(ગતાંકથી આગળ)

૧૪. વૃંદાવનમાં સાધના

ગૌરીમાને કૃષ્ણની બાળલીલાની ભૂમિ વૃંદાવનનું તીવ્ર આકર્ષણ હતું. અને એટલે જ શ્રીરામકૃષ્ણે તો એમને વૃંદાવનની ગોપી જ કહ્યાં હતાં. ફરી એ જ વૃંદાવન ભૂમિ પર પગ મૂકતાં જ તેમની તપશ્ચર્યાની ઈચ્છા પ્રબળ બની ગઈ અને તેમણે અહીં વૃંદાવનમાં ઉગ્ર સાધના આરંભી. નવમહિના સુધી તો ઉદયાસ્ત એક જ આસન ૫૨ બેસીને તેમણે સાધના કરી. અહીં ગૌરીમા ઉગ્ર સાધનામાં રત હતાં. અને ત્યાં દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ પોતાની ઐહિક લીલા સમાપ્ત કર્યા પહેલાના સઘળાં કાર્યો આટોપી રહ્યા હતા. બાહ્ય રીતે તો પૃથ્વી ઉપરની દૈહિક વિદાય લેવા માટેનું ભૌતિક કારણ ગળામાં થયેલું કૅન્સ૨ હતું. પણ વાસ્તવમાં તેમનું જીવનકાર્ય પૂરું થઈ જતાં હવે તેઓ દેહ છોડી દેવા ઈચ્છતા હતા. આથી તેમણે પોતાના સઘળા કાર્યની જવાબદારી પોતાના પ્રિય નરેનને સોંપી દીધી હતી. ગૌરીમાને પણ એમણે વૃંદાવનમાં સંદેશો મોકલાવ્યો કે તમે આવીને મળી જાઓ. પણ વૃંદાવનની કોઈ એકાંત ગુફામાં જ્યાં કોઈની નજરે ય ન પડે તેવા સ્થળે તેઓ તપશ્ચર્યા કરી રહ્યાં હતાં. એટલે વૃંદાવનમાં તેમને શોધી શકાયાં નહીં. તેમને સંદેશો પહોંચ્યો નહીં. હવે શ્રીરામકૃષ્ણ પાસે દિવસો ખૂબ જ ઓછા હતા. અને લીલાસંવરણ પહેલાં તેઓ ગૌરીમાને પણ પોતાના કાર્યભારની પ્રત્યક્ષ સોંપણી કરી દેવા ઈચ્છતા હતા. આથી તેમણે વૃંદાવનમાં બીજીવાર સંદેશો મોકલાવ્યો કે જેમ બને તેમ જલ્દી આવી પહોંચો. પણ આ સંદેશો ય તેમને ઘણો જ મોડો પહોંચ્યો. શ્રીરામકૃષ્ણે છેવટ સુધી એમની રાહ જોઈ હતી. પણ છેલ્લી ઘડી સુધીમાં પણ તેઓ આવી શક્યાં નહીં, ત્યારે શ્રીરામકૃષ્ણે શિષ્યોને કહ્યું ‘‘ગૌરીદાસી આટલા દિવસો સુધી પાસે રહ્યાં પણ અંતે તેઓ ન મળી શક્યા. હવે તેઓ મને જોઈ શકશે નહીં. મને તેના માટે ઊંડી લાગણી છે.’’ બલરામ બોઝે વૃંદાવન ફરી પત્ર પણ લખ્યો પણ કોઈ તેમને શોધી શક્યું જ નહીં. એમના ભાગ્યમાં શ્રીરામકૃષ્ણના અંતિમ દર્શન કરવાનું નિર્માયું નહીં હોય એટલે જ કોઈ જ સંદેશો તેમને મળ્યો નહીં. અને શ્રીરામકૃષ્ણે લીલા સમેટી લીધી તો પણ તેઓ તો આ મહાન ઘટનાથી અજ્ઞાત રહીને પોતાની ઉદયાસ્ત એક આસને સ્થિત રહીને કરવાની સાધનામાં રત હતાં. શ્રીરામકૃષ્ણના લીલા સંવરણના થોડા સમય બાદ શ્રીમા શારદામણિ લક્ષ્મી, ગોલાપમા, સ્વામી યોગાનંદ, અદ્ભુતાનંદ અને અભેદાનંદની સાથે તીર્થયાત્રાએ નીકળ્યાં. તેઓ બધાં વૃંદાવન આવ્યા. અહીં ગૌરીમાનો ક્યાંય પણ મેળાપ થઈ જાય તો સારું તેવી શ્રીમાની ઈચ્છા હતી. પણ ગૌરીમા ક્યાં છે, તેની કોઈને ય ખબર ન હતી. છતાં બધા વૃંદાવનમાં સ્થળે સ્થળે તેમની શોધ કરતા રહેતા. એક દિવસ સ્વામી યોગાનંદ વૃંદાવનમાં રાધારાણીના જન્મસ્થળ આગળ આવી પહોંચ્યા. ત્યાં દૂર રહેલી એકાંત ગુફામાં એમણે ધ્યાન- મગ્ન તપસ્વિનીને જોયાં. નજીક જતાં તેઓ ઓળખી ગયા કે “આ તો ગૌરી મા છે!” આમ અકસ્માત જ તેમની મુલાકાત થઈ જતાં સ્વામી યોગાનંદ આનંદિત બની ગયા. પણ તેમણે એમને ધ્યાનમાંથી જગાડ્યાં નહીં. તેઓ ત્યાંથી ગૂપચૂપ જલ્દી જલ્દી ચાલી નીકળ્યાં. સીધા શ્રીમા શારદામણિ પાસે આવી પહોંચ્યા ને તેમને આ સમાચાર જણાવ્યા. આ સાંભળતાં જ શ્રીમા સ્વામી યોગાનંદની સાથે તુરત જ ચાલી નીકળ્યા. ત્યાં આવીને શ્રીમાએ જોયું તો જમુના નદીના કિનારે અવાવરુ એકાંત ગુફા – જીવજંતુથી ભરેલું એ સ્થળ ને તેમાં ધ્યાનસ્થ આ તપસ્વિની! અરેરે, આવા સ્થળમાં ગૌરીદાસી કેમ રહેતી હશે? શ્રીમા વિચારી રહ્યાં અને ત્યાં તો અવાજના સંચારથી ગૌરીમા ધ્યાનમાંથી જાગ્યાં ને સામે શ્રીમાને અને યોગેનને ઊભેલાં જોયાં ને થયુંહું સ્વપ્ન તો જોતી નથી ને? શું સાચ્ચે જ શ્રીમા આવી પહોંચ્યાં છે કે આ ભાવદર્શન છે? પણ મા? આવા વેષે? કોરું કપાળ કેમ છે? અને નાની લાલ કિનારવાળી આવી સાડી કેમ પહેરી છે? આમ કેમ? અને તેઓ ઊભા થઈને શ્રીમાને ભેટી પડ્યાં ને પૂછ્યું ‘ઠાકુર ક્યાં?’ અને ત્યારે શ્રીમાએ જ એમને ઠાકુરના લીલા સંવરણના સમાચાર આપ્યા. અને આ સમાચાર સાંભળીને ગૌરીમા આઘાતથી મૂઢ બની ગયાં. ‘શું ઠાકુર હવે સદેહે નથી?’ આ સમાચાર માનવા જ તેમના માટે અશક્ય હતા. ‘પણ એ બને જ કેમ? મને મળ્યા વગર તેઓ ગયા જ કેમ?’ પછી શ્રીમાએ એમને ખૂબ સાંત્વના આપી. પણ તેઓ તો શ્રીમાને વળગીને ખૂબ રુદન કરવા લાગ્યાં. એમના કૃષ્ણચંદ્ર એમના ચૈતન્યદેવ, એમના રામકૃષ્ણ શું છોડીને ચાલ્યા ગયા? રુદન અટકતું જ નહતું. એમનું આક્રંદ જોઈને શ્રીમાની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યાં. પણ પછી ધીમે ધીમે શાંત થઈને શ્રીમાએ એમને શ્રીરામકૃષ્ણના અંતિમ દિવસોની વાત કરી અને છેવટ સુધી તેમને યાદ કરતા હતા, તેની વાત કરી તેમને શાંત કર્યાં. પછી શ્રીમા ગૌરીમાને પોતાના ઉતારે પોતાની સાથે લઈ ગયાં. શ્રીમાના અને શ્રીરામકૃષ્ણના સંન્યાસી પુત્રોના સાંનિધ્યમાં રહેવાથી ગૌરીમાના આઘાતમાં ધીમે ધીમે કળ વળવા લાગી. તે સમયે તેઓ શ્રીમા સાથે વૃંદાવનમાં લગભગ એક વરસ રહ્યાં.

એક દિવસ શ્રીમાએ એમને કહ્યું કે ઠાકુરના દેહવિલય બાદ જ્યારે તેઓ સૌભાગ્ય કંકણ ઉતારી રહ્યાં હતાં ત્યારે ઠાકુરે તેમને દર્શન આપ્યાં ને કહ્યું: “તમે સૌભાગ્યકંકણ ઉતારશો નહીં, તમે વૈષ્ણવ તંત્ર જાણો છો?” શ્રીમાએ તેમને ના કહેતાં તેમણે જણાવેલું કે ગૌરીદાસી પાસેથી વૈષ્ણવતંત્ર જાણી લેજો. આથી ઠાકુરની આજ્ઞા માનીને ગૌરીમાએ શ્રીમાને વૈષ્ણવતંત્ર વિષે સમજાવ્યું ને પછી કહ્યું “ઠાકુર તો શાશ્વત છે, સદા વિદ્યમાન છે, અને તમે સ્વયં લક્ષ્મી છો, જો તમે સૌભાગ્યનો વેષ છોડી દેશો, તો સંસારનું અકલ્યાણ થશે.” પછી તેમણે વૈષ્ણવતંત્રની વાત કરતાં કહ્યું, “જેમના પતિ સ્વયં શ્રીકૃષ્ણચંદ્ર છે તે કદી વિધવા હોય જ નહીં.” ગૌરીમાએ સમજાવેલી વૈષ્ણવતંત્રની આવી વાતથી શ્રીમાને ઠાકુરે સૌભાગ્ય કંકણ ઉતારવાની ના શા માટે પાડી હતી તે સમજાઈ ગયું.

શ્રીમા તીર્થયાત્રા કરી કલકત્તા પાછાં આવી ગયાં પણ ગૌરીમા તે સમયે પાછાં કલકત્તા ન ફર્યાં. તેઓ થોડો વધુ સમય વૃંદાવનમાં સાધના માટે રોકાયાં. અહીં પરિવ્રાજક રૂપે તીર્થાટન કરી રહેલા સ્વામી વિવેકાનંદ પણ તેમને મળ્યા હતા. વૃંદાવનથી તેઓ ફરી હિમાલયના તીર્થક્ષેત્રોમાં જવા નીકળ્યાં. ટિહરીની સરકારે તેમને આર્થિક અને અન્ય સહાય કરવા તૈયારી બતાવી. પણ ગૌરીમાએ કહ્યું: “ભગવાન મારા રક્ષક છે. અને તેઓ જ મારી સઘળી જરૂરિયાત પૂરી પાડે છે. એટલે મને પૈસાની પણ જરૂર નથી.” ભગવાન પર તેમનો આવો અતૂટ વિશ્વાસ જોઈને ટિહરીના ઓફિસરો પણ આશ્ચર્યમાં પડી ગયા. સરકારની સામેથી ચાલીને આવેલી આવી સહાયનો કોઈ ભાગ્યે જ ઈન્કાર કરે! ત્યારે આ એકાકી તપસ્વિની, પાસે પૈસા વગર, પૂરતાં સાધનો વગર હિમાલયનાં શિખરોની યાત્રાએ નીકળી પડી હતી! પણ સાથે એમના રક્ષક ભગવાન હતા ને! આથી કોઈ પણ જાતની મુશ્કેલી વગર ગંગોત્રી, જમનોત્રી, ગૌમુખી, બદરીનાથ, કેદારનાથ આ બધાં સ્થળોની યાત્રા કરીને પછી તેઓ પાછા કલકત્તા આવી પહોંચ્યાં.

૧૫. મુક્તપંખિણી

ગૌરીમા કલકત્તા આવી પહોંચ્યાં. પણ હવે એમની દોરી ખેંચનારા ઇષ્ટદેવતા દક્ષિણેશ્વરમાં સદેહે બિરાજતા નહોતા. હવે એ દક્ષિણેશ્વર જ નહોતું રહ્યું. ઠાકુરનું દિવ્ય સાંનિધ્ય, ભક્તો સાથેનો મધુર વાર્તાલાપ, કીર્તનો, ભજનરસની લ્હાણ, વારંવાર ભાવસમાધિ અને દિવ્ય આનંદોલ્લાસની ઉછળતી રહેતી છોળો! હવે ક્યાં હતું એ આનંદમય વિશ્વ! શ્રીમા સાથે રહેતાં હતાં એ નોબતખાનાની ઓરડી પણ હવે સૂની બની ગઈ હતી! ઠાકુર પ્રત્યક્ષ રૂપે હવે ક્યાંય દેખાતા નહોતા અને છતાં તેઓ ક્યાં નહોતા? ગૌરીમા પોતાના અંતરમાં એ અનુભૂતિ પણ કરી રહ્યાં હતાં કે જાણે શ્રીરામકૃષ્ણ જેટલા દેહમાં જીવંત હતા, તેટલા જ વિદેહે પણ જીવંત છે. અને તેઓ પહેલાંની જેમ જ એમની સેવા પૂજા સ્વીકારી રહ્યા છે. ઠાકુરના બધા અંતરંગ શિષ્યો સંન્યાસી બની ગયા હતા અને તેઓ વરાહનગરના મઠમાં કઠોર તપશ્ચર્યામય જીવન ગાળતા હતા. ત્યાં શ્રીરામકૃષ્ણની છબિની સેવા પૂજા રોજ થતી હતી. ત્યાં શ્રીરામકૃષ્ણને રોજ ભોગ પણ ધરાવવામાં આવતો હતો. પરંતુ ગૌરીમાને આ સંન્યાસી પુત્રોના મઠમાં જવાની ઇચ્છા થતી ન હતી. તેઓ કલકત્તામાં બલરામ બોઝના ઘરે રહેતાં હતાં, પણ તેઓ વરાહનગર મઠમાં ગયાં ન હતાં.

એક દિવસ ગૌરીમા શ્રીરામકૃષ્ણની પૂજા માટે થોડી સામગ્રી લઈને ગંગાકિનારે ગયાં હતાં. ત્યાં સ્વામી રામકૃષ્ણાનંદજી પણ આવ્યા ને તેમણે ગૌરીમાને જોયાં ને કહ્યું ‘‘મા, અમારો મઠ અહીં પાસે જ છે. આપ આવો ને મઠને પાવન કરો.” “ના બેટા, હું ત્યાં આવીને શું કરું? પણ તું મારું એક કામ કરી આપ. જો હું ઠાકુર માટે ગંગોત્રીથી ખાસ ગંગાજળ લાવી છું, તે અને આ પૂજાની સામગ્રી તું મઠમાં લઈ જા. ત્યાં ઠાકુરની છબિનો અભિષેક આ જળથી કરજે ને આ સામગ્રીથી પૂજા કરજે.” એમ કહીને તેમણે બધું સ્વામી રામકૃષ્ણાનંદજીના હાથમાં આપી દીધું. તેઓ પોતે મઠમાં ગયાં નહીં પણ ગંગાકિનારે જ ધ્યાન ધરતાં બેસી રહ્યાં. સ્વામી રામકૃષ્ણાનંદજીએ મઠમાં જઈને બધા ગુરુભાઈઓને આ વાત કરી. તેમની વાત સાંભળીને સ્વામી વિવેકાનંદજી દોડતા ગંગાકિનારે ગયા ને ત્યાં બેઠેલાં ગૌરીમાને પ્રણામ કરીને કહ્યું:મા, આ શું? તમારા દીકરાઓ ઉપર કૃપા નહીં કરો? ઊભા થાઓ અને મઠમાં આવો. મઠ તમારો જ છે.” અને પછી સ્વામીજી ગૌરીમાને મઠમાં તેડી જ લાવ્યા. પછી તેમની હાજરીમાં જ શ્રીરામકૃષ્ણની છબિનો ગંગોત્રીનાં એ પવિત્ર ગંગાજળથી અભિષેક કર્યો ત્યારે એવું સહુએ અનુભવ્યું કે જાણે સાક્ષાત્ શ્રીરામકૃષ્ણે એ ગંગાજળ સ્વીકાર્યું ન હોય! ગૌરીમાની સઘળી સામગ્રીથી શ્રીરામકૃષ્ણની પૂજા કરવામાં આવી. દક્ષિણેશ્વ૨માં જે રીતે શ્રીરામકૃષ્ણ સદેહે એમની સેવા પૂજા સ્વીકારી એમના અંતરને અવર્ણનીય આનંદથી ભરી દેતા હતા, એ જ આનંદનો આ યુવાન સંન્યાસી પુત્રોની વચ્ચે તેઓ અનુભવ કરી રહ્યાં હતાં.

તેઓ મઠમાં થોડા કલાકો રોકાયાં. એ દિવસો તો આ સંન્યાસી પુત્રોના ત્યાગના, તપશ્ચર્યાના, અને આર્થિક વિટંબણાઓના હતા અને છતાં બધા કેવી મસ્તી મોજથી રહેતા હતા! ખાવાનું મળ્યું તો ય શું અને ન મળ્યું તો ય શું? ભજન અને કીર્તનના આનંદમાં, સાધનામાં ને ધ્યાનમાં કોઈ વસ્તુનો અભાવ તેમને જણાતો ન હતો પણ જે થોડા કલાકો ગૌરીમા મઠમાં રહ્યાં તે દરમિયાન તેમને આ યુવાન સાધુઓના ત્યાગ, તપશ્ચર્યા ને આર્થિક તંગીનો પૂરો ખ્યાલ આવી ગયો ને તે જોઈને તેમનું અંતર કકળી ઊઠ્યું. રાખાલને ભૂખ્યો જોઈને ગંગાકિનારે પોતાને બૂમ પાડીને બોલાવી રહેલા શ્રીરામકૃષ્ણ એમને દેખાયા. તેમણે અંતરથી પ્રાર્થના કરી.ઠાકુર તમારા સંતાનોને તમે કદી ભૂખ્યા રાખ્યા નથી.’ તે દિવસે તેમણે જાતે રસોઈ બનાવી. જે રીતે શ્રીરામકૃષ્ણને તેઓ પોતે રસોઈ બનાવીને જમાડતાં હતાં અને શ્રીરામકૃષ્ણ એમના હાથની રસોઈની ખૂબ પ્રશંસા કરીને જમતા હતા એ જ અનુભૂતિ આજે પણ શ્રીરામકૃષ્ણની છબિને ભોગ ધરાવતા તેઓ પોતાના અંતરમાં કરી રહ્યાં. અને પછી આ બધા મઠવાસીઓને તેમણે ભોજન કરાવ્યું. ત્યારથી મઠ સાથેનો એમનો આત્મીય સંબંધ હંમેશ માટે બંધાઈ ગયો.

બલરામ બાબુના ઘરે તેઓ રહેતાં હતાં ત્યારે તેમને કૉલેરા થઈ ગયો. તે સમયે ઘરની સ્ત્રીઓ અને તેમની નાની બહેને તેમની ખૂબ સેવા કરી. સ્વામી બ્રહ્માનંદજી અને સ્વામી શારદાનંદજી પણ મઠમાંથી આવતા અને તેમની સંભાળ લેતા. બધાની પ્રેમભરી માવજતથી તેઓ સાજા થઈ ગયાં. પછી તેમના માતા ગિરિબાલા તેમને પોતાના ઘરે તેડી લાવ્યાં. તેઓ માતા સાથે થોડો વખત રહ્યાં.

વળી એક વખત એમને તાવનો જોરદાર હુમલો આવ્યો. આ વખતે તેમના ભાઈ અવિનાશચંદ્ર તેમને પોતાને ત્યાં લઈ ગયા અને તેમણે તેમની ખૂબ સેવા કરી અને સારવાર કરાવી. પરંતુ સહુની સેવા કરનાર ગૌરીમાને પોતાના માટે કોઈનીય સેવા લેવાનું બિલકુલ પસંદ ન હતું. ભાઈના કુટુંબમાં બધાંએ તેમને ખૂબ ખૂબ પ્રેમ આપ્યો, સેવા કરી અને તેમને સાજા કર્યાં. પણ હવે ગૌરીમાને એમ લાગતું હતું કે બધાંના પ્રેમથી જાણે તેઓ ફરીથી કુટુંબના બંધનોમાં જકડાવા લાગ્યાં છે. પણ તેઓ તો હતાં આત્મપ્રદેશના મુક્તપંખિણી. કુટુંબના પ્રેમનું પિંજર એમને ફરીથી બંધનમાં જકડી શક્યું નહીં. જેવા સાજા થયાં કે તુરત જ તેઓ આ માયાને ફગાવીને કોઈને કહ્યા વગર જ ત્યાંથી ચાલી નીકળ્યાં.

પ્રથમ તો તેઓ પુરીના શ્રીક્ષેત્રમાં ગયાં. ત્યાં ભગવાન જગન્નાથના સાંનિધ્યમાં થોડો સમય વીતાવી ને પછી તેઓ દક્ષિણ ભારતનાં તીર્થોના દર્શને નીકળી પડ્યાં. સીમાચલમ્, રાજમહેન્દ્રી, મદુરા, શ્રીરંગમ્, કાંજીવરમ્, ત્રિવેન્દ્રમ્, કન્યાકુમારી અને બીજાં ઘણાં તીર્થોમાં તેઓ ફર્યાં. મહાપ્રભુ ચૈતન્ય જ્યાં રામાનંદરાયને મળ્યાં હતાં, તે વિદ્યાનગરમાં તેઓ થોડો સમય રહ્યાં. ત્યાંથી તેઓ રામેશ્વર ગયાં.

ગૌરીમાની દૃઢ સંકલ્પ શક્તિ અને અન્યાય સામે નમતું નહીં મૂકવાની પ્રબળ આંતરિક તાકાતનો રામેશ્વરના પૂજારીઓને અનુભવ થયો. ગૌરીમા ભગવાન રામેશ્વરને ચઢાવવા માટે ગંગોત્રીમાંથી પોતાના હાથે ભરેલું પવિત્ર ગંગાજળ સાથે લાવ્યાં હતાં અને તેઓ ભગવાન શંકરના લિંગ પર પોતાના હાથે જ તે જલનો અભિષેક કરવા ઈચ્છતાં હતાં. પણ ત્યાં તેમને કોઈ ઓળખતું ન હતું. આથી પૂજારીઓએ તેમને ના પાડી દીધી કે ‘તમે મંદિરમાં ગર્ભગૃહમાં આવીને અભિષેક નહીં કરી શકો. હા, તમે એ ગંગાજલ અમને આપો તો તમારા વતી અમે એનો ભગવાનના લિંગ પર અભિષેક કરી દઈએ.’ પણ ગૌરીમાની ઈચ્છા તો પોતાના હાથે જ તે પવિત્ર જલથી અભિષેક કરવાની હતી. તેઓ પોતાના સંકલ્પમાં દૃઢ રહ્યાં અને આ બાજુ પૂજારીઓ પણ પોતાના નિર્ણયમાં મક્કમ હતા કે ‘‘એક સ્ત્રીની આવી અવિચારી હઠ સામે કેમ નમતું મુકાય?’’ આમ બંને પક્ષો અડગ હતા. ગૌરીમાએ ભગવાન શિવને પ્રાર્થના કરતાં મનોમન કહ્યું ‘‘પ્રભુ, આપ અંતર્યામી છો. આપના માટે જ હું ગંગાજળ છેક ગંગોત્રીથી લાવી છું. શું આપ મારા હાથે એ જળનો સ્વીકાર નહીં કરો? એમના અંતરમાં પ્રતીતિ થઈ કે પ્રભુ જરૂર એમના હસ્તે જ આ જલ સ્વીકારશે. પણ ક્યારે, કેવી રીતે તે તેઓ જાણતા નહતાં.

પછી તો તેઓ મંદિરના ચોગાનમાં બેસી ગયાં. ગળામાં લટકાવેલી દામોદર શીલાને ગળામાંથી કાઢીને પોતાની સામે આસન પર મૂકી દીધી. તેઓ એમની પૂજા કરવા લાગ્યાં. તેમાં લીન થઈ ગયાં કે સ્થળનું ભાન ભુલાઈ ગયું. દૂર રહીને પૂજારીઓ, સત્તાધીશો તેમની આ ક્રિયાને નિહાળતા હતા. પણ ગૌરીમાને કશી ખબર ન હતી. ઈષ્ટદેવતાની સ્તુતિ પૂરી થયા બાદ તેમણે આરંભી શિવસ્તુતિ. મધુ૨રાગે, ભાવભર્યા હૃદયે, શુદ્ધ સંસ્કૃત ઉચ્ચારણો સાથે ગવાતી આ સ્તુતિથી જાણે ભગવાન શિવ પ્રસન્ન થઈ ગયા ન હોય, તેમ તેમણે સત્તાધીશોના હૃદયમાં આ સંન્યાસિની પ્રત્યે સદ્ભાવ અને માન જગાડ્યાં. ભક્તિપૂર્ણ હૃદયથી ગવાતાં આ સ્તોત્રો સહુ કોઈનું ધ્યાન આકર્ષવા લાગ્યાં. સત્તાધીશો ને પૂજારીઓ હવે વિચારમાં પડી ગયા. તેમને થયું કે આ કોઈ સામાન્ય સાધ્વી નથી. પણ કોઈ સિદ્ધાત્મા છે. જો આપણે એમને નારાજ કરીશું તો ભગવાન શિવ પણ નારાજ થશે. આથી મંદિરના સત્તાધીશો ગૌરીમા પાસે આવ્યા અને તેમને બે હાથ જોડીને પ્રણામ કર્યા અને પછી ક્ષમા યાચના કરતાં કહ્યું; ‘મા, અમને ક્ષમા આપો. અમે આપને ઓળખી શક્યાં નહીં. આપ કોઈ સાધારણ સ્ત્રી નથી પણ આપ સિદ્ધયોગિની છો એ હવે અમે જાણી ગયા છીએ. આપના માટે મંદિરના દરવાજા બંધ હોઈ શકે જ નહીં. અમે આપને ઓળખતા ન હતા. એટલે અમે આપને મનાઈ કરી હતી. પણ હવે આપ મંદિરમાં આવો અને આપના હસ્તે જ ગંગાજળનો ભગવાન પર અભિષેક કરો.’’ અને પછી ગૌરીમાએ પોતાની વ૨સોની ઈચ્છાને પૂરી કરી. સ્વહસ્તે અભિષેક કર્યો. એટલું જ નહીં પણ ભગવાન રામેશ્વરની પૂજા પણ કરી. પછી તો બધા પૂજારીઓ, બ્રાહ્મણો ગૌરીમાને ખૂબ માન આપવા લાગ્યા. તેમનું સંસ્કૃત ભાષા પરનું પ્રભુત્વ અને શાસ્ત્રોનું જ્ઞાન જોઈને ત્યાંના પંડિતો પણ ખૂબ જ પ્રભાવિત થયા.

ગૌરીમા દક્ષિણ ભારતનાં કેટલાંય સ્થળોમાં ફર્યાં. તે સમયે સ્વામી વિવેકાનંદ પણ દક્ષિણના તીર્થક્ષેત્રોમાં પરિભ્રમણ કરી રહ્યા હતા. શ્રીરામકૃષ્ણે જેમને પોતાના ભાવિ કાર્યોની જવાબદારી સોંપી હતી તેવા તેમના આ બંને શિષ્યો દક્ષિણમાં જ હતા. અને જ્યાં જતા ત્યાં તેમને એક બીજા વિષે સાંભળવા મળતું, પણ તેઓ એકબીજાને તીર્થયાત્રામાં મળ્યા નહીં. પણ બંને જ્યાં જતા ત્યાં શ્રીરામકૃષ્ણના અદ્ભુત જીવનની કથા, તેમના પ્રેરણાત્મક વચનામૃતો, તેમનો જીવનોપયોગી બોધ – વગેરે દ્વારા જનસમાજને જાગૃત કરતાં. ગૌરીમા સ્ત્રી હતા, પણ તેમને પોતાના આ કાર્યોમાં ક્યાંય સ્ત્રીપણું આડે આવ્યું નહતું. શ્રીરામકૃષ્ણે નવયુવાનોના નેતા તરીકે – યુવાનોની જાગૃતિ માટે નરેનને પસંદ કર્યા હતા, તેમ તેમણે નવયુવતીઓની નેત્રી, સ્ત્રીઓની જાગૃતિની પથપ્રદર્શક તરીકે ગૌરીમાને પસંદ કર્યાં હતાં. આ કાર્ય માટે સંપૂર્ણ સજ્જ થવા બંને કોઈ અજ્ઞાત પ્રેરણાથી પ્રેરાઈને પરિવ્રાજક રૂપે પરિભ્રમણ કરી રહ્યાં હતાં. સ્વામી વિવેકાનંદની જેમ ગૌરીમાએ પણ સમગ્ર ભારતનું પરિભ્રમણ કર્યું હતું. ઉત્તરમાં હિમાલયમાં કૈલાસ, અમરનાથથી માંડીને દક્ષિણમાં કુમારી માતા ને રામેશ્વર સુધી ને પશ્ચિમમાં દ્વારકા, કામાખ્યાથી માંડીને પૂર્વમાં ચંદ્રનાથ સુધીનાં સઘળાં પવિત્ર સ્થળોના દર્શન કરી સમગ્ર ભારતવર્ષનાં સાચા સ્વરૂપનું તેમણે દર્શન કર્યું હતું. આ પરિભ્રમણ કાળ પૂરો થયા પછી તેમને અંત૨માં સતત પ્રતીતિ થવા લાગી કે હવે આ ભ્રમણો કરવાનાં નથી. પણ હવે તેમણે કોઈ જુદું જ કાર્ય કરવાનું છે.

(ક્રમશ:)

Total Views: 107

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.