છેલ્લા કેટલાક મહિનાઓથી વિદ્યાર્થીઓમાં અસંતોષનો દાવાનળ સમગ્ર દેશમાં ફેલાઈ ગયો છે અને તેણે એક મહત્ત્વપૂર્ણ સમસ્યાના રૂપમાં રાષ્ટ્રને ભરડો લીધો છે. જે સમુદાય દેશની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતીક છે, જેમણે આગળ જઈને દેશનું નેતૃત્વ પોતાના ખભા પર લેવાનું છે, જેમની ભુજાઓના બળ ઉપર માતૃભૂમિની પ્રતિષ્ઠા ટકી રહેલી છે અને જેમના શુભ સંકલ્પો દ્વારા જાગરણનું સ્વર્ણિમ પ્રભાત ઊગવાનું છે, એ જ આજે પોતાને વ્યાકુળ, બેચેન, હતાશાથી ગ્રસ્ત, દિશાહીન અને નિસ્તેજ અનુભવી રહયા છે. આ એ જ વિદ્યાર્થીવર્ગ છે, જેમનો ગુસ્સો વિદ્યાર્થી-અસંતોષના રૂપમાં પ્રગટ થઇ રહ્યો છે.

આખરે આ ગુસ્સાનું શું કારણ છે ? અસંતોષ તો એક કાર્ય છે, પરિણામ છે. જો કારણ શોધી શકાય તો તેનું નિવારણ સરળ થઈ જાય. હમણાં ઘણા વકતાઓએ, જેમાં વિદ્યાર્થીઓ પણ સામેલ છે, આ અસંતોષ પર વાત કરી છે. કેટલાંક કારણો બતાવ્યાં છે :- અવ્યાવહારિક શિક્ષણ-પદ્ધતિ, ભૂલભરેલી પરીક્ષા-પદ્ધતિ; આજની કમરતોડ મોંઘવારી, જેના કારણે માતા-પિતા તેમનાં સંતાનોની કેટલીક યોગ્ય માંગણીઓને સંતોષી શકતાં નથી, શિક્ષણ સંસ્થાઓમાં સહૃદયતાનો અભાવ, તેમનો માત્ર વ્યાવસાયિક અભિગમ, વિદ્યાર્થીઓનાં હિતોની ઉપેક્ષા, પદવીઓ મેળવ્યા પછી પણ રોજગાર વિના બેસી રહેવું, ધૂંધળું અને અંધકારમય ભવિષ્ય, બહાર સામાજિક અને રાજકીય ક્ષેત્રોમાં કહેવાતા નેતાઓના આંતરિક ઝઘડાઓ, જેમના હાથમાં સત્તા છે તે લોકોની પદ-લોલુપતા અને લૂંટફાટ, સ્વાર્થ-સિદ્ધિ માટે અયોગ્ય રીતોને અપનાવવી; સર્વત્ર ભ્રષ્ટાચાર, પક્ષપાત અને ભાઈ-ભત્રીજાવાદની બોલબાલા; નૈતિકતા, ચરિત્ર અને યોગ્યતાનો બલિ; દેશની ભયંકર આર્થિક અસમાનતા.

આ કેટલાંક મુખ્ય કારણો છે, જેનાથી વિદ્યાર્થીઓમાં અસંતોષની જ્વાળા ભડકી રહી છે. આપણે આ કારણો ઉપર થોડો વિચાર કરીએ. એક પ્રશ્ન થાય છે કે શું આ કારણો પહેલાં મોજૂદ ન હતાં. જો પહેલાં પણ હતાં તો વિદ્યાર્થીઓનો અસંતોષ આટલા ઉગ્ર સ્વરૂપમાં ત્યારે કેમ ન હતો ? જવાબમાં નિ:સંકોચ કહી શકાય કે આ કારણો પહેલાં પણ મોજુદ હતાં. પરંતુ આઝાદી પછીનાં કેટલાક વર્ષોમાં આ સમસ્યાઓનું સમાધાન કરવાને બદલે વધુ જટિલ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓમાં જુસ્સો છે, ઉત્સાહ છે, યોગ્ય માર્ગદર્શન દ્વારા તેમનો આ ઉત્સાહ રાષ્ટ્રના ઉત્થાન માટે સર્જનાત્મક શક્તિના રૂપમાં અભિવ્યક્ત થઈ શકે છે. તેના અભાવમાં તેમનો જુસ્સો વિધ્વંસકારક રૂપ ધારણ કરે છે, અને આજે આ જ તો થઈ રહ્યું છે.

આઝાદી પહેલાં આપણી પાસે માત્ર એક જ લક્ષ્ય હતું – અંગ્રેજોને ભારતમાંથી હટાવવા અને દેશની સમગ્ર વ્યવસ્થાનો ભાર આપણા ખભે લેવો. આપણે અસહયોગ આંદોલન કર્યું, વિદ્યાર્થી-સમુદાય મહાત્મા ગાંધીના આહ્‌વાનથી ભણવાનું છોડીને દેશની સેવા કાજે આગળ આવ્યો અને પોતાના પ્રાણોની બાજી લગાવી દીધી. આ યોગ્ય માર્ગદર્શન હતું, જેણે વિદ્યાર્થીઓની રચનાત્મક શક્તિને પ્રગટ કરી. ત્યારબાદ આપણને આઝાદી મળી. દેશ-સેવક સત્તા-સેવક બની જવા લાગ્યો અને જેઓ ગઈકાલ સુધી માતૃભૂમિ માટે જીવ આપવા તૈયાર હતા, તે ધીરે ધીરે સત્તાના નશામાં ચકચૂર થવા લાગ્યા. નાના એવા સ્વાર્થ માટે દાવપેચ થવા લાગ્યા. સત્તા દેશવાસીઓના હાથમાં આવી એટલે વિદેશી શાસનનો ભય લોકોના મનમાંથી દૂર થયો અને એવું માનવા લાગ્યા કે અમે જ દેશના શાસક છીએ. મત વેચાવા અને ખરીદાવા લાગ્યા. જનતંત્રની સાચી-સારી બાજુ દબાઈ ગઈ અને તેના બદલે જાતિવાદ, સગાંવાદ અને એવી અનેક બીજી સંકુચિતતા જમીનમાંથી ફૂટી નીકળી. પક્ષપાત થયો, પરસ્પર ઘોર સંઘર્ષ શરૂ થયો, સત્તા હડપવા માટે ખેંચાખેંચ થવા લાગી. દેશના નેતાઓએ પહેલાં જે આદર્શ આપ્યો હતો, એ આદર્શોને તેણે ખતમ કરી નાખ્યો. બીજાં ક્ષેત્રોની જેમ શિક્ષણ-ક્ષેત્રમાં પણ સમૂહો બન્યા- ઉપકુલપતિની ટુકડી, તેના વિરોધીઓની ટુકડી, વિભાગીય અધ્યક્ષની ટુકડી, રીડરની ટુકડી; પ્રાચાર્ય, સહાયક પ્રાધ્યાપક અને વ્યાખ્યાતાઓની અલગ અલગ ટુકડી, અને આ બધી ટુકડીઓએ એકબીજાને નીચા દેખાડવા માટે વિદ્યાર્થીઓને પોતાની તરફ એકઠા કર્યા. વિદ્યાર્થીઓના અસંતોષરૂપી વિષનું બીજ આ જ મંથનનું પરિણામ છે.

આ અસંતોષનું રૂપ કેવું છે ? બધા ઉપર વર્ચસ્વ જમાવી દેવું, ત્યાં સુધી કે પોતાને જન્મ આપવાવાળા ઉપર પણ. ઉદાહરણ તરીકે- કેટલાક શિક્ષકોએ વિદ્યાર્થીઓને ઉપકુલપતિ વિરુદ્ધ ઉશ્કેર્યા, વિદ્યાર્થીઓ પ્રત્યે સસ્તી સહાનુભૂતિ પ્રગટ કરી, વિદ્યાર્થીઓ દોડી પડ્‌યા ઉપકુલપતિનો ઘેરાવ કરવા, મારપીટ કરવા. પટાવાળાએ અને બીજા શિક્ષકોએ રોક્યા તો તેમના પર પથ્થરમારો કર્યો, જે કંઈ પણ સામે દેખાયું તે તોડી-ફોડી નાખ્યું. તે હીન સમજને કારણે જરા અમસ્તો અવરોધ પણ તેમની ઉત્તેજનાને ભડકાવનાર જ સાબિત થયો. જે શિક્ષકોએ તેમને ભડકાવ્યા હતા તેઓ પણ તેમને રોકી ન શક્યા.

એક વાર્તા યાદ આવે છે. કોઈને એક મોટા અપરાધમાં પકડવામાં આવ્યો. વકીલે અપરાધીને કહ્યું કે ન્યાયાધીશ સાહેબ જે કંઈ પણ તને પૂછે તો તેના જવાબમાં માત્ર ‘બેં’ ‘બેં’ જ કહી દેવું. ગુનેગારે એ જ પ્રમાણે કર્યું. ન્યાયાધીશે ઘણા પ્રશ્નો પૂછયા, પરંતુ બધાનો ઉત્તર તેણે માત્ર ‘બેં’ જ આપ્યો. ન્યાયાધીશે ગુસ્સામાં કહ્યું કે આ તો ગાંડો છે, આ એવો અપરાધ કરી જ ન શકે, અને આમ કહીને તેમને અપરાધીને છોડી મૂક્યો. જ્યારે વકીલ પોતાની સફળતા પર ખુશ થઈને અપરાધી પાસે પોતાની ફી લેવા ગયો તો અપરાધીએ તેને પણ ‘બેં’ કહી દીધું !

આજે શું આ જ વાત નથી? વિદ્યાર્થી સમુદાય બધાને અને બધી જ બાબતોમાં ‘બેં’ કરી રહ્યો છે. પરીક્ષામાં પ્રશ્ન અઘરા આવ્યા તો ખુરશીઓ તોડી નાખી, વિશ્વવિદ્યાલયની સંપત્તિ બાળી દીધી. ઇચ્છા મુજબ પરીક્ષાનું પરિણામ ન આવ્યું તો હુમલો કરી દીધો. ટ્રામ કે બસમાં ટિકિટ વગર મુસાફરી ન કરવા દીધી તો ટ્રામ-બસો બાળી નાખી. પરીક્ષામાં ચોરી કરતાં કોઈએ પકડી પાડ્યો તો તેની છાતીમાં છૂરો ભોંકી દીધો. આ હવે તો રોજબરોજની ઘટના થઈ ચૂકી છે. કેટલાક દિવસો પહેલાં દિલ્હીમાં વિદ્યાર્થીઓનું સરઘસ નીકળ્યું અને પોલીસે વિદ્યાર્થીનેતાને પકડીને પૂછ્યું કે તમે લોકો શું કરો છો? તો જવાબ આપ્યો કે અમારી માંગ પૂરી કરવામાં આવે. પ્રશ્ન કર્યો કે તમારી શું માંગણીઓ છે? તો ઉત્તર આપ્યો કે અમારી કોલેજના એસેમ્બલી હોલને વાતાનુકૂલિત બનાવવામાં આવે અને વિદ્યાર્થીવાસના રસોઈઘરમાં રેફ્રિજરેટર મૂકવામાં આવે. આ તે અસંતોષનું રૂપ છે – વિચિત્ર અને સાથે-સાથે ભયંકર! શું આ અસંતોષ દૂર થઈ શકે? સરકાર જો એવું વિચારે કે લાકડીઓ અને ગોળીઓ ચલાવીને આ સમસ્યા પર કાબૂ મેળવી શકાશે, તો એ અંધારામાં છે. એનાથી ભલે ફોલ્લો ઉપરથી બેસેલો લાગે, પણ થોડા જ સમયમાં ફરી ભયંકર રૂપમાં દેખા દેશે.

લોકો કહે છે કે શિક્ષણ-પદ્ધતિ યોગ્ય કરો, મોંઘવારી દૂર કરો, આર્થિક અસમાનતા નષ્ટ કરો, પરીક્ષાની પ્રણાલી બદલો, તો આ અસંતોષ દૂર થઈ શકશે. વાત સાચી તો છે, પરંતુ હું એક પ્રશ્ન પૂછું – શું તમે આ બધું એકી સાથે કરી શકો છો ? આપણી પાસે કોઈ જાદુઈ લાકડી તો છે નહીં કે એ ફેરાવતાંવેંત જ આ બધી સમસ્યાઓ હલ થઈ જાય. આપણે જાણીએ છીએ કે હમણાં શિક્ષણ-પદ્ધતિ નહિ બદલાય, મોંઘવારી પણ આટલી જ રહેશે, આર્થિક વિષમતા પણ રહેશે, પરીક્ષાની પ્રણાલી પણ પૂર્વવત્‌ રહેશે. તો પછી આજે આપણે શું કરી શકીએ ? હું કેટલાક વિચારો તમારી સમક્ષ રાખું છું :-

(૧) જો આપણે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી ગરબડોનું વિશ્લેષણ કરીએ તો એવું લાગે છે કે તેમાં સક્રિયરૂપથી ભાગ લેવાવાળા વિદ્યાર્થીઓની ટકાવારી તો ૧ ટકાથી ક્યારેય વધુ નથી હોતી. એટલે કે, જો કોઈ શિક્ષણ-સંસ્થામાં એક હજાર વિદ્યાર્થી છે, તો ગરબડ કરવાવાળા વિદ્યાર્થીનેતા ૧૦થી વધુ નહીં હોવાના. અહીં એક વાત વિશેષરૂપે કહી દઉં કે વિદ્યાર્થિનીઓ કોઈ વિશેષ સમસ્યા પેદા નથી કરતી. બધી જ સમસ્યાઓના મૂળમાં કેવળ વિદ્યાર્થીઓ જ છે, અને એ પણ માત્ર ૧ ટકો. શિક્ષક ચોક્કસપણે જાણી લે છે કે ગરબડ કરવાવાળા છોકરાઓ કોણ કોણ છે. આવા છોકરાઓ પર વિશેષ ધ્યાન રાખવામાં આવે.

(૨) વિદ્યાર્થી-અસંતોષના અનિચ્છનીય ઉત્સાહને રોકવામાં પાલક મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. વિદ્યાર્થી, પાલક અને શિક્ષક, આ ત્રણેય મળીને એક ત્રિભુજનું નિર્માણ કરે, એટલે કે આ ત્રણેય પરસ્પરમાં સહયોગ કરે. શિક્ષક વિદ્યાર્થીની સમસ્યાને પાલક સમક્ષ લાવે. પાલક તેના પાલિતનાં (વિદ્યાર્થીઓનાં) ખોટાં કામ માટે તેને જરા પણ ન છાવરે, પણ તેને ઠપકો આપે. જો પાલિત ના માને તો તેને ઘરમાં ઘૂસવા ન દે.

(૩) પ્રત્યેક શિક્ષણ-સંસ્થામાં વિદ્યાર્થીઓ માટે એક અધ્યયન વર્ગ હોય, જેના માધ્યમથી તેઓ પોતાની સમસ્યાઓ પર ચર્ચા કરી શકે. સંસ્થાના એક અનુભવી શિક્ષક એ વર્ગના અધ્યક્ષ રહે. તેઓ સામયિક સમસ્યાઓ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરે અને આ પ્રકારે વિદ્યાર્થીઓના વિચારોને પ્રગટ થવા દેવાનો મોકો આપે. આથી વિદ્યાર્થીઓનું બૌદ્ધિક સ્તર ઊંચું આવશે અને તેઓ કોઈપણ સમસ્યા વિષે ગંભીરતાપૂર્વક વિચારવાનું શરૂ કરશે. ગંભીરતાનો અભાવ આપણા લોકોનો સર્વનાશ કરી રહ્યો છે. આ જ અભાવ ભીડમાં ચાલવાની પ્રવૃત્તિ પેદા કરે છે અને વિવેક ઉપર લોખંડી તાળું મારી દે છે. આજે વિદ્યાર્થી-સમાજ આ રોગથી વિશેષરૂપે ગ્રસિત છે.

(૪) કોલેજમાં વિદ્યાર્થીઓની ભીડને રોકી દેવામાં આવે. એના માટે સ્કૂલનું શિક્ષણ એવું હોય કે તેના પછી વિદ્યાર્થી વ્યાવસાયિક ઉદ્યોગ-ધંધા તરફ વળી શકે. વાણિજ્યનું શિક્ષણ ઉદ્યોગ-ધંધાની હેઠળ કરવામાં આવે. કલા અને વિજ્ઞાનના શિક્ષણમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે કંઈક ઓછામાં ઓછી યોગ્યતા નિર્ધારિત કરવામાં આવે. દા.ત. સ્કૂલમાંથી ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ પ્રાપ્ત કરીને ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીને જ કોલેજમાં પ્રવેશ મળી શકે. ચિકિત્સા અને શિલ્પનાં ક્ષેત્રોમાં આવી સીમા બાંધી જ દીધેલી છે.

(૫) આ પ્રકારે કોલેજમાં વિદ્યાર્થીઓની ભીડને રોકવાથી શિક્ષક વિદ્યાર્થીઓ ઉપર વધુ ધ્યાન આપી શકશે. કલા-વિભાગમાં એક શિક્ષકની હેઠળ ૩૫થી વધુ વિદ્યાર્થી ન હોય અને વિજ્ઞાન-વિભાગમાં માત્ર ૨૦. આમ કરવાથી આપમેળે જ શિક્ષણસ્તર ઊંચું આવશે, શિક્ષક વિદ્યાર્થીની વધુ નજીક આવશે, બંને એકબીજાને નજીકથી ઓળખી શકશે, વિદ્યાર્થીની શિક્ષક પરની શ્રદ્ધા વધશે.

સરકાર પણ શું આ મુદ્દે સહાય કરી શકે છે? હા, કરી શકે છે. તે ભ્રષ્ટાચાર અને પક્ષપાતને કડક હાથે મૂળમાંથી નષ્ટ કરવાની પહેલ કરે. જે પણ વ્યક્તિ ઉપવાસ કે અન્ય કોઈ રીતે જાતીયતા કે પ્રાન્તીયતાને ઉત્તેજિત કરવા માંગે, સરકાર તેને કઠોરતાથી ડામી દે. વિદ્યાર્થીઓને તેના રાજનૈતિક સ્વાર્થ માટે ઉશ્કેરવાવાળી વ્યક્તિ કે વ્યક્તિ-સમૂહને આકારો દંડ ફટકારે. વિશ્વવિદ્યાલયો અને શિક્ષણ-સંસ્થાઓને રાજનીતિનો અખાડો ન બનવા દે. એવી યોજના બનાવવામાં આવે, જેથી કરીને આ સંસ્થાઓ માત્ર ડિગ્રી મેળવવા માટેની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર ન કરે પરંતુ રાષ્ટ્રીય ચરિત્રના નિર્માણ માટે એક બળવાન કેન્દ્ર બની જાય.

સરકાર બીજું મહત્ત્વનું કાર્ય એ કરી શકે કે શિક્ષણની શરૂઆતથી જ વિદ્યાર્થીઓના ચરિત્ર-વિકાસ માટે નૈતિક અને ધાર્મિક શિક્ષણનું આયોજન કરે. હું આમ એટલા માટે કહું છું કે યુરોપ ખંડમાં પણ આ પ્રકારની શિક્ષણની માન્યતા વેગ પકડી રહી છે. સ્વિડનનું એક ઉદાહરણ છે. ‘રીડર્સ ડાઇજેસ્ટ’માં વાંચ્યું હતું કે સ્વિડન કેવો સંપન્ન દેશ છે. તેની ઉપર પ્રકૃતિનું ભરપૂર વરદાન છે. ત્યાં ભૂખમરો, બેરોજગારીની સમસ્યા નથી, શિક્ષણ-પદ્ધતિ દોષપૂર્ણ નથી. આમ દરેક રીતે ખુશહાલ દેશનો એક જ માથાનો દુઃખાવો છે અને તે છે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની સમસ્યા. વિના કારણ જ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓનું ટોળું કોઈ મોટરગાડી રોકીને મોટરગાડીવાળાને લૂંટી લે છે, પોસ્ટ-ઓફિસને લૂંટીને સામાન વેરવિખેર કરી નાખે છે, કોઈ દુકાનમાં ઘૂસીને તેને નષ્ટ કરી દે છે, મેળામાં જઈને એવું નગ્નતાપૂર્ણ આચરણ કરે છે કે લોકો આંખ બંધ કરી દે છે. પ્રશ્ન એ છે કે જ્યારે સ્વિડનમાં કોઈ અભાવ નથી, કોઈ સમસ્યા નથી તો આ બધું શા માટે થાય છે. ત્યાંના વિચારકોએ એક ઉપાય સૂચવ્યો છે કે બાળપણથી જ વિદ્યાર્થીઓને કોઈ પ્રકારનું નૈતિક અને ધાર્મિક શિક્ષણ અવશ્ય આપવું જોઈએ, જેથી આગળ જઈ તેમનામાં નિરંકુશતા ન આવે, તેઓ શાંત અને ધૈર્યવાન બને અને ગંભીરતાથી કોઈ વાતનો વિચાર કરી શકે.

આપણી સરકારે આનાથી શીખ લેવી જોઈએ. આપણે ત્યાં પહેલાં નૈતિક અને ધાર્મિક શિક્ષણ પર બહુ જોર આપવામાં આવતું હતું. પરંતુ ધર્મનિરપેક્ષતાની ખોટી ધારણાએ પાછલાં વર્ષોમાં દેશની જડ પર બરાબરનો કુઠારાઘાત કર્યો છે. આપણે સાચા અર્થમાં ધર્મનિરપેક્ષતાને સમજવી જોઈએ અને આચરણમાં લાવવી જોઈએ. સરકાર આ બાબતમાં ઘણું કરી શકે છે. હમણાં થોડા સમય પહેલાં જ કોઠારી શિક્ષણ આયોગે શિક્ષણના સંદર્ભમાં કેટલાંક મહત્ત્વનાં તથ્યો પર વિશેષ પ્રકાશ પાડ્યો છે. તેમાં નૈતિક શિક્ષણ પર વિશેષ જોર આપવામાં આવ્યું છે.

સરકાર ત્રીજું મહત્ત્વપૂર્ણ કાર્ય કરી શકે છે. તે બહારથી આવતા ઘૃણાસ્પદ, પાશવી ભાવોને ઉત્તેજિત કરવાવાળાં તથા સ્વચ્છંદી આચરણનું પ્રદર્શન કરવાવાળાં ચલચિત્રોને બંધ જ કરી દે, સેન્સર બોર્ડને વધુ કડક બનાવે. લલિતકલાના નામે હતાશાગ્રસ્ત ભાવનાઓનું પ્રદર્શન ન થવા દે. ચાંદીના થોડા સિક્કાઓ માટે મનુષ્યનું અણમોલ ચરિત્ર દાવ પર ન મૂકવામાં આવે. આજે સ્થિતિ આવી જ કૈંક છે. ભારતમાં આજેય આવી ફિલ્મોનું નિર્માણ કરવામાં આવે છે જે ઘૃણાસ્પદ અને ચરિત્રનાશક છે, અરાજકતા ફેલાવવાવાળી છે. ચલચિત્રોથી અમૃત અને ઝેર બંને મેળવી શકાય છે. ચલચિત્ર રાષ્ટ્રીય ચરિત્રને ઉન્નત બનાવવાનું સશક્ત માધ્યમ બની શકે છે. પરંતુ દુઃખની વાત એ છે કે આજે આપણા ભાગમાં ઝેર જ વધુ આવે છે. જો સરકાર ઇચ્છે તો આ ફિલ્મના વિષ-વમનને રોકી શકે છે. એનાથી ધીરે ધીરે લોકોનું ચરિત્ર ઘડાશે, વિદ્યાર્થીઓમાં બિનજરૂરી ઉત્તેજના ધીમે ધીમે ઓછી થતી જશે. જો ફિલ્મોથી પ્રસરતા વિષને રોકી શક્યા તો દાવા સાથે કહી શકાય કે ૫૦ ટકા વિદ્યાર્થી-અસંતોષ એમ જ દૂર થઈ જશે. અંતમાં કહીશ કે વિદ્યાર્થી-અસંતોષ એ સર્વત્ર દેખાતા જનસાધારણના અસંતોષનું જ એક પ્રતિબિંબ છે. જો આપણે સામાજિક અને આર્થિક સ્તર પર સમસ્યાઓની નાબૂદીની દિશામાં સફળ પ્રયત્ન કરી શકીએ, તો ઉજ્જવળ ભવિષ્યની કંઈક આશા છે, નહિ તો અંધકાર વધુ ને વધુ ઘનઘોર થતો જશે.

Total Views: 326

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.