શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય શ્રીમત્ સ્વામી બહ્માનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના પ્રથમ પરમાધ્યક્ષ હતા.

મનુષ્યને શું જોઈએ છે? આનંદ! આનંદ મેળવવા માટે તે કેટલી દોડધામ કરે છે! કેટલો પ્રયત્ન કરે છે! કેટલા ઉપાયો કરે છે! તો પણ મેળવે છે શું? આનંદ મેળવીશ, એમ વિચારીને અનેક પ્રકારના પ્રયત્નો કર્યા, ઉપાયો કર્યા, ત્યાંથી ધક્કા ખાઈને પછી બીજો કોઈ ઉપાય કર્યો. આ રીતે સમગ્ર જીવન વીતી જાય છે. આનંદના અધિકારી થવાનું એના ભાગ્યમાં નિર્માયું જ નથી. તે સમગ્ર જીવનમાં કુલીની જેમ વ્યર્થ પરિશ્રમ કરીને, અનેક પ્રકારનાં દુઃખ અને કષ્ટો ભોગવીને, આ સંસારમાંથી ચાલ્યો જાય છે. બસ, આવવું-જવું જ એના હાથમાં આવે છે. ઉદ્દેશ્યને ભૂલી ખોટા સુખની પાછળ દોડવાથી આ દશાને છોડી બીજા કોઈની આશા રાખી શકાતી નથી, સાચો આનંદ મેળવવા માટે સંસારસુખને તિલાંજલિ દઈને, ક્ષણિક આનંદનો મોહ છોડીને, ભગવાનમાં જ સોળેંસોળ આના મન લગાડવું જોઈએ. એમના પ્રત્યે મન જેટલું વધારે જશે, એટલો જ વધારે આનંદ પ્રાપ્ત થશે. સંસાર પ્રત્યે, ભોગ પ્રત્યે મન જેટલું વધારે જશે, દુઃખ-કષ્ટ પણ એટલાં જ વધારે મળશે.

માનવ-સ્વભાવ કેવો છે તે જાણો છો? ફક્ત સુખ જ શોધે છે, મજા શોધે છે. નાનાં-મોટાં, ધનિક-ગરીબ બધાંજ સુખ માટે દોડધામ કરી રહ્યાં છે, પણ પ્રારંભમાં જ ભૂલ કરી બેઠાં છે. મારો વિશ્વાસ છે કે એ લોકોમાંથી ૯૯ ટકાથી પણ વધારે લોકો જાણતા નથી કે સાચું સુખ અને સાચો આનંદ ક્યાં છે? એટલા માટે મનુષ્ય નજર સામે જે કંઈ જુએ છે, તેને પકડે છે અને વિચારે છે કે આ જ બરોબર છે. ત્યાં ધક્કા ખાય છે, પછી બીજી વસ્તુ પકડે છે – ફરીથી ધક્કા ખાય છે, પણ મજા તો જુઓ- વારંવાર ધક્કા ખાય છે- તો પણ તે રસ્તો બદલતો નથી, સાચો રસ્તો પકડતો નથી. ઠાકુર એક સુંદર મજાની વાત કહેતા : ‘ઊંટ કાંટાળું ઘાસ છોડીને બીજું સારું ઘાસ મળે તો પણ ખાશે નહીં. એ જાણે છે કે કાંટાળું ઘાસ ખાવાથી તેનું મોઢું ચિરાઈ જશે, અને તેમાંથી લોહી વહેવા લાગશે, તો પણ તે તે જ ખાશે.’ સત્સંસ્કાર, સત્ સ્વભાવ અને સદિચ્છાના અનુશીલનના અભાવને લઈને મનુષ્યની આવી દશા થાય છે. તમે હજુ બાળકો છો. દુનિયાની છાપ હજુ પણ તમારા પર પડી નથી. આ સમયે જો પ્રાણપણે લાગી જાઓ તો દુઃખ-કષ્ટમાંથી બચી જશો.

કેટલીય સમૃદ્ધિ ભલેને હોય? કેટલાય આત્મીય સ્વજનો અને બંધુ-બાંધવો પણ કેમ ન હોય, કોઈ પણ ચીજ શાશ્વત આનંદ આપી શકતી નથી. પાંચ કે દશ મિનિટ અથવા તો વધુમાં વધુ અર્ધો કલાક. કોઈ પણ હું સાંસારિક આનંદ આથી વધારે સ્થિર હોતો નથી. આ આનંદ પછી વિષાદ આવે છે, અંગ્રેજીમાં જેને action and reaction (ક્રિયા અને પ્રતિક્રિયા) કહે છે. એવો આનંદ જોઈએ જેની પ્રતિક્રિયા ન થાય. એકમાત્ર ભગવત-આનંદની પ્રતિક્રિયા થતી નથી. એના સિવાય જેટલા પ્રકારના આનંદ છે તેની વાત ભલે કરો, પણ બધાની પ્રતિક્રિયા હોય છે જ. પ્રતિક્રિયા થવાથી દુઃખ કષ્ટ પણ થાય જ.

માનવજીવનનો ઉદ્દેશ્ય ન ભૂલો. પશુની જેમ ખાઈને, સૂઈને અને ગપ્પાં મારીને, કોઈ પણ રીતે આ! ગણ્યાગાંઠ્યા દિવસો પસાર કરવા માટે આ જીવન નથી. આ જીવનનો ઉદ્દેશ્ય છે ભગવાન-પ્રાપ્તિ. જ્યારે માનવ જન્મ મળ્યો છે તો પછી પૃથ્વીના સઘળા ભોગ-વૈભવને તુચ્છ માનીને ભગવાનને મેળવવા માટે, સત્યની પ્રાપ્તિ માટે દૃઢ સંકલ્પ કરો, ચાહે પ્રાણ જાય કે રહે.

સમય પછી ક્યારે મળશે? જીવનનો ઉત્તમ સમય સોળથી ત્રીસ વર્ષ સુધીનો તો ચાલ્યો જાય છે. શું તમે એવું વિચાર્યું છે કે આ સમય નિરર્થક વિતાવીને શું ઘડપણમાં ધર્મ કરીશું? આને જ કહે છે જાતને છેતરવી, પોતાને જ ઠગવું.

(‘ધ્યાન,ધર્મ અને સાધના’ પૃ.૧૦૪ થી ૧૦૬)

Total Views: 184

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.