ભારતની પ્રાચીનતમ પરંપરાનુસાર અતિપાવનકારી મનાયેલી સાત સુપ્રસિદ્ધ મુક્તિપુરીઓ માંહેની એક શિવનગરી કાશી પણ છે. આપણા બ્રાહ્મણગ્રંથો, ઉપનિષદો, મહાકાવ્યો અને પુરાણોમાં એનો વારંવાર મહિમા ગવાયો છે. સ્કંદપુરાણના કાશીખંડમાં તો પૂરા પંદર હજાર શ્લોકોમાં આ કાશીપુરીનું માહાત્મ્ય પથરાયેલું છે. આમ, ઠેઠ પ્રાગૈતિહાસિકકાળથી પ્રવર્તમાન કાળ પર્યંત કાશીનું આપણી સંસ્કૃતિમાં અક્ષુણ્ણ મહત્ત્વ રહ્યું છે. કાળ પણ થંભી જાય એવી એની કીર્તિપતાકા છે.

કાશીપુરી અન્ય ઘણાં નામોથી પણ ઓળખાય છે. ‘અવિમુક્તક’, ‘વારાણસી’, ‘આનંદકાનન’, અને ‘મહાશ્મશાન’ એવાં એનાં અન્ય નામો પણ છે. હાલમાં એને ‘વારાણસી’નું સુપ્રચલિત નામ જ અપાયું છે.

આ નગરી ‘કાશી’ એટલા માટે કહેવાય છે કે અવર્ણનીય તેજોમય વિશ્વેવર ત્યાં સદાસર્વદા પ્રકાશી રહ્યા છે. ‘કાશ્-પ્રકાશને’ એ સંસ્કૃત ધાતુ પરથી આ નામ નિષ્પન્ન થયું છે અને એ પ્રકાશથી સર્વ પ્રાણીઓ માટે નિર્વાણનો પંથ ઉજાળી રહ્યા છે. એને અપાયેલા બીજા ‘અવિમુક્તક’ નામનો અર્થ ‘પાપમોચક’ થાય છે. (અવિ = પાપ, મુક્તક = છૂટી ગયેલ) અથવા તો ‘અવિમુક્તક’નો અર્થ ‘ન છૂટેલું’ એવો પણ થાય છે. એટલે કે “જે નગરીને ભગવાન શિવ ક્યારેય છોડતા નથી’’ – એવો ભાવ એમાંથી નીકળે છે. ‘વારણા’ અને ‘અસી’ નામની બે નદીઓના સંગમસ્થળે વસેલું હોવાથી એ શહે૨ને ‘વારાણસી’ નામ અપાયું છે. આ નામ જ અત્યારે ચલણમાં છે. આ સ્થાન, વિશ્વનાથને પરમ આનંદ આપનાર હોવાથી એનું નામ ‘આનંદકાનન’ પડ્યું છે. મરણ પામેલ વ્યક્તિની અહીં અંત્યેષ્ટિ થતાં એને મુક્તિ મળી જતી હોવાથી એનાં શરીરનાં પંચતત્ત્વો પાંચ મહાભૂતોમાં ભળી જાય છે, તેથી આ નગરીને ‘મહાશ્મશાન’ પણ કહે છે.

જાબાલોપનિષદમાં ‘અવિમુક્તક’ શબ્દનો ‘તારક’ એવો બીજો અર્થ પણ બતાવ્યો છે. બ્રહ્મનું ધ્યાન કરવાની ખાસ જગ્યા બે ભ્રમરોની વચ્ચેની નાકની અણીને આલંકારિક ભાષામાં ‘વારણ’ (દૂષણો ને રોકનાર) કહે છે અને ‘નાસી’ શબ્દનો અર્થ ‘પાપનાશક’ થાય છે એટલે ‘વારાણસી’ શબ્દનો બીજો અર્થ ‘દૂષણો રોકનાર અને પાપનો નાશ કરનાર’ એવો પણ વિદ્વાનોએ કર્યો છે.

પ્રાચીનતા, પરંપરા અને અધ્યયન-અધ્યાપનની દૃષ્ટિએ વારાણસી ભારત વર્ષનાં હૃદય સમું છે. સમગ્ર માનવજાતિના ઈતિહાસમાં જૂનામાં જૂના સમયથી એ શહે૨ વિદ્યાના ધામ તરીકે લાંબામાં લાંબા સમય સુધી અવિચ્છિન્ન રીતે ચાલુ રહ્યું છે. વિદ્વત્તાનો વિજય આ નગરમાં આવીને જ પૂર્ણ કરી શકાય છે. હજુ આજે પણ વારાણસી નગરે પરંપરા પદ્ધતિના સંસ્કૃત અધ્યયનની બાબતમાં પોતાનો યશ અકબંધ જ રાખ્યો છે.

ભગવાન વિશ્વનાથ આ નગરના અધિષ્ઠાતા દેવ છે. કાશી વિશ્વેશ્વરનું આદિ સૂક્ષ્મ જ્યોતિર્લિંગ હિન્દુ  વાઙ્મયના પુરાણ અને મહાકાવ્યના છેક શરૂના સ્તરોથીય પુરાણું હોવાનું માનવામાં આવે છે, અને ભારતનાં પ્રખ્યાત બાર જ્યોતિર્લિંગો પૈકીનું એ એક છે. વિશ્વેશ્વર કે વિશ્વનાથનું મંદિર મૂર્તિભંજક વિદેશી આક્રમણકારો દ્વારા એકધારું નષ્ટભ્રષ્ટ થતું જ રહ્યું છે. પણ દરેક વખતે પાછું વળી લગભગ એ જ સ્થળે તરત જ પુનર્નિર્મિત પણ થતું જ રહ્યું છે. અન્ય મંદિરોની પેઠે આ મંદિર પણ વિરોધીઓના ઝનૂનનો ભોગ બનીને અવારનવા૨ ધ્વસ્ત થયું છે. ધ્વંસ અને પુનર્નિર્માણનો આ સિલસિલો ઈ.સ. ૧૪૯૪માં સિકંદર લોદીએ વારાણસી કબજે કર્યું ત્યાં સુધી ચાલુ જ રહ્યો. છેવટે સિકંદર લોદીએ મંદિરને સાવ નામશેષ કરી નાખ્યું અને મૂળ જગ્યાએ પણ મંદિરના પુનર્નિર્માણ ૫૨ પ્રતિબંધ લાદી દીધો.

આ પછીનાં સિત્તેર વર્ષો સુધી વારાણસી ભયંકર દુષ્કાળના ઓળાઓ અને અન્ય આપત્તિઓમાં જાણે કે જીવન-મ૨ણ વચ્ચે ઝોલાં ખાતું રહ્યું. હિન્દુ અધિકારીઓ અને પંડિતોએ આપત્તિઓમાંથી બચવા – બચાવવા માટે અનેકવાર બાદશાહ પાસે મંદિરના પુનર્નિર્માણ પરની બંધી ઉઠાવી લેવાની કાકલૂદીઓ કરી જોઈ પણ એમાં તેઓ નિષ્ફળ જ નીવડ્યા. વારાણસી પોતાના ઈષ્ટદેવની નિયમિત પૂજા-અર્ચનાથી આમ વર્ષો સુધી વંચિત જ રહ્યું. ક્યાંય જોયા-જાણ્યા ન હોય એવા ભારે દુષ્કાળોએ એને ભરડો લીધો. ચોતરફ ફેલાયેલી અનેકવિધ આપત્તિઓથી લોકો ત્રાસી ગયા અને ક્રમેક્રમે તેમની સ્થિતિ ખરાબમાંથી વધુ ખરાબ બનતી ચાલી.

એ વખતે વારાણસીમાં નારાયણ ભટ્ટ નામના એક વિદ્વાન તપસ્વી અને સાધુચરિત બ્રાહ્મણ વસતા હતા. એવું કહેવાય છે કે આ કપરા કાળમાંથી ઉગરવાનો ઉપાય શોધવા મુસ્લિમ સહિતના વારાણસીના રહેવાસીઓ તેમની સલાહ લેવા ગયા હતા. નારાયણ ભટ્ટ બાદશાહ પાસે ગયા અને જણાવ્યું કે, વારાણસીની વિપત્તિઓ અને દુષ્કાળની હારમાળાઓનું કારણ વિશ્વનાથના મંદિરનો અને વિશ્વનાથની નિયમિત પૂજા-અર્ચનાનો અભાવ જ છે. એટલે મંદિરના પુનર્નિર્માણ પરની બાદશાહી બંધી તરતજ ઉઠાવી લેવી જોઈએ.

ઉપરાઉપરી પડી રહેલા દુષ્કાળોથી બાદશાહ પણ ભયભીત તો હતો જ. એટલે એણે પ્રતિબંધ તો ઉઠાવી લીધો પણ એક શરત મૂકી કે બંધી ઉઠાવ્યા બાદ અમુક ચોક્કસ સમયગાળામાં જ જો વરસાદ ન થાય તો નારાયણ ભટ્ટ એને માટે જવાબદાર રહેશે. નારાયણ ભટ્ટે શરત કબૂલ રાખી અને એક ગંભીર અનુષ્ઠાન આદર્યું. એને પરિણામે ચોતરફ ભારે વરસાદ થયો. આમ, લગભગ ઈ.સ. ૧૫૬૯માં મંદિરનું પુનર્નિર્માણ થયું. પણ ઈ.સ. ૧૬૬૯માં કમભાગ્યે ઔરંગઝેબે એનો પાછો ધ્વંસ કર્યો. વર્તમાન સમયનું મંદિર ઈંદોરનાં રાણી અહિલ્યાબાઈએ ઈ.સ. ૧૭૮૩માં બંધાવ્યું છે. શિવદર્શનાર્થી લાખો લોકો પ્રતિવર્ષ આ મુખ્યમંદિરની મુલાકાત લે છે. આ મંદિરનું શિખર સાડા બાવીસ મણ સોનાથી મઢાયું છે. આ સોનું પંજાબના મહારાજા રણજિતસિંહે ઈ.સ. ૧૮૩૯માં ચઢાવ્યું હતું. એમ મનાય છે કે આ વિશ્વનાથના ચરણોદકથી શ્રદ્ધાળુઓના અસાધ્ય ગણાતા રોગો અને ભયંક૨ ચિંતાઓ પણ દૂર થઈ જાય છે. મંદિર પાસે જ્ઞાનવાપી આવેલી છે. મંદિરના ધ્વંસ વખતે વિશ્વનાથ અહીં પ્રવેશ્યા હોવાનું કહેવાય છે.

યાત્રાળુઓ મણિકર્ણિકાઘાટથી શરૂ કરીને લગભગ પચાસ માઈલના ઘેરાવામાં ઘૂમે છે એને ‘પંચકોશી યાત્રા’ કહેવાય છે. આ પંચકોશી યાત્રામાં વિશ્વનાથના મંદિર ઉપરાંત બીજા પાંચ ખાસ સ્થળો છે. એમાં ‘લોલાર્ક’ નામે ઓળખાતું સૂર્યમંદિરથી શોભતું ‘અસી’ અને ગંગાનું સંગમ-સ્થાન પહેલું છે; બીજું સ્થાન કેશવમંદિરથી શોભતું વારણા અને ગંગાનું સંગમસ્થાન છે; ત્રીજું સ્થાન બિંદુમાધવના મંદિરથી વિભાજિત પંચગંગાઘાટ છે. કિરણા, ધૂતપાપા, ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનું આ મિલનસ્થાન ગણાય છે. અહીંનું ‘કાર્તિકસ્નાન’ ઘણું માહાત્મ્ય ધરાવે છે. અજમેરના રાજા માનસિંહે બંધાવેલ આ ઘાટ ૫૨ માધવરાજનો ખૂબ ઊંચો સ્તૂપ મરામતના અભાવે ખંડેર જેવી હાલતમાં ખડો છે. એક વખત એના ૫૨ ચડીને આખું કાશી જોઈ શકાતું પણ આજે એના બૂરજો ભાંગી ગયા છે. અત્યારે એ પુરાતત્ત્વ ખાતાના હાથમાં છે. કહેવાય છે કે જૂના જમાનામાં પંડિત જગન્નાથે પોતાની મુસ્લિમ પત્ની સાથે અહીં જ ગંગાની ગોદમાં શરણું લીધું હતું. ચોથું સ્થાન દશાશ્વમેઘઘાટ છે. પ્રાચીન સમયમાં ભારશૈવ રાજાઓ અશ્વમેધયજ્ઞો કરતા. યજ્ઞો પછી આ ઘાટ પર તેઓ અવભૃથ સ્નાન કરતા. એવુંય કહેવાય છે કે મહારાજા દિવોદાસે અહીં જ અશ્વમેધ યજ્ઞ કર્યો હતો. પાંચમું સ્થાન મણિકર્ણિકાઘાટ છે. કથા કહે છે કે તીવ્ર તપશ્ચર્યા આચરતા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી એક ખાઈ બનાવી અને તપશ્ચર્યાથી ઉત્પન્ન થયેલા પરસેવાથી એને ભરી દીધી ત્યારે પ્રશંસામુગ્ધ શિવજીએ એમનું માંથુ હલાવ્યું. તેથી વિષ્ણુનાં મણિજડિત કર્ણકુંડલો ખાઈમાં પડી ગયા. એના પશ્ચાત્તાપરૂપે શિવજીએ શપથ લીધા કે અહીં મરણ પામનારના કાનમાં તેઓ સર્વકામનાઓને પૂર્ણ કરનાર અને મુક્તિદાયક તારકમંત્ર ફૂંકશે. પાસે આવેલા સતીકુંડ સાથે પણ આને મળતી સતીની એક બીજી કથા જોડાઈ છે. આથી આ ઘાટને મણિકર્ણિકાઘાટનું નામ મળ્યું છે.

આજે પણ પ્રસ્તુત ગણાય એવી એક બહુ જ અગત્યની વાતની નોંધ લેવાનું મન થાય છે કે ઠેઠ સોળમી સદીના સમયમાં નારાયણ ભટ્ટે એવી ઘોષણા કરી હતી કે મણિકર્ણિકામાં બ્રાહ્મમુહૂર્તે સ્નાનપૂત થયેલાને સ્પૃશ્યાસ્પૃશ્યના ભેદભાવો હોય જ નહિ – કૃપાળુ શિવજીનું આ વચન છે!

એક કિંવદન્તી એવી છે કે એક વાર વ્યાસ ભગવાન ભૂખ લાગવાથી ભિક્ષાર્થે કાશીમાં ફરતા હતા. પણ કોઈએ એમને કશું ન આપ્યું એટલે ક્રોધથી “કાશીવાસીઓમાં ત્રણ-ચાર પેઢીઓ સુધી વિદ્વત્તા, વૈભવ અને મૈત્રીનો અભાવ રહેશે” – એવો શાપ આપવા તત્પર થયા ત્યારે ખુદ શિવજીએ ગૃહસ્થરૂપ ધારણ કરીને તેમને સુંદર ખાદ્યાન્નથી શાંત પાડ્યા હતા અને કાશીને શાપમુક્ત કરી હતી. આ કિંવદન્તી શિવજીનો કાશીપ્રેમ દર્શાવે છે.

ગંગાકાંઠે લગભગ પાઘડી પને વસેલી વારાણસીનગરીને સ્વાભાવિક રીતે જ સ્નાનઘાટોની આવશ્યક્તા રહે એટલે અહીં એવા ચોસઠ ઘાટો રચાયા છે. આમાંથી કેટલાક ખૂબ પુરાતન છે, ત્રણચાર ઘાટોનો સમાવેશ પંચતીર્થીમાં થયો છે. પ્રાચીન હરિશ્ચન્દ્ર ઘાટ સત્યવાદી રાજા હરિશ્ચન્દ્રની યશોગાથા ગાતો ઊભો છે. ત્રિપુરાભૈરવી ઘાટ દક્ષિણ ભારતીય લોકોમાં ભારે મહત્ત્વ ધરાવે છે.

વારાણસીમાં ઘાટોની પેઠે મંદિરો પણ અપરંપાર છે. એક તરફ વિશ્વનાથમંદિરથી જરા પહેલાં આવતાં અન્નપૂર્ણા મંદિરમાં અન્નપૂર્ણાની ભવ્ય સ્વર્ણમૂર્તિ છે. પાસે અન્નપૂર્ણા પાસે ભિક્ષા માંગતા ત્રિપુરારિ દેખાય છે, તો વળી બીજી બાજુ એ મંદિરની પાસેની જ ગલીને છેડે સર્વપાપહ૨ ઢુંઢિરાજ ગણેશની વિશાલકાય પ્રાચીન મૂર્તિવાળું મંદિર છે. વિશ્વનાથમંદિરથી થોડે દૂર અગ્નિ ખૂણે વિશાલાક્ષીમાતાનું આકર્ષક મંદિર છે, તો મંદિરને ઈશાન ખૂણે એકાદ કિ.મિ. ૫૨ બાજીરાવ પેશ્વાએ ઈ.સ. ૧૭૯૫માં બંધાવેલ કાલભૈરવનું મંદિર છે, એ ‘કાશીના કોટવાળ’ લેખાય છે અને આવાં આવાં તો અનેકાનેક મંદિરો અહીં છે.

આ મંદિરો અને સ્નાનઘાટો ઉપરાંત વારાણસીમાં પ્રેક્ષણીય સ્થાનો પણ કંઈ ઓછાં નથી. વારાણસીનું માલવીયજી નિર્મિત હિન્દુવિશ્વવિદ્યાલય આપણને અહોભાવથી વિભોર કરી મૂકે છે. એનું ભવ્યાતિભવ્ય પ્રવેશદ્વાર જ આપણને સ્તબ્ધ કરી દે છે. એના પરિસરમાં બિરલાએ બંધાવેલું વિશાલ ભવ્ય વિશ્વનાથમંદિર, મંદિરની દીવાલો પરનાં ઉદ્ધરણો, શિવલિંગ અને અન્ય મૂર્તિઓ ખૂબ આકર્ષણ જમાવે છે. આ વિશ્વવિદ્યાલયની સુંદરલાલ હૉસ્પિટલ, સંસ્કૃત કૉલેજ અને ગાયકવાડ લાયબ્રેરીના વિભાગો પણ ખાસ જોવા લાયક છે.

વિદ્યાપીઠ રોડ પ૨ આવેલ ‘ભારતમાતાનું મંદિ૨’ એક અન્ય પ્રેક્ષણીય સ્થળ છે. અહીં આરસને કાપી કાપીને આખા ભારતનો નકશો બનાવ્યો છે. એમાં સાગરનું ઊંડાણ અને પર્વતની ઊંચાઈ પણ બરાબર માપસર બતાવ્યાં છે. એની પાસે વિદ્યાપીઠનું પુસ્તકાલય છે.

કાશીની દક્ષિણે, ગંગાને જમણે કાંઠે આવેલો રામનગ૨નો કિલ્લો પણ જોવા જેવો છે. સેંકડો વર્ષોથી એ ગંગાની શોભા વધારી રહ્યો છે. આ છટાદાર કિલ્લામાં પ્રાચીનકાળની ઘણી વસ્તુઓ રખાઈ છે. કાશીનરેશ અહીં વસે છે.

૧૯૬૪માં જ બંધાયેલું તુલસી માનસમંદિર પણ પ્રેક્ષણીય છે. વીસ લાખ રૂપિયાના ખર્ચે નિર્મિત આ આખું મંદિર આરસપહાણનું છે. એની દીવાલો ૫૨ આખું રામાયણ કોતર્યું છે. અંદર રામની મૂર્તિ બિરાજે છે. આવાં તો ઘણાં સ્થાનો છે. એમાં કાશી વિદ્યાપીઠ અને સંસ્કૃત વિશ્વવિદ્યાલય જેવાંનો સમાવેશ થાય છે.

વારાણસી બૌદ્ધોનું પણ એક પરમ તીર્થસ્થળ છે. આજે વસેલા વારાણસીથી સાતેક માઈલ ઉત્તરે બૌદ્ધતીર્થ સારનાથ છે. ભગવાન બુદ્ધે સર્વપ્રથમ ઉપદેશ અહીં જ આપ્યો હતો. અહીં ભારત સરકાર સંચાલિત સંગ્રહાલયમાં ભારત સરકાર દ્વારા પ્રચલિત મુદ્રા ચૌમુખી સિંહસ્તંભ (અશોકસ્તંભ) સહિતની તે જમીનમાંથી ઉત્ખનન દ્વારા પ્રાપ્ત થયેલી અનેક ચીજો રાખી છે. યાત્રીઓ માટે બિરલાએ બંધાવેલી ધર્મશાળાની સામે મૂલગંધ કુટિવિહાર છે. મૂલગંધ કુટિ વિહારમંદિર સિલોનના અનાગરિક ધર્મપાલે બંધાવ્યું છે. એમાં ભગવાન બુદ્ધની સોનેરી મૂર્તિ છે. દીવાલો ૫૨ બુદ્ધજીવનનાં જાપાની ચિત્રકારે બનાવેલાં ચિત્રો અંકાયાં છે. બુદ્ધે પોતાના પહેલા પાંચ શિષ્યોને જ્યાં ઉપદેશ આપ્યો હતો, તે સ્થળ સારનાથ જતાં રસ્તામાં જ આવે છે એ ચોખંડી સ્તૂપને નામે ઓળખાય છે. ચોતરફ બાંધેલી વાડની વચ્ચેના એક ટેકરા પર ગોળાકાર શિખર પર આવેલ એ સ્થાન દર્શનીય છે. અહીં ચીની પેગોડાના રૂપનું ચીની મંદિર પણ છે. એમાં જ્ઞાનમુદ્રાસ્થિત આકર્ષક બુદ્ધપ્રતિમા છે. અહીં અખંડ દીપજ્યોત જલે છે.

બૌદ્ધ રાજાઓના કાળમાં ખૂબ ઉન્નતિ પામેલ સારનાથ, કનિષ્ક અને ગુપ્ત રાજાઓના સમયમાં પણ એવું જ રહ્યું હતું. યુવંજય જાતક અનુસાર બૌદ્ધ પરંપરામાં વારાણસીને સરંધન, સુદર્શન, બ્રહ્મ, બ્રાહ્મવર્ધન, પુષ્પવતી અને રમ્ય એવાં નામો પણ અપાયાં છે. ત્યારે કાશી એક પ્રદેશનું નામ હતું અને વારાણસી એની રાજધાની હતી. બૌદ્ધકાળમાં કાશી કોસલ સામ્રાજ્યનો એક ભાગ હતો. સાતમી સદીમાં હ્યુ-એન-સંગે કાશી વિશે લખ્યું: “અહીં શિલ્પ અને કાષ્ઠકલાથી મંડિત ઉત્તુંગ શિખરોવાળાં અને વિશાળ મંડપોવાળાં વૃક્ષાચ્છાદિત વીસ દેવમંદિરો છે. એની ચારે બાજુ શુદ્ધજલ વહે છે. અહીં સોએક ફૂટ ઊંચી, ગંભીર-ભવ્ય અને સજીવ લાગતી મહાદેવની પિત્તળની પ્રતિમા છે.” હ્યુ-એન-સંગનું આ વર્ણન, પ્રાચીન-કાળમાં પંચગંગા ઘાટ પરના વિશાળ શિવ-મંદિરનો નિર્દેશ કરતું હોય એમ લાગે છે. એ મંદિરનો ઔરંગઝેબે ધ્વંસ કર્યો હતો.

આ રીતે કાશી શિવનગરી છે, બુદ્ધધામ પણ છે અને શક્તિપીઠ પણ છે. એની સાથે ભારતની કેટકેટલી સાંસ્કૃતિક, ઐતિહાસિક અને પૌરાણિક ઘટનાઓ સંકળાયેલી છે! ભગવાન શંકરના ત્રિશૂલ પર રાજા દિવોદાસે અહીં જ નગર વસાવ્યું હતું, અહીં જ સત્રાજિતના પુત્ર શતાનીકે કાશીના અશ્વમેધનો ઘોડો બાંધ્યો હતો, અહીં જ બાલાકિ ગાર્ગ્યે કાશીનરેશ અજાતશત્રુને બ્રહ્મોપદેશ આપવાનો નિશ્ચય કર્યો હતો. પતંજલિએ મહાભાષ્યમાં ગંગા કાંઠે વસેલા કાશીનો જ વારાણસી તરીકે ઉલ્લેખ કર્યો છે.

બૌદ્ધ ધર્મગ્રંથોમાં આ જ વારાણસીને મહાન અને સુવિખ્યાત નગરી વર્ણવી છે. બુદ્ધ ભગવાને અહીં જ સર્વપ્રથમ ઉપદેશ આપીને ધર્મચક્રપ્રવર્તન કર્યુ હતું. આ જ મૃગદાય, ઈસીપત્તન કે સારનાથ નામે અલંકૃત છે. તક્ષશિલાની હરોળમાં ઊભા રહે તેવા વિખ્યાત હિન્દુ વિશ્વવિદ્યાલયની આ જ ભૂમિ છે. દરેક સંસ્કૃતિ પ્રેમી અને ધર્મપ્રેમી અહીં જ જીવનનો ઉત્તરકાળ વિતાવવા ઝંખે છે. અહીં જ તુલસીદાસ, રામાનંદ, કબીર, મધુસૂદન સરસ્વતી વગેરે અનેકાનેક સંતો રહ્યા છે. સંગીતકલાના કેટલાય મર્મીઓએ આ સ્થાનને જ પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે. જાણે કે આ ભૂમિમાં જ ભારતીય આચારવિચાર, જ્ઞાન, ધર્મ, સંસ્કાર, દર્શનના ભરપૂર ભંડારો સચવાયેલા પડ્યા છે. હજારો વર્ષોથી લાખો લોકો અહીં પાવન થવા આવ્યા કર્યા છે. વિશ્વભરના વિદ્વાનોનું આ જ પરિતોષજનક પ્રામાણિત સ્થાન છે. આ જ અશરણનું શરણ છે. અહીં જ મૃત્યુ મંગલમય બને છે. શ્રેય-પ્રેયનો અહીં સંગમ છે. ભારતના આ એક જ શહે૨માં ત્રણત્રણ વિશ્વવિદ્યાલયો છે.

વિયેના યુનિવર્સિટીના ઈતિહાસ અને રાજનીતિના પ્રોફેસર ડૉ. હાવર્ટ કોન વિકસીએ લખ્યું છે કે ‘‘એક ઈતિહાસવિદ્ હોવાની હેસિયતથી હું કહી શકું છું કે ભારતીય સંસ્કૃતિમાં જન્મ પામનાર કાશીવાસી એક એવા દિવ્ય લોકમાં વસે છે કે જેનાં પ્રાચીન અથવા અર્વાચીન ગૌ૨વની તુલના, વિશ્વના કોઈ પણ સ્થાનના ઈતિહાસ સાથે કરી શકાય નહિ.”

Total Views: 84

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.