વજન કરે તે હારે રે મનવા!
ભજન કરે તે જીતે.
તુલસી-દલથી તોલ કરો તો
બને પવન-૫૨પોટો,
અને હિમાલય મૂકો હેમનો
તો મેરુથી મોટો :
આ ભારે હળવા હરિવરને
મૂલવવો શી રીતે!
રે મનવા, ભજન કરે તે જીતે.
એક ઘડી તને માંડ મળી છે.
આ જીવતરને ઘાટે,
સાચ-ખોટનાં ખાતાં પાડી
એમાં નહીં તું ખાટે :
સ્હેલીશ તુ સાગરમોજે કે
પડ્યો રહીશ પછીતે?
રે મનવા, ભજન કરે તે જીતે.
આવ, હવે તારા ગજ મૂકી,
વજન મૂકીને વરવાં,
નવલખ તારા નીચે બેઠો
ક્યાં ત્રાજવડે તરવા?
ચૌદ ભુવનનો સ્વામી આવે
ચપટી ધૂળની પ્રીતિ.
રે મનવા, ભજન કરે તે જીતે.

– મકરન્દ દવે

Total Views: 87

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.