‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેના માટે પોતાની નિઃસ્વાર્થ સેવા આપનાર આદરણીય શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી અહીં ઉપનિષદોમાં રહેલી શાશ્વત શાંતિની વિભાવનાને સુપેરે રજૂ કરે છે. – સં.

આપણને એવું લાગ્યા કરે છે કે આજના યુગમાં શાન્તિની જેટલી જરૂર છે, તેટલી ક્યારેય ન હતી. પણ આ ખ્યાલ સર્વાંશે સત્ય નથી. આપણને એવું લાગવાનું કારણ, વર્તમાન કાળને આપણે પ્રત્યક્ષ અનુભવી રહ્યા છીએ અને ભૂતકાળ દૂર પડી ગયો છે. બાકી ભૂતકાળમાં – ઐતિહાસિક કાળમાં, અરે, પ્રાગૈતિહાસિક કાળમાં પણ સર્વ જનોને એવી કોઈ નિરપેક્ષ શાન્તિ મળી જ નથી. પ્રાગૈતિહાસિક કાળમાં પણ એક જીવનું જીવન કે તૃપ્તિજન્ય શાન્તિ, તે બીજા જીવનું મરણ-યાતના જ હતું. ‘जीवो जीवस्य जीवनम्’ મોટાં પ્રાણીઓની શાન્તિ-તૃપ્તિ-જીવન, નાનાં પ્રાણીઓની મરણપીડા પર જ નભતું- આમ, એકને ભોગે બીજાને શાંતિનો અણસાર સાંપડતો અને આજના સમય સુધી આ બાબતમાં કશો મૂલગામી ફેરફાર નોંધાયો નથી. એનું બાહ્યસ્વરૂપ બદલાયું ભલે હોય. આપણાં બહારનાં મહોરાથી ઢંકાયેલી પાશવી વૃત્તિઓનો ઉભાર જ્યારે આપણામાં આવે છે ત્યારે એને ઢાંકી રાખવાના ગમે તેટલા પ્રયત્નો કરવા છતાંય ઉઘાડી પડે છે. અને ખરું સ્વરૂપ દેખા દે છે. વૈદિક યુગના દેવદાનવોના સહજવૈરથી આપણે પરિચિત છીએ. ઇતિહાસમાં નોંધાયેલી યુદ્ધની ઘટનાઓ પણ આ જ વાત કહી જાય છે. પુરાણક્થાઓમાં પણ વિખવાદ વરતાય છે. આ રીતે તાણ, અરાજકતા, અશાન્તિ એક સર્વયુગીન હસ્તી છે.

ખૂબીની વાત એ છે કે આ બધી અશાન્તિનું આચરણ શાન્તિ મેળવવા માટે થયું હોય છે. સત્તાજન્ય શાન્તિ, વિજયની શાન્તિ, ઉપલબ્ધિની શાન્તિ, સિદ્ધિજન્ય શાન્તિ – આવી કોઈક શાન્તિ મેળવવા માટે જ સંઘર્ષ, તાણ, અશાન્તિ અનુભવવામાં આવે છે! આનો અર્થ એ થયો કે શાન્તિના સ્વરૂપની આપણી વિભાવના કંઈક ખામી ભરેલી છે. શાન્તિની ખામી ભરેલી આવી વિભાવનાઓ અનેક છે. કેટલાક માણસો માને છે કે કામનાની પૂર્તિ થાય અથવા સત્તા વધે એટલે શાન્તિ મળે. પણ ‘हविषा कृष्णवर्त्मेव भूय एवामिवर्धतेः’ અથાત્ કામનાઓ સંતોષવાથી કે તાકાતવાન થવાથી બધી તૃષ્ણાઓ શમતી નથી, પણ હોમદ્રવ્યથી અગ્નિની પેઠે વારેવારે વધે જ છે.’ એ સૌનો અનુભવ છે. કેટલાક વળી ‘મનમનામણાં’નું યૌક્તિક અનુકૂલન કરીને શાન્તિ પામવા યત્ન કરે છે પણ ‘विषया विनिवर्तन्ते’ વગેરે શબ્દો દ્વારા ગીતામાં કહ્યા પ્રમાણે એનાથી વિષય-ઈન્દ્રિયનો બાહ્ય સંબંધ જ છૂટે છે પણ પેલી ભીતરી ઝંખનાનું શું?

એટલે પહેલાં ‘શાન્તિ’નું સાચું સ્વરૂપ આપણે પિછાણી લેવું જોઈએ. આ માટે ‘શાન્તિ’ની સાચી ભૂમિકા – સાચા કેન્દ્રની શોધ કરવી રહી.

કેટલાક ચિંતકો એ ભૂમિકાને વૈશ્વિક સ્તરે જોવા મથે છે. ‘वसुधैव कुटुम्बकम्’ નો આદર્શ સેવતા તે માનવહિત ચિંતકોએ બે વિશ્વ યુદ્ધો અને તેમાંથી ઊઠતા અનેક વિકટ પ્રશ્નોની –સંહારોની વચ્ચે શાન્તિ અને સંસ્કૃતિની ખોજ કરતા રહ્યા છે છતાં એ એક આદર્શ જ રહ્યો છે. વ્યાવહારિક સ્તરે આવી ‘વિશ્વશાંતિ’ ક્યારેય ઇતિહાસમાં નોંધાઈ નથી. તો વળી કેટલાક વિચારકોને શાન્તિ સાથે સમગ્ર વિશ્વને પહેલેથી જ સાંકળવા કરતાં પહેલાં વિશ્વના વિશિષ્ટ રાષ્ટ્રો, સમાજો અને ઘટકોમાં શાન્તિની પ્રક્રિયા શરૂ થવી જોઈએ અને એનો વ્યાપ ક્રમશઃ વધતો રહેવો જોઈએ એમ લાગે છે. પણ એમાં કટ્ટર રાષ્ટ્રવાદની અને ઊંચનીચના ભેદભાવોની ભીંતો ખડી થઈ જાય છે. પરસ્પરની અપેક્ષિત સંવાદિતાને સ્થાને સંઘર્ષ ઊભો થાય છે અને શાન્તિ દૂર ચાલી જાય છે.

આ રીતે શાન્તિના સ્વરૂપ અને એની ભૂમિકા વિષે ભારે મતભેદો પ્રવર્તે છે કારણ કે એ સ્વરૂપો અને ભૂમિકાઓના વિનિયોગથી નિરપેક્ષ ચિર શાન્તિ ક્યારેય લાભી શકાઈ નથી. કામચલાઉ અને તકલાદી શાન્તિ નવી અશાન્તિને જન્મ આપનારી હોય છે. પહેલા વિશ્વયુદ્ધ પછીનું તરતનું બીજું વિશ્વયુદ્ધ આ વાતનું તાજું ઉદાહરણ છે. અને બીજા વિશ્વયુદ્ધની સંભાવના કે કલ્પના પણ એ જ વાતનો ફલિતાર્થ છે. એટલે વધુ સત્તા, શક્તિ, આધિપત્ય, સિદ્ધિ પ્રાપ્ત થઈ જવાથી તો શાન્તિને બદલે યુદ્ધો, સંઘર્ષો, દુશ્મનાવટ વધતાં રહે છે અને શાન્તિનાં શમણાં અધૂરાં જ રહે છે. વચ્ચેના કાળમાં ડોકાઈ જતી દેખાતી શાન્તિ સાપેક્ષ મૃગજળ સમી જ બની રહે છે.

વૈશ્વિક, સામાજિક ભૂમિકા પર હૅગલે વાદ-પ્રતિવાદ-સમાધાનનું ચક્ર કલ્પ્યું છે. તે પ્રમાણે એક ખ્યાલ સાથે બીજો ખ્યાલ ટકરાય છે અને એમાંથી શરતી સમાધાન નીપજે છે. પણ એ સમાધાનમાંય નવા વાદનું બીજ રહેલું હોય છે. Thesis – Antithesis and synthesisની આ ઘટમાળ ચાલ્યા જ કરે છે એટલે એની દૃષ્ટિએ તો સ્થાયી – શાશ્વત શાન્તિની ક્યાંય સંભાવના નથી.

ત્યારે આપણે કરીશું શું? હૅગલની ઘટનાસાંકળને શિરોમાન્ય કરીને શાશ્વત શાન્તિની આપણી શોધયાત્રાને સંકેલી લેશું ખરા કે? એનો જવાબ નકારમાં આવે છે. કારણ કે માણસ આશાને તાંતણે જ જીવે છે. શાશ્વત શાન્તિની વિશ્વમાં સંભાવના ન દેખાતી હોવાથી આપણે સામૂહિક આપઘાત કરવો ન જોઈએ. ભાવિની ઉજ્જવળતામાં આપણી શ્રદ્ધા હોવી જોઈએ. માનવ બુદ્ધિને આવું છાજે નહિ. આપણા પ્રયત્નો તો ચાલુ રહેવા જ જોઈએ.

આપણે જાણીએ છીએ કે શાન્તિ માટેના માનવના પ્રયાસો છેવટે સમાધાન દ્વારા શાન્તિ લાવી શક્યા છે. ભલે એ સમાધાન શરતી હોય અને ભલે એ શાન્તિ ટકાઉ ન હોય છતાં વાટાઘાટો, ચર્ચાઓ વગેરે દ્વારા શરતી સમાધાન શોધીને સાપેક્ષ શાન્તિ તો માણસ હાંસલ કરી શક્યો છે. અને જ્યાં સુધી નિરપેક્ષ શાન્તિની ભાળ ન મળે ત્યાં સુધી એવા પ્રયત્નો ચાલુ રાખવા જ જોઈએ.

ચિરસ્થાયી શાન્તિનો ઉપાય ન સૂઝવાનું કારણ એ છે કે માણસની બુદ્ધિ એ ખોજ કરવામાં સ્વલક્ષી રીતે જ ચાલતી હોય એવું લાગે છે અને બીજું કારણ એ લાગે છે કે શાન્તિ લાવવા માટે જે કંઈ ફેરફાર કરવાનો છે. તે સામેવાળાએ જ કરવાનો છે એમ બન્ને પક્ષો માને છે. સગવડ સાચવવી, સહાનુભૂતિ સેવવી, સમજવા શ્રમ કરવો – આ બધું સામે પક્ષે જ કરવાનું છે – એમ બન્ને પક્ષો માને છે.

ત્યારે શાશ્વત શાન્તિ પ્રાપ્ત કરવાનો કોઈ માર્ગ ક્યાંયે દેખાય છે ખરો કે? આ સવાલનો જવાબ સદ્ભાગ્યે હકારમાં આવે છે. તે ઉપનિષદોનો માર્ગ છે. ઉપનિષદો કહે છે કે શાન્તિની ખોજ કરવા બાહ્ય સાધનોની જરૂર નથી. ડોળા ફાડીને આકાશની અનંતતાને પોતાનામાં સમાવી દેવાને બદલે આંખો બંધ કરીને ભીતરમાં જ અનંતતાની ખોજ કરવાનું ઉપનિષદો પ્રબોધે છે. એનો અર્થ એ છે કે ખરી અનુભૂતિ માટે ચર્ચા – વિચારણાઓ, વાટાઘાટો, ગોળમેજીઓ, વિધિઓ નકામી છે. એનાથી કશું કાયમી પ્રાપ્ત થઈ શકતું નથી. જગત્પરાયણ નહિ પણ આત્મપરાયણ થયા વગર અંતરનાં દ્વાર ખુલતાં નથી. આત્મપરાયણ થવા માટે તો જગતનો સ્વલક્ષિતાનો – ત્યાગ કરવો જોઈએ. ‘न प्रजया’ વગેરે મંત્ર કહે છે કે પ્રજા, ધન, પ્રવચન વગેરેથી આત્મા મળતો નથી પણ તે બધાના ત્યાગથી જ અમૃતત્વ મળે છે.

અહીં બે વસ્તુઓ સ્પષ્ટ થાય છે : એક તો શાન્તિનું કેન્દ્ર શાન્તિની ભૂમિકા – બહારનું જગત નહિ, પણ માણસનું મન હોવું જોઈએ અને બીજી વાત શાન્તિ માટે ચિંતન કરતું મન, સ્વલક્ષી રીતે નહિ, પણ પરલક્ષી રીતે કામ કરતું હોવું જોઈએ.

પરલક્ષી ચિંતન, પરિષ્કૃત થયેલું મન પોતે અને દેહ દ્વારા માનવ પાસે જે કંઈ બાહ્ય વર્તન કરાવશે તે વિશુદ્ધ શાન્તિના સાચા ઉપકરણરૂપ હશે, આમ ચિરસ્થાયી શાન્તિનું કેન્દ્રબિન્દુ વ્યક્તિ હશે અને પછી જ ‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી’-નો આદર્શ એવી વ્યક્તિ પામી શકે.

આમ વ્યક્તિમાં રહેલ વિશ્વમાનવનું ઉદ્ઘાટન ઉપનિષદો કરે છે. વ્યષ્ટિમાં સમષ્ટિ-પિંડમાં બ્રહ્માંડ – દેખાય છે અને વ્યક્તિ વૈશ્વિક શાન્તિની અનુભૂતિનો અધિકારી બને છે. યાદ રહે કે આવા મનને ઉપનિષદો ઘડે છે પણ સામૂહિક રીતે નહિ જ. વ્યક્તિગત રીતે જ આ શક્ય છે. આમ, જ્યાં સુધી વ્યક્તિ પોતાના મનને વિશુદ્ધ, વિશાલ, પરિષ્કૃત, પરલક્ષી બનાવી ન શકે ત્યાં સુધી તે પોતે પણ સ્થાયી શાન્તિ મેળવી શકતી નથી કે બીજાને એની પ્રેરણા પણ આપી શકતી નથી. પોતાની આંખ પરના કાળા કામળાને દૂર કર્યા વગર પાડોશીની આંખનું કણું કાઢવાની બાઈબલની વાત જેવું જ્યાં સુધી જગતમાં ચાલુ રહેશે ત્યાં સુધી શાશ્વત શાન્તિ દુર્લભ છે.

ઉપનિષદોએ આ વાત વારંવાર કહી છે. ઉપનિષદપાઠના આરંભે ગવાતા દસ શાન્તિપાઠના મંત્રોમાં આ ઈન્દ્રિય-મનની પરિષ્કૃતિને જ પ્રાધાન્ય અપાયું છે. પશ્ચિમની વિચારધારા કરતાં પૂર્વજની વિચારધારાનું આ પાયાનું અનોખાપણું છે. જાહેર સાર્વત્રિક કાનૂન વગેરેથી બધા લોકોનાં ભિન્ન ભિન્ન રસ-રુચિ-વલણવાળાં મન એક સાથે કેળવી – ઘડી શકાતાં જ નથી. બહુ બહુ તો મનની પશુવૃત્તિઓ અમુક કાળ સુધી કાબૂમાં રહે છે. અને મોકો મળ્યે ફરી ઉથલો મારે છે એટલે વ્યક્તિઘડતર દ્વારા સમાજઘડતર અને આંતરિક શાન્તિ દ્વારા બાહ્ય શાન્તિને આપણાં ઉપનિષદો પ્રબોધે છે. એટલે શાન્તિ ઝંખનારાએ પ્રથમ પોતાની જાતને જ વિશાળ વિશુદ્ધ કરવી જોઈએ, અને વિશાળ નિર્મળ મનની આંખે જોવાયેલું જગત જુદું જ હશે!

‘શાન્તિના અધિકરણ તરીકે વ્યક્તિને અને શાન્તિના સ્વરૂપ તરીકે આત્મપરાયણતાનો બોધ આપતાં આ ઉપનિષદોના વારસાને જરીપુરાણો ગણી ફેંકી દેવાનું કહેનાર એક ક્રાન્તિવાદી વર્ગ આપણે ત્યાં ઊભો થયો છે. એ ક્રાંતિવાદીઓ ફાવશે તો ભારતવર્ષ પોતાનું વિશિષ્ટ વ્યક્તિત્વ ગુમાવી બેસશે’ – આવા ડૉ. રાધાકૃષ્ણન્‌ના વિધાનના સંદર્ભમાં એ વારસાની ગરિમા ગાવા અને એનું સ્મરણ કરવાનો આ લેખનો ઉદ્દેશ છે. આધ્યાત્મિક અનુભૂતિઓથી સમ્પન્ન અને પરિશીલનથી જીવનપરિવર્તન પામેલા ઋષિ મુનિઓએ ઉચ્ચારેલાં મહાવાક્યોમાં શાન્તિનો પડકાર ઝીલવાની તાકાત આપણને અવશ્ય માલૂમ પડશે.

આ ઉપનિષદો કહે છે કે જગતની આ દેખાતી વિવિધતાઓ કે અલગતાના મૂળમાં એકતા છે. અને જ્યાં એક આત્મા જ હોય ત્યાં ભય વળી કેવો? ‘द्वितीयाद्वै भयं भवति’ – બે હોય ત્યાં જ ભય હોય છે અને જ્યાં અભય હોય, સ્વતંત્રતા હોય, સંવાદિતા અને વિશાળતા હોય, વિશુદ્ધિ હોય, ત્યાં નિરપેક્ષ અને શાશ્વત શાન્તિ આવી મળે જ છે.

જૂનાપૂરાણાં ઉપનિષદોની આધ્યાત્મિક્તાની અવેજીમાં અદ્યતન વિકસિત વિજ્ઞાન શાન્તિ સ્થાપનામાં મોટો અને કાયમી ફાળો આપી શકે તેમ છે. એવું કેટલાકનું માનવું છે. પણ વિજ્ઞાનનો વિનિયોગ વિઘાતક રીતે કે વિધાનાત્મક રીતે માનવનું મન જ કરે છે એટલે છેવટે તો વ્યક્તિગત મનની જ ભૂમિકા પ્રથમ રહે છે અને વિશુદ્ધ નિઃસ્વાર્થ અંતઃકરણવાળી વિરલ વિભૂતિઓ જ શાન્તિની સંજીવની બની શકે છે. વિકસેલા વિજ્ઞાને આજે જગતમાં ભૌતિક એકતા તો સ્થાપી છે, પરંતુ ‘જગત એક કુટુંબ જ છે’ – એવું ભાન હજુ માનવ મનમાં વસ્યું નથી. ‘यत्र विश्वं भवति एकनीडम्’ની ઉપનિષદોની ઘોષણા હજુ જનમાનસને પૂરું સંભળાયું – સમજાયું નથી. જગત એક દેહ રૂપ બન્યું છે, પણ એમાં પ્રાણ પૂરવાનું કાયમ બાકી છે. અને એ કામ ઉપનિષદો જ કરી શકે તેમ છે.’ એક જગદાત્માના જન્મ માટે એક જગત્ – રાષ્ટ્રની ભાવના ઊગવી જોઈએ.’ – એવુ ડૉ. રાધાકૃષ્ણન્‌નું વિધાન ઉપનિષદ વાક્યોનો જ પડઘો પાડે છે.

આત્મપરાયણતા અને આત્મૈક્યને પ્રબોધતાં ઉપનિષદો આપાતતઃ શાન્તિપંથનો પુરસ્કાર કરે જ છે કારણ કે ‘अहं ब्रह्मास्मि’ એ ઉપનિષદ્ – મહાવાક્યના સૂચવ્યા પ્રમાણે જો હું સર્વવ્યાપક હોઉં તો બીજાને જ્યારે હું દુઃખ પહોંચાડું છું ત્યારે મારી જાતને જ દુ:ખી કરું છું એવું દર્શન શાન્તિવાંછુ સાધકને થવું જ જોઈએ. વિશ્વાત્મૈક્યની આ વ્યાવહારિક ભૂમિકા છે. ઉપનિષદો આ શાન્તિદાયી મૂલગત એકતા વારંવાર ઉદ્ઘોષિત કર્યા જ કરે છે.

કેવળ સ્વલક્ષિતાનું નાનકડું કોચલું છોડીને સનાતન આત્મૈક્યની ઝાંખી કરનારાને કોઈ વેરી કેમ હોઈ શકે? ઉપનિષદોનું બ્રહ્મ અલગ રહીને નહિ, પણ અનુસ્યૂત થઈને સર્જન કરે છે. સૃષ્ટિ એ બ્રહ્મનું જ વ્યક્ત સ્વરૂપ છે. આવી અનુભૂતિથી સમ્પન્ન મહાત્માઓને અથવા તો એ દર્શનના શ્રદ્ધાળુજનોને યુદ્ધ, વૈર, વિસંવાદિતા વગેરે હોઈ જ ન શકે અને શાન્તિ જ શાન્તિ હોય.

આવા ઋષિમુનિઓ કોઈ એક દેશના કે કાળના નથી હોતા. તેઓ તો સર્વદેશીય અને સર્વકાલિક હોય છે. સ્વદેશપ્રેમ કરતાં પણ આત્મપ્રકાશ મોટી વસ્તુ છે અને એ જ વિશ્વ કુટુંબભાવ જન્માવે છે. ઉપનિષદ્‌ના ઋષિએ આખા વિશ્વ પર પ્રેમની અમૃત દૃષ્ટિ નાખીને જ આખા જગતને એક માળા રૂપે કલ્પ્યું છે.

સમગ્ર વિશ્વમાં શાશ્વત શાન્તિ સ્થપાવાનું આપણું શમણું ક્યારે સિદ્ધ થશે તે આપણે જાણતા નથી. પણ પોતાની જાતને બદલીને એ પરમ આદર્શ પામવાનો યત્ન તો અવશ્ય કરવા જેવો છે, કારણ કે એ આદર્શને પામેલા ઋષિ-મુનિઓએ જ ઉપનિષદની વાણી ઉચ્ચારી છે. માનવની કલ્પના પહોંચે એવો ઉત્તમોત્તમ આદર્શ એ વ્યક્તિપરિવર્તનના પ્રયત્નનું છેવટનું ફળ છે. આ પરિવર્તિત વ્યક્તિત્વ જ વ્યક્તિબાહ્ય સમગ્ર વાતાવરણને સુધારનારું એક મહત્ત્વનું પરિબળ બની રહે છે. આ આંતરખોજથી ભર્યુંભાદર્યું જીવન જીવનારાને ક્યાંય અશાન્તિ નથી. એને મૃગજળી બાહ્ય ધમપછાડા સ્પર્શતા નથી. સર્વવ્યાપક આત્મભાવના સમગ્રને પોતામાં સમાવશે અને પોતાની નિર્મળતા, સ્થિરતા અને શાન્તિનાં સર્વમાં દર્શન કરશે. એ જ અખંડ જીવનનુ દર્શન છે. આપણા જીવનના દરેક કાર્યમાં – શ્વાસોચ્છ્વાસમાં પણ ત્યારે પરમાત્માની પૂજા જ અભિવ્યક્ત થશે.

ઉપનિષદોનો આ આદર્શ માનવજીવનમાં – માનવના અંતકરણમાં ચિરશાન્તિ લાવનાર છે; પછી દુનિયા ભલે વિદ્વેષ વિવાદ-વિખવાદ, સંઘર્ષ કે આત્મવિનાશમાં પડી રહે!

આજે દુનિયાની લગભગ આવી જ સ્થિતિ છે. ચોતરફ રાજનૈતિક, આર્થિક વગેરે વાદોના જાળાંમાં ફસાયેલા જગતને આજે જીવનસંબંધી ચિંતનમનન કરવાની જાણે કે ફુરસદ જ નથી. આવે વખતે ઉપનિષદો માનવજાતને ઢંઢોળીને વ્યક્તિગત અને ફલતઃ સામાજિક શાન્તિમય જીવન જીવવા માટે પ્રવૃત્ત કરે છે.

ઉપનિષદ્‌ની ઘોષણા છે : ‘तरति शोकमात्मवित् – આત્માને – પોતાને- જાણનાર શોકને પાર કરે છે. વળી કહે છે : ‘तत्र को मोहः कः शोकः एकत्वमनुपश्यतः?’ સર્વત્ર અભેદનું એકત્વનું દર્શન કરનારને વળી મોહ શાનો? એને વળી શોક શાનો? વળી પણ કહે છે : ‘ज्ञात्वां शिवं शान्तिमत्यन्तमेति’ – આ પરમમંગલમય પરમાત્મતત્ત્વને જાણીને – આત્મૈક્યની અનુભૂતિ કરીને – માનવ પરમ શાન્તિને પામે છે. આવાં આવાં તો અનેક વિધાનો આપણને ઉપનિષદોમાંથી મળશે. શોકમોહમુક્તિ એ જ શાન્તિ છે. ઉપનિષદો કહે છે : ‘या विद्या सा विमुक्तये’ રાગદ્વેષાદિથી જે મુક્તિ અપાવે તે જ વિદ્યા – મુક્તિ જ શાન્તિ છે.

ઉપનિષદોનો આ શાન્તિસંદેશ ચાલો આપણે સૌ ઝીલીએ, આપણા અસ્તિત્વની સમગ્ર સૃષ્ટિના અસ્તિત્વ સાથે એકતાની આપણે ઝાંખી કરીએ, સૌ સુખી, નીરોગી, સંવાદિતાભર્યા, કલ્યાણદર્શી બનો અને જ્યાં સુધી એવું ન થાય, ત્યાં સુધી આપણને જંપ ન વળો, આપણે પણ એવું પરમકૃપાળુ પરમાત્મા પાસે માગીએ કે –

‘न त्वहं कामये राज्यं न स्वर्गं नापुनर्भवम् ।

कामये दुःखतप्तानाम् प्राणिनामार्तिनाशनम्।

અર્થાત્ – મારે રાજ્ય, સ્વર્ગ કે મોક્ષ જોઈતાં નથી. દુઃખી જનોનાં દુઃખ દૂર કરવાની જ મારી મરજી છે.

ઉપનિષદોના અધ્યયનથી ઓછામાં ઓછા આપણે ‘પારકી છઠ્ઠીના જાગતલ’ થઈશુ તો પણ શાન્તિ ઝાઝી દૂર નહિ રહે! એ હાથવેંતમાં આવી જશે.

Total Views: 103

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.