(સ્વામી વિવેકાનંદજી કહેતા, “ઉપનિષદોમાંથી બોમ્બની માફક ઊતરી આવતો અને અજ્ઞાનના રાશિ ઉપર બોમ્બગોળાની જેમ તૂટી પડતો એવો જો કોઈ એક શબ્દ તમને જડી આવતો હોય તો તે શબ્દ છે – અભીઃ નિર્ભયતા.” શૂરવીરતા, આશાવાદિતા. અધ્યયનશીલતા આવા યુવાવર્ગના પ્રેરતા કેટલાય મૂલ્યો ઉપનિષદોમાં સુપેરે પ્રગટ થયા છે. આ અમૂલ્ય ખજાનાને એક નાના લેખમાં સમાવી લેવાનું કઠિન કાર્ય ‘શ્રીરામકૃષ્ણ જ્યોતના પ્રારંભથી જ તેમાં પોતાની સેવા અર્પતા શ્રી શાસ્ત્રીજીએ કર્યું છે. – સં.)

દરેક પ્રાણીના જીવનમાં એના સામાન્ય રીતે નિર્ધારિત આયુષ્ય પરિમાણના પ્રમાણમાં એક કાલખંડ એવો આવે છે કે જેમાં ચોમાસામાં આવતા નદીના ઘોડાપૂરની પેઠે પ્રાણીના સમગ્ર અસ્તિત્વમાં શક્તિનો વેગીલો ઓઘ ઉભરાય છે. એ કાલખંડને યુવાવસ્થા કહેવામાં આવે છે. માનવપ્રાણીના સામાન્ય રીતે નિર્ધારિત સો વરસના આયુષ્યપરિમાણના પ્રમાણમાં એ કાલખંડ ભારતીય પરંપરાનુસાર સોળથી ત્રીસ વર્ષ સુધીનો ગણાય છે. ભારતીય વિચારકોએ માનવ-જીવનના, ‘કૌમાર યૌવન જરા’ – કુમારાવસ્થા, યુવાવસ્થા અને જરાવસ્થા જેવા ત્રણ અછડતા વિભાગો પાડીને ઠરાવ્યું કે પંદર પૂરાં થતાં થતાંમાં માનવમાં આ યુવશક્તિ પ્રસ્ફુટિત થવા લાગે છે અને ધીરે ધીરે એના સમગ્ર અસ્તિત્વને વ્યાપી જાય છે. આ યુવાનીની ઋતુ ત્રીસેક વર્ષ ચાલે છે. આશ્રમ વ્યવસ્થાની દૃષ્ટિએ જોતાં આ યુવાવસ્થાનો સમયગાળો બ્રહ્મચર્યાશ્રમના ઉત્તરકાલથી ગૃહસ્થાશ્રમના સંપૂર્ણકાળ સુધીનો છે. આધુનિક મનોવૈજ્ઞાનિકોએ માનવીની વયોવસ્થાના શૈશવ, કૈશોર્ય, કૌમાર, તારુણ્ય અને પ્રૌઢાવસ્થા જેવા જે વિભાગો વિશિષ્ટ હેતુઓને અનુલક્ષીને પાડ્યા છે, તે ઉપરના આ ત્રણ મુખ્ય વિભાગોના ઉપવિભાગો તરીકે જ ગણી શકાય તેમ છે. જો કે આ ત્રણ તબક્કાઓ વચ્ચે કોઈ જલાભેદ્ય આવરણ (વૉટરટાઈટ કમ્પાર્ટમેન્ટ) નથી કારણ કે ઈતિહાસમાં એવાં અનેક ઉદાહરણો મળે છે કે જેમાં આ યુવાશક્તિ વહેલી મોડી પ્રસ્ફુટિત થઈ હોય અને વહેલી મોડી શમી હોય.

યુવકાળની જોતજોતામાં પ્રસ્ફુટિત થતી અને સમગ્ર વ્યક્તિત્વમાં છાઈ જતી આ શક્તિ સામાન્ય રીતે અતિવેગીલી, ઉચ્છૃંખલ, ઉન્માદી અને અપરિષ્કૃત હોય છે. જેમ એકાએક આવતા ધસમસતા, ડહોળા – રજોટાયેલા મેલાઘેલા નદીના ઘોડાપૂરને સર્જનાત્મક માર્ગે વાળવા અગમચેતીની, પાણીના સંગ્રહની અને એના શુદ્ધીકરણની જરૂર છે, તેવી જ રીતે યુવશક્તિને વ્યક્તિત્વના વિકાસ તરફ વાળવા માટે એને જોવા જાણવાની, જાળવવાની અને જોગવવાની જીવન કલાની જરૂર છે. આમ ન થાય તો ઘોડાપૂર જેમ ખેતરો – વૃક્ષો વગેરેને ખેદાનમેદાન કરી નાખે છે, તેમ આ યુવશક્તિ પણ જીવનને વેરવિખેર કરી મૂકે છે.

આપણાં ઉપનિષદોમાં આ જીવનકલાનું સુરેખ નિરૂપણ થયેલું જોવા મળે છે. ઉપનિષદોનું ચ૨મ લક્ષ્ય તો પૂર્ણત્વની અને પરમાનંદની પ્રાપ્તિનું જ છે, છતાં આપણે સામાન્ય રીતે જીવનના જે સ્તરે જીવી રહ્યા છીએ, ત્યાંથી પૂર્ણત્વ અને પરમાનંદના દ્વાર સુધી આપણને પહોંચાડવા માટે આ જીવનકલાનો માર્ગ ઉપનિષદોએ રચી આપ્યો છે. ઉપનિષદોના ૠષિઓ આ ઊર્ધ્વગામી માર્ગ રચી શક્યા અને એના પર આરોહણ કરી પરમની પ્રાપ્તિ કરી શક્યા એનું કારણ એ છે કે માનવચેતના જ અન્ય પ્રાણી પદાર્થો કરતાં વધુ વિકસિત છે. અન્ય પ્રાણીઓ અપરિમિતની ખોજ કરતાં હોવા છતાં ધ્યેયલક્ષિતા માનવજાતને જ વરી છે, એને એકલાને જ ઊર્ધ્વનો સાદ સંભળાય છે અને એથી કૈંક યુગોની મથામણ પછી દિવ્ય વ્યવસ્થાનું ભાન થતાં તેણે જ્ઞાનપૂર્વક પોતાની અંતરયાત્રા ચાલુ રાખી છે. ‘‘અસત્માંથી મને સત્ તરફ લઈ જા, અંધકારમાંથી મને પ્રકાશ તરફ દોરી જા, મૃત્યુમાંથી મને અમૃત તરફ લઈ જા” – (બૃહદારણ્યકોપનિષદ્)ની એની જુગજૂની ઝંખનાનું આ પરિણામ છે. આ ઝંખના ભીતરની છે, સહજ છે, સ્વયંભૂ છે. બહારનું કોઈ પરિબળ આ ઝંખના કે ખોજના નિયમો કોઈ વ્યક્તિ પર લાદી શકાતા નથી. આ સ્વયંશિસ્ત છે. આપ્તવચનો અને શાસ્ત્રવચનો કેવળ ‘આંગળી ચીંધ્યાનું પુણ્ય’ જ પામી શકે છે.

યુવશક્તિના ઊર્ધ્વીકરણના ઉપનિષદોએ રચેલા ઉપર્યુક્ત માર્ગનો નિર્માણપિંડ શો હોવો જોઈએ, એ બાબતમાં ઋષિઓ ખૂબ જ જાગ્રત હતા. સ્વાધ્યાય (મનન) અને પ્રવચન (શ્રવણ)માં રાથીતરે સત્ય ભેળવીને, પૌરશિષ્ટિએ તપ ભેળવીને અને મૌદ્ગલ્યે શુદ્ધ સ્વાધ્યાય પ્રવચનથી એ માર્ગનો નિર્માણપિંડ તૈયાર કર્યો છે. (તૈત્તરીયોપનિષદ્ ૧/૯) આ ઉપરાંત પણ બીજી ઘણી રીતે એ પદાર્થ અનેક ચિંતકોએ તૈયાર કર્યો છે. પ્રત્યેક માનવમાં વિભિન્ન રસ, રુચિ, વલણના સંદર્ભમાં પોતપોતાને સ્થાને આ બધા જ નિર્માણપિંડોનું પોતીકું મહત્ત્વ છે.

આ માર્ગે આરૂઢ થયેલા આદર્શ યુવાનનું એક સુંદર શબ્દચિત્ર તૈત્તરીયોપનિષદમાં (૨/૮) જોવા મળે છેઃ ‘‘યુવાન ચારિત્ર્યવાન, અધ્યયનશીલ, આશાવાન, દૃઢનિશ્ચયી અને બળવાન હોવો જોઈએ; એવા નવયુવાન માટે આખી પૃથ્વી દ્રવ્યમય બની જાય છે.” અહીં યુવાનના શરીર, મન અને સંવેદનાતંત્રના સર્વાંગીણ સમાંતર, લક્ષ્યગામી અને સંતુલિત વિકાસની વાત છે. અહીં કોઈ એકાંગિતાને કશો અવકાશ નથી.

સહેજે પ્રશ્ન થાય કે આવા યુવાન કઈ રીતે થવાય? એ માર્ગે આરૂઢ થવાની પ્રક્રિયા કઈ છે? ઉપનિષદ કહે છે કે એ માટે પહેલાં તો અંતઃકરણમાં અમુક નિશ્ચિત વિભાવના વસી-૨સી જવી જોઈએ. કઠોપનિષદ (૧/૩/૩-૪)માં આ વિભાવના આ રીતે દર્શાવી છે: “આત્માને શરીરરૂપી રથમાં બેઠેલો રથી જાણ, બુદ્ધિને સારથિ જાણ અને મનને લગામ જાણ – ઈન્દ્રિયો તો ઘોડા છે અને એમના વિષયો તે રસ્તાઓ છે. આત્મા, ઈન્દ્રિયો અને મન મળીને જે થાય છે, તેને જ્ઞાનીઓ ‘ભોક્તા’ કહે છે.’’

વિવેકહીન, દુર્બળ મનવાળા અશુદ્ધ માણસની ઈન્દ્રિયો માતેલા ઘોડા પેઠે બેકાબૂ હોય છે અને વિવેકશીલ, દૃઢચિત્ત, વિશુદ્ધ માનવીની ઈન્દ્રિયો જ કેળવાયેલા ઘોડા પેઠે વશવર્તી રહે છે. આદર્શ યુવાન બનવા માટે આવી બુદ્ધિઅનુસારી વિભાવના અનિવાર્ય શરત છે. બુદ્ધિની દોરવણી જ યુવાનમાં નિઃસ્વાર્થતા, સામાજિકતા, સંયમ, વૈશ્વિકતા, સમસંવેદન વગેરે જગાડી શકે છે.

યુવશક્તિના ઊર્ધીકરણનો આ માર્ગ આંતરિક છે, એ વારંવાર યાદ રાખવું જોઈએ. બાહ્ય આચ૨ણ એની દૃશ્ય અભિવ્યક્તિ જ છે. ‘ચોરી કે હત્યા ન કરવી’ એટલું માત્ર કહેવું પૂરતું નથી. એને બદલે ‘‘દ્વેષ, ક્રોધ, લોભ કે ઈર્ષ્યા ને વશ ન થશો” એમ જ કહેવાનું ઉપનિષદો એટલા જ માટે વધુ પસંદ કરે છે.

ઉપનિષદો યુવશક્તિને જીવનાભિમુખી કરવા પ્રેરે છે, જીવનવિમુખી નહિ. ઉપનિષદ્ના ‘કામના ત્યાગ’નો નીરસ અને નિષ્ક્રિય જીવન કે પલાયનવાદી મનોવૃત્તિ જેવો વિકૃત અર્થ કરવાની કુચેષ્ટા કરવી અયોગ્ય છે. ‘કામના ત્યાગ’નો અભિપ્રેત અર્થ તો ‘સ્વાર્થત્યાગ’ થાય છે. ઋષિઓની નિઃસ્વાર્થકામનાઓ ત્યાજ્ય ગણાઈ નથી. લોકસંગ્રહાત્મક અને કર્તવ્યવિષયક કામનાઓ ત્યાજ્ય નથી. કામનાના વિષય અને હેતુ પર જ એની ત્યાજ્યાત્યાજ્યતા આધાર રાખે છે. એટલા જ માટે નચિકેતાની પિતૃપૂજા અને સાવિત્રીનો ઉત્કટ પતિપ્રેમ કે પતિભક્તિ કંઈ પાપ નથી. ઈચ્છાના અર્થમાં કામ તો સૃષ્ટિકર્તા પ્રજાપતિને પણ છે જ તો માનવોને કેમ ન હોય? પ્રેમ, દયા અને સહાનુભૂતિ પણ કામનાઓ જ છે ને? એને તો ઉપનિષદો આદરથી પુરસ્કારે છે. આવી શ્રેયોલક્ષી કામનાઓથી જ આપણે જીવનમહોત્સવને માણવાનો છે. યુવાનોને એનું સાગ્રહ નિમંત્રણ છે. ‘ત્યાગથી ભોગવી જાણવા’ની ઈશોપનિષદની શીખનો પણ આ જ મર્મ છે કે આસક્તિના બોજા વગર જીવનની લહેજત માણો. વળી ત્યાં જ આગળ બીજા મંત્રમાં “અનાસક્તભાવે કર્મો કરતા રહીને જ આ જગતમાં સોએ સો વરસ જીવવાની ઈચ્છા કરવી. નિઃસ્વાર્થ કર્માચરણ આપણને લેપાઈ શકતું નથી. આ સિવાય અન્ય કોઈ રસ્તો નથી.” એમ કહીને મળેલા જીવનનો ખૂબ સમાદર અને સહર્ષ સ્વીકાર જ કર્યો છે. મળેલા આ જીવનને જાકારો આપીને નહિ પણ એને ભોગવીને જ પરમ લક્ષ્ય પામી શકાય. આ ભોગવવાની ‘મેધા’ને જ ઉપનિષદો પ્રબોધે છે. “તતો મે પ્રિયમાવહ” એ ઉપનિષદોનો ઉદ્ઘોષ છે.

નીરસતા, નિષ્ક્રિયતા કે પલાયનવાદનો તો ઓછાયો પણ ઉપનિષદોમાં ક્યાંયે જોવા મળતો નથી. દેહ, પ્રાણ, મન, ચેતના વગેરેથી ભાગી છૂટવા ઉપનિષદો પ્રેરતાં નથી, પણ મેઘાથી એ બધાંનું યોગ્ય મૂલ્ય આંકીને માવજતથી એનો જીવનને આનંદમય, વિકસિત, કર્મઠ અને પૂર્ણ બનાવવા વિનિયોગ કરે છે. દેહને આત્માનું કેદખાનું માનવાને બદલે આત્માનો સેવક માનીને વ્રતાદિ દ્વારા એને શુદ્ધ રાખવા કહે છે. તૈત્તરીય (૧-૪)માં, “મારું શરીર એને યોગ્ય બનો, મારી જીભ ખૂબ મીઠી બનો. હું કાનો વડે ઘણું સાંભળું” એવું કહ્યું છે. આવાં આવાં તો અનેક વાક્યોમાં ઉપનિષદોએ દેહમહિમા ગાયો છે. ઉપનિષદમાં ‘તપ’નો અર્થ ખોટી તિતિક્ષા નહિ પણ સર્જનાત્મક પરિશ્રમ થાય છે. અને ‘બ્રહ્મચર્ય’નો અર્થ તામસી જગદ્વિમુખતા નહિ, પણ ગુરુગૃહવાસી વિદ્યાર્થીનું અભ્યાસકાલીન નિયમપાલન થાય છે. યુવાનોને આજે આ સમજવાની ખૂબ જરૂર છે. ઈશોપનિષદ્નો બીજો મંત્ર આજના યુવાનોનો જીવનમંત્ર બની રહો.

ઉપનિષદો કંઈ કેવળ આ આંતરિક ધર્મવિભાવનાઓ પર ભાર મૂકીને જ સંતોષ લેતાં નથી. યુવાનોમાં અભીષ્ટ વર્તનપરિવર્તન દ્વારા એ ભાવનાઓની અભિવ્યક્તિ પણ રોજબરોજના જીવનમાં દેખાવી જ જોઈએ, એમ પણ ઈચ્છે છે. છાંદોગ્યોપનિષદ (૪-૨-૧-૩)માં ચિરયુવાન દેવો, દાનવો અને મનુષ્યોની એક કથા દ્વારા દમ (સંયમ), દાન, અને દયા રાખવાની વાત કરી છે, તો વળી છાંદોગ્ય (૩-૧૭–૪)માં તપ (સર્જનાત્મક પરિશ્રમ), દાન, સરળતા, અહિંસા, સત્યવચન ક૨વાનું બતાવ્યું છે. તૈત્તરીયોપનિષદે ગુરુને ઘરેથી પિતાને ઘરે પાછા ફરતા ભણીગણીને તૈયાર થયેલા નવયુવાનને ઘણી સુંદર વર્તનતરાહ દર્શાવી છે: ‘‘માતા, પિતા અને ગુરુની સેવા, સ્વાધ્યાય, ચિંતન, અને સદાચારનું એમાં મહત્ત્વ દર્શાવ્યું છે. શ્રદ્ધાથી દેવું, અશ્રદ્ધાથી ન દેવું, પુષ્કળ આપવું, શરમાઈને ડરીને સમભાવથી આપવું” એવી યુવાનો માટે આચારસંહિતા કહી છે. ૫૨ન્તુ આ બધામાં ‘સત્યં વદ’ ‘સત્ય બોલો’ એ વાત મોખરે મૂકી છે. છાન્દોગ્ય (૪-૪-૧થી ૫)માં દેખાતી સત્યનિષ્ઠા પ્રશ્નોપનિષદમાંની અસત્યભાષણની નિંદા અને મુંડક(૩/૨/૬)માંની સત્યપ્રશસ્તિ આ વાતના જાગતા પુરાવાઓ છે.

યુવાનો માટે ઉપનિષદોમાં આવી વર્તનની ભાત આપી હોવા છતાં એ તો કદાપિ ન ભૂલવું જોઈએ કે ઉપનિષદોમાં “શું કરવું જોઈએ?” એ પ્રશ્ન કરતાં, “એ બધું શા કારણને લીધે કરવું જોઈએ?” – આ પ્રશ્નની મીમાંસા જ મુખ્ય કેન્દ્રસ્થાને છે. યુવાનો આવી વર્તનની ભાત નિષ્ઠા, ખંત અને ઉલ્લાસથી પોતાના જીવનમાં દાખવી શકતા હોય તો એનું કારણ એમના અંતઃકરણમાં વસી-૨સી ગયેલી ભેદાભાવ, પ્રકૃતિતાદાત્મ્ય, જીવનના આદર અને સ્વીકારની, ઉચ્ચતર લાભાર્થે કરાતા ત્યાગની, નિર્ભયતાની, ભીતરની દિવ્યતાની, સમ- સંવેદનાની અને એવી બીજી સ્પષ્ટ અને સુનિશ્ચિત બુદ્ધિપ્રેરિત વિવેકપૂર્ણ વિભાવનાઓ જ છે. અને એ વિભાવનાઓનું કારણ સર્વાત્મૈક્ય, પૂર્ણત્વ, પરમાનંદ પરની શ્રદ્ધા-પરોક્ષ જ્ઞાન અથવા તો અપરોક્ષ જ્ઞાન છે. બસ, પછી આ જ્ઞાનને કોઈ જ કારણ નથી અને ‘શા કારણે’નો ત્યાં સવાલ નથી. એમાંય અપરોક્ષ જ્ઞાન – અનુભૂતિ તો માનવજીવનનું ગૌરીશિખર છે. આપણે જે જીવન સ્તરના યુવાનોની વાત કરીએ છીએ, તેમનામાં આ ઉપર્યુક્ત શ્રદ્ધાનો વિકાસ થાય તો પણ ઘણું થઈ શકે છે. અપરોક્ષ જ્ઞાન તો એક આદર્શ છે. યુવાનની આરોહણ પ્રક્રિયા અટકવી ન જોઈએ. પરોક્ષ જ્ઞાનથી પણ ગાડી આગળ ચાલે. એટલુંય પ્રમાણમાં આ સ્તરે પૂરતું છે. અનુભૂતિની છલાંગ તો એનો છેવટનો છેડો છે. છેવટે એટલે જ કઠોપનિષદે અને સ્વામી વિવેકાનંદે યુવાનોને હાકલ કરી કે ‘‘ઊઠો, જાગો અને સંતો પાસે જઈને શ્રેષ્ઠ વસ્તુઓ મેળવો.” સ્વામી વિવેકાનંદે એ હાકલમાં જોમ ભરીને પ્રેરક વાણીમાં ઉમેર્યું: ‘‘ધ્યેય પ્રાપ્તિ થાય ત્યાં સુધી મંડ્યા રહો.” અહીં અટકી જવાની તો કોઈ વાત જ નથી. જેમ જેમ આગળ ધપાય તેમ તેમ ક્ષિતિજો એની મેળે જ ખૂલતી જાય છે. જીવનનાં અન્ય સામાન્ય ક્ષેત્રોમાં પણ ઉન્નતિની આ જ પ્રક્રિયા છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા ‘‘આગળ વધો. ચંદનવન આવ્યું, આગળ વધો. રૂપાની ખાણ આવી, આગળ વધો. સોનાની ખાણ આવી, આગળ વધો.” બસ, ધપતા રહો, અટકો નહિ. ભલે ચઢાણ કપરા રહ્યા. ભલે અસિધારામાર્ગ રહ્યો. ઉચ્ચતર લાભ માટે નિમ્નની પ્રાપ્તિને છોડો. વધતા જ રહો, ધપતા જ રહો. છેવટે ગૌરીશિખર અવશ્ય સ૨ થવાનું જ છે, એમાં મીનમેખ નથી. ઉપનિષદો ઉચ્ચારે છે: ૫૨મતત્ત્વ શ્રદ્ધામય છે.’’

ઉપનિષદો માનવજાતને-વિશેષતઃ યુવાનોને – આપણા ઘડવૈયા બાંધવ આપણે”નો ભવ્ય સંદેશ આપી જાય છે. અને આપણને પ્રાપ્ત થયેલી જીવનની બાજીને કુશળતાથી અને ખેલદિલીથી ખેલી લેવાની હિમાયત કરે છે. બૃહાદરણ્યકોપનિષદ (૪/૪-૫)માં કહ્યું છે: “આ પુરુષ કામમય છે; જેવી એની ઈચ્છા હોય છે, તેવો જ તેનો હેતુ (સંકલ્પ) હોય છે, અને સંકલ્પ અનુસાર જ એનું કર્મ હોય છે.” છાંદોગ્યોપનિષદમાં પણ સમજદાર માટે સર્વલોકવિચરણની સ્વતંત્રતા સુંદર રીતે આલેખાઈ છે. (છાં. ૮/૧૬) વળી, એ જ ઉપનિષદમાં (૮/૨/૧૦માં) પણ સ્પષ્ટ કહ્યું છે: ‘‘એ જે ચીજની કામના કરે છે તે એના સંકલ્પ માત્રથી જ ઉત્પન્ન થઈ જાય છે.” મુક્તિકોપનિષદ (૨/૫/૬)માં ચોખ્ખી રીતે પુરુષાર્થ ૫૨ જો૨ દેવામાં આવ્યું છે. એ કહે છે: ‘‘વાસનાની સરિતા, શુભ અને અશુભ – એમ બે માર્ગોએ વહેતી હોય છે. એટલે મનુષ્ય પ્રયત્ન-પુરુષાર્થ-કરીને અશુભ માર્ગ ત૨ફ વળેલી વાસનાને શુભમાર્ગ તરફ વાળવી જોઈએ.” કર્મો ક૨વામાં આત્મસ્વાતંત્ર્યનો આ સંદેશ તો ઉપનિષદોની સઘળી શિખામણોના સારતત્ત્વ સમાન છે.

ઉપનિષદોએ બક્ષેલી આ જીવન સંજીવનીની સરિતા જુગ જુગજૂની હોવા છતાંય એણે પોતાની તાજગી એવી ને એવી અકબંધ જાળવી રાખી છે. અને તેથી ઠેઠ પ્રાગૈતિહાસિક કાળથી આજદિન સુધી અનેકાનેક ભાગ્યવંત નરનારીઓએ યથાશક્તિ અને યથામતિ એનું પાન કર્યા કર્યું છે. કેટલાકે પોતાના દેશકાળ અને વાતાવરણના પરિઘમાં રહીને એનું આચમન કર્યું છે, તો વળી કેટલાક અવતારી મહામાનવો, યુગપુરુષો અને મૂર્ધન્ય ૠષિમુનિઓએ એનું આકંઠ પાન કર્યું છે. આજે પણ એ પ્રક્રિયા ચાલુ જ છે.

આજના સંક્રાન્તિકાળમાં તો એની સવિશેષ આવશ્યક્તા ઊભી થઈ છે. ઔદ્યોગિક ક્રાન્તિ પછી સર્વગ્રાહી વિજ્ઞાનનો જે વેગીલો વિકાસ થયો છે, એ વિકાસપ્રવાહ સાથે આ જીવનસંજીવનીના પ્રવાહનો સંગમ કરીને એક અભિનવ “ત્રિવેણીતીર્થ” રચવાનો અને એનું રસાયન બનાવવાનો સમય આજે પાકી ગયો છે. મુંડકોપનિષદની ‘૫રા’ અને ‘અપરા’ વિદ્યાનો, ઈશોપનિષદની ‘વિદ્યા’ અને ‘અવિદ્યા’નો સંગમ એ આજના યુગની અનિવાર્ય માગ છે. ‘અપરા વિદ્યા’ તમને ‘શું કરવું છે?’ એ પ્રશ્નનો ઉત્તર આપશે અને ‘પરા વિદ્યા’ ‘‘એ બધું શા માટે કરવું છે?” એ પ્રશ્નનો ઉત્તર આપી દેશે. બન્ને પ્રશ્નોના ઉત્તરો પામ્યા વગર પૂર્ણત્વ ન મળે.

પણ આ બધું તરવરાટ ભર્યા, શક્તિસંપન્ન, ખંતીલા, દૃઢનિશ્ચયી, ત્યાગી, કર્મશીલ, મનીષી યુવાનો સિવાય કોણ કરી શકે? યુવાનો જ તો માનવસમાજની કરોડરજ્જુ છે. કેવળ ભારત માટે જ નહિ, વિશ્વના માનવસમાજ માટે પણ આ વાત સાચી છે, અને આ પ્રશ્ન પણ આજે વૈશ્વિક છે. ઉપનિષદોએ યુવાનોને કરેલી હાકલ બમણા જો૨થી અને સંગમનું રસાયનપાત્ર હાથમાં લઈને યુગદ્રષ્ટા સ્વામી વિવેકાનંદે કરી છે. યુગસર્જક સ્વામીજીની વાણીને – સ્વામીજીના અગ્નિમંત્રોને આજનું યુવજગત ઝીલી રહો, પૂર્વ અને પશ્ચિમમાં વિકસેલી અનુક્રમે ‘પરા’ અને ‘અપરા વિદ્યા’નું ત્રિવેણી-તીર્થ રચાઈ રહો, યુવાનોની થનગનતી શક્તિ ધારા આ માર્ગે વળી રહો, માનવજાતને એ ત્રિવેણીતીર્થનું રસાયન ભરપેટ પીવા મળો, એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ.

Total Views: 108

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.