(પ્રશ્નોત્તરી વિભાગ માટે અનેક સારા સારા પ્રશ્નો મળ્યા છે. બધાને આ વિશેષાંકમાં સમાવી લેવા શક્ય નથી. માટે બાકીના ચૂંટેલા પ્રશ્નો ક્રમશઃ આગળના અંકોમાં પ્રકાશિત કરીશું – સં.)

પ્રશ્ન- ૧. મનુષ્ય પ્રગતિ કરે છે. ત્યારે મહેનતથી આગળ આવ્યો છે. એમ કહે છે, જ્યારે નિષ્ફળ જાય ત્યારે નસીબને દોષ દે છે. આવું કેમ?

(હસમુખભાઈ ભોયા, ધરમપુર)

ઉત્તર: આ જ વિડંબના છે! આનું કારણ છે મનની નિર્બળતા. હિંમતવાન વ્યકિત બીજા કોઈ પર કે નસીબ પર દોષ ઢોળતો નથી, બધો દોષ પોતાના માથે વહોરી લે છે. કર્મનો સિદ્ધાંત કહે છેઃ “જેવું કર્મ કરશો, તેવું ફળ મળશે, વાવશો તેવું લણશો.’’ આંબલીનું ઝાડ વાવશો તો આંબલી મળશે અને કેરીનું ઝાડ વાવશો તો કેરી મળશે. પણ આજે કેરીનું ઝાડ વાવવાથી આજેજ કેરી ન મળે. કર્મનું ફળ અવશ્ય મળે છે. પણ ક્યારે મળશે એ ઘણાં બધાં પરિબળો પર આધાર રાખે છે. એટલે જ કેટલાક લોકોને નિષ્ફળતાનું પ્રત્યક્ષ કારણ જડતું નથી, ત્યારે નસીબને કે ભગવાનને દોષ દે છે. તો શું નસીબ જેવું – તકદીર જેવું – કંઈ નથી? અવશ્ય છે. પણ વિચાર કરવો જોઈએ કે આ તકદીરનું નિર્માણ કોણ કરે છે? આપણાં પોતાનાં જ કરેલ કર્મો. જો મારું વર્તમાન તકદીર મારા ભૂતકાળનાં કર્મોથી નિર્મિત થયું હોય તો તે પુરવાર કરે છે કે ભવિષ્યનું મારું તકદીર મારા વર્તમાનના પુરુષાર્થ દ્વારા નિર્મિત થશે. કોઈકે સરસ કહ્યું છે-

“કર ખુદ કો બુલંદ ઈતના કિ
હર તકદીર કે પહલે ખુદા બંદે સે
ખુદ પૂછે – ‘બતા, તેરી રઝા ક્યા હૈ?’’

એટલા માટે જ સ્વામી વિવેવકાનંદજી વારંવાર કહેતા- ‘‘તમે પોતે પોતાના ભાગ્યસૃષ્ટા છો.”

પ્રશ્ન-૨. શું મંદિરે જવાથી જ ઈશ્વરની આરાધના થઈ શકે છે? ઘેર બેઠા નથી થઈ શકતી? જો થઈ શકતી હોય તો કેવી રીતે?

(જયશ્રી એન. ટાંક – રાજકોટ)

ઉત્તર: ઘેર બેઠા પણ ઈશ્વરની આરાધના અવશ્ય થઈ શકે છે. મંદિરો બાંધવા પાછળ ભાવના એ રહેલ છે કે એક પવિત્ર જગ્યાએ ઘણા લોકો પોતાની શ્રદ્ધાભકિત ઠાલવતા હોય – સતત ભજનકીર્તન વગેરે ત્યાં ચાલતાં હોય, સતત પવિત્ર વિચારો ત્યાં પ્રવાહમાન થતા હોય, તો ધીરે ધીરે ત્યાં પવિત્ર તરંગોથી પૂર્ણ આધ્યાત્મિક વાતાવરણ સર્જાય છે. આથી મંદિરોમાં આરાધના કરવાથી મન તુરત જ શાંત અને એકાગ્ર બને છે. જો કે બધા મંદિરો આજકાલ આવા નથી રહ્યા. ઘરે બેઠા આરાધના કરવી હોય તો આ માટે સ્વામી વિવેકાનંદજી ‘રાજયોગ’માં સુંદર સૂચન કરે છે: “જેમની શકિત-સ્થિતિ હોય તેઓ સાધના માટે જ એક અલગ ઓરડો રાખે તે વધુ સારું. એ ઓરડામાં સૂવું નહીં, તેને પવિત્ર રાખવો. નાહી-ધોઈને શરીર ને મન શુદ્ધ ન થયાં હોય ત્યાં સુધી એ ઓરડામાં પેસવું નહીં, એ ઓરડામાં હંમેશા પુષ્પો રાખવાં, યોગીને માટે એવું વાતાવરણ ઉત્તમ છે. મનમાં સાત્ત્વિક ભાવ જગાવે એવાં ચિત્રો રાખવાં. સવાર-સાંજ ધૂપ ક૨વો. એ ઓરડામાં કજિયો, કંકાસ, ક્રોધ કે અપવિત્ર વિચારો ન કરવા. જેઓ તમારા જેવા સમાન વિચારવાળા હોય, માત્ર તેમને જ અંદર પેસવા દેવા. એ રીતે ઘીરે ધીરે એ ઓરડામાં પવિત્રતાનું વાતાવરણ ઊભું થશે. તેથી જ્યારે તમે શોકગ્રસ્ત હો, દુઃખી હો, સંશયમાં હો, અથવા તમારું મન વ્યગ્ર હોય ત્યારે તે ઓરડામાં પ્રવેશ કરવાની સાથે જ મન શાંત થશે.’’ જેઓ આવો અલગ ઓરડો ન રાખી શકે તેઓ ઓરડાનો એક ખૂણો આ માટે અલગ રાખી શકે અથવા તો એવા સમયે (પરોઢિયે) આરાધના કરવી, જ્યારે અન્ય લોકો સૂતાં હોય, ઘરમાં કોલાહલ ન થતો હોય.

પ્રશ્ન-૩. શું લગ્ન એ અનિવાર્ય અનિષ્ટ છે? જો હોય તો શા માટે?

(મહેશ ભડવાણિયા – ખારવા)

ઉત્તર: જેઓ ઉચ્ચ આધ્યાત્મિક સાધના માટે પૂર્ણ પવિત્ર જીવન જીવવા માગે છે તેવા થોડા લોકોને બાદ કરતાં મોટા ભાગના લોકો માટે લગ્ન અનિવાર્ય છે, એ સાચું, પણ તેને અનિષ્ટ કેમ કહી શકાય? લગ્ન એ પવિત્ર બંધન છે. સ્વામી વિવેકાનંદજી ‘કર્મયોગ’માં વાર્તા દ્વારા સમજાવે છે કે આદર્શ ગૃહસ્થ અને આદર્શ સંન્યાસી બન્ને પોતપોતાને સ્થાને સમાન રીતે મહાન છે, પણ એકનો ધર્મ તે બીજાનો ધર્મ નથી. આપણા યુગમાં આદર્શ લગ્નજીવનનું મોડેલ રજુ કરવા શ્રીરામકૃષ્ણદેવે શ્રીમા શારદાદેવી સાથે વિવાહ કર્યા હતા. અમેરિકામાં ઘણા વિવાહો છૂટાછેડામાં પરિણમે છે, પરિવારોનાં બંધનો તૂટી રહ્યાં છે એટલે ત્યાં કેટલાક લોકો પુનર્વિચારણા કરી રહ્યા છે કે પરિવારની પ્રથા જ કાઢી નાખીએ તો? જો ખરેખર એવું થાય તો માનવ અને પશુ વચ્ચે ભેદ શો રહેશે? માનવમાંથી દેવતા બનવા માટે વિવાહના બંધન ત્યાજ્ય છે; પશુ બનવા માટે નહિ. મોટા ભાગના લોકો માટે વિવાહ અનિવાર્ય છે. અને ઈષ્ટ છે. – અનિષ્ટ નહિ.

આ વિષય પર સિસ્ટર નિવેદિતાનો લેખ આ જ અંકમાં પ્રકાશિત થયો છે. તેને વાંચવાથી આ વાત સ્પષ્ટ થશે.

પ્રશ્ન-૪. એક સ્ત્રી થઈને સમાજ વિમુખ બન્યા વગર આસપાસનાં દૂષણો કઈ રીતે દૂર કરી શકાય?

(અમીશા ઉપાધ્યાય, પોરબંદર)

ઉત્તર: એક નારી ઘણું બધું કરી શકે. તેણે સમાજ વિમુખ બનવાનું નથી. આજે નારીઓની કેટલી બધી સમસ્યાઓ છે! નારીઓએ સંગઠિત થઈને આ બધી સમસ્યાઓનું સમાધાન કરવું પડશે. નારીઓમાં, વિશેષ તો ભારતીય નારીઓમાં આ માટે પૂરતી શક્તિ રહેલી છે. તેઓ એટલું યાદ રાખે કે તેઓ શકિત સ્વરૂપિણી છે. પોતાનામાં રહેલી દિવ્યતાનું પ્રગટીકરણ કરશે તો તેઓ અદ્ભુત કાર્ય સમ્પન્ન કરશે.

સ્વામી વિવેકાનંદજી કહેતા કે,“આગામી કાળમાં વેદાંતના વિચારોના પ્રચાર પ્રસાર દ્વારા વિશ્વમાં એક નવી સભ્યતાનો ઉદય થશે, અને આ કાર્યમાં નારીઓ વિશિષ્ટ ભૂમિકા ભજવશે.” ભારતીય નારીઓ પાસે સ્વામી વિવેકાનંદજીની ઘણી અપેક્ષાઓ હતી. ધીરે ધીરે આ અપેક્ષાઓ અવશ્ય પૂર્ણ થશે એના એંધાણ મળી રહ્યાં છે. દરેક ક્ષેત્રમાં ભારતીય નારીઓ આગળ આવી રહી છે. અમેરિકામાં નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ સ્ટેન્ડર્ડ એન્ડ ટૅક્નોલૉજીના ડાયરેક્ટર પદે ૩૧ વર્ષની એક ભારતીય યુવતી કુમારી આરતી પ્રભાકરનની નિમણૂંક થઈ છે. તેના કાર્યની પ્રશંસા ચારે તરફ થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય કક્ષાનું મેગ્સેસે એવાર્ડપ્રાપ્ત કરનાર ડૉ. કિરણ બેદીએ તિહાર જેલને તિહાર આશ્રમમાં પરિવર્તિત કરીને જે અદ્ભુત કાર્ય કર્યું છે, તે ઈતિહાસમાં બેજોડ છે.

આજે નારીઓની અનેક સમસ્યાઓ છે. તાજેતરમાં બિજિંગમાં યોજાયેલી નારીઓના સંમેલનમાં આવી ઘણી સમસ્યાઓની ચર્ચા થઈ. સૌ પ્રથમ તો આ માટે નારીઓએ સંગઠિત થવું પડશે. કોઈવાર શું એમ સાંભળ્યું છે કે સસરાએ વહુના માથા પર ઘાસલેટ નાખીને તેને બાળી નાખી? સાસુ વહુના ઝઘડા જ પ્રખ્યાત છે. નારીઓની સમસ્યાઓનું સમાધાન નારીઓના જ હાથમાં છે. આજે જો બધી સાસુઓ સંગઠિત થઈને નક્કી કરે કે અમે દહેજ નહિ લઈએ, તો સસરાઓની મજાલ છે કે તેઓ દહેજ માગે? આજે જો બધી કન્યાઓ સંગઠિત થઈને નક્કી કરે કે અમે કુંવારી રહેશું પણ  દહેજ નહિ આપીએ તો શું બધા યુવાનો કુંવારા રહેવાના છે? આપોઆપ દહેજ માગ્યા વગર પરણશે. આ તો એક જ સમસ્યાનું ઉદાહરણ આપ્યું. આવી અનેક સમસ્યાઓ નારીઓ સંગઠિત થઈને ઉકેલી શકે.

(ક્રમશઃ)

Total Views: 143

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.