ગોસ્વામી તુલસીદાસની એક ચોપાઈનો લોકો બહુ જ ઉલ્લેખ કરે છે – ‘પર ઉપદેશ કુશલ બહુતેરે, જે આચરહિં તે નર ન ઘનેરે.’ આનો સરળ અર્થ છે – બીજાઓને ઉપદેશ આપવામાં તો ઘણા લોકો નિપુણ હોય છે, પરંતુ એવા લોકો ઓછા છે જે ઉપદેશ અનુસાર આચરણ પણ કરે છે.’ જે સંદર્ભમાં ગોસ્વામીજીએ આ વાત કહેલ છે તે આપણને પણ લાગુ પડે છે. રાવણ પોતાના પુત્ર મેઘનાદનો વધ થયેલ છે, તે જાણીને મૂર્છિત થઈ જાય છે. જ્યારે તેની મૂર્છા તૂટે છે ત્યારે પોતાની સ્ત્રીઓને વિલાપ કરતી જુએ છે. ત્યારે રાવણ ત્યાં જઈને તેઓને સંસારની નશ્ર્વરતાનો ઉપદેશ આપે છે. ગોસ્વામીજી આના સંદર્ભમાં તે ચોપાઈ લખે છે, જેની ચર્ચા મેં પ્રારંભમાં કરી છે.

આપણે પણ બીજાઓને ઉપદેશ આપવા માટે આતુર હોઈએ છીએ, પરંતુ આપણી શિખામણનો લાભ આપણે પોતે લઈ શકતા નથી. આ સંદર્ભમાં ભિલાઈની એક ઘટના યાદ આવે છે. બાળકોનો નિશાળમાંથી પાછા આવવાનો સમય થઈ ગયો હતો. એવામાં એક વ્યક્તિએ ઘરમાં આવીને કહ્યું કે તે ઘરના છોકરાનું દુર્ઘટનામાં મૃત્યુ થયું છે અને પોસ્ટમોર્ટમ પછી તેનો મૃતદેહ લાવવામાં આવી રહ્યો છે. પરિવાર ઉપર તો આફત આવી, માતા શોકના આવેગમાં મૂર્છિત થઈ ગઈ. ભાનમાં આવતી ત્યારે છાતી પીટી પીટીને રડવા લાગતી. પડોશીઓે જાતજાતની રીતે સમજાવવા લાગ્યા, ‘બહેન, ધીરજ ધરો, તમારાં બીજાં છોકરાંને જુઓ. ભગવાને દીધેલ હતો અને તેણે જ લઈ લીધો,’ વગેરે વગેરે.

એટલામાં શબ આવી ગયું. બાળકની મા એકદમ તેના પર પડી. શબ ઉપરની ચાદર હટાવીને તે બાળકના શબને ગોદમાં લેવા જતી હતી કે એક અચંબો થયો. તેણે જોયું કે તે બાળક પોતાનું નથી, પરંતુ પડોશીનું છે, જે અત્યાર સુધી તેને જુદી જુદી રીતે સમજાવી રહી હતી. હવે શું થયું ! દૃશ્ય જ બદલાઈ ગયું. સમજાવવાવાળી પડોશણ પછડાટ ખાઈને પડી ગઈ અને હવે આ માતા તે પડોશણને સમજાવવા લાગી.

તાત્પર્ય એ છે કે આપણને પોતાને જ આપણી વાતમાં વિશ્વાસ નથી હોતો. આપણે બીજાઓની સામે તો મોટી મોટી વાતો કરીએ છીએ, પરંતુ જ્યારે આપણી સામે એક નાની સરખી વાતને વ્યવહારમાં ઉતારવાનો પ્રશ્ન આવે છે, ત્યારે આપણે વિવશ થઈ જઈએ છીએ. જેમ કે એક વખત હું અસ્વસ્થ થઈ ગયો હતો. વાયુ રોગે મારો પગ અચલ બનાવી દીધો, ચાલી શકતો નહીં. લોકો વણમાગ્યે ‘પ્રિસ્ક્રિપ્શન’ બતાવતા હતા. હું રોગથી જેટલો વધારે પરેશાન ન હતો તેના કરતાં વધુ આવા લોકોથી થઈ ગયો. કોઈ આયુર્વેદ નુસ્ખો બતાવે, તો કોઈ હોમિયોપથિક, કોઈ એલોપથિક તો કોઈ નેચરોપથિક. મેં દરેક સલાહ આપવાવાળાને પૂછ્યું કે તેમણે પોતે તે દવાથી કોઈ લાભ મેળવેલ છે કે નહીં. પરંતુ એક પણ એવો ન મળ્યો કે જેને પોતાને દવાનો અનુભવ થયો હોય.

આ આપણી મનોવૃત્તિ છે. આ સહાનુભૂતિ પ્રગટ કરવાનો બધાથી સહેલો રસ્તો છે. ખિસ્સામાંથી કંઈ જતું નથી, અહીં તહીં જવામાં આપણાં ચપ્પલ ઘસાતાં નથી, મોઢાથી બોલ્યા ને બસ પૂરું. શાયરે સાચું જ કહ્યું છે – મુસીબત કા એક એક સે બયાઁ કરના, હૈ યહ મુસીબત મુસીબત સે જ્યાદા.

મુંશી પ્રેમચંદે પોતાની વાર્તા ‘બડે ભાઈ સાહબ’ માં આ મનોવૃત્તિનું સુંદર ચિત્ર આપેલ છે કે મોટોભાઈ પોતાના નાનાભાઈને અનાવશ્યક ઉપદેશ આપતો રહે છે. કપાયેલ પતંગની પાછળ દોડવામાં શું ખતરો છે, તે સંભળાવી રહ્યો છે ત્યારે જ એક પતંગ તૂટીને પડે છે અને મોટોભાઈ તેને પકડવા માટે દોડે છે. મતલબ એ છે કે બીજાઓને વણમાગ્યો ઉપદેશ આપવો તે કેવળ તેના અને પોતાના સમયની બરબાદી છે. અમારા એક પરિચિતને તેની આવી ટેવને કારણે તેને ‘ઉપદેશાનંદ’નો ખિતાબ પણ મળી ગયો છે. લોકો તેને જોઈને જ હસવા લાગે છે અને જો કદાચ તે કોઈ ગંભીર વાત કરે તો પણ તેની હાંસી ઉડાવે છે. આમાં દોષ તેનો પોતાનો જ છે.

આથી આપણે એવી ટેવો પાડવી જોઈએ કે આપણે તે જ બોલીએ જેનો આપણને અનુભવ હોય. પોતાની જાતને  વ્યર્થ જ્ઞાની અથવા બીજાથી વધારે ઊંચા દેખાડવાની કોશિશ ન કરો. બીજાઓનાં દુ:ખમાં ફક્ત સહાનુભૂતિ પ્રગટ ન કરો, પરંતુ સાચા અર્થમાં તેને થોડીક મદદ કરવાની ચેષ્ટા કરો. આનાથી આપણા ચરિત્રનો વિકાસ થશે.

Total Views: 286

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.