(બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ આકાશવાણીના ચિંતનાત્મક કાર્યક્રમ માટે વિભિન્ન વિષયો પર વિચારોત્તેજક અને પ્રેરણાદાયી લેખો લખ્યા હતા. આ લેખો અવારનવાર આકાશવાણીનાં વિવિધ કેન્દ્રો પરથી પ્રસારિત કરવામાં આવે છે. પ્રસ્તુત લેખ આકાશવાણી રાયપુરના સૌજન્યથીવિવેકજ્યોતિ’ વર્ષ: ૩૨, અંક: ૪માં પ્રકાશિત થયો હતો.)

આ સંસારમાં એવો ક્યો મનુષ્ય હશે કે જે ચિંતા કરતો ન હોય? ચિંતા તો મનુષ્યનો સ્વભાવ છે. કરોડપતિથી લઈને ભિખારી સુધીનાં સહુ કોઈ આ ચિંતાના ભયથી ત્રસ્ત રહે છે. જ્યારે હું એક બાળક હતો ત્યારે મને થતું કે જે લોકો બંગલામાં એશ કરે છે, મોટરોમાં ફરે છે, જેના એક ઈશારે અનેક નોકરો નાચતા રહે છે તેઓ નિશ્ચિંત અને સુખી હશે. પરંતુ આજે જ્યારે આ કક્ષાના સંખ્યાબંધ માણસો સાથે પરિચયમાં આવવાનું બન્યું છે ત્યારે સ્પષ્ટ પ્રતીતિ થાય છે કે મારી પૂર્વ ધારણા ભ્રામક હતી. ધનવાનો પણ ચિંતાગ્રસ્ત રહે છે. કદાચ એમ કહું તો અતિશયોકિત નહીં થાય કે ગરીબ કે સામાન્ય વ્યકિત કરતાં પૈસાદાર લોકો વધુ ચિંતાગ્રસ્ત રહે છે.

ચિંતાને ચિતા કહેવામાં આવે છે. ચિતાની આગ માફક આ ચિંતા પણ બાળે છે. ફેર એટલો છે કે ચિતાની આગ બહારથી જોઈ શકાય છે જ્યારે ચિંતાની આગ દેખાતી નથી, તે અંદરને અંદર સળગ્યા કરે છે, અને વ્યકિતને દઝાડ્યા કરે છે. ચિતાની આગ તો પાણી છાંટવાથી ઠારી શકાય છે. પરંતુ આ તો મનની આગ છે જે બહારના જલછંટકાવથી શાંત નથી થતી. તેને શમાવવા માટે મનનું જળ જોઈએ.

મનના જળથી અભિપ્રેત છે – માનસિક વૃત્તિ. જો ચિંતા એક મનોવૃત્તિ છે, તો તેને શાંત કરતું જળ પણ એક મનોવૃત્તિ જ છે આપણી ખોટી અને ભ્રાંતિપૂર્ણ મનોદશા જ ચિંતાને જન્મ આપે છે અને સ્વસ્થ વિચારસરણીનાં વારિ જ એને પ્રશાંતિ બક્ષે છે. કેટલાક લોકો સાવ નાની નાની વાતોથી ચિંતિત થઈ જાય છે. બાળકને સ્કૂલથી પાછા ફરતાં સહેજ વિલંબ થાય ત્યાં તો માતા-પિતા પર આભ તૂટી પડે છે. દીકરો બહા૨ કોઈ મોટા શહેરમાં ભણતો હોય અને પાંચ-સાત દિવસમાં કાગળ ન મળે તો મા-બાપ અકળાઈ જાય છે. આ ચિંતા તેમના તમામ વ્યવહાર વર્તનને અસર કરે છે. કેટલાક વિદ્યાર્થીઓ એટલા અધીર હોય છે કે પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી પેટભરી નિરાંતજીવે ખાઈ-પી પણ નથી શકતા. જો છોકરો ફી ભરવા પૈસા લઈને નીકળ્યો હોય તો કેટલાંય મા-બાપ એવાં છે કે પૈસા તેના ખિસ્સામાંથી પડી નહીં જાયને એ ફિકરમાં બેચેન બની જાય છે ને જ્યારે છોકરો ફી ભરી આવીને પહોંચ બતાવે ત્યારે જ તેમનો શ્વાસ હેઠો બેસે છે. કોઈ કોઈ તો એવી ચિંતામાં ફસાય છે કે તેમની વસ્તુઓ ચોરાઈ તો નહીં જાયને? કેટલાક લોકો પોતાના પ્રિયજનના પત્રોની ચિંતામાં સતત ટપાલીની રાહ જોયા કરે છે. કૉલેજ કાળમાં મારો એક સહાધ્યાયી પણ છાત્રાલયમાં મારી સાથે રહેતો હતો. એને પોતાના ઘેરથી પત્ર ક્યારે આવશે એ ચિંતા એવી તો કોરી ખાતી કે તે કાગળની રાહમાં ન તો અભ્યાસમાં ચિત્ત રાખી શકતો કે ન બીજું કંઈ કામ કરી શકતો. કાગળ ન મળે તો દિવસ આખો ઉદાસીમાં વ્યર્થ વેડફાઈ જતો.

આ તો માત્ર થોડાંક જ ઉદાહરણો છે. હકીકતમાં ચિંતા કોઈ સમસ્યા ઉકેલી શકતી નથી. વળી એ એક નવી સમસ્યા ઊભી કરે છે. આજે અસંખ્ય લોકો ચિંતાને લીધે પૂરતી નીંદર પણ નથી માણી શકતા. એમને ઊંઘની ગોળી લેવી પડે છે. તો શું ચિંતાનું કોઈ નિદાન નથી? ચિંતામુકત થવાનો કોઈ ઉકેલ નથી? છે. અને એ છે સ્વસ્થ ચિંતનનો અભ્યાસ. આપણા દિલ અને દિમાગ જેટલાં સુદૃઢ હશે તેટલા પ્રમાણમાં આપણી ચિંતા ઓછી થશે. દિલ અને દિમાગનું મજબૂત હોવું એટલે વિધેયાત્મક અને રચનાત્મક વિચાર કરવાની ટેવ પાડવી. નિષેધાત્મક વિચારસરણી શંકા-કુશંકાઓની ભૂતાવળ સર્જે છે. કોઈ પણ બાબત વિષે તેના અંધકારમય પક્ષને જોયા કરવાથી ચિંતાને ખાતર મળવા લાગે છે. જ્યારે આપણે વિચારીએ ત્યારે તે બાબતના પક્ષ-વિપક્ષને બંનેને અગત્યતા આપવી જરૂરી છે. માત્ર વિપક્ષનું ચિંતન ચિંતા જ પેદા કરે છે. મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ ચિંતા એક રોગ છે. તેની ચિકિત્સા થવી જરૂરી છે. સમયસર ઈલાજ ન કરવામાં આવે તો તે અનિદ્રા, માનસિક તાણ અને હતાશાને જન્મ આપે છે. ઈલાજ એક જ છે. સ્વયં સ્વસ્થ મને વિચારવું અને રચનાત્મક વિધાયક કાર્યોમાં રમમાણ કરવું. મનને આશાસ્પદ મહાન ધ્યેયમાં ડૂબાડી દેવુ.

ભાષાંતર: શ્રી જ્યોતિબહેન ગાંધી

Total Views: 91

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.