્રમાણ કરી દીધું કે આંતરિકતાપૂર્વક પ્રાયશ્ચિત કરવાથી ઈશ્વર ભક્તનો સ્વીકાર કરે છે.

પણ હવે એક નવી સમસ્યા ઊભી થઈ. કલિ (દુર્ગુણોનું મૂર્ત સ્વરૂપ) તુલસીદાસજીને ખાઈ જવાની ધમકી આપવા લાગ્યો. તુલસીદાસજીએ હનુમાનજીને પ્રાર્થના કરી. હનુમાનજીએ સ્વપ્નમાં દર્શન આપી, ભગવાન શ્રીરામને અરજ કરવાની તેમને સલાહ આપી અને આમ ‘વિનય-પત્રિકા’ નામના સુંદર ગ્રંથનો જન્મ થયો.

આંતરિક પ્રાર્થનાઓથી ભરપૂર આ ગ્રંથમાં એક પદમાં તુલસીદાસજી ભગવાન પાસે એક વિચિત્ર માગણી કરે છે “પ્રભુ, તમે માછલીનો શિકાર કરો.” સૌ પ્રથમ આ પદના પ્રારંભમાં ભગવાનની કૃપાનો પાડ માનીને પછી માગણી કરે છે:

વિષયબારિ મન-મીન ભિન્ન નહિં હોત કબહું પલ એક।

તાતે સહૌં બિપતિ અતિ દારુન, જન મત જોનિ અનેક।।

કૃપા-ડોરિ બનસી પદ અંકુસ, પરમ પ્રેમ-મૃદુ-ચારો

એહિ બિધિ વેધિ હરહુ મેરો દુખ, કૌતુક રામ તિહારો।।

“મારું મનરૂપી માછલું વિષયરૂપી જળથી એક પળ માટે પણ અલગ નથી થતું, તે કારણે હું અત્યંત દારુણ દુ:ખ વેઠી રહ્યો છું. વારંવા૨ અનેક યોનિઓમાં મારે જન્મ લેવો પડે છે. હે પ્રભુ! કૃપારૂપી દોરી બનાવો, તમારા ચરણોનાં ચિન્હ અંકુશને કાંટો બનાવો, તેમાં ૫૨મ ભક્તિરૂપ કોમળ ચારો લગાડી દો. આવી રીતે મારા મનરૂપી માછલાને વીંધીને – વિષયરૂપી જળમાંથી બહાર કાઢીને મારું દુઃખ દૂર કરી દો.”

ઈશ્વર અવતાર ગ્રહણ કરે છે, ત્યારે આ જ તો કાર્ય કરે છે – ભક્તના મનરૂપી માછલાનો શિકાર કરે છે. ઈસુ ગાલીબ સરોવરને કિનારે ચાલતા હતા. તેમણે બે માછીમાર ભાઈઓ, સિમ્પેન પીતર અને તેના ભાઈ આંદ્રિયાને સરોવરમાં જાળ નાખતાં જોયા. ઈસુએ તેમને કહ્યું, “મને અનુસરો અને હું તમને માણસોને પકડતાં શીખવીશ.” તેઓ તરત જ પોતાની જાળો મૂકી દઈને માણસરૂપી માછલાં પકડવામાં નિષ્ણાત ઈસુની પાછળ ચાલ્યા. (બાઈબલ: નવો કરાર મેથ્યુ -૪/૧૭-૨૦)

શ્રીરામે જનકવાસીઓનાં મન મોહી લીધાં હતાં, શ્રીકૃષ્ણ ફક્ત ‘માખણચોર’ નહોતા, ચિત્તચોર પણ હતા. ઉદ્ધવજી જ્યારે ગોપીઓને સમજાવે છે, “શ્રીકૃષ્ણ તો ભગવાન છે, તેમનું ધ્યાન ધરો” ત્યારે ગોપીઓ કહે છે, “ઉદ્ઘો, મન હોત ના દસ બીસ” “હે, ઉદ્ધવ, મન તો એક જ હોય છે – દસવીસ નથી હોતાં. જે ચિત્તમાં ધ્યાન કરવાનું કહો છો તે ચિત્ત તો કનૈયો ચોરી ગયો છે.”

‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક માસ્ટર મહાશય (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’) સંસારનાં દુ:ખોથી આક્રાન્ત થઈ ઘેરથી નીકળ્યા હતા આત્મહત્યા કરવાના ઈરાદાથી. ફરતાં ફરતાં આવી ચડ્યા દક્ષિણેશ્વરના બગીચામાં. પહેલી જ વાર દર્શન કર્યાં શ્રીરામકૃષ્ણદેવના અને એ કુશળ માછીમા૨ની જાળમાં સપડાઈ ગયા, નવું જીવન મળ્યું, આત્મહત્યાનો ઈરાદો બદલાઈ ગયો. અને પછી તો ‘કથામૃત’ ગ્રંથ લખી અસંખ્ય લોકોને આ દિવ્ય માછીમારની જાળમાં સપડાવ્યા છે – આજે પણ સપડાવી રહ્યા છે. કેટલાંયને આ ‘કથામૃત’ના ગ્રંથના વાચન દ્વારા આત્મહત્યા રૂપી મહા પાપમાંથી બચાવ્યા છે, આજે પણ બચાવી રહ્યા છે. અદ્ભુત સંયોગ છે કે માસ્ટર મહાશયને પ્રથમ મુલાકાતમાં શ્રીરામકૃષ્ણદેવનું દર્શન માછીમાર રૂપે જ થાય છે. પ્રથમ દર્શનના વર્ણન કરતાં તેઓ ‘કથામૃત’માં લખે છે –

“ઓરડામાં શ્રીરામકૃષ્ણ એકલા પાટ ઉપર બેઠેલા છે. ઓરડામાં ધૂપ કરવામાં આવ્યો છે, અને બારણાં બંધ છે. માસ્ટરે હાથ જોડીને પ્રણામ કર્યા. પરમહંસદેવે બેસવાનું કહ્યું. એટલે માસ્ટર અને સિધુ જમીન પર બેઠા. શ્રીરામકૃષ્ણે પૂછ્યું, “ક્યાં રહો છો, શું કરો છો? વરાહનગરમાં શા માટે આવ્યા છો? વગેરે. માસ્ટરે પરિચય આપ્યો. પણ તેમણે જોયું કે ઠાકુર વચ્ચે વચ્ચે જાણે બેધ્યાન બની જાય છે. પાછળથી તેમણે સાંભળ્યું કે એવી અવસ્થાનું નામ ભાવ; જેમ કોઈ માણસ માછલી પકડવાની સોટી હાથમાં રાખીને એકચિત્ત થઈને માછલી પકડવા બેઠો હોય તેમ. માછલી આવીને ગલમાં ભરાવેલો ટુકડો ખાવા માંડે એટલે ઉપર તરતો બરુનો ટુકડો હાલે, એ વખતે એ માણસ જેમ એકદમ આતુર થઈને સોટી પકડીને બરુના ટુકડા તરફ ધ્યાન દઈને જોઈ રહે, કોઈની સાથે વાત કરે નહિ; બરાબર એવી જાતનો એ ભાવ. પાછળથી તેમણે સાંભળ્યું અને નજરે જોયું કે સંધ્યા પછી ૫૨મહંસદેવને એવી રીતે ભાવ થાય છે; અને ક્યારેક તો તે એકદમ બાહ્યસંજ્ઞારહિત થઈ જાય છે!”

શ્રીરામકૃષ્ણદેવના પહેલાં જ દર્શનથી માસ્ટર મહાશય એટલા પ્રભાવિત થઈ ગયા કે ‘કથામૃત’માં તેઓ લખે છે, “માસ્ટર પાછા ફરતી વખતે વિચાર કરવા લાગ્યા કે આ સૌમ્યમૂર્તિ કોણ, કે જેમની પાસે પાછા જવાની ઈચ્છા થાય છે? પુસ્તક વાંચ્યા વિના શું માણસ મહાન થઈ શકે? શી નવાઈ? વળી પાછા અહીં આવવાની ઈચ્છા થાય છે. એમણે પણ કહ્યું છે, “પાછા આવજો! કાલે કે પરમ દિવસે સવારે આવીશ.” તે પછી આ દિવ્ય માછીમા૨-શ્રીરામકૃષ્ણદેવની પ્રેમરૂપીજાળમાં તેઓ એવા સપડાઈ ગયા કે તેમનું સમસ્ત જીવન બદલાઈ ગયું, સાધારણ માસ્ટરમાંથી આધુનિક યુગના વ્યાસ બની ગયા. પોતાની સાધનાવસ્થાનો ઉલ્લેખ કરતાં એક વા૨ શ્રીરામકૃષ્ણદેવે કહ્યું હતું, “મારી શી અવસ્થાઓ ગઈ છે! મોઢું પહોળું કરતો, આકાશ પાતાળને અડે એટલું, જાણે કે માને પકડી લાવું છું! જાણે કે જાળ નાખીને માછલાંને સ૨૨ સ૨૨ કરીને તાણી લાવવાં!” (શ્રીરામકૃષ્ણ કથામૃત ભાગ ૨, પૃ. ૧૯૮)

મનની એકાગ્રતા કેવી હોવી જોઈએ તે વિશે શ્રીરામકૃષ્ણદેવ એક માછીમારનું ઉદાહરણ આપી કહે છે-

“એક જણ એકલો તળાવને કાંઠે બેસીને માછલાં પકડે છે. હાથમાં માછલી પકડવાની સોટી. કેટલીય વાર પછી ઉપરનું બરુ હાલવા લાગ્યું, વચ્ચે વચ્ચે આડું થઈ જવા લાગ્યું. ત્યારે તે માણસ સોટીને ઉપર ખેંચવાની તૈયારીમાં છે. એ વખતે એક વટેમાર્ગુ તેની નજીક આવીને પૂછે છે કે, ‘ભાઈ, અમુક બ્રાહ્મણનું ઘ૨ ક્યાં એ બતાવી શકશો? કશોય જવાબ નહિ. વારંવાર પૂછવા છતાં ઉત્તર ન મળવાથી વટેમાર્ગુ નારાજ થઈને ચાલ્યો ગયો. આ તરફ બરુ ડૂબ્યું અને સાથે જ આ માણસે આંચકો મારીને માછલું બહાર ખેંચી લીધું, એ પછી અંગૂછાથી મોઢા પરનો પરસેવો લૂછી બૂમ મારીને વટેમાર્ગુને બોલાવવા લાગ્યો. એ વટેમાર્ગુ અનિચ્છાએ પાછો ફર્યો ત્યારે આ માણસે કહ્યું, “શું પૂછતા હતા તમે? એ વખતે બરુ ડૂબતું હતું, એટલે હું કાંઈ જ સાંભળી શક્યો નહિ.’ ધ્યાનમાં એવી એકાગ્રતા થાય કે બીજું કંઈ દેખી ન શકાય, સાંભળવામાં પણ ન આવે, સ્પર્શનું જ્ઞાન પણ થાય નહિ.” (શ્રીરામકૃષ્ણ કથામૃત – ભાગ – ૩, પૃ. ૫૧)

શ્રીરામકૃષ્ણદેવ પોતે તો આવા માછીમાર જેવી એકાગ્રતા ધરાવતા જ હતા, પણ જેમનો શિકાર કરતા તે ભક્તોના મનમાં પણ આવી એકાગ્રતા લાવી દેતા.

‘શ્રીરામકૃષ્ણ આરાત્રિકમ્’ની આઠમી પંક્તિમાં સ્વામી વિવેકાનંદજી કહે છે –

“નિરોધન સમાહિત મન નિરખિ તવ કૃપાય”

આના બે અર્થ થઈ શકે: એક તો “હે પ્રભુ, તમે નિરોધિત અને સમાહિત મનવાળા છો, એવું તમારું દર્શન હું તમારી કૃપાથી કરું છું.” અથવા તો “હે પ્રભુ, તમારી કૃપાથી હું જોઉં છું કે મારું મન નિરોધિત અને સમાહિત થઈ ગયું છે.” બન્ને અર્થ સાચા છે.

પતંજલિ પોતાના યોગસૂત્રમાં કહે છે –

‘યોગશ્ચિત્તવૃત્તિનિરોધઃ’ (૧/૨)

‘યોગ એટલે ચિત્તને જુદી જુદી વૃત્તિઓનું સ્વરૂપ ધારણ કરતું રોકવું.’

આ સૂત્રને સમજાવતાં સ્વામી વિવેકાનંદ ‘રાજયોગ’માં લખે છે “ચિત્તની અવસ્થાઓ આ પ્રમાણે હોય છે: ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ. એકાગ્ર અવસ્થા ત્યારે કહેવાય કે જ્યારે તે કેન્દ્રિત સ્થિતિમાં સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે, અને આ પૂર્ણ એકાગ્રતા અને નિરોધ અવસ્થા ત્યારે કહેવાય છે કે જ્યારે તે સમાધિ પ્રાપ્ત કરાવે છે.”

શ્રીરામકૃષ્ણદેવને અવારનવા૨ સમાધિ અવસ્થા થતી. વેદાંતની સાધના પછી લગભગ નિરંતર છ માસ સુધી તેઓ નિર્વિકલ્પ સમાધિની અવસ્થામાં રહ્યા હતા. આ પછી જગન્માતાનો આદેશ થયો – “ભાવમુખે જ રહે.” અને એ આદેશ પ્રમાણે નિર્ગુણ અને સગુણ એ બંનેની મધ્યમાં જે વિરાટ ‘હું પણું’ રહેલું છે – તેવી ભાવમુખની અવસ્થામાં રહેતા. પોતાની નિર્વિકલ્પ સમાધિની અવસ્થા વિશે શ્રીરામકૃષ્ણદેવે કહ્યું હતું, “સાધારણ જીવો જે અવસ્થાએ પહોંચીને પાછા ફરી શકે નહીં, માત્ર એકવીસ દિવસ રહીને સૂકું પાંદડું ઝાડ ૫૨થી ખરી પડે તેમ તેનું શરીર પડી જાય – તે સ્થાને છ મહિના હતો. ક્યારે કઈ દિશાએ દિવસ ઊગતો કે આથમતો તેની સુધબુધ રહેતી નહીં! મરેલા માણસના મોઢામાં ને નાકમાં જેમ માખીઓ પેસી જાય તેવી રીતે પેસી જતી પણ કશી ખબર પડતી નહીં. માથાના વાળ ધૂળ જામીને જટાજૂટ થઈ ગયેલા!”

આ સમાધિ અવસ્થામાં શ્રીરામકૃષ્ણદેવનું દેહજ્ઞાન એટલું લુપ્ત થઈ જતું કે એક વાર ચોખાના થોડા દાણા તેમની લાંબી જટામાં ગમે તે રીતે પડી ગયા અને અંકુરિત થઈ ગયા!

એક વા૨ શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્ત શ્રીરામચંદ્ર દત્ત ઉત્તર ભારતના એક સાધુને શ્રીરામકૃષ્ણદેવને મળવા લઈ આવ્યા. સમાધિ વિશે વાતચીત ચાલતી હતી. ત્યાં તો શ્રીરામકૃષ્ણદેવ નિર્વિકલ્પ સમાધિ વિશે બોલતાં બોલતાં ઊંડી સમાધિમાં નિમગ્ન થઈ ગયા. તેમનો એક પગ ખાટ પર હતો અને બીજો નીચે ઝૂલતો હતો. સાધુને લાગ્યું કે શ્રીરામકૃષ્ણદેવ ધ્યાન ક૨વાનો પ્રયત્ન કરે છે, એટલે કહેવા લાગ્યો, “ઠીક સે બૈઠો, આસન લગાકર બૈઠો!” તેને બિચારાને શું ખબર કે શ્રીરામકૃષ્ણદેવના કાનમાં આ શબ્દો સંભળાશે નહિ, કારણકે તેઓ તો ઊંડી સમાધિમાં નિમગ્ન થઈ ગયા હતા!

એક વા૨ દક્ષિણેશ્વ૨માં એક કુશળ સંગીતકાર આવ્યો. તેણે મજાનાં ભજનો ગાયાં. પણ શિવજી વિશેનાં બે-ત્રણ ભજનો સાંભળતાં જ શ્રીરામકૃષ્ણદેવ નિર્વિકલ્પ સમાધિમાં ચાલ્યા ગયા. તેમનો ચહેરો દિવ્ય ભાવથી પ્લાવિત થઈ ગયો, તેમનું કદ પણ દીર્ઘ દેખાવા માંડ્યું, શરી૨ ૫૨નાં રોમ રોમ ઊભાં થઈ ગયાં. થોડી વાર પછી શ્રીરામકૃષ્ણદેવ ‘ઓહ! ઓહ!’ કરવા માંડ્યા, જાણે કે અસહ્ય પીડા થતી હોય. ઘણી મુશ્કેલીથી તેઓ બોલ્યા, “માનાં ભજન ગાઓ.” પાછળથી ખબર પડી કે શિવજીનાં ભજન સાંભળી તેઓ એવી ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થામાં – નિર્વિકલ્પ સમાધિમાં ચાલ્યા ગયા હતા કે સાધારણ લૌકિક અવસ્થામાં પોતાના મનને લાવવામાં તેમને અત્યંત મુશ્કેલી થઈ હતી. તેઓ તો માનું કાર્ય કરવા, જગતનું કલ્યાણ કરવા આવ્યા હતા, નિર્વિકલ્પ સમાધિનાં આનંદમાં રહેવું કેમ પાલવે? આશ્ચર્ય! સાધારણ માનવીને સવિકલ્પ સમાધિ મેળવવી પણ અત્યંત મુશ્કેલ હોય છે, નિર્વિકલ્પ સમાધિની વાત જ દૂર રહી, જ્યારે શ્રીરામકૃષ્ણદેવનું અદ્ભુત મન નિરંતર નિર્વિકલ્પ સમાધિમાં રહેવા માગે છે અને એથી નિમ્ન સ્થિતિમાં મનને લાવવામાં તેમને આટલી મુશ્કેલી પડે છે!

એક વાર જ્યારે શ્રીરામકૃષ્ણદેવ સમાધિ અવસ્થામાં હતા ત્યારે એક જલતો કોલસાનો ટુકડો તેમના દેહને અડ્યો પણ અચરજની વાત, તેમને આનો કોઈ અનુભવ ન થયો!

શ્રીરામકૃષ્ણદેવ વારંવાર સમાધિ અવસ્થામાં જતા, કેટલાંય દર્શનો તેમને થતાં, કેટલાય ભાવોનું ઉદ્દીપન થતું, આ બધું વર્ણનાતીત છે, પણ અન્ય લોકોને ય આ સમાધિ અવસ્થામાં લાવી દેવાની શક્તિ તેમનામાં હતી. શ્રીરામકૃષ્ણદેવના કેટલાય સંન્યાસી શિષ્યો તેમ જ ગૃહસ્થ શિષ્યોને શ્રીરામકૃષ્ણદેવની કૃપાથી સમાધિ અવસ્થાનો – કેટલીક વાર તો નિર્વિકલ્પ સમાધિનો આસ્વાદ મળ્યો હતો. સ્વામી વિવેકાનંદજી કહેતા, “મનની બહારની જડ શક્તિઓને કોઈ ઉપાયે વશમાં લાવીને કોઈ ચમત્કાર બતાવવો એમાં કશી મોટી વાત નથી. પણ આ પાગલ બ્રાહ્મણ (શ્રીરામકૃષ્ણ) લોકોના મનને માટીના પિંડાની જેમ જે રીતે ભાંગતો, ટીપતો, ઘડતો અને સ્પર્શ માત્રથી નવા બીબામાં ઢાળીને નવીન ભાવોથી પરિપૂર્ણ કરી દેતો, એનાથી મોટો આશ્ચર્યપૂર્ણ ચમત્કાર મેં બીજે કયાંયે દીઠો નથી.”

(“શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ” ભાગ-૩ પૃ. ૭૫)

સ્વામી વિવેકાનંદજી શ્રીરામકૃષ્ણદેવને મળવા બીજી વાર દક્ષિણેશ્વર મંદિરમાં ગયા ત્યારે જ શ્રીરામકૃષ્ણદેવ તેમને નિર્વિકલ્પ સમાધિનો અનુભવ કરાવવા તત્પર થયા હતા. આ ઘટનાનું વર્ણન કરતાં સ્વામી વિવેકાનંદજીએ પોતે કહ્યું હતું, “તેમણે અચાનક પાસે આવીને પોતાનો જમણો પગ મારા અંગ ઉપર મૂકી દીધો અને એના સ્પર્શથી ક્ષણભ૨માં મને એક અપૂર્વ અનુભૂતિ પ્રાપ્ત થઈ. ઉઘાડી આંખે જોવા લાગ્યો કે ભીંત સુધ્ધાં ઓરડાની સમસ્ત વસ્તુઓ વેગ ભરી ચક્કર ચક્કર ફરતી કયાંયે લીન થઈ જાય છે અને સમગ્ર વિશ્વની સંગાથે સંગાથે મારું ‘હું’ પણું જાણે કે એક સર્વગ્રાસી મહાશૂન્યમાં એકાકા૨ થવાને ધસમસી રહ્યું છે! ત્યારે ભયંકર ભય મને ઘેરી વળ્યો. મનમાં થયું કે ‘હું પણા’નો નાશ તે જ તો મૃત્યુ. એ જ મૃત્યુ સન્મુખે-સાવ પાસે! ધીરજ ખોઈ બેસીને ચીસ પાડીને બોલી ઊઠ્યો, ‘અરે, તમે મને આ શું કરી નાખ્યું, મારે તો મા-બાપ છે!’ અદ્ભુત પાગલ મારા એવા શબ્દો સાંભળીને ખડખડાટ હસી પડ્યા અને હથેળીથી મારી છાતીને સ્પર્શ કરતાં કરતાં કહેવા લાગ્યા, ‘તો પછી હમણાં ૨હેવા દે, એકી સામટું જરૂર નથી, સમય આવ્યે થશે!’ નવાઈની વાત તો એ છે, એમણે સ્પર્શ કરીને એવું કહ્યું તેની સાથે જ મારો એ અપૂર્વ અનુભવ એકાએક અલોપ થઈ ગયો અને ઓરડાની અંદરના અને બહારના બધા પદાર્થો પહેલા હતા તેમ રહેલા દેખાવા માંડ્યાં!”

આ પછી કાશીપુરના બગીચામાં તેમ જ અમેરિકામાં શ્રીરામકૃષ્ણદેવની કૃપાથી સ્વામી વિવેકાનંદજીને નિર્વિકલ્પ સમાધિનો અનુભવ થયો હતો. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી શિવાનંદજી મહારાજે (મહાપુરુષ મહારાજે) કહ્યું હતું, “શ્રીરામકૃષ્ણદેવ પાસે એવી શક્તિ હતી કે તેઓ અન્યમાં આધ્યાત્મિકતાનો સંચાર કરી શકતા અને તેઓને ચેતનાના ઉચ્ચતર સ્તરે લઈ જઈ શકતા. આ તેઓ વિચાર દ્વારા, દૃષ્ટિ દ્વારા અથવા સ્પર્શ દ્વારા કરતા. મને પોતાને એમના જીવનકાળ દરમિયાન એમના સ્પર્શથી ત્રણવાર આ સમાધિ અવસ્થાનો અનુભવ થયો છે.” શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ (રાખાલ) નાની ઉંમરમાં શ્રીરામકૃષ્ણદેવ પાસે આવ્યા હતા. એક દિવસે ખૂબ પ્રયત્ન કરવાં છતાં પણ તેઓ પોતાના મનને એકાગ્ર કરવામાં નિષ્ફળ ગયા તેથી અત્યંત વ્યથિત થઈને પોતાના દુર્ભાગ્યને ધિક્કારતા આસન ઉપરથી ઊભા થઈ ગયા. બરાબર એ જ વખતે શ્રીરામકૃષ્ણદેવ ત્યાં આવી પહોચ્યા. ધીમે ધીમે કંઈક બોલીને તેમની જીભ ઉપર ત્રણ રેખાઓ દોરી દીધી અને તે સાથે જ તેમના હૃદયમાં શાંતિનું ઝરણું વહેવા લાગ્યું.

અન્ય એક વાર તેમણે શ્રીરામકૃષ્ણદેવને કહ્યું, “મહાશય, આ કામ મને છોડતો નથી. મારે શું કરવું? શ્રીરામકૃષ્ણદેવે તેમને હૃદયના ભાગમાં કંઈક બોલતાં બોલતાં સ્પર્શ કર્યો. અને હંમેશને માટે તેમના મનમાંથી કામ નીકળી ગયો. કેવી અદ્ભુત શક્તિ!

શ્રીકાલીપદ ઘોષ, શ્રીરામકૃષ્ણદેવના સંસ્પર્શમાં આવ્યા પહેલાં ગિરીશચંદ્ર ઘોષની જેમ મદિરાપાનમાં ઉસ્તાદ હતા. અન્ય દુર્ગુણો પણ ખરા જ. શ્રીચૈતન્ય મહાપ્રભુના જીવનમાં ‘જગાઈ-મધાઈ’ની જે ભૂમિકા હતી, જાણે કે એવી જ ભૂમિકા આ બન્નેએ શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં ભજવી છે. પહેલી જ મુલાકાતમાં જ્યારે શ્રીરામકૃષ્ણદેવે તેમને પૂછ્યું, “તારે શું જોઈએ છે? ત્યારે શરમાયા વગર તેમણે બેધડક કહ્યું, “મને થોડી મદિરા આપી શકશો? શ્રીરામકૃષ્ણદેવે હસતાં હસતાં કહ્યું, “અવશ્ય. પણ મારી પાસે જે મદિરા છે એ એટલી બધી ઉન્મત્ત કરવાવાળી છે કે તું સહન નહીં કરી શકે.” કાલીપદે આ વાતને અક્ષરશઃ માનીને કહ્યું, “આ શું સાચી બ્રિટીશ મદિરા છે? મારા ગળાને ભીંજવવા થોડી આપો.” શ્રીરામકૃષ્ણદેવે હસતાં હસતાં કહ્યું, “ના, આ બ્રિટીશ મદિરા નથી, સંપૂર્ણ દેશી છે. આ મદિરા જે તે વ્યક્તિને ન આપી શકાય, કારણ કે બધા આને સહન ન કરી શકે. કોઈ વ્યક્તિ એક વાર પણ જો આ મદિરા ચાખી લે તો પછી હંમેશને માટે વિલાયતી મદિરા તેને નીરસ લાગશે. શું તું મારી આ મદિરા પીવા માટે તૈયાર છો? કાલીપદે થોડીવાર વિચાર કરીને કહ્યું, “મને એવી મદિરા આપો જે મને સમસ્ત જીવન પર્યંત નશામાં રાખે.” શ્રીરામકૃષ્ણદેવે તેને સ્પર્શ કર્યો. કાલીપદ રડવા લાગ્યા. ઘણા લોકોએ પ્રયત્નો કર્યા પણ આ રુદન અટકતું નહોતું. કાલીપદના જીવનમાં આ સ્પર્શથી અદ્ભુત પરિવર્તન આવી ગયું. મદિરાનો નશો, ભક્તિના નશામાં બદલાઈ ગયો.

આધુનિક માનવની સૌથી મોટી સમસ્યા છે – પોતાના મનને સમાહિત કરવાની, મનને એકાગ્ર કરવાની. શ્રીરામકૃષ્ણદેવની કૃપાથી આ મનનો નિરોધ થઈ શકે. આજે શ્રીરામકૃષ્ણદેવ ભૌતિક દેહમાં હયાત નથી, પણ સૂક્ષ્મરૂપે વિરાજમાન છે, એ જ ભરોસો છે. વિશેષ તો, તેમનો કૅમેરા દ્વારા લીધેલ ફોટો ઉપલબ્ધ છે. શ્રીમા શારદાદેવી કહેતા, “આધુનિક લોકો બુદ્ધિમાન છે. ઈશ્વરના અવતારને કૅમેરામાં બંધ કરી દીધા છે.” તેઓ કહેતા, “છાયા અને કાયા સમાન છે.” શ્રીરામકૃષ્ણદેવના કૅમેરા દ્વારા લીધેલ ત્રણ ફોટાઓ ઉપલબ્ધ છે. (મહાસમાધિ પછીના બે સિવાય). ત્રણે વખતે તેઓ ઉચ્ચ સમાધિ અવસ્થામાં હતા. બેઠેલો ફોટો જોઈને શ્રીરામકૃષ્ણદેવે કહ્યું હતું કે, આ અત્યંત ઉચ્ચ અવસ્થાનો ફોટો છે, પછીથી ઘે૨-ઘેર આની પૂજા થશે. ભક્ત મહિલા શ્રીમતી નિસ્તારીણી ઘોષને શ્રીરામકૃષ્ણદેવે પોતાના ફોટા વિશે કહ્યું હતું, કે આ ફોટો ટ્રેનમાં મુસાફરી કરશે, સ્ટીમરમાં ફ૨શે, લોકો પોતાનાં ગજવામાં, ઘડિયાળની ચેનમાં આને રાખશે. ખરેખર, આજે એ જ બની રહ્યું છે. કેટલાયનો અનુભવ છે કે શ્રીરામકૃષ્ણદેવનો ફોટો જોવાથી મન સમાહિત થઈ જાય છે, હત્યા કે આત્મહત્યાના વિચારો ભાગી જાય છે, મનની અશાંતિ દૂર થઈ જાય છે. દેશ – વિદેશમાં અસંખ્ય લોકો આજે શ્રીરામકૃષ્ણદેવનો ફોટો સાથે રાખે છે, સાથે ફેરવે છે. તો ચાલો, આપણે પણ સ્વામી વિવેકાનંદજીના સૂરમાં સૂર પરોવીએ, “હે પ્રભુ, તમારી કૃપાથી અમે જોઈએ છીએ કે, તમારું મન સમાહિત થયેલું છે, અમારું મન પણ સમાહિત કરી દો.”

Total Views: 118

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.