(૬ઠ્ઠી ડિસેમ્બર, ૧૯૯૪ના રોજ, મયલાપોર (મદ્રાસ)ના રામકૃષ્ણ મિશન સ્ટુડંટ્સ હોમના પ્રાર્થનાખંડના ઉદ્ઘાટન પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના ૫૨માધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાનનો અનુવાદ વાંચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.)

કર્મચારીગણ, સંચાલકો, ઉપસ્થિત સજ્જનો અને સન્નારીઓ,

આ પ્રતિષ્ઠિત શિક્ષણ સંકુલના પ્રાર્થનાખંડના ઉદ્ઘાટન પ્રસંગ સાથે જોડાવાનો મને ખૂબ આનંદ છે. તમે સૌ જાણો છો કે, પોતાના આરંભથી જ, આ સંસ્થાને, એની લાક્ષણિકતાવાળો વિશિષ્ટ ઇતિહાસ છે. આ સંસ્થા સાથે સંકળાયેલા અને હાલ દેશમાં કે ૫૨દેશમાં ગૌ૨વભર્યું સ્થાન શોભાવતા વિદ્યાર્થીઓને મળવાની મને તક સાંપડી છે. આ વિખ્યાત સંસ્થા સાથે પોતે સંકળાયેલા છે તેનું તેમને અભિમાન છે તે હું જાણું છું. આ સંસ્થા ભૌતિક શિક્ષણ આપે છે એટલું જ પૂરતું નથી પણ આધ્યાત્મિકતાના સુદૃઢ પાયા ઉપર આ શિક્ષણ ઊભું છે તે આ સંસ્થાની વિશેષતા છે. ધર્મ વિનાનું શિક્ષણ નકામું છે અને કોઈક વા૨ એથીયે વધારે ખરાબ છે. કારણ, માનવી માત્ર ભૌતિક શિક્ષણ પર નભી શકતો નથી અને અહીંના લોકોમાં એ પ્રચલિત નથી. આપણા દેશમાં બિનસાંપ્રદાયિકતા (Secularism) નામે આદિ કાળથી ધર્મમાં દૃઢ મૂળવાળા લોકોના મનમાં ગેરસમજ ઊભી કરી છે. શિક્ષણ એટલે પૂર્ણતાની અભિવ્યક્તિ. ધર્મ એટલે ધાર્મિક આચારો કે શાસ્ત્રાજ્ઞાઓ જ નહીં પણ, એ શબ્દને એનો પોતાનો વિશિષ્ટ અર્થ છે – લોકનાં ચારિત્ર્યનાં ઘડત૨માં એ ફાળો આપે છે. એટલે ધર્મ વિનાનું શિક્ષણ નિરર્થક છે. માત્ર આટલું નથી પણ, આવું શિક્ષણ વ્યક્તિના ચારિત્ર્ય ઘડતરમાં સહાયરૂપ થતું નથી.

માટે, ઉદાત્ત અને મહાન બનવામાં મદદરૂપ થાય તેવો ચારિત્ર્ય વિકાસ વિદ્યાર્થીઓમાં સાધે તેવા શિક્ષણની જરૂર છે. જ્ઞાનનો પાયો ધર્મ બને ત્યારે જ આવું શિક્ષણ આપી શકાય. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે, “માનવીમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ તે જ શિક્ષણ.” આપણા સૌમાં પૂર્ણતા નિહિત છે. એને કેવી રીતે પ્રગટ કરવી તે આપણે જાણવું જોઈએ જેથી, દૈનિક જીવનમાં તેનો આવિષ્કાર થાય. કેવળ ભૌતિક શિક્ષણ કદી આ હાંસલ કરી શકે નહીં અને તેથી, ધર્મની સહાય આવશ્યક છે. બાળકોનાં મનમાં અટપટું તત્ત્વજ્ઞાન પ્રવેશી શકે નહીં. માટે, પ્રાર્થના, પૂજા, ગાન, કીર્તન આદિની આવશ્યકતા રહે છે. હું આશા રાખું છું કે આ પ્રાર્થના ખંડ વિદ્યાર્થીઓને આ બધી પ્રવૃત્તિઓ માટે પૂરતો અવકાશ આપશે અને એમનું એવું ઘડત૨ ક૨શે કે, મોટા થઈ તેઓ સમાજની સેવા વધારે સારી રીતે કરી શકે.

આ સંસ્થાના વિદ્યાર્થીઓ આ દેશના પ્રખ્યાત નાગરિક બને અને પોતાની માતૃસંસ્થાને ગૌરવાન્વિત કરે તેવા આશીર્વાદ વરસાવવા હું શ્રીરામકૃષ્ણને, પૂજ્ય મા શ્રી શારદાદેવીને અને સ્વામી વિવેકાનંદને પ્રાર્થના કરું છું.

ભાષાંતર: શ્રી દુષ્યંત પંડ્યા

Total Views: 64

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.