(સ્વામી વિવેકાનંદજી કહેતા, “આદર્શવાન વ્યક્તિ જે એક હજાર ભૂલો કરે તો મારી ખાતરી છે કે આદર્શહીન વ્યક્તિ પચાસ હજાર ભૂલો કરશે. તેથી આદર્શ હોવો ઈચ્છનીય છે.” આજે મોટા ભાગનાં યુવા ભાઈ-બહેનો આદર્શહીન જીવન જીવી રહ્યાં છે. એટલું જ નહિ, જે યુવા ભાઈ-બહેનો આદર્શની વાતો કરે છે. તેઓ હાંસીના પાત્ર બને છે. તેનું પરિણામ જે આવવું જોઈએ તે જ આવી રહ્યું છે. જીવનમાં હતાશા, નિરર્થકતા અને ખાલીપણાની ભાવના. સમસ્ત વિશ્વમાં યુવા ભાઈ-બહેનોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. તેનું પણ આ જ કારણ છે. અહીં જાણીતા સાહિત્યકાર ડો. કુમારપાળ દેસાઈ સરળ શૈલીમાં આદર્શના મહત્ત્વની વાત આજના યુવાનો સામે રજૂ કરે છે. સં.)

સમાજમાં ચોતરફ અનીતિ, અન્યાય અને ભ્રષ્ટાચારની બોલબાલા છે. ત્યારે ઘણી વાર યુવાનો એમ કહે છે કે હવે આપણે આદર્શો ભૂલીને આ દેખાતી વાસ્તવિકતાને અપનાવી લેવી જોઈએ. આદર્શમય જીવન એ ભૂતકાળની બાબત બની ગઈ છે. કોઈ કહે છે કે આજે ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર બન્યો છે. દંભ અને લાલચ પર ચાલતું રાજકારણ બધાં ક્ષેત્રોમાં પગપેસારો કરી ગયું છે. ત્યારે આદર્શ મળે ક્યાંથી?

સાચી હકીકત તો એ છે કે આપણી પાસે આદર્શો તો હાજરાહજૂર છે, પરંતુ એ પ્રમાણેનું જીવન જીવવાની હામ ખોઈ બેઠા છીએ. શાહમૃગ જેવી આજના માનવીની દશા છે. એ શત્રુને જોઈને ધૂળમાં માથું ખૂંપાવી દે છે અને માને છે કે શત્રુ ક્યાંય નથી. આજે સિદ્ધાંતો સરી ગયા છે. મૂલ્યોની શ્રદ્ધા ડગમગવા લાગી છે. પ્રામાણિકતાને બદલે અપ્રમાણિકતા, અનાસક્તિને બદલે આસક્તિ અને અપરિગ્રહને બદલે પરિગ્રહ વધતા ચાલ્યા છે. અપ્રમાણિક વ્યક્તિને મળતી પ્રસિદ્ધિ કે સ્થાન ઘણી વાર યુવાનને ગુમરાહ કરે છે. આદર્શથી હાથ ધોઈ બેઠેલો માનવી શાહમૃગની માફક જીવનની સચ્ચાઈથી પોતાનું મુખ છુપાવે છે. બંધ પાણી, સ્થિર બેઠેલું પક્ષી અને સૂતેલો માનવી એ નિશ્ચેતનતાની નિશાની છે. પાણી વહેતું રહે તો જ સ્વચ્છ રહેશે. એનું મધુર અને મોહક સંગીત તો જ જાગશે. વિશાળ ગગનમાં પક્ષી ઊડશે તો જ એની મસ્તી અને સ્વાતંત્ર્ય જળવાશે. માનવી સાચા દિલનો પરિશ્રમ કરે ત્યારે જ એને પ્રાપ્તિનો આનંદ મળશે. આજે પરિશ્રમ અને પ્રાપ્તિ વચ્ચે સુમેળ સાધવાને બદલે ઓછા પરિશ્રમે વધુ પ્રાપ્તિની દોટ જોવા મળે છે. શેરબજારે યુવાનોનાં મન કેટલાં બધાં ડહોળી નાંખ્યાં! આસપાસના સમાજમાંથી ક્યારેય આદર્શ મળતા નથી. કવચિત્ હોય તો પણ આપણી આંખે ચડતા નથી. ઘણી વ્યક્તિઓએ પુસ્તકોમાંથી આદર્શો મેળવ્યા છે. ઘણાં પુસ્તકોએ માનવીના જીવનને ઘાટ આપ્યો છે. શિક્ષણના ઉપાસક શ્રી અમૃતલાલ યાજ્ઞિકે ‘‘જાગીને જોઉં તો’’ પુસ્તકમાં રામાયણ, મહાભારત, સરસ્વતીચંદ્ર, ગાંધીજીની આત્મકથા, કિશોરલાલ મશરૂવાળાનું “જીવન શોધન’’ અને ન્હાનાલાલ તથા કાન્તનાં કાવ્યોને પોતાના જીવનઘડવૈયા તરીકે બતાવ્યા છે. પુસ્તક એ તો દીવો છે. એના પ્રકાશથી ઘણી વ્યક્તિઓએ પોતાનું જીવન અજવાળ્યું છે.

આદર્શ એ તો પર્વત પરનું ચઢાણ છે. ચઢાણ હંમેશાં કપરું અને અઘરું લાગવાનું જ. પર્વત પરથી ઊતરવું ઘણું આસાન છે. ચઢવું કસોટીરૂપ છે, આથી જેને રાતોરાત સિદ્ધિ, પ્રસિદ્ધિ કે સમૃદ્ધિ મેળવવી છે એ કપરાં અને લાંબાં ચઢાણ નહીં પસંદ કરે. તેઓ તો આ માટે કોઈ શૉર્ટ-કટ શોધી લેશે. અન્યની સંપત્તિ મળી જાય અને રાતોરાત ધનવાન થઈ જવાય. કોઈનું જ્ઞાન ઉઘરાવી પંડિત બની જવાય. કોઈ પ્રપંચ ખેલીને પાર્થિવ સિદ્ધિ મેળવી શકાય. આવી રીતે જે સિદ્ધિ કે સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. તે બહાર જેટલું મેળવે છે એનાથી અધિક અંતરમાં ઓછું કરે છે. છલનાના પાયા પર રચેલી ઈમારતમાં એ નિરાંતે નીંદર માણી શકતો નથી.

આદર્શ પડકાર માગે છે. ઍવરેસ્ટ પર અનેક આરોહકો ગયા. કેટલાકે તો જાન ગુમાવ્યો, છતાં હજી આજે પણ ઍવરેસ્ટના પડકારનો સામનો કરનારા સાહસવીરો એને આંબવાનો અવિરત પ્રયાસ કરે છે. ચંદ્રની ધરતી પર માનવીને પહોંચવું હતું. આજ સુધી વિવિધરંગી કલ્પનાઓથી એણે ગતિ કરી હતી. હવે સ-દેહે એને એ ધરતી જોવી હતી. શીતળ લાગતા ચંદ્ર પર પહોંચવાના પ્રયત્નમાં ત્રણ અવકાશયાત્રીઓ સળગી ગયા. પણ માનવહૈયાની હિંમત અખંડ રહી. માનવી તો ચંદ્ર પર પહોંચીને જ જંપ્યો.

ક્યારેક આદર્શ પુસ્તકમાંથી મળે છે, તો કયારેક કોઈ ચરિત્રમાંથી સાંપડે છે. આવાં ચરિત્રો ઘણાનાં ચારિત્ર્ય ઘડે છે. આનાથી જીવનની રાહને દીવાદાંડીનો પ્રકાશ મળે છે. ઊંચો આદર્શ જીવનને ઉન્નત બનાવે છે. સ્વામી વિવેકાનંદની નીડરતાએ કેટલાય યુવાનોને જીવનરાહ આપ્યો છે. મહાત્મા ગાંધીજીની પ્રવૃત્તિએ સમગ્ર દેશને એક દિશા ઉઘાડી આપી હતી. ગાંધીયુગમાં કેટલા વિરલ અને વિશિષ્ટ પુરુષો થયા તે મહાત્મા ગાંધીની પ્રેરણાને પ્રતાપે. આથી યુવાને વિચારવું જોઈએ કે ક્ષુદ્ર સ્વાર્થ, તાત્કાલિક લાભ કે અવળો માર્ગ ગતિમાંથી અટકાવે છે. આદર્શ સતત ઊંચે ને ઊંચે ચઢાણ કરાવશે. આજનો માનવી ભીડમાં પલટાઈ ગયો છે. એનું વ્યક્તિત્વ ખોવાઈ ગયું છે. ત્યારે આવો આદર્શ જ માનવીને એને ખોવાયેલો માનવી પાછો આપશે.

વિરલ વ્યક્તિઓએ આત્મખોજમાંથી જ આદર્શ મેળવ્યો છે. સતત અંતરની કેડીએ ચાલીને સત્યની ખોજ કરી છે. અંતરાત્માને આગળ રાખીને જીવન બસર કર્યું છે. આવી વ્યક્તિઓ એમના હૃદયમાં રહેલી શક્તિઓને પાંગરવા અને વિકસવાનો પૂરો અવકાશ આપે છે. જીવનની સંકુચિતતામાંથી એ બહાર નીકળી જાય છે. આપણા જીવનના મોટા ભાગના પડછાયા તો પોતાના જ સૂર્યપ્રકાશમાં ઊભા રહેવાથી પેદા થાય છે.

આદર્શથી હાથ ધોઈ બેઠેલો યુવાન પ્રમાદી બને છે. આદર્શની શક્તિ તો અણુશક્તિ જેવી છે. અને યુવાશક્તિ પણ અણુશક્તિ જેવી છે. માત્ર એને વિધાયક દૃષ્ટિકોણની જરૂર છે. માનવ માટે મરી ફિટવાની તમન્નાની આવશ્યકતા છે. આદર્શની કસોટી પર પાર ઉતરવા દૃઢતાની જરૂર રહે છે. આગળ વધનારને ઝંઝાવાતનો તો સામનો ક૨વો જ પડે છે. જે ચાલે છે, તેને ક્યારેક કાંટા પણ વાગે છે. જે ચાલતો નથી, તેને કશું મળતું નથી અને તેનાથી કશું થતું નથી. આથી યુવાનોએ આદર્શની અણુશક્તિને અંતરમાં અપનાવીને કાર્ય૨ત થવાનું છે. તો જ સ્વામી વિવેકાનંદે પ્રબોધેલી ‘તેજસ્વિતા’ યુવાનોમાં આવશે. યુવાશક્તિની ધારા સતત વહેતી રહે છે. એની તમન્ના ને આદર્શ સતત જગાડે છે. વૈજ્ઞાનિક ઍડીસનને જગતની ભાષાઓમાં માત્ર એક જ શબ્દ વિચિત્ર લાગ્યો હતો અને તે REST. તેઓ કહેતા કે આ શબ્દ જેટલો વિચિત્ર છે, તેટલો ખોટો છે. જગતમાં સ્થાયીત્વ પામેલી કોઈ વસ્તુ જડશે નહીં, તો પછી યુવાનોએ શા માટે આદર્શો ખોઈને સ્થાયીત્વ પામવું? સ્થિરતા એ મૃત્યુની સખી છે અને વિનાશની જનની છે. આથી જ જીવનને માપવાની સાચી ફૂટપટ્ટી સત્તા કે સંપત્તિ નથી, પણ વ્યક્તિના હૃદયમાં સતત ગુંજતા રહેતા અને એને અહર્નિશ જાગૃત રાખતા આદર્શો છે. આજની યુવા પેઢી ક્વચિત રાજકીય કલુષિત વાતાવરણને કારણે, ક્વચિત ધર્મના સિંહાસન ૫૨ ધનિકને બેઠેલા જોઈને કે ખોટે માર્ગે સંપત્તિ રળનારને જોઈને એની પાછળ દોરાય છે. પણ આદર્શ વિનાના જીવનનો ખાલીપો એને કોરી ખાય છે. કોઈ ધ્યેય કે કોઈ આદર્શ જ યુવાનને સાચી મંઝિલ પૂરી પાડી શકે છે.

Total Views: 94

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.