(સ્વામી રંગનાથાનદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાઘ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૭-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત આ લેખ ‘Eternal Values For a Changing Society’ ગ્રંથમાંથી ગ્રંથકારની પરવાનગીથી પ્રકાશિત કરી રહ્યા છીએ.)

૧. પ્રાસ્તાવિક

તમારી સૌની સામે આવી આજે ‘યુવા વર્ગ અને માનવતાનું ભાવિ’ વિશે બોલતાં મને આનંદ થાય છે. જુવાન હોય છે ત્યારે ઘણા માણસોમાં એક પ્રેરક લક્ષણ જોવા મળે છે તે છે આદર્શવાદની ભાવના, કોઈ મોટું કાર્ય કરવાની આતુરતા અને જીવનમાં મહાન સિદ્ધિઓને વરવાનું સ્વપ્ન. યૌવનનું આ જ લક્ષણ છે. ૧૬થી ૨૫ વચ્ચેની વયના હોય છે ત્યારે, બધા જુવાનો સ્વપ્નો સેવે છે: ‘મારા જીવનને હું કેવી રીતે ઘડીશ? જગતમાં હું શો ભાગ ભજવીશ?’ પોતાના ભાવિ વિશે આમ સ્વપ્નો સેવવાં ખૂબ આનંદદાયક છે. આવાં સ્વપ્નો યુવાનોનો વિશિષ્ટ અધિકાર છે આવાં સ્વપ્નો અને એમને સાકાર ક૨વા લેવાતા માર્ગો પણ માનવજાતિના ભાવિના સાક્ષાત્કારનો આધાર છે.

૨. જગતને હલબલાવનાર બે યુવકો

આ રીતે જુવાનીમાં સ્વપ્ન સેવનાર અને પોતાના જીવનમાં એ સ્વપ્નોને સાચાં પાડનાર બે માણસો આપણા દેશના ઈતિહાસમાં આપણને જોવા મળે છે. બેમાંના પ્રથમ બુદ્ધ ઈ.સ. પૂર્વેના છઠ્ઠા સૈકામાં હયાત હતા. એમનું પૂર્વજીવનનું નામ ગૌતમ હતું અને પછી એ ગૌતમ બુદ્ધ તરીકે ઓળખાયા. એ જન્મ્યા ત્યારે, સંતોએ આવીને એમને જોયા. બાલ્યાવસ્થામાં હજી એણે સ્વપ્ન સેવન શરૂ કર્યું ન હતું. બાળક ઘણો નાનો હતો. આ સંતો દૂરદર્શી હતા. બાળક વતી તેમણે સ્વપ્ન જોયું અને ભાખ્યું કે, ‘‘આ બાળક બીજા ગૃહસ્થીઓની માફક આ સંસારમાં રહેવાનું પસંદ ક૨શે તો, તે ચક્રવર્તી થશે; ખૂબ સત્તા ભોગવશે તથા ખૂબ કલ્યાણ ક૨શે;” આ એક ચિત્ર હતું. એમણે બીજું ચિત્ર પણ આપ્યું: “પણ બાળક સંસારનો ત્યાગ કરશે તો, એ આત્માનો શહેનશાહ બનશે અને કોટિ લોકોનાં હૈયામાં પ્રવેશ ક૨શે.”

એ બાળકમાં બેઉ શક્યતાઓ હતી અને, પછી શું બન્યું તે આપણે સૌ જાણીએ છીએ. યુવાન સિદ્ધાર્થને આ ભવિષ્યવાણીની અને પોતાની સમક્ષના બે વિકલ્પોની જાણ હતી. એ રાજકુમાર હતા, પિતાના પ્રીતિપાત્ર હતા. અને પિતા એને રાજા થવાની તાલીમ આપતા હતા. એ માંડ ૨૯ વર્ષના થયા ત્યાં, એમના મનમાં બીજી મહેચ્છા જાગી ઊઠી. એ એમને ખૂબ ગમી ગઈ અને એમણે એક મહાન નિર્ણય લીધો: “પૈસા, સત્તા અને ભોગના સંસારને હું છોડીશ અને, આ ભૌતિક જગતનો નહીં પણ, આત્માના જગતનો સમ્રાટ બનીશ.” આ અસાધારણ નિશ્ચય હતો. ૨૯ વર્ષના યુવાન, તંદુરસ્ત અને શક્તિશાળી સિદ્ધાર્થના ગૃહત્યાગનાં ચિત્રો ઈતિહાસકારોએ, કલાકારોએ અને લેખકોએ આપણને આપ્યાં છે. ઘર છોડી અનિકેત બની બુદ્ધગયાના શાંત અને નીરવ વનમાં એ બુદ્ધ થયા અને પછીનાં ૧૦૦૦ વર્ષોમાં એ શાંતિથી ભારતનાં અને એશિયાનાં કરોડો લોકોનાં હૃદયમાં પ્રવેશ્યા તે એ ત્યાગને અને આધ્યાત્મિક સાક્ષાત્કારને કારણે. માનવ ઈતિહાસ પર અસર પાડનાર એક જુવાનના જીવનમાં સ્વપ્નો અને તે પછીની ઘટનાઓનું આ એક મોટું દૃષ્ટાંત છે.

બીજું દૃષ્ટાંત હું પસંદ કરું છું આપણા પોતાના જમાનાનો, સ્વામી વિવેકાનંદનો. એ નાના નરેન્દ્રનાથ હતા ત્યારે ઊંડા આદર્શવાદી હતા, હિંમતવાન હતા, નિર્ભય હતા અને દૃઢ મન તથા દેહવાળા હતા. કિશોર વયે એ સૂવા જતા ત્યારે એમના ચિત્તમાં ભાવિ મહત્તાનાં બે ચિત્રો ઉપસતાં. પહેલું ફતેહમંદ સંસારી તરીકે પોતે, ગૃહસ્થ તરીકે, નાગરિક તરીકે, અદ્ભુત અને અસાધારણ કાર્ય દ્વારા જગતનું ભલું કરતા હોય તેવું. બીજું ઈશ્વર સિવાય અન્ય કશું પાસે રાખ્યા વગર ભ્રમણ કરતા સંન્યાસી તરીકે માનવજાતનું ખૂબ ભલું કરતા હોય તેવું. રોજ આ બે ચિત્રો એમના મન પર આક્રમણ કરતાં. એમણે જે જીવનરાહ લીધો તે ઘડનાર શ્રીરામકૃષ્ણ હતા. નરેન્દ્રનાથે સંસાર ત્યજ્યો; ભગવાનના માણસ બન્યા; પૂર્વમાં તથા પશ્ચિમમાં આત્માઓને જગાડનાર બન્યા. જગતના વિવિધ ભાગોના કરોડો લોકોને તેમણે શક્તિ, ધૈર્ય અને આનંદ આપ્યાં અને આપી રહ્યા છે અને, ભવિષ્યમાં પણ આપતા રહેશે. એમણે નવીન સાધુ સંઘ ઊભો કર્યો- રામકૃષ્ણ મઠનો, બૌદ્ધ, ખ્રિસ્તી અને શાંકર સંઘોના ખ્યાલો અને આદર્શોનું તેમાં સુભગ મિશ્રણ તેમણે કરેલું છે.

૩. મનુષ્ય અને તેનું મહાન ભાવિ

અનેકમાંથી આ બે દાખલા છે. પરંતુ, તમે સર્વ ભાવિનાં આ સ્વપ્નનો અભ્યાસ જુવાનોનાં જીવનમાં કરી શકો છો: ‘હું શું બનું? મારા ભવિષ્યને હું કેવો ઘાટ આપું? મારા જન્મ સમયે મળેલી ચૈતસિક દૈહિક શક્તિના પડીકાનું મારે શું કરવું?’ આજે ભારતમાં, આપણા સઘળા યુવાનો આ પ્રકારનાં સ્વપ્નો સેવે તેની, અને સુદૃઢ પાયા ૫૨ પોતાનાં જીવનને રચી તે સ્વપ્નો સાકાર કરવાના સંપ્રજ્ઞાત પ્રયત્નની આપણને જરૂર છે અને એમ તેઓ ક૨શે ત્યારે, એમને સહાયની અને માર્ગદર્શનની જરૂર પડશે તો, દેશના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા પાસેથી તેમને અઢળક સહાય મળી રહેશે. પોતાની જાતને એમણે પૂછવું જોઈએ:

“જિંદગીનો ક્યો રાહ મારે લેવો? એ બાબત હું ચોક્કસ નથી પણ એક બાબતની મને ખાતરી છે કે મારે મારા ભાવિ વિશે આત્મશ્રદ્ધા કેળવવી જોઈએ, જીવનના હેતુમાં મને શ્રદ્ધા હોવી જોઈએ. હું રચનાત્મક રહીશ અને, એક યા બીજા પ્રકારની માનવઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરીશ. હું કદી ચીલાચાલુ, અર્ધો મરેલો, પરંપરામાં ઢળેલો, અને અસ્પંદ મનનો નહીં રહું.”

આપણા યુવાનોમાં આદર્શવાદની આ સમર્થ અને સ્થિર સમૃદ્ધિ હોવી જોઈએ અને પોતાના સમગ્ર જીવન દરમિયાન એને જીવતી રાખવાનો પ્રયાસ તેમણે ક૨વો જોઈએ. આ પ્રકા૨નો આદર્શવાદ સેવવામાં જ્યારે જ્યારે લોકોને સફળતા મળે છે ત્યારે, જીવનના – દરેક ક્ષેત્રમાં- ગૃહસ્થના, નાગરિકના કે સંન્યાસીના – તેમને જરૂરી માર્ગદર્શન આપણા સમૃદ્ધ આધ્યાત્મિક વારસામાંથી મળી રહે છે. સંસ્કૃતમાં જેને ગૃહસ્થ કહ્યા છે તે સંસારની ધુરા વરનારને આપણી ભારતીય પરંપરામાં ખૂબ વિકસિત પુરુષ તરીકે દર્શાવાયો છે. મહાન સ્મૃતિકાર મનુ, એમની ‘મનુસ્મૃતિ’માં ગૃહસ્થને સમાજમાં સૌથી ખ્યાત પુરુષ કહે છે. (મ. સ્મૃ. ૩.૭૮)

યસ્માત્ ત્રયોપ્યાશ્રમીણો જ્ઞાનેનાન્ને ચાન્વહમ્।
ગૃહસ્થેનૈવ ધાર્યન્તે તસ્માત્ જ્યેષ્ઠાશ્રમોગૃહી।।

જ્યેષ્ઠાશ્રમ એટલે સૌથી મુખ્ય આશ્રમ. પોતાના શ્રમથી, સેવાભાવથી, પોતાની બુદ્ધિથી એ બાકીના સમાજને પોષે છે. જેનાં રસ અને સહાનુભૂતિ કેવળ પોતાના જ ઘર પૂરતાં મર્યાદિત છે તેવા, છેલ્લી કેટલીક સદીઓથી જનીન રીતે જીવવાને ટેવાવા ઘડાઈ ગયેલા આપણાં સંસારીજનોના પ્રકાર કરતાં આ પ્રકારનો ગૃહસ્થ ક્યાંય આગળ છે. આજના સંદર્ભમાં, એ પુરુષ કે સ્ત્રી એવાં નાગરિક છે જેનાં અર્થો, સહાનુભૂતિઓ અને પ્રવૃત્તિઓ પોતાના જનીનવૃંદથી ૫૨ ઊઠે છે; જે, સમાજમાં રહીને, તેમાં કામ કરીને તેના ભાવિને ઘાટ આપે છે. નાગરિકતાની આ સમજ માત્ર રાજકીય ખ્યાલ મટીને નૈતિક પરિમાણને ધારણ કરનાર બને છે. આ રીતે નાગરિક તરીકે વિકસતા ગૃહસ્થના વિકાસમાં આધ્યાત્મિક વિકાસ પણ ભાગ ભજવે છે. ગૃહસ્થ શબ્દની જનીન મર્યાદાઓથી ઉપર આ વિકાસ તેને ઊઠાવે છે અને, માનવતાથી પ્રેરાઈને સમાજના બીજા સભ્યો ભણી હાથ લાંબો કરતો તેને કરે છે. આથી વધારે ઉદાત્ત કાર્ય બીજું શું હોઈ શકે? આપણાં બધાં યુવકયુવતીઓ માટે આ રાજમાર્ગ ખુલ્લો છે.

પણ આપણી પરંપરા એક બીજો રાજમાર્ગ પણ ચીંધે છે: સર્વસ્વના ત્યાગનો અને સેવાનો. ‘‘એનાં સુખદુઃખ સાથેના આ સંસારનો હું ત્યાગ કરીશ, વાંશિક અને ઈન્દ્રિયજન્ય બંધનોમાંથી હું મારી જાતને મુક્ત કરીશ, હું સત્યને સીધું શોધીશ; નાતજાતના, ધર્મના કે રંગના ભેદ વિના પ્રત્યેક મનુષ્યનો હું મિત્ર થઈશ.” બુદ્ધમાં, શંકરાચાર્યમાં કે વિવેકાનંદમાં મૂર્તિમંત થયેલા સાધુતાની પ્રકૃતિવાળા આ વૈશ્વિક અને મુક્ત મનને આપણા યુવકો અને યુવતીઓ અનુસરી અને વિકસાવી શકે છે.

આપણા યુવકો સમક્ષ આ બંને માર્ગો ખુલ્લા છે, અને આ બેમાંનો એક માર્ગ દરેક વ્યક્તિ તથા સમષ્ટિ માટે ખૂબ અગત્યનો છે. સ્વકેન્દ્રિતા, અચેતનતા અને દિશાહીનતાને આપણે દૂર રાખવાં જોઈએ પણ, સ્પષ્ટ ચિંતનના અભાવે, માનવપ્રકૃતિની અને એના ભાવિની સાચી સમજને અભાવે, આપણા યૌવનને આ જ પીડી રહેલ છે. માનવીમાં સુષુપ્ત રહેલી અનેક શક્યતા છે કારણ, એ જ્ઞાન અને ઉત્કૃષ્ટ ચારિત્ર્ય પ્રાપ્ત કરી શકે છે અને સત્યનો સાક્ષાત્કાર કરી શકે છે. અન્ય કોઈ માનવતર યોનિ જ્ઞાન મેળવી શકે નહિ કે સત્યને પ્રાપ્ત કરી શકે નહિ. પ્રાણીજીવન સુખદુ:ખ પર જ આધારિત છે. માત્ર મનુષ્ય પાસે સુખદુ:ખ અનુભવવાની અને એથી પર જવાની અને, જ્ઞાન તથા માનવીય ઉત્કૃષ્ટતા એ પહોંચવાની શક્તિ છે અને, એના દ્વારા, એ પ્રક્રિયા દ્વારા સત્યનો સાક્ષાત્કાર કરવાની શક્તિ છે.

૪. આ ગતિશીલ આદર્શવાદ પ્રેરિત યુવાનોની જગતને જરૂર છે.

કિશોરાવસ્થાથી, આ આદર્શોથી પ્રેરાઈને, ઉત્કૃષ્ટતાના પેલા પંથ ૫૨ કોઈ પગલાં ભરે છે ત્યારે, એ વ્યક્તિ સત્યની શોધક બની જાય છે – પ્રકૃતિનું સત્ય, જીવનનું સત્ય અને ઐન્દ્રિક સપાટીની પારનું સત્ય – એનું સમગ્ર જીવન સત્ય, સૌંદર્ય અને શુભની ખોજની એની આખી મજલ બની જાય છે. આથી સમાજને મોટો લાભ થશે કિશોરાવસ્થાથી જ નાનાં છોકરા છોકરીઓ થનગનતા આદર્શથી સભર ભર્યાં હોય, પોતાની શક્તિઓને સત્યની ખોજમાં વાળતાં હોય અને કેવળ વૈયક્તિક મહત્ત્વકાંક્ષામાં ન રાચતાં હોય. માનવ- ઈતિહાસમાં મહાન વિજ્ઞાન અને ઉચ્ચ આધ્યાત્મિકતા સત્યની આવી નિષ્ઠાભરી ખોજમાંથી પ્રગટ્યાં છે. આ લાગણીથી પ્રેરાતા યુવાનો વિશે આપણે વાંચીએ છીએ અથવા તેઓમાં આધ્યાત્મિક પ્રકાશ પ્રગટે છે અને એ માનવઈતિહાસ ૫૨ પદચિહ્નો મૂકતાં જાય છે. આનો આરંભ આપણે જુવાન હોઈએ ત્યારે થાય છે, ઘરડા અને થાકેલા થઈ જઈએ ત્યારે નહીં, કારણ, આપણે જુવાન હોઈએ છીએ ત્યારે જ મહત્તાનાં બધાં સ્વપ્નો આવવા જોઈએ અને આગળ ધપવાની યૌવન શક્તિથી જ તેમને સાચાં પાડી શકાય છે. ઘરડાં થઈએ છીએ ત્યારે આપણે ઘણું ખરું ભૂતકાળને વાગોળીએ છીએ. અનભવનું કોઈ નવું પરિમાણ આપણને પ્રાપ્ત થતું નથી. આપણે પાછળ નજર ફેંકીએ છીએ અને અગાઉ જે કર્યું તેનું સ્મરણ કર્યા કરીએ છીએ – જે આપણે કરવા ચાહતા હતા પણ જે ન કરી શક્યા તેનું અને વર્તમાન ભણી નજર કરીએ છીએ ત્યારે, આપણને એ દુઃખથી ભરેલો દેખાય છે, એમાં વળી આનંદના બેક દાણા અહીં તહીં નાખ્યા હોય. માણસના આંતરિક જીવનની કહેવાતી આ ભાત છે. પણ માણસ યુવાન હોય ત્યારે પોતાના જીવનમાં અતુલ સામર્થ્યનો પાયો રોપી શકે છે અને પોતાની આસપાસની માનવ પરિસ્થિતિ પર તેની અસર પાડી શકે છે. ભારતમાં અને વિદેશોમાં પ્રવર્તમાન સામાજિક પરિસ્થિતિ સ્પષ્ટ કરે છે કે, આદર્શને વરેલા, પોતાની સમક્ષ રાખેલા ધ્યેયની પાછળ મંડ્યા રહેવાની શક્તિ અને માનવીય ધગશવાળા લાખો ને લાખો યુવાનો નહીં હોય તો, થોડાક દાયકાઓમાં દુનિયા ઊંધી ચત્તી થઈ જશે. આપણો પોતાનો જ દેશ પોતાના લાંબા ઈતિહાસમાં આજે વિકાસના એક ગંભીર તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આપણા પોતાના સમાજ ઉપર કે વિશ્વની પરિસ્થિતિ ઉપર સ્વાસ્થ્યસભર અસર પાડી શકીએ એવી શિસ્તબદ્ધ શક્તિ આપણી પાસે નથી.

આપણી વિવિધ ઔદ્યોગિક નગરીઓમાં, વિદ્યુત ઉત્પાદન મથકોમાં, નવા બંધ અને નહેર મથકોમાં, ત્યાંના કર્મચારીઓને સંબોધવાના નિમંત્રણથી હું અનેક વાર જાઉં છું. જે કેન્દ્રોમાં આપણા મહાનદોને નાથીને વિદ્યુત ઉત્પાદન થાય છે અને નહેરોની જાળ ઊભી કરવામાં આવી છે જેથી આપણી જલવહેંચણીની શક્તિ વધી શકે છે તે કેન્દ્રોમાં હું ખાસ ગયો છું. આ જગ્યાએ જાઓ ત્યારે તમે ખૂબ પ્રભાવિત થાઓ છો. પ્રકૃતિની જે શક્તિઓ વિકરાળ છે, માનવ જીવનની અને માનવ સંપત્તિનો જે પૂર વડે વિનાશ સર્જે છે તેમને વશમાં લઈ માનવ હિતાર્થે તેમને વાળવામાં આવે છે. આ ક્ષેત્રમાં આપણે સંપૂર્ણ સિદ્ધિ હાંસલ નથી કરી પણ, આપણે જે હાંસલ કર્યું છે તે જરાય ઓછું નથી. વધારે ને વધારે હાંસલ કરવા માટે એકધારો પ્રયત્ન જારી છે જેથી, નિસર્ગની આ શક્તિઓ માણસની સેવામાં વાળી શકાય. આ ચિત્ર આશાસ્પદ છે. (ક્રમશઃ)

ભાષાંતર: શ્રી દુષ્યંત પંડ્યા

Total Views: 63

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.