‘વસુધૈવ કુટુમ્બકમ્’ વિરાટ મમત્વનો બોધ આપે છે. તેની વ્યાખ્યા માટે એક સંસ્કૃત સુભાષિત છે, જે કહે છે –

अयं मम परो वेत्ति गणना लघुचेतसाम् ।

उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ॥

અર્થાત્ જે સંકુચિત મનવાળા છે, ક્ષુદ્ર સ્વાર્થોમાં જકડાયેલા છે, તેઓ ‘આ મારું છે અને આ બીજાનું’ આ પ્રકારની ભાવના રાખે છે, પણ જેમનું ચરિત્ર ઉદાર છે, તેમને માટે તો સમગ્ર વિશ્વ જ કુટુંબ છે.

ભારતીય સંસ્કૃતિ તેની આ ઉદાર ભાવના માટે પ્રસિદ્ધ રહી છે. તેની વિશેષતા એ જ રહી છે કે તેણે પોતાને કોઈ એક ભાષા, ધર્મ કે માનવીય જ્ઞાતિ-વંશની અંદર મર્યાદિત કરી નથી, એટલું જ નહીં બધી ભાષાઓ, જાતિઓ, ધર્મો અને માનવ સમુદાયને પોતાના ખોળામાં સ્થાન આપ્યું છે. આ ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં જૈન ધર્મની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે, જેનાં કેટલાંક ઉલ્લેખનીય પાસાઓ પર આપણે વિચાર કરીશું.

સંસારના દુ:ખનું એકમાત્ર કારણ એ છે કે મનુષ્ય અત્યંત ભોગવાદી બની ગયો છે. આવી વ્યક્તિ સ્વ-કેન્દ્રિત બની જાય છે અને જ્યારે સમાજમાં બે વ્યક્તિઓનો અહંકાર અથડાવા લાગે છે ત્યારે તેનાથી બધા ઝઘડા અને વિવાદ જન્મ લે છે. રાષ્ટ્ર અને વિશ્વ કક્ષાએ પણ આ જ સત્ય લાગુ પડે છે. વિશ્વે જે બે મહાયુદ્ધ જોયાં છે, તેનું કારણ કેટલીક વ્યક્તિઓના અહંકારની અથડામણ જ છે. આ સંદર્ભમાં ડૉ. જોશિયા ઓલ્ડફીલ્ડના શબ્દો મનનીય છે. તેમનું કહેવું છે – “More wars are caused by bad tempered people discussing peace propositions than by good tempered people discussing war measures.’ અર્થાત્ સદ્વૃત્તિ-સંપન્ન વ્યક્તિ યુદ્ધના પ્રકાર-પદ્ધતિઓ પર વિચાર-વિમર્શ કરતા હોય છે તેના બદલે આ અંગે જ્યારે દુષ્ટવૃત્તિ-સંપન્ન વ્યક્તિ શાંતિના ઉપાયો પર ચર્ચા કરતા હોય છે, ત્યારે તેનાથી ઘણાં વધારે યુદ્ધ જન્મ લે છે.

હકીકતમાં, મનુષ્યના મનની વૃત્તિ જ તેને કાં તો સંકુચિત, કાં તો ઉદાર બનાવે છે. ભારતમાં સદાય આ મનોવૃત્તિના સંસ્કારનું શિક્ષણ આપવામાં આવે છે. એક મનોવૃત્તિ એવી છે, જેનાથી વ્યક્તિ સ્વાર્થપરાયણ, દુરાગ્રહી અને હિંસાપ્રિય બને છે. આજે સર્વત્ર આવી જ મનોવૃત્તિનો ખેલ જોવા મળે છે. આ ખરેખર તો પશુસમાન મનોવૃત્તિ છે, જેને ગીતાએ ‘આસુરી’ કહી છે. તે ‘વસુધૈવ કુટુમ્બકમ્’ ની ભાવનાથી બિલકુલ વિપરીત છે. બીજી મનોવૃત્તિ એ છે જેને ગીતાએ દૈવી કહી છે. દૈવીવૃત્તિથી સંપન્ન વ્યક્તિ વિશ્વ-બંધુત્વની ભાવનાનો વિકાસ કરે છે. સર્વભૂતો પ્રત્યે અહિંસા અને પ્રેમના દૃઢ પાયા પર તે અડગ રહે છે. ગીતા (16/9-15)માં આસુરી ભાવનું સુંદર વર્ણન આપ્યું છે. તેનાથી જાણવા મળે છે કે ‘વસુધૈવ કુટુમ્બકમ્’ ની ભાવનાના વિકાસમાં અડચણ કરતું તત્ત્વ કયું છે ? ત્યાં એમ કહેવાયું છે –

प्रभवन्त्युग्रकर्माण: क्षयाय जगतोऽहिता: ॥

काममाश्रित्य दुष्पूरं दम्भमानमदान्विता: ।

मोहाद्गृहीत्वासद्ग्राहान् प्रवर्तन्तेऽशुचिव्रता: ॥

चिन्तामपरिमेयां च प्रलयान्तामुपाश्रिता: ।

कामोपभोगपरमा एतावदिति निश्चिता: ॥

आशापाशशतैर्बद्धा: कामक्रोध परायणा: ।

ईहन्ते कामभोगार्थमन्यायेनार्थसंचयान् ॥

इदमद्य मया लब्धमिमं प्राप्स्ये मनोरथम् ।

इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् ॥

असौ मया हत: शत्रुर्हनिष्ये चापरानपि ।

ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान्सुखी ॥

आढ्योऽभिन्नवानस्मि कोऽन्योऽस्ति

सदृशो मया ।

અર્થાત્ આસુરી વૃત્તિવાળા મનુષ્ય ક્રૂર કર્મો કરે છે અને માત્ર જગતનો નાશ કરવા માટે જ જન્મે છે. તેઓ દંભ, માન અને મદથી ભરેલા હોય છે. તેઓ કોઈપણ રીતે પૂરી ન થનાર કામનાઓની મદદ લઈને તથા અજ્ઞાનથી નકામા સિદ્ધાંતોે ગ્રહણ કરીને ભ્રષ્ટ આચરણોથી ભરેલા આ સંસારમાં વર્તે છે. તેઓ મૃત્યુ સુધી ચાલનારી અનંત ચિંતાઓથી ઘેરાયેલ રહે છે અને એવા સ્થાયી સિદ્ધાંત કરતા રહે છે કે વિષયોના ભોગ જ જીવનનું પરમ લક્ષ્ય છે. તેઓ સો-સો આશારૂપી સાંકળોથી જકડાયેલા રહીને, કામ-ક્રોધને વશ થઈને વિષયભોગોને સંતોષવા માટે અન્યાયપૂર્વક ધન વગેરે ઘણી વસ્તુઓનો સંગ્રહ કરવાનો પ્રયત્ન કરે છે. તેઓ એવું વિચારે છે કે – આજે મેં મેળવ્યું છે અને હવે બધી ઇચ્છાઓને ભોગવી લઈશ. આજે મારી પાસે આટલું બધું ધન છે અને ભવિષ્યમાં આટલા પૈસા વધુ મેળવીશ. આજે તે શત્રુ મારા દ્વારા માર્યો ગયો, હવે બીજા શત્રુઓને પણ હું મારીશ. હું ઈશ્વર છું, બધાં જ ઐશ્ર્વર્યનો ભોગ કરવાનો છું, હું બધી સિદ્ધિઓનો સ્વામી છું, બળવાન અને સુખી છું. હું ખૂબ ધનવાન છું, મારે આટલા બધા નોકર-ચાકર છે. મારા જેવા બીજા કોણ છે ?

તો આજે દુનિયામાં સર્વત્ર આવા આસુરી સ્વભાવવાળા લોકોની સંખ્યા વધારે છે. આ લોકોને કારણે આ ધરતી દુ:ખપ્રદ બની ગઈ છે. પરસ્પર દ્વેષ-કલહ, ઈર્ષ્યા-ઘૃણા, દુરાગ્રહ-અત્યાચાર ભૌતિકવાદી દૃષ્ટિકોણનાં અંગ-ઉપાંગ બની રહ્યાં છે. આ આસુરી પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ લાવવા માટે જૈનધર્મના સ્તંભ-સ્વરૂપ અહિંસા અને અનેકાન્તવાદના ગુણોથી મહત્ત્વપૂર્ણ મદદ મળી શકે છે. જ્યાં સુધી આસુરી પ્રવૃત્તિઓનું નિયંત્રણ નહીં થાય, ત્યાં સુધી ‘વસુધૈવ કુટુમ્બકમ્’ ની ભાવના વિકસી શકે નહીં. મહાવીર વાણીનું ઉત્તરાધ્યયન સૂત્ર કહે છે –

अज्झत्थं सव्वओ सव्वं, दिस्स पाणे पिवायए ।

न हणे पाणिणो पाणे, भयवेराओ उबरए ॥

समया सव्वभूएसु, सत्तुमितेषु वा जगे ।

અર્થાત્ બધાં જ સુખ-દુ:ખોનું મૂળ આપણા હૃદયમાં છે, એમ માનીને તથા પ્રાણીમાત્રને પોતાના પ્રાણ પ્રિય છે, એવું સમજીને ભય અને વેરથી નિવૃત્ત બની કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી. શત્રુ કે મિત્ર, બધાં પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખવો એ જ અહિંસા કહેવાય છે.

શ્રીરામધારી સિંહ ‘દિનકર’ તેમના ‘સંસ્કૃતિના ચાર અધ્યાય’ નામના ગ્રંથમાં લખે છે – ‘વૈદિક સમયથી લઈને મહાત્મા ગાંધીના સમય સુધી દૃષ્ટિ કરવામાં આવે તો ભારતીય સંસ્કૃતિની જે એક વિશેષતા હંમેશાં તેની સાથે હતી તે છે તેની અહિંસાપ્રિયતા. હકીકતમાં સંસ્કૃતિઓની વચ્ચે સાત્ત્વિક સમન્વયનું કામ અહિંસા વિના ચાલી શકે નહીં. તલવારથી આપણે મનુષ્યને પરાજિત કરી શકીએ છીએ, તેને જીતી નથી શકતા. મનુષ્યને જીતવો એટલે ખરેખર તો તેના હૃદય ઉપર અધિકાર મેળવવો. હૃદયનો માર્ગ યુદ્ધભૂમિનો લાલ કીચડ નથી, પણ સહિષ્ણુતાનો શીતલ પ્રદેશ છે, ઉદારતાનો ઉજ્જવળ ક્ષીર-સમુદ્ર છે. અનંત કાળથી ભારત અહિંસાની સાધનામાં મગ્ન રહ્યો છે. આ સાધના ક્યારેક ક્યારેક આત્મઘાતી પણ સાબિત થઈ છે, પરંતુ ભારત ત્યારે પણ પોતાના પરમ ધર્મથી ડગ્યો નથી અને ભારતીય અહિંસાનો અર્થ માત્ર રક્તપાતથી બચવું તે જ નથી, પણ તે ઉપરાંત તે બધી વાતોથી બચતો રહ્યો છે, જેનાથી કોઈને પણ દુ:ખ પહોંચતું હોય. રક્તપાત જો આત્મરક્ષા માટે કરવામાં આવે, કોઈ એવા યુદ્ધમાં કરવામાં આવે જે આપણા ઉપર જબરજસ્તીથી લાદવામાં આવ્યું  હોય, તો ભારતીય સંસ્કૃતિ તેને હિંસા માનતી નથી. આવા રક્તપાતની ઉપેક્ષા કરવાનો ઉપદેશ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે આપ્યો છે. કડવા કે તર્કહીન શબ્દો દ્વારા આંખોમાં અગ્નિ રાખીને શાસ્ત્રાર્થ કરવાથી બીજાને જે દુ:ખ પહોંચે છે તે પાપને ભારતીય સાહિત્યમાં ક્યાંય પણ ક્ષમ્ય ગણવામાં આવ્યું નથી. ટૂંકમાં ‘હું જે કહું છું તે યોગ્ય છે, બાકી બધું ખોટું છે’ એવો મનુષ્યનો અહંકાર જ પાપ છે.

ભારતની અહિંસા-સાધના જૈન ધર્મમાં તેના સર્વોચ્ચ ઉત્કર્ષ પર પહોંચી અને જૈન ધર્મમાં અહિંસાનું ઉચ્ચતમ શિખર અનેકાન્તવાદ કે સ્યાદ્વાદ થયો. કેટલા મહાન હતા તે લોકો જેમને આ જોવા મળ્યું કે માત્ર રક્તપાત કરવો, કડવાં વેણ કહેવાં અથવા બીજાનું ખરાબ વિચારવું જ હિંસા નથી, પરંતુ જ્યારે આવો આગ્રહ કરી બેસીએ છીએ કે જે કંઈ આપણે કરી રહ્યા છીએ તે જ સાચું છે, ત્યારે પણ આપણે હિંસા જ કરીએ છીએ. એટલા માટે અનેકાન્તવાદીઓએ આ ધર્મ દર્શાવ્યો કે સત્યનાં અનેક પાસાં છે. જેને જે પાસું દેખાય છે, તેઓ તે પાસાની વાત કરે છે અને જે પાસું બીજાને દેખાય છે, તેની વાત બીજા લોકો કહે છે. એટલા માટે એ કહેવું હિંસા છે કે ‘માત્ર આ જ બરાબર છે.’ સાચો અહિંસક મનુષ્ય એટલું જ કહી શકે છે કે ‘કદાચ, આ બરાબર હોય’ કેમ કે સત્યની બધી બાજુઓ બધા મનુષ્યોને એક સાથે જોવા મળતી નથી. અનેકાન્તવાદ નામ જો કે જૈનોએ આપેલ છે, પરંતુ જે દૃષ્ટિકોણની તરફ આ સિદ્ધાંત નિર્દેશ કરે છે, તે દૃષ્ટિકોણ ભારતમાં બહુ પહેલેથી જ રહેલ હતો. જો આની હયાતી ન હોત, તો ભારતમાં આટલી વિભિન્ન જાતિઓ માનવતાનું એક અંગ બનીને એકતાની છાયામાં શાંતિથી જીવતી ન હોત…. સહિષ્ણુતા, ઉદારતા, સમન્વય, સંસ્કૃતિ, અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને અહિંસા એ એક જ સત્યનાં જુદાં જુદાં નામ છે. મૂળમાં, આ ભારતવર્ષની સહુથી મોટી વિલક્ષણતાનું નામ છે, જેના આધારે આ દેશ બન્યો છે અને જેને અપનાવીને સમગ્ર સંસાર-વિશ્વ એક બની શકે છે. અનેકાન્તવાદી એ છે જે દુરાગ્રહ કરતા નથી. અનેકાન્તવાદી એ છે જે બીજાના વિચારોનો પણ આદર કરીને જોવા અને સમજવા ઇચ્છે છે. અનેકાન્તવાદ એ છે જે પોતાના ઉપર પણ શંકા કરવાની નિષ્પક્ષતા રાખે છે.

બસ, આવો જ દૃષ્ટિકોણ ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની કલ્પનાને સાકાર કરી શકે છે. આ દૃષ્ટિકોણ સંસારને જૈન-ધર્મની વિશિષ્ટ ભેટ છે.

Total Views: 475

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.